યહોવાહ આપણા ઘેટાંપાળક છે
“યહોવાહ મારો પાળક છે; તેથી મને કશી ખોટ પડશે નહિ.”—ગીતશાસ્ત્ર ૨૩:૧.
૧-૩. દાઊદ યહોવાહને કોની સાથે સરખાવે છે? શા માટે?
તમને જો પૂછવામાં આવે કે યહોવાહ તેમના ભક્તોની કેવી રીતે સંભાળ રાખે છે, તો તમે શું કહેશો? તમે યહોવાહને કોની સાથે સરખાવશો? આજથી ૩,૦૦૦ વર્ષો પહેલાં, રાજા દાઊદે સુંદર શબ્દ ચિત્રથી એનું વર્ણન કર્યું. નાનપણમાં દાઊદ ઘેટાંપાળક હતા. એના પરથી તેમણે જણાવ્યું કે યહોવાહ પોતાના ભક્તોની કેવી રીતે સંભાળ રાખે છે.
૨ ઘેટાંની સારી રીતે સંભાળ રાખવાનું દાઊદ જાણતા હતા. ઘેટાં જો એકલાં પડી જાય, તો ખોવાઈ જઈ શકે. જંગલી જનાવર ખાઈ જઈ શકે. ચોરાઈ જઈ શકે. (૧ શમૂએલ ૧૭:૩૪-૩૬) ઘેટાંપાળક લીલાછમ ઘાસમાં ચરવા ન લઈ જાય તો, તેઓ ભૂખે મરી જઈ શકે. દાઊદને પોતાના બચપણની એવી કેટલી મીઠી યાદો હશે. જેમ કે કઈ રીતે ઘેટાંને એકથી બીજી જગ્યાએ દોરી જતા, ઘેટાંનું રક્ષણ કરતા અને કેવી રીતે તેઓને ખાવાનું આપતા ને પાણી પાતા.
૩ યહોવાહ તેમના ભક્તોની કઈ રીતે સંભાળ રાખે છે, એ દાઊદે લખ્યું ત્યારે, તેમને એ બધું યાદ આવ્યું હશે. દાઊદે ગીતશાસ્ત્ર ત્રેવીસની શરૂઆતમાં લખ્યું, “યહોવાહ મારો પાળક છે; તેથી મને કશી ખોટ પડશે નહિ.” દાઊદે કેમ એવું કહ્યું? એ જાણવા ચાલો આપણે ગીતશાસ્ત્ર ત્રેવીસની ચર્ચા કરીએ.—૧ પીતર ૨:૨૫.
યહોવાહ ઘેટાંપાળક જેવા છે
૪, ૫. ઘેટાં વિષે બાઇબલ શું કહે છે?
૪ બાઇબલમાં યહોવાહના અનેક ટાઈટલો કે ખિતાબો છે. એમાંનું એક ‘ઘેટાંપાળક’ છે. ઘેટાંપાળક કોમળ રીતે ઘેટાંની સંભાળ રાખે છે. (ગીતશાસ્ત્ર ૮૦:૧) પણ યહોવાહને કેમ ઘેટાંપાળક સાથે સરખાવવામાં આવે છે? એનો જવાબ જોતા પહેલાં આપણે એ સમજીએ કે ઘેટાં કેવાં હોય છે. ઘેટાંપાળક કેવા હોય છે. ઘેટાંપાળકનું કામ શું હોય છે.
૫ બાઇબલ કહે છે કે ઘેટાં પોતાના માલિકનું સાંભળે છે. (૨ શમૂએલ ૧૨:૩) સામે નથી થતાં. (યશાયાહ ૫૩:૭) પોતાનું રક્ષણ નથી કરી શકતાં. (મીખાહ ૫:૮) એક લેખક વર્ષોથી ઘેટાંપાળક હતા. તે લખે છે, “લોકો માને છે કે ઘેટાંનું બહુ ધ્યાન રાખવાની જરૂર નથી. ખરું જોતાં ‘ઘેટાં કંઈ પોતે પોતાની સંભાળ રાખતાં નથી.’ બીજા ઢોરઢાંક કરતાં ઘેટાંની વધારે સંભાળ રાખવી પડે છે.” એ બતાવે છે કે ઘેટાંપાળક વગર તેઓ જીવી જ ન શકે.—હઝકીએલ ૩૪:૫.
