અભ્યાસ લેખ ૩૦
યહોવાના કુટુંબમાં તમે પણ મહત્ત્વના છો
“તમે તેને દૂતો કરતાં થોડું ઊતરતું સ્થાન આપ્યું. તેને ગૌરવ અને માન-મહિમાનો તાજ પહેરાવ્યો.”—ગીત. ૮:૫.
ગીત ૪૩ જાગતા રહીએ
ઝલકa
૧. યહોવાએ રચેલા વિશ્વનો વિચાર કરીએ ત્યારે કેવા સવાલો થઈ શકે?
આખું વિશ્વ યહોવાના હાથની રચના છે. એનો વિચાર કરીએ ત્યારે આપણને પણ દાઉદ જેવું લાગી શકે. તેમણે કહ્યું: “તમારું આકાશ, તમારી આંગળીઓની કરામત હું જોઉં છું, તમે બનાવેલા ચાંદ-તારા હું જોઉં છું. મને થાય છે કે મનુષ્ય કોણ કે તમે તેને યાદ રાખો? માણસનો દીકરો કોણ કે તમે તેની સંભાળ રાખો?” (ગીત. ૮:૩, ૪) દાઉદની જેમ આપણને પણ થાય કે યહોવાએ બનાવેલા તારાઓની આગળ આપણી શું વિસાત, તેમ છતાં તે આપણી કાળજી રાખે છે. યહોવાએ આદમ અને હવાને બનાવ્યાં ત્યારે, તેઓની કાળજી રાખી અને તેઓને પોતાના કુટુંબનો ભાગ પણ બનાવ્યાં. ચાલો એ વિશે જોઈએ.
૨. યહોવાએ આદમ અને હવાને કયું કામ સોંપ્યું?
૨ યહોવા પોતાનાં બાળકોને એટલે કે આદમ અને હવાને ખૂબ પ્રેમ કરતા હતા. તેમણે આદમ અને હવાને કામ સોંપ્યું. તેમણે કહ્યું: “તમને ઘણાં બાળકો થાઓ, તમે પુષ્કળ વધો, પૃથ્વીને ભરી દો અને એના પર અધિકાર ચલાવો.” (ઉત. ૧:૨૮) જો આદમ અને હવાએ પોતાના પિતા યહોવાની વાત માની હોત અને તેમણે સોંપેલાં કામ સારી રીતે કર્યા હોત તો શું થાત? તેઓ અને તેઓનાં બાળકો હંમેશ માટે યહોવાના કુટુંબનો ભાગ બન્યા હોત.
૩. શા પરથી કહી શકાય કે યહોવાના કુટુંબમાં આદમ અને હવા મહત્ત્વનાં હતાં?
૩ ગીતશાસ્ત્ર ૮:૫માં દાઉદ પહેલા માણસ વિશે કહે છે, “તમે તેને દૂતો કરતાં થોડું ઊતરતું સ્થાન આપ્યું. તેને ગૌરવ અને માન-મહિમાનો તાજ પહેરાવ્યો.” ખરું કે માણસોને સ્વર્ગદૂતો જેટલી તાકાત, બુદ્ધિ અને આવડતો સાથે નથી બનાવ્યા. (ગીત. ૧૦૩:૨૦) પણ સ્વર્ગદૂતોમાં અને માણસોમાં ખાસ કંઈ ફરક નથી. માણસોને સ્વર્ગદૂતોથી ‘થોડા ઊતરતા’ બનાવ્યા છે. એ પરથી જાણવા મળે છે કે યહોવાના કુટુંબમાં આદમ અને હવા મહત્ત્વના હતાં. સાચે જ યહોવાએ આદમ અને હવાને બનાવ્યાં ત્યારે તેમને કેટલું સુંદર જીવન આપ્યું હતું!
