પ્રકરણ ૭
બીજી પ્રજાઓએ “સ્વીકારવું પડશે કે હું યહોવા છું”
ઝલક: યહોવાના નામને બદનામ કરતી પ્રજાઓ સાથે ઇઝરાયેલીઓ જે રીતે હળતાં-મળતાં, એનાથી કઈ ચેતવણી મળે છે?
૧, ૨. (ક) ઇઝરાયેલ કઈ રીતે વરુઓની વચ્ચે એકલા-અટૂલા ઘેટા જેવું હતું? (શરૂઆતનું ચિત્ર જુઓ.) (ખ) ઇઝરાયેલના લોકો અને રાજાઓના લીધે શું થયું?
સેંકડો વર્ષોથી ઇઝરાયેલ ખૂંખાર વરુઓની વચ્ચે ઘેરાયેલા એકલા-અટૂલા ઘેટા જેવું હતું. એની ચારે બાજુ દુશ્મનો જ દુશ્મનો હતા. પૂર્વની સરહદે આમ્મોનીઓ, મોઆબીઓ અને અદોમીઓ હતા. ઇઝરાયેલના માથે તેઓનું જોખમ હતું. પશ્ચિમ બાજુ પલિસ્તીઓ અડ્ડો જમાવીને બેઠા હતા. તેઓ સદીઓથી ઇઝરાયેલના દુશ્મન હતા. ઉત્તર બાજુ તૂર હતું. એ ખૂબ ધનવાન અને શક્તિશાળી શહેર હતું. ત્યાં ધમધોકાર વેપાર-ધંધો ચાલતો હતો. દૂર દૂરના દેશો એની સાથે વેપાર કરતા હતા. દક્ષિણ બાજુ ઇજિપ્ત હતું. ત્યાં ઇજિપ્તના રાજાની સત્તા ચાલતી હતી. લોકો તેને ભગવાન માનતા હતા.
૨ જ્યારે ઇઝરાયેલીઓ યહોવા પર પૂરો ભરોસો રાખતા, ત્યારે યહોવા તેઓનું દુશ્મનોથી રક્ષણ કરતા. પણ ઇઝરાયેલીઓ અને તેઓના રાજા વારંવાર આસપાસના દેશોના લોકો સાથે હળવા-મળવા લાગ્યા. તેઓ એ લોકો સાથે મળીને ખરાબ કામો કરવા લાગ્યા. એવો જ એક રાજા હતો આહાબ. તે ઇઝરાયેલમાં રાજ કરતો હતો. એ જ સમયે રાજા યહોશાફાટ યહૂદામાં રાજ કરતા હતા. આહાબ બીજાઓની વાતમાં આવીને યહોવાને બદલે બીજા દેવોની ભક્તિ કરવા લાગ્યો. તેણે સિદોનીઓના રાજાની દીકરી ઇઝેબેલ સાથે લગ્ન કર્યા. તૂર શહેર સિદોનના રાજાના હાથમાં હતું. એમાં ખૂબ જાહોજલાલી હતી. ઇઝેબેલે ઇઝરાયેલમાં જ્યાં જુઓ ત્યાં બઆલની ભક્તિ ફેલાવી દીધી હતી. તે આહાબને પોતાના ઇશારે નચાવતી હતી. આહાબે શુદ્ધ ભક્તિ એકદમ અશુદ્ધ કરી નાખી હતી. એવું તો પહેલાં ક્યારેય થયું ન હતું.—૧ રાજા. ૧૬:૩૦-૩૩; ૧૮:૪, ૧૯.
૩, ૪. (ક) હવે હઝકિયેલે કોના વિશે ભવિષ્યવાણી કરી? (ખ) આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?
૩ યહોવાએ પહેલેથી જ પોતાના લોકોને ચેતવણી આપી હતી કે જો તેઓ બેવફા બનશે, તો તેઓના કેવા બૂરા હાલ થશે. હવે તો યહોવાની ધીરજ ખૂટી ગઈ હતી. (યર્મિ. ૨૧:૭, ૧૦; હઝકિ. ૫:૭-૯) ઈ.સ. પૂર્વે ૬૦૯માં બાબેલોનનું લશ્કર ત્રીજી વાર વચનના દેશ પર ચઢી આવ્યું. એના દસ વર્ષ પહેલાં તેઓએ આ દેશ પર હુમલો કર્યો હતો. આ વખતે તેઓએ યરૂશાલેમની દીવાલો તોડી પાડી. જે કોઈએ નબૂખાદનેસ્સાર સામે માથું ઊંચું કર્યું, તેને તેઓએ ધૂળભેગો કરી દીધો. શહેર ફરતે ઘેરો નાખવામાં આવ્યો ત્યારે, હઝકિયેલે કરેલી ભવિષ્યવાણીઓની એકેએક વાત પૂરી થઈ. પછી તેમણે વચનના દેશની આજુબાજુ રહેતી પ્રજાઓ વિશે ભવિષ્યવાણીઓ કરી કે તેઓનું શું થશે.
જે પ્રજાઓએ યહોવાનું નામ બદનામ કર્યું, તેઓએ પોતાનાં કરતૂતોની સજા ભોગવવી પડશે
૪ યહોવાએ હઝકિયેલને કીધું કે યરૂશાલેમના નાશ પછી તેઓના દુશ્મનો જશ્ન મનાવશે. નાશમાંથી બચી જનારા લોકોને તેઓ હેરાન-પરેશાન કરશે. એ પ્રજાઓએ યહોવાનું નામ બદનામ કર્યું. તેઓએ યહોવાના લોકોની સતાવણી કરી અને તેઓને ખોટાં કામોમાં ફસાવ્યા. પણ તેઓ છટકી નહિ શકે, તેઓએ પોતાનાં કરતૂતોની સજા ભોગવવી પડશે. ઇઝરાયેલીઓએ એ પ્રજાઓ સાથે દોસ્તી કરી, એમાંથી આપણને કઈ ચેતવણી મળે છે? હઝકિયેલે એ પ્રજાઓ વિશે જે ભવિષ્યવાણીઓ કરી, એમાં આપણા માટે કઈ આશા રહેલી છે?
