લાભ થાય એવું મનોરંજન પસંદ કરો
“પ્રભુને પસંદ પડતું શું છે, તે પારખી લો.”—એફે. ૫:૧૦.
૧, ૨. (ક) આપણે જીવનનો આનંદ માણીએ એવું યહોવાહ ઇચ્છે છે, એ કેવી રીતે જાણી શકીએ? (ખ) આનંદપ્રમોદના સમયને ‘ઈશ્વરના વરદાન’ તરીકે જોઈશું, તો આપણે શું કરીશું?
યહોવાહ ઇચ્છે છે કે આપણે જીવનનો આનંદ માણીએ, નહિ કે ફક્ત જીવવા ખાતર જીવીએ. તેમણે બાઇબલમાં ઘણી વાર એ વિષે જ જણાવ્યું છે. ગીતશાસ્ત્ર ૧૦૪:૧૪, ૧૫ જણાવે છે કે યહોવાહ ‘ભૂમિમાંથી અન્ન ઉગાડે છે. વળી માણસના હૃદયને આનંદ આપનાર દ્રાક્ષદારૂ, તેના મોઢાને તેજસ્વી કરનાર તેલ, અને તેને શક્તિ આપનાર ખોરાક ઉપજાવે છે.’a સાચે જ, યહોવાહ પાકને ઉગાડે છે, જેથી જીવન ટકાવી રાખનાર અનાજ, તેલ અને દ્રાક્ષદારૂ મળી શકે. ખરું કે દ્રાક્ષદારૂ કંઈ જીવન-જરૂરી વસ્તુ નથી, તોપણ યહોવાહે આપણા “આનંદ” માટે એ આપ્યો છે. (સભા. ૯:૭; ૧૦:૧૯) યહોવાહ ઇચ્છે છે કે આપણે આનંદી રહીએ. તે ચાહે છે ક આપણું ‘મન આનંદથી તૃપ્ત’ થાય.—પ્રે.કૃ. ૧૪:૧૬, ૧૭.
૨ તેથી આપણે એવું ન વિચારવું જોઈએ કે આનંદપ્રમોદ માટે “આકાશનાં પક્ષીઓ” અને “ખેતરનાં ફૂલઝાડોનો વિચાર” કરવા થોડો સમય કાઢવો ખોટું છે. આવી બાબતો તો આપણા મનને તાજગી આપે છે અને જીવન આનંદમય બનાવે છે. (માથ. ૬:૨૬, ૨૮; ગીત. ૮:૩, ૪) ખુશહાલ અને તંદુરસ્ત જીવન તો “ઈશ્વરનું વરદાન છે.” (સભા. ૩:૧૨, ૧૩) આનંદપ્રમોદનો સમય એ વરદાનનો જ ભાગ છે. આપણે એને એ રીતે વાપરીએ કે ઈશ્વર ખુશ થાય.b
યોગ્ય મનોરંજન પસંદ કરો
૩. લોકો કેમ અલગ અલગ મનોરંજન પસંદ કરે છે?
૩ અમુક લોકો મનોરંજન માટે યોગ્ય સમય ફાળવે છે. તેઓ જાણે છે કે પોતે અલગ અલગ મનોરંજન પસંદ કરી શકે છે, છતાં તેઓ પોતાની હદમાં રહીને એનો આનંદ માણે છે. મોજમજા માટે લોકો કેમ અલગ અલગ બાબતો પસંદ કરે છે? એ સમજવા ચાલો આપણે મનોરંજનને ખોરાક સાથે સરખાવીએ. જેમ એક જગ્યાના લોકો જે વાનગીની લિજ્જત માણતા હોય એ જ વાનગી બીજી જગ્યાના લોકોને ગળે પણ ન ઊતરે! એવી જ રીતે, જુદા દેશોમાં રહેતા ભાઈ-બહેનોનું મનોરંજન અલગ અલગ હોય છે. અરે, એક જ વિસ્તારમાં રહેતા ભાઈ-બહેનો પણ જુદું-જુદું મનોરંજન પસંદ કરતા હોય છે. દાખલા તરીકે, કોઈ વ્યક્તિને સારું પુસ્તક વાંચવા મળી જાય તો એમાં ડૂબી જશે. તો બીજી વ્યક્તિને કદાચ વાંચવાનો કંટાળો આવે. કોઈને ફરવા જવામાં ખૂબ મજા આવતી હોય, તો બીજાને એ થકવી નાખનારું લાગે. જેમ વ્યક્તિ ખોરાકની પસંદગી કરી શકે છે, તેમ મનોરંજનની પણ પસંદગી કરી શકે છે.—રોમ. ૧૪:૨-૪.
