આઠમું પ્રકરણ
યહોવાહ તેમના પવિત્ર મંદિરમાં છે
૧, ૨. (ક) પ્રબોધક યશાયાહને મંદિરનું સંદર્શન ક્યારે થાય છે? (ખ) રાજા ઉઝ્ઝીયાહે શા માટે યહોવાહની કૃપા ગુમાવી?
“ઉઝીયાહ રાજા મરણ પામ્યો તે વરસે મેં પ્રભુને જોયો, તે ઉચ્ચ તથા ઉન્નત રાજ્યાસન પર બેઠેલો હતો, તેના જામાની ચાળથી મંદિર ભરાઈ ગયું હતું.” (યશાયાહ ૬:૧) આ શબ્દોથી યશાયાહનો છઠ્ઠો અધ્યાય શરૂ થાય છે. એ ૭૭૮ બી.સી.ઈ.નું વર્ષ છે.
૨ યહુદાહ પર ઉઝ્ઝીયાહના શાસનના બાવન વર્ષ મોટે ભાગે સફળ હતાં. “તેણે યહોવાહની દૃષ્ટિમાં જે સારૂં હતું તે કર્યું.” તેથી, લડાઈ, બાંધકામ અને ખેતીવાડીમાં તેના પર યહોવાહ પરમેશ્વરનો આશીર્વાદ હતો. પરંતુ, તેની સફળતાને કારણે તે ઘમંડી બન્યો, જેનાથી તેનો વિનાશ આવ્યો, કેમ કે “તેણે પોતાના દેવ યહોવાહની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું; તે ધૂપવેદી ઉપર ધૂપ બાળવાને યહોવાહના મંદિરમાં ગયો.” આ ઘમંડ અને તેને ઠપકો આપનાર યાજકો પર તેના ક્રોધને કારણે, તે મર્યો ત્યાં સુધી કોઢિયો રહ્યો. (૨ કાળવૃત્તાંત ૨૬:૩-૨૨) લગભગ આ સમયે યશાયાહે પ્રબોધક તરીકે સેવા આપવાનું શરૂ કર્યું.
૩. (ક) શું યશાયાહે યહોવાહને નજરોનજર જોયા હતા? સમજાવો. (ખ) યશાયાહને કયું દૃશ્ય દેખાય છે અને શા માટે?
૩ યશાયાહને સંદર્શન થયું ત્યારે તે ક્યાં હતા, એ વિષે આપણને જણાવવામાં આવ્યું નથી. પરંતુ તે જુએ છે, એ ખરેખર સંદર્શન છે. એમાં તે યહોવાહ પરમેશ્વરને નજરોનજર જોતા નથી, કેમ કે “દેવને કોઈ માણસે કદી દીઠો નથી.” (યોહાન ૧:૧૮; નિર્ગમન ૩૩:૨૦) તેમ છતાં, ઉત્પન્નકર્તા યહોવાહને સંદર્શનમાં જોવા, એ પણ કેવો મોટો લહાવો કહેવાય. યહોવાહ વિશ્વના શાસક અને સર્વ દૈવી સરકારના ઉદ્ભવ છે! ઊંચું રાજ્યાસન, તેમની અનંત રાજા અને ન્યાયાધીશ તરીકે ભૂમિકા દર્શાવે છે. તેમના લાંબા ઝભ્ભાથી મંદિર ભરાઈ જતું હતું. યશાયાહને પ્રબોધક તરીકે એવું કામ કરવા બોલાવવામાં આવ્યા હતા, જેનાથી યહોવાહની સર્વોપરિતા અને ન્યાયને મહિમા મળે. એની તૈયારીરૂપે, તેમને યહોવાહની પવિત્રતાનું દર્શન કરાવવામાં આવશે.
૪. (ક) સંદર્શનમાં દેખાયેલા યહોવાહ અને બાઇબલમાંનું તેમનું વર્ણન શા માટે સાંકેતિક હોવા જોઈએ? (ખ) યશાયાહના સંદર્શનમાંથી યહોવાહ વિષે શું શીખીએ છીએ?
૪ યહોવાહના દેખાવનું કોઈ વર્ણન યશાયાહ કરતા નથી, જેમ હઝકીએલ, દાનીયેલ અને યોહાન તેઓના સંદર્શનો વિષે જણાવતા કરે છે. તેઓના અહેવાલોમાં સ્વર્ગમાં જે જોવામાં આવ્યું, એનું અલગ અલગ વર્ણન કરવામાં આવ્યું છે. (હઝકીએલ ૧:૨૬-૨૮; દાનીયેલ ૭:૯, ૧૦; પ્રકટીકરણ ૪:૨, ૩) જો કે આપણે એ સંદર્શનોનું રૂપ અને હેતુ ધ્યાનમાં રાખીશું. એઓમાં યહોવાહનું શાબ્દિક વર્ણન કરવામાં આવતું નથી. માનવ સ્વર્ગીય બાબતો વિષે મર્યાદિત હોવાથી, એ જોઈ અને સમજી શકતો નથી. તેથી, સંદર્શનો માનવીઓ સમજે એ રીતે રજૂ કરવામાં આવ્યાં. (પ્રકટીકરણ ૧:૧ સરખાવો.) યશાયાહના સંદર્શનમાં યહોવાહના દેખાવનું વર્ણન જરૂરી નથી. સંદર્શનમાં યશાયાહને જણાવવામાં આવે છે કે યહોવાહ પોતાના પવિત્ર મંદિરમાં છે, અને પોતે પવિત્ર છે તથા તેમનું ન્યાયકરણ શુદ્ધ છે.
