ગીતશાસ્ત્રના મુખ્ય વિચારો—૨
યહોવાહના સેવકો જાણે છે કે તેઓની સતાવણી થશે જ. પ્રેરિત પાઊલે લખ્યું: ‘જેઓ ખ્રિસ્ત ઈસુના પગલે ચાલશે તેઓ સઘળાના સતાવણી થશે જ.’ (૨ તીમોથી ૩:૧૨) સતાવણી સહેવા અને યહોવાહને વફાદાર રહેવા આપણને શામાંથી મદદ મળી શકે?
બહુ પહેલેથી જ ગીતશાસ્ત્રનાં ભજનોને પાંચ ભાગમાં વહેંચી દેવામાં આવ્યાં છે. એનો બીજો ભાગ આપણને સતાવણી સહેવા મદદ પૂરી પાડશે. ગીતશાસ્ત્ર ૪૨-૭૨ પ્રમાણે આપણે યહોવાહમાં અતૂટ શ્રદ્ધા રાખવી જોઈએ. સતાવણી આવશે ત્યારે એ સહન કરવા યહોવાહ આપણને મદદ કરશે. તે એ દૂર કરે એની આપણે રાહ જોવી જોઈએ. આપણા માટે એ કેટલો સરસ બોધ! ગીતશાસ્ત્ર ૪૨-૭૨ અને બાઇબલના બીજા પુસ્તકોમાં આપેલી સલાહ આજે પણ આપણને એટલી જ લાગુ પડે છે. એ ‘જીવંત અને સમર્થ છે.’—હેબ્રી ૪:૧૨.
ઈશ્વર આપણો ‘આશ્રય ને સામર્થ્ય છે’
એક લેવી ગુલામીમાં હતા. યહોવાહના મંદિરમાં તે તેમની ભક્તિ કરી શકતા ન હતા. તે પોતાના મનને મનાવતા કહે છે: ‘તું કેમ ઉદાસ છે? અને કેમ ગભરાય છે?’ ઈશ્વરમાં આશા રાખ. (ગીતશાસ્ત્ર ૪૨:૫, ૧૧; ૪૩:૫) એ વિચારો ગીત ૪૨-૪૩ના કવિ ત્રણ વાર જણાવે છે. ગીત ૪૨-૪૩ એક કવિતા બને છે. એવું લાગે છે કે હિઝકીયાહ રાજાના સમયમાં આશ્શૂરનું લશ્કર યહુદાહ પર હુમલો કરવાની તૈયારીમાં હતું. એના ભયને લીધે યહુદાહ માટે વિનંતી કરવા ૪૪મું ભજન લખવામાં આવ્યું હતું.
૪૫મું ગીત, રાજા માટેનું લગ્નગીત છે. એ વિગતો ઈસુ જ્યારે યહોવાહના મસીહી રાજા બને છે ત્યારે લાગુ પડે છે. ગીત ૪૬-૪૮ બતાવે છે કે યહોવાહ ‘આપણો આશ્રય ને સામર્થ્ય છે.’ “તે આખી પૃથ્વીનો રાજાધિરાજ છે.” તે મહેલમાં આશ્રય આપનાર છે. (ગીતશાસ્ત્ર ૪૬:૧; ૪૭:૨; ૪૮:૩) ૪૯મું ગીત સુંદર શબ્દચિત્રમાં બતાવે છે કે પોતાના ભાઈને મોતના મોંમાંથી બચાવવા કોઈ જ “તેના બદલામાં” પોતાનો જીવ આપી શકતું નથી! (ગીતશાસ્ત્ર ૪૯:૭) ૪૨-૪૯ ભજનો કોરાહના દીકરાઓએ લખ્યાં છે. ૫૦મું ગીત આસાફે લખ્યું છે.
સવાલ-જવાબ:
૪૪:૧૯—‘શિયાળવાંની જગ્યા’ એટલે શું? આ ગીતના લેખક કદાચ યુદ્ધમેદાન વિષે વાત કરતા હોઈ શકે. જ્યાં યુદ્ધમાં મરેલા લોકો શિયાળનું ભોજન બનતા હોઈ શકે.
