હોશીઆની ભવિષ્યવાણી યહોવાહના માર્ગમાં ચાલવા મદદ કરે છે
‘યહોવાહની પાછળ તેઓ ચાલશે.’—હોશીઆ ૧૧:૧૦.
૧. હોશીઆના કુટુંબમાં જે થયું, એ બીજા કોના વચ્ચે થયું?
શું તમને જોરદાર એક્ટરોથી બનેલી કોઈ સાચા બનાવની વાર્તા સાંભળવી ગમે છે? એવા જ એક બનાવ વિષે બાઇબલમાં હોશીઆનું પુસ્તક જણાવે છે. ઈશ્વરભક્ત હોશીઆના કુટુંબમાં જે બન્યું, એવું જ યહોવાહ અને ઈસ્રાએલ વચ્ચે બન્યું હતું. યહોવાહ જાણે કે ઈસ્રાએલીઓના પતિ હતા.a યહોવાહે એવો સંબંધ ઈસ્રાએલીઓને મુસા દ્વારા નિયમો આપીને બાંધ્યો હતો.
૨. હોશીઆ વિષે શું જાણવા મળે છે?
૨ એ બનાવની શરૂઆત હોશીઆના પહેલા અધ્યાયથી થાય છે. હોશીઆ ઈસ્રાએલના દસ કુળના રાજ્યમાં રહેતા હતા. (ઈસ્રાએલને એફ્રાઈમ પણ કહેવાય છે, કેમ કે એ મુખ્ય કુળ હતું.) હોશીઆ કયા સમયમાં પ્રબોધક હતા? ઈસ્રાએલના છેલ્લા સાત રાજાઓ અને યહુદાહના રાજા ઉઝ્ઝીયાહ, યોથામ, આહાઝ તથા હિઝકીયાહના રાજમાં. (હોશીઆ ૧:૧) એટલે કે હોશીઆ લગભગ ૫૯ વર્ષો સુધી પ્રબોધક હતા. હોશીઆનું પુસ્તક ઈસવીસન પૂર્વે ૭૪૫ના થોડા સમય પછી પૂરું થયું હતું. તોપણ, એમાંથી આજે આપણને ઘણું શીખવા મળે છે. એનું કારણ એ છે કે આજે પણ લાખો લોકો ‘યહોવાહની પાછળ ચાલવા’ ચાહે છે.—હોશીઆ ૧૧:૧૦.
મુખ્ય વિચારો કયા છે?
૩, ૪. હોશીઆ એકથી પાંચ અધ્યાયો શું જણાવે છે, એ ટૂંકમાં કહો.
૩ ચાલો પહેલા ટૂંકમાં જોઈએ કે હોશીઆના એકથી પાંચ અધ્યાયો શું જણાવે છે. એનાથી આપણે યહોવાહમાં હજુયે વધારે શ્રદ્ધા મૂકીશું. આપણને તેમની ઇચ્છા પ્રમાણે જ જીવવા મદદ મળશે. યહોવાહના માર્ગમાં જ ચાલવા આપણું મન વધારે મક્કમ થશે. હોશીઆના સમયમાં ઈસ્રાએલના લોકો જૂઠા દેવ-દેવીઓને ભજવા લાગ્યા હતા. તોપણ જો તેઓએ પસ્તાવો કર્યો હોત, તો યહોવાહે તેઓ પર પ્રેમ રાખ્યો હોત. હોશીઆ પોતાની પત્ની ગોમેર સાથે જે રીતે વર્ત્યા, એના પરથી એ જોવા મળે છે. ગોમેરને હોશીઆથી એક બાળક થયું. ત્યાર પછી તે બેવફા બની. તેને બીજા માણસથી બે બાળકો થયાં. તેમ છતાં, હોશીઆ તેને પત્ની તરીકે પાછી સ્વીકારે છે. આના પરથી જોવા મળે છે કે જો ઈસ્રાએલના લોકો પસ્તાવો કરે, પાછા ફરે, તો યહોવાહ તેઓ પર પ્રેમ વરસાવવા તૈયાર હતા.—હોશીઆ ૧:૧–૩:૫.
૪ યહોવાહ ઈસ્રાએલની સામે થયા હતા. ઈસ્રાએલમાં ન તો સચ્ચાઈ હતી, ન પ્રેમ હતો, ન તો યહોવાહનું જ્ઞાન હતું. એટલે જ યહોવાહ જૂઠા દેવ-દેવીઓ પાછળ દોડી જનાર ઈસ્રાએલ અને ભટકી ગયેલા યહુદાહના લોકો, બંને પાસેથી હિસાબ લેશે. યહોવાહના લોકો “સંકટને સમયે” યહોવાહને શોધશે.—હોશીઆ ૪:૧–૫:૧૫.
બનાવની શરૂઆત
૫, ૬. (ક) ઈસ્રાએલના દસ કુળના રાજ્યમાં લોકો કેટલા વ્યભિચારી હતા? (ખ) પહેલાના ઈસ્રાએલીઓને મળેલી ચેતવણી આપણને પણ કેમ લાગુ પડે છે?
૫ યહોવાહે હોશીઆને આજ્ઞા આપી કે “જા, એક સ્ત્રી સાથે લગ્ન કર; તે સ્ત્રી તને બેવફા નીવડશે અને તેને વ્યભિચારનાં સંતાન થશે. કારણ, એક વ્યભિચારિણીની જેમ મારા લોકોએ બેવફાઈથી મારો ત્યાગ કર્યો છે.” (હોશિયા ૧:૨, કોમન લેંગ્વેજ) ઈસ્રાએલના લોકોએ કઈ રીતે યહોવાહ સાથે બેવફાઈ કરી? હોશીઆ ૪:૧૨-૧૪ જણાવે છે કે ‘વ્યભિચારી હૃદયે તેમને’ એટલે દસ કુળના રાજ્યના લોકોને ‘અવળે માર્ગે દોર્યા છે, ને પોતાના દેવને તજીને તેઓ વંઠી ગયા છે. તમારી દીકરીઓ વ્યભિચાર કરે છે, ને તમારી પુત્રવધૂઓ વ્યભિચાર કરે છે. પુરુષો પોતે વેશ્યાઓને લઈને એકાંતમાં જતા રહે છે, ને દેવદાસીઓની સંઘાતે યજ્ઞો કરે છે.’
૬ ઈસ્રાએલના લોકો બહુ વ્યભિચારી હતા. સાથે સાથે યહોવાહની ભક્તિમાં પણ સાવ બેવફાઈ કરતા હતા. એટલે યહોવાહ ઈસ્રાએલીઓ પાસેથી ‘બદલો લેશે.’ (હોશીઆ ૧:૪; ૪:૯) આ આપણને પણ ચેતવણી આપે છે. જે લોકો વ્યભિચારી છે અને જેઓ જૂઠા દેવ-દેવીઓને ભજે છે, તેઓની પાસેથી યહોવાહ હિસાબ માંગશે. જેઓ યહોવાહના માર્ગમાં ચાલે છે, તેઓ ફક્ત તેમના કહેવા પ્રમાણે જ ચાલે છે. તેઓ જાણે છે કે ‘કોઈ પણ વ્યભિચારીને ખ્રિસ્તના તથા દેવના રાજ્યમાં કંઈ વારસો નથી.’—એફેસી ૫:૫; યાકૂબ ૧:૨૭.
૭. હોશીઆ અને ગોમેર જેવો બીજા કોની વચ્ચે સંબંધ હતો?
૭ જોકે હોશીઆએ ગોમેર સાથે લગ્ન કર્યા, ત્યારે તે કંઈ વ્યભિચારી સ્ત્રી ન હતી. તે સારી પત્ની હતી અને તેને ‘હોશીઆથી પુત્ર થયો.’ (હોશીઆ ૧:૩) એવું જ યહોવાહ અને ઈસ્રાએલના સંબંધમાં પણ હતું. યહોવાહે ઈસ્રાએલી લોકોને ઈસવીસન પૂર્વે ૧૫૧૩માં ઇજિપ્તની ગુલામીમાંથી છોડાવ્યા. પછી જાણે કે લગ્નના પવિત્ર બંધનની જેમ, યહોવાહે તેઓ સાથે કરાર કર્યો. ઈસ્રાએલી લોકોએ એ કરાર સ્વીકાર્યો. તેઓએ જાણે કે પોતાના “ભરથાર” કે પતિ યહોવાહને વળગી રહેવાનું વચન આપ્યું. (યશાયાહ ૫૪:૫) એ વખતે તો એ સંબંધ હોશીઆના લગ્નની જેમ પવિત્ર હતો. પણ પછી બધું બદલાઈ ગયું!
૮. દસ કુળનું ઈસ્રાએલ રાજ્ય કેવી રીતે ઊભું થયું? એમાં કેવી ભક્તિ કરવામાં આવતી હતી?
૮ હોશીઆની પત્નીને ‘ફરીથી દહાડા રહ્યા, ને પુત્રી જન્મી.’ ગોમેરની એ છોકરી અને ત્યાર પછીનું બાળક બીજા માણસથી થયા હોય શકે. (હોશીઆ ૧:૬, ૮) ઈસ્રાએલને ગોમેર સાથે સરખાવવામાં આવે છે. પણ સવાલ થાય છે કે ‘ઈસ્રાએલ કઈ રીતે વ્યભિચારી બન્યું?’ ઈ.સ. પૂર્વે ૯૯૭માં ઈસ્રાએલના બાર કુળના ભાગલા પડ્યા. દસ કુળો મળીને ઉત્તરનું રાજ્ય બન્યું. યહુદાહ અને બિન્યામીનના બે કુળો મળીને દક્ષિણનું રાજ્ય બન્યું. ઈસ્રાએલના લોકો યહુદાહ રાજ્યના યરૂશાલેમમાં યહોવાહની ભક્તિ કરવા જાય નહિ, એટલે તેઓ માટે વાછરડાં ઊભા કરવામાં આવ્યાં. ઈસ્રાએલમાં તો પછી બસ જૂઠા દેવ બઆલની ભક્તિ થવા માંડી. એટલું જ નહિ પણ લોકો મન ફાવે તેમ વ્યભિચાર કરવા લાગ્યા.
૯. હોશીઆ ૧:૬માં જણાવ્યું હતું એમ ઈસ્રાએલનું શું થયું?
૯ ગોમેરને પારકા માણસથી બીજું બાળક થયું હોય શકે. યહોવાહે હોશીઆને જણાવ્યું કે “તેનું નામ લો-રૂહામાહ [તેના પર દયા રાખવામાં ન આવી] પાડ; કેમ કે હું હવે પછી કદી ઈસ્રાએલ લોક પર દયા રાખીશ નહિ, ને તેમને કદી માફ કરીશ નહિ.” (હોશીઆ ૧:૬) હા, યહોવાહે ઈસ્રાએલ પર દયા બતાવી નહિ. ઈ.સ. પૂર્વે ૭૪૦માં આશ્શૂરીઓ ચડી આવ્યા ત્યારે, યહોવાહે ઈસ્રાએલીઓને ગુલામીમાં જવા દીધા. પરંતુ, યહોવાહે યહુદાહના બે કુળ પર દયા બતાવી. તેઓને બચાવ્યા. પણ ધનુષ્યથી, તરવારથી, યુદ્ધથી, ઘોડાઓથી કે સવારોથી નહિ. (હોશીઆ ૧:૭) યહુદાહની રાજધાની યરૂશાલેમ પર ઈ.સ. પૂર્વે ૭૩૨માં આશ્શૂરીઓ ચડી આવ્યા. યહોવાહે ફક્ત એક જ સ્વર્ગદૂત મોકલીને, એક રાત્રે ૧,૮૫,૦૦૦ આશ્શૂરીઓને પતાવી દીધા.—૨ રાજાઓ ૧૯:૩૫.
ઈસ્રાએલ સામે યહોવાહની લડાઈ
૧૦. ગોમેરે વ્યભિચાર કર્યો, એવું જ કોણે કર્યું? કેવી રીતે?
૧૦ હોશીઆની પત્ની તેને છોડીને “વેશ્યા” બની, બીજા માણસ સાથે રહેવા લાગી. ઈસ્રાએલે પણ જાણે એવું જ કર્યું. ઈસ્રાએલ રાજ્ય જૂઠા દેવ-દેવીઓને ભજતા દેશો સાથે દોસ્તી કરીને રાજનીતિ ખેલવા લાગ્યું. મદદ માટે તેઓ પર ભરોસો મૂકવા લાગ્યું. તેઓને મળેલા આશીર્વાદ માટે યહોવાહનો જયજયકાર કરવાને બદલે, જૂઠા દેવ-દેવીઓને ભજવા લાગ્યા. આ રીતે ઈસ્રાએલે યહોવાહને જ ભજવાનો કરાર તોડ્યો. એટલે યહોવાહ એ બેવફા ઈસ્રાએલ સામે લડવા ઊભા થયા, એમાં કંઈ નવાઈ નથી!—હોશીઆ ૧:૨; ૨:૨, ૧૨, ૧૩.
૧૧. યહોવાહે ઈસ્રાએલ અને યહુદાહને ગુલામીમાં જવા દીધા ત્યારે નિયમ કરારનું શું થયું?
૧૧ ઈસ્રાએલે જાણે પોતાના પતિ, યહોવાહને છોડી દીધા. પછી શું થયું? ઈ.સ. પૂર્વે ૭૪૦થી ઈસ્રાએલ આશ્શૂરની ગુલામીમાં હતું. હવે બાબેલોને આશ્શૂરને જીતી લીધું. એટલે જાણે કે યહોવાહે ઈસ્રાએલને બાબેલોનના “અરણ્યમાં” જવા દીધું. (હોશીઆ ૨:૧૪) આ રીતે યહોવાહે દસ કુળના રાજ્યનો અંત આવવા દીધો. તેમ છતાં તેમણે અસલ ઈસ્રાએલના બારેય કુળ સાથે કરેલો કરાર તોડી નાખ્યો નહિ. ઈ.સ. પૂર્વે ૬૦૭માં બાબેલોનીઓએ યરૂશાલેમનો નાશ કર્યો અને યહુદાહના લોકોને ગુલામીમાં લઈ ગયા. ત્યારે પણ યહોવાહે આ બારેય કુળ સાથે મુસા દ્વારા કરેલો નિયમ કરાર તોડ્યો નહિ, જે વડે તેઓ જાણે કે લગ્નબંધનમાં બંધાયા હતા. યહોવાહે એ સંબંધ ફક્ત ત્યારે જ કાપી નાખ્યો, જ્યારે યહુદી ગુરુઓએ ઈસુનો વિરોધ કર્યો અને ૩૩ની સાલમાં તેમને મારી નાખ્યા.—કોલોસી ૨:૧૪.
યહોવાહ ઈસ્રાએલને સમજાવે છે
૧૨, ૧૩. હોશીઆ ૨:૬-૮ શું જણાવે છે? ઈસ્રાએલના કિસ્સામાં એ શબ્દો કઈ રીતે સાચા પડ્યા?
૧૨ યહોવાહ ઈસ્રાએલને “વ્યભિચાર” છોડી દેવાનું સમજાવે છે. પરંતુ, ઈસ્રાએલ તેના પ્રીતમોને છોડવા માગતું નથી. (હોશીઆ ૨:૨, ૫) હવે યહોવાહ કહે છે કે “એથી જો, હું તારો માર્ગ કાંટાથી બંધ કરી દઈશ, ને હું તેની વિરૂદ્ધ એવો કોટ કરીશ, કે તેને માર્ગ જડશે નહિ. તે પોતાના પ્રીતમોની પાછળ જશે, પણ તે તેઓને પકડી પાડશે નહિ; તે તેઓને શોધશે, પણ તેઓ તેને મળશે નહિ; ત્યારે તે કહેશે, કે હું ચાલીને મારા પહેલા ધણીની પાસે પાછી જઈશ; કેમ કે હમણાંના કરતાં તે વખતે મને વધારે સુખ હતું. કેમ કે તે જાણતી નહોતી કે અનાજ, દ્રાક્ષારસ તથા તેલ હું તેને આપતો હતો, ને જે સોનુંરૂપું તેઓ બઆલની સેવામાં વાપરતા હતા, તે તેના હાથમાં હું પુષ્કળ આપતો હતો.”—હોશીઆ ૨:૬-૮.
૧૩ ઈસ્રાએલે “પોતાના પ્રીતમોની” એટલે કે બીજા દેશોની મદદ તો માંગી, પણ કોઈ મદદ કરતું ન હતું. ઈસ્રાએલની ચારે બાજુએ જાણે કાંટાની એવી વાડ થઈ ગઈ હતી કે કોઈ તેઓને મદદ કરી શકે નહિ. આશ્શૂરી લોકોએ ત્રણ ત્રણ વર્ષો સુધી ઈસ્રાએલને ઘેરી રાખ્યું. આખરે, તેઓએ ઈ.સ. પૂર્વે ૭૪૦માં એનું પાટનગર સમરૂન જીતી લીધું. દસ કુળનું રાજ્ય એવું પડ્યું કે પાછું કદી ઊભું થયું નહિ. ઈસ્રાએલી ગુલામોમાંથી ફક્ત અમુક લોકોને જ ભાન થયું કે પોતાના બાપદાદા યહોવાહને ભજતા હતા ત્યારે, તેઓ કેટલા સુખી હતા! એ થોડા લોકોએ જ બઆલની ભક્તિ ન કરી. તેઓ યહોવાહ સાથે ફરીથી પાક્કો નાતો બાંધવા ચાહતા હતા.
સાચો બનાવ ફરીથી જોઈએ
૧૪. હોશીઆએ ગોમેર સાથે કેવી રીતે ફરીથી સંસાર માંડ્યો?
૧૪ ચાલો ફરીથી હોશીઆના કુટુંબમાં જે બન્યું, એના પર એક નજર કરીએ. ફરીથી જોઈએ કે કઈ રીતે યહોવાહ અને ઈસ્રાએલ વચ્ચે પતિ-પત્ની જેવો સંબંધ હતો. ‘યહોવાહે મને કહ્યું, કે ફરીથી જા, તું તેના યારને પ્યારી તથા વ્યભિચારી સ્ત્રી ઉપર પ્રીતિ કર.’ (હોશીઆ ૩:૧) હોશીઆએ યહોવાહનું કહેવું માન્યું. ગોમેર જે માણસ સાથે રહેતી હતી, તેની પાસેથી હોશીઆએ તેને પાછી ખરીદી લીધી. પછી હોશીઆએ પોતાની પત્નીને સમજાવી કે “તું મારી સાથે ઘણી મુદ્દત સુધી રહેજે; તું વ્યભિચાર કરીશ નહિ, ને તું બીજા કોઈ પુરુષની સ્ત્રી થઈશ નહિ.” (હોશીઆ ૩:૨, ૩) ગોમેરે તેનું કહેવું માન્યું. હોશીઆએ તેની સાથે ફરીથી સંસાર માંડ્યો. યહોવાહે કઈ રીતે ઈસ્રાએલ અને યહુદાહના લોકો સાથે એવો જ સંબંધ રાખ્યો?
૧૫, ૧૬. (ક) યહોવાહની કૃપા મેળવવા તેમના લોકોએ શું કરવાની જરૂર હતી? (ખ) હોશીઆ ૨:૧૮ના શબ્દો કઈ રીતે સાચા પડ્યા?
