‘સદાચારીઓ માટે આશીર્વાદ’
“હું જુવાન હતો, અને હવે ઘરડો થયો છું; પણ ન્યાયીને તજેલો કે તેનાં સંતાનને ભીખ માગતાં મેં જોયાં નથી,” એમ ગીતશાસ્ત્રના લેખક દાઊદે કહ્યું. (ગીતશાસ્ત્ર ૩૭:૨૫) ન્યાયી લોકો યહોવાહ પરમેશ્વરને પ્રિય છે, તેથી તે તેઓની પ્રેમાળ કાળજી પણ રાખે છે. તેમના શબ્દ, બાઇબલમાં યહોવાહ પોતાના સેવકોને નેકીનો માર્ગ શોધવાનું ઉત્તેજન આપે છે.—સફાન્યાહ ૨:૩.
નેકીનો અર્થ, ખરું-ખોટું પારખતા શીખ્યા પછી પરમેશ્વરનાં ધોરણો પ્રમાણે જીવવું થાય છે. બાઇબલમાં મળી આવતો નીતિવચનનો દસમો અધ્યાય આપણને પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે ચાલવાનું ઉત્તેજન આપે છે. એ પ્રમાણે કરીને ઘણાએ આત્મિક આશીર્વાદો અનુભવ્યા છે. એમ કરીને આપણે ભરપૂર આત્મિક ખોરાક, સંતોષજનક કામ મેળવી શકીશું અને પરમેશ્વર તથા માણસો સાથે સારો સંબંધ બાંધી શકીશું. ચાલો આપણે નીતિવચન ૧૦:૧-૧૪ પર વિચાર કરીએ.
સારું કરવા માટે ઉત્તેજન
નિઃશંક, નીતિવચનના દસમા અધ્યાયના શરૂઆતના શબ્દો એના લેખકની ઓળખાણ આપે છે. એ આ પ્રમાણે છે: “સુલેમાનનાં નીતિવચનો.” સારું કરવાનું ઉત્તેજન આપતા પ્રાચીન ઈસ્રાએલના રાજા સુલેમાન કહે છે. “જ્ઞાની દીકરો પોતાના બાપને હર્ષ ઉપજાવે છે; પણ મૂર્ખ દીકરો પોતાની માને ભારરૂપ છે.” (આ લેખમાં અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.)—નીતિવચન ૧૦:૧.
જ્યારે પોતાનું સંતાન સાચા પરમેશ્વરની ઉપાસના કરવાનું છોડી દે છે ત્યારે, મા-બાપને કેટલું દુઃખ થાય છે! શાણા રાજા માતાની પીડા વિષે વાત કરે છે, કદાચ એ બતાવવા કે પિતા કરતાં તેને વધારે દુઃખ થતું હોય છે. જોકે ડૉરીસના કિસ્સામાં એ ખરેખર સાચું હતું.a તે જણાવે છે: “અમારા ૨૧ વર્ષના પુત્રએ યહોવાહના માર્ગમાં ચાલવાનું છોડી દીધું ત્યારે, મારું અને મારા પતિ ફ્રેન્કનું દિલ તૂટી ગયું હતું. લાગણીમય રીતે મને જે દુઃખ થયું હતું એ ફ્રેન્ક કરતાં વધારે હતું. બાર વર્ષ પસાર થયાં, પરંતુ હજુ પણ અમારું દુઃખ દૂર થયું નથી.”
બાળકોની અસર પોતાનાં માબાપના સુખ-દુઃખ પર પડી શકે છે. તેથી, આપણે ડહાપણ બતાવીને આપણાં માબાપને ખુશ રાખી શકીએ છીએ. આ બધું કરીને, ચાલો આપણે આપણા પિતા યહોવાહ પરમેશ્વરના હૃદયને ખુશ કરીએ.
