રાજીખુશીથી કરેલી સેવા, આપે યહોવાને મહિમા
“લોકોએ રાજીખુશીથી પોતાને અર્પી દીધા, માટે તમે યહોવાને ધન્યવાદ આપો.”—ન્યા. ૫:૨.
૧, ૨. (ક) અલીફાઝ અને બિલ્દાદ પ્રમાણે ઈશ્વર આપણી સેવાને કેવી ગણે છે? (ખ) યહોવાએ કઈ રીતે પોતાના વિચારો જાહેર કર્યા?
સદીઓ પહેલાંની આ વાત છે. અયૂબ નામના એક વિશ્વાસુ ઈશ્વરભક્ત હતા. તેમના ત્રણ મિત્રો હતા, અલીફાઝ તેમાની, બિલ્દાદ શૂહી અને સોફાર નાઅમાથી. તેઓ અયૂબને મળવા ગયા ત્યારે અલીફાઝે અમુક રસપ્રદ સવાલો પૂછ્યા: “શું માણસ ઈશ્વરને લાભકારક હોય શકે? નિશ્ચે ડાહ્યો માણસ પોતાને જ લાભકારક હોય એ ખરું છે. તું ન્યાયી હોય તો તેમાં સર્વશક્તિમાનને શો આનંદ થાય? અને તું તારા માર્ગો પાધરા કરે તેમાં તેને શો લાભ થાય?” (અયૂ. ૨૨:૧-૩) અલીફાઝને લાગતું હતું કે, આપણા જીવનથી ઈશ્વરને કોઈ ફરક પડતો નથી. બિલ્દાદે જણાવ્યું કે, ઈશ્વરની નજરમાં કોઈ મનુષ્ય ન્યાયી નથી.—અયૂબ ૨૫:૪ વાંચો.
૨ અલીફાઝ અને બિલ્દાદ કહેવા માંગતા હતા કે, યહોવાની સેવામાં અયૂબ જે મહેનત કરે છે એ સાવ નકામી છે. તેઓ અયૂબના મનમાં ઠસાવવા માંગતા હતા કે, ઈશ્વરની નજરમાં આપણે કીડી-મકોડા જેવા છીએ. (અયૂ. ૪:૧૯; ૨૫:૬) આપણને કદાચ લાગે કે, તેઓ નમ્ર હતા એટલે એવું કહેતા હતા. (અયૂ. ૨૨:૨૯) એમ પણ યહોવા સૌથી મહાન છે અને તેમની સામે આપણી કંઈ વિસાત નથી. જરા વિચારો, જો આપણે પહાડની ટોચ પરથી અથવા વિમાનની બારીમાંથી નીચે જોઈએ, તો બધું સાવ ઝીણું ઝીણું દેખાય, જાણે કીડી-મકોડા હોય. જો યહોવા સ્વર્ગમાંથી આપણને જુએ, તો શું આપણે તેમની નજરમાં આવીશું? તેમની સેવામાં આપણી મહેનત શું તેમના ધ્યાનમાં આવશે? હા, ચોક્કસ. યહોવાએ પોતાનો વિચાર જણાવતા કહ્યું કે, અયૂબના મિત્રો જૂઠું બોલી રહ્યા છે. તેમણે તેઓને ઠપકો આપ્યો, પણ અયૂબને “મારો સેવક” કહીને બોલાવ્યા. (અયૂ. ૪૨:૭, ૮) આપણે ખાતરી રાખી શકીએ કે, અપૂર્ણ માણસો “ઈશ્વરને લાભકારક” છે.
“તું તેને શું આપે છે?”
૩. યહોવાની સેવામાં આપણે જે મહેનત કરીએ છીએ એ વિશે એલીહૂએ શું કહ્યું? તેમના કહેવાનો શો અર્થ હતો?
૩ અયૂબ અને ત્રણ માણસો વચ્ચેની વાતચીત એલીહૂ નામનો યુવાન સાંભળી રહ્યો હતો. એ વાતચીત પત્યા પછી, એલીહૂએ અયૂબને યહોવા વિશે પૂછ્યું: “જો તું ન્યાયી હોય, તો તું તેને શું આપે છે? અથવા તે તારા હાથથી શું પામે છે?” (અયૂ. ૩૫:૭) પેલા ત્રણ માણસોની જેમ એલીહૂ એવું કહેવા માંગતા ન હતા કે, ઈશ્વરની સેવામાં આપણી મહેનત નકામી છે. શા માટે એમ કહી શકાય? કારણ કે, યહોવાએ એલીહૂને ઠપકો ન આપ્યો. એલીહૂ તો એ મુદ્દા પર ભાર મૂકવા માંગતા હતા કે, યહોવાને કશાની અછત નથી અને આપણી ભક્તિ વગર તે અધૂરા નથી. આપણે યહોવાને વધારે ધનવાન કે શક્તિશાળી બનાવી શકતા નથી. હકીકતમાં, આપણી પાસે જે કંઈ સારા ગુણો કે આવડતો છે એ ઈશ્વર પાસેથી જ છે. છતાં, તે ધ્યાન આપે છે કે આપણે એનો કેવો ઉપયોગ કરીએ છીએ.
૪. આપણે બીજાઓને દયા બતાવીએ છીએ ત્યારે, યહોવા એને કેવું ગણે છે?
૪ યહોવાના ભક્તો માટે આપણે કોઈ ભલાઈનું કામ કરીએ છીએ ત્યારે, યહોવા એને કેવું ગણે છે? એ કામ જાણે આપણે યહોવા માટે કર્યું હોય એવું તે ગણે છે. નીતિવચનો ૧૯:૧૭ જણાવે છે: “ગરીબ પર દયા રાખનાર યહોવાને ઉછીનું આપે છે, તે તેને તેના સુકૃત્યનો બદલો આપશે.” બીજાઓને દયા બતાવીએ છીએ ત્યારે, શું યહોવા એને ધ્યાન પર લે છે? વિશ્વના સર્જનહાર હોવા છતાં તે નાનામાં નાના ભલાઈના કામની પણ નોંધ લે છે અને આપણે તેમને ઉછીનું આપ્યું હોય એવું ગણે છે. અને ભરપૂર આશીર્વાદો આપીને તે એ દેવું પાછું વાળી આપે છે. ઈસુએ પણ એ શબ્દોને સાચા ઠરાવ્યા હતા.—લુક ૧૪:૧૩, ૧૪ વાંચો.
૫. આપણે હવે કયા સવાલોની ચર્ચા કરીશું?
૫ પ્રાચીન સમયમાં યહોવાએ પ્રબોધક યશાયાને એક ખાસ સેવાનું આમંત્રણ આપ્યું હતું. તેમણે યહોવા વતી લોકોને સંદેશો જણાવવાનો હતો. (યશા. ૬:૮-૧૦) યશાયાએ ખુશી ખુશી એ આમંત્રણ સ્વીકાર્યું. એવું જ આમંત્રણ યહોવાએ આજે હજારો વિશ્વાસુ ભક્તોને આપ્યું છે. સોંપણી ભલે ગમે એટલી પડકારજનક હોય, યશાયાની જેમ તેઓ કહે છે: “હું આ રહ્યો; મને મોકલ.” પણ, કદાચ કોઈકને થાય, “હું તો રાજીખુશીથી યહોવાની સેવા કરું છું, પણ મારા કામથી શું કોઈ ફરક પડે છે? હું હોઉં કે ના હોઉં, શું યહોવા પોતાનું કામ પાર નહિ પાડે?” શું તમને કદી એવું લાગ્યું છે? ઈશ્વરભક્ત બારાક અને દબોરાહના જીવનમાં બનેલી અમુક ઘટનાઓ એ સવાલોના જવાબ શોધવા મદદ કરશે. ચાલો, એ વિશે જોઈએ.
યહોવાએ અપાવી ડર પર જીત
૬. શા માટે કહી શકાય કે યાબીનનું સૈન્ય ઇઝરાયેલીઓને સહેલાઈથી કચડી શકતું હતું?
૬ બારાક ઇઝરાયેલી યોદ્ધા હતા અને દબોરાહ પ્રબોધિકા તથા ન્યાયાધીશ હતાં. ૨૦ વર્ષ સુધી કનાનના રાજા યાબીને ઇઝરાયેલીઓ પર “બહુ જ જુલમ” ગુજાર્યો હતો. યાબીનનું સૈન્ય એટલું ખતરનાક અને ક્રૂર હતું કે, ગામડામાં રહેતા ઇઝરાયેલીઓ ઘરની બહાર પગ મૂકતા પણ ડરતા હતા. યાબીનના સૈન્ય પાસે લોઢાના ૯૦૦ રથa હતા. જ્યારે કે, ઇઝરાયેલીઓ પાસે લડવા માટે કે પોતાનું રક્ષણ કરવા માટે પૂરતાં હથિયારો પણ ન હતાં.—ન્યા. ૪:૧-૩, ૧૩; ૫:૬-૮.
૭, ૮. (ક) યહોવાએ બારાકને કયાં સૂચનો આપ્યાં? (ખ) ઇઝરાયેલીઓએ કઈ રીતે યાબીનના સૈન્યને કચડી નાંખ્યું? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
૭ યાબીનના સૈન્યની સરખામણીમાં ઇઝરાયેલ ખૂબ જ કમજોર હતું, સહેલાઈથી કચડી શકાય એવું હતું. પરંતુ, યહોવાએ પ્રબોધિકા દબોરાહ દ્વારા બારાકને હુકમ આપ્યો: ‘તું તાબોર પર્વતની પાસે ચાલ્યો જા, ને નફતાલીપુત્રોમાંથી તથા ઝબુલોનપુત્રોમાંથી દશ હજાર પુરુષને તારી સાથે લે. અને યાબીનની ફોજના સેનાપતિ સીસરાને તેના રથો તથા સૈન્ય સુદ્ધાં હું તારી પાસે કીશોન નદીને કાંઠે લાવીશ; અને હું તેને તારા હાથમાં સોંપી દઈશ.’—ન્યા. ૪:૪-૭.
૮ માણસોની જરૂર છે, એવી જાહેરાત ઠેકાણે ઠેકાણે ફેલાઈ અને તાબોર પર્વત પર ૧૦,૦૦૦ માણસો ભેગા થયા. પછી, તાઅનાખ નામની જગ્યા પર બારાક અને તેમના માણસો લડવા ગયા. (ન્યાયાધીશો ૪:૧૪-૧૬ વાંચો.) શું યહોવાએ ઇઝરાયેલીઓને મદદ કરી? હા. અચાનક ધોધમાર વરસાદ પડ્યો અને સૂકી રણભૂમિ કાદવમાં ફેરવાઈ ગઈ. ઇઝરાયેલીઓએ એ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવ્યો. બારાકે સીસરાની સેનાનો ૨૪ કિલોમીટર દૂર હરોશેથ સુધી પીછો કર્યો. વચ્ચે ક્યાંક સીસરાનો રથ કાદવમાં ફસાઈ ગયો. તે રથ છોડીને કાદેશ નજીક આવેલા સાઅનાન્નીમ તરફ નાસી ગયો અને યાએલ નામની સ્ત્રીના તંબુમાં છુપાઈ ગયો. ખૂબ જ થાકેલો હોવાથી તે ભરઊંઘમાં સરી ગયો. તે ઊંઘતો હતો ત્યારે યાએલે હિંમતથી તેને મોતને ઘાટ ઉતાર્યો. (ન્યા. ૪:૧૭-૨૧) આમ યહોવાની મદદથી ઇઝરાયેલીઓએ દુશ્મનોને કચડી નાખ્યા.b
તેઓના વલણમાં આભ-જમીનનો ફરક હતો
૯. ન્યાયાધીશો ૫:૨૦, ૨૧માંથી આપણને શું જાણવા મળે છે?
૯ ન્યાયાધીશો અધ્યાય ૪ના બનાવોને સારી રીતે સમજવા અધ્યાય ૫ મદદ કરે છે. ન્યાયાધીશો ૫:૨૦, ૨૧ જણાવે છે: “આકાશમાંના તારાઓએ યુદ્ધ કર્યું; તેઓએ પોતપોતાની કક્ષાઓમાં સીસરાની સામે યુદ્ધ કર્યું. કીશોન નદી તેઓને ઘસડી લઈ ગઈ.” શું એ શબ્દોનો એવો અર્થ છે કે, યુદ્ધ વખતે દૂતોએ ઇઝરાયેલીઓને મદદ કરી હતી, કે પછી એ કોઈ ઉલ્કાવર્ષા હતી? બાઇબલ એ વિશે કશું જણાવતું નથી. પણ, એ માનવું વાજબી છે કે પોતાના લોકોને બચાવવા યહોવાએ ભારે વરસાદ વરસાવ્યો, એ પણ ખરા સમયે અને ખરી જગ્યાએ. એનાથી, દુશ્મનોના વિનાશક રથો સાવ નકામા બની ગયા. ઇઝરાયેલીઓની મોટી જીત થઈ. યુદ્ધ માટે ૧૦,૦૦૦ માણસોએ પોતાને અર્પી દીધા હતા, પણ તેઓમાંથી કોઈ પણ એ જીતનો શ્રેય લઈ શકતા ન હતા. ન્યાયાધીશો ૪:૧૪, ૧૫માં ત્રણ વાર યહોવાને એ જીતનો શ્રેય આપવામાં આવ્યો છે.
૧૦, ૧૧. મેરોઝ શું હતું? શા માટે એને શાપ આપવામાં આવ્યો?
૧૦ જીત પછી દબોરાહ અને બારાકે યહોવા માટે સ્તુતિગીત ગાયું. એ ગીતના અમુક શબ્દો રસપ્રદ છે. તેઓએ ગાયું: “યહોવાના દૂતે કહ્યું, મેરોઝને શાપ દો, તેની વસ્તીને સખત શાપ દો; કેમ કે યહોવાની મદદે, એટલે બળવાનની સામે યહોવાની મદદે તેઓ આવ્યા નહિ.”—ન્યા. ૫:૨૩.
૧૧ એ “મેરોઝ” શું હતું? આપણે પૂરી ખાતરીથી કંઈ કહી શકતા નથી. એવું લાગે છે કે, મેરોઝને આપવામાં આવેલો શાપ એટલો કામ કરી ગયો કે તેનું નામનિશાન રહ્યું નથી. કદાચ એ એવું શહેર હતું જેના લોકો બારાકને સાથ આપવા રાજીખુશીથી આગળ ન આવ્યા. કનાનીઓ વિરુદ્ધ લડવા માણસોની જરૂર છે એ પોકાર સાંભળીને ૧૦,૦૦૦ લોકો આગળ આવ્યા હતા. મેરોઝના લોકોએ પણ એ પોકાર સાંભળ્યો હશે, પણ તેઓએ એને કાને ન ધર્યો. અથવા બની શકે કે, સીસરા પોતાનો જીવ બચાવવા મેરોઝ શહેરમાંથી પસાર થયો હતો. કલ્પના કરો, તેઓ એક જાણીતા યોદ્ધાને પોતાનો જીવ બચાવવા ત્યાંની ગલીઓમાંથી નાસતા જુએ છે! મેરોઝના લોકો પાસે સીસરાને ઝડપી લેવાનો મોકો હતો, પણ તેઓએ એમ કર્યું નહિ. યહોવાના હેતુને પાર પાડવા તેઓ પણ કંઈક કરી શકતા હતા. જો કર્યું હોત, તો યહોવાએ ચોક્કસ તેઓને ઇનામ આપ્યું હોત. પણ, તેઓએ એ મોકો જતો કર્યો. એવું લાગે છે કે, મેરોઝના લોકોનું વલણ યાએલ કરતાં સાવ અલગ હતું, જેણે ઘણી હિંમત બતાવી હતી.—ન્યા. ૫:૨૪-૨૭.
૧૨. ન્યાયાધીશો ૫:૯, ૧૦ પ્રમાણે લોકોના વલણમાં કેવો તફાવત જોવા મળે છે? આપણે એમાંથી શું શીખી શકીએ?
૧૨ ન્યાયાધીશો ૫:૯, ૧૦ જણાવે છે કે, ૧૦,૦૦૦ માણસોએ પોતાને અર્પીને સારું વલણ બતાવ્યું. તેઓ તાબોરના પથરાળ પહાડો પર અને કીશોનની કાદવવાળી ખીણમાં લડવા રાજી હતા. દબોરાહ અને બારાકે ઇઝરાયેલના અધિકારીઓની પ્રશંસા કરી જેઓએ “લોકોની સાથે રાજીખુશીથી પોતાને અર્પી દીધા.” યહોવા માટે કંઈક કરવાની તક “ઊજળા ગધેડાઓ પર સવારી કરનારા” લોકો પાસે પણ હતી. પરંતુ, તેઓએ અધિકારીઓ જેવું સારું વલણ બતાવ્યું નહિ. તેઓ પોતાને એટલા મહત્ત્વના ગણતા કે એવી સેવા કરવામાં નાનમ અનુભવતા. બીજા ઘણા તો બસ “કીમતી ગાલીચા પર” બેસીને આરામદાયક જીવન જીવવા ચાહતા હતા. તેઓ “માર્ગોમાં પગે ચાલનારા” ૧૦,૦૦૦ માણસોની જેમ રાજીખુશીથી સેવા કરવા તૈયાર ન હતા. તેઓએ ધ્યાન આપવાની જરૂર હતી કે યહોવાની સેવામાં કંઈક કરવાની સોનેરી તક ચૂકી ગયા છે. આજે, આપણે પણ યહોવાની સેવામાં પોતાના વલણની તપાસ કરવાની જરૂર છે.
