થેસ્સાલોનિકીઓને પહેલો પત્ર
૪ ભાઈઓ, અમે તમને શીખવ્યું હતું કે ઈશ્વરને ખુશ કરવા કઈ રીતે ચાલવું જોઈએ+ અને તમે એ પ્રમાણે કરો પણ છો. માલિક ઈસુને નામે અમે તમને વિનંતી અને આજીજી કરીએ છીએ કે એ પ્રમાણે વધારે ને વધારે કરતા રહો. ૨ માલિક ઈસુ તરફથી અમે તમને જે શિક્ષણ* આપ્યું છે, એ તમે જાણો છો.
૩ ઈશ્વરની એવી ઇચ્છા છે કે તમે પવિત્ર થાઓ+ અને વ્યભિચારથી* દૂર રહો.+ ૪ તમારામાંથી દરેક જણ પવિત્રતા+ અને આદરથી પોતાના શરીરને* કાબૂમાં રાખવાનું શીખે+ ૫ અને કામવાસનાની લાલસા ન રાખે.+ એવી લાલસા તો બીજી પ્રજાઓના લોકો રાખે છે, જેઓ ઈશ્વરને જાણતા નથી.+ ૬ આવા કિસ્સામાં કોઈ પણ માણસ પોતાની હદ ઓળંગે નહિ અને પોતાના ભાઈને નુકસાન પહોંચાડે નહિ.* કેમ કે યહોવા* એ બધાં કામોને લીધે સજા કરે છે, જે વિશે અમે તમને પહેલાં પણ કહ્યું હતું અને સખત ચેતવણી આપી હતી. ૭ ઈશ્વરે આપણને અશુદ્ધ કામો માટે નહિ, પણ પવિત્ર થવા માટે બોલાવ્યા છે.+ ૮ એટલે, જે માણસ આ વાતોનો નકાર કરે છે, તે લોકોનો નહિ પણ તમને પવિત્ર શક્તિ આપનાર+ ઈશ્વરનો નકાર કરે છે.+
૯ પણ ભાઈઓની જેમ એકબીજાને પ્રેમ બતાવવા વિશે+ અમારે તમને કંઈ લખવાની જરૂર નથી, કેમ કે ઈશ્વરે પોતે તમને એકબીજા પર પ્રેમ રાખવાનું શીખવ્યું છે.+ ૧૦ તમે મકદોનિયાના બધા ભાઈઓને એવો પ્રેમ બતાવો જ છો. પણ ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે હજુ વધારે પ્રેમ બતાવતા રહો. ૧૧ અમે તમને શીખવ્યું છે તેમ, તમે શાંતિથી જીવો,+ બીજાઓના કામમાં માથું ન મારો+ અને જાતમહેનત કરો.+ એમ કરવા પૂરો પ્રયત્ન કરો,* ૧૨ જેથી લોકોની* નજરમાં તમારું જીવન આદરને યોગ્ય ગણાય+ અને તમને કશાની ખોટ ન પડે.
૧૩ ભાઈઓ, અમે નથી ચાહતા કે જેઓ મરણની ઊંઘમાં છે,+ તેઓના ભાવિ વિશે તમે અજાણ રહો, જેથી આશા વગરના લોકોની જેમ તમે શોક ન કરો.+ ૧૪ એટલે, જો આપણને ખાતરી હોય કે ઈસુ મરી ગયા અને ફરી જીવતા થયા,+ તો આપણે એ પણ ખાતરી રાખી શકીએ કે જેઓ ઈસુને વફાદાર રહીને મરણની ઊંઘમાં સરી ગયા છે, તેઓને ઈસુ દ્વારા ઈશ્વર ઉઠાડશે.+ ૧૫ અમે તમને યહોવાના* સંદેશા દ્વારા આ વાતો કહીએ છીએ કે આપણામાંથી જેઓ માલિક ઈસુની હાજરીના* સમયે જીવતા હશે, તેઓને સ્વર્ગમાં લઈ લેવામાં આવશે. પણ જેઓ અગાઉ મરી ગયા છે, પ્રથમ તેઓને અને પછી આપણને સ્વર્ગમાં લેવામાં આવશે. ૧૬ માલિક ઈસુ પોતે પ્રમુખ દૂતના*+ અવાજથી પોકાર કરતાં કરતાં સ્વર્ગમાંથી ઈશ્વરના રણશિંગડા* સાથે આવશે. એ સમયે, જે લોકો ખ્રિસ્ત સાથે એકતામાં રહીને મરી ગયા છે, તેઓ પહેલા ઊઠશે.+ ૧૭ એ પછી, આપણે જેઓ જીવતા છીએ અને બચી ગયા હોઈશું, તેઓને વાદળોમાં લઈ લેવામાં આવશે,+ જેથી આપણે એ લોકોની સાથે આકાશમાં માલિક ઈસુને મળીએ.+ આમ, આપણે હંમેશાં માલિક ઈસુ સાથે હોઈશું.+ ૧૮ એટલે આ શબ્દોથી એકબીજાને દિલાસો આપતા રહો.