૪૫:૧૩, ૧૪—‘રાજપુત્રી’ કોણ છે જેને “રાજા પાસે લાવવામાં આવશે?” તે “યુગોના રાજા” યહોવાહની પુત્રી છે. (પ્રકટીકરણ ૧૫:૩) એ “રાજપુત્રી” કોણ છે? યહોવાહે પોતાના પવિત્ર આત્માથી ઈસુ સાથે સ્વર્ગમાં રાજ કરવા ૧,૪૪,૦૦૦ ભક્તોને પસંદ કર્યા છે. યહોવાહ તેઓને પોતાનાં બાળકો કહે છે. ‘રાજપુત્રી’ તેઓને રજૂ કરે છે. (રૂમી ૮:૧૬) યહોવાહની આ ‘રાજપુત્રીને પોતાના વરને સારુ શણગારવામાં આવી છે.’ તેને પોતાના વરરાજા એટલે યહોવાહના મસીહી રાજા ઈસુ ખ્રિસ્તને સોંપવામાં આવશે.—પ્રકટીકરણ ૨૧:૨.
૪૫:૧૪, ૧૫—“કુમારિકાઓ” કોને દર્શાવે છે? તેઓ “મોટી સભા” બનતા યહોવાહના ભક્તો છે. યહોવાહે ૧,૪૪,૦૦૦ને ઈસુ સાથે સ્વર્ગમાં રાજ કરવા પસંદ કર્યા છે. તેઓમાંના થોડા હજી આપણી સાથે છે. તેઓને યહોવાહની ભક્તિ બધે જ ફેલાવવા “મોટી સભા” સાથ આપે છે. “મોટી સભા” આવનાર “મોટી વિપત્તિમાંથી” બચી જશે. ૧,૪૪,૦૦૦ ઈસુ સાથે રાજ કરશે ત્યારે ‘મોટી સભાના’ ન્યાયી લોકો પૃથ્વી પર જીવશે. (પ્રકટીકરણ ૭:૯, ૧૩, ૧૪) તેઓ “આનંદથી” ભરપૂર હશે.
૪૫:૧૬—કઈ રીતે પિતૃઓને ઠેકાણે દીકરાઓ આવી શકે? ઈસુ મનુષ્ય તરીકે જન્મ્યા, ત્યારે તેમને પૃથ્વી પર બાપ-દાદાઓ હતા. ઈસુ પૃથ્વી પર એક હજાર વર્ષ રાજ કરશે ત્યારે તે પોતાના બાપ-દાદાઓને સજીવન કરશે. આ રીતે તેઓ ઈસુના દીકરાઓ કહેવાશે. તેઓમાંના અમુકને ઈસુ પૃથ્વી પર વડીલો કે “સરદારો ઠરાવશે.”
૫૦:૨—સિયોન કે યરૂશાલેમને કેમ “સૌન્દર્યની સંપૂર્ણતા” કહેવામાં આવે છે? એ શહેર સુંદર હતું એટલે નહિ. પણ યહોવાહે યરૂશાલેમમાં પોતાનું મંદિર બાંધવાનું નક્કી કર્યું હોવાથી એની સુંદરતા વધી. તેમ જ તેમણે યરૂશાલેમને ઈસ્રાએલનું પાટનગર બનાવ્યું. આમ તેમણે પસંદ કરેલા રાજાઓ ત્યાંથી રાજ કરતા.
આપણે શું શીખી શકીએ?
૪૨:૧-૩. જેમ હરણ રણમાં પાણીના નાળાં માટે તલપે છે તેમ, એ લેવી યહોવાહને શોધતો રહે છે. યહોવાહને તેમના મંદિરમાં ભજી શકતો ન હોવાથી લેવીના ‘આંસુ રાતદહાડો તેનો આહાર કે અન્ન’ બની ગયા હતા. અરે, તેની ભૂખ પણ મરી ગઈ હતી. ચાલો આપણે પણ યહોવાહની ભક્તિ અને ભાઈ-બહેનોની સંગત માટે એવી ભૂખ કેળવતા રહીએ.
૪૨:૪, ૫, ૧૧; ૪૩:૩-૫. કોઈ અણધાર્યા સંજોગોને લીધે આપણે થોડો સમય મિટિંગમાં જઈ ન શકીએ તો, ભાઈ-બહેનો સાથેના સંગતની મીઠી યાદો આપણને ટકાવી રાખશે. મિટિંગમાં જઈ શકતા ન હોવાથી શરૂઆતમાં આપણને ખૂબ જ દુઃખ લાગશે. સૂનું સૂનું લાગશે. એ આપણને યાદ દેવડાવશે કે ઈશ્વરમાં આપણે શ્રદ્ધા રાખવી જોઈએ. તે બધું સુધારે ત્યાં સુધી તેમની રાહ જોવી જોઈએ.
૪૬:૧-૩. આપણા પર આફતો આવી પડે ત્યારે “દેવ આપણો આશ્રય તથા આપણું સામર્થ્ય છે” એ યાદ રાખવું જોઈએ. આપણને તેમનામાં અતૂટ શ્રદ્ધા હોવી જોઈએ.
૫૦:૧૬-૧૯. જો કોઈ જૂઠાબોલો ને બેઇમાન હોય તો, તે ઈશ્વરનો ભક્ત બની ન શકે.
૫૦:૨૦. બધાની આગળ બીજાની ભૂલો ખુલ્લી પાડવાને બદલે તેની ભૂલો આપણા મનમાંથી કાઢી નાખવી જોઈએ.—કોલોસી ૩:૧૩.
‘હું કેવળ શાંતિથી ઇશ્વરની વાટ જોઈશ’
દાઊદે બાથ-શેબા સાથે વ્યભિચાર કર્યા પછી પાપની માફી માટે યહોવાહને પ્રાર્થના કરી. એ પ્રાર્થના ગીત ૫૧માં જોવા મળે છે. ૫૨-૫૭ ગીતો બતાવે છે કે પ્રાર્થનામાં યહોવાહને આપણી ચિંતાઓ, વ્યાધિઓ ને દુઃખ-તકલીફો જણાવ્યા પછી તે એમાંથી રસ્તો બતાવે એની આપણે રાહ જોવી જોઈએ. તે આપણને જરૂર બચાવશે. ગીત ૫૮-૬૪ બતાવે છે કે દાઊદ પર દુઃખ-તકલીફો આવી પડ્યા ત્યારે એ સહેવા અને યહોવાહમાં અતૂટ શ્રદ્ધા મૂકવા તેમને કઈ રીતે મદદ મળી. તેમણે ભજનમાં ગાયું: ‘હું કેવળ શાંતિથી ઈશ્વરની વાટ જોઈશ; કેમ કે હું તેની જ અપેક્ષા રાખું છું.’—ગીતશાસ્ત્ર ૬૨:૫.
યહોવાહ આપણા તારણહાર છે. એ પૂરા દિલથી માનીશું તો તેમની સાથે અતૂટ નાતો બાંધીશું. ‘તેમના નામના ગૌરવની સ્તુતિ ગાઈશું.’ (ગીતશાસ્ત્ર ૬૬:૨) યહોવાહ ઉદાર હોવાથી ૬૫મા ભજનમાં તેમના ગુણગાન ગાવામાં આવ્યા છે. તેમણે પોતાના ભક્તોને અનેક રીતોએ બચાવ્યા હતા. એના વિષે ૬૭-૬૮ ભજનો જણાવે છે. ૭૦-૭૧ ભજનો જણાવે છે કે યહોવાહે પોતાના ભક્તોને કઈ રીતે કષ્ટમાંથી છોડાવ્યા હતા.
સવાલ-જવાબ:
૫૧:૧૨—દાઊદે કહ્યું, ‘ઉદાર આત્માએ મને નિભાવી રાખ.’ એનો શું અર્થ થાય? દાઊદ એમ કહેતા ન હતા કે યહોવાહ તેમને મદદ કરવા તૈયાર નથી. પણ યહોવાહને તે કહેતા હતા કે તેમને સારા વિચારો કેળવવા મદદ કરે. જેથી યહોવાહની નજરમાં જે સારું છે એ પોતે કરતા રહે.