ઇઝરાયેલનાં સગા-વહાલાઓએ તેઓની “મજાક ઉડાવી”
૫, ૬. આમ્મોનીઓ અને ઇઝરાયેલીઓ વચ્ચે શું સંબંધ હતો?
૫ આમ્મોનીઓ, મોઆબીઓ અને અદોમીઓ સાથે ઇઝરાયેલની લોહીની સગાઈ હતી. તેઓના બાપદાદાઓ એકબીજાનાં સગાં-વહાલાં હતા. ઘણા સમય પહેલાં તેઓ બધા ભેગા રહેતા હતા. સગાં-વહાલાં હોવા છતાં તેઓએ ઇઝરાયેલી લોકો સાથે દુશ્મની કરી અને તેઓની “મજાક ઉડાવી.”—હઝકિ. ૨૫:૬.
૬ આમ્મોનીઓ. તેઓ ઇબ્રાહિમના ભત્રીજા લોતના વંશજો હતા. તેઓ લોતની નાની દીકરીથી થયા હતા. (ઉત. ૧૯:૩૮) તેઓની ભાષા હિબ્રૂ ભાષા સાથે એટલી મળતી આવતી હતી કે ઇઝરાયેલીઓ મોટા ભાગે એ સમજી શકતા. આ સંબંધોને લીધે યહોવાએ પોતાના લોકોને કીધું કે આમ્મોનીઓ સાથે સામે ચાલીને લડાઈ કરતા નહિ. (પુન. ૨:૧૯) તેમ છતાં ન્યાયાધીશોના દિવસોમાં આમ્મોનીઓ મોઆબી રાજા એગ્લોન સાથે મળી ગયા. તેઓએ ઇઝરાયેલી લોકો પર ભારે જુલમ ગુજાર્યો. (ન્યા. ૩:૧૨-૧૫, ૨૭-૩૦) શાઉલ રાજા બન્યો ત્યારે, આમ્મોનીઓએ સામે ચાલીને ઇઝરાયેલીઓ પર હુમલો કર્યો. (૧ શમુ. ૧૧:૧-૪) યહોશાફાટના સમયમાં પણ તેઓએ એવું જ કર્યું. ઇઝરાયેલી લોકો પર ફરીથી હુમલો કરવા તેઓ મોઆબીઓ સાથે મળી ગયા.—૨ કાળ. ૨૦:૧, ૨.
૭. મોઆબીઓએ ઇઝરાયેલી લોકો સાથે કેવું વર્તન કર્યું?
૭ મોઆબીઓ. તેઓ લોતના વંશજો હતા. તેઓ લોતની મોટી દીકરીથી થયા હતા. (ઉત. ૧૯:૩૬, ૩૭) યહોવાએ પોતાના લોકોને કીધું હતું કે મોઆબીઓ સાથે યુદ્ધ કરશો નહિ. (પુન. ૨:૯) એટલે ઇઝરાયેલીઓએ મોઆબીઓ સાથે યુદ્ધ કર્યું નહિ. પણ મોઆબીઓએ એની કોઈ કદર કરી નહિ. ઇઝરાયેલીઓ ઇજિપ્તની ગુલામીમાંથી આઝાદ થઈને વચનના દેશ તરફ જવા નીકળ્યા ત્યારે, મોઆબીઓએ શું કર્યું? મોઆબીઓ ઇઝરાયેલીઓનાં સગાં-વહાલાં હતા. તોપણ તેઓએ મદદનો હાથ ન લંબાવ્યો. એના બદલે તેઓએ ઇઝરાયેલીઓના રસ્તામાં નડતરો ઊભી કરી. મોઆબી રાજા બાલાકે પૈસા આપીને બલામને ખરીદી લીધો. બાલાકે બલામને કહ્યું કે ઇઝરાયેલીઓને શ્રાપ આપે. બલામે ચાલાકીથી એક રસ્તો શોધી કાઢ્યો. તેણે બાલાકને જણાવ્યું કે કઈ રીતે ઇઝરાયેલી માણસોને વ્યભિચાર અને મૂર્તિપૂજાના ફાંદામાં ફસાવી શકાય. (ગણ. ૨૨:૧-૮; ૨૫:૧-૯; પ્રકટી. ૨:૧૪) સદીઓ સુધી મોઆબીઓએ પોતાનાં સગાં-વહાલાંનું જીવવું હરામ કરી દીધું. આવું તો છેક હઝકિયેલના સમય સુધી ચાલ્યું.—૨ રાજા. ૨૪:૧, ૨.
૮. (ક) યહોવાએ અદોમીઓ અને ઇઝરાયેલીઓને કેમ ભાઈઓ કહ્યા? (ખ) અદોમીઓએ શું કર્યું?
