હલવાનના લગ્નની ખુશી મનાવીએ
‘આપણે આનંદ કરીએ તથા બહુ ખુશ થઈએ કેમ કે, હલવાનના લગ્નનો દિવસ આવ્યો છે.’—પ્રકટી. ૧૯:૭.
૧, ૨. (ક) કોના લગ્નથી સ્વર્ગમાં ખુશી છવાઈ જશે? (ખ) આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?
લગ્નની તૈયારીમાં હંમેશાં સમય લાગે છે. જોકે, આપણે એક ખાસ લગ્ન એટલે કે રાજવી લગ્ન પર વિચાર કરવાના છીએ, જેની તૈયારી આશરે ૨,૦૦૦ વર્ષોથી થઈ રહી છે. હવે વર અને કન્યાના મેળાપનો સમય ખૂબ જ નજીક આવી ગયો છે. જલદી જ, રાજાનો મહેલ આનંદી સંગીતથી ગુંજી ઊઠશે અને સ્વર્ગમાંના ટોળાં ગાશે: ‘હાલેલુયાહ! હવે આપણા સર્વશક્તિમાન ઈશ્વર રાજ કરે છે. આપણે આનંદ કરીએ, બહુ ખુશ થઈએ અને તેમને મહિમા આપીએ. કેમ કે, હલવાનના લગ્નનો દિવસ આવ્યો છે અને કન્યાએ પોતાને તૈયાર કરી છે.’—પ્રકટી. ૧૯:૬, ૭.
૨ એ “હલવાન” ઈસુ ખ્રિસ્ત છે, જેમના લગ્નમાં સ્વર્ગમાં ખુશી છવાઈ જશે. (યોહા. ૧:૨૯) લગ્નમાં તેમનો પોશાક કેવો છે? તેમની કન્યા કોણ છે? લગ્ન માટે કન્યાને કઈ રીતે તૈયાર કરવામાં આવી છે? લગ્ન ક્યારે થવાના છે? સ્વર્ગમાં થનાર એ ખુશીમાં, શું પૃથ્વી પર હંમેશ માટે જીવવાની આશા રાખનારા જોડાઈ શકે? એ સવાલોના જવાબ મેળવવા આપણે આતુર છીએ. તો ચાલો, ગીતશાસ્ત્રના ૪૫મા અધ્યાયની આગળ ચર્ચા કરીએ.
‘તેમનાં વસ્ત્રો સુગંધથી મહેકે છે’
૩, ૪. (ક) વરરાજાના પોશાક વિશે શું કહી શકાય અને તેમને શાનાથી વધુ ખુશી મળે છે? (ખ) વરરાજાની ખુશીમાં સામેલ “શણગારેલાં રાણીજી” અને “રાજપુત્રીઓ” કોણ છે?
૩ ગીતશાસ્ત્ર ૪૫:૮, ૯ વાંચો. વરરાજા ઈસુ ખ્રિસ્તે, લગ્નનો ભવ્ય પોશાક પહેર્યો છે. એ ‘ઉત્તમ સુગંધીઓ’ જેમ કે, બોળ અને તજની સુગંધીઓથી મહેકી રહ્યો છે. ઈસ્રાએલમાં એવી સુગંધીઓનો ઉપયોગ વ્યક્તિને અભિષિક્ત કરવા માટેના તેલમાં થતો.—નિર્ગ. ૩૦:૨૩-૨૫.
૪ લગ્ન નજીક આવે છે તેમ સ્વર્ગમાંના સંગીતથી રાજમહેલ ગુંજે છે, જેનાથી વરરાજા વધુ ખુશ થાય છે. “શણગારેલાં રાણીજી” એટલે કે ઈશ્વરના સંગઠનના સ્વર્ગીય ભાગમાં “રાજપુત્રીઓ” એટલે કે, પવિત્ર સ્વર્ગદૂતોનો પણ સમાવેશ થાય છે. તેઓ બધા એ ખુશીમાં સામેલ થયા છે. સ્વર્ગમાં વાણી સંભળાય છે કે, ‘આપણે આનંદ કરીએ તથા બહુ ખુશ થઈએ કેમ કે હલવાનના લગ્નનો દિવસ આવ્યો છે.’
કન્યાને લગ્ન માટે તૈયાર કરવામાં આવે છે
૫. કન્યા કોણ છે?
