આપણા તારણના દેવમાં આનંદ કરવો
“હું યહોવાહમાં હર્ષ પામીશ, હું મારા મોક્ષદાતા [તારણના] દેવમાં આનંદ કરીશ.”—હબાક્કૂક ૩:૧૮.
બાબેલોન ૫૩૯ બી.સી.ઈ.માં પડી ભાંગ્યું. પછી, વૃદ્ધ પ્રબોધક દાનીયેલે રોમાંચક સંદર્શન જોયું. એ સંદર્શન યહોવાહના શત્રુઓ અને તેમના નીમેલા રાજા ઈસુ ખ્રિસ્ત વચ્ચેના યુદ્ધ વિષે હતું. એ યુદ્ધ પહેલાં બનનાર બનાવો ભાખતું હતું. એ જોઈને દાનીયેલ પર કેવી અસર થઈ? તેમણે કહ્યું: “મને દાનીયેલને મૂર્છા આવી, . . . અને એ સંદર્શનથી હું અચંબો પામ્યો.”—દાનીયેલ ૮:૨૭.
૨ આજે, આપણા વિષે શું? આપણે મોટા મોટા ફેરફારોના સમયમાં જીવી રહ્યા છીએ. દાનીયેલે સંદર્શનમાં જોયેલી લડાઈ, એટલે કે દેવનું આર્માગેદ્દોનનું યુદ્ધ ખૂબ જ નજીક છે. તેમ જ, હબાક્કૂકની ભવિષ્યવાણીમાં જોવા મળતી દુષ્ટતા એટલી વધી ગઈ છે કે, દેવ શત્રુઓનો નાશ લાવે એ જરૂરી બન્યું છે. એ જાણીને આપણે શું કરીએ છીએ? આપણને પણ હબાક્કૂક જેવી જ લાગણી થઈ શકે, જેનું વર્ણન તેમણે પોતાના પુસ્તકના ત્રીજા અધ્યાયમાં કર્યું છે.
યહોવાહની દયા માટેનો પોકાર
૩ હબાક્કૂકના ત્રીજા અધ્યાયમાં પ્રાર્થના છે. પહેલી કલમ પ્રમાણે, એ શોકગીત કે વિલાપના ગીત તરીકે લખાયું છે. પ્રબોધકની પ્રાર્થના જાણે પોતાના માટે હોય એ રીતે લખવામાં આવી છે. પરંતુ, હબાક્કૂક દેવની પસંદ કરેલી પ્રજા માટે પ્રાર્થના કરી રહ્યા હતા. આજે, તેમની પ્રાર્થના અભિષિક્ત ખ્રિસ્તીઓને લાગુ પડે છે, જેઓ રાજ્યના પ્રચારકાર્યમાં આગેવાની લે છે. એ મનમાં રાખીને, હબાક્કૂકનો ત્રીજો અધ્યાય વાંચીએ ત્યારે, એના શબ્દો આપણને આફતનો અણસાર આપે છે. તેમ જ, ખુશ થવાનું કારણ પણ આપે છે. હબાક્કૂકની પ્રાર્થના અથવા શોકગીત, આપણા તારણના દેવમાં આનંદ કરવાને નક્કર કારણ આપે છે.
૪ આપણે અગાઉના બે લેખમાં જોયું તેમ, હબાક્કૂકના સમયમાં યહુદાહની હાલત એકદમ ખરાબ હતી. પરંતુ, યહોવાહ દેવ એ ચાલવા દેશે નહિ. યહોવાહ અગાઉની જેમ જરૂર પગલાં ભરશે. તેથી, હબાક્કૂક પોકારી ઊઠે છે, એમાં કંઈ નવાઈ નથી: “હે યહોવાહ, તારા વિષેનું બ્યાન મેં સાંભળ્યું છે, ને મને ડર લાગે છે”! એનો શું અર્થ થાય? ‘યહોવાહ વિષેનું બ્યાન,’ દેવના શક્તિશાળી કાર્યોનો ઇતિહાસ છે. એમાં રાતો સમુદ્ર, અરણ્ય અને યરેખોમાંનાં કાર્યોનો સમાવેશ થાય છે. આ કાર્યોથી હબાક્કૂક સારી રીતે પરિચિત હતા. તેથી, તે ભયભીત થયા, કેમ કે તે જાણતા હતા કે દેવ ફરીથી શત્રુઓ વિરુદ્ધ પોતાની મહા શક્તિનો ઉપયોગ કરશે. આજે જગતની દુષ્ટતા જોતા, આપણે જાણીએ છીએ કે યહોવાહ અગાઉની જેમ ફરીથી પગલાં ભરશે. શું એ આપણને ભયભીત બનાવે છે? હા! પરંતુ, આપણે હબાક્કૂકની જેમ પ્રાર્થના કરી શકીએ: “આ ચાલ્યાં જતાં વર્ષોમાં તારા કામનું પુનર્જીવન કર, આ વર્ષોમાં તેને પ્રગટ કર; કોપમાં પણ દયા સંભાર.” (હબાક્કૂક ૩:૨) દેવના નીમેલા સમયે, “આ ચાલ્યાં જતાં વર્ષોમાં,” યહોવાહ પોતાની અદ્ભુત શક્તિનો ફરીથી ઉપયોગ કરશે. એ સમયે, તે તેમના ભક્તો પર દયા બતાવે, એવી વિનંતી કરીએ!
યહોવાહ પગલાં લે છે!
૫ દયા માટેની આપણી પ્રાર્થના યહોવાહ સાંભળશે, ત્યારે શું બનશે? હબાક્કૂક ૩:૩, ૪માં આપણને એનો જવાબ આપતા પ્રબોધક કહે છે: “દેવ તેમાનથી આવે છે, પવિત્ર દેવ પારાન પર્વતથી આવે છે.” પ્રબોધક મુસાના દિવસમાં, ઈસ્રાએલીઓ અરણ્યમાંથી કનાન તરફ જતા હતા ત્યારે, તેઓને તેમાન અને પારાન થઈને જવું પડ્યું. આ લાખો લોકો આગળ ચાલ્યા તેમ, યહોવાહ પણ તેમની સાથે સાથે ચાલ્યા. તેમના માર્ગમાં કંઈ પણ આડું આવી શકે એમ ન હતું. મુસાનું મરણ થયું એના થોડા દિવસ પહેલાં, તેમણે કહ્યું: “યહોવાહ સિનાયથી આવ્યો, અને સેઈરથી તેઓ પર ઊગ્યો; પારાન પહાડથી તે પ્રકાશ્યો.” (પુનર્નિયમ ૩૩:૨) આર્માગેદ્દોનમાં યહોવાહ દેવ દુશ્મનો વિરુદ્ધ પગલાં ભરશે ત્યારે, એવી જ શક્તિનો ઉપયોગ કરશે, જેની સામે કોઈ ટક્કર ઝીલી ન શકે.
૬ હબાક્કૂક એ પણ જણાવે છે: “તેનો [યહોવાહનો] પ્રકાશ આકાશોમાં વ્યાપી રહે છે, ને પૃથ્વી તેની સ્તુતિથી ભરપૂર થઈ છે. તેનો પ્રકાશ સૂર્યના જેવો છે.” કેવું ભવ્ય દૃશ્ય! ખરું કે, મનુષ્યો યહોવાહ દેવને જોઈને જીવતા રહી શકતા નથી. (નિર્ગમન ૩૩:૨૦) છતાં, યહોવાહના ભક્તો તેમની ભવ્યતા જુએ છે ત્યારે, તેઓનાં હૃદય પ્રકાશિત થાય છે. (એફેસી ૧:૧૮) ઊંડી સમજ ધરાવતા ખ્રિસ્તીઓ યહોવાહના મહિમા કરતાં વધુ જુએ છે. હબાક્કૂક ૩:૪ સમાપ્તિ કરે છે: “તેની બાજુએથી કિરણો ફૂટે છે; અને તેનું સામર્થ્ય ગુપ્ત રહેલું છે.” હા, આપણે જોઈએ છીએ કે યહોવાહ પોતાના સામર્થ્ય અને શક્તિનો ઉપયોગ કરી પગલાં લેવા તૈયાર છે.