૮ અદોમીઓ. તેઓ યાકૂબના જોડિયા ભાઈ એસાવના વંશજો હતા. તેઓ ઇઝરાયેલીઓનાં નજીકનાં સગાં હતાં. એટલે યહોવાએ અદોમીઓ અને ઇઝરાયેલીઓને ભાઈઓ કહ્યા. (પુન. ૨:૧-૫; ૨૩:૭, ૮) તોપણ અદોમીઓએ શું કર્યું? ઇઝરાયેલીઓ ઇજિપ્તમાંથી બહાર નીકળ્યા ત્યારથી, ઈ.સ. પૂર્વે ૬૦૭માં યરૂશાલેમનો વિનાશ થયો ત્યાં સુધી, અદોમીઓએ તેઓને હેરાન-પરેશાન કર્યા. (ગણ. ૨૦:૧૪, ૧૮; હઝકિ. ૨૫:૧૨) યરૂશાલેમનો નાશ થયો ત્યારે ઇઝરાયેલીઓની દુઃખ-તકલીફો જોઈને અદોમીઓ બહુ ખુશ થયા. તેઓએ બાબેલોનીઓને ઉશ્કેર્યા કે યરૂશાલેમનો સફાયો કરી નાખે. એટલું જ નહિ, તેઓ તો જીવ બચાવવા નાસી છૂટેલા ઇઝરાયેલીઓને રોકતા અને પકડી પકડીને દુશ્મનોના હાથમાં સોંપી દેતા.—ગીત. ૧૩૭:૭; ઓબા. ૧૧, ૧૪.
૯, ૧૦. (ક) આમ્મોનીઓ, મોઆબીઓ અને અદોમીઓના કેવા હાલ થયા? (ખ) કોના દાખલા બતાવે છે કે દુશ્મન પ્રજાઓમાંથી બધા જ ઇઝરાયેલીઓને નફરત કરતા ન હતા?
૯ ઇઝરાયેલીઓનાં સગાઓ તેઓ સાથે બહુ ખરાબ રીતે વર્ત્યાં. એટલે યહોવાએ એ બધી પ્રજાઓ પાસેથી હિસાબ લીધો. યહોવાએ કહ્યું, ‘હું આમ્મોનીઓને પૂર્વના લોકોના હાથમાં સોંપી દઈશ અને એ લોકો તેઓ પર કબજો જમાવશે. પછી બીજી પ્રજાઓમાં આમ્મોનીઓને યાદ કરવામાં આવશે નહિ.’ યહોવાએ મોઆબીઓ વિશે પણ કહ્યું, “હું મોઆબનો ન્યાય કરીશ અને તેને સજા કરીશ. તેઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું.” (હઝકિ. ૨૫:૧૦, ૧૧) યરૂશાલેમનો નાશ થયો એના પાંચ વર્ષ પછી એ ભવિષ્યવાણીઓ સાચી પડવા લાગી. બાબેલોને આમ્મોનીઓ અને મોઆબીઓ પર જીત મેળવી. યહોવાએ અદોમ દેશ વિશે કહ્યું કે પોતે ‘બધા માણસો અને ઢોરઢાંકનો સંહાર કરશે’ અને એ દેશને ‘ઉજ્જડ બનાવી દેશે.’ (હઝકિ. ૨૫:૧૩) એ ભવિષ્યવાણીઓ પ્રમાણે ધીમે ધીમે આમ્મોનીઓ, મોઆબીઓ અને અદોમીઓનું નામનિશાન મિટાવી દેવામાં આવ્યું.—યર્મિ. ૯:૨૫, ૨૬; ૪૮:૪૨; ૪૯:૧૭, ૧૮.
૧૦ પણ એ દુશ્મન પ્રજાઓમાંથી બધા જ યહોવાના લોકોને નફરત કરતા ન હતા. જેમ કે, આમ્મોની સેલેક અને મોઆબી યિથ્માહ. તેઓ દાઉદ રાજાના શૂરવીર યોદ્ધાઓ હતા. (૧ કાળ. ૧૧:૨૬, ૩૯, ૪૬; ૧૨:૧) રૂથ મોઆબની હતી, તોપણ તેણે પૂરા દિલથી યહોવાની ભક્તિ કરી હતી.—રૂથ ૧:૪, ૧૬, ૧૭.
ખોટા રીતરિવાજો તરફ એક ડગલું પણ ન ભરીએ
૧૧. ઇઝરાયેલીઓએ કરેલી મોટી ભૂલમાંથી આપણને શું શીખવા મળે છે?
૧૧ ઇઝરાયેલી લોકો એ પ્રજાઓ સાથે હળવા-મળવા લાગ્યા. તેઓએ કરેલી એ મોટી ભૂલમાંથી આપણને શું શીખવા મળે છે? જેમ જેમ ઇઝરાયેલી લોકો એ પ્રજાઓ સાથે દોસ્તી વધારવા લાગ્યા, તેમ તેમ પોતાનાં સગા-વહાલાઓના રીતરિવાજો પાળવા લાગ્યા. જેમ કે, મોઆબી દેવ પેઓરના બઆલને અને આમ્મોની દેવ મોલેખને ભજવા લાગ્યા. (ગણ. ૨૫:૧-૩; ૧ રાજા. ૧૧:૭) આપણા કિસ્સામાં પણ એવું થઈ શકે. આપણાં જે સગાં-વહાલાં યહોવાના ભક્તો નથી, તેઓ કદાચ આપણા પર દબાણ મૂકે. તેઓ એવું કંઈ કરવા કહે, જેનાથી આપણે યહોવાની આજ્ઞા તોડી બેસીએ. તેઓ કદાચ નહિ સમજે કે આપણે કેમ ઈસ્ટર, નાતાલ કે નવું વર્ષ ઊજવતા નથી, કેમ જન્મદિવસ ઊજવતા નથી અને એ દિવસે કેમ ભેટ લેતા કે આપતા નથી. તેઓ કદાચ એ પણ ન સમજે કે આપણે કેમ જાણીતા રિવાજો પાળતા નથી, જેના તાર ખોટી માન્યતાઓ સાથે જોડાયેલા છે. ખરું કે તેઓનો ઇરાદો ખોટો ન પણ હોય. તેઓ કદાચ કહે, ‘કોઈ કોઈ વાર તો ચાલે!’ પણ જો “ખડક” પરથી એક ડગલું પણ ખોટું ભર્યું, તો ગયા સમજો! જો આપણે તેઓની વાતોમાં આવી જઈશું, તો આપણે ખતરામાં આવી પડીશું. ઇઝરાયેલનો ઇતિહાસ એની સાબિતી આપે છે.
