યોહાનને થયેલું પ્રકટીકરણ
૨૨ દૂતે મને જીવનના પાણીની નદી બતાવી.+ એ હીરા જેવી ચોખ્ખી અને ચમકતી હતી. એ નદી ઈશ્વરના અને ઘેટાના રાજ્યાસનમાંથી નીકળીને વહેતી હતી.+ ૨ એ નદી શહેરના મુખ્ય રસ્તા વચ્ચેથી વહેતી હતી. નદીના બંને કિનારે જીવનનાં ઝાડ હતાં. એ ૧૨ વખત, એટલે કે દર મહિને એક વખત ફળ આપતાં હતાં. એ ઝાડનાં પાંદડાં પ્રજાના લોકોને સાજા કરવા માટે હતાં.+
૩ ઈશ્વર એ શહેરને કોઈ શ્રાપ આપશે નહિ. એ શહેરમાં ઈશ્વરનું અને ઘેટાનું રાજ્યાસન હશે.+ ઈશ્વરના દાસો તેમની પવિત્ર સેવા કરશે. ૪ તેઓ તેમનું મુખ જોશે+ અને તેમનું નામ તેઓનાં કપાળ પર લખેલું હશે.+ ૫ હવેથી રાત થશે નહિ.+ તેઓને દીવા કે સૂર્યના પ્રકાશની જરૂર પડશે નહિ. યહોવા* ઈશ્વર તેઓ પર પ્રકાશ ફેલાવશે.+ તેઓ સદાને માટે રાજાઓ તરીકે રાજ કરશે.+
૬ દૂતે મને કહ્યું: “આ શબ્દો ભરોસાપાત્ર અને સત્ય છે.+ પ્રબોધકોને પ્રેરનાર યહોવા* ઈશ્વરે પોતાના દૂતને મોકલ્યો.+ એ માટે કે થોડા જ સમયમાં જે બનવાનું છે, એ પોતાના ચાકરોને બતાવે. ૭ ‘જુઓ! હું જલદી જ આવું છું.’+ આ વીંટાની ભવિષ્યવાણીના શબ્દો જે કોઈ પાળે છે તેને ધન્ય છે.”+
૮ હું યોહાન આ બધું જોનાર અને સાંભળનાર છું. દૂત મને એ બધું બતાવી રહ્યો હતો. એ બધું જોઈને અને સાંભળીને હું તેની ભક્તિ કરવા તેના પગ આગળ ઘૂંટણિયે પડ્યો. ૯ પણ તેણે મને કહ્યું: “જોજે, એવું ન કરતો! ઈશ્વરની ભક્તિ કર!+ હું પણ તારી જેમ અને તારા ભાઈઓની જેમ એક દાસ છું, જેઓ પ્રબોધકો છે અને જેઓ આ વીંટાના શબ્દો પાળે છે.”
૧૦ પછી તેણે મને કહ્યું: “આ વીંટાની ભવિષ્યવાણીના શબ્દો પર મહોર ન માર, કેમ કે નક્કી કરેલો સમય પાસે છે. ૧૧ જે ખોટું કરે છે, તેને ખોટું કરવા દો. જે ગંદાં કામો કરે છે, તેને ગંદાં કામો કરવા દો. પણ જે નેક છે, તે નેક કામો કરતો રહે. જે પવિત્ર છે, તે પવિત્ર કામો કરતો રહે.
૧૨ “‘જુઓ! હું જલદી જ આવું છું. હું દરેકને તેનાં કાર્યો પ્રમાણે બદલો આપીશ.+ ૧૩ હું આલ્ફા અને ઓમેગા* છું,+ પહેલો અને છેલ્લો, શરૂઆત અને અંત. ૧૪ જેઓએ પોતાના ઝભ્ભા ધોયા છે તેઓને ધન્ય છે!+ તેઓને જીવનનાં ઝાડ પરથી ફળ ખાવાનો અધિકાર મળશે.+ તેઓ એ શહેરના દરવાજાઓમાં થઈને અંદર જશે.+ ૧૫ કૂતરાની જેમ વર્તનારાઓ,* મેલીવિદ્યા કરનારાઓ, વ્યભિચારીઓ,* ખૂનીઓ, મૂર્તિપૂજકો અને જેનાં વાણી-વર્તન કપટથી ભરપૂર હોય, એવો દરેક માણસ એ શહેરની બહાર છે.’+
૧૬ “‘મેં ઈસુએ, આ વાતોની સાક્ષી આપવા તારી પાસે દૂતને મોકલ્યો, જેથી મંડળોને લાભ થાય. હું દાઉદના કુટુંબનો છું અને તેમનો વંશજ છું.+ હું સવારનો ચમકતો તારો છું.’”+
૧૭ પવિત્ર શક્તિ અને કન્યા+ કહે છે, “આવ!” જે કોઈ સાંભળે એ કહે, “આવ!” જે કોઈ તરસ્યો છે એ આવે.+ જે કોઈ ચાહે એ જીવનનું પાણી મફત લે.+
૧૮ “આ વીંટાની ભવિષ્યવાણીના શબ્દો સાંભળનાર દરેકને હું સાક્ષી આપું છું: જો કોઈ આ વાતોમાં ઉમેરો કરે,+ તો ઈશ્વર તેના પર આ વીંટામાં લખેલી આફતો લાવશે.+ ૧૯ જો કોઈ આ ભવિષ્યવાણીના વીંટાના શબ્દોમાંથી કંઈ કાઢી નાખે, તો એ વીંટામાં જે કંઈ લખેલું છે એમાંથી ઈશ્વર તેનો હિસ્સો લઈ લેશે.+ એટલે કે ઈશ્વર તેને જીવનનાં ઝાડ પરથી ફળ ખાવા દેશે નહિ અને પવિત્ર શહેરમાં+ જવા દેશે નહિ.
૨૦ “આ વાતો વિશે જે સાક્ષી આપે છે તે કહે છે, ‘હું જલદી જ આવું છું.’”+
“આમેન! માલિક ઈસુ આવો!”
૨૧ માલિક ઈસુની અપાર કૃપા પવિત્ર લોકો પર રહે!