સાચો પ્રેમ, શું એ શક્ય છે?
‘પ્રેમના ચમકારા અગ્નિના ચમકારા જેવા છે, એ ખુદ યહોવાની જ્યોત છે.’—ગી.ગી. ૮:૬.
૧, ૨. સુલેમાને લખેલી કવિતા પર વિચાર કરવાથી કોને કોને મદદ મળી શકે અને શા માટે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
વરની અને કન્યાની નજરો મળે છે તેમ તેઓના ચહેરા પર સ્મિત છલકાય છે. એ જોઈને હાજર દરેક વ્યક્તિ પારખી શકે છે કે યુગલ એકબીજાના પ્રેમમાં છે. જે ભાઈએ લગ્નની ટૉક આપી છે તે જોઈ શકે છે કે આ યુગલે પ્રેમથી એકબીજાનો હાથ પકડ્યો છે. તે વિચારે છે: “વર્ષો વીતશે તેમ શું તેઓનો પ્રેમ ગાઢ થશે, કે પછી ઠંડો પડી જશે?” પતિ અને પત્નીને જો એકબીજા પ્રત્યે સાચો પ્રેમ હશે, તો ગમે તેટલી મુશ્કેલીઓ આવે, તેઓનો સંબંધ ટકી રહેશે. પરંતુ, અફસોસની વાત છે કે સમય જતાં ઘણાં યુગલ પોતાના લગ્નજીવનથી દુઃખી થઈને લગ્નસંબંધ તોડી નાખે છે. તેથી, સવાલ થાય કે શું સાચો પ્રેમ શક્ય છે?
૨ રાજા સુલેમાનના સમયમાં પણ સાચો પ્રેમ મળવો મુશ્કેલ હતો. સુલેમાને જણાવ્યું: “મને હજારમાં એક પુરુષ મળ્યો છે; પણ એટલા બધામાં મને એકે સ્ત્રી મળી નથી. મને ફક્ત એટલી જ શોધ લાગી છે, કે ઈશ્વરે મનુષ્યને નેક બનાવ્યું છે ખરું; પણ તેઓએ ઘણી યુક્તિઓ શોધી કાઢી છે.” (સભા. ૭:૨૬-૨૯) ઈસ્રાએલીઓ મધ્યે એવી પરદેશી સ્ત્રીઓ હતી, જેઓ બઆલની ઉપાસના કરતી હતી. તેઓની સંગતને લીધે, ઘણા ઈસ્રાએલી પુરુષો અને સ્ત્રીઓ પણ અનૈતિક કામો કરવાં લાગ્યાં હતાં.a પરંતુ, એનાં લગભગ ૨૦ વર્ષો પહેલાં રાજા સુલેમાને એક કવિતા લખી હતી, જે “ગીતોનું ગીત” કહેવાય છે. એ કવિતા એક પ્રેમી અને પ્રેમિકા વિશે છે, જેઓ એકબીજાને ખૂબ ચાહતાં હતાં. આપણે પરિણીત હોઈએ કે કુંવારા, એ કવિતા પરથી સમજી શકીશું કે સાચો પ્રેમ કોને કહેવાય? અને આપણે એ કઈ રીતે બતાવી શકીએ?
સાચો પ્રેમ શક્ય છે!
૩. સ્ત્રી અને પુરુષ વચ્ચે શા માટે સાચો પ્રેમ શક્ય છે?
૩ ગીતોનું ગીત ૮:૬ વાંચો. પ્રેમને યહોવાની જ્યોત તરીકે દર્શાવવામાં આવ્યો છે. શા માટે? કારણ કે પ્રેમ, યહોવાનો મુખ્ય ગુણ છે. તેમણે આપણને પણ એ રીતે બનાવ્યા છે કે આપણે તેમના જેવો પ્રેમ બતાવી શકીએ. (ઉત. ૧:૨૬, ૨૭) યહોવાએ પ્રથમ પુરુષ આદમને બનાવ્યા પછી તેને એક સુંદર પત્ની આપી. આદમે પ્રથમ વાર હવાને જોઈ ત્યારે તે બહુ ખુશ થયો. તેણે પોતાની લાગણી દર્શાવવા જે શબ્દો વાપર્યા એ કોઈ કવિતાથી ઓછા ન હતા. હવાને પણ આદમની હુંફ મળવાથી ઘણી ખુશ હતી. અને કેમ ન હોય? આખરે તો, હવાને આદમમાંથી જ બનાવવામાં આવી હતી! (ઉત. ૨:૨૧-૨૩) શરૂઆતથી જ યહોવાએ મનુષ્યોને એ રીતે બનાવ્યા છે કે, સ્ત્રી અને પુરુષ એકબીજા માટે સાચો પ્રેમ બતાવી શકે અને એને જાળવી શકે.
૪, ૫. ગીતોનું ગીત પુસ્તકમાં જણાવેલી વાર્તાનું વર્ણન કરો.
૪ ગીતોનું ગીત એક પ્રેમી અને પ્રેમિકાના સાચા પ્રેમનું સુંદર વર્ણન છે. એ કવિતા, શુનેમ અથવા શૂલેમ નામના ગામની એક યુવતી અને ઘેટાંપાળકના પ્રેમ વિશે છે. આ છે તેઓની વાર્તા: શૂલ્લામી યુવતી પોતાના ભાઈઓની દ્રાક્ષાવાડીમાં કામ કરી રહી છે. એ વાડીની નજીકમાં રાજા સુલેમાન અને તેમના સૈનિકોની છાવણી છે. રાજા સુલેમાન યુવતીને જુએ છે અને તેને લઈ આવવાનો પોતાના ચાકરોને હુકમ કરે છે. પછી, રાજા યુવતીની સુંદરતા વિશે પ્રશંસા કરે છે અને તેની સામે અનેક ભેટ મૂકે છે. પરંતુ, યુવતી તો ઘેટાંપાળકના પ્રેમમાં હોવાથી, ફક્ત પોતાના પ્રેમીના સાથનો આગ્રહ કરે છે. (ગી.ગી. ૧:૪-૧૪) એ ઘેટાંપાળક પોતાની પ્રેમિકાને શોધતો શોધતો સુલેમાનની છાવણીમાં આવે છે. તેઓ એકબીજાને મળીને પોતાના પ્રેમને વ્યક્ત કરવા લાગણીભર્યા શબ્દો કહે છે.—ગી.ગી. ૧:૧૫-૧૭.
૫ સુલેમાન એ યુવતીને પોતાની સાથે યરૂશાલેમ લઈ જાય છે. યુવતીનો પ્રેમી પણ તેઓની પાછળ પાછળ યરૂશાલેમ જાય છે. (ગી.ગી. ૪:૧-૫, ૮, ૯) સુલેમાને કરેલી અને કહેલી કોઈ પણ વાત યુવતીનો ઘેટાંપાળક માટેનો પ્રેમ હોલવી શકતી નથી. (ગી.ગી. ૬:૪-૭; ૭:૧-૧૦) તેથી, સુલેમાન છેવટે તે યુવતીને પાછી જવા પરવાનગી આપે છે. ખુશ થઈને એ યુવતી તેના પ્રેમીને “હરણ”ની જેમ ઉતાવળે તેની પાસે દોડી આવવા કહે છે.—ગી.ગી. ૮:૧૪.
૬. સુલેમાનની કવિતામાં કયું પાત્ર બોલી રહ્યું છે એ જાણવું શા માટે મુશ્કેલ લાગી શકે?
૬ સુલેમાને લખેલી એ કવિતા એક સુંદર ગીત છે, એટલે એને “ગીતોનું ગીત” કહેવાય છે. (ગી.ગી. ૧:૧) સુલેમાન એ કવિતા અને ગીતની સુંદરતા પર ધ્યાન દોરવા ઇચ્છતા હતા, પાત્રોની વિગતો પર નહિ. એટલે તેમણે એ ગીતમાં પાત્રોનાં નામ જણાવ્યાં નથી, ફક્ત તેઓએ કહેલાં વાક્યો લખ્યાં છે. જોકે, કવિતાનાં વાક્યો પરથી ખ્યાલ આવી જાય છે કે કોણ બોલી રહ્યું છે.
‘તારો પ્રેમ દ્રાક્ષારસ કરતાં ઉત્તમ છે’
૭, ૮. યુવક અને યુવતી એકબીજા માટેનો પ્રેમ કેવા શબ્દોથી વ્યક્ત કરે છે? ઉદાહરણો આપો.
૭ યુવતી અને ઘેટાંપાળક એકબીજા માટે લાગણીભર્યા શબ્દો કહે છે. પ્રેમથી કહેલા એવા શબ્દો કવિતામાં ઘણી વાર જોવા મળે છે. એ કવિતા આશરે ૩,૦૦૦ વર્ષો પહેલાં લખાઈ હતી. તેથી, પ્રેમી અને પ્રેમિકાએ એકબીજાને કહેલા શબ્દો આજે આપણને કદાચ અજુગતા લાગે. આપણા સમય કરતાં એ લોકોની જીવનઢબ ઘણી અલગ હતી. દાખલા તરીકે, એ યુવતીની આંખોમાં ઘેટાંપાળકને પ્રેમ દેખાતો હોવાથી તેને યુવતીની આંખો ખૂબ જ ગમે છે. એ દર્શાવવા તે પ્રેમિકાની આંખોને “હોલાના જેવી” કહે છે. (ગી.ગી. ૧:૧૫) યુવતીને પણ પ્રેમીની આંખો હોલા જેવી દેખાય છે. (ગીતોનું ગીત ૫:૧૨ વાંચો.) તેને પ્રેમીની આંખો જાણે ઝરણા પાસે બેઠેલા હોલાના રંગ જેવી દેખાય છે, જે જાણે દૂધથી ધોએલી છે.
૮ એ યુવક અને યુવતી એકબીજાના સુંદર દેખાવના વખાણ કરે છે. ઉપરાંત, તેઓને એકબીજાના ગુણો પણ સુંદર લાગે છે. દાખલા તરીકે, યુવતીનું બધા લોકો સાથે પ્રેમથી વાત કરવું, પ્રેમીને ખૂબ ગમે છે. (ગીતોનું ગીત ૪:૭, ૧૧ વાંચો.) તેથી, એ યુવક પોતાની પ્રેમિકાને આમ કહે છે: ‘હે મારી કન્યા, મધપૂડાની જેમ તારા હોઠમાંથી મીઠાશ ટપકે છે. તારી જીભ તળે મધ અને દૂધ છે.’ યુવક માટે પ્રેમિકાના શબ્દો દૂધ જેવા સારા અને સૌથી ઉત્તમ મધ જેવા મીઠા લાગે છે. યુવક પોતાની પ્રેમિકાને કહે છે, ‘તું અતિ સુંદર છે, તારામાં એક પણ ડાઘ નથી.’ એ શબ્દો દ્વારા યુવક તેની પ્રેમિકાના સુંદર દેખાવની સાથે સાથે તેના સારાં ગુણો વિશે પણ કહી રહ્યો હતો.
૯. (ક) પતિ-પત્ની વચ્ચે કેવો પ્રેમ હોવો જોઈએ? (ખ) પતિ-પત્નીએ એકબીજા માટેનો પ્રેમ શા માટે વ્યક્ત કરવો જોઈએ?
૯ યહોવાની ભક્તિ કરનાર યુગલ માટે લગ્ન એક કાયદાકીય ગોઠવણ કરતાં કંઈક વધારે છે. તેઓ સાચે જ એકબીજાને પ્રેમ કરે છે અને એને વ્યક્ત પણ કરે છે. પરંતુ, આ કયા પ્રેમની વાત થઈ રહી છે? શું એ બાઇબલમાં જણાવેલ નિઃસ્વાર્થ પ્રેમની વાત થઈ રહી છે, જે આપણે બીજા લોકોને પણ બતાવવાનો છે? (૧ યોહા. ૪:૮) શું એ એવો પ્રેમ છે જે આપણે કુટુંબીજનોને બતાવીએ છીએ? અથવા શું એ બે સારા મિત્રો વચ્ચેના પ્રેમની વાત છે? (યોહા. ૧૧:૩) કે પછી, એ એક સ્ત્રી અને પુરુષ વચ્ચે હોય એવો પ્રેમ છે? (નીતિ. ૫:૧૫-૨૦) ખરેખર તો યુગલે એ બધા પ્રકારના પ્રેમ એકબીજા માટે બતાવવા જરૂરી છે. તમારાં વાણી-વર્તન પરથી લગ્નસાથીને તમારા પ્રેમની ખાતરી મળતી રહે છે અને લગ્નજીવન વધુ સુખી બને છે. તમે જીવનમાં ગમે તેટલા વ્યસ્ત હો, પણ સાથી માટે પ્રેમ બતાવવો મહત્ત્વનો છે. અમુક સમાજમાં લગ્ન પહેલાં વર અને કન્યાને એકબીજાને સારી રીતે ઓળખવાની તક મળતી નથી. જોકે, લગ્ન પછી તેઓને એકબીજાને વધુ ઓળખવાની તક મળે છે. સમય જતાં, તેઓનો પ્રેમ વધે છે, જે તેઓએ એકબીજાને વ્યક્ત કરવો જોઈએ. એમ કરવાથી તેઓ એકબીજાની વધુ નજીક આવશે અને તેઓનું લગ્નબંધન મજબૂત બનશે.
૧૦. એકબીજા પ્રત્યે પ્રેમની લાગણી બતાવવાથી કઈ રીતે લગ્નબંધન મજબૂત બને છે?
૧૦ એક યુગલ જ્યારે એકબીજા માટે પ્રેમની લાગણી વ્યક્ત કરે છે, ત્યારે બીજી એક રીતે પણ તેઓનું બંધન મજબૂત થાય છે. સુલેમાનની કવિતામાં જોઈ શકાય કે તેમણે એ યુવતીની સામે “રૂપાનાં બોરિયાંવાળી સોનાની સાંકળીઓ”ની ભેટ મૂકી. ઉપરાંત, તેના વખાણ કરતા કહ્યું કે તે ‘ચંદ્ર જેવી સુંદર, સૂર્ય જેવી ડાઘ વગરની’ છે. (ગી.ગી. ૧:૯-૧૧; ૬:૧૦) પરંતુ, એ યુવતીને સાચો પ્રેમી મળી ગયો હતો. અને તે તેના પ્રેમીને વફાદાર હતી. એ યુવતી શાને લીધે વફાદાર રહી શકી? પ્રેમીથી દૂર હતી ત્યારે તેને કઈ રીતે દિલાસો મળ્યો? (ગીતોનું ગીત ૧:૨, ૩ વાંચો.) પ્રેમીએ કહેલા પ્રેમભર્યા શબ્દો યુવતીના મનમાંથી ક્યારેય ગયા નહિ. એ શબ્દોથી તેને જે ખુશી મળતી એ તેને યાદ હતી. લાગણીભર્યા એ શબ્દો તેની માટે ‘દ્રાક્ષારસ કરતાં પણ ઉત્તમ’ હતા. એ યુવતી જ્યારે સુલેમાનના મહેલમાં હતી ત્યારે ‘ચોળેલા અત્તરʼની જેમ એ શબ્દોએ તેને રાહત આપી. (ગીત. ૨૩:૫; ૧૦૪:૧૫) પતિ-પત્નીએ પણ એકબીજા માટેના પ્રેમને વારંવાર વ્યક્ત કરવો જોઈએ. એમ કરવાથી તેઓનો એકબીજા માટેનો પ્રેમ ખીલી ઊઠશે. પ્રેમથી કહેલા એ શબ્દો સમય જતાં મીઠી યાદો બની જશે, જે તેઓના પ્રેમને ગાઢ બનાવશે.
પ્રેમને “ઢંઢોળીને ઉઠાડશો નહિ કે જગાડશો નહિ”
૧૧. મહેલમાં રહેનાર સ્ત્રીઓને શૂલ્લામી યુવતીએ જે કહ્યું એના પરથી આપણે શું શીખી શકીએ?
૧૧ તમે લગ્ન કરવા ઇચ્છતા હો, તો શૂલ્લામી યુવતીના દાખલામાંથી શું શીખી શકો? તે યુવતીના દિલમાં રાજા સુલેમાન માટે પ્રેમ ન હતો. તેથી, તેણે મહેલમાં રહેનાર બીજી સ્ત્રીઓને કહ્યું કે, મારી “મરજી થાય ત્યાં સુધી તમે મારા પ્રીતમને [પ્રેમને, NW] ઢંઢોળીને ઉઠાડશો નહિ કે જગાડશો નહિ.” (ગી.ગી. ૨:૭; ૩:૫) શું ગમે તે વ્યક્તિ જોડે પ્રેમમાં પડવું યોગ્ય ગણાય? ના, એમ કરવાને બદલે ધીરજ રાખવામાં સમજદારી છે. તમે જેને દિલથી પ્રેમ કરી શકો એવો યોગ્ય સાથી મળે ત્યાં સુધી રાહ જોવી સારી છે.
૧૨. શૂલ્લામી યુવતી શા માટે ઘેટાંપાળકને ખૂબ પ્રેમ કરતી હતી?
