લૂક
૭ લોકોