ઈશ્વરભક્તો અને દુનિયાના લોકો વચ્ચેનો ફરક જુઓ
‘તમે સદાચારી અને દુરાચારી વચ્ચેનો ભેદ સમજશો.’—માલા. ૩:૧૮.
૧, ૨. આજે ઈશ્વરભક્તો માટે જીવન કેમ અઘરું છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
ઘણાં ડૉક્ટર અને નર્સ એવી જગ્યાએ કામ કરે છે, જ્યાં ચેપી રોગોથી પીડાતા લોકોની સારવાર થતી હોય છે. તેઓ દર્દીઓને મદદ કરવા ચાહતા હોવાથી સારસંભાળ રાખે છે. પણ દર્દીઓને સાજા કરવાની સાથે સાથે તેઓએ ધ્યાન રાખવાનું છે કે એ બીમારીનો ચેપ પોતાને ન લાગી જાય. યહોવાના ભક્તો તરીકે આપણે પણ એવા જ સંજોગોમાં છીએ. આપણામાંથી ઘણા એવા લોકો સાથે રહે છે અને કામ કરે છે, જેઓનાં સ્વભાવ અને ગુણો ઈશ્વરના ગુણોથી તદ્દન વિરુદ્ધ છે. આપણા માટે એ એક મુશ્કેલી બની શકે.
૨ આ દુનિયાના છેલ્લા દિવસોમાં ઘણા લોકોને ઈશ્વર માટે પ્રેમ નથી. તેઓ ખરાં-ખોટાં વિશેના ઈશ્વરનાં ધોરણો પર ધ્યાન આપતા નથી. પ્રેરિત પાઊલે તિમોથીને પત્ર લખ્યો ત્યારે, લોકોના આવા ખરાબ ગુણો વિશે જણાવ્યું હતું. તેમણે એ પણ જણાવ્યું કે અંતના સમયમાં આવા ગુણો ઘણા પ્રચલિત હશે. (૨ તિમોથી ૩:૧-૫, ૧૩ વાંચો.) બની શકે કે, એવા ગુણો જોઈને આપણને આંચકો લાગે, છતાં લોકોનાં વિચારો, વાતો અને કાર્યોની અસર આપણને પણ થઈ શકે છે. (નીતિ. ૧૩:૨૦) આ લેખમાં આપણે જોઈશું કે, દુનિયાના લોકોના ગુણો અને ઈશ્વરના લોકોના ગુણોમાં કેવો આભ-જમીનનો ફરક છે. આપણે એ પણ જોઈશું કે લોકોને યહોવા વિશે શીખવા મદદ કરીએ ત્યારે, લોકોના ખરાબ ગુણોથી પોતાનું રક્ષણ કેવી રીતે કરી શકીએ.
૩. બીજો તિમોથી ૩:૨-૫માં કેવા ગુણો વિશે જણાવવામાં આવ્યું છે?
૩ પાઊલે જણાવ્યું હતું કે છેલ્લા દિવસોમાં “સંકટના સમયો આવશે, જે સહન કરવા અઘરા હશે.” પછીથી, તેમણે એવા ૧૯ ખરાબ ગુણો વિશે જણાવ્યું હતું, જે આપણા સમયમાં ઘણા સામાન્ય બની જશે. આવા ગુણો વિશે પાઊલે રોમનો ૧:૨૯-૩૧માં પણ જણાવ્યું હતું. પરંતુ, તિમોથીને લખેલા પત્રમાં આપેલી સૂચિમાં એવા શબ્દો હતા, જે ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં બીજે ક્યાંય જોવા મળતા નથી. પાઊલે “લોકો” શબ્દથી શરૂઆત કરી હતી. જોકે, બધા જ લોકોમાં આવા ખરાબ ગુણો જોવા મળતા નથી. ઈશ્વરભક્તોના ગુણો એનાથી એકદમ અલગ હોય છે.—માલાખી ૩:૧૮ વાંચો.