૧૨ શૂલ્લામી યુવતી શા માટે ઘેટાંપાળકને એટલો બધો પ્રેમ કરતી હતી? તેની નજરમાં તેનો પ્રેમી એક સુંદર “હરણ” જેવો દેખાવડો હતો. તેના “હાથ પોખરાજ જડેલી સોનાની વીંટીઓ જેવા” હતા. તેના પગ “સંગેમરમરના સ્તંભો જેવા” સુંદર અને મજબૂત હતા. હા, તે તાકતવર અને દેખાવડો તો હતો જ. ઉપરાંત, એ યુવક યહોવાને પ્રેમ કરતો હતો અને તેનામાં સારા ગુણો પણ હતા, જેને યુવતી પારખી શકી હતી. યુવકના એવા ગુણોને લીધે યુવતીને તે ‘જંગલમાંનાં વૃક્ષોમાં સફરજનના ઝાડ’ જેવો કીમતી અને વહાલો લાગતો હતો.—ગી.ગી. ૨:૩, ૯; ૫:૧૪, ૧૫.
૧૩. ઘેટાંપાળક શા માટે શૂલ્લામી યુવતીને ખૂબ પ્રેમ કરતો હતો?
૧૩ શૂલ્લામી યુવતી પણ દેખાવે ખૂબ સુંદર હતી. એ વખતે રાજા સુલેમાન પાસે ‘સાઠ રાણીઓ, એંસી ઉપપત્નીઓ અને બીજી અસંખ્ય કુમારિકાઓ હતી.’ તેમ છતાં, રાજા એ યુવતીની સુંદરતા તરફ આકર્ષાયા હતા. પરંતુ, શું ઘેટાંપાળક એ યુવતીની સુંદરતાને લીધે તેને પ્રેમ કરતો હતો? ના. તે યુવતી યહોવાને પ્રેમ કરતી હતી અને તેનામાં સારા ગુણો હતા માટે ઘેટાંપાળક તેને પ્રેમ કરતો હતો. દાખલા તરીકે, એ યુવતી ખૂબ નમ્ર હતી. એ કારણે જ તે પોતાને ‘ખીણોની ગુલછડી’ એટલે કે સામાન્ય ફૂલ ગણતી હતી. પરંતુ, તેના પ્રેમી માટે તો તે અજોડ હતી, એટલે તે પોતાની પ્રેમિકાને ‘કાંટાઓમાં ઊગેલાં ફૂલ’ જેવી કહે છે.—ગી.ગી. ૨:૧, ૨; ૬:૮.
૧૪. તમે જો લગ્ન કરવા ચાહતા હો, તો શૂલ્લામી યુવતી અને તેના પ્રેમીના દાખલામાંથી શું શીખી શકો?
૧૪ યહોવાએ પોતાના સેવકોને “કેવળ પ્રભુમાં” લગ્ન કરવાની આજ્ઞા આપી છે. (૧ કોરીં. ૭:૩૯) એનો અર્થ થાય કે, આપણે બાપ્તિસ્મા પામેલા યહોવાના સેવક સાથે જ લગ્ન કરી શકીએ. અરે, જો હજી આપણે ડેટિંગ કરતા હોઈએ, એટલે કે ભાવિ લગ્નસાથીને ઓળખવા તેની સાથે સમય પસાર કરતા હોઈએ, તો એ વ્યક્તિ પણ બાપ્તિસ્મા પામેલી હોવી જ જોઈએ. એ આજ્ઞા માનવાથી લગ્ન કઈ રીતે સફળ થશે? રોજબરોજના જીવનમાં પતિ અને પત્નીએ ઘણા તણાવોનો સામનો કરવો પડે છે. પરંતુ, જો યુગલનો યહોવા સાથે મજબૂત સંબંધ હશે, તો લગ્નજીવનમાં શાંતિ અને ખુશી રહેશે. તેથી, તમે જો લગ્ન કરવા ચાહતા હો, તો શૂલ્લામી યુવતી અને તેના પ્રેમીના દાખલાને અનુસરજો. એવી વ્યક્તિને તમારો જીવનસાથી બનાવો જેનામાં યહોવા માટે પ્રેમ અને સારા ગુણો છે.
‘મારી કન્યા બંધ કરેલી વાડી જેવી છે’
૧૫. જે સાક્ષી યુગલ લગ્ન કરવાનું છે તેઓ શૂલ્લામી યુવતીની વફાદારીમાંથી શું શીખી શકે?