૫૩:૧—જો કોઈ કહે કે ઈશ્વર છે જ નહિ તો, તે કેમ ‘મૂર્ખ’ કહેવાય? જેનામાં બુદ્ધિ કે અક્કલ ન હોય એની અહીં વાત થતી નથી. આ તો એવી મૂર્ખ વ્યક્તિને બતાવે છે જેના કામ ભૂંડા હોય છે. તેઓનાં કામ ગીતશાસ્ત્ર ૫૩:૧-૪ પ્રમાણે છે.
૫૮:૩-૫—કયા અર્થમાં દુષ્ટો સાપ જેવા છે? જેઓ બીજા વિષે જૂઠાણું ફેલાવે છે તેઓ સાપના ઝેર જેવા છે. સાપના ઝેરથી વ્યક્તિને નુકસાન પહોંચે છે. એ રીતે તેઓ જૂઠાણું ફેલાવીને બીજાનું નામ બદનામ કરે છે. સાપની જેમ દુષ્ટો પણ પોતાના “કાન બંધ કરી” દે છે. તેઓ પોતાને મળતું માર્ગદર્શન સ્વીકારતા નથી અને સુધરતા નથી.
૫૮:૭—દુષ્ટો કઈ રીતે ‘ઝડપથી વહેતા પાણીની પેઠે વહી જશે’? દાઊદ વચનના દેશમાં આવેલી ખીણમાં વહેતી નદીઓ વિષે વિચારતા હોઈ શકે. એ ઝરાઓ ધોધમાર વરસાદથી ઊભરાઈ જતા હતા. પણ પાણી ઝડપથી વહી જતું હોવાથી એ સુકાઈ જતું હતું. દુષ્ટોનો પણ ઝડપથી નાશ થાય એ માટે દાઊદે પ્રાર્થના કરી.
૬૮:૧૩—કઈ રીતે હોલા કે કબૂતરની ‘પાંખે રૂપાનો, ને પીંછાં પર કેસરી સોનાનો ઢોળ ચઢાવેલો’ છે? અમુક હોલા કે કબૂતરના પીંછાનો રંગ ભૂરાશ પડતા રાખોડી જેવો હોય છે. તેઓનાં અમુક પીંછાં પ્રકાશમાં ઝગારા મારે છે. એટલે તેઓ સોનેરી પ્રકાશમાં સોના જેવાં દેખાય છે. દાઊદે લડાઈ જીતી આવતા ઈસ્રાએલના લડવૈયાઓને ઊડતા કબૂતરનાં ટોળાં સાથે સરખાવ્યા હોઈ શકે. પૂરા જોશમાં ઊડતા કબૂતરની જેમ તેઓ પ્રકાશમાં ચળકતા હતા. અમુક બાઇબલ પંડિતોનું કહેવું છે કે લડવૈયો કદાચ કોઈક પ્રકારની કીમતી ચીજ, ટ્રોફિ કે ઇનામ લાવતા હોઈ શકે. પછી ભલેને ગમે એ હોય, પણ યહોવાહે પોતાના લોકોને તેઓના દુશ્મનો પર અનેક જીત અપાવી એના વિષે દાઊદ અહીં વાત કરતા હતા.
૬૮:૧૮—“માણસો પાસેથી નજરાણાં લીધાં.” એ શું છે? ઈસ્રાએલીઓએ વચનનો દેશ કબજે કર્યો ત્યારે જે લોકોને પકડીને ગુલામ બનાવ્યા હતા તેઓમાંના પુરુષો. સમય જતાં લેવીઓને મદદ કરવા તેઓમાંથી અમુકને કામ સોંપવામાં આવ્યું.—એઝરા ૮:૨૦.
૬૮:૩૦—“સરકટોમાં ભરાઈ રહેનાર હિંસક પ્રાણીને ધમકાવ.” આનો શું અર્થ થાય? દાઊદે પ્રાર્થનામાં કહ્યું કે તેમના દુશ્મનો હિંસક પ્રાણી જેવા છે. તેઓને ધમકાવો, જેથી તેઓ યહોવાહના લોકોને હેરાન ન કરે.
૬૯:૨૩—“તેઓની [દુશ્મનોની] કમરો નિત્ય કાંપે,” એનો શું અર્થ થાય? પસીનો છૂટે એવું ભારે કામ કરવા કે ભારે વસ્તુ ઉપાડવા મજબૂત કમર હોવી જોઈએ. જો વ્યક્તિમાં શક્તિ ન હોય તો તેની કમર કાંપે છે. એટલે દાઊદે પ્રાર્થના કરી કે તેમના દુશ્મનો પાસેથી શક્તિ લઈ લેવામાં આવે.