૭ યહોવાહની વિજયી કૂચનો અર્થ તેમના વિરોધીઓ માટે આફત થાય છે. હબાક્કૂક ૩:૫ કહે છે: “તેની આગળ મરકી ચાલે છે, ને તેના પગ આગળથી અગ્નિબાણો છૂટે છે.” ઈસ્રાએલીઓ ૧૪૭૩ બી.સી.ઈ.માં વચનના દેશની નજીક હતા ત્યારે, ઘણાએ બળવો કર્યો, અને અનૈતિકતા તથા મૂર્તિપૂજામાં પરોવાયા. પરિણામે, ૨૦,૦૦૦ કરતાં વધારે લોકો દેવે મોકલેલી મરકીથી માર્યા ગયા. (ગણના ૨૫:૧-૯) જલદી જ, ‘સર્વશક્તિમાન દેવના મહાન દિવસની લડાઈમાં’ યહોવાહ કૂચ કરશે ત્યારે, તેમની વિરુદ્ધ બળવો કરનારાને તેઓનાં પાપનો એવો જ બદલો મળશે. કેટલાક મરકીથી પણ મરી શકે.—પ્રકટીકરણ ૧૬:૧૪,૧૬.
૮ સૈન્યોના દેવ યહોવાહનું વર્ણન કરતા પ્રબોધકને સાંભળો: “તે [યહોવાહ દેવ] ઊભો રહીને પૃથ્વીને હલાવે છે; તે નજર કરીને પ્રજાઓને વિખેરી નાખે છે; અનાદિ પર્વતોના ટુકડેટુકડા થઈ ગયા છે, સનાતન ડુંગરો નમી ગયા છે; તેના માર્ગો સદાકાળના છે.” (હબાક્કૂક ૩:૬) સૌ પ્રથમ, યહોવાહ ‘ઊભા રહે’ છે, જાણે એક સેનાપતિ લડાઈનું અવલોકન કરી રહ્યા હોય. તેમના શત્રુઓ ભયથી ધ્રુજે છે. તેઓ જુએ છે કે સામેના પક્ષે કોણ છે અને ગભરાટના માર્યા થરથર કાંપે છે. ઈસુએ એવા સમય વિષે ભાખ્યું, જ્યારે “પૃથ્વી પરનાં સઘળાં કુળો શોક કરશે.” (માત્થી ૨૪:૩૦) યહોવાહની સામે કોઈ ટકી શકશે નહિ, એવું ભાન થશે ત્યારે, તેઓ માટે બહુ મોડું થઈ ચૂક્યું હશે. “અનાદિ પર્વતો” અને “સનાતન ડુંગરો” જેવી ભરોસાપાત્ર લાગતી માનવ સંસ્થાઓ હતી ન હતી થઈ જશે. દેવે અગાઉના સમયમાં પગલાં લીધાં હતાં તેમ, એ દેવના ‘સદાકાળના માર્ગો’ હશે.
૯ યહોવાહના દુશ્મનો વિરુદ્ધ તેમનો “રોષ” ભભૂકી ઊઠ્યો છે. પરંતુ, યહોવાહ દેવ યુદ્ધમાં કયા હથિયારોનો ઉપયોગ કરશે? પ્રબોધક એ હથિયારો વિષે જણાવે છે તેમ સાંભળો: “તારૂં ધનુષ્ય છેક ઉઘાડું કરેલું છે; સોગન ખાઈને કુળોને આપેલાં વચન અચૂક છે. તેં નદીઓથી પૃથ્વીના વિભાગ કર્યા છે. પર્વતો તને જોઈને ડરે છે; ત્યાં આગળ થઈને પાણીની રેલ ચાલે છે; ઊંડાણ પોતાનો ઘાંટો કાઢે છે; ને પોતાના હાથ ઊંચા કરે. તારાં છૂટતાં બાણોના પ્રકાશથી, તારા ચળકતા ભાલાના ઝળકાટથી, સૂર્ય તથા ચંદ્ર પોતપોતાના સ્થાનમાં થંભી ગયા છે.”—હબાક્કૂક ૩:૯-૧૧.