૧૩. રૂબેન, દાન અને આશેરના કુળોનું વલણ કઈ રીતે ઝબુલોન અને નફતાલીના વલણ કરતાં અલગ હતું?
૧૩ આગળ આવેલા ૧૦,૦૦૦ માણસોને એ જોવાની તક મળી કે, યહોવા સૌથી શક્તિશાળી છે. “યહોવાનાં ન્યાયકૃત્યો” વિશે બીજાઓ સાથે વાત કરતી વખતે તેઓએ નરી આંખે જોયેલા બનાવો જણાવ્યા હશે. (ન્યા. ૫:૧૧) રૂબેન, દાન અને આશેરના કુળને પોતાનાં ઢોરઢાંક, વહાણ અને બંદરોની વધારે પડી હતી, નહિ કે યહોવાના કામની. (ન્યા. ૫:૧૫-૧૭) જોકે, બધાં જ કુળો એવા ન હતાં. ઝબુલોન અને નફતાલીના કુળે દબોરાહ અને બારાકને ટેકો આપવા “પોતાના જીવોને જોખમમાં નાખ્યા” હતા. (ન્યા. ૫:૧૮) તેઓના સારા વલણથી આપણે પણ રાજીખુશીથી સેવા કરવા વિશે બોધપાઠ લઈ શકીએ છીએ.
“યહોવાને ધન્યવાદ આપો”
૧૪. આપણે યહોવાના રાજને ટેકો આપીએ છીએ, એ કઈ રીતે બતાવી શકીએ?
૧૪ ખરું કે, આજે યહોવાના રાજને ટેકો આપવા આપણે કોઈ રણભૂમિમાં ઊતરવાનું નથી. પણ, હિંમતથી અને ઉત્સાહથી પ્રચાર કરીને તેમના રાજને ટેકો આપવાનો છે. તેમના સંગઠનમાં સ્વયંસેવકોની જરૂરિયાત વધતી ને વધતી જાય છે. લાખો ભાઈ-બહેનોએ યહોવાની પૂરા સમયની સેવામાં પોતાને અર્પી દીધા છે. જેમ કે, બેથેલમાં, રાજ્યગૃહ બાંધકામમાં અને પાયોનિયર સેવામાં. બીજા અમુક લોકો સંમેલનો દરમિયાન સ્વયંસેવકો તરીકે કામ કરે છે. અમુક વડીલો હૉસ્પિટલ સંપર્ક સમિતિમાં અને સંમેલનોની ગોઠવણમાં રાત-દિવસ એક કરે છે. ખાતરી રાખો, રાજીખુશીથી કરેલી તમારી સેવાની યહોવા ખૂબ કદર કરે છે. તે એને ક્યારેય ભૂલશે નહિ.—હિબ્રૂ. ૬:૧૦.
૧૫. ભક્તિમાં મંદ નથી પડી ગયા એની ખાતરી કઈ રીતે કરી શકાય?
૧૫ રાજીખુશીથી સેવા કરવાના આપણા વલણની સમયે સમયે તપાસ કરવી જરૂરી છે. આ સવાલો પર વિચાર કરી શકાય: “શું મને મંડળના કામ કરવામાં કંટાળો આવે છે? શું મારું મન ધનસંપત્તિ પર લાગેલું છે કે યહોવાની સેવામાં? મારી પાસે જે કંઈ છે એનો ઉપયોગ શું હું યહોવાની સેવામાં કરું છું? શું હું બારાક, દબોરાહ, યાએલ અને ૧૦,૦૦૦ માણસો જેવી હિંમત અને શ્રદ્ધા બતાવું છું? શું હું પરદેશ જઈને પૈસા કમાવાના અને સુખ-સગવડભર્યા જીવનના સપના જોયા કરું છું? શું હું પ્રાર્થનાપૂર્વક વિચારું છું કે એનાથી મારા કુટુંબ અને મંડળ પર કેવી અસર થશે?”c
૧૬. શું આપણે યહોવાને કશું આપી શકીએ?