૪. ઉદાહરણ આપીને સમજાવો કે મનોરંજનની પસંદગીમાં આપણે કેમ પહેલેથી હદ ઠરાવવી જોઈએ.
૪ મનોરંજનની પસંદગીનો અર્થ એ નથી કે આપણને મનફાવે એ પસંદ કરીએ. એ સમજવા ફરી પાછા ખોરાકના દાખલાનો વિચાર કરો. કદાચ આપણને જાતજાતની વાનગીઓ ખાવી ગમતી હશે, પણ આપણે બગડેલી વાનગી તો નહિ જ ખાઈએ. એ ખાઈશું તો આપણે બીમારીને નોતરીશું. એવી જ રીતે આપણે જીવન જોખમમાં મૂકતી પ્રવૃત્તિઓ, મારફાડથી ભરેલું કે અનૈતિક મનોરંજન પસંદ નહિ જ કરીએ. આવી પ્રવૃત્તિઓ બાઇબલ સિદ્ધાંતોની વિરુદ્ધમાં છે. એની આપણી તંદુરસ્તી અને ઈશ્વર સાથેના સંબંધ પર ખરાબ અસર પડે છે. એટલા માટે આપણે મનોરંજનમાં પહેલેથી હદ ઠરાવવી જોઈએ. આપણે અગાઉથી વિચારવું જોઈએ કે ‘હું જે મનોરંજન પસંદ કરું છું શું એ મારા લાભ માટે છે? શું એનાથી યહોવાહ ખુશ થશે?’ (એફે. ૫:૧૦) આપણે એ કેવી રીતે નક્કી કરી શકીએ?
૫. આપણું મનોરંજન ઈશ્વરના ધોરણો મુજબ છે કે નહિ, એ કેવી રીતે નક્કી કરી શકીએ?
૫ આપણે જે કંઈ મનોરંજન પસંદ કરીએ એ બાઇબલના ધોરણો મુજબ હોવું જોઈએ. એવા મનોરંજનથી આપણને લાભ થશે અને એ યહોવાહની નજરે પણ યોગ્ય હશે. (ગીત. ૮૬:૧૧) મનોરંજનની પસંદગી માટે તમે એક ચેક-લિસ્ટ વાપરી શકો. એમાં ત્રણ મહત્ત્વના સવાલો છે: કેવું, કેટલું અને કોની સાથે મનોરંજન માણશો. ચાલો એક પછી એક એના પર વિચાર કરીએ.
મનોરંજન કેવું છે?
૬. આપણે કેવું મનોરંજન ટાળવું જોઈએ? શા માટે?
૬ કોઈ પણ મનોરંજન પસંદ કરતા પહેલાં વિચાર કરો કે, એ કેવું છે, એમાં શું શું સમાયેલું છે. યાદ રાખો કે મનોરંજન બે પ્રકારના હોય છે. એક એવા પ્રકારનું મનોરંજન, જે આપણે કદી નહિ માણીએ. બીજું એવા પ્રકારનું, જે કદાચ આપણે માણીશું. ચાલો પહેલા પ્રકારનો વિચાર કરીએ. આ એવું મનોરંજન છે જે દુષ્ટ દુનિયા મોટા પ્રમાણમાં પીરસે છે. પરંતુ આવું મનોરંજન દેખીતી રીતે જ બાઇબલના સિદ્ધાંતો કે ઈશ્વરના નિયમોને તોડે છે. (૧ યોહા. ૫:૧૯) સાચા ખ્રિસ્તીઓ આવું મનોરંજન ક્યારેય પસંદ નહિ કરે. એવા મનોરંજનમાં ભૂત-પિશાચ, સજાતીય સંબંધો, અશ્લીલતા, હિંસા, અનૈતિકતા કે પછી બીજાં અધમ કામોનો સમાવેશ થાય છે. (૧ કોરીં. ૬:૯, ૧૦; પ્રકટીકરણ ૨૧:૮ વાંચો.) ભલે આપણે ગમે ત્યાં હોઈએ, આવું મનોરંજન જરાય નહિ માણીએ. એમ કરીને આપણે યહોવાહ આગળ સાબિત કરીશું કે ‘જે ભૂંડું છે એને ધિક્કારીએ છીએ.’—રોમ. ૧૨:૯; ૧ યોહા. ૧:૫, ૬.