૧૫ ઈસ્રાએલ અને યહુદાહ હજુ બાબેલોનની ગુલામીમાં હતા. એ સમયે યહોવાહે પોતાના પ્રબોધકો મોકલીને “દિલાસાનાં વચનો” કહ્યાં. યહોવાહની કૃપા મેળવવા, લોકોએ દિલથી પસ્તાવો કરવાની જરૂર હતી. ગોમેર પોતાના પતિ પાસે પાછી ગઈ, તેમ તેઓએ જાણે પોતાના પતિ, યહોવાહ પાસે પાછા જવાની જરૂર હતી. પછી જ જાણે પસ્તાવો કરીને પાછી આવેલી પોતાની પત્નીને, યહોવાહ બાબેલોનના ‘અરણ્યમાંથી’ છોડાવશે. તેને ફરીથી યહુદાહ અને યરૂશાલેમ લઈ આવશે. (હોશીઆ ૨:૧૪, ૧૫) યહોવાહે એ વચન ઈ.સ. પૂર્વે ૫૩૭માં પૂરું કર્યું.
૧૬ યહોવાહે સાથે સાથે આ વચન પણ પાળ્યું: “તે સમયે હું જંગલી જનાવરો, પક્ષીઓ અને પેટે ચાલનારાં પ્રાણીઓ સાથે કરાર કરીશ, એટલે તેઓ મારા લોકને કંઈ ઈજા પહોંચાડશે નહિ. હું ધનુષ્ય, તરવાર કે યુદ્ધનાં એવાં બધાં જ શસ્ત્રો નષ્ટ કરીશ અને મારા લોકને સલામતીમાં રાખીશ.” (હોશિયા ૨:૧૮, કોમન લેંગ્વેજ) જે યહુદીઓ પાછા વતનમાં આવ્યા હતા, તેઓ હવે સાચે જ કોઈ પણ જાનવરોની બીક વગર રહેતા હતા. એ વચન ૧૯૧૯ની સાલમાં પણ પૂરું થયું. એ સમયે “મોટું બાબેલોન” એટલે કે જૂઠા ધર્મોની ગુલામીમાંથી યહોવાહના બાકી રહેલા અભિષિક્ત ભક્તો આઝાદ થયા. તેઓ હવે યહોવાહનું સત્ય જાણે છે. તેમના માર્ગો પર ચાલે છે. એટલે તેઓને કોઈ ડર નથી. તેઓ ધરતી પર સદાને માટે રહેનારા પોતાના ભાઈ-બહેનો સાથે સુખ-શાંતિથી રહે છે. તેઓમાં જાનવર જેવા કોઈ જ ગુણો નથી.—પ્રકટીકરણ ૧૪:૮; યશાયાહ ૧૧:૬-૯; ગલાતી ૬:૧૬.
આમાંથી શીખીએ, દિલમાં ઉતારીએ
૧૭-૧૯. (ક) યહોવાહના કયા ગુણો આપણે કેળવવા જોઈએ? (ખ) યહોવાહની દયા અને પ્રેમની આપણા પર કેવી અસર થવી જોઈએ?
૧૭ યહોવાહ દયાના સાગર છે. કૃપા બતાવે છે. આપણે તેમના જેવા જ બનીએ. હોશીઆના શરૂઆતના અધ્યાયો આપણને એ જ શીખવે છે. (હોશીઆ ૧:૬, ૭; ૨:૨૩) ઈસ્રાએલી લોકો પસ્તાવો કરે તો, યહોવાહ તેઓને દયા બતાવવા તૈયાર જ હતા. બાઇબલ જણાવે છે કે “જે માણસ પોતાનાં ઉલ્લંઘનો [પાપ] છૂપાવે છે તેની આબાદી થશે નહિ; પણ જે કોઇ તેમને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે, તેઓ પર દયા કરવામાં આવશે.” (નીતિવચનો ૨૮:૧૩) જેઓ ભૂલ કરી બેસે છે, પણ દિલથી પસ્તાય છે, તેઓને આ શબ્દો દિલાસો આપી શકે: “ઈશ્વરના યજ્ઞો તો રાંક મન છે: હે ઈશ્વર, તું રાંક અને નમ્ર હૃદયને ધિક્કારીશ નહિ.”—ગીતશાસ્ત્ર ૫૧:૧૭.