૬. બાઇબલનો એક શબ્દકોશ ઘેટાંપાળકના દિવસ વિષે શું કહે છે?
૬ પહેલાના જમાનામાં ઘેટાંપાળકને રોજ શું કરવું પડતું? એના વિષે બાઇબલનો એક શબ્દકોશ કહે છે કે ‘ઘેટાંપાળક સવારે વહેલો ઊઠીને ઘેટાંને ચરાવવા લઈ જતો. તે આગળ આગળ, ઘેટાં પાછળ પાછળ. તે ઘેટાંને લીલાછમ ઘાસ પાસે લઈ જાય. પછી ઘેટાં ચરે, તે તેઓનું ધ્યાન રાખે. જો કોઈ અટવાઈ જાય તો એને પાછું લાવે. સાંજે તે ઘેટાંને પાછો ઘરે લાવતો. તેઓને વાડામાં પૂરતી વખતે તે દરવાજા પાસે ઊભો રહીને લાકડીથી ગણતરી કરતો. ઘણી વાર રાતે ઘેટાંની ચોકી પણ કરવી પડતી. નહિ તો કોઈ જનાવર કે ચોર લપાતા-છુપાતા તેઓનો શિકાર કરી જાય.’a
૭. ઘેટાંપાળકે ક્યારે વધારે ધીરજ ને પ્રેમ બતાવવાની જરૂર પડતી?
૭ ઘેટાંપાળકે હજુયે વધારે પ્રેમ અને ધીરજ બતાવવાની ક્યારે જરૂર પડતી? જ્યારે ઘેટી બચ્ચાને જન્મ આપવાની હોય કે ટોળામાં નાનાં બચ્ચાં હોય. (ઉત્પત્તિ ૩૩:૧૩) બાઇબલ વિષેનું એક પુસ્તક કહે છે, ‘ઘણી વાર પહાડીઓમાં ઘેટાં ચરવા ગયાં હોય ત્યારે, ઘેટી બચ્ચાંને જન્મ આપે છે. આવા સમયે ઘેટાંપાળક તેઓની ખાસ ચોકી કરે છે. ઘણી વાર નવાં જન્મેલાં બચ્ચાંને ઊંચકીને ટોળામાં લઈ જાય છે. કોઈ વાર બચ્ચાં ચાલી ન શકતાં હોવાથી, તે તેઓને પોતાના હાથથી ગોદમાં ઊંચકી લે છે. તે પોતાની શાલમાં પણ વીંટાળી લે છે.’ (યશાયાહ ૪૦:૧૦, ૧૧) એ બતાવે છે કે ઘેટાંપાળક હિંમતવાળો ને પ્રેમાળ હોવો જોઈએ.
૮. યહોવાહ પોતાના ભક્તોની સંભાળ રાખશે એના દાઊદે કયાં કારણો આપ્યાં?
૮ “યહોવાહ મારો પાળક છે,” એ કેટલું સુંદર શબ્દ ચિત્ર છે! ગીતશાસ્ત્ર ત્રેવીસમાંથી આપણે જોઈશું કે યહોવાહ કઈ રીતે ઘેટાંપાળકની જેમ તેમના ભક્તોની સંભાળ રાખે છે. દાઊદે પહેલી કલમમાં જણાવ્યું હતું તેમ, યહોવાહના ભક્તોને “કશી ખોટ પડશે નહિ.” શા માટે? દાઊદ બાકીની કલમોમાં એનાં ત્રણ કારણો જણાવે છે. યહોવાહ તેમના ભક્તોને દોરવણી આપે છે. રક્ષણ આપે છે. જ્ઞાન પૂરું પાડે છે. કઈ રીતે? ચાલો આપણે એક-પછી-એક વિષે જોઈએ.
‘તે મને ચલાવે છે’
૯. દાઊદે કેવી જગ્યા વિષે લખ્યું? એવી જગ્યાએ ઘેટાં કઈ રીતે પહોંચી શકે?