૧૦ યહોશુઆના દિવસોમાં, યહોવાહે સૂર્ય અને ચંદ્રને સ્થિર કરીને પોતાની અદ્ભુત શક્તિ બતાવી હતી. (યહોશુઆ ૧૦:૧૨-૧૪) હબાક્કૂકની ભવિષ્યવાણી આપણને યાદ દેવડાવે છે કે આર્માગેદ્દોન વખતે દેવ એવી જ શક્તિનો ઉપયોગ કરશે. યહોવાહ દેવે ૧૫૧૩ બી.સી.ઈ.માં ફારૂનના સૈન્યનો નાશ કરવા રાતા સમુદ્રનો ઉપયોગ કર્યો. આમ, તેમણે પૃથ્વીના પાણી પર પોતાની સત્તા બતાવી આપી. એના ચાળીસ વર્ષો પછી, છલોછલ વહેતી યરદન નદી, ઈસ્રાએલીઓને વચનના દેશમાં વિજયી કૂચ કરતા રોકી શકી નહિ. (યહોશુઆ ૩:૧૫-૧૭) પ્રબોધિકા દબોરાહના સમયમાં, ઈસ્રાએલના શત્રુ સીસરાના રથોને ધોધમાર વરસાદ તાણી લઈ ગયો. (ન્યાયાધીશ ૫:૨૧) યહોવાહ દેવ ચાહે તો, પૂર, વરસાદ અને પાણીનું આવું બળ આર્માગેદ્દોનમાં પણ ઉપયોગ કરી શકે. ભાલા કે પછી બાણથી ભરેલાં ભાથાની જેમ, ગર્જના અને વીજળી પણ તેમની પાસે છે.
૧૧ સાચે જ, યહોવાહ પોતાની અદ્ભુત શક્તિનો ઉપયોગ કરશે, એ ભયાવહ હશે. હબાક્કૂકના શબ્દો સૂચવે છે કે, રાત દિવસમાં ફેરવાશે અને દિવસ સામાન્ય રીતે સૂર્યથી પ્રકાશિત થયો હોય એના કરતાં, ઘણો જ પ્રકાશમાન થશે. આર્માગેદ્દોનનું આ પ્રબોધકીય વર્ણન ભલે શાબ્દિક કે સાંકેતિક હોય, એક બાબત નક્કી છે—યહોવાહની જીત થશે, અને એક પણ શત્રુ બચશે નહિ.
તારણની ખાતરી!
૧૨ યહોવાહ પોતાના શત્રુઓનો નાશ કરે છે એનું વર્ણન કરવાનું પ્રબોધક ચાલુ રાખે છે. હબાક્કૂક ૩:૧૨માં આપણે વાંચીએ છીએ: “તું રોષમાં દેશના આ છેડાથી પેલા છેડા સુધી સવારી કરે છે, તું ક્રોધમાં પ્રજાઓને ઝૂડી નાખે છે.” જોકે, યહોવાહ મન ફાવે તેમ વિનાશ કરશે નહિ. કેટલાક લોકોનો બચાવ કરવામાં આવશે. હબાક્કૂક ૩:૧૩ કહે છે: “તારા લોકના ઉદ્ધારને સારૂ, તારા અભિષિક્તના ઉદ્ધારને સારૂ તું સવારી કરે છે.” હા, યહોવાહ પોતાના વિશ્વાસુ અભિષિક્તોને બચાવશે. પછી, મહાન બાબેલોન એટલે જગતના જૂઠા ધર્મોનો પૂરેપૂરો વિનાશ થયો હશે. આજે, રાષ્ટ્રો શુદ્ધ ઉપાસનાને મીટાવી દેવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. જલદી જ, યહોવાહના સેવકો પર માગોગનો ગોગ હુમલો કરશે. ( હઝકીએલ ૩૮: ૧–૩૯:૧૩; પ્રકટીકરણ ૧૭:૧-૫, ૧૬-૧૮) શું તેનો હુમલો સફળ થશે? ના! યહોવાહ પોતાના દુશ્મનોને ખળીમાંના અનાજના દાણાની જેમ પગ તળે કચડી નાખશે. પરંતુ, આત્મા અને સત્યતાથી ઉપાસના કરનારાઓને તે બચાવશે.—યોહાન ૪:૨૪.
૧૩ દુષ્ટોના સંપૂર્ણ વિનાશ વિષે આમ ભાખવામાં આવ્યું છે: “દુષ્ટના ઘરમાંથી તું [યહોવાહ] શિરને કાપી નાખે છે, ને ગરદન સુધી તેના પાયા ઉઘાડા કરી નાખે છે.” (હબાક્કૂક ૩:૧૩) આ ‘ઘર’ શેતાન ડેવિલની અસર હેઠળ ચાલી રહેલું દુષ્ટ જગત છે. એનો નાશ જરૂર થશે. “શિર” અથવા દેવ-વિરોધી આગેવાનોને કચડી નાખવામાં આવશે. આખા દુષ્ટ જગતનો જડમૂળથી વિનાશ કરવામાં આવશે. એ ટકશે નહિ. એ કેટલું રાહત આપનારું હશે!
૧૪ યહોવાહના “અભિષિક્ત” જનોનો નાશ કરવાની કોશિશ કરનારાઓ, આર્માગેદ્દોનમાં ગૂંચવણમાં નંખાશે. હબાક્કૂક ૩:૧૪, ૧૫માં યહોવાહ વિષે પ્રબોધક કહે છે: “તું તેના પોતાના ભાલાઓથી તેના લડવૈયાઓનું શિર વીંધી નાખે છે; તેઓ મને વિખેરી નાખવા સારૂ વંટોળિયાની પેઠે આવ્યા; તેઓ ગરીબોને ગુપ્ત રીતે ગળી જવામાં આનંદ માને છે. તું તારા ઘોડાઓથી સમુદ્રને, મહા જળનાં મોજાંઓને ખૂંદે છે.”
૧૫ હબાક્કૂક કહે છે કે, “લડવૈયાઓ . . . મને વિખેરી નાખવા સારૂ વંટોળિયાની પેઠે આવ્યા.” અહીં, તે યહોવાહના અભિષિક્ત સેવકો વિષે કહે છે. રસ્તા પરના લૂંટારા રાહ જોઈને બેઠા હોય છે તેમ, દેશો દેવના ભક્તોનો નાશ કરવા માટે ચઢી આવશે. દેવના આ દુશ્મનો સફળ થવાનો પૂરો ભરોસો રાખીને “આનંદ” માણશે. વિશ્વાસુ ખ્રિસ્તીઓ જાણે “ગરીબો” જેવા દેખાતા હશે. પરંતુ, દેવના વિરોધીઓ હુમલો કરશે ત્યારે, યહોવાહ એવું બનવા દેશે, જેનાથી તેઓ જાણે પોતાના જ પગ પર કુહાડો મારતા હશે. તેઓ પોતાના “ભાલાઓ” અથવા હથિયારોનો ઉપયોગ પોતાના લડવૈયાઓ વિરુદ્ધ કરશે.
૧૬ જોકે, હજુ એથી પણ વધારે ભયંકર બનાવો બનશે. યહોવાહ તેમના શત્રુઓનો પૂરેપૂરો વિનાશ કરવા માટે સ્વર્ગીય સૈન્યનો ઉપયોગ કરશે. એ સૈન્ય ઈસુ ખ્રિસ્તની આગેવાની હેઠળ હશે. તેઓના “ઘોડાઓ” પર ‘સમુદ્ર’ અને ‘મહા જળનાં મોજાંઓમાં’ થઈને શત્રુ બનેલા મનુષ્યો પર તેઓ વિજયી બનતા જશે. (પ્રકટીકરણ ૧૯:૧૧-૨૧) પછી પૃથ્વી પરથી દુષ્ટોનું નામનિશાન મીટાવી દેવામાં આવશે. દેવ પોતાની શક્તિ અને ન્યાયનો કેવો સરસ ઉપયોગ કરશે!
યહોવાહનો દિવસ આવે છે!
૧૭ આપણે ખાતરી રાખી શકીએ કે હબાક્કૂકના શબ્દો જલદી જ પૂરા થશે. એને મોડું થશે નહિ. એ જાણીને હવે તમે શું કરશો? યાદ રાખો કે, હબાક્કૂક દેવની પ્રેરણાથી આ લખી રહ્યા હતા. યહોવાહ એ પ્રમાણે જ કરશે, અને એમ બનશે ત્યારે પૃથ્વી પર ઉથલપાથલ થઈ જશે. તેથી, પ્રબોધકે લખ્યું એમાં કંઈ નવાઈ નથી: “એ સાંભળીને મારા પેટમાં ધ્રાસ્કો પડ્યો, એ અવાજથી મારા હોઠ થથર્યા; મારાં હાડકાંમાં સડો પેઠો, ને મારી જગાએ હું કાંપ્યો; જેથી જ્યારે લોકો પર હુમલો કરવાને તેઓ જથાબંધ આવી પડે, ત્યારે હું એ સંકટસમયે પણ ધીરજ રાખું.” (હબાક્કૂક ૩:૧૬) હબાક્કૂક ખૂબ જ ગભરાઈ ગયા હતા, અને એ સ્વાભાવિક હતું. પરંતુ શું તેમનો વિશ્વાસ ડગી ગયો હતો? જરાય નહિ! તે ધીરજથી યહોવાહના દિવસની રાહ જોવા તૈયાર હતા. (૨ પીતર ૩:૧૧, ૧૨) શું આપણું વલણ પણ એવું જ નથી? હા, એવું જ છે! આપણને પૂરો ભરોસો છે કે હબાક્કૂકની ભવિષ્યવાણી જરૂર પૂરી થશે. પરંતુ, ત્યાં સુધી આપણે ધીરજથી વાટ જોવાની છે.
૧૮ યુદ્ધની સાથે સાથે મુશ્કેલીઓ પણ આવે છે. અરે જીતનારે પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ખોરાકની તંગી પડી શકે. મિલકતો ગુમાવવી પડે. જીવનધોરણ નીચું જઈ શકે. એમ થાય તો આપણે શું કરીશું? આપણી પાસે હબાક્કૂકનું સુંદર ઉદાહરણ છે: “જોકે અંજીરીને મોર ન આવે, ને દ્રાક્ષાવેલાઓને દ્રાક્ષા ન લાગે; જૈતુનની પેદાશ ન થાય, ખેતરોમાં કંઈ અન્ન પાકે નહિ; વાડામાંથી ઘેટાંબકરાં નાશ પામે, ને કોડમાં કંઈ ઢોરઢાંક રહે નહિ: તોપણ હું યહોવાહમાં હર્ષ પામીશ, હું મારા મોક્ષદાતા દેવમાં આનંદ કરીશ.” (હબાક્કૂક ૩:૧૭, ૧૮) ખરું જોતાં, હબાક્કૂકે કપરા સમયની, અરે દુકાળની પણ અપેક્ષા રાખી હતી. છતાં, તેમણે યહોવાહની ઉપાસનાનો આનંદ કદી ગુમાવ્યો નહિ, જે તેમના તારણ માટે મહત્ત્વનો હતો.
૧૯ આજે, દુષ્ટો વિરુદ્ધ યહોવાહના યુદ્ધ અગાઉ, ઘણા સખત દુઃખ સહે છે. ઈસુએ ભાખ્યું હતું કે, તે રાજસત્તામાં આવશે એની હાજરીની નિશાની તરીકે યુદ્ધો, દુકાળો, ધરતીકંપ અને રોગો થશે. (માત્થી ૨૪:૩-૧૪; લુક ૨૧:૧૦, ૧૧) આપણા ઘણા ભાઈબહેનો એવા દેશોમાં રહે છે, જ્યાં ઈસુના શબ્દો પૂરા થઈ રહ્યા છે. તેથી, તેઓ ઘણી જ મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે. ભાવિમાં, આપણામાંનું કોઈ પણ આવી જ હાલતમાં આવી શકે. ઘણા માટે એમ પણ બની શકે કે, અંત આવતા પહેલાં ‘અંજીરીને મોર ન આવે.’ છતાં, આપણે જાણીએ છીએ કે આ બધુ કેમ બને છે, અને એ આપણને દૃઢ કરે છે. એ ઉપરાંત, આપણી પાસે સહાય છે. ઈસુએ વચન આપ્યું: “તમે પહેલાં તેના રાજ્યને તથા તેના [દેવના] ન્યાયીપણાને શોધો, એટલે એ બધાં વાનાં પણ તમને અપાશે.” (માત્થી ૬:૩૩) એનો અર્થ એવો નથી કે જીવન મુશ્કેલી વિનાનું હશે. પરંતુ, એ આપણને ખાતરી આપે છે કે આપણે યહોવાહને પ્રથમ મૂકીએ તો, તે આપણી સંભાળ રાખશે.—ગીતશાસ્ત્ર ૩૭:૨૫.