સરાફો
૫. (ક) સરાફો કોણ છે અને સરાફોનો અર્થ શું થાય છે? (ખ) સરાફો પોતાના મુખ અને પગ શા માટે ઢાંકે છે?
૫ યશાયાહ આગળ કહે છે એમ ધ્યાનથી સાંભળો: “તેની આસપાસ સરાફો ઊભા હતા: દરેકને છ છ પાંખ હતી; બેથી તે પોતાનું મુખ ઢાંકતો, બેથી પોતાના પગ ઢાંકતો અને બેથી ઊડતો.” (યશાયાહ ૬:૨) બાઇબલમાં ફક્ત યશાયાહના છઠ્ઠા અધ્યાયમાં જ સરાફોનો ઉલ્લેખ થાય છે. તેઓ યહોવાહની હજૂરમાં સેવા કરનારા દૂતો છે. તેઓને યહોવાહના સ્વર્ગીય રાજ્યાસન આગળ સેવા આપવાનો બહુ જ મોટો લહાવો અને માન છે. જો કે તેઓ ઘમંડી રાજા ઉઝ્ઝીયાહથી તદ્દન અલગ જ છે, અને એકદમ નમ્રતા તથા વિનયથી સેવા કરે છે. તેઓ સ્વર્ગના સર્વોપરીની હાજરીમાં બે પાંખોથી પોતાના મુખ ઢાંકી દે છે; તેમ જ, એ પવિત્ર જગ્યાનો આદર કરતા, બીજી બે પાંખોથી પોતાના પગ ઢાંકે છે. વિશ્વના સર્વોપરીની પાસે રહીને પણ સરાફો બહુ જ વિનયી રહે છે, જેથી યહોવાહના મહિમા પરથી પોતાના તરફ ધ્યાન ન ખેંચાય. “સરાફો” એટલે કે “અગ્નિ ધરાવનાર” અથવા “બળનાર.” એ સૂચવે છે કે તેઓમાંથી અજવાળું પ્રકાશતું હતું. તેમ છતાં, તેઓથી વધુ પ્રકાશિત અને મહિમાવાન યહોવાહના ગૌરવથી, તેઓએ પોતાના મુખ ઢાંકવા પડતા હતા.
૬. યહોવાહની હાજરીમાં સરાફોનું કયું સ્થાન છે?
૬ સરાફો બાકીની બે પાંખોનો ઉપયોગ ઊડવામાં અથવા “ઊભા” રહેવામાં કરે છે. (પુનર્નિયમ ૩૧:૧૫ સરખાવો.) મૂળ લખાણમાં જણાવવામાં આવ્યું છે કે “તેઓ ઉપર ઊભા હતા.” એ વિષે પ્રોફેસર ફ્રાન્ઝ ડીલીત્ઝ જણાવે છે: “હકીકતમાં, તેઓ રાજ્યાસન પર બેસનારથી ઉપર ઊભા રહેતા નથી, પરંતુ તેઓ તેમના ઝભ્ભા પર ઊભા રહે છે, જેનાથી આખું મંદિર ભરાઈ જાય છે.” (જૂના કરાર પર વિવેચનો [અંગ્રેજી]) એ યોગ્ય સમજણ છે. તેઓ “ઉપર ઊભા હતા,” એનો અર્થ એ નહિ કે તેઓ યહોવાહથી ઊંચું સ્થાન ધરાવે છે. પરંતુ, તેમને આધીન રહીને તેમની સેવામાં તેઓ સદા હાજર છે, એમ બતાવે છે.
૭. (ક) સરાફો કઈ સેવા આપે છે? (ખ) શા માટે સરાફો યહોવાહની પવિત્રતા ત્રણ વાર જાહેર કરે છે?