૯ ચાલો પહેલા જોઈએ કે યહોવાહ પોતાના ભક્તોને કઈ રીતે દોરે છે. દાઊદે લખ્યું કે ‘તે લીલાં બીડમાં, ઘાસમાં મને સુવાડે છે; તે શાંત પાણીની પાસે મને દોરી જાય છે. તે મને તાજો કરે છે; પોતાના નામની ખાતર તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે.’ (ગીતશાસ્ત્ર ૨૩:૨, ૩) દાઊદ અહીં સુંદર શબ્દ ચિત્રમાં જણાવે છે કે ઘેટાંને લીલાછમ ઘાસમાં સૂવાનું ગમે છે. એનાથી તેઓ તાજાંમાજાં થઈ જાય છે. ત્યાં તેઓને કોઈનો ડર લાગતો નથી. હેબ્રી ભાષામાં લીલું બીડ એટલે “આનંદી ને સલામત જગ્યા.” કલમ બતાવે છે કે ઘેટાં પોતાની જાતે એવી જગ્યા શોધી કાઢતાં નથી. તેઓનો માલિક ત્યાં લઈ જાય છે.
૧૦. યહોવાહને શા માટે ભરોસો છે કે આપણે તેમના જેવા ગુણો કેળવી શકીએ છીએ?
૧૦ આજે યહોવાહ તેમના ભક્તોને પોતાના દાખલાથી માર્ગદર્શન આપે છે. એટલે બાઇબલ આપણને કહે છે કે “દેવનું અનુકરણ કરનારાં થાઓ.” (એફેસી ૫:૧) એ કલમોની આગળ-પાછળનાં વાક્યો ઉત્તેજન આપે છે કે માયાળુ બનો. માફી આપો. એકબીજા પર પ્રેમ રાખો. (એફેસી ૪:૩૨; ૫:૨) યહોવાહ બધી રીતે આ ગુણો બતાવે છે. શું આપણે યહોવાહ જેવા ગુણો કેળવી શકીએ? હા, ચોક્કસ. આપણે એમ કરી શકીએ છીએ, એવો યહોવાહને પૂરો ભરોસો છે. એનો શું પુરાવો છે? યહોવાહે આપણામાં તેમના જેવા ગુણો મૂક્યા છે. તેમની ભક્તિની તરસ મૂકી છે. (ઉત્પત્તિ ૧:૨૬) ખરું કે યહોવાહ જાણે છે કે મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. તોપણ તે આપણામાં ભરોસો મૂકે છે કે આપણે તેમના જેવા ગુણો કેળવી શકીએ! જો તેમના પગલે ચાલીશું, તો તે ઘેટાંપાળકની જેમ આપણને ‘સલામત જગ્યાએ’ લઈ જશે. આજે દુનિયામાં ચારે બાજુ અશાંતિ છે. યહોવાહના માર્ગમાં ચાલીશું તો આવા જગતમાં પણ ‘સલામતીમાં’ રહી શકીશું. યહોવાહના આશીર્વાદોને લીધે આપણને મનની શાંતિ હશે.—ગીતશાસ્ત્ર ૪:૮; ૨૯:૧૧.
૧૧. યહોવાહ આપણામાં શું પારખે છે? તે આપણી પાસેથી કેવી ભક્તિ સ્વીકારે છે?
૧૧ સારા ઘેટાંપાળક પોતાનાં ઘેટાંની શક્તિ પ્રમાણે તેઓને દોરી જશે. (ઉત્પત્તિ ૩૩:૧૪) યહોવાહ પણ એમ જ કરે છે. તે આપણી સાથે પ્રેમથી અને ધીરજથી વર્તે છે. તે આપણા સંજોગો અને આવડતો પારખે છે. આપણા ગજા પ્રમાણેની ભક્તિ તે સ્વીકારે છે. ફક્ત એટલું જ કે આપણે જે કંઈ કરીએ, એ પૂરા દિલથી કરીએ. (કોલોસી ૩:૨૩) પણ ઘડપણને લીધે કે બીમારીને લીધે પહેલાંની જેમ ભક્તિ ન કરી શકીએ તો શું? એવા સંજોગોમાં પણ આપણે દિલથી ભજીએ તો યહોવાહ બહુ જ રાજી થાય છે. એ કેવો મોટો આશીર્વાદ કહેવાય! આપણે જાણીએ છીએ કે પાંચેય આંગળીઓ એકસરખું કામ કરી શકતી નથી. પણ આપણે જે કરીએ એ તન-મનથી કરવું જોઈએ. ભલે કોઈ કારણે આપણે યહોવાહની ભક્તિમાં થોડું કરીએ, પણ દિલથી કરીએ. એ યહોવાહની નજરમાં મૂલ્યવાન છે.—માર્ક ૧૨:૨૯, ૩૦.