૧૨, ૧૩. (ક) કદાચ કોણ આપણો વિરોધ કરી શકે? (ખ) જો યહોવાના માર્ગે ચાલતા રહીએ તો શું બની શકે?
૧૨ આમ્મોનીઓ, મોઆબીઓ અને અદોમીઓ જે રીતે ઇઝરાયેલીઓ સાથે વર્ત્યા, એમાંથી આપણે બીજું શું શીખી શકીએ? જે સગા-વહાલાઓ યહોવાના ભક્તો નથી, તેઓ કદાચ આપણો સખત વિરોધ કરે. ઈસુએ પહેલેથી જ ચેતવણી આપી હતી કે ખુશખબરને લીધે અમુક વાર ‘દીકરો તેના પિતા વિરુદ્ધ અને દીકરી તેની મા વિરુદ્ધ થશે.’ (માથ. ૧૦:૩૫, ૩૬) યહોવાએ ઇઝરાયેલીઓને કહ્યું હતું કે તેઓ પોતાનાં સગા-વહાલાઓ સાથે લડાઈ ન કરે. આપણાં જે સગા-વહાલાઓ યહોવાની ભક્તિ કરતાં નથી, તેઓ સાથે આપણે પણ ઝઘડો કરીશું નહિ. પણ જો તેઓ આપણો વિરોધ કરે, તો આપણને નવાઈ ન લાગવી જોઈએ.—૨ તિમો. ૩:૧૨.
૧૩ આપણે યહોવાની ભક્તિ કરીએ છીએ, એનો કદાચ આપણાં સગા-વહાલાઓ સીધેસીધો વિરોધ ન કરે. તોપણ આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણે યહોવાને જેટલો પ્રેમ કરીએ છીએ, એના કરતાં વધારે તેઓને પ્રેમ કરવા ન લાગીએ. આપણાં જીવનમાં સૌથી પહેલા યહોવા હોવા જોઈએ. (માથ્થી ૧૦:૩૭ વાંચો.) જો આપણે યહોવાનો હાથ પકડીને તેમના માર્ગે ચાલતા રહીશું, તો એક દિવસ આપણાં સગા-વહાલાઓ પણ યહોવાની ભક્તિમાં જોડાશે. જેમ કે સેલેક, યિથ્માહ અને રૂથ યહોવાની ભક્તિ કરવા લાગ્યા હતા. (૧ તિમો. ૪:૧૬) તેઓની જેમ આપણાં સગા-વહાલાઓને પણ એકલા સાચા ઈશ્વર યહોવાની ભક્તિ કરીને ખુશી મળશે. તેઓ પણ યહોવાનો પ્રેમ અનુભવી શકશે અને તેમનું રક્ષણ મેળવી શકશે.
યહોવાના દુશ્મનોને “આકરી સજા” થઈ
૧૪, ૧૫. પલિસ્તીઓએ ઇઝરાયેલીઓ સાથે કેવું વર્તન કર્યું?
૧૪ પલિસ્તીઓ. તેઓ ક્રીત ટાપુના હતા પણ કનાન દેશમાં આવીને રહેતા હતા. યહોવાએ એ દેશ ઇબ્રાહિમ અને તેમના વંશજોને આપવાનું વચન આપ્યું હતું. પલિસ્તીઓ સાથે ઇબ્રાહિમે લેવડ-દેવડ કરવી પડી હતી. ઇસહાકે પણ એવું કરવું પડ્યું હતું. (ઉત. ૨૧:૨૯-૩૨; ૨૬:૧) ઇઝરાયેલીઓ વચનના દેશમાં ગયા ત્યાં સુધીમાં તો, પલિસ્તીઓ બહુ શક્તિશાળી બની ગયા હતા. તેઓની પાસે મોટી સેના હતી. તેઓ બઆલ-ઝબૂબ અને દાગોન નામના દેવોને પૂજતા હતા. (૧ શમુ. ૫:૧-૪; ૨ રાજા. ૧:૨, ૩) ઇઝરાયેલીઓ પણ અમુક વાર તેઓની સાથે એ દેવોને પૂજતા હતા.—ન્યા. ૧૦:૬.
૧૫ ઇઝરાયેલીઓ યહોવાને બેવફા બન્યા ત્યારે તેમણે તેઓને પલિસ્તીઓના હાથમાં સોંપી દીધા. તેઓએ ઘણાં વર્ષો સુધી ઇઝરાયેલીઓ પર અત્યાચાર કર્યો. (ન્યા. ૧૦:૭, ૮; હઝકિ. ૨૫:૧૫) તેઓએ ઇઝરાયેલીઓ પર ઘણી રોકટોક લગાવી અને જુલમ ગુજાર્યો.a તેઓએ ઘણા ઇઝરાયેલીઓને મોતને ઘાટ ઉતારી દીધા. (૧ શમુ. ૪:૧૦) જ્યારે ઇઝરાયેલીઓ પસ્તાવો કરીને યહોવા પાસે પાછા આવતા, ત્યારે તે તેઓને છોડાવતા. યહોવાએ તેઓને છોડાવવા સામસૂન, શાઉલ અને દાઉદ જેવા માણસોને પસંદ કર્યા હતા. (ન્યા. ૧૩:૫, ૨૪; ૧ શમુ. ૯:૧૫-૧૭; ૧૮:૬, ૭) પછી બાબેલોનીઓએ પલિસ્તીઓનો દેશ જીતી લીધો. સમય જતાં, ગ્રીક લોકોએ પણ તેઓનો દેશ જીતી લીધો. હઝકિયેલે ભવિષ્યવાણી કરી હતી તેમ, યહોવાએ પલિસ્તીઓને “આકરી સજા” કરી.—હઝકિ. ૨૫:૧૫-૧૭.