૫ ગીતશાસ્ત્ર ૪૫:૧૦, ૧૧ વાંચો. હવે, આપણે જાણીએ છીએ કે વરરાજા કોણ છે. પરંતુ, સવાલ થાય કે કન્યા કોણ છે? કન્યા, મંડળીના સભ્યોની બનેલી છે જેના શિર ઈસુ ખ્રિસ્ત છે. (એફેસી ૫:૨૩, ૨૪ વાંચો.) તેઓ ખ્રિસ્તના મસીહી રાજ્યનો ભાગ બનશે. (લુક ૧૨:૩૨) તેઓ પવિત્ર શક્તિથી અભિષિક્ત થયેલા ૧,૪૪,૦૦૦ ઈશ્વરભક્તો છે, જેઓ ‘હલવાન જ્યાં જાય છે ત્યાં તેની પાછળ ચાલનારા છે.’ (પ્રકટી. ૧૪:૧-૪) ‘હલવાનની પત્ની’ બનીને તેઓ ઈસુના ઘરમાં રહે છે, જે સ્વર્ગમાં છે.—પ્રકટી. ૨૧:૯; યોહા. ૧૪:૨, ૩.
૬. અભિષિક્તોને શા માટે “રાજપુત્રી” કહેવામાં આવ્યા છે અને શા માટે કન્યાએ ‘પોતાના લોકોને ભૂલી જવાનું’ છે?
૬ એ કન્યાને ફક્ત “હે દીકરી” જ નહિ, પરંતુ “રાજપુત્રી” પણ કહેવામાં આવી છે. (ગીત. ૪૫:૧૩) એ કયા “રાજા”ની પુત્રી છે? રાજા યહોવાની. તેમણે પોતાના અભિષિક્ત ભક્તોને “છોકરાં” તરીકે દત્તક લીધા છે. (રોમ. ૮:૧૫-૧૭) અભિષિક્તો સ્વર્ગની કન્યા બનવાના છે. એ કન્યાને કહેવામાં આવ્યું છે કે ‘પોતાના લોકોને તથા પોતાના પિતાના ઘરને ભૂલી જાય.’ ઉપરાંત, તેને સલાહ મળી છે કે ‘ઉપરની વાતો પર ચિત્ત લગાડે, પૃથ્વી પરની વાતો પર નહિ.’—કોલો. ૩:૧-૪.
૭. (ક) ખ્રિસ્ત પોતાની ભાવિ કન્યાને કઈ રીતે તૈયાર કરી રહ્યા છે? (ખ) કન્યા પોતાના ભાવિ પતિને કેવા ગણે છે?
૭ સદીઓથી, ખ્રિસ્ત પોતાના લગ્ન માટે ભાવિ કન્યાને તૈયાર કરી રહ્યા છે. પ્રેરિત પાઊલે જણાવ્યું કે ‘ખ્રિસ્તે મંડળી પર પ્રેમ રાખ્યો અને તેની માટે પોતાનું અર્પણ કર્યું. એ માટે કે એને વચનરૂપી પાણીથી સ્નાન કરાવી શુદ્ધ કરે, પવિત્ર કરે અને જેને ડાઘ, કરચલી કે એવું કંઈ ન હોય, પણ પવિત્ર તથા નિર્દોષ હોય, એવી મંડળી તરીકે પોતાની આગળ મહિમાવંતી રજૂ કરે.’ (એફે. ૫:૨૫-૨૭) પાઊલે કોરીંથીઓના અભિષિક્તોને જણાવ્યું: ‘ઈશ્વર જેવી ચિંતાથી હું તમારા વિશે ચિંતાતુર છું. કેમ કે એક પતિની સાથે મેં તમારું લગ્ન કરાવવાનું વચન આપ્યું છે, જેથી એક પવિત્ર કુમારિકા જેવા હું તમને ખ્રિસ્તને સોંપું.’ (૨ કોરીં. ૧૧:૨) ઈશ્વરની નજરમાં કન્યાની ભક્તિ શુદ્ધ અને માન્ય છે. તેથી, એ ભાવિ કન્યા વરરાજા ઈસુ ખ્રિસ્તની નજરમાં ખૂબ ‘સુંદર’ છે. કન્યા પણ ખ્રિસ્તને પોતાના ભાવિ “ધણી” ગણીને ખુશીથી તેમની “સેવા-ભક્તિ” કરે છે.