સદાચારીઓનો આત્મા સંતોષ પામશે
રાજા કહે છે, “દુષ્ટતાનો સંગ્રહ કંઇ ભલું કરતો નથી; પણ નેકી મોતથી ઉગારે છે.” (નીતિવચન ૧૦:૨) આજે સાચા ખ્રિસ્તીઓ છેલ્લા દિવસોમાં જીવી રહ્યા હોવાથી, આ શબ્દો ખરેખર મૂલ્યવાન છે. (દાનીયેલ ૧૨:૪) આ દુષ્ટ જગતનો અંત નજીક છે. “મોટી વિપત્તિ” આવશે ત્યારે, ભૌતિક વસ્તુઓ, નાણા કે સૈનિકો કોઈ જાતનું રક્ષણ આપી શકશે નહિ. (પ્રકટીકરણ ૭:૯, ૧૦, ૧૩, ૧૪) ફક્ત “સદાચારીઓ દેશમાં વસશે, અને નીતિસંપન્ન જનો તેમાં જીવતા રહેશે.” (નીતિવચન ૨:૨૧) તેથી, ચાલો આપણે ‘પહેલાં પરમેશ્વરના રાજ્યને તથા તેના ન્યાયીપણાને શોધતા રહીએ’.—માત્થી ૬:૩૩.
યહોવાહના સેવકોએ નવી દુનિયામાં પરમેશ્વરના આશીર્વાદોનો અનુભવ થાય ત્યાં સુધી રાહ જોવાની નથી. “સદાચારીના આત્માને યહોવાહ ભૂખે મરવા દેશે નહિ; પણ દુષ્ટની ઈચ્છાને તે નિષ્ફળ કરે છે.” (નીતિવચન ૧૦:૩) યહોવાહ “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” વર્ગ દ્વારા ભરપૂર આત્મિક ખોરાક પૂરો પાડે છે. (માત્થી ૨૪:૪૫) તેથી, સદાચારી વ્યક્તિ પાસે “હૃદયના ઉમળકાથી હર્ષનાદ” કરવા માટે સાચે જ ઘણાં કારણો રહેલાં છે. (યશાયાહ ૬૫:૧૪) જ્ઞાનથી તેના જીવને આનંદ થશે. આત્મિક ખજાનો શોધવો તેના માટે આનંદની વાત છે. દુષ્ટો એ આનંદ વિષે જરાય જાણતા નથી.
‘ઉદ્યોગી ધનવાન બને છે’
સદાચારીઓને બીજી રીતે પણ લાભ રહેલા છે. “ગાફેલ હાથથી કામ કરનાર દરિદ્રી થાય છે; પણ ઉદ્યોગીનો હાથ તેને ધનવાન બનાવે છે. ડાહ્યો દીકરો ઉનાળામાં સંગ્રહ કરે છે; પણ કાપણીની મોસમમાં સૂઇ રહેનારો દીકરો ફજેતી કરાવે છે.”—નીતિવચન ૧૦:૪, ૫.
રાજાના આ શબ્દો ખાસ કરીને કાપણીના સમયે મજૂરો માટે વધારે મહત્ત્વના છે. કાપણીનો સમય ઊંઘી જવા માટે નથી. એ ખંતપૂર્વક અને ઘણા કલાક કામ કરવાનો સમય છે. ખરેખર, એ તાકીદનો સમય છે.