૭, ૮. મનોરંજન સારું છે કે નહિ, એની આપણે કેવી રીતે તપાસ કરી શકીએ? સમજાવો.
૭ બીજા પ્રકારનું મનોરંજન એવું છે કે જેના વિષે બાઇબલ સીધેસીધું કંઈ જણાવતું નથી. એવા કિસ્સામાં મનોરંજનની પસંદગી કરતા પહેલાં, આપણે બાઇબલમાંથી સિદ્ધાંતો તપાસવા જોઈએ કે એ મનોરંજન સારું છે કે નહિ. (નીતિ. ૪:૧૦, ૧૧) પછી યોગ્ય નિર્ણય લેવો જોઈએ, જેથી આપણું અંત:કરણ શુદ્ધ રહે. (ગલા. ૬:૫; ૧ તીમો. ૧:૧૯) એમ કેવી રીતે કરી શકીએ? એ માટે ફરીથી વાનગીનો વિચાર કરો: કોઈ પણ નવી વાનગી ખાતા પહેલાં આપણે જાણવા ચાહીએ છીએ કે એ શેની બનેલી છે. એ જ રીતે, મનોરંજન પસંદ કરતા પહેલાં આપણે જાણવું જોઈએ કે એમાં શેનો શેનો સમાવેશ થાય છે.—એફે. ૫:૧૭.
૮ દાખલા તરીકે, કદાચ તમને રમતો ગમતી હોય. એ સમજી શકાય, કેમ કે એમાં ખૂબ મજા અને રોમાંચ મળે છે. પરંતુ કેટલીક રમતોમાં એટલી રસાકસી હોય છે કે જેનાથી વ્યક્તિનો જીવ જોખમમાં મૂકાઈ જાય છે. બીજી કેટલીક રમતો ખતરનાક અને હાથ-પગ તોડી નાખનારી હોય છે. કેટલીક રમતોની ઉજવણીમાં લોકો જંગલી અને હિંસક બની જાય છે. તેઓ વિચારે છે કે પોતાનો દેશ બીજા દેશ કરતાં સારો છે. તમને ગમતી રમતોમાં ઉપરની બાબતોનો સમાવેશ થતો હોય તો શું કરશો? એવી રમતોનો વિચાર કરશો તો, ખ્યાલ આવશે કે આવો આનંદપ્રમોદ ઈશ્વરના વિચારોની વિરુદ્ધ છે. તેમ જ, આપણા શાંતિ અને પ્રેમના સંદેશાની વિરુદ્ધ છે. (યશા. ૬૧:૧; ગલા. ૫:૧૯-૨૧) પણ જો તમને ખાતરી હોય કે અમુક મનોરંજન યહોવાહના ધોરણો મુજબ છે, તો એ તમને આનંદ અને તાજગી આપશે.—ગલા. ૫:૨૨, ૨૩; ફિલિપી ૪:૮ વાંચો.
હું કેટલું મનોરંજન માણું છું?
૯. આ સવાલના જવાબમાંથી તમને શું જાણવા મળે છે: ‘હું મનોરંજન પાછળ કેટલો સમય કાઢું છું?’
૯ આપણે પહેલા સવાલ પર ચર્ચા કરી કે કેવું મનોરંજન પસંદ કરીએ છીએ. આપણો જવાબ બતાવે છે કે જે મનોરંજન પસંદ કરીએ, એ યહોવાહની નજરે યોગ્ય છે કે નહિ. હવે બીજા સવાલ પર વિચાર કરો: ‘હું મનોરંજન પાછળ કેટલો સમય કાઢું છું?’ એનો જવાબ બતાવશે કે આપણા જીવનમાં શું મહત્ત્વનું છે. આપણા જીવનમાં મનોરંજન કેટલું મહત્ત્વનું છે એ નક્કી કરવા શું મદદ કરી શકે?