૧૨. યહોવાહ ગજા પ્રમાણે આપણી ભક્તિ સ્વીકારે છે એનો દાખલો આપો.
૧૨ યહોવાહ પ્રેમથી આપણને દોરે છે. તે આપણા ગજા પ્રમાણે ભક્તિ સ્વીકારે છે. ચાલો એનો એક દાખલો લઈએ. યહોવાહે મુસા દ્વારા ઈસ્રાએલીઓને નિયમ આપ્યા હતા કે પાપની માફી મેળવવા શું કરવું. નિયમ પ્રમાણે દોષિત વ્યક્તિ માફી મેળવવા, પસ્તાવો કરીને સૌથી સારું અર્પણ ચડાવે. એ પોતાના ગજા પ્રમાણે ચડાવવાનું હતું. નિયમ કહેતો હતો કે ‘જો હલવાન લાવવું એ તેના ગજા ઉપરાંત હોય, તો તે બે હોલા કે કબૂતરનાં બે બચ્ચાં લાવે.’ જો વ્યક્તિ એ પણ ન આપી શકે તો શું? તો તે થોડો ‘મેંદો લાવે.’ (લેવીય ૫:૭, ૧૧) યહોવાહે તેમના ભક્તો પર કદી બળજબરી કરી ન હતી અને કરશે પણ નહિ. આપણે જે કંઈ કરીએ એ તન-મનથી કરીએ, એનાથી તે ખૂબ જ ખુશ છે. એ જાણીને દિલમાં કેટલી ઠંડક થાય છે! (માલાખી ૩:૬) ખરેખર, ઘેટાંપાળકની જેમ યહોવાહ આપણને કેટલા પ્રેમથી દોરે છે!
“હું કંઈ પણ ભૂંડાઈથી બીશ નહિ; કેમ કે તું મારી સાથે છે”
૧૩. ગીતશાસ્ત્ર ૨૩:૪માં દાઊદ યહોવાહને શું કહીને બોલાવે છે? શા માટે?
૧૩ દાઊદને યહોવાહમાં પૂરો ભરોસો હતો એનું બીજું કારણ શું છે? એ જ કે ઘેટાંપાળકની જેમ યહોવાહ પોતાના ભક્તોનું રક્ષણ કરશે. દાઊદે લખ્યું, “જો કે મરણની છાયાની ખીણમાં હું ચાલું, તોએ હું કંઈ પણ ભૂંડાઈથી બીશ નહિ; કેમ કે તું મારી સાથે છે; તારી લાકડી તથા તારી છડી મને દિલાસો દે છે.” (ગીતશાસ્ત્ર ૨૩:૪) દાઊદ યહોવાહ માટે “તું” વાપરે છે, કેમ કે યહોવાહ સાથે તેમનો પાક્કો નાતો હતો. દાઊદ કહે છે કે યહોવાહે તેમને કેવી કેવી મુશ્કેલીઓ ને આફતોમાં મદદ કરી હતી. તે ઘણી વાર ‘મરણની છાયાની ખીણમાંથી’ પસાર થયા હતા. તે જરાય ગભરાયા કે ડર્યા ન હતા. શા માટે? દાઊદ જાણતા હતા કે યહોવાહ “લાકડી” અને ‘છડીથી’ ચોક્કસ તેમનું રક્ષણ કરશે. દાઊદના દિલને કેવી ઠંડક વળી હશે! એનાથી યહોવાહ સાથેનો તેમનો નાતો હજુયે પાક્કો થયો.b
૧૪. યહોવાહ આપણું રક્ષણ કરશે જ એના વિષે બાઇબલ શું કહે છે? એનો શું અર્થ નથી થતો?