૭ હવે, એ લહાવો પામનારા સરાફોને સાંભળો! “તેઓ એકબીજાને પોકારીને કહેતા, પવિત્ર, પવિત્ર, પવિત્ર છે સૈન્યોનો દેવ યહોવાહ; આખી પૃથ્વી તેના ગૌરવથી ભરપૂર છે.” (યશાયાહ ૬:૩) તેઓને યહોવાહની પવિત્રતા જાહેર કરવાનું કાર્ય સોંપવામાં આવ્યું છે. તેમ જ, આખા વિશ્વમાં તેમને મહિમા આપવામાં આવે એ પણ તેઓ જુએ છે. યહોવાહનું ગૌરવ સૃષ્ટિમાં જોઈ શકાય છે. જલદી જ, પૃથ્વીના સર્વ લોકો પણ તેમનું ગૌરવ પારખશે. (ગણના ૧૪:૨૧; ગીતશાસ્ત્ર ૧૯: ૧-૩; હબાક્કૂક ૨:૧૪) “પવિત્ર, પવિત્ર, પવિત્ર” એવી જાહેરાત કંઈ ત્રૈક્યની સાબિતી નથી. એને બદલે, એ તો યહોવાહની પવિત્રતા પર ભાર મૂકે છે. (પ્રકટીકરણ ૪:૮ સરખાવો.) યહોવાહની પવિત્રતા અજોડ છે.
૮. સરાફોની જાહેરાતની શું અસર થાય છે?
૮ સરાફોની સંખ્યા જણાવવામાં આવી નથી. તેમ છતાં, રાજ્યાસન આગળ સરાફોનાં વૃંદો હોય શકે. મધુર સંગીતમાં, તેઓ એક પછી એક યહોવાહની પવિત્રતા અને ગૌરવ વિષે ગીત ગાય છે. એનું પરિણામ શું આવે છે? યશાયાહ જણાવે છે: “પોકારનારની વાણીથી ઉંબરાના પાયા હાલ્યા, અને મંદિર ધુમાડાથી ભરાઇ ગયું.” (યશાયાહ ૬:૪) બાઇબલમાં, ઘણી વાર ધુમાડો અથવા વાદળ યહોવાહની હાજરી જણાવે છે. (નિર્ગમન ૧૯:૧૮; ૪૦:૩૪, ૩૫; ૧ રાજા ૮:૧૦, ૧૧; પ્રકટીકરણ ૧૫:૫-૮) એ એવા ગૌરવ વિષે જણાવે છે, જેની નજીક આપણે જઈ શકતા નથી.
અશુદ્ધને શુદ્ધ કરવામાં આવ્યા
૯. (ક) યશાયાહ પર સંદર્શનની કઈ અસર પડે છે? (ખ) યશાયાહ અને રાજા ઉઝ્ઝીયાહમાં કયો તફાવત જોવા મળે છે?
૯ યહોવાહના રાજ્યાસનના આ સંદર્શનની યશાયાહ પર ઊંડી અસર પડે છે. તે બોલી ઊઠે છે: “અફસોસ છે મને! મારૂં આવી બન્યું છે; કારણ કે હું અશુદ્ધ હોઠોનો માણસ છું ને અશુદ્ધ હોઠોના લોકમાં હું રહું છું; કેમકે મારી આંખોએ રાજાને એટલે સૈન્યોના દેવ યહોવાહને જોયો છે.” (યશાયાહ ૬:૫) યશાયાહ અને ઉઝ્ઝીયાહમાં આસમાન જમીનનો તફાવત જોવા મળે છે! ઉઝ્ઝીયાહ બળજબરીથી અભિષિક્ત યાજકોનું સ્થાન પડાવવા ગયો. તે કોઈ પણ આદર-ભાવ બતાવ્યા વિના મંદિરની પવિત્ર જગ્યામાં દોડી ગયો. ઉઝ્ઝીયાહે સોનાનાં દીપવૃક્ષ, સોનાની વેદી અને ‘અર્પિત રોટલીની’ મેજ ભલે જોઈ, પણ તે યહોવાહની કૃપા પામ્યો નહિ, અથવા કોઈ ખાસ સોંપણી મેળવી શક્યો નહિ. (૧ રાજા ૭:૪૮-૫૦) જ્યારે કે પ્રબોધક યશાયાહ યાજકોની અવગણના કરતા નથી, અથવા મંદિરમાં મના કરેલી જગ્યાએ દોડી જતા નથી. તોપણ, તે યહોવાહ અને તેમના પવિત્ર મંદિરનું સંદર્શન જુએ છે. તેમ જ, તેમને યહોવાહ પોતે જવાબદારી આપે છે. સરાફો મંદિરના રાજ્યાસન પર બેઠેલા યહોવાહને જોવાની હિંમત પણ કરતા નથી. એ જ સમયે, યશાયાહને તો “રાજાને, સૈન્યોના દેવ યહોવાહને” સંદર્શનમાં જોવાનો લહાવો મળ્યો!
૧૦. સંદર્શન જોઈને યશાયાહ શા માટે ગભરાઈ જાય છે?
