૧૧ ખોટાં ત્રાજવાંને યહોવા ધિક્કારે છે,
પણ સાચાં વજનિયાંથી તે ખુશ થાય છે.+
૨ અહંકારની પાછળ પાછળ અપમાન પણ આવે છે,+
પણ મર્યાદામાં રહેતા લોકો પાસે ડહાપણ હોય છે.+
૩ સીધા લોકોની ઈમાનદારી તેઓને રસ્તો બતાવે છે,+
પણ કપટી લોકોની બેઈમાની તેઓનો નાશ કરે છે.+
૪ કોપના દિવસે માલ-મિલકત કંઈ કામ નહિ આવે,+
પણ માણસની નેકી તેને મોતથી બચાવશે.+
૫ પ્રમાણિક માણસની સચ્ચાઈ તેનો માર્ગ સીધો કરે છે,
પણ દુષ્ટ પોતાનાં દુષ્ટ કામોને લીધે પડી જશે.+
૬ સારા લોકોની નેકી તેઓને બચાવશે,+
પણ કપટી લોકોની લાલસા તેઓ માટે ફાંદો બની જશે.+
૭ કોઈ દુષ્ટ મરે ત્યારે તેની આશાનો અંત આવે છે,
તેની તાકાતનો પણ અંત આવે છે, જેના પર તેનો ભરોસો છે.+
૮ નેક માણસને મુસીબતમાંથી બચાવવામાં આવે છે
અને દુષ્ટ એ જ મુસીબતમાં ફસાય છે.+
૯ ઈશ્વરની નિંદા કરનાર માણસ પોતાની વાતોથી પડોશીને બરબાદ કરે છે,
પણ નેક માણસ જ્ઞાનને લીધે બચી જાય છે.+
૧૦ નેક માણસની ભલાઈથી શહેર આનંદ-ઉલ્લાસ કરે છે
અને દુષ્ટનો અંત આવે ત્યારે હર્ષનો પોકાર થાય છે.+
૧૧ નેક માણસના આશીર્વાદથી શહેર આબાદ થાય છે,+
પણ દુષ્ટની વાતોથી એ બરબાદ થાય છે.+
૧૨ અણસમજુ માણસ પોતાના પડોશીને નીચો દેખાડે છે,
પણ સમજુ માણસ ચૂપ રહે છે.+
૧૩ નિંદાખોર માણસ ખાનગી વાતો કહેતો ફરે છે,+
પણ વિશ્વાસુ માણસ ખાનગી વાતો ગુપ્ત રાખે છે.
૧૪ ખરું માર્ગદર્શન ન હોય તો લોકોએ ઘણું ભોગવવું પડે છે,
પણ ઘણા સલાહકાર હોય તો સફળતા મળે છે.+
૧૫ પારકાનો જામીન થનાર મુસીબતમાં આવી પડે છે,+
પણ કરાર કરવા હાથ મિલાવતો નથી તે નિશ્ચિંત રહે છે.
૧૬ સંસ્કારી સ્ત્રી પ્રશંસા મેળવે છે,+
પણ જુલમી માણસ ધનદોલત લૂંટે છે.
૧૭ દયાળુ માણસ પોતાનું ભલું કરે છે,+
પણ ક્રૂર માણસ પોતાના પર આફત નોતરે છે.+
૧૮ દુષ્ટની કમાણી નકામી છે,+
પણ નેકીનું બીજ વાવનાર ખરું ઇનામ મેળવે છે.+
૧૯ સાચા માર્ગને વળગી રહેનારને જીવન મળશે,+
પણ દુષ્ટતા પાછળ ભાગનારને મોત મળશે.
૨૦ જેનું દિલ ભ્રષ્ટ છે, તેને યહોવા ધિક્કારે છે,+
પણ જે સાચા માર્ગે ચાલે છે, તેનાથી તે ખુશ થાય છે.+
૨૧ ખાતરી રાખજે, દુષ્ટ માણસ સજાથી નહિ બચે+
અને નેક માણસનાં બાળકોને સજાની જરૂર નહિ પડે.
૨૨ સુંદર પણ અક્કલ વગરની સ્ત્રી,
ભૂંડના નાકમાં સોનાની નથણી જેવી છે.
૨૩ નેક માણસને પોતાની ઇચ્છાનું સારું પરિણામ મળે છે,+
પણ દુષ્ટની અપેક્ષા ઈશ્વરનો ક્રોધ ભડકાવે છે.
૨૪ જે માણસ ઉદારતાથી આપે છે, તેને ઘણું મળે છે,+
પણ જે માણસ આપવું જોઈએ એટલુંય આપતો નથી, તે કંગાળ થાય છે.+
૨૫ ઉદાર માણસ સમૃદ્ધ થશે+
અને બીજાને તાજગી આપનાર પોતે પણ તાજગી મેળવશે.+
૨૬ અનાજ સંઘરી રાખનારને લોકો શ્રાપ આપશે,
પણ અનાજ વેચનારને લોકો આશીર્વાદ આપશે.
૨૭ જે માણસ ભલું કરવા તત્પર રહે છે, તે કૃપા મેળવશે,+
પણ જે ભૂંડું કરવા લાગ શોધે છે, તેના જ માથે ભૂંડાઈ આવી પડશે.+
૨૮ પોતાની ધનદોલત પર ભરોસો રાખનાર પડી જશે,+
પણ નેક માણસ લીલાછમ ઝાડની જેમ ખીલી ઊઠશે.+
૨૯ પોતાના કુટુંબ પર આફત લાવનાર માણસને હાથ કંઈ નહિ લાગે+
અને મૂર્ખ માણસ બુદ્ધિમાનનો ચાકર બનશે.
૩૦ નેક માણસના કામનું ફળ જીવનનું ઝાડ છે+
અને જે બીજાનું જીવન જીતી લે છે, તે બુદ્ધિમાન છે.+
૩૧ જો નેક માણસને આ પૃથ્વી પર પોતાનાં કામનો બદલો મળતો હોય,
તો દુષ્ટ અને પાપી કઈ રીતે છટકી શકે?+