૧૬, ૧૭. પલિસ્તીઓએ ઇઝરાયેલીઓ સાથે જેવું વર્તન કર્યું, એના પરથી શું શીખવા મળે છે?
૧૬ પલિસ્તીઓએ ઇઝરાયેલીઓ સાથે જેવું વર્તન કર્યું, એના પરથી શું શીખવા મળે છે? આપણા સમયમાં પણ અનેક શક્તિશાળી દેશો થઈ ગયા. તેઓએ યહોવાના લોકો પર દાદાગીરી કરીને સખત સતાવણી કરી છે. તોપણ આપણે ઇઝરાયેલીઓની જેમ બેવફા નથી બનતા, પણ પૂરાં દિલથી યહોવાની ભક્તિ કરીએ છીએ. તેમ છતાં કોઈ કોઈ વાર લાગે કે દુશ્મનો સાચી ભક્તિ પર જીત મેળવી લેશે. દાખલા તરીકે, ૨૦મી સદીની શરૂઆતમાં અમેરિકામાં સરકારે યહોવાના લોકોનું કામ બંધ કરવાની કોશિશ કરી. તેઓએ સંગઠનમાં આગેવાની લેતા ભાઈઓને ઘણાં વર્ષોની સજા ફટકારી અને જેલમાં પૂરી દીધા. બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું ત્યારે શું થયું એનો વિચાર કરો. જર્મનીમાં નાઝી લોકોએ યહોવાના ભક્તોનું નામનિશાન મિટાવી દેવાની કોશિશ કરી. તેઓએ હજારોને કેદ કર્યા અને સેંકડોને મારી નાખ્યા. એ યુદ્ધ પછી સોવિયેત યુનિયને (સોવિયેત સંઘે) યહોવાના સાક્ષીઓની વર્ષો સુધી સખત સતાવણી કરી. તેઓને પકડી પકડીને છાવણીઓમાં મોકલી દીધા. તેઓ પાસે સખત મજૂરી કરાવી. આપણાં કેટલાંક ભાઈ-બહેનોને દૂર દૂરના વિસ્તારોમાં મોકલી દીધાં.
૧૭ કદાચ સરકારો આપણું કામ બંધ કરવા લાખ પ્રયત્નો કરશે. એ માટે તેઓ યહોવાના લોકોને જેલમાં પૂરી દેશે. અરે, અમુકને મારી પણ નાખશે. એ બધું જોઈને શું આપણે ડરી જવું જોઈએ? શું આપણી શ્રદ્ધા ડગમગી જવી જોઈએ? ના, જરાય નહિ. યહોવા પોતાના વફાદાર ભક્તોનું રક્ષણ ચોક્કસ કરશે. (માથ્થી ૧૦:૨૮-૩૧ વાંચો.) દુનિયામાં કંઈ કેટલીયે શક્તિશાળી અને ક્રૂર સત્તાઓ આવી અને ગઈ. પણ યહોવાના ભક્તો દિવસે ને દિવસે વધતા જાય છે. જલદી જ આજની બધી સરકારોના હાલ પલિસ્તીઓ જેવા થશે. તેઓએ પણ સ્વીકારવું પડશે કે યહોવા કોણ છે. પલિસ્તીઓની જેમ તેઓનું નામ પણ ઇતિહાસનાં પાનાં પરથી કાયમ માટે ભૂંસાઈ જશે.
“પુષ્કળ ધનદોલત” કાયમ સલામતી આપતી નથી
૧૮. તૂરનો વેપાર કેટલે દૂર સુધી ફેલાયેલો હતો?
૧૮ તૂર. જૂના જમાનાનું એક શહેર.b તૂર શહેરમાં ધમધોકાર વેપાર ચાલતો હતો. એ જમાનામાં તૂર વેપાર-ધંધા માટે જાણીતું હતું. પશ્ચિમમાં એનાં વહાણો ભૂમધ્ય સમુદ્રના પેલે પાર દૂર દૂરના દેશો સુધી વેપાર કરવા આવતાં-જતાં હતાં. પૂર્વમાં જમીન માર્ગે દૂર દૂરના દેશો સુધી એનો વેપાર ફેલાયેલો હતો. સદીઓથી તૂર દુનિયાના ખૂણે ખૂણે વેપાર કરતું અને ધનદોલત ભેગી કરતું હતું. તૂરના વેપારીઓ અને સોદાગરો એટલા ધનવાન થઈ ગયા હતા કે તેઓ પોતાને મોટા મોટા આગેવાનો માનવા લાગ્યા હતા.—યશા. ૨૩:૮.
૧૯, ૨૦. તૂરના લોકો અને ગિબયોનના લોકોમાં શું ફરક હતો?
૧૯ રાજા દાઉદ અને રાજા સુલેમાનના સમયમાં ઇઝરાયેલ અને તૂર વચ્ચે સારો સંબંધ હતો. તૂરે ચીજવસ્તુઓ અને કારીગરો મોકલીને દાઉદ રાજાને મહેલ બાંધવા મદદ કરી હતી. સુલેમાને મંદિર બાંધ્યું ત્યારે પણ તૂરે એવી જ રીતે મદદ કરી હતી. (૨ કાળ. ૨:૧, ૩, ૭-૧૬) તૂરે નજરે જોયું હતું કે ઇઝરાયેલીઓ પૂરાં દિલથી યહોવાની ભક્તિ કરતા હતા. એટલે યહોવાએ ઇઝરાયેલીઓ પર આશીર્વાદોનો વરસાદ વરસાવ્યો હતો. (૧ રાજા. ૩:૧૦-૧૨; ૧૦:૪-૯) જરા વિચારો, તૂરના હજારો લોકો પાસે કેટલો સરસ મોકો હતો. શાનો? જો તેઓ ચાહતા હોત તો શુદ્ધ ભક્તિ વિશે શીખી શક્યા હોત, યહોવાને ઓળખી શક્યા હોત અને યહોવાના આશીર્વાદો પોતે અનુભવી શક્યા હોત.