૧૫ ગીતોનું ગીત ૪:૧૨ વાંચો. શા માટે ઘેટાંપાળક કહે છે કે તેની પ્રેમિકા “બંધ કરેલી વાડી” જેવી છે? જે વાડી પર તાળું હોય એમાં માલિક સિવાય કોઈ પ્રવેશ કરી શકતું નથી. શૂલ્લામી યુવતી પણ બંધ કરેલી વાડી જેવી જ હતી, કારણ કે તે ફક્ત ઘેટાંપાળકને જ પ્રેમ કરતી હતી. તે તેના પ્રેમી સાથે લગ્ન કરવાની હતી. તેથી, રાજા તેની તરફ આકર્ષાયા તોપણ એ યુવતીનું ધ્યાન પોતાના પ્રેમી પરથી ફંટાયું નહિ. તેનો નિર્ણય દૃઢ રહ્યો. તે કોઈ ‘દરવાજા’ જેવી ન હતી, કે તરત ખુલી જાય. તે તો “કોટ” જેવી મક્કમ હતી. (ગી.ગી. ૮:૮-૧૦) એ જ રીતે, જે સાક્ષી યુગલ લગ્ન કરવાનું છે તેઓએ એકબીજાને વફાદાર રહેવું જોઈએ. તેઓ બીજી કોઈ વ્યક્તિ માટે પ્રેમની લાગણી થવા દેશે નહિ.
૧૬. તમે ડેટિંગ કરતા હો તો ગીતોનું ગીત પુસ્તકમાંથી શું શીખી શકો?
૧૬ ઘેટાંપાળક જ્યારે પ્રેમિકાને તેની સાથે ફરવા જવાનું કહે છે, ત્યારે પ્રેમિકાના ભાઈઓ પરવાનગી આપતા નથી. એના બદલે તેઓ બહેનને દ્રાક્ષાવાડીની દેખરેખ રાખવા મોકલે છે. શું ભાઈઓને પોતાની બહેન પર ભરોસો ન હતો? શું તેઓને એવું લાગતું હતું કે તેઓની બહેન અને તેનો પ્રેમી કોઈ અનૈતિક કામ કરશે? ના. તેના ભાઈઓ તો પોતાની બહેનનું એવા સંજોગોથી રક્ષણ કરવા માંગતા હતા, જે તેને ખોટાં કામમાં ફસાવી શકે. (ગી.ગી. ૧:૬; ૨:૧૦-૧૫) જો તમે ડેટિંગ કરતા હો તો અનૈતિક કામોમાં ફસાઈ ન જવા શું કરી શકાય? અગાઉથી વિચારી રાખો કે સંબંધોને શુદ્ધ રાખવા કેવા સંજોગોને ટાળશો. ભાવિ સાથીને એકાંતમાં મળશો નહિ. તમે એકબીજાને પ્રેમની લાગણી વ્યક્ત કરી શકો પણ યહોવા નાખુશ થાય એ રીતે નહિ.
૧૭, ૧૮. ગીતોનું ગીત પુસ્તકના અભ્યાસમાંથી તમને શું શીખવા મળ્યું?
૧૭ યહોવા ચાહે છે કે લગ્નસંબંધો હંમેશાં ટકી રહે. પતિ-પત્ની એકબીજાને પ્રેમ કરતા રહે, એવું તે ઇચ્છે છે. સ્વાભાવિક છે કે યુગલ લગ્ન કરે ત્યારે તો એકબીજાના પ્રેમમાં હોય છે. પરંતુ, લગ્નજીવન ટકાવી રાખવા તેઓનો પ્રેમ ગાઢ બની રહેવો જરૂરી છે. તેઓનો પ્રેમ કદી ન બુઝાય એવી જ્યોત જેવો હોવો જોઈએ.—માર્ક ૧૦:૬-૯.
૧૮ તમે લગ્ન કરવા માંગતા હો તો, એવી વ્યક્તિને પસંદ કરો જેને તમે દિલથી પ્રેમ કરી શકો. એવી વ્યક્તિ મળે ત્યારે એકબીજા પ્રત્યે પ્રેમ ટકી રહે માટે સાથે મળીને પ્રયત્નો કરતા રહો. આપણે સુલેમાનની કવિતામાંથી શીખ્યા કે હંમેશાં ટકી રહે એવો સાચો પ્રેમ શક્ય છે. કારણ કે એ ‘યહોવાની જ્યોત છે.’—ગી.ગી. ૮:૬.
a ચોકીબુરજ (અંગ્રેજી), જાન્યુઆરી ૧૫, ૨૦૦૭, પાન ૩૧ જુઓ.