૧૮ હોશીઆની ભવિષ્યવાણી બતાવે છે કે યહોવાહ કેટલા પ્રેમાળ છે. દયાળુ છે. જો કોઈ તેમના માર્ગમાંથી ભટકી જાય, તો તે પસ્તાવો કરીને પાછો ફરી શકે. યહોવાહ દિલથી તેને સ્વીકારે છે. યહોવાહ અને ઈસ્રાએલ વચ્ચે જાણે પતિ-પત્ની જેવો સંબંધ હતો. તેઓએ ભૂલ કરી ને પસ્તાવો કર્યો ત્યારે, યહોવાહે દયા બતાવી. ખરું કે તેઓએ તેમનું કહેવું માન્યું નહિ. તેમને કેટલા ‘દુઃખી કર્યા! તોપણ યહોવાહે રહેમ કરી. તેમણે સંભાર્યું કે તેઓ કેવળ મનુષ્ય છે.’ (ગીતશાસ્ત્ર ૭૮:૩૮-૪૧) આવા ઈશ્વરની ભક્તિ કરવાનું ને તેમને માર્ગે ચાલતા રહેવાનું કોને ન ગમે!
૧૯ ઈસ્રાએલમાં જ્યાં જુઓ ત્યાં ખૂન-ખરાબી, ચોરી ને વ્યભિચાર થતા હતા. તોપણ, યહોવાહે તેઓને “દિલાસાનાં વચનો” કહ્યાં. (હોશીઆ ૨:૧૪; ૪:૨) યહોવાહની મોટાઈ તો જુઓ. તેમની દયાનો કોઈ પાર નથી. આપણે પણ આવા ઈશ્વરની ભક્તિ દિલથી કરીએ. આપણો પોતાનો નાતો યહોવાહ સાથે પાક્કો કરીએ. આપણા દિલને પૂછીએ કે ‘હું બીજા પર કઈ રીતે યહોવાહ જેવી દયા ને પ્રેમ રાખી શકું? મને ખોટું લગાડ્યું હોય એવા કોઈ ભાઈ કે બહેન મારી માફી માંગે, તો શું હું યહોવાહની જેમ તરત માફ કરું છું?’—ગીતશાસ્ત્ર ૮૬:૫.
૨૦. દાખલો આપી બતાવો કે યહોવાહે આપેલી આશામાં આપણને કેમ પૂરો ભરોસો હોવો જોઈએ.
૨૦ યહોવાહ ખરી આશા આપે છે. જેમ કે યહોવાહે વચન આપ્યું કે ‘હું તેને આશાના દ્વાર તરીકે આખોરની ખીણ આપીશ.’ (હોશીઆ ૨:૧૫) યહોવાહે પોતાની પત્ની જેવી પ્રજાને એવી આશા આપી હતી કે તે ચોક્કસ પોતાના વતનમાં પાછી જશે. તેના વતનમાં “આખોરની ખીણ” આવેલી હતી. એ આશા ઈ.સ. પૂર્વે ૫૩૭માં પૂરી થઈ. એનાથી આપણને ગેરંટી મળે છે કે યહોવાહે જે આશા આપી છે, એ ચોક્કસ પૂરી થશે જ.
૨૧. યહોવાહના માર્ગમાં ચાલતા રહેવા તેમનું જ્ઞાન કઈ રીતે મદદ કરશે?
૨૧ યહોવાહના માર્ગમાં ચાલતા રહેવા તેમનું જ્ઞાન લેતા રહીએ. એના પ્રમાણે જ જીવીએ. ઈસ્રાએલમાં યહોવાહના જ્ઞાનની ખોટ હતી. (હોશીઆ ૪:૧, ૬) તોપણ, અમુકે યહોવાહનું જ્ઞાન કીમતી ખજાના જેવું ગણ્યું. એ પ્રમાણે જીવ્યા. એટલે યહોવાહના આશીર્વાદ પામ્યા. હોશીઆ તેઓમાંના એક હતા. એલીયાહના જમાનામાં એવા ૭,૦૦૦ ભક્તો હતા, જેઓ બઆલને નમ્યા ન હતા. (૧ રાજાઓ ૧૯:૧૮; રૂમી ૧૧:૧-૪) આપણે યહોવાહના શિક્ષણની દિલમાં ઉતારી દઈએ. એ જ આપણને તેમના માર્ગો પર ચાલવા મદદ કરશે.—ગીતશાસ્ત્ર ૧૧૯:૬૬; યશાયાહ ૩૦:૨૦, ૨૧.