૧૦ યહોવાહની પવિત્રતા અને પોતાની પાપી સ્થિતિને જોતા, યશાયાહ પોતાને બહુ જ અશુદ્ધ ગણે છે. તેમને લાગે છે કે પોતે ચોક્કસ માર્યા જશે. (નિર્ગમન ૩૩:૨૦) તે સરાફોને શુદ્ધ હોઠોથી યહોવાહ વિષે બોલતા સાંભળે છે. પરંતુ, પોતાના હોઠો તો અશુદ્ધ છે અને જે લોકોમાં રહે છે, તેઓના હોઠો અશુદ્ધ છે. એ લોકોને હંમેશા સાંભળી સાંભળીને, તે વધુ અશુદ્ધ થયા છે. યહોવાહ તો પવિત્ર છે અને તેમના ભક્તો પણ પવિત્ર હોવા જ જોઈએ. (૧ પીતર ૧:૧૫, ૧૬) યહોવાહ માટે બોલનાર તરીકે ભલે યશાયાહને પસંદ કરવામાં આવ્યા છતાં, તે પોતાની પાપી સ્થિતિથી જાણે મૂંગા બની જાય છે. તેમને લાગે છે કે આવા ગૌરવશાળી અને પવિત્ર રાજાના બોલનારને તો શુદ્ધ હોઠ હોવા જ જોઈએ. તેમને સ્વર્ગમાંથી શું જવાબ મળે છે?
૧૧. (ક) એક સરાફે શું કર્યું અને એ શું દર્શાવે છે? (ખ) આપણે યહોવાહના સેવક બનવા લાયક નથી એવું લાગે ત્યારે, સરાફે યશાયાહને જે જણાવ્યું એના પર મનન કરવાથી, કઈ રીતે મદદ મળી શકે?
૧૧ યહોવાહ આગળથી નમ્ર યશાયાહને કાઢી મૂકવાને બદલે, સરાફો તેમને મદદ કરે છે. અહેવાલ જણાવે છે: “પછી સરાફોમાંનો એક, વેદી પરથી ચિપિયા વડે લીધેલો અંગાર હાથમાં રાખી, મારી પાસે ઊડી આવ્યો. તેણે મારા હોઠોને તે અડકાડીને કહ્યું, જો, આ તારા હોઠોને અડક્યો છે; એટલે તારો દોષ દૂર કરવામાં આવ્યો છે, અને તારા પાપનું પ્રાયશ્ચિત્ત થયું છે.” (યશાયાહ ૬:૬, ૭) સાંકેતિક રીતે, અગ્નિમાં શુદ્ધ કરવાની શક્તિ છે. એક સરાફ વેદી પરના પવિત્ર અગ્નિમાંથી અંગારો લઈ યશાયાહના હોઠોને અડકાડે છે. તેમ જ, યશાયાહને તે ખાતરી આપે છે કે તેમનાં પાપનું પ્રાયશ્ચિત્ત થયું હતું. તેથી, તેમના પર યહોવાહની કૃપા થઈ અને એ કાર્ય પાર પાડી શકશે. એ આપણને કેટલું બધુ આશ્વાસન આપે છે! આપણે પણ પાપી છીએ અને યહોવાહની હજૂરમાં જવાને જરાય યોગ્ય નથી. પરંતુ, આપણને ઈસુના ખંડણી બલિદાનથી પાપની માફી મળે છે. આમ, આપણે યહોવાહની કૃપા પામીને તેમને પ્રાર્થના કરી શકીએ છીએ.—૨ કોરીંથી ૫:૧૮, ૨૧; ૧ યોહાન ૪:૧૦.
૧૨. યશાયાહે કઈ વેદી જોઈ અને અગ્નિની શું અસર થઈ?
૧૨ “વેદી” આપણને ફરીથી યાદ કરાવે છે કે આ ફક્ત સંદર્શન જ છે. (પ્રકટીકરણ ૮:૩; ૯:૧૩ સરખાવો.) યરૂશાલેમમાંના મંદિરમાં બે વેદીઓ હતી. પરમ પવિત્ર ભાગના પડદા પાસે એક નાની ધૂપવેદી હતી. તેમ જ, પવિત્રસ્થાનના આંગણામાં જ અર્પણોની મોટી વેદી હતી, જ્યાં અગ્નિ સતત બાળવામાં આવતો હતો. (લેવીય ૬:૧૨, ૧૩; ૧૬:૧૨, ૧૩) જો કે એ વેદીઓ આવનાર મહાન બાબતો દર્શાવતી હતી. (હેબ્રી ૮:૫; ૯:૨૩; ૧૦:૫-૧૦) રાજા સુલેમાને મંદિર સમર્પિત કર્યું ત્યારે, વેદી પરનાં અર્પણોને ભસ્મ કરનાર અગ્નિ તો સ્વર્ગમાંથી આવ્યો હતો. (૨ કાળવૃત્તાંત ૭:૧-૩) તેમ જ, એ તો સ્વર્ગની વેદીનો અગ્નિ હતો, જેનાથી યશાયાહના હોઠોની અશુદ્ધતા દૂર થઈ.