ધાન્યની કાપણીને નહિ પરંતુ લોકોને ભેગા કરવાનું કામ ધ્યાનમાં રાખીને ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું: “ફસલ પુષ્કળ છે ખરી, પણ મજૂરો થોડા છે. એ માટે તમે ફસલના ધણીની પ્રાર્થના કરો, કે તે પોતાની ફસલને સારૂ મજૂરો મોકલે.” (માત્થી ૯:૩૫-૩૮) વર્ષ ૨૦૦૦માં લગભગ એક કરોડ ચાલીસ લાખ કરતાં પણ વધારે લોકો ઈસુના મરણની યાદગીરીમાં આવ્યા હતા. તેઓની સંખ્યા યહોવાહના સાક્ષીઓની સંખ્યાથી બમણા કરતાં વધારે હતી. તેથી, ‘ખેતરો કાપણીને સારૂ પાકી ચૂક્યાં છે’ એનો કોણ નકાર કરી શકે? (યોહાન ૪:૩૫) સાચા ઉપાસકો ફસલના ધણીને વધારે મજૂરો મોકલવા પ્રાર્થના કરે છે. તેમ જ, તેઓ પોતાની પ્રાર્થનાના સુમેળમાં શિષ્ય બનાવવાના કાર્યમાં મન લગાડીને સખત પ્રયત્ન કરે છે. (માત્થી ૨૮:૧૯, ૨૦) યહોવાહે તેમના પ્રયત્નોનો કેવો સરસ આશીર્વાદ પણ આપ્યો છે! વર્ષ ૨૦૦૦માં ૨,૮૦,૦૦૦ નવી વ્યક્તિઓએ બાપ્તિસ્મા લીધું. તેઓ પણ પરમેશ્વરના શબ્દના શિક્ષકો બનવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આપણે પણ આ કાપણીની મોસમમાં શિષ્યો બનાવવાના કાર્યમાં સહભાગી થઈને આનંદ અને સંતોષ અનુભવી શકીએ.
‘તેના પર આશીર્વાદો આવે છે’
સુલેમાન આગળ કહે છે, “સદાચારીને માથે આશીર્વાદ ઊતરે છે; પણ દુષ્ટોનું મોઢું બલાત્કારથી ઢંકાએલું છે.”—નીતિવચન ૧૦:૬.
જેનું હૃદય શુદ્ધ અને નમ્ર છે તે ખરેખર સદાચારી હોવાનો પુરાવો આપે છે. તેનું બોલવું નમ્ર અને ઉત્તેજનકારક હોય છે, તેનાં કાર્યો લાભદાયી અને ઉદાર હોય છે. બીજાઓ તેની સંગતનો આનંદ માણશે. આવી વ્યક્તિની વાણી અને વર્તનના લીધે બીજાઓ તેની પ્રશંસા કરશે એ ખરેખર તેના માટે આશીર્વાદ કહેવાય.
બીજી બાજુ, દુષ્ટ વ્યક્તિ ક્રૂર હોવાથી, તે બીજાઓને નુકસાન પહોંચાડવા પોતાનાથી બનતું બધું જ કરશે. તેની બોલી કદાચ મીઠી હોય અને તેના હૃદયમાં ‘ઝેર’ ભર્યું હોય શકે, પરંતુ છેવટે તેની વાણી અને વર્તનમાં તેનો સ્વભાવ દેખાઈ આવશે. (માત્થી ૧૨:૩૪, ૩૫) અથવા “દુષ્ટોનું મોઢું બલાત્કારથી ઢંકાએલું [બંધ] છે.” (નીતિવચન ૧૦:૬) આ સૂચવે છે કે સામાન્ય રીતે દુષ્ટ વ્યક્તિ પોતે જે વાવે છે એ જ લણે છે, એટલે કે વેર વાળવું. બીજા શબ્દોમાં કહીએ તો, તેનું મોં બંધ થાય છે અને તે ચૂપ રહે છે. આવી વ્યક્તિ બીજાઓ પાસેથી કેવી આશા રાખી શકે?