૧૪ યહોવાહ તેમના ભક્તોનું આજે કઈ રીતે રક્ષણ કરે છે? શેતાન, તેના દૂતો કે કોઈ પણ માણસ યહોવાહના ભક્તોને મિટાવી શકશે નહિ. બાઇબલ ગેરંટી આપે છે કે યહોવાહ એવું કદી થવા દેશે નહિ. (યશાયાહ ૫૪:૧૭; ૨ પીતર ૨:૯) એનો અર્થ એવો નથી કે આપણા પર કોઈ દુઃખો નહિ આવે. બધા પર જે દુઃખો આવે છે, એ જ આપણા પર આવે છે. સાથે સાથે યહોવાહના ભક્તો અનેક પ્રકારની સતાવણી પણ સહે છે. (૨ તીમોથી ૩:૧૨; યાકૂબ ૧:૨) કોઈ વાર તકલીફોને લીધે આપણે ‘મરણની છાયાની ખીણમાં’ ચાલતા હોઈએ એવું લાગે. કોઈ સતાવણી કે બીમારીને કારણે જીવન ને મોતની વચ્ચે જાણે ઝોલાં ખાતા હોઈએ. આપણું કોઈ સગું-વહાલું ગુજરી ગયું હોય શકે. એનાથી આપણા જીવનમાં અંધકાર છવાયો હોય શકે. પણ આપણે ભૂલીએ નહિ કે યહોવાહ આપણી સાથે છે. ચાલો જોઈએ કે તે કઈ રીતે આપણું રક્ષણ કરશે.
૧૫, ૧૬. (ક) યહોવાહ આપણને દુઃખો સહન કરવા કેવી રીતે મદદ કરે છે? (ખ) યહોવાહે એક ભાઈને દુઃખ સહેવા કેવી રીતે મદદ કરી, એ જણાવો.
૧૫ યહોવાહ આપણને બચાવવા કોઈ ચમત્કાર કરવાનું વચન આપતા નથી.c પણ એવું કહે છે કે દુઃખો સહન કરવા તે આપણને માર્ગદર્શન આપશે. ડહાપણ આપશે. (યાકૂબ ૧:૨-૫) ઘેટાંપાળક ઘેટાંનું જંગલી જનાવરથી રક્ષણ કરવા જ લાકડી ન વાપરતા. પણ લાકડીથી ઘેટાંને સીધા રસ્તે દોરતા. યહોવાહ આપણને કઈ રીતે તેમના માર્ગમાં ચલાવે છે? જેમ કે મંડળના ભાઈ-બહેનો બાઇબલમાંથી સલાહ આપે. એ પાળીને તકલીફો સહન કરવા આપણને મદદ મળશે. (ફિલિપી ૪:૧૩) એટલું જ નહિ પણ દુઃખો સહન કરવા યહોવાહ તેમનો પવિત્ર આત્મા કે શક્તિ આપશે. તેમની શક્તિનો કોઈ હિસાબ નથી. (૨ કોરીંથી ૪:૭) પછી ભલેને શેતાન આપણા પર ગમે તેવી કસોટી લાવે, એ પણ આપણે સહી શકીશું. (૧ કોરીંથી ૧૦:૧૩) જો યહોવાહ આપણી સાથે હોય તો આપણને શાનો ડર!
૧૬ જીવનમાં કોઈ વાર એવા દુઃખો આવી પડે કે જાણે આપણે અંધારી ખીણમાં ચાલતા હોઈએ. તોપણ આપણે ડરવાની જરૂર નથી. ઘેટાંપાળકની જેમ યહોવાહ આપણને મદદ કરશે. આપણે ધાર્યું પણ નહિ હોય એ રીતે તે મદદ કરશે. ચાલો એક ભાઈનો અનુભવ લઈએ. આ ભાઈ વડીલ છે. તેમને મગજમાં કેન્સરની ગાંઠ છે. તે કહે છે, “પહેલાં તો મને એમ થયું કે યહોવાહ મારાથી નારાજ છે. તેમને મારી કંઈ પડી નથી. તોપણ મારું દિલ તેમનો સાથ છોડવા ચાહતું ન હતું. યહોવાહની આગળ મેં મારું દિલ ઠાલવ્યું. તેમણે મને મંડળ દ્વારા મદદ કરી. ભાઈ-બહેનો મને આવીને જણાવતા કે યહોવાહે તેઓની બીમારીમાં કેવી રીતે મદદ કરી. હું જોઈ શક્યો કે મારી જેમ બીજાઓ પર ઘણાં દુઃખો આવે છે. ભાઈ-બહેનોએ મને બનતી બધી જ મદદ કરી. હું જોઈ શક્યો કે યહોવાહ મારાથી નારાજ નથી. જોકે મારી બીમારી ચાલી નથી ગઈ. મારે સહન તો કરવાનું જ છે. મને ખબર નથી કે કાલે શું થશે. પણ એક વાત ચોક્કસ કે યહોવાહ મને સાથ આપશે. મને શક્તિ આપશે.”