કન્યાને “રાજા પાસે લાવવામાં” આવે છે
૮. કન્યાનું વર્ણન કેમ “સંપૂર્ણ ગૌરવવાન” તરીકે કરવામાં આવ્યું છે?
૮ ગીતશાસ્ત્ર ૪૫:૧૩, ૧૪ક વાંચો. કન્યા રાજવી લગ્ન માટે “સંપૂર્ણ ગૌરવવાન” દેખાય છે. પ્રકટીકરણ ૨૧:૨માં તેને ‘નવા યરૂશાલેમ શહેર’ સાથે સરખાવવામાં આવી છે. આમ, કન્યાને ‘પોતાના વરને માટે શણગારવામાં’ આવી છે. એ સ્વર્ગીય શહેરમાં ‘ઈશ્વરનો મહિમા’ છે અને એ શહેર ‘યાસપિસ જેવા અતિ મૂલ્યવાન રત્ન જેવું, એટલે સ્ફટિકના જેવું નિર્મળ છે.’ (પ્રકટી. ૨૧:૧૦, ૧૧) પ્રકટીકરણના પુસ્તકમાં એ નવા યરૂશાલેમની સુંદરતાનું અદ્ભુત વર્ણન કરવામાં આવ્યું છે. (પ્રકટી. ૨૧:૧૮-૨૧) સાચે જ, કન્યા “સંપૂર્ણ ગૌરવવાન” છે અને કેમ ન હોય? તેના તો, સ્વર્ગમાં રાજવી લગ્ન થવાના છે!
૯. કન્યાને કોની પાસે લાવવામાં આવે છે અને તેનો પોશાક કેવો છે?
૯ વરરાજા, જે મસીહી રાજા છે, તેમની પાસે કન્યાને લાવવામાં આવે છે. રાજા કન્યાને તૈયાર કરે છે. એ માટે તે તેને ‘વચનરૂપી પાણીના સ્નાનથી શુદ્ધ’ કરે છે. કન્યા “પવિત્ર તથા નિર્દોષ” છે. (એફે. ૫:૨૬, ૨૭) કન્યાએ પણ પ્રસંગને ધ્યાનમાં રાખીને પોશાક પહેરેલો હોવો જોઈએ. અને કન્યાએ એમ જ કર્યું છે. તેનાં વસ્ત્રો “જરી” એટલે કે સોનાથી શણગારેલાં છે. તેને ‘બુટ્ટેદાર વસ્ત્ર પહેરાવીને રાજા પાસે લાવવામાં આવે છે.’ હલવાનના લગ્ન માટે કન્યાને “તેજસ્વી, સ્વચ્છ તથા બારીક શણનું વસ્ત્ર પહેરવા દીધું છે; તે બારીક શણનું વસ્ત્ર સંતોનાં ન્યાયી કૃત્યો રૂપ છે.”—પ્રકટી. ૧૯:૮.
“લગ્નનો દિવસ આવ્યો છે”
૧૦. હલવાનનું લગ્ન કયારે થનાર છે?
૧૦ પ્રકટીકરણ ૧૯:૭ વાંચો. હલવાનનું લગ્ન કયારે થનાર છે? ખરું કે, કલમમાં જણાવ્યું છે કે લગ્ન માટે ‘કન્યાએ પોતાને તૈયાર કરી છે.’ પરંતુ, એ પછી લગ્ન વિશે કંઈ જણાવ્યું નથી. એના બદલે મોટી વિપત્તિના છેલ્લા ભાગ વિશે સાફ વર્ણન કરવામાં આવ્યું છે. (પ્રકટી. ૧૯:૧૧-૨૧) શું એનો અર્થ એમ થાય કે લગ્ન થયા પછી રાજા જીત માટે નીકળશે? ના. એમ નહિ બને. પ્રકટીકરણના પુસ્તકમાં એ બધાં સંદર્શન ક્રમ પ્રમાણે લખવામાં આવ્યાં નથી. ગીતશાસ્ત્રના ૪૫મા અધ્યાયમાં જોવા મળે છે કે રાજા ઈસુ ખ્રિસ્ત તરવાર કમરે બાંધે છે અને પોતાના શત્રુ વિરુદ્ધ ‘સવારી કરીને વિજયવંત’ થાય છે, ત્યાર પછી જ એ ભવ્ય લગ્ન થાય છે.—ગીત. ૪૫:૩, ૪.