૧૬ યહોવાના રાજને ટેકો આપવાનો આપણી પાસે અજોડ લહાવો છે. આદમ-હવાના સમયથી જ શેતાન ચાહે છે કે, મનુષ્યો યહોવાની વિરુદ્ધ થઈ જાય. પણ, યહોવાના રાજને ટેકો આપીને આપણે બતાવીએ છીએ કે આપણે કોના પક્ષે છીએ. ખરી શ્રદ્ધા અને વફાદારીથી પ્રેરાઈને આપણે યહોવાની સેવામાં ખુશી ખુશી પોતાને અર્પી દઈએ છીએ. એ જોઈને યહોવા ખૂબ ખુશ થાય છે. (નીતિ. ૨૩:૧૫, ૧૬) આપણી વફાદારી અને આધીનતાથી શેતાનને જડબાતોડ જવાબ મળે છે, જે યહોવાને મહેણાં મારે છે. (નીતિ. ૨૭:૧૧) ખરું કે, આપણે યહોવાને કંઈ આપી નથી શકતા, પણ આપણી આધીનતાથી તેમને ખુશ કરી શકીએ છીએ. એ તેમના માટે ખૂબ કીમતી છે.
૧૭. ભાવિમાં થનાર બનાવો વિશે ન્યાયાધીશો ૫:૩૧ આપણને શું શીખવે છે?
૧૭ જલદી જ પૃથ્વી પરના બધા લોકો યહોવાના રાજને ટેકો આપશે. એ દિવસની આપણે આતુરતાથી રાહ જોઈએ છીએ. આપણું દિલ પણ દબોરાહ અને બારાકની જેમ ગાઈ ઊઠે છે: “હે યહોવા, તારા સર્વ વેરી એમ જ નાશ પામે; પણ જેઓ તેના પર પ્રીતિ રાખે છે તેઓ, જેમ સૂર્ય પૂર્ણ તેજથી ઉદય પામે છે, તેના જેવા થાઓ.” (ન્યા. ૫:૩૧) યહોવા જ્યારે શેતાનની આ દુષ્ટ દુનિયાનો નાશ કરશે, ત્યારે એ શબ્દો સાચા પડશે. આર્માગેદનની લડાઈમાં દુશ્મનોને કચડી નાખવા યહોવાને માનવી સ્વયંસેવકોની જરૂર નહિ પડે. આપણે તો બસ “સ્થિર થઈને ઊભા” રહેવાનું છે અને જોવાનું છે કે યહોવા કઈ રીતે આપણું “રક્ષણ કરે છે.” (૨ કાળ. ૨૦:૧૭) એ સમય આવે ત્યાં સુધી પૂરી હિંમત અને ઉત્સાહથી યહોવાના રાજને ટેકો આપવાની આપણી પાસે જોરદાર તકો રહેલી છે.
૧૮. રાજીખુશીથી કરેલી તમારી સેવાથી બીજાઓને કેવો ફાયદો થશે?
૧૮ દબોરાહ અને બારાકે વિજયગીતની શરૂઆત યહોવાનો મહિમા ગાઈને કરી, નહિ કે માણસોનો. તેઓએ ગાયું હતું: “લોકોએ રાજીખુશીથી પોતાને અર્પી દીધા, માટે તમે યહોવાને ધન્યવાદ આપો.” (ન્યા. ૫:૧, ૨) આપણે પણ યહોવાની સેવામાં પોતાને અર્પી દઈએ છીએ ત્યારે, બીજાઓ પોકારી ઊઠશે: “યહોવાને ધન્યવાદ આપો!”
a એ રથોનાં પૈડાંમાં ધારદાર લાંબી તલવાર લગાડેલી હતી; રથ ચાલે ત્યારે એ વિનાશનું સાધન બની જતો.
b એ રોમાંચક અહેવાલ વિશે વધુ જાણવા નવેમ્બર ૧૫, ૨૦૦૩ ચોકીબુરજ પાન ૨૮-૩૧ જુઓ.
c ઑક્ટોબર-ડિસેમ્બર ૨૦૧૫ ચોકીબુરજ પાન ૪ ઉપર આપેલો આ લેખ જુઓ: “પૈસાની ચિંતા.”