૪. (ક) આદમ અને હવાને શું થયું? (ખ) આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
૪ દુઃખની વાત છે કે આદમ અને હવાએ યહોવાની આજ્ઞા તોડી. એટલે તેઓ યહોવાના કુટુંબનો ભાગ રહ્યા નહિ. તેમનાં બાળકોએ પણ દુઃખ-તકલીફો વેઠવી પડી જે વિશે આપણે આગળ જોઈશું. યહોવા બદલાયા નથી. તે હજુ ચાહે છે કે વફાદાર લોકો તેમનાં બાળકો બને. આ લેખમાં પહેલા જોઈશું કે યહોવા કઈ રીતે માણસોને કીમતી સમજે છે અને તેઓને માન આપે છે. પછી જોઈશું કે આપણે યહોવાના કુટુંબનો ભાગ બનવા માંગીએ છીએ એ બતાવવા આજે શું કરી શકીએ. છેલ્લે આપણે ચર્ચા કરીશું કે યહોવાનાં બાળકોને ધરતી પર કેવા આશીર્વાદો મળશે.
યહોવાએ કઈ રીતે માણસોને માન આપ્યું?
૫. યહોવાએ આપણને તેમના જેવા બનાવ્યા છે એટલે શું કરવું જોઈએ?
૫ યહોવાએ આપણને તેમના જેવા બનાવ્યા. (ઉત. ૧:૨૬, ૨૭) એનો અર્થ એ કે આપણામાં પણ યહોવા જેવા ગુણો છે, જેમ કે પ્રેમ, દયા, વફાદારી અને ન્યાય. (ગીત. ૮૬:૧૫; ૧૪૫:૧૭) આપણે એવા ગુણો કેળવીને યહોવાનો મહિમા કરીએ છીએ અને તેમનો આભાર માનીએ છીએ. (૧ પિત. ૧:૧૪-૧૬) એટલું જ નહિ, આપણે બતાવીએ છીએ કે આપણે તેમના કુટુંબનો ભાગ બનવા માંગીએ છીએ. એ જોઈને યહોવાને ખુશી થશે અને આપણે પણ ખુશ થઈશું.
૬. યહોવાએ કઈ રીતે માણસોને માન આપ્યું?
૬ યહોવાએ આપણા માટે સુંદર ઘર બનાવ્યું. માણસોને બનાવતા પહેલાં તેમણે ધરતી બનાવી. (અયૂ. ૩૮:૪-૬; યર્મિ. ૧૦:૧૨) યહોવા ખૂબ ઉદાર છે એટલે માણસો ખુશ રહે માટે તેમણે ઘણી વસ્તુઓ બનાવી. (ગીત. ૧૦૪:૧૪, ૧૫, ૨૪) યહોવાએ સૃષ્ટિ બનાવી, પછી ‘જોઈ કે એ સારી છે.’ (ઉત. ૧:૧૦, ૧૨, ૩૧) એ અદ્ભુત સૃષ્ટિ પર તેમણે માણસોને “અધિકાર” આપ્યો અને આ રીતે તેઓનું માન વધાર્યું. (ગીત. ૮:૬) યહોવાની ઇચ્છા છે કે માણસો કોઈપણ દુઃખ-તકલીફ વગર હંમેશાં જીવે અને ધરતીની સંભાળ રાખે. એ માટે આપણે યહોવાના કેટલા આભારી છીએ!
૭. શા પરથી કહી શકાય કે માણસોને નિર્ણયો લેવાની છૂટ છે?
૭ યહોવાએ આપણને નિર્ણયો લેવાની છૂટ આપી. આપણે જીવનમાં શું કરીશું એ પોતે નક્કી કરી શકીએ છીએ. (યહોશુઆ ૨૪:૧૫ વાંચો.) આપણે તેમની સેવા કરવાનો નિર્ણય લઈએ છીએ ત્યારે તેમને ઘણી ખુશી થાય છે. (ગીત. ૮૪:૧૧; નીતિ. ૨૭:૧૧) જીવનમાં બીજા નિર્ણયો લેતી વખતે પણ આપણે એ છૂટનો સારો ઉપયોગ કરી શકીએ છીએ. કેવી રીતે? ચાલો એ માટે ઈસુનો દાખલો જોઈએ.
૮. ઈસુએ પોતાની આઝાદીનો કઈ રીતે સારો ઉપયોગ કર્યો?