આપણે શું શીખી શકીએ?
૫૧:૧-૪, ૧૭. આપણે જો પાપ કરી બેસીએ તો એમ ન માનવું કે યહોવાહ આપણને તજી દેશે. આપણે પસ્તાવો કરીશું તો તે ચોક્કસ આપણા પર દયા બતાવશે.
૫૧:૫, ૭-૧૦. આપણે જો પાપ કર્યું હોય તો, પ્રાર્થનામાં યહોવાહને જણાવવું જોઈએ કે તે આપણને માફ કરે. આપણને આદમ પાસેથી વારસામાં પાપ મળ્યું છે. એટલે આપણે પ્રાર્થનામાં યહોવાહની મદદ માગવી જોઈએ. જેથી આપણે પોતાના દિલમાંથી ખોટા કામો કરાવતા વિચારો દૂર કરીને શુદ્ધ થઈએ. અને ફરીથી તેમની ભક્તિ કરી શકીએ.
૫૧:૧૮. દાઊદે બાથ-શેબા સાથે વ્યભિચાર કરીને એ સંતાડવા અનેક કાવતરાં રચ્યાં. એના લીધે આખા ઈસ્રાએલ પર ખરાબ પરિણામો આવવાનાં હતાં. એવું ન થાય એ માટે દાઊદે સિયોનના ભલા માટે પ્રાર્થના કરી. આપણે જ્યારે ગંભીર પાપ કરી બેસીએ છીએ ત્યારે યહોવાહનું અને મંડળનું નામ બદનામ થાય છે. એ સુધારવા આપણે પોતે પ્રાર્થના કરવી જ જોઈએ.
૫૨:૮. આપણે રાજીખુશીથી યહોવાહની શિખામણ સ્વીકારીશું તો, આપણે ‘તેમના મંદિરના લીલા જૈતવૃક્ષ જેવા બનીશું.’ યહોવાહની છાયામાં રહી શકીશું.—હેબ્રી ૧૨:૫, ૬.
૫૫:૪, ૫, ૧૨-૧૪, ૧૬-૧૮. દાઊદનો દીકરો આબ્શાલોમ અને દાઊદનો વફાદાર મંત્રી અહીથોફેલ બંને બેવફા બન્યા. તેઓએ સંપીને દાઊદનું રાજ્ય પચાવી પાડવાનો પ્રયત્ન કર્યો. એનાથી દાઊદને ખૂબ જ દુઃખ થયું હતું. તોપણ યહોવાહ પરથી દાઊદની શ્રદ્ધા ડગી ન હતી. આપણા પર દુઃખ-તકલીફો આવે ત્યારે આપણે પોતાની લાગણીના દાસ ન બનવું જોઈએ. તેમ જ યહોવાહ પરથી આપણી શ્રદ્ધા ડગવી ન જોઈએ.
૫૫:૨૨. યહોવાહ પર આપણે પોતાનો બોજો કેવી રીતે નાખી શકીએ? પોતાની (૧) ચિંતાઓ યહોવાહને પ્રાર્થનામાં જણાવવી જોઈએ. (૨) બાઇબલ વાંચવું. તેમની સંસ્થા પાસેથી મદદ અને માર્ગદર્શન લેવું જોઈએ. (૩) પોતાની હાલતને સુધારવા આપણાથી થઈ શકે એ બધું જ કરવું જોઈએ.—નીતિવચનો ૩:૫, ૬; ૧૧:૧૪; ૧૫:૨૨; ફિલિપી ૪:૬, ૭.
૫૬:૮. યહોવાહ આપણા સંજોગો જાણે છે એટલું જ નહિ, પણ આપણી લાગણી પર એની શું અસર થશે એ પણ તે જાણે છે.
૬૨:૧૧. યહોવાહ પાસે અપાર શક્તિ છે. તેમને કોઈની મદદની જરૂર નથી.