૧૦, ૧૧. મનોરંજન પાછળ કેટલો સમય કાઢવો, એ માટે માત્થી ૬:૩૩ના ઈસુના શબ્દો કેવી મદદ કરે છે?
૧૦ ઈસુએ તેમના શિષ્યોને કહ્યું, ‘તમારા પૂરા હૃદયથી, ને તમારા પૂરા જીવથી, ને તમારી પૂરી બુદ્ધિથી, ને તમારા પૂરા સામર્થ્યથી પ્રભુ તમારા ઈશ્વર પર તમે પ્રેમ કરો.’ (માર્ક ૧૨:૩૦) તેથી યહોવાહ માટેનો પ્રેમ આપણા જીવનમાં પહેલો હોવો જોઈએ. એમ કરવા આપણે ઈસુની આ ચેતવણી ધ્યાનમાં રાખવી જોઈએ: ‘તમે પહેલાં તેમના રાજ્યને તથા તેમના ન્યાયીપણાને શોધો, એટલે એ બધી વસ્તુઓ પણ તમને અપાશે.’ (માથ. ૬:૩૩) ઈસુના શબ્દો આપણને મદદ કરે છે કે મનોરંજનને કેટલું મહત્ત્વ આપવું, અને એની પાછળ કેટલો સમય કાઢવો.
૧૧ ઈસુએ શિષ્યોને કહ્યું, ‘તમે પહેલાં તેમના રાજ્યને શોધો.’ તેમણે એમ ન હતું કહ્યું કે ‘તમે ફક્ત તેમના રાજ્યને શોધો.’ ઈસુ જાણતા હતા કે રાજ્યની સાથે સાથે બીજી ઘણી વસ્તુઓ જરૂરી છે. આપણને ઘર, ખોરાક, કપડાં, જરૂરી ભણતર, નોકરી અને મનોરંજન જેવી ઘણી બાબતોની જરૂર છે. પરંતુ એ બધામાં ઈશ્વરનું રાજ્ય સૌથી પહેલા આવે છે. (૧ કોરીં. ૭:૨૯-૩૧) બીજી બધી બાબતો બીજા નંબરે આવે છે. એમાં મનોરંજન પણ આવી જાય છે. એટલે આપણે બીજી પ્રવૃત્તિઓને એ રીતે રાખવી જોઈએ, જેથી ઈશ્વરના રાજ્યને પ્રથમ રાખી શકીએ. એમ કરીશું તો, ભલે મનોરંજનમાં થોડો સમય આપીએ, એનાથી આપણને જ ફાયદો થશે.
૧૨. લુક ૧૪:૨૮માંથી મનોરંજન વિષે શું મદદ મળે છે?
૧૨ મનોરંજન પાછળ કેટલો સમય ‘ખર્ચવો’ એ વિષે પહેલેથી વિચારવું જોઈએ. (લુક ૧૪:૨૮) જેમ અમુક વસ્તુઓ માટે પૈસા ખર્ચવા પડે છે, તેમ મનોરંજન માટે પણ સમય ખર્ચવો પડે છે. આપણે નક્કી કરવું જોઈએ કે મનોરંજન પાછળ કેટલો સમય આપીશું. એમ નહિ કરીએ તો બાઇબલ અભ્યાસ, કુટુંબ તરીકે ભક્તિ, સભાઓ કે પ્રચાર જેવા મહત્ત્વના કામ માટે પૂરતો સમય નહિ રહે. (માર્ક ૮:૩૬) જો કોઈ મનોરંજનથી ઈશ્વરની ભક્તિ માટે તમારો ઉત્સાહ વધતો હોય, તો એવી પ્રવૃત્તિમાં સમય આપવાથી તમને લાભ થશે.
કોની સાથે આનંદપ્રમોદ માણું છું?
૧૩. આપણે કોની સાથે આનંદપ્રમોદ માણવો, એનું કેમ ધ્યાન રાખવું જોઈએ?