૮ ઈસુ હંમેશાં બીજાઓનો વિચાર કરતા. એક વખત ઈસુ અને તેમના પ્રેરિતો ખૂબ થાક્યા હતા. તેઓ આરામ કરવા એક શાંત જગ્યાએ ગયા પણ તેઓ આરામ કરી શક્યા નહિ. લોકોનું એક મોટું ટોળું તેઓની પાછળ પાછળ આવ્યું. તેઓ ઈસુ પાસેથી શીખવા માંગતા હતા. ઈસુ તેઓને જોઈને ચિડાઈ ગયા નહિ. પણ તેમનું હૈયું કરુણાથી ભરાઈ આવ્યું. “તે તેઓને ઘણી વાતો શીખવવા લાગ્યા.” (માર્ક ૬:૩૦-૩૪) આપણે પણ ઈસુની જેમ બીજાઓને મદદ કરવા આપણાં સમય-શક્તિ ખર્ચીએ છીએ ત્યારે યહોવાના નામનો મહિમા થાય છે. (માથ. ૫:૧૪-૧૬) એમ કરીને બતાવીએ છીએ કે આપણે યહોવાના કુટુંબનો ભાગ બનવા માંગીએ છીએ.
૯. યહોવાએ માણસોને કઈ ખાસ જવાબદારી આપી છે?
૯ યહોવાએ માણસોને બાળકો પેદા કરવાની શક્તિ આપી. તેમણે જવાબદારી પણ આપી કે તેઓ પોતાનાં બાળકોને યહોવાને પ્રેમ કરવાનું અને તેમની સેવા કરવાનું શીખવે. યહોવાએ સ્વર્ગદૂતોને ઘણી શક્તિ આપી છે, પણ બાળકો પેદા કરવાનો લહાવો આપ્યો નથી. એ લહાવો તેમણે ફક્ત માણસોને આપ્યો છે. માતા-પિતાઓ શું તમે એ લહાવા માટે ઈશ્વરનો આભાર માનો છો? યહોવાએ તમને એક ખાસ જવાબદારી આપી છે. એટલે તે ચાહે છે કે તમે બાળકોને “શિસ્ત અને શિખામણ આપીને તેઓનો ઉછેર કરો.” (એફે. ૬:૪; પુન. ૬:૫-૭; ગીત. ૧૨૭:૩) તમને મદદ કરવા યહોવાના સંગઠને ઘણાં સાહિત્ય, વીડિયો, સંગીત અને વેબસાઈટ પર લેખ આપ્યાં છે. એનાથી ખબર પડે છે કે યહોવા અને ઈસુ બાળકોને ખૂબ પ્રેમ કરે છે. (લૂક ૧૮:૧૫-૧૭) તમે યહોવા પર ભરોસો કરો છો અને બાળકોનો સારો ઉછેર કરો છો ત્યારે યહોવાને ઘણી ખુશી થાય છે. વધુમાં તમે બાળકોને યહોવાના કુટુંબનો ભાગ બનવાની તક આપો છો.
૧૦-૧૧. યહોવાએ પોતાના દીકરાનું બલિદાન આપીને માણસોને કઈ તક આપી?
૧૦ યહોવાએ પોતાના સૌથી વહાલા દીકરાનું બલિદાન આપ્યું જેથી માણસો ફરીથી તેમના કુટુંબનો ભાગ બની શકે. આપણે ફકરા ૪માં વાંચ્યું હતું તેમ, આદમ-હવા અને તેઓનાં બાળકો યહોવાના કુટુંબનો ભાગ રહ્યાં નહિ. (રોમ. ૫:૧૨) આદમ-હવાએ જાણીજોઈને પાપ કર્યું હોવાથી યહોવાએ તેઓને પોતાના કુટુંબમાંથી કાઢી મૂક્યા. પણ તેઓનાં બાળકોનું શું? યહોવા માણસોને ખૂબ જ પ્રેમ કરે છે. એટલે તેમણે પોતાના એકના એક દીકરાનું બલિદાન આપ્યું. આમ જે માણસો તેમની આજ્ઞા માને છે તેઓ ફરીથી તેમનાં કુટુંબનો ભાગ બની શકશે. (યોહા. ૩:૧૬; રોમ. ૫:૧૯) એ બલિદાનના લીધે યહોવાએ ૧,૪૪,૦૦૦ માણસોને પોતાના દીકરાઓ તરીકે દત્તક લીધા.—રોમ. ૮:૧૫-૧૭; પ્રકટી. ૧૪:૧.