૨૨. ભક્તિમાં ભેળસેળ વિષે આપણને કેવું લાગવું જોઈએ?
૨૨ આગેવાની લેનારા ભાઈઓ ભક્તિમાં જરાય ભેળસેળ ન ચલાવી લે, એવું યહોવાહ ચાહે છે. તોપણ હોશીઆ ૫:૧કહે છે કે “હે યાજકો, તમે આ સાંભળો, ને હે ઈસ્રાએલ લોકો, તમે લક્ષ આપો, ને હે રાજકુટુંબ, તું સાંભળ, કેમ કે તમારી વિરૂદ્ધ દંડાજ્ઞા છે; કેમ કે તમે મિસ્પાહમાં ફાંદારૂપ, તથા તાબોર પર નાખેલી જાળરૂપ થયા છો.” અરે, આગેવાનો પોતે જ ઈસ્રાએલી લોકોની આગળ જાળ બિછાવતા હતા. તેઓને મૂર્તિપૂજાના ફાંદામાં ફસાવતા હતા. તાબોર પર્વત અને મિસ્પાહ જૂઠા દેવ-દેવીઓની એવી ભક્તિની જગ્યા હોય શકે.
૨૩. હોશીઆના એકથી પાંચ અધ્યાયોમાંથી તમને શું શીખવા મળ્યું?
૨૩ આપણે અત્યાર સુધી હોશીઆના પુસ્તકમાંથી શું શીખ્યા? એ જ કે યહોવાહ દયાના સાગર છે. આશા આપે છે. તેમના માર્ગે ચાલનારા અને જૂઠી ભક્તિ નહિ કરનારાઓને તે આશીર્વાદ આપે છે. પહેલાના જમાનામાં ઈસ્રાએલી લોકોએ પસ્તાવો કર્યો, યહોવાહ પાસે પાછા ગયા. એ જ રીતે, ચાલો આપણે પણ યહોવાહને શોધીએ. હંમેશાં તેમની જ ઇચ્છા પ્રમાણે કરીએ. (હોશીઆ ૫:૧૫) એમ કરીશું તો, આપણે યહોવાહની કૃપા પામીશું. યહોવાહના સર્વ ભક્તો જે આનંદ અને શાંતિ અનુભવે છે, એ જ આપણે પણ અનુભવીશું.—ગીતશાસ્ત્ર ૧૦૦:૨; ફિલિપી ૪:૬, ૭.
[ફુટનોટ]
a ગલાતી ૪:૨૧-૨૬માં પણ એનો દાખલો છે. એના વિષે ઇન્સાઇટ ઓન ધ સ્ક્રીપ્ચર્સ વૉલ્યુમ ૨, ૬૯૩-૪ જુઓ. યહોવાહના સાક્ષીઓએ બહાર પાડેલું પુસ્તક.
તમે શું કહેશો?
• હોશીઆ અને ગોમેરના લગ્ન જેવો સંબંધ બીજા કોનો હતો?
• યહોવાહ કેમ ઈસ્રાએલ સામે થયા?
• હોશીઆ એકથી પાંચ અધ્યાયોમાં તમને શું ગમ્યું?
[પાન ૧૮ પર ચિત્ર]
હોશીઆની પત્ની જેવું કોણ હતું?
[પાન ૧૯ પર ચિત્ર]
ઈસવીસન પૂર્વે ૭૪૦માં આશ્શૂરીઓએ સમરૂનને જીતી લીધું
[પાન ૨૦ પર ચિત્ર]
લોકો આનંદથી પોતાના વતન પાછા ફર્યા