૧૩ હવે ત્રીજા સવાલ પર વિચાર કરો: ‘હું કોની સાથે મનોરંજન માણું છું?’ એ જાણવું મહત્ત્વનું છે, કેમ કે જેઓ સાથે મનોરંજન માણીએ તેઓની આપણા પર સારી કે ખરાબ અસર પડે છે. જેમ સારા મિત્રો સાથે મળીને ખાવા-પીવામાં ઘણી મજા આવે છે, તેમ તેઓ સાથે આનંદપ્રમોદ કરવાથી પણ મજા આવે છે. એટલે જ આપણામાંના ઘણાને, ખાસ કરીને યુવાનોને ભેગા મળીને આનંદપ્રમોદ કરવાનું ગમે છે. તોપણ એમાંથી લાભ મળે એ માટે અગાઉથી નક્કી કરવું જોઈએ કે કોને બોલાવવા અને કોને નહિ.—૨ કાળ. ૧૯:૨; નીતિવચનો ૧૩:૨૦ વાંચો; યાકૂ. ૪:૪.
૧૪, ૧૫. (ક) મિત્રોની પસંદગીમાં ઈસુએ કેવો દાખલો બેસાડ્યો? (ખ) મિત્રો પસંદ કરતા પહેલાં આપણે કેવા સવાલો પર વિચાર કરવો જોઈએ?
૧૪ મિત્રો પસંદ કરવા ઈસુના દાખલામાંથી ઘણી મદદ મળે છે. મનુષ્યને બનાવ્યા ત્યારથી જ ઈસુને તેઓ માટે ખૂબ પ્રેમ છે. (નીતિ. ૮:૩૧) ઈસુ પૃથ્વી પર હતા ત્યારે બધી જાતના લોકો સાથે પ્રેમથી અને માનથી વર્તતા. (માથ. ૧૫:૨૯-૩૭) પરંતુ ઈસુ જાણતા હતા કે કોઈની સાથે સારી રીતે વર્તવું અને કોઈના ખાસ મિત્ર બનવું એમાં ફરક છે. ઈસુ બધા લોકો સાથે પ્રેમથી વર્તતા હતા, પણ તેમણે બધાને ખાસ મિત્ર બનાવ્યા ન હતા. તેમણે અગિયાર શિષ્યોને જે કહ્યું એનાથી આપણને જોવા મળે છે કે તેમણે ખાસ મિત્રો કેવી રીતે પસંદ કર્યા. તેમણે કહ્યું: “જે આજ્ઞાઓ હું તમને આપું છું તે જો તમે પાળો તો તમે મારા મિત્ર છો.” (યોહા. ૧૫:૧૪; ૧૩:૨૭, ૩૦) ઈસુએ એવા લોકોને જ મિત્રો બનાવ્યા જેઓ તેમના પગલે ચાલતા હતા અને યહોવાહને ભજતા હતા.
૧૫ એટલે ખાસ મિત્ર પસંદ કરતી વખતે ઈસુના શબ્દો ધ્યાનમાં રાખવાથી મદદ મળશે. મિત્રો પસંદ કરતા પહેલાં આ સવાલો પર વિચાર કરો: ‘શું આ વ્યક્તિના વાણી-વર્તન પરથી દેખાઈ આવે છે કે તે યહોવાહ અને ઈસુના નિયમો પાળે છે? મારી જેમ શું તે પણ બાઇબલના નીતિ-નિયમો પ્રમાણે જીવે છે? તેને મિત્ર બનાવવાથી શું યહોવાહને વળગી રહેવા અને તેમના રાજ્યને જીવનમાં પ્રથમ રાખવા મદદ મળશે?’ જો આ સવાલોના જવાબ ‘હા’ હોય, તો તમે સારો મિત્ર પસંદ કર્યો છે. એની સાથે તમે આનંદપ્રમોદ માણી શકો.—ગીતશાસ્ત્ર ૧૧૯:૬૩ વાંચો; ૨ કોરીં. ૬:૧૪; ૨ તીમો. ૨:૨૨.
શું આપણું મનોરંજન યોગ્ય છે?
૧૬. આપણા મનોરંજન વિષે શું ધ્યાનમાં રાખવું જોઈએ?