૧૧. ખ્રિસ્તના લગ્ન પહેલાં કઈ બાબતો બનશે?
૧૧ બાઇબલના આધારે કહી શકીએ કે બનાવો આ ક્રમમાં બનશે: પ્રથમ, “મોટી વેશ્યા” એટલે કે મહાન બાબેલોન જે જૂઠા ધર્મોનું સામ્રાજ્ય છે, એનો નાશ થશે. (પ્રકટી. ૧૭:૧, ૫, ૧૬, ૧૭; ૧૯:૧, ૨) પછી, શેતાનની દુષ્ટ દુનિયાનો આર્માગેદનમાં ખ્રિસ્ત નાશ કરશે, જેને “સર્વશક્તિમાન ઈશ્વરના મહાન દિવસની લડાઈ” કહેવાય છે. (પ્રકટી. ૧૬:૧૪-૧૬; ૧૯:૧૯-૨૧) છેલ્લે, શેતાન અને તેના દુષ્ટ દૂતોને ઊંડાણમાં નાખવામાં આવશે જ્યાંથી તેઓ કોઈને નુકસાન કરી શકશે નહિ. આમ, રાજા પૂરી રીતે વિજયી થશે.—પ્રકટી. ૨૦:૧-૩.
૧૨, ૧૩. (ક) હલવાનનું લગ્ન ક્યારે થશે? (ખ) સ્વર્ગમાં હલવાનના લગ્નમાં કોણ આનંદ કરશે?
૧૨ છેલ્લા દિવસોમાં, મરણ સુધી વિશ્વાસુ રહેનાર અભિષિક્તોને સ્વર્ગમાં સજીવન કરવામાં આવે છે. મહાન બાબેલોનના નાશના અમુક સમય પછી, “કન્યા”માંના બાકીના સભ્યોને ઈસુ ભેગા કરશે. (૧ થેસ્સા. ૪:૧૬, ૧૭) આમ, આર્માગેદનનું યુદ્ધ શરૂ થાય, એ પહેલાં “કન્યા”માંના બધા જ સભ્યો સ્વર્ગમાં પહોંચી ગયા હશે. એ યુદ્ધ પછી જ હલવાનનું લગ્ન થશે. એ લગ્ન ખૂબ ખુશીનો પ્રસંગ હશે! પ્રકટીકરણ ૧૯:૯ જણાવે છે કે, “હલવાનના લગ્નજમણમાં આવવાનું જેઓને આમંત્રણ આપવામાં આવ્યું છે તેઓને ધન્ય છે.” કન્યા વર્ગના ૧,૪૪,૦૦૦ સભ્યો સાચે જ ખુશ હશે. વરરાજા પોતાના બધા જ રાજવી સાથીઓ સાથે જાણે કે ‘પોતાના રાજ્યમાં, મેજ પર ખાય છે અને પીએ છે.’ (લુક ૨૨:૧૮, ૨૮-૩૦) જોકે, લગ્નની ખુશી ફક્ત વરરાજા અને કન્યા પૂરતી જ સીમિત નથી.
૧૩ આપણે જોઈ ગયા કે સ્વર્ગમાંના ટોળાં ભેગાં મળીને ગાય છે કે, ‘આપણે આનંદ કરીએ તથા બહુ ખુશ થઈએ અને યહોવાને મહિમા આપીએ; કેમ કે હલવાનના લગ્નનો દિવસ આવ્યો છે અને તેથી કન્યાએ પોતાને તૈયાર કરી છે.’ (પ્રકટી. ૧૯:૬, ૭) પરંતુ, પૃથ્વી પરના ઈશ્વરભક્તો વિશે શું? શું તેઓ એ ઉજવણીમાં ભાગ લેશે?
‘આનંદથી તેઓને લાવવામાં આવશે’
૧૪. ગીતશાસ્ત્ર ૪૫માં જણાવ્યા પ્રમાણે કન્યાની ‘કુંવારી સહિયરો’ કોણ છે?