૧૩. યહોવાહે કયો પ્રશ્ન પૂછ્યો અને “અમારે સારૂ” એમ કહે છે ત્યારે, તે કોનો સમાવેશ કરે છે?
૧૩ હવે આપણે યશાયાહ સાથે સાંભળીએ. “પછી મેં પ્રભુને એમ કહેતાં સાંભળ્યો, કે હું કોને મોકલું? અમારે સારૂ કોણ જશે? ત્યારે મેં કહ્યું, હું આ રહ્યો; મને મોકલ.” (યશાયાહ ૬:૮) એ દેખીતું છે કે યહોવાહે કરેલા પ્રશ્નનો યશાયાહ જવાબ આપે, કેમ કે સંદર્શનમાં બીજા કોઈ માનવ પ્રબોધક ન હતા. યશાયાહને, યહોવાહના પ્રબોધક બનવાનું એ આમંત્રણ હતું, એમાં કોઈ શંકા નથી. પરંતુ યહોવાહ શા માટે એમ પૂછે છે કે, “અમારે સારૂ કોણ જશે?” એકવચનના સર્વનામ “હું” પરથી બહુવચનના સર્વનામ “અમારે” વાપરીને, હવે યહોવાહ પોતાની સાથે ઓછામાં ઓછા એક બીજા વ્યક્તિનો સમાવેશ કરી રહ્યા હતા. એ કોણ હતું? શું એ યહોવાહના એકનાએક પુત્ર ન હતા, જે પછીથી ઈસુ ખ્રિસ્ત બન્યા? હા, આ એ જ પુત્ર હતા, જેમને યહોવાહે કહ્યું હતું, “આપણે પોતાના સ્વરૂપ . . . પ્રમાણે માણસને બનાવીએ.” (ઉત્પત્તિ ૧:૨૬; નીતિવચનો ૮:૩૦, ૩૧) આમ, સ્વર્ગમાં યહોવાહની સાથે તેમનો એકનોએક દીકરો પણ હતો.—યોહાન ૧:૧૪.
૧૪. યહોવાહના આમંત્રણનો યશાયાહ કઈ રીતે જવાબ આપે છે, અને તે આપણા માટે કેવું ઉદાહરણ પૂરું પાડે છે?
૧૪ યશાયાહ તરત જ જવાબ આપે છે! ભલે સંદેશો ગમે તે હોય, તે બોલી ઊઠે છે: “હું આ રહ્યો; મને મોકલ.” તેમ જ, તે એમ પણ પૂછતા નથી કે એમાં તેમને શું મળશે. તેમનું વલણ આજે યહોવાહના સર્વ ભક્તો માટે સુંદર ઉદાહરણ છે, જેઓને ‘આખા જગતમાં સુવાર્તા’ પ્રચાર કરવાનું કાર્ય સોંપવામાં આવ્યું છે. (માત્થી ૨૪:૧૪) મોટા ભાગે લોકો સાંભળતા નથી. તેમ છતાં, યશાયાહની જેમ જ તેઓ પણ ‘સર્વ પ્રજાઓને સાક્ષી’ આપવા, વફાદારીથી પોતાના કાર્યને વળગી રહે છે. વળી, યશાયાહની જેમ જ, તેઓ પોતાનું કાર્ય એવા ભરોસાથી કરે છે કે એ યહોવાહ પરમેશ્વર પાસેથી છે.
યશાયાહને સોંપાયેલું કામ
૧૫, ૧૬. (ક) ‘આ લોકોને’ યશાયાહે શું કહેવાનું હતું અને તેઓ શું કરશે? (ખ) શું યશાયાહને કારણે લોકો એ રીતે વર્તે છે? સમજાવો.
૧૫ હવે યહોવાહ જણાવે છે કે યશાયાહે શું કહેવું અને લોકો શું કરશે: “જા, ને આ લોકને કહે, કે સાંભળ્યા કરો, પણ ન સમજો; જોયા કરો, પણ ન જાણો. આ લોકના મન જડ કર, ને તેમના કાન ભારે કર, ને તેમની આંખો મીંચાવ; રખેને તેઓ આંખોથી જુએ, કાનથી સાંભળે, અને મનથી સમજે, અને પાછા ફરીને સાજા કરાય.” (યશાયાહ ૬:૯, ૧૦) યહુદીઓ યહોવાહથી દૂર ચાલ્યા ગયા હતા. શું એનો અર્થ એમ થાય કે યશાયાહ તેઓ સાથે મન ફાવે એમ વાત કરી શકે? ના, જરાય નહિ! એ તો યશાયાહના પોતાના લોકો હતા અને તેમને તેઓ માટે લાગણી હતી. પરંતુ, યહોવાહના શબ્દો એ દર્શાવતા હતા કે યશાયાહ ભલે ગમે તેટલા ખંતથી કાર્ય કરે, પણ લોકો સાંભળશે નહિ.