૧૧ આજે લાખો લોકો યહોવાની આજ્ઞા પાળી રહ્યા છે. તેઓને આશા છે કે હજાર વર્ષના અંતે થનાર કસોટી પછી તેઓ યહોવાના કુટુંબનો ભાગ બની શકશે. (ગીત. ૨૫:૧૪; રોમ. ૮:૨૦, ૨૧) એટલે આજે તેઓ સર્જનહાર યહોવાને પોતાના “પિતા” માને છે. (માથ. ૬:૯) જેઓને ફરી જીવતા કરવામાં આવશે તેઓને પણ યહોવા અને તેમનાં ધોરણો વિશે શીખવાની તક આપવામાં આવશે. જો તેઓ તેમની ભક્તિ કરવાનો નિર્ણય લેશે તો તેઓ પણ સમય જતાં યહોવાના કુટુંબનો ભાગ બની શકશે.
૧૨. આપણે કયા સવાલની ચર્ચા કરીશું?
૧૨ યહોવાએ ઘણી રીતોએ માણસોને માન આપ્યું છે. દાખલા તરીકે, તેમણે અભિષિક્તોને પોતાના દીકરા તરીકે દત્તક લીધાં છે. ‘મોટા ટોળાના’ લોકોને તે નવી દુનિયામાં પોતાનાં બાળકો બનાવશે. (પ્રકટી. ૭:૯) તો પછી આજે એવું શું કરી શકીએ જેથી ભાવિમાં આપણે યહોવાના કુટુંબનો ભાગ બની શકીએ?
યહોવાના કુટુંબનો ભાગ બનવા શું કરી શકીએ?
૧૩. યહોવાના કુટુંબનો ભાગ બનવા આપણે શું કરવું જોઈએ? (માર્ક ૧૨:૩૦)
૧૩ યહોવા માટેનો પ્રેમ બતાવવા પૂરા દિલથી તેમની સેવા કરીએ. (માર્ક ૧૨:૩૦ વાંચો.) યહોવાએ આપણને ઘણી ભેટ આપી છે. સૌથી મહત્ત્વની ભેટ છે કે આપણે તેમની ભક્તિ કરી શકીએ છીએ. આપણે યહોવાની ‘આજ્ઞાઓ પાળીને’ બતાવીએ છીએ કે આપણે તેમને પ્રેમ કરીએ છીએ. (૧ યોહા. ૫:૩) પહેલી આજ્ઞા છે કે આપણે લોકોને શિષ્યો બનાવીએ અને તેઓને બાપ્તિસ્મા આપીએ. (માથ. ૨૮:૧૯) બીજી આજ્ઞા છે કે આપણે એકબીજાને પ્રેમ કરીએ. (યોહા. ૧૩:૩૫) જેઓ યહોવાની આજ્ઞા પાળે છે તેઓને તે પોતાના કુટુંબનો ભાગ બનાવશે.—ગીત. ૧૫:૧, ૨.
૧૪. આપણે કઈ રીતોએ બીજાઓ માટે પ્રેમ બતાવી શકીએ? (માથ્થી ૯:૩૬-૩૮; રોમનો ૧૨:૧૦)
૧૪ બીજાઓને પ્રેમ કરીએ. યહોવાનો ખાસ ગુણ પ્રેમ છે. (૧ યોહા. ૪:૮) યહોવાએ આપણને ત્યારે પ્રેમ બતાવ્યો જ્યારે આપણે તેમને ઓળખતા પણ ન હતા. (૧ યોહા. ૪:૯, ૧૦) આપણે પણ એવો પ્રેમ બીજાઓ માટે બતાવવો જોઈએ. (એફે. ૫:૧) એવું કરવાની એક રીત છે કે અંત આવતા પહેલાં તેઓને યહોવા વિશે શીખવીએ. (માથ્થી ૯:૩૬-૩૮ વાંચો.) આમ તેઓ જાણી શકશે કે યહોવાના કુટુંબનો ભાગ બનવા તેઓએ શું કરવું જોઈએ. તેઓ બાપ્તિસ્મા લે પછી પણ આપણે તેઓ માટે પ્રેમ અને આદર બતાવતા રહેવું જોઈએ. (૧ યોહા. ૪:૨૦, ૨૧) ધારો કે એક ભાઈએ એવું કંઈક કર્યું છે, જે આપણને સમજાતું નથી. આપણે એવું ન વિચારીએ કે તેમનો ઇરાદો સારો નથી. એને બદલે આપણે તેમનો આદર કરીએ, તેમના પર પૂરો ભરોસો રાખીએ અને તેમને પોતાના કરતાં ચઢિયાતા ગણીએ.—રોમનો ૧૨:૧૦ વાંચો; ફિલિ. ૨:૩.