૧૪ ગીતશાસ્ત્ર ૪૫:૧૨, ૧૪ખ, ૧૫ વાંચો. ઝખાર્યા પ્રબોધકે ભાખ્યું હતું કે છેલ્લા દિવસોમાં દુનિયા ફરતે લોકો પૃથ્વી પર બાકી રહેલા અભિષિક્તો સાથે જોડાશે. અભિષિક્તો સાથે મળીને યહોવાની ભક્તિ કરવાનો મોકો મળ્યો માટે એ લોકો ઘણા આભારી થશે. ઝખાર્યાએ લખ્યું, “તે સમયે દરેક ભાષા બોલનારી પ્રજાઓમાંથી દશ માણસો કોઈ એક યહુદી માણસની ચાળ પકડીને કહેશે કે અમે તારી સાથે આવીશું કેમ કે, અમે સાંભળ્યું છે કે ઈશ્વર તમારી સાથે છે.” (ઝખા. ૮:૨૩) એ “દશ માણસો”ને ગીતશાસ્ત્ર ૪૫:૧૨માં “તૂરની દીકરી” અને “શ્રીમંત લોકો” તરીકે સંબોધવામાં આવ્યા છે. પૃથ્વી પર બાકી રહેલા અભિષિક્તોને તેઓએ ભેટ આપી છે. બદલામાં, અભિષિક્તો તેઓનો સ્વીકાર કરે છે અને યહોવાની ભક્તિ કરવામાં તેઓની મદદ કરે છે. બાકી રહેલા અભિષિક્તો સાલ ૧૯૩૫થી લાખો લોકોને “નેકીમાં વાળી” લાવ્યા છે. એટલે કે લાખો લોકોને યહોવા વિશેનું સત્ય શીખવવામાં આવ્યું છે. (દાની. ૧૨:૩) એ “દશ માણસો”એ અભિષિક્તોના વિશ્વાસુ સાથીદારો બની, દરેક પ્રકારની જૂઠી ભક્તિ દૂર કરીને પોતાનાં જીવન શુદ્ધ કર્યાં છે. આમ તેઓ ‘કુંવારી સહિયરો’ બન્યા છે. તેઓએ પોતાનું જીવન યહોવાને સમર્પિત કરીને સાબિત કર્યું છે કે, પોતે રાજા ઈસુ ખ્રિસ્તના વિશ્વાસુ સેવકો છે.
૧૫. ‘કુંવારી સહિયરો’ પૃથ્વી પર જીવી રહેલા અભિષિક્તો સાથે મળીને કઈ રીતે કામ કરે છે?
૧૫ પૃથ્વી પર જીવી રહેલા અભિષિક્તો ‘કુંવારી સહિયરોʼના આભારી છે. કારણ કે તેઓએ આખી પૃથ્વી પર “રાજ્યની આ સુવાર્તા” ફેલાવવામાં ઉત્સાહથી મદદ કરી છે. (માથ. ૨૪:૧૪) ‘પવિત્ર શક્તિ અને કન્યા’ કહે છે કે “આવ.” તેઓને સાંભળનારા પણ “આવ” કહે છે. (પ્રકટી. ૨૨:૧૭) હા, “બીજાં ઘેટાં”ના સભ્યો અભિષિક્તોને “આવ” કહેતા સાંભળીને પૃથ્વી પરના રહેવાસીઓને “આવ” કહેવામાં જોડાય છે.—યોહા. ૧૦:૧૬.
૧૬. બીજાં ઘેટાંને યહોવાએ કેવો લહાવો આપ્યો છે?
૧૬ પૃથ્વી પર બાકી રહેલા અભિષિક્તો બીજા ઘેટાંના સભ્યોને ખૂબ ચાહે છે. તેઓ બહુ ખુશ છે કે યહોવાએ બીજા ઘેટાંના સભ્યોને પણ હલવાનના લગ્નના આનંદમાં સહભાગી થવાનો લહાવો આપ્યો છે. એવું ભાખવામાં આવ્યું હતું કે ‘કુંવારી સહિયરોને આનંદ અને ઉત્સાહથી’ લાવવામાં આવશે. સ્વર્ગમાં થનાર હલવાનના લગ્નનો આનંદ આખું વિશ્વ કરતું હશે. એમાં બીજાં ઘેટાં જેઓને પૃથ્વી પરની આશા છે, તેઓ પણ જોડાશે. પૃથ્વી પરથી યહોવાની ભક્તિ કરી રહેલી “મોટી સભા” વિશે પ્રકટીકરણનું પુસ્તક જણાવે છે: “તેઓ રાજ્યાસનની આગળ તથા હલવાનની આગળ ઊભેલા હતા.” “મોટી સભા” પૃથ્વી પર રહીને યહોવાની જે પવિત્ર સેવા કરે છે, એ તો જાણે યહોવાના મંદિરના આંગણામાં સેવા કરવા જેવું છે.—પ્રકટી. ૭:૯, ૧૫.