૨૦ તૂરના લોકોએ એ મોકો પોતાના હાથમાંથી જવા દીધો. તેઓ માટે તો બસ પૈસો મારો પરમેશ્વર, હું પૈસાનો દાસ. તૂરના લોકો કનાન દેશના ગિબયોનના લોકો જેવા ન હતા. ગિબયોનના લોકોએ તો યહોવાનાં મહાન કામો વિશે ફક્ત સાંભળ્યું જ હતું. એ સાંભળીને જ તેઓ યહોવાની ભક્તિ કરવા લાગ્યા. (યહો. ૯:૨, ૩, ૨૨–૧૦:૨) સમય જતાં તૂરના લોકોએ ઇઝરાયેલીઓનો વિરોધ કર્યો. અરે, તેઓએ અમુક ઇઝરાયેલીઓને ગુલામ તરીકે વેચી દીધા.—ગીત. ૮૩:૨, ૭; યોએ. ૩:૪, ૬; આમો. ૧:૯.
કદી એવું ન વિચારીએ કે ધનદોલત ઊંચી ઊંચી દીવાલોની જેમ આપણું રક્ષણ કરશે
૨૧, ૨૨. તૂરના કેવા હાલ થયા અને શા માટે?
૨૧ યહોવાએ હઝકિયેલ દ્વારા દુશ્મનોને જણાવ્યું: “ઓ તૂર, હું તારી સામે ઊભો થયો છું. જેમ સમુદ્ર પોતાનાં મોજાં ઉછાળે છે, તેમ હું ઘણી પ્રજાઓને તારી વિરુદ્ધ લઈ આવીશ. તેઓ તૂરની દીવાલોના ભૂકા બોલાવી દેશે અને એના મિનારા તોડી પાડશે. હું એની માટી ખોતરી ખોતરીને ઉખેડી નાખીશ. હું એને ઉજ્જડ ખડક બનાવી દઈશ.” (હઝકિ. ૨૬:૧-૫) તૂરના લોકોને લાગતું કે ૧૫૦ ફૂટની ઊંચી ઊંચી દીવાલો તેઓના શહેરનું રક્ષણ કરે છે. તેઓને લાગતું કે પૈસો તેઓનું રક્ષણ કરે છે. એટલે તેઓ માનતા કે કોઈ પણ ખતરો તેઓનો વાળ પણ વાંકો નહિ કરી શકે. પણ તેઓએ સુલેમાનની આ ચેતવણી પર ધ્યાન આપ્યું હોત તો કેવું સારું થાત: “અમીરની દોલત તેના માટે કોટવાળું શહેર છે, તેને મન એ રક્ષણ આપતો કોટ છે.”—નીતિ. ૧૮:૧૧.
૨૨ બાબેલોનના લોકોએ તૂર પર હુમલો કર્યો અને પછીથી ગ્રીક લોકોએ તૂર પર હુમલો કર્યો ત્યારે, હઝકિયેલની ભવિષ્યવાણીમાં કીધું હતું એવું જ થયું. એ વખતે તૂરના લોકોને ખબર પડી કે તેઓની દીવાલો અને ધનદોલત તેઓને બચાવી શકતી નથી. એના પર ભરોસો મૂકીને તેઓએ કેટલી મોટી ભૂલ કરી! બાબેલોને યરૂશાલેમનો નાશ કર્યા પછી ૧૩ વર્ષ સુધી તૂર શહેર ફરતે ઘેરો નાખ્યો. તેઓએ દરિયા કિનારે આવેલા તૂર શહેરનો નાશ કર્યો. (હઝકિ. ૨૯:૧૭, ૧૮) ઈ.સ. પૂર્વે ૩૩૨માં મહાન સિકંદરે હઝકિયેલની ભવિષ્યવાણીઓની એક ખાસ વાત પૂરી કરી.c તેના લશ્કરે દરિયા કિનારે ઉજ્જડ પડેલા તૂર શહેરને જાણે ખોતરી ખોતરીને પથ્થરો, લાકડાં અને માટી ભેગાં કર્યાં. તેઓએ એ બધું દરિયામાં નાખીને એક રસ્તો બનાવ્યો. એના પરથી તે ટાપુ પર વસેલા શહેરમાં પહોંચી ગયો. (હઝકિ. ૨૬:૪, ૧૨) સિકંદર અને તેના લશ્કરે દીવાલો તોડી પાડી. તેઓએ શહેરને લૂંટી લીધું. તેઓએ હજારો સૈનિકો અને લોકોની કતલ કરી. એટલું જ નહિ, તેઓએ હજારો લોકોને ગુલામ તરીકે વેચી દીધા. એ વખતે તૂરના લોકોને ખબર પડી કે તેઓની “પુષ્કળ ધનદોલત” કંઈ કામ લાગી નથી. તેઓએ સ્વીકારવું પડ્યું કે યહોવા કોણ છે.—હઝકિ. ૨૭:૩૩, ૩૪.
૨૩. તૂરના લોકોના જે હાલ થયા, એના પરથી આપણને શું શીખવા મળે છે?