૬૩:૩. યહોવાહની અપાર “કૃપા જીવન કરતાં ઉત્તમ છે.” એના સિવાય જીવન સાવ નકામું છે. એટલે તેમની સાથે આપણે પાકો નાતો બાંધવા બનતું બધું જ કરવું જોઈએ.
૬૩:૫. રાત્રે વાતાવરણમાં શાંતિ હોવાથી યહોવાહના સત્ય પર વિચાર કરવાનો સૌથી સારો સમય હોઈ શકે.
૬૪:૨-૪. કોઈના વિષે ખોટી વાતો કરવાથી નિર્દોષ વ્યક્તિ બદનામ થાય છે. આપણે કોઈના વિષે ખોટી વાતો કરવી નહિ, કે સાંભળવી નહિ.
૬૯:૪. આપણે ભલેને કોઈનું બૂરું ન કર્યું હોય, તોપણ શાંતિ રાખવા તેઓની માફી માગવાથી બધાનું ભલું થશે.
૭૦:૧-૫. આપણે તાત્કાલિક મદદ માટે યહોવાહને પ્રાર્થના કરીએ તોપણ તે એ સાંભળે છે. (૧ થેસ્સાલોનીકી ૫:૧૭; યાકૂબ ૧:૧૩; ૨ પીતર ૨:૯) ઈશ્વર કદાચ આપણા પર અમુક કસોટીઓ ચાલવા દેશે, છતાંય એમાં ટકી રહેવા તે આપણને બુદ્ધિ ને શક્તિ આપશે. આપણાથી સહન ન થાય એ હદ સુધી તે આપણી કસોટી થવા દેશે નહિ.—૧ કોરીંથી ૧૦:૧૩; હેબ્રી ૧૦:૩૬; યાકૂબ ૧:૫-૮.
૭૧:૫, ૧૭. દાઊદને નાનપણથી જ યહોવાહમાં શ્રદ્ધા હતી. દિવસે દિવસે તેમની શ્રદ્ધા ને હિંમત વધ્યા. એ કારણથી તે પલિસ્તી રાક્ષસ, ગોલ્યાથ સામે લડી શક્યા. (૧ શમૂએલ ૧૭:૩૪-૩૭) યુવાનોએ પણ દાઊદની જેમ દરેક બાબતોમાં યહોવાહ પર આધાર રાખતા શીખવું જોઈએ.
“આખી પૃથ્વી તેના મહિમાથી ભરપૂર થાઓ”
ગીતશાસ્ત્ર ૭૨ સુલેમાનના રાજ વિષે છે. એ બતાવે છે કે ઈસુ યહોવાહના મસીહી રાજા બનશે ત્યારે બધે જ શાંતિ હશે. કોઈ જાતનો જુલમ નહિ હોય. બધા માટે પુષ્કળ ખાવાનું હશે. બધા જ જીવનનો ખરો આનંદ માણશે. એ કેટલો મોટો આશીર્વાદ કહેવાય! આપણે જો યહોવાહના માર્ગે ચાલતા રહીશું તો તેમના ભક્તો સાથે એ આશીર્વાદો અનુભવીશું. એ પામવા આપણે પણ આ ભજનના લેખકના કહેવા પ્રમાણે યહોવાહની વાટ જોવી જોઈએ. તેમનામાં પૂરી શ્રદ્ધા મૂકવી જોઈએ. તો તે આપણને હિંમત ને શક્તિ આપશે.
દાઊદની પ્રાર્થનાઓ આ શબ્દોથી સમાપ્ત થઈ: “યહોવાહ દેવને, ઈસ્રાએલના દેવને, ધન્ય હોજો, એકલો તે જ આશ્ચર્યકારક [અજોડ] કામો કરે છે; સર્વકાળ સુધી તેના ગૌરવી નામને ધન્ય હોજો; આખી પૃથ્વી તેના મહિમાથી ભરપૂર થાઓ. આમેન તથા આમેન.” (ગીતશાસ્ત્ર ૭૨:૧૮-૨૦) ચાલો આપણે પણ દાઊદની જેમ પૂરા દિલથી યહોવાહનો જયજયકાર કરીએ. તેમના ગુણગાન ગાતા રહીએ. (w06 6/1)
[ચિત્રો નથી]