‘તમારા બાપદાદાઓની જગ્યાએ દીકરાઓ આવશે’
૧૭, ૧૮. હલવાનના લગ્નથી કયા ફાયદા થશે? હજાર વર્ષનાં રાજ દરમિયાન ખ્રિસ્ત કોના પિતા બનશે?
૧૭ ગીતશાસ્ત્ર ૪૫:૧૬ વાંચો. એ લગ્નથી નવી દુનિયામાં ઘણા ફાયદાઓ થશે. તેથી ખ્રિસ્તની કન્યાની ‘કુંવારી સહિયરોʼને આનંદ કરવાનાં વધુ કારણો મળશે. વરરાજા પોતાનું ધ્યાન પૃથ્વી પર આપશે અને પૃથ્વી પરના પોતાના ‘બાપદાદાઓʼને સજીવન કરશે. આમ, તેઓ વરરાજાના પૃથ્વી પરના “દીકરા” બનશે. (યોહા. ૫:૨૫-૨૯; હિબ્રૂ ૧૧:૩૫) તેઓમાંના અમુકને વરરાજા “આખા દેશ પર સરદારો ઠરાવશે.” આપણને ખાતરી છે કે તે આજના વફાદાર વડીલોમાંથી અમુકને પણ નવી દુનિયામાં આગેવાની લેવા “સરદારો ઠરાવશે.”—યશા. ૩૨:૧.
૧૮ હજાર વર્ષનાં રાજ દરમિયાન ખ્રિસ્ત બીજાઓના પણ પિતા બનશે. કઈ રીતે? ઈસુ ખ્રિસ્તે પોતાના જીવનથી ચૂકવેલી કિંમત પર જેઓ શ્રદ્ધા રાખે છે તેઓને પૃથ્વી પર હંમેશાંનું જીવન મળવાનું છે. (યોહા. ૩:૧૬) આમ, ખ્રિસ્ત “સનાતન પિતા” બનશે.—યશા. ૯:૬, ૭.
‘તેમનું નામ જણાવવા’ પ્રેરાઈએ છીએ
૧૯, ૨૦. આજે, બધા ઈશ્વરભક્તોને ગીતશાસ્ત્ર ૪૫માં નોંધેલા બનાવોમાં શા માટે રસ હોવો જોઈએ?
૧૯ ગીતશાસ્ત્ર ૪૫:૧, ૧૭ વાંચો. ગીતશાસ્ત્ર ૪૫માં નોંધેલા બનાવોમાં બધા ઈશ્વરભક્તોને રસ હોવો જોઈએ. પૃથ્વી પર બાકી રહેલા અભિષિક્તો એ જાણીને રોમાંચ અનુભવે છે કે, તેઓ પોતાના ભાઈઓ અને પોતાના વરરાજા ઈસુ ખ્રિસ્ત સાથે જલદી જ સ્વર્ગમાં જોડાશે. “બીજા ઘેટાં”ને પણ પોતાના ભવ્ય રાજાને આધીન રહેવાની પ્રેરણા મળે છે. પૃથ્વી પર બાકી રહેલા “કન્યા”માંના સભ્યો સાથે કામ કરવાનો તેઓને લહાવો મળ્યો, માટે તેઓ આભારી છે. લગ્ન પછી ખ્રિસ્ત અને તેમની કન્યા પૃથ્વી પરના રહેવાસીઓ પર અગણિત આશીર્વાદો વરસાવશે.—પ્રકટી. ૭:૧૭; ૨૧:૧-૪.
૨૦ મસીહી રાજા વિશેની ભવિષ્યવાણીઓ પૂરી થવાની આપણે આતુરતાથી રાહ જોઈએ છીએ. ચોક્કસ, આપણને ઈશ્વરનું નામ લોકોને જણાવવાની પ્રેરણા મળી છે. તેથી, ચાલો આપણે રાજાની “સદાકાળ ઉપકારસ્તુતિ” કરીએ.