આપણે પોતાને કેવા ગણીએ છીએ?
૪. અભિમાનથી ફૂલાઈ જનારાનો શો અર્થ થાય છે?
૪ પાઊલે કહ્યું કે ઘણા લોકો સ્વાર્થી અને પૈસાના પ્રેમી હશે. એ પછી તેમણે જણાવ્યું કે લોકો બડાઈખોર, ઘમંડી અને અભિમાનથી ફૂલાઈ જનારા હશે. જેઓમાં આવા ગુણો હોય છે, તેઓ મોટાભાગે પોતાને બીજાઓ કરતાં ચઢિયાતા ગણે છે. એનું કારણ દેખાવ, આવડત, માલમિલકત અથવા હોદ્દો હોઈ શકે. તેઓને તો બસ લોકોની વાહવાહ જ જોઈતી હોય છે. એવા ઘમંડી કે અભિમાની વ્યક્તિ વિશે એક વિદ્વાન જણાવે છે: ‘એ તો જાણે પોતાના હૃદયમાં વેદી રાખવા જેવું છે, જ્યાં વ્યક્તિ પોતાને જ નમન કરે છે.’ ઘણા લોકોએ કહ્યું કે ઘમંડ એટલું ખરાબ છે કે ઘમંડી લોકોને પણ બીજાઓનું ઘમંડી વલણ ગમતું નથી.
૫. યહોવાના વફાદાર સેવકો કઈ રીતે ઘમંડી બન્યા?
૫ યહોવા ઘમંડને ધિક્કારે છે, બાઇબલમાં એનો ઉલ્લેખ “ગર્વિષ્ટ આંખો” તરીકે થયો છે. (નીતિ. ૬:૧૬, ૧૭) હકીકતમાં, ઘમંડ વ્યક્તિને ઈશ્વરથી દૂર લઈ જાય છે. (ગીત. ૧૦:૪) ઘમંડ શેતાનનો ગુણ છે. (૧ તિમો. ૩:૬) દુઃખની વાત છે કે, યહોવાના અમુક વફાદાર ભક્તો પણ ઘમંડી બની ગયા હતા. દાખલા તરીકે, યહુદાના રાજા ઉઝ્ઝિયા વર્ષો સુધી યહોવાને વફાદાર રહ્યા હતા. પણ, બાઇબલ કહે છે: ‘જ્યારે તે બળવાન થયા, ત્યારે તેમનું અંતઃકરણ ઘમંડી થયું, તેથી તેમનો નાશ થયો. તેમણે પોતાના ઈશ્વર યહોવાની આજ્ઞા પાળી નહિ.’ ઉઝ્ઝિયા મંદિરમાં ગયા અને તેમણે ધૂપ ચઢાવવાની કોશિશ કરી, જે તેમનું કામ નહોતું. બીજા એક વફાદાર રાજા હિઝકિયા પણ થોડા સમય માટે ઘમંડી બન્યા હતા.—૨ કાળ. ૨૬:૧૬; ૩૨:૨૫, ૨૬.
૬. દાઊદ શાને લીધે ઘમંડી બની શક્યા હોત? પણ, તે શા માટે નમ્ર રહ્યા?
૬ કેટલાક લોકો સુંદરતા, ખ્યાતિ, સંગીતની આવડત, શારીરિક મજબૂતાઈ, બીજાઓ તરફથી થતા વખાણને લીધે ઘમંડી બની જાય છે. આ બધી બાબતો દાઊદ પાસે પણ હતી, છતાં જીવનપર્યંત તે નમ્ર રહ્યા. દાખલા તરીકે, દાઊદે ગોલ્યાથને માર્યા પછી, રાજા શાઊલે તેમને કહ્યું કે, તે તેમની દીકરી સાથે લગ્ન કરી શકે છે. પણ દાઊદે કહ્યું: “હું કોણ, તથા મારાં સગાંવહાલાં તથા ઈસ્રાએલમાં મારા બાપનું કુટુંબ કોણ, કે હું રાજાનો જમાઈ થાઉં?” (૧ શમૂ. ૧૮:૧૮) નમ્ર રહેવા દાઊદને ક્યાંથી મદદ મળી? દાઊદ સાથે ઈશ્વર નમ્રતાથી વર્ત્યા હતા અને તેમણે દાઊદનું ધ્યાન રાખ્યું હતું, એટલે દાઊદ પાસે સારાં ગુણો, આવડતો અને લહાવાઓ હતાં. દાઊદ એ સારી રીતે જાણતા હતા. (ગીત. ૧૧૩:૫-૮) દાઊદને ખબર હતી કે તેમની પાસે જે કંઈ છે, એ બધું યહોવા તરફથી છે.—૧ કોરીંથીઓ ૪:૭ સરખાવો.
૭. નમ્રતા બતાવવા આપણને શું મદદ કરશે?
૭ આજે યહોવાના ભક્તો પણ દાઊદની જેમ નમ્ર રહેવાનો પ્રયત્ન કરે છે. સર્વોચ્ચ ઈશ્વર યહોવા પોતે નમ્રતા બતાવે છે, એ વાત આપણા દિલને સ્પર્શી જાય છે. (ગીત. ૧૮:૩૫) આપણે બાઇબલની આ સલાહ પાળવાનો પ્રયત્ન કરીએ છીએ: “કરુણા, દયા, નમ્રતા, કોમળતા અને ધીરજ પહેરી લો.” (કોલો. ૩:૧૨) આપણે એ પણ જાણીએ છીએ કે પ્રેમ “બડાઈ મારતો નથી, ફૂલાઈ જતો નથી.” (૧ કોરીં. ૧૩:૪) આપણી નમ્રતા જોઈને કદાચ બીજાઓ પણ યહોવા વિશે જાણવા પ્રેરાય. યહોવાને ન ભજનાર પતિ પોતાની પત્નીનાં સારાં વાણી-વર્તન જોઈને યહોવા વિશે શીખવા પ્રેરાઈ શકે. એવી જ રીતે, ઈશ્વરભક્તોની નમ્રતા જોઈને લોકો પણ યહોવા વિશે શીખવા પ્રેરાઈ શકે.—૧ પીત. ૩:૧.
આપણે બીજાઓ સાથે કઈ રીતે વર્તવું જોઈએ?
૮. (ક) માબાપની આજ્ઞા ન પાળવા વિશે અમુકનું વલણ કેવું છે? (ખ) બાઇબલ બાળકોને કઈ આજ્ઞા આપે છે?
૮ છેલ્લા સમયમાં લોકો એકબીજા સાથે કઈ રીતે વર્તશે, એ વિશે પાઊલે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે બાળકો માબાપની આજ્ઞા ન પાળનારા બનશે. આજે કેટલાંક પુસ્તકો, ફિલ્મો અને ટી.વી. પ્રોગ્રામને લીધે બાળકોને લાગે છે કે માબાપની આજ્ઞા ન પાળીએ તો ચાલશે. પણ હકીકત એ છે કે, આજ્ઞા ન પાળવાથી સમાજનું મુખ્ય અંગ, કુટુંબ નબળું પડી જઈ શકે. મનુષ્યો આ વાત ઘણા સમયથી જાણે છે. દાખલા તરીકે, પ્રાચીન ગ્રીસમાં જો કોઈ વ્યક્તિ પોતાના માબાપને મારે, તો નાગરિક તરીકેના તેના બધા હક લઈ લેવામાં આવતા. રોમન કાયદા પ્રમાણે, કોઈ પોતાના પિતાને મારે તો, તેને ખૂની જેટલો જ દોષી ગણવામાં આવતો. હિબ્રૂ અને ગ્રીક શાસ્ત્રવચનોમાં બાળકોને આજ્ઞા આપવામાં આવી છે કે તેઓ પોતાના માબાપને માન આપે.—નિર્ગ. ૨૦:૧૨; એફે. ૬:૧-૩.