૨૩ તૂરના લોકોના જે હાલ થયા એ આપણે જોઈ ગયા. એના પરથી આપણને શું શીખવા મળે છે? આપણે “ધનદોલતની માયા” ન રાખીએ. ધનદોલત કંઈ રક્ષણ આપતી ઊંચી ઊંચી દીવાલો જેવી નથી કે આપણને બચાવી લે. (માથ. ૧૩:૨૨) આપણે “ઈશ્વરની અને ધનદોલતની એકસાથે ચાકરી કરી શકતા નથી.” (માથ્થી ૬:૨૪ વાંચો.) જો આપણે પૂરાં તન-મનથી યહોવાની ભક્તિ કરતા રહીશું, તો જ આપણે સલામત રહી શકીશું. (માથ. ૬:૩૧-૩૩; યોહા. ૧૦:૨૭-૨૯) તૂર વિશે જે ભવિષ્યવાણીઓ કરવામાં આવી હતી, એની એકેએક વાત સાચી પડી. આપણા સમય માટે પણ જે ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે, એની ઝીણામાં ઝીણી માહિતી જરૂર પૂરી થશે. દુનિયાની ધનદોલત અને સ્વાર્થી ને લાલચું વેપારી જગતનું નામનિશાન મિટાવી દેવામાં આવશે. એ વખતે પોતાની ધનદોલત પર ભરોસો રાખનારા લોકોએ સ્વીકારવું પડશે કે યહોવા કોણ છે.
એક શક્તિશાળી સત્તા “બરુ” જેવી નીકળી
૨૪-૨૬. (ક) યહોવાએ ઇજિપ્તને “બરુ” કેમ કહ્યું? (ખ) સિદકિયાએ કઈ રીતે યહોવાની સલાહ પાળી નહિ? (ગ) સિદકિયાનું શું થયું?
૨૪ ઇજિપ્ત. એ એક શક્તિશાળી સત્તા હતી. યૂસફના જમાના પહેલાંથી વચનના દેશ પર ઇજિપ્તની ભારે અસર રહી. એવું તો બાબેલોને યરૂશાલેમ પર હુમલો કર્યો ત્યાં સુધી ચાલ્યું. ઇજિપ્તનાં મૂળ વર્ષો જૂનાં હતાં. એટલે ઇજિપ્ત એક મજબૂત ઝાડ જેવું દેખાતું હતું. પણ યહોવાની સામે તો એ એક “બરુ” જેવું કમજોર હતું.—હઝકિ. ૨૯:૬.
૨૫ દુષ્ટ રાજા સિદકિયાએ ઇજિપ્ત વિશેની એ વાત સ્વીકારી નહિ. યહોવાએ પ્રબોધક યર્મિયા દ્વારા સિદકિયાને અરજ કરી હતી કે તે બાબેલોનના રાજાને આધીન થઈ જાય. (યર્મિ. ૨૭:૧૨) સિદકિયાએ યહોવાના નામે સમ ખાધા કે તે નબૂખાદનેસ્સાર સામે બળવો નહિ કરે. પણ તેણે યહોવાની સલાહ પાળી નહિ અને તેણે સમ તોડી નાખ્યા. બાબેલોન સામે લડાઈ કરવા તેણે મદદ માટે ઇજિપ્ત પાસે હાથ લંબાવ્યો. (૨ કાળ. ૩૬:૧૩; હઝકિ. ૧૭:૧૨-૨૦) ઇઝરાયેલીઓએ ઇજિપ્તની સત્તા પર આધાર રાખીને પોતાના જ પગ પર કુહાડો માર્યો. (હઝકિ. ૨૯:૭) ઇજિપ્ત “દરિયાના મોટા પ્રાણી” જેવું લાગતું હતું, જેને કોઈનો ડર ન હતો. (હઝકિ. ૨૯:૩, ૪) પણ યહોવાએ એના વિશે કહ્યું કે જેવી રીતે મગરને નાઈલ નદીમાંથી પકડવામાં આવે છે, એવી જ દશા ઇજિપ્તની થશે. યહોવા જાણે ઇજિપ્તનાં જડબાંમાં આંકડાઓ નાખીને એને નાશ કરવા ખેંચી જશે. તેમણે બાબેલોનના લશ્કરને ઇજિપ્ત પર હુમલો કરવા મોકલ્યું, જેથી તેઓ ઇજિપ્ત પર જીત મેળવે. આ રીતે યહોવાએ ઇજિપ્તનો નાશ કર્યો.—હઝકિ. ૨૯:૯-૧૨, ૧૯.
૨૬ બેવફા સિદકિયાનું શું થયું? સિદકિયા દુષ્ટ “મુખી” હતો. તેણે યહોવા સામે બળવો પોકાર્યો. એટલે હઝકિયેલે ભવિષ્યવાણી કરી કે તેનો મુગટ ઉતારી લેવામાં આવશે અને તેના રાજનો અંત આવશે. પણ હઝકિયેલની ભવિષ્યવાણીમાં એક આશા છુપાયેલી હતી. (હઝકિ. ૨૧:૨૫-૨૭) હઝકિયેલ દ્વારા યહોવાએ જણાવ્યું કે રાજવી કુટુંબમાંથી એક રાજા આવશે. તેમને રાજગાદી મેળવવાનો “કાયદેસરનો હક” હશે. હવે પછીના પ્રકરણમાં જોઈશું કે એ રાજા કોણ છે.
૨૭. ઇઝરાયેલે ઇજિપ્તની સત્તા પર ભરોસો મૂક્યો, એના પરથી આપણને શું શીખવા મળે છે?