ઈસ્રાએલના રાજા લખે છે, “ન્યાયીના સ્મરણને ધન્યવાદ મળે છે; પણ દુષ્ટોનું નામ તો સડી જશે.” (નીતિવચન ૧૦:૭) ન્યાયી વ્યક્તિઓને બીજાઓ પ્રેમથી યાદ રાખે છે અને ખાસ કરીને યહોવાહ પરમેશ્વર તો જરૂર યાદ રાખશે. ઈસુ પોતાના મરણ સુધી વફાદાર રહ્યા તેથી, તેમને “ચઢિયાતું નામ વારસામાં મળ્યું.” (હેબ્રી ૧:૩, ૪) સાચા ખ્રિસ્તીઓ ઈસુ ખ્રિસ્ત પહેલાં થઈ ગયેલા વિશ્વાસુ સ્ત્રી-પુરૂષોના સારાં ઉદાહરણોને અનુસરીને આજે પણ તેઓને યાદ કરે છે. (હેબ્રી ૧૨:૧, ૨) એ દુષ્ટ વ્યક્તિના નામથી કેવું અલગ છે! હા, “ભલું નામ એ પુષ્કળ ધન કરતાં, અને પ્રેમયુક્ત રહેમનજર સોનારૂપા કરતાં ઈચ્છવાજોગ છે.” (નીતિવચન ૨૨:૧) તેથી, આપણે પણ યહોવાહ અને માનવીઓ સાથે આવું સારું નામ રાખવું જોઈએ.
‘પ્રમાણિકપણાથી ચાલનાર માણસ મક્કમ પગલે ચાલશે’
સુલેમાન જ્ઞાની અને મૂર્ખની વચ્ચે સરખામણી કરતા જણાવે છે: “જ્ઞાની હૃદયવાળો આજ્ઞાઓનો અંગીકાર કરશે; પણ બકબકાટ કરનારો મૂર્ખ પાયમાલ થશે.” (નીતિવચન ૧૦:૮) સમજુ વ્યક્તિ જાણે છે કે “પોતાનાં પગલાં ગોઠવવાં એ ચાલનાર મનુષ્યનું કામ નથી.” (યિર્મેયાહ ૧૦:૨૩) તે યહોવાહનું માર્ગદર્શન શોધે છે, તેમ જ તેમની આજ્ઞાઓ પાળવા હંમેશા તૈયાર હોય છે. બીજી બાજુ, બકબકાટ કરનારા મૂર્ખો આ હકીકતને સમજવામાં નિષ્ફળ જાય છે. તેઓનો અર્થ વગરનો બકબકાટ તેઓને વિનાશ તરફ લઈ જાય છે.
ન્યાયી વ્યક્તિ એક રીતે સલામતીનો આનંદ માણે છે જેનો દુષ્ટોને અનુભવ થતો નથી. “પ્રામાણિકપણાથી ચાલનાર મક્કમ પગલે ચાલે છે; પણ અવળે રસ્તે ચાલનાર તો જણાઇ આવશે. આંખથી મીંચકારા કરનાર ખેદ કરાવે છે; પણ બકબકાટ કરનારો મૂર્ખ પાયમાલ થશે.”—નીતિવચન ૧૦:૯, ૧૦.
પ્રમાણિક માણસ પોતાના વ્યવહારમાં પણ પ્રમાણિક હોય છે. તે બીજાઓનો ભરોસો અને આદર મેળવે છે. પ્રમાણિક વ્યક્તિ મૂલ્યવાન કર્મચારી હોય છે, અને તેને ઘણી વાર ભારે જવાબદારીઓ આપવામાં આવે છે. આમ, પ્રમાણિક તરીકે જાણીતા હોવાથી તે પોતાની નોકરી ગુમાવશે નહિ અને બેકારીમાં પણ તે સહેલાઈથી નવી નોકરી મેળવી શકશે. વધુમાં, તેની પ્રમાણિકતાને કારણે તેના ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ જળવાઈ રહે છે. (ગીતશાસ્ત્ર ૩૪:૧૩, ૧૪) કુટુંબમાં સારો સંબંધ હોવાથી તે મનની શાંતિ અનુભવે છે. ખરેખર, સલામતી એ પ્રમાણિકતાનું ફળ છે.
જે વ્યક્તિ સ્વાર્થના લીધે અપ્રમાણિક બને છે તેની પરિસ્થિતિ એકદમ જુદી હોય છે. કપટી વ્યક્તિ બકબકાટ કરીને કે હાવભાવથી પોતાની અપ્રમાણિકતા છુપાવવાનો પ્રયત્ન કરી શકે. (નીતિવચન ૬:૧૨-૧૪) તે આંખના મીંચકારા કરીને બીજાને છેતરીને માનસિક દુઃખ આપે છે. પરંતુ, મોડા કે વહેલા તે વ્યક્તિ અપ્રમાણિક છે એ દેખાઈ આવશે. પ્રેષિત પાઊલે લખ્યું: “કેટલાએક માણસોનાં પાપ પ્રત્યક્ષ હોવાથી તેઓનો ન્યાય આગળથી થાય છે; અને કેટલાએકનાં પાપ પાછળથી પ્રગટ થાય છે. તેજ પ્રમાણે કેટલાએકનાં સારાં કામ પણ પ્રત્યક્ષ જોવામાં આવે છે; અને જેઓ પ્રત્યક્ષ નથી તેઓ હમેશાં ગુપ્ત રહી શકતાં નથી.” (૧ તીમોથી ૫:૨૪, ૨૫) પછી ભલેને માબાપ, મિત્ર કે લગ્નસાથીને તેણે છેતર્યા હોય, પરંતુ વહેલા કે મોડા સત્ય જરૂર બહાર આવશે. અપ્રમાણિક વ્યક્તિનો કોણ ભરોસો કરી શકે?
‘તેનું મોં જીવનનો ઝરો છે’
સુલેમાન કહે છે, “સદાચારીનું મોં જીવનનો ઝરો છે; પણ દુષ્ટોનું મોઢું બલાત્કારથી ઢંકાએલું રહે છે.” (નીતિવચન ૧૦:૧૧) મોંમાંથી નીકળેલા શબ્દો ઊંડો ઘા કરી શકે અથવા તાજગી પણ આપી શકે. એ વ્યક્તિને આનંદિત કરી શકે અથવા નિરુત્સાહી પણ કરી શકે.
બોલેલા શબ્દો પાછળનો હેતુ ઓળખી કાઢતા ઈસ્રાએલના રાજા આમ કહે છે. “દ્વેષથી ટંટા ઊભા થાય છે; પણ પ્રીતિ સર્વ અપરાધોને ઢાંકી દે છે.” (નીતિવચન ૧૦:૧૨) દ્વેષના કારણે સમાજમાં તકરારો અને મુશ્કેલીઓ ઊભી થાય છે. યહોવાહના ભક્તોએ પોતાના જીવનમાંથી દ્વેષ કાઢી નાખવો જોઈએ. પરંતુ કઈ રીતે? પોતાના જીવનને પ્રેમથી ભરી દઈને, કેમ કે “પ્રીતિ પાપના પુંજને ઢાંકે છે.” (૧ પીતર ૪:૮) પ્રેમ “સઘળું ખમે છે,” એટલે કે “સઘળું સહન કરે છે.” (૧ કોરીંથી ૧૩:૭) દૈવી પ્રેમ અપૂર્ણ લોકો પાસેથી સંપૂર્ણતાની આશા રાખતો નથી. આવો પ્રેમ બીજાઓની ભૂલોને જાહેર કરતો નથી. જો એ પાપ ગંભીર ન હોય તો પ્રેમ એને ઢાંકી દે છે. પછી ભલેને લોકો પ્રચાર કાર્યમાં, નોકરી પર કે શાળામાં ખરાબ વર્તાવ કરે, પ્રેમ એ સઘળું સહન કરે છે.
શાણા રાજા કહેવાનું ચાલુ રાખે છે: “વિવેકબુદ્ધિવાળાના હોઠો પર જ્ઞાન માલૂમ પડે છે; પણ મૂર્ખની પીઠને માટે લાકડી છે.” (નીતિવચન ૧૦:૧૩) સમજદાર વ્યક્તિનું ડહાપણ તેના પગલાંને માર્ગદર્શન આપે છે. તેના મોંના ઉત્તેજનકારક શબ્દો બીજાઓને ન્યાયી માર્ગમાં ચાલવા મદદ કરે છે. તેને કે તેના સાંભળનારને ખરા માર્ગમાં લઈ જવા માટે બળજબરી કે સોટી વાપરવી પડતી નથી.