૯. બાળકોને માબાપની આજ્ઞા પાળવા ક્યાંથી મદદ મળી શકે?
૯ આસપાસના લોકો માબાપની આજ્ઞા ન પાળતા હોય તોપણ, બાળકોને માબાપની આજ્ઞા પાળવા ક્યાંથી મદદ મળી શકે? માબાપે બાળકોના ભલા માટે જે કર્યું છે, એ વિશે બાળકો વિચારશે ત્યારે, તેઓ તેમના આભારી બનશે અને તેમની આજ્ઞાઓ પાળવા પ્રેરાશે. યુવાનોએ જાણવું જોઈએ કે આપણા પિતા યહોવાની ઇચ્છા છે કે આપણે માબાપની આજ્ઞા પાળીએ. યુવાનો પોતાના માબાપ વિશે સારી વાતો કરે છે ત્યારે, મિત્રો પર એની સારી અસર પડે છે. તેઓને પણ પોતાના માબાપને માન આપવા મદદ મળે છે. પરંતુ, જો માબાપને પોતાના બાળકો માટે પ્રેમ નહિ હોય, તો બાળકો માટે પણ માબાપની આજ્ઞા પાળવી સહેલું નહિ હોય. પરંતુ, જ્યારે બાળક પોતે માબાપનો પ્રેમ મહેસુસ કરશે, ત્યારે તેને અઘરા સંજોગોમાં પણ માબાપની આજ્ઞા પાળવા મદદ મળશે. ઑસ્ટીન નામનો યુવાન ભાઈ જણાવે છે: ‘મોટાભાગે મારા માટે આજ્ઞા પાળવી સહેલું હોતું નથી. પણ, મારાં માતા-પિતા વાજબી નિયમો બનાવે છે, એની પાછળનાં કારણો સમજાવે છે અને તેઓ હંમેશાં વાત કરવા તૈયાર હોય છે. એનાથી મને આજ્ઞા પાળવા મદદ મળે છે. હું જોઈ શકું છું કે તેઓ મારી કાળજી રાખે છે અને એનાથી તેઓને ખુશ કરવાની મારા દિલમાં તમન્ના જાગે છે.’
૧૦, ૧૧. (ક) કયા ખરાબ ગુણોથી દેખાય આવે છે કે, લોકોને એકબીજા માટે પ્રેમ નથી? (ખ) સાચા ઈશ્વરભક્તોએ બીજાઓ માટે કેટલી હદે પ્રેમ બતાવવો જોઈએ?