૨૦ હાલમાં, ભલે કોઈ મુશ્કેલીઓ સહેવી પડે છતાં, કદી પણ યહોવાહ પરનો આપણો ભરોસો ગુમાવીએ નહિ. આફ્રિકા, પૂર્વીય યુરોપ, અને અન્ય જગ્યાઓએ આપણા ભાઈબહેનોને ઘણી જ મુશ્કેલીઓ વેઠવી પડે છે. પરંતુ, તેઓ ‘યહોવાહમાં હર્ષ પામવાનું’ ચાલુ જ રાખે છે. ચાલો આપણે પણ તેઓની જેમ જ કરવાનું ચાલુ રાખીએ. આપણે ભૂલીએ નહિ કે સર્વોપરી યહોવાહ આપણું “બળ” છે. (હબાક્કૂક ૩:૧૯) યહોવાહ પોતાના લોકોને જરૂર બચાવશે. આર્માગેદ્દોન એના નક્કી સમયે જરૂર આવશે, અને પછી નવી દુનિયા આવશે. (૨ પીતર ૩:૧૩) પછી, “જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે, તેમ યહોવાહના મહિમાના જ્ઞાનથી પૃથ્વી ભરપૂર થઈ જશે.” (હબાક્કૂક ૨:૧૪) એ સમય આવે ત્યાં સુધી, ચાલો આપણે હબાક્કૂકને અનુસરીએ. ચાલો હંમેશા ‘આપણા તારણના દેવમાં આનંદ કરીએ.’
શું તમને યાદ છે?
• હબાક્કૂકની પ્રાર્થના આપણને કઈ રીતે અસર કરી શકે?
• શા માટે યહોવાહ પગલાં લે છે?
• હબાક્કૂકની ભવિષ્યવાણી તારણ વિષે શું કહે છે?
• કેવા વલણથી આપણે યહોવાહના મહાન દિવસની રાહ જોવી જોઈએ?
[અભ્યાસ પ્રશ્નો]
૧. બાબેલોન ૫૩૯ બી.સી.ઈ.માં પડી ભાંગ્યું પછી, દાનીયેલે કયું સંદર્શન જોયું?
૨. દાનીયેલે સંદર્શનમાં કઈ લડાઈ જોઈ, અને જલદી જ એ લડાઈ થશે, એ જાણીને તમને કેવું લાગે છે?
૩. હબાક્કૂક કોના માટે પ્રાર્થના કરે છે, અને એ આપણને કઈ રીતે અસર કરી શકે?
૪. શા માટે હબાક્કૂક ભયભીત થયા, અને દેવ જલદી જ શું કરશે?
૫. કઈ રીતે “દેવ તેમાનથી આવે છે,” અને તે આર્માગેદ્દોન વિષે શું દર્શાવે છે?
૬. ઊંડી સમજ ધરાવનારા ખ્રિસ્તીઓ યહોવાહની ભવ્યતા સાથે બીજું શું જુએ છે?
૭. દેવની વિજયી કૂચનો બળવો કરનારા માટે શું અર્થ થાય છે?
૮. હબાક્કૂક ૩:૬ પ્રમાણે, દેવના દુશ્મનોનું ભાવિ શું છે?
૯, ૧૦. હબાક્કૂક ૩:૭-૧૧ દ્વારા આપણને શું યાદ કરાવવામાં આવે છે?
૧૧. યહોવાહ પોતાની અદ્ભુત શક્તિનો ઉપયોગ કરશે ત્યારે શું થશે?
૧૨. દેવ પોતાના દુશ્મનોનું શું કરશે, પરંતુ કોણ બચશે?
૧૩. હબાક્કૂક ૩:૧૩ના શબ્દો કઈ રીતે પૂરા થશે?
૧૪-૧૬. હબાક્કૂક ૩:૧૪, ૧૫ અનુસાર, યહોવાહના લોકોનું અને તેઓના દુશ્મનોનું શું થશે?
૧૭. (ક) હબાક્કૂકના શબ્દો પૂરા થશે, એવો ભરોસો આપણને શા માટે હોવો જોઈએ? (ખ) આપણે યહોવાહના મહાન દિવસની રાહ જોઈએ છીએ તેમ, કઈ રીતે હબાક્કૂક જેવા બની શકીએ?
૧૮. હબાક્કૂકે મુશ્કેલીઓની અપેક્ષા રાખી છતાં, તેમનું વલણ કેવું હતું?
૧૯. ઘણા ભાઈઓ કઈ મુશ્કેલીમાં છે, અને યહોવાહને પ્રથમ મૂકીએ તો આપણને શાની ખાતરી છે?
૨૦. હાલમાં મુશ્કેલીઓ છતાં આપણો નિર્ણય શું હોવો જોઈએ?
[પાન ૨૩ પર ચિત્ર]
આર્માગેદ્દનમાં દુષ્ટો સામે દેવ શાનો ઉપયોગ કરશે?