“વિદ્યાનો સંગ્રહ કરે છે”
નકામી બાબતો વિષે ગપસપ કરવાને બદલે, આપણા શબ્દોને ‘જ્ઞાનના ઝરાની વહેતી નદી’ જેવા કરવા શું મદદ કરે છે? (નીતિવચન ૧૮:૪) સુલેમાન જવાબ આપે છે: “જ્ઞાની પુરુષો વિદ્યાનો સંગ્રહ કરે છે; પણ મૂર્ખનું મોં તત્કાળ નાશ આણે છે.”—નીતિવચન ૧૦:૧૪.
પ્રથમ તો આપણે આપણા મનને પરમેશ્વરના જ્ઞાનથી ભરવું જોઈએ. એ એક જ રીતે થઈ શકે. પ્રેષિત પાઊલે લખ્યું: “દરેક શાસ્ત્ર ઈશ્વરપ્રેરિત છે, તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયીપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે; જેથી દેવનો ભક્ત સંપૂર્ણ તથા સર્વ સારાં કામ કરવાને સારૂ તૈયાર થાય.” (૨ તીમોથી ૩:૧૬, ૧૭) આપણે યહોવાહના જ્ઞાનને શોધતા રહેવું જોઈએ અને બાઇબલનો ઊંડો અભ્યાસ કરવો જોઈએ. એ કેટલું ઉત્તેજનભર્યું અને લાભદાયી છે!
આપણા હૃદયમાં યહોવાહનું જ્ઞાન હશે તો જ આપણા હોઠો પર ડહાપણ જોવા મળશે. ઈસુએ પોતાના સાંભળનારાઓને કહ્યું: “સારૂં માણસ પોતાના મનના સારા ભંડારમાંથી સારૂં કાઢે છે; અને ભૂંડું માણસ પોતાના મનના ભૂંડા ભંડારમાંથી ભૂંડું કાઢે છે: કારણ કે મનના ભરપૂરપણામાંથી તેનું મોં બોલે છે.” (લુક ૬:૪૫) તેથી, આપણે જે શીખીએ છીએ એનું નિયમિત મનન કરવું જોઈએ. ખરું, કે અભ્યાસ અને મનન કરવું મહેનત માંગી લે છે તોપણ ઊંડો અભ્યાસ કરવાથી કેવા આશીર્વાદો મળે છે! કોઈ પણ વ્યક્તિ પાસે વગર વિચાર્યું બોલીને કે ગપસપ કરી ખોટા માર્ગે જવાનું કોઈ કારણ નથી.
હા, સમજદાર વ્યક્તિ પરમેશ્વરની નજરમાં જે ખરું છે એ કરે છે અને બીજાઓ પર સારી છાપ પાડે છે. તે અઢળક આત્મિક ખોરાકનો આનંદ માણે છે અને પ્રભુના કામમાં સદા મચ્યા રહે છે. (૧ કોરીંથી ૧૫:૫૮) પ્રમાણિક હોવાને લીધે તે સલામતીમાં ચાલે છે અને પરમેશ્વરનો આશીર્વાદ પામે છે. ખરેખર, ન્યાયી વ્યક્તિઓ માટે ઘણા આશીર્વાદો રહેલા છે. ચાલો આપણે પણ પરમેશ્વરનાં ન્યાયી ધોરણો પ્રમાણે જીવવા મહેનત કરતા રહીએ.
[ફુટનોટ]
a નામ બદલવામાં આવ્યાં છે.
[પાન ૨૫ પર ચિત્ર]
પ્રમાણિક બનવાથી કૌટુંબિક જીવન સુખી બને છે
[પાન ૨૬ પર ચિત્ર]
‘સમજદાર વ્યક્તિઓ જ્ઞાન સંગ્રહ કરે છે’