૧૦ પાઊલે એવા ખરાબ ગુણો વિશે પણ જણાવ્યું હતું, જેનાથી દેખાય આવે છે કે લોકોને એકબીજા માટે પ્રેમ નથી. “માબાપની આજ્ઞા ન પાળનારા” લોકો વિશે જણાવ્યા પછી, પાઊલે આભાર ન માનનારા લોકો વિશે જણાવ્યું હતું. એ સમજી શકાય, કેમ કે એવા લોકો બીજાઓએ તેઓ માટે કરેલી સારી બાબતોની કદર કરતા નથી. પાઊલે એ પણ જણાવ્યું કે, લોકો વિશ્વાસઘાતી હશે. તેઓ જિદ્દી હશે, એટલે કે તેઓ બીજાઓ સાથે શાંતિ નહિ જાળવે. તેઓ નિંદા કરનારા અને દગાખોર હશે, જેઓ બીજા લોકો વિશે અને ઈશ્વર વિશે ખરાબ વાતો કરશે. તેઓ બદનામ કરનારા હશે, જેઓ બીજા લોકો વિશે જૂઠાણાં ફેલાવીને બદનામ કરશે.a
૧૧ યહોવાના ભક્તો દુનિયાના લોકો કરતાં સાવ અલગ છે. કેમ કે તેઓ બીજાઓ માટે દિલથી પ્રેમ બતાવે છે. એ હંમેશાં સાચું પડ્યું છે. ઈસુએ કહ્યું હતું કે, પડોશી પર પ્રેમ રાખવો, જે અગાપે પ્રેમનો એક ભાગ છે. એ મુસાના નિયમશાસ્ત્ર પ્રમાણે બીજો સૌથી મહત્ત્વનો નિયમ હતો. સૌથી પહેલો નિયમ ઈશ્વરને પ્રેમ કરવા વિશે હતો. (માથ. ૨૨:૩૮, ૩૯) ઈસુએ એ પણ જણાવ્યું કે, એકબીજા માટે પ્રેમ બતાવવો એ સાચા ઈશ્વરભક્તોની ઓળખ હશે. (યોહાન ૧૩:૩૪, ૩૫ વાંચો.) અરે, સાચા ઈશ્વરભક્તો પોતાના દુશ્મનોને પણ પ્રેમ કરશે.—માથ. ૫:૪૩, ૪૪.
૧૨. બીજાઓ માટે ઈસુએ કઈ રીતે પ્રેમ બતાવ્યો?
૧૨ ઈસુએ પોતાનાં કાર્યોથી બતાવ્યું કે, લોકોને તે સાચો પ્રેમ કરે છે. એ માટે તેમણે શહેરેશહેર મુસાફરી કરીને લોકોને ઈશ્વરના રાજ્યની ખુશખબર જણાવી. તેમણે આંધળાઓને, લંગડાઓને, રક્તપિત્તિયાઓને અને બહેરાઓને સાજા કર્યા. તેમણે મરણ પામેલાઓને પણ સજીવન કર્યા. (લુક ૭:૨૨) ઘણા લોકો તેમને ધિક્કારતા હતા, છતાં મનુષ્યોને બચાવવા તેમણે પોતાનું જીવન આપી દીધું. ઈસુએ પૂરેપૂરી રીતે તેમના પિતાના પ્રેમનું અનુકરણ કર્યું. આખી દુનિયામાં યહોવાના સાક્ષીઓ ઈસુનું અનુકરણ કરે છે અને બીજાઓને પ્રેમ બતાવે છે.
૧૩. બીજાઓ જોશે કે આપણે તેઓને પ્રેમ કરીએ છીએ ત્યારે, તેઓ કઈ રીતે યહોવા વિશે જાણવા પ્રેરાશે?
૧૩ જ્યારે બીજાઓ જોશે કે આપણે તેઓને પ્રેમ કરીએ છીએ, ત્યારે તેઓ પણ આપણા સ્વર્ગમાંના પિતા વિશે જાણવા પ્રેરાશે. દાખલા તરીકે, થાઇલૅન્ડમાં એક વ્યક્તિ મહાસંમેલનમાં ગઈ હતી. આપણાં ભાઈ-બહેનો વચ્ચેનો પ્રેમ જોઈને તેને ઘણી નવાઈ લાગી. ઘરે ગયા પછી તેણે યહોવાના સાક્ષીઓને અઠવાડિયામાં બે વાર અભ્યાસ માટે આવવા કહ્યું. પછીથી, તેણે પોતાના બધા સગાંઓને પ્રચાર કર્યો. છ મહિના પછી, એ વ્યક્તિએ પ્રાર્થનાઘરમાં પોતાનું પહેલું બાઇબલ વાંચન કર્યું. શું આપણે બીજાઓ માટે પ્રેમ બતાવીએ છીએ? પોતાને પૂછો: “શું હું કુટુંબમાં, મંડળમાં અને સેવાકાર્યમાં બીજાઓને મદદ કરવા પોતાનાથી બનતું બધું કરું છું? શું હું બીજાઓને યહોવાની નજરે જોઉં છું?”