“તું મારે વાસ્તે ભાણું [મિજબાની] તૈયાર કરે છે”
૧૭. ગીતશાસ્ત્ર ૨૩:૫માં દાઊદ યહોવાહને કોની સાથે સરખાવે છે? આ બે મુદ્દાઓ કેમ મળતા આવે છે?
૧૭ દાઊદને યહોવાહમાં પૂરો ભરોસો હતો એનું ત્રીજું કારણ શું છે? એ જ કે ઘેટાંપાળકની જેમ યહોવાહ પોતાના ભક્તોને પુષ્કળ જ્ઞાન આપે છે. દાઊદે કહ્યું કે “મારા શત્રુઓ દેખતાં તું મારે વાસ્તે ભાણું [મિજબાની] તૈયાર કરે છે; તેં મારા માથા પર તેલ ચોળ્યું છે; મારો પ્યાલો ઉભરાય જાય છે.” (ગીતશાસ્ત્ર ૨૩:૫) આ કલમમાં દાઊદ કહે છે કે ઘેટાંપાળક પોતાનાં ઘેટાંને બરાબર ખવડાવે-પીવડાવે છે. અહીં બે મુદ્દાઓ મળતા આવે છે. એક તો યહોવાહ સંભાળ રાખે છે. બીજું કે તે બહુ જ ઉદાર છે. ઘેટાંપાળક જાણે છે કે પોતાનાં ઘેટાં માટે ક્યાં ક્યાં પુષ્કળ લીલુંછમ ઘાસ છે. ક્યાં પાણી છે. જેથી તેઓને ‘કશી ખોટ પડે’ નહિ.—ગીતશાસ્ત્ર ૨૩:૧, ૨.
૧૮. યહોવાહ કઈ કઈ રીતે ઉદાર છે?
૧૮ આજે યહોવાહ પોતાના ભક્તોને સત્યનું પુષ્કળ જ્ઞાન પૂરું પાડે છે. એ સૌથી સારું, પુષ્કળ પ્રમાણમાં અને જુદા જુદા પ્રકારનું હોય છે. યહોવાહ તેમના “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” દ્વારા પુસ્તકો, સભાઓ ને નાનાં-મોટાં સંમેલનોની ગોઠવણ કરે છે. જેથી સત્ય માટેની આપણી ભૂખ-તરસ મટતી રહે. (માત્થી ૨૪:૪૫-૪૭) સાચે જ યહોવાહના જ્ઞાનની આજે કોઈ ખોટ નથી. ‘વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકરે’ કરોડો બાઇબલો છાપ્યાં છે. એ સમજાવતા અનેક પુસ્તકો ૪૧૩ ભાષામાં બહાર પાડ્યાં છે. યહોવાહે આપણને બાઇબલ સમજાવતાં અનેક પુસ્તકો આપ્યાં છે. એમાં બાઇબલનું સાદું સત્ય સમજાવતા અને ઊંડી સમજણ આપતા પુસ્તકો પણ છે. (હેબ્રી ૫:૧૧-૧૪) આપણા જીવનમાં કોઈ નિર્ણય લેવાનો હોય કે કોઈ મુશ્કેલી આવી પડે ત્યારે, એમાંથી માર્ગદર્શન મળે છે. યહોવાહના સત્ય વગર આપણે શું કરત? સાચે જ યહોવાહ બહુ જ ઉદાર છે.—યશાયાહ ૨૫:૬; ૬૫:૧૩.