૨૭ ઇઝરાયેલે ઇજિપ્તની સત્તા પર ભરોસો મૂકીને મોટી ભૂલ કરી, એમાંથી આપણને શું શીખવા મળે છે? આપણે કદી પણ માણસોમાં કે તેઓની સત્તામાં ભરોસો ન મૂકીએ. એવું ન વિચારીએ કે તેઓ કાયમ માટે આપણને સલામત રાખશે. અરે, આપણા વિચારોને પણ આ દુનિયાનો રંગ લાગવા ન દઈએ, કેમ કે આપણે આ “દુનિયાના નથી.” (યોહા. ૧૫:૧૯; યાકૂ. ૪:૪) આપણને કદાચ સરકારો કે સત્તાઓ બહુ શક્તિશાળી લાગે. પણ એ તો પહેલાંના ઇજિપ્તની જેમ બરુ કે સૂકા ઘાસના તણખલા જેવી કમજોર છે. જો આપણે કોઈ પણ માણસની સત્તા પર આશા બાંધીએ, તો એ કેટલી મોટી મૂર્ખામી કહેવાશે! એના બદલે આપણે સૌથી શક્તિશાળી ઈશ્વર યહોવામાં ભરોસો મૂકીએ. તે જ વિશ્વના માલિક છે.—ગીતશાસ્ત્ર ૧૪૬:૩-૬ વાંચો.
લોકોએ “સ્વીકારવું પડશે”
૨૮-૩૦. જે રીતે દેશોએ “સ્વીકારવું પડશે” કે યહોવા કોણ છે અને જે રીતે આપણે સ્વીકારીએ છીએ કે યહોવા કોણ છે, એ બંનેમાં શું ફરક છે?
૨૮ યહોવાએ હઝકિયેલના પુસ્તકમાં વારંવાર કહ્યું કે લોકોએ “સ્વીકારવું પડશે કે હું યહોવા છું.” (હઝકિ. ૨૫:૧૭) જૂના જમાનામાં એ વાત ઘણી વાર સાચી પડી. જ્યારે યહોવાએ પોતાના લોકોના દુશ્મનોને સજા કરી, ત્યારે એ દુશ્મનોએ સ્વીકારવું પડ્યું કે યહોવા કોણ છે. આપણા સમયમાં પણ એ વાત મોટા પાયે સાચી પડશે. કઈ રીતે?
૨૯ ઇઝરાયેલીઓની જેમ આપણી આસપાસ પણ ખતરનાક દેશો છે. તેઓને લાગે છે કે આપણે તો બિચારા અને એકલા-અટૂલા ઘેટા જેવા છીએ. (હઝકિ. ૩૮:૧૦-૧૩) એ દેશો બહુ જલદી યહોવાના લોકોનું નામનિશાન મિટાવી દેવા ભયંકર હુમલો કરશે. એના વિશે આપણે ૧૭મા અને ૧૮મા પ્રકરણમાં જોઈશું. જ્યારે તેઓ હુમલો કરશે, ત્યારે તેઓને ભાન થશે કે હકીકતમાં કોણ શક્તિશાળી છે. યહોવા આર્માગેદનના યુદ્ધ વખતે એ દેશોને ધૂળ ચાટતા કરી નાખશે. એ સમયે તેઓએ સ્વીકારવું પડશે કે યહોવા કોણ છે. તેઓએ માનવું પડશે કે ફક્ત યહોવાને જ આખા વિશ્વ પર રાજ કરવાનો હક છે.—પ્રકટી. ૧૬:૧૬; ૧૯:૧૭-૨૧.
૩૦ યહોવા આપણને તો એકદમ સહીસલામત રાખશે. તે આપણા પર આશીર્વાદોનો વરસાદ વરસાવશે. એનું કારણ એ છે કે આપણે તો હમણાંથી જ યહોવાને સ્વીકારીએ છીએ. કઈ રીતે? આપણને યહોવામાં પૂરી શ્રદ્ધા છે. આપણે પૂરાં દિલથી તેમની આજ્ઞાઓ પાળીએ છીએ. આપણે તન-મનથી તેમની શુદ્ધ ભક્તિ કરીએ છીએ, જેના તે હકદાર છે.—હઝકિયેલ ૨૮:૨૬ વાંચો.
a દાખલા તરીકે, પલિસ્તીઓએ ઇઝરાયેલી લોકોમાં લુહારોનું કામ બંધ કરાવી દીધું હતું. ઇઝરાયેલીઓએ ખેતીવાડીનાં સાધનોની ધાર કઢાવવા પલિસ્તીઓ પાસે જવું પડતું. પલિસ્તીઓ ધાર કઢાવવાના એટલા પૈસા લેતા, જે અમુક દિવસોની મજૂરી બરાબર હતા.—૧ શમુ. ૧૩:૧૯-૨૨.
b અગાઉનું તૂર શહેર કાર્મેલ પર્વતની ઉત્તરે આવેલું હતું અને ત્યાંથી ૫૦ કિલોમીટર દૂર હતું. એ શહેર કદાચ દરિયા કિનારાથી થોડે દૂર એક ખડકવાળા ટાપુ ઉપર વસેલું હતું. પછીથી તૂરના લોકોએ શહેરની સરહદ વધારીને દરિયા કિનારે પણ શહેર વસાવ્યું. હિબ્રૂમાં તૂરનું નામ સૂર છે, જેનો અર્થ થાય, “ખડક.”
c યશાયા, યર્મિયા, યોએલ, આમોસ અને ઝખાર્યાએ પણ તૂરના નાશ વિશે ભવિષ્યવાણીઓ કરી હતી. તેઓએ જે ભવિષ્યવાણીઓ કરી, એની એકેએક વાત પૂરી થઈ.—યશા. ૨૩:૧-૮; યર્મિ. ૨૫:૧૫, ૨૨, ૨૭; યોએ. ૩:૪; આમો. ૧:૧૦; ઝખા. ૯:૩, ૪.