૧૫. આપણે કોની સાથે ભલાઈ અને દયાથી વર્તવું જોઈએ?
૧૫ બધા સાથે ભલાઈ અને દયાથી વર્તીએ. જો આપણે યહોવાના કુટુંબનો ભાગ બનવા માંગતા હોઈએ, તો બાઇબલનાં ધોરણો પ્રમાણે ચાલીએ. દાખલા તરીકે ઈસુએ શીખવ્યું હતું કે બધા સાથે ભલાઈ અને કૃપાથી વર્તીએ, અરે દુશ્મનો સાથે પણ. (લૂક ૬:૩૨-૩૬) એમ કરવું હંમેશાં સહેલું હોતું નથી. એવા સમયે આપણે ઈસુની જેમ વિચારવાનો અને વર્તવાનો પ્રયત્ન કરીએ. યહોવાની આજ્ઞા પાળવાનો અને ઈસુ જેવા બનવાનો પ્રયત્ન કરીને બતાવીએ છીએ કે આપણે યહોવાના કુટુંબનો ભાગ બનવા માંગીએ છીએ.
૧૬. આપણે શું કરી શકીએ જેથી યહોવાના કુટુંબનું નામ ખરાબ ન થાય?
૧૬ યહોવાના કુટુંબનું નામ ખરાબ ન થવા દઈએ. મોટાભાગે કુટુંબમાં નાનો ભાઈ એ જ કરશે જે તેના મોટા ભાઈને કરતા જુએ છે. જો મોટો ભાઈ બાઇબલ ધોરણો પ્રમાણે જીવતો હશે તો નાનો ભાઈ પણ એવું જ કરશે. પણ જો મોટો ભાઈ ખોટાં કામ કરવા લાગે તો એને જોઈને નાનો ભાઈ પણ ખોટાં કામ કરવા લલચાઈ શકે. યહોવાના કુટુંબમાં પણ એવું જ છે. એક ઈશ્વરભક્ત મંડળ છોડીને સત્યમાં ભેળસેળ કરવા લાગે અથવા વ્યભિચાર કે ખોટાં કામ કરવા લાગે તો બીજાઓ પણ તેની દેખાદેખી કરી શકે છે. એના લીધે ઈશ્વરના કુટુંબનું નામ ખરાબ થઈ શકે છે. (૧ થેસ્સા. ૪:૩-૮) આપણે તેઓને પગલે ન ચાલીએ. આપણે એવું કંઈ પણ ન કરીએ જેથી યહોવા સાથેનો આપણો સંબંધ નબળો પડી જાય.
૧૭. આપણે શું ન વિચારવું જોઈએ અને શા માટે?
૧૭ યહોવા પર ભરોસો રાખીએ, ધનદોલત પર નહિ. યહોવાએ વચન આપ્યું છે કે જો તેમના રાજ્યને જીવનમાં પ્રથમ રાખીશું તો તે આપણી જીવન જરૂરી બધી વસ્તુઓ પૂરી પાડશે. (ગીત. ૫૫:૨૨; માથ. ૬:૩૩) જો તેમના વચન પર ભરોસો નહિ રાખીએ તો એવું વિચારીશું કે ધનદોલત અને એશોઆરામની વસ્તુઓથી જ ખુશી અને સલામતી મળે છે. પણ આપણે જાણીએ છીએ કે સાચી ખુશી તો ઈશ્વરની મરજી પૂરી કરવાથી મળે છે. (ફિલિ. ૪:૬, ૭) જો આપણે ઘણી વસ્તુઓ ખરીદી શકતા હોય તોપણ શું એને વાપરવા અને સાચવવા આપણી પાસે સમય-શક્તિ છે? કદાચ આપણને આપણી વસ્તુઓનો મોહ લાગે તો શું કરીશું? આપણે યાદ રાખીએ કે યહોવાની સેવામાં ઘણું કામ છે. યહોવા ચાહે છે કે આપણે એ કામ પૂરું મન લગાવીને કરીએ. આપણે ઈસુએ આપેલા દાખલાને યાદ કરીએ. એક યુવાન માણસ પાસે યહોવાની ભક્તિ કરવાની અને તેમના દત્તક દીકરા બનવાની તક હતી. પણ તેને પોતાની ધનદોલત માટે એટલો મોહ હતો કે તેણે એ તક ગુમાવી દીધી. આપણે તેના જેવા બનવા માંગતા નથી, ખરું ને?—માર્ક ૧૦:૧૭-૨૨.