વરુઓ અને ઘેટાંઓ
૧૪, ૧૫. ઘણા લોકો કેવા ખરાબ ગુણો બતાવે છે? કેટલાકે કઈ રીતે પોતાનો સ્વભાવ બદલ્યો છે?
૧૪ છેલ્લા સમયમાં લોકોમાં બીજા ખરાબ ગુણો પણ હશે, જેનાથી આપણે દૂર રહેવું જોઈએ. દાખલા તરીકે, ઘણા લોકો ભલાઈના દુશ્મન છે. તેઓ જે સારું છે, એને ધિક્કારે છે અને એનો વિરોધ કરે છે. તેઓ સંયમ ન રાખનારા અને ક્રૂર છે. અમુક હઠીલા હોય છે. તેઓ મનફાવે એમ વર્તે છે અને પોતાનાં કાર્યોની બીજાઓ પર શું અસર થશે, એની તેઓને જરાય પડી નથી.
૧૫ પહેલાં અમુકનો સ્વભાવ ક્રૂર પ્રાણીઓ જેવો હતો. પણ હવે તેઓએ પોતાનો સ્વભાવ પૂરેપૂરો બદલ્યો છે. આવા બદલાણ વિશે બાઇબલમાં અગાઉથી જણાવવામાં આવ્યું હતું. (યશાયા ૧૧:૬, ૭ વાંચો.) એ કલમોમાં આપણને વાંચવા મળે છે કે વરુ અને સિંહ જેવા જંગલી જાનવરો ઘેટાં અને વાછરડાં સાથે શાંતિથી રહેશે. એવું કઈ રીતે થશે? બાઇબલ જણાવે છે: “પૃથ્વી યહોવાના જ્ઞાનથી ભરપૂર થશે.” (યશા. ૧૧:૯) પ્રાણીઓ કંઈ યહોવા વિશે જ્ઞાન લઈ શકતા નથી. એટલે આ ભવિષ્યવાણી સાંકેતિક રીતે એવા લોકો વિશે જણાવે છે જેઓએ પોતાના સ્વભાવમાં ફેરફાર કર્યો છે.
૧૬. પોતાનો સ્વભાવ સુધારવા લોકોને બાઇબલમાંથી કેવી મદદ મળી છે?
૧૬ આપણાં ઘણાં ભાઈ-બહેનો પહેલાં ક્રૂર વરુઓ જેવાં હતાં, પણ હવે તેઓ શાંતિપ્રિય બન્યાં છે. એવા લોકોના અનુભવો જનતા માટેના ચોકીબુરજમાં “પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે” શૃંખલામાં આવે છે. જે તમે jw.org/gu વેબસાઇટ પર વાંચી શકો. યહોવાને ઓળખનારા અને તેમની ભક્તિ કરનારા લોકો, ભક્તિભાવનો દેખાડો કરનારા પણ એ પ્રમાણે નહિ જીવનારા લોકો જેવા નથી. એવા લોકો તો દેખાડો કરે છે કે તેઓ ઈશ્વરને ભજે છે. પણ તેઓનાં કાર્યોથી દેખાય આવે છે કે તેઓ ઈશ્વરને ભજતા નથી. યહોવાના લોકોમાંથી ઘણા અગાઉ ક્રૂર હતા. પણ, હવે તેઓએ ‘ઈશ્વરની ઇચ્છા પ્રમાણે ખરાં ધોરણો અને ખરી વફાદારી દ્વારા જે નવો સ્વભાવ રચવામાં આવ્યો છે, એ પહેરી લીધો છે.’ (એફે. ૪:૨૩, ૨૪) જ્યારે લોકો ઈશ્વર વિશે શીખે છે, ત્યારે તેઓને જાણવા મળે છે કે તેઓએ ઈશ્વરનાં ધોરણો પાળવાં જોઈએ. એનાથી તેઓને પોતાનાં વિચારો, કાર્યો અને માન્યતાઓમાં ફેરફાર કરવા મદદ મળે છે. આવા ફેરફારો કરવા સહેલું નથી. પણ જેઓ ઈશ્વરને ખુશ કરવા ચાહે છે, તેઓને પવિત્ર શક્તિ મદદ કરશે.