૧૬ આપણે કેવું, કેટલું અને કોની સાથે મનોરંજન માણવું એને લઈને ત્રણ સવાલોની ચર્ચા કરી. મનોરંજન માણતા પહેલાં આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એ કેવું છે, કેટલો સમય લેશે અને કેવા મિત્રો સાથે એ માણીશું. મનોરંજન બાઇબલ સિદ્ધાંતો મુજબ હોવું જોઈએ, તો જ એનાથી આપણને લાભ થશે. મનોરંજન કેવું છે એની તપાસ કરવા આપણે આ સવાલોનો વિચાર કરવો જોઈએ કે ‘એમાં શું શું સમાયેલું છે? યહોવાહની નજરે એ સારું છે કે ખરાબ?’ (નીતિ. ૪:૨૦-૨૭) કેટલુંની વાત આવે ત્યારે આપણે એ જાણવાની જરૂર છે કે ‘એની પાછળ હું કેટલો સમય આપીશ? શું એ પૂરતો સમય છે કે વધારે પડતો?’ (૧ તીમો. ૪:૮) કોની સાથેની વાત આવે ત્યારે આપણે ધ્યાન રાખવું જોઈએ કે ‘હું કોની સાથે આનંદપ્રમોદ માણીશ? શું તેઓની સંગત સારી છે કે ખરાબ?’—સભા. ૯:૧૮; ૧ કોરીં. ૧૫:૩૩.
૧૭, ૧૮. (ક) આપણું મનોરંજન બાઇબલના ધોરણો પ્રમાણે છે કે નહિ, એને આપણે કઈ રીતે પારખી શકીએ? (ખ) મનોરંજનની પસંદગી કરતી વખતે તમે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખશો?
૧૭ આ લેખમાં આપણે મનોરંજનને લઈને ત્રણ સવાલો પર ચર્ચા કરી. જો એમાંથી એક પણ સવાલનો જવાબ બાઇબલના ધોરણો પ્રમાણે ન હોય તો મનોરંજન યોગ્ય નથી. બીજી બાજુ ધ્યાન રાખવું જોઈએ કે આપણું મનોરંજન બધી જ રીતે બાઇબલના ધોરણો પ્રમાણે હોય. જો એમ કરીશું તો યહોવાહને માન મળશે અને આપણને પણ ફાયદો થશે.—ગીત. ૧૧૯:૩૩-૩૫.
૧૮ તમે મનોરંજન પસંદ કરો ત્યારે એ યોગ્ય હોય, યોગ્ય સમયે હોય અને યોગ્ય લોકો સાથે હોય એનું ખાસ ધ્યાન રાખો. ચાલો આપણે બાઇબલની આ સલાહ દિલથી પાળીએ: ‘તમે ખાઓ, કે પીઓ, કે જે કંઈ કરો તે સર્વ ઈશ્વરના મહિમાને અર્થે કરો.’—૧ કોરીં. ૧૦:૩૧. (w11-E 10/15)
[ફુટનોટ્સ]
a નોંધ: અમુક જગ્યાએ દારૂ પીવા પર સરકારનો પ્રતિબંધ હોય છે. ઈશ્વરભક્તો આવા નિયમોને માન આપીને પાળશે.
b આ લેખમાં “આનંદપ્રમોદ” અને “મનોરંજન” શબ્દો એવી બાબતોને બતાવે છે, જે આપણે મોજ-મઝા કે તાજગી મેળવવા માટે કરીએ છીએ.
તમે કેવો જવાબ આપશો?
મનોરંજન વિષે બાઇબલના આ સિદ્ધાંતો તમે કઈ રીતે લાગુ પાડશો . . .
• ફિલિપી ૪:૮?
• માત્થી ૬:૩૩?
[પાન ૧૧ પર ડાયગ્રામ]
(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)
✔કેવું?
[પાન ૧૨ પર ડાયગ્રામ]
(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)
✔કેટલું?
[પાન ૧૪ પર ડાયગ્રામ]
(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)
✔કોની સાથે?
[પાન ૧૨ પર ચિત્ર]
મિત્રો અને મનોરંજનની પસંદગી કરતી વખતે આપણે ઈસુના દાખલા પ્રમાણે ચાલીએ