ભાવિમાં યહોવાનાં બાળકોને કેવા આશીર્વાદો મળશે?
૧૮. આજ્ઞા પાળનારા લોકોને કેવા આશીર્વાદો મળશે?
૧૮ યહોવાની આજ્ઞા પાળનાર લોકોને ઘણા આશીર્વાદો મળવાના છે. તેઓને હંમેશ માટે યહોવાને પ્રેમ કરવાનો અને તેમની ભક્તિ કરવાનો લહાવો મળશે. તેઓને બીજો એક આશીર્વાદ પણ મળશે. બહુ જલદી જ ઈશ્વરનું રાજ્ય આ પૃથ્વીને બાગ જેવી સુંદર બનાવી દેશે ત્યારે, તેઓને પૃથ્વીની સંભાળ રાખવાનું કામ મળશે. આદમ અને હવાની ભૂલને લીધે જે મુશ્કેલીઓ આવી છે એને ઈસુ દૂર કરશે. યહોવા લાખો લોકોને ફરી જીવતા કરીને આ પૃથ્વી પર હંમેશ માટેનું જીવન અને તંદુરસ્તી આપશે. (લૂક ૨૩:૪૨, ૪૩) એ સમયે યહોવાના ભક્તોમાં કોઈ ખામી નહિ રહે. તેઓ ખરા અર્થમાં તેમનાં બાળકો બનશે. દાઉદે કહ્યું હતું તેમ તેઓમાં પણ ‘ગૌરવ અને માન-મહિમાની’ ઝલક દેખાશે.—ગીત. ૮:૫.
૧૯. આપણે શું યાદ રાખવું જોઈએ?
૧૯ જો તમે મોટા ટોળામાંનાં હો તો તમારી પાસે એક સોનેરી આશા છે. યહોવા તમને ખૂબ પ્રેમ કરે છે અને ચાહે છે તમે તેમના કુટુંબનો ભાગ બનો. એટલે એવાં કામ કરો જેથી તે ખુશ થાય. તેમણે આપેલાં વચનોને યાદ કરો. તેમની ભક્તિ કરવાનું અને મહિમા આપવાનું જે સન્માન મળ્યું છે એનો આભાર માનો.
ગીત ૫૦ ઈશ્વરનો મધુર પ્રેમ
a જો કુટુંબના દરેક સભ્યને પોતાની જવાબદારી ખબર હોય અને એકબીજાને મદદ કરતા હોય તો કુટુંબ ખુશ રહે છે. પિતા પ્રેમથી કુટુંબની દેખરેખ રાખે છે અને માતા તેમને સાથ આપે છે. બાળકો માતા-પિતાનું કહ્યું માને છે. યહોવાના કુટુંબમાં પણ એવું જ કંઈક છે. તેમણે આપણને બનાવ્યા ત્યારે જણાવ્યું કે આપણે શું કરવાનું છે. જો એમ કરીશું તો આપણે તેમના કુટુંબનો ભાગ બની શકીશું.
b ચિત્રની સમજ: યહોવાએ માણસોને તેમના જેવા બનાવ્યા છે. એટલે પતિ-પત્ની એકબીજા સાથે અને પોતાના દીકરાઓ સાથે પ્રેમ અને આદરથી વર્તે છે. તેઓ યહોવાને પણ ખૂબ પ્રેમ કરે છે. યહોવાએ તેઓને દીકરાઓની ભેટ આપી છે. માબાપ તેઓને યહોવાને પ્રેમ કરવાનું શીખવે છે. તેઓ વીડિયો બતાવીને સમજાવે છે કે યહોવાએ ઈસુનું બલિદાન કેમ આપ્યું. તેઓ એ પણ શીખવે છે કે તેઓ બધા નવી દુનિયામાં ધરતી અને પ્રાણીઓની હંમેશાં દેખભાળ રાખશે.