“આવા લોકોથી તું દૂર રહેજે”
૧૭. લોકોના ખરાબ ગુણોની અસર આપણા પર ન પડે માટે શું કરી શકીએ?
૧૭ જેઓ ઈશ્વરની ભક્તિ કરે છે અને જેઓ નથી કરતા, તેઓ વચ્ચેનો ભેદ પારખવો સહેલું છે. જેઓ ઈશ્વરભક્તો નથી, તેઓના ખરાબ ગુણોની અસર આપણા પર ન પડે એ માટે સાવધ રહેવું જોઈએ. ૨ તિમોથી ૩:૨-૫માં જણાવેલા લોકોથી દૂર રહેવા આપણે યહોવાના માર્ગદર્શન પ્રમાણે ચાલવા માંગીએ છીએ. ખરું કે, આપણે પૂરેપૂરી રીતે એવા દરેક લોકોથી દૂર રહી શકતા નથી, જેઓમાં ખરાબ ગુણો છે. આપણે કદાચ તેઓ સાથે કામ કરવું પડે, ભણવું પડે કે રહેવું પડે. પણ આપણે તેઓની જેમ વિચારવું કે વર્તવું ન જોઈએ. એ માટે આપણને ક્યાંથી મદદ મળી શકે? બાઇબલનો અભ્યાસ કરીને અને યહોવાના ભક્તો સાથે પાકી મિત્રતા બાંધીને આપણે યહોવા સાથેનો સંબંધ મજબૂત કરી શકીએ છીએ.
૧૮. આપણાં વાણી-વર્તનથી કઈ રીતે બીજાઓને યહોવા વિશે જાણવા મદદ મળી શકે?
૧૮ બીજાઓ પણ યહોવાને ઓળખી શકે માટે આપણે તેઓને મદદ કરવા ચાહીએ છીએ. એ માટે સાક્ષી આપવાની તક શોધીએ અને ખરા સમયે યોગ્ય રીતે વાત કરી શકીએ માટે યહોવા પાસે મદદ માંગીએ. આપણે યહોવાના સાક્ષીઓ છીએ એ બીજાઓને જણાવવું જોઈએ. આપણાં સારાં વાણી-વર્તનથી ઈશ્વરને મહિમા મળશે, આપણને નહિ. આપણને શીખવવામાં આવ્યું છે કે, “ઈશ્વરની ઇચ્છા વિરુદ્ધ હોય એવી સર્વ બાબતો અને દુનિયાની ઇચ્છાઓનો ત્યાગ કરીએ. તેમ જ, આ દુનિયામાં સમજુ વ્યક્તિને શોભે એ રીતે, ખરા માર્ગે ચાલીએ અને ભક્તિભાવથી જીવીએ.” (તિત. ૨:૧૧-૧૪) જો આપણે યહોવાને અનુસરીશું અને તે ચાહે છે એ કરીશું, તો ચોક્કસ એ બીજાઓના ધ્યાનમાં આવશે. તેઓમાંથી અમુક કદાચ એવું કહેશે: “અમે તારી સાથે આવીશું, કેમ કે અમે સાંભળ્યું છે કે ઈશ્વર તમારી સાથે છે.”—ઝખા. ૮:૨૩.
a બદનામ કરનાર કે આરોપ લગાડનાર માટે ગ્રીકમાં ડીઆબોલોસ શબ્દ વપરાયો છે. બાઇબલમાં આ શબ્દ શેતાન માટે વપરાયો છે, જે ઈશ્વરને બદનામ કરે છે.