‘હું યહોવાહના ઘરમાં રહીશ’
૧૯, ૨૦. (ક) ગીતશાસ્ત્ર ૨૩:૬માં દાઊદે યહોવાહમાં કેવા ભરોસો બતાવ્યો? આપણે તેમના જેવી શ્રદ્ધા કઈ રીતે કેળવી શકીએ? (ખ) હવે પછીનો લેખ શાની ચર્ચા કરશે?
૧૯ ઘેટાંપાળકની જેમ યહોવાહે દાઊદની બહુ જ સંભાળ રાખી. એનું મનન કરતા દાઊદે લખ્યું, “નિશ્ચે મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત ભલાઈ તથા દયા મારી સાથે આવશે; અને હું સદાકાળ સુધી યહોવાહના ઘરમાં રહીશ.” (ગીતશાસ્ત્ર ૨૩:૬) દાઊદે યહોવાહની ખૂબ જ કદર કરી, કેમ કે તેમને વીતી ગયેલાં વર્ષોની મીઠી યાદો હતી. તેમને યહોવાહમાં અતૂટ શ્રદ્ધા હતી કે આવતા દિવસો સોનેરી હશે. દાઊદ ઘેટાંપાળક હતા. તે જાણતા હતા કે જ્યાં સુધી પોતે યહોવાહનો સાથ છોડશે નહિ, ત્યાં સુધી યહોવાહ તેમનો સાથ છોડશે નહિ. જાણે તે યહોવાહના ઘરમાં રહેતા હોય તેમ યહોવાહની કૃપા તેમના પર રહેશે.
૨૦ ગીતશાસ્ત્ર ૨૩ના મધુર શબ્દો ખરેખર યહોવાહનો આશીર્વાદ છે. દાઊદે સુંદર શબ્દોથી જણાવ્યું કે કઈ રીતે ઘેટાંપાળકની જેમ યહોવાહ પોતાના ભક્તોને દોરવણી આપે છે. રક્ષણ આપે છે. પુષ્કળ જ્ઞાન પૂરું પાડે છે. એ શબ્દો આપણી માટે સાચવી રાખવામાં આવ્યા છે જેથી યહોવાહમાં આપણી શ્રદ્ધા વધે. ઘેટાંપાળકની જેમ તે પોતાના ભક્તોની સંભાળ રાખશે જ. જ્યાં સુધી આપણે યહોવાહનો સાથ છોડીશું નહિ, ત્યાં સુધી તે આપણો સાથ છોડશે નહિ. હા, “સદાકાળ” તે આપણો સાથ છોડશે નહિ. એ માટે આપણે આપણા સૌથી મહાન ઘેટાંપાળક સાથે કાયમ ચાલતા રહેવું જોઈએ. એમ કરવા આપણે શું કરવું જોઈએ? હવે પછીનો લેખ એની ચર્ચા કરશે.
[ફુટનોટ્સ]
b યહોવાહે દાઊદને ઘણી આફતોમાંથી બચાવ્યા. એના વિષે દાઊદે ઘણાં ભજનો રચ્યાં. ગીતશાસ્ત્ર ૧૮, ૩૪, ૫૬, ૫૭, ૫૯ અને ૬૩ અધ્યાયો ઉપરનું લખાણ જુઓ.
c “શું ઈશ્વર તેમના ભક્તોને બચાવે છે?” ઑક્ટોબર ૧, ૨૦૦૩, ચોકીબુરજ જુઓ.
શું તમને યાદ છે?
• દાઊદ કેમ યહોવાહને ઘેટાંપાળક સાથે સરખાવે છે?
• યહોવાહ કઈ રીતે સત્યની સમજણ આપીને આપણને દોરે છે?
• યહોવાહ આપણને કેવી રીતે દુઃખો સહન કરવા મદદ કરે છે?
• આપણે શા માટે કહીએ છીએ કે યહોવાહ ઉદાર છે?
[પાન ૧૮ પર ચિત્ર]
ઈસ્રાએલના ઘેટાંપાળકની જેમ યહોવાહ પોતાના ભક્તોને દોરે છે