૧૬ જો કે દોષ લોકોનો હતો. તેઓ યશાયાહ પાસેથી સંદેશો ‘સાંભળ્યા કરશે,’ પરંતુ સ્વીકારશે નહિ કે સમજશે પણ નહિ. મોટા ભાગના જાણે કે સાવ આંધળા અને બહેરા હોય એમ, હઠીલા અને જિદ્દી બનશે. યશાયાહ તેઓ પાસે વારંવાર જશે, પણ ‘આ લોકો’ બતાવી આપશે કે તેઓને જરાય સમજવું નથી. તેઓ સાબિત કરશે કે તેઓ યશાયાહ દ્વારા અપાયેલો યહોવાહનો સંદેશ, એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખે છે. આજના લોકો વિષે પણ આ સાવ સાચું છે! યહોવાહના સાક્ષીઓ, યહોવાહના આવનાર રાજ્યનો પ્રચાર કરે છે તેમ, મોટા ભાગના લોકો સાંભળતા નથી.
૧૭. “ક્યાં સુધી,” એમ યશાયાહે શા માટે પૂછ્યું?
૧૭ યશાયાહને ચિંતા થાય છે: “ત્યારે મેં પૂછ્યું, હે પ્રભુ, તે ક્યાં સુધી? તેણે કહ્યું, નગરો વસ્તી વિનાનાં, અને ઘરો માણસ વિનાનાં ઉજ્જડ થાય, અને જમીન છેક વેરાન થઈ જાય, અને યહોવાહ માણસને દૂર કરે, ને દેશમાં મોટો ભાગ પડતર રહે, ત્યાં સુધી.” (યશાયાહ ૬:૧૧, ૧૨) “ક્યાં સુધી” એમ પૂછીને, યશાયાહને એવી ચિંતા નથી કે એવા લોકોને તેમણે ક્યાં સુધી પ્રચાર કરવો પડશે. એને બદલે, તેમને તો એ ચિંતા છે કે ક્યાં સુધી આ લોકોની આવી દશા ચાલુ રહેશે, અને ક્યાં સુધી પૃથ્વી પર યહોવાહના નામનું અપમાન થશે. (ગીતશાસ્ત્ર ૭૪:૯-૧૧ જુઓ.) તેથી, ક્યાં સુધી એવી હાલત ચાલુ રહેશે?
૧૮. લોકોની ખરાબ હાલત ક્યાં સુધી ચાલુ રહેશે, અને શું યશાયાહ ભવિષ્યવાણીની પૂરેપૂરી પરિપૂર્ણતા જોશે?
૧૮ યહોવાહ જવાબ આપે છે કે આજ્ઞાભંગની શિક્ષા ન થાય ત્યાં સુધી, આ લોકોની બૂરી હાલત ચાલુ જ રહેશે. એ તેમના કરાર પ્રમાણે છે. (લેવીય ૨૬:૨૧-૩૩; પુનર્નિયમ ૨૮:૪૯-૬૮) પ્રજા છિન્ન-ભિન્ન થઈ જશે, લોકોને ગુલામીમાં લઈ જવાશે અને દેશ ઉજ્જડ બની જશે. રાજા ઉઝ્ઝીયાહના પ્રપૌત્ર હિઝકીયાહના શાસન સુધી, યશાયાહ લગભગ ૪૦ વર્ષથી વધારે પ્રબોધક તરીકે સેવા આપે છે. છતાં, ૬૦૭ બી.સી.ઈ.માં બાબેલોનીઓ યરૂશાલેમ અને એના મંદિરનો વિનાશ કરશે, એ જોવા યશાયાહ જીવતા રહેશે નહિ. એ વિનાશના લગભગ ૧૦૦ વર્ષ પહેલાં યશાયાહનું અવસાન થશે. પરંતુ, તે મરણ સુધી પોતાના કાર્યને વળગી રહેશે.
૧૯. ઝાડની જેમ પ્રજા કાપી નંખાશે છતાં, યહોવાહે કઈ ખાતરી આપી?
૧૯ યહુદાહ “છેક વેરાન થઈ જાય,” એવો વિનાશ આવનાર હતો. પરંતુ તેઓ માટે ચોક્કસ આશા હતી. (૨ રાજા ૨૫:૧-૨૬) યહોવાહ યશાયાહને ખાતરી આપે છે: “તે છતાં જો તેમાં દશાંશ રહે, તો તે ફરીથી બાળવામાં આવશે; એલાહવૃક્ષ તથા એલોનવૃક્ષ પાડી નાખવામાં આવ્યા પછી ઠૂંઠું રહે છે, તે પ્રમાણે પવિત્ર બીજ ઠૂંઠા જેવું છે.” (યશાયાહ ૬:૧૩) હા, જેમ મોટું ઝાડ કાપી નાખવામાં આવે પછી, એનું થડ રહે એમ જ, “દશાંશ . . . પવિત્ર બીજ” રહેશે. એમાં કોઈ શંકા નથી કે યશાયાહને એનાથી આશ્વાસન મળે છે કે, તેમના લોકોમાંથી પવિત્ર શેષભાગ બચશે. મોટા ઝાડને બળતણ માટે કાપવામાં આવે છે, એવો અનુભવ પ્રજાએ ફરીથી કર્યો હોવા છતાં, ઈસ્રાએલના એ સાંકેતિક ઝાડનો મહત્ત્વનો ભાગ, ઠૂંઠું અથવા થડ બચી જશે. એ બીજ અથવા સંતાન યહોવાહ માટે પવિત્ર હશે. સમય જતાં, એ ફરીથી ફૂટશે અને ઝાડ વધશે.—સરખાવો અયૂબ ૧૪:૭-૯; દાનીયેલ ૪:૨૬.
૨૦. યશાયાહની ભવિષ્યવાણીના છેલ્લા ભાગની પહેલી પરિપૂર્ણતા કઈ રીતે થઈ?
૨૦ શું એ ભવિષ્યવાણી સાચી પડી? હા. યહુદાહનો વિનાશ થયો, એના ૭૦ વર્ષ પછી યહોવાહને ચાહનાર શેષભાગ બાબેલોનની ગુલામીમાંથી પાછો ફર્યો. તેઓએ મંદિર અને શહેર પાછું બાંધ્યું અને દેશમાં ફરીથી સાચી ભક્તિ સ્થાપી. યહોવાહે આપેલા વતનમાં યહુદીઓ ફરીથી સ્થાયી થયા. એ કારણે, યહોવાહે યશાયાહને આપેલી ભવિષ્યવાણીની બીજી પરિપૂર્ણતા શક્ય બની. એ કઈ પરિપૂર્ણતા હશે?—એઝરા ૧:૧-૪.
બીજી પરિપૂર્ણતા
૨૧-૨૩. (ક) યશાયાહની ભવિષ્યવાણી પ્રથમ સદીમાં કોનામાં પૂરી થઈ અને કઈ રીતે? (ખ) પ્રથમ સદીમાં “પવિત્ર બીજ” કોણ હતું, અને એ કઈ રીતે બચાવવામાં આવ્યું?
૨૧ યશાયાહનું પ્રબોધક તરીકેનું કાર્ય લગભગ ૮૦૦ વર્ષ પછી આવનાર મસીહ, ઈસુ ખ્રિસ્તના કાર્યને દર્શાવતું હતું. (યશાયાહ ૮:૧૮; ૬૧:૧, ૨; લુક ૪:૧૬-૨૧; હેબ્રી ૨:૧૩, ૧૪) જો કે યશાયાહથી ઘણા મહાન હોવા છતાં, તેમની જેમ જ ઈસુએ પણ યહોવાહ પરમેશ્વરને કહ્યું: “જો, તારી ઇચ્છા પૂર્ણ કરવાને હું આવ્યો.”—હેબ્રી ૧૦:૫-૯; ગીતશાસ્ત્ર ૪૦:૬-૮.
૨૨ યશાયાહની જેમ, ઈસુએ ખંતથી પોતાનું કાર્ય પૂરું કર્યું, છતાં લોકોનું વલણ બદલાયું ન હતું. પ્રબોધક યશાયાહના સમયની જેમ જ, ઈસુના દિવસમાં પણ યહુદીઓ જરાય સાંભળવા રાજી ન હતા. (યશાયાહ ૧:૪) ઈસુએ સેવાકાર્યમાં ઘણાં દૃષ્ટાંતો કહ્યાં. એ કારણે, તેમના શિષ્યોએ પૂછ્યું હતું: “તું તેઓની સાથે દૃષ્ટાંતોમાં શા માટે બોલે છે? ત્યારે તેણે તેઓને ઉત્તર દીધો, કે આકાશના રાજ્યના મર્મો જાણવાનું તમને આપેલું છે, પણ તેઓને નથી આપેલું. એ માટે હું તેઓની સાથે દૃષ્ટાંતોમાં બોલું છું; કેમકે જોતાં તેઓ જોતા નથી, ને સાંભળતાં તેઓ સાંભળતા નથી, ને સમજતા પણ નથી. અને યશાયાહની વાત તેઓના સંબંધમાં પૂરી થઈ છે, જે કહે છે, કે તમે સાંભળતાં સાંભળશો, પણ સમજશો નહિ; ને જોતાં જોશો, પણ તમને સૂઝશે નહિ. કેમકે એ લોકોનાં મન જડ થઈ ગયાં છે, ને તેઓના કાન બહેર મારી ગયા છે, ને તેઓએ પોતાની આંખો મીંચેલી છે; રખેને તેઓને આંખે સૂઝે, ને તેઓ કાને સાંભળે, ને મનથી સમજે, ને ફરે; અને હું તેઓને સાજા કરૂં.”—માત્થી ૧૩:૧૦, ૧૧, ૧૩-૧૫; માર્ક ૪:૧૦-૧૨; લુક ૮:૯, ૧૦.
૨૩ યશાયાહના પુસ્તકમાંથી ઈસુ બતાવતા હતા કે, એ ભવિષ્યવાણી પોતાના સમયમાં પૂરી થઈ રહી હતી. મોટા ભાગે લોકો યશાયાહના સમયના લોકો જેવું જ વલણ ધરાવતા હતા. તેઓ સંદેશ પ્રત્યે જાણે કે આંધળા અને બહેરા બન્યા અને તેથી વિનાશ પામ્યા. (માત્થી ૨૩:૩૫-૩૮; ૨૪:૧, ૨) સેનાપતિ તીતસની આગેવાની હેઠળ, રૂમી લશ્કર ૭૦ની સાલમાં યરૂશાલેમ પર ચડી આવ્યું અને શહેર તથા મંદિરનો નાશ કર્યો ત્યારે એમ બન્યું. તોપણ, કેટલાકે ઈસુનું સાંભળ્યું અને તેમના શિષ્યો બન્યા. ઈસુએ કહ્યું કે, તેઓને “ધન્ય છે.” (માત્થી ૧૩:૧૬-૨૩, ૫૧) તેમણે તેઓને ચેતવણી આપી હતી કે તેઓ “યરૂશાલેમને ફોજોથી ઘેરાયેલું” જુએ ત્યારે, તેઓએ “પહાડોમાં નાસી જવું.” (લુક ૨૧:૨૦-૨૨) આમ, વિશ્વાસ રાખનાર “પવિત્ર બીજ,” જે આત્મિક પ્રજા ‘દેવનું ઈસ્રાએલ’ બને છે, તેઓ બચી ગયા હતા.a—ગલાતી ૬:૧૬.
૨૪. પાઊલે કઈ રીતે યશાયાહની ભવિષ્યવાણી લાગુ પાડી, અને એ શું બતાવે છે?
૨૪ પ્રેષિત પાઊલ લગભગ ૬૦ની સાલમાં રોમમાં નજરકેદ હતા. તેમણે ત્યાં ‘યહુદીઓના મુખ્ય માણસો’ અને અન્યો સાથે સભા ભરી. તેમણે તેઓને “દેવના રાજ્ય વિષેની સાક્ષી આપી.” ઘણાએ તેમનો સંદેશો સ્વીકાર્યો નહિ ત્યારે, પાઊલે સમજાવ્યું કે એ રીતે યશાયાહની ભવિષ્યવાણી પૂરી થઈ હતી. (પ્રેરિતોનાં કૃત્યો ૨૮:૧૭-૨૭; યશાયાહ ૬:૯, ૧૦) આમ, ઈસુના શિષ્યોએ પણ યશાયાહના જેવું જ કાર્ય કર્યું હતું.
૨૫. આજે યહોવાહના સાક્ષીઓએ શું પારખ્યું છે, અને એ માટે તેઓ શું કરે છે?
૨૫ એ જ પ્રમાણે, આજે યહોવાહના સાક્ષીઓ પારખે છે કે યહોવાહ તેમના પવિત્ર મંદિરમાં છે. (માલાખી ૩:૧) યશાયાહની જેમ જ તેઓ કહે છે: “હું આ રહ્યો; મને મોકલ.” તેઓ આ દુષ્ટ જગતના આવનાર અંતની ચેતવણી ઉત્સાહથી આપે છે. પરંતુ, ઈસુએ જણાવ્યું હતું તેમ, બહુ જ થોડા લોકોની આંખો અને કાન ઉઘડે છે, જેથી તેઓ બચે. (માત્થી ૭:૧૩, ૧૪) ખરેખર, જેઓ સાંભળીને સમજે છે અને ‘સાજા થાય’ છે, તેઓને ધન્ય છે!—યશાયાહ ૬:૮, ૧૦.
[ફુટનોટ]
a યહુદી બળવાને કારણે, ૬૬ની સાલમાં સેસ્તીઅસ ગેલસની આગેવાની હેઠળ, રૂમી લશ્કરે યરૂશાલેમને ઘેરો ઘાલ્યો હતો અને છેક મંદિરની દિવાલો સુધી ઘૂસી આવ્યા હતા. પછી, તેઓ ચાલ્યા ગયા. તેથી, ૭૦ની સાલમાં રૂમીઓ પાછા આવ્યા એ પહેલાં, ઈસુના શિષ્યોને પેરિઆના પહાડોમાં નાસી છૂટવાની તક મળી.
[પાન ૯૪ પર ચિત્ર]
“હું આ રહ્યો; મને મોકલ.”
[પાન ૯૭ પર ચિત્ર]
‘નગરો વસ્તી વિનાનાં, ઉજ્જડ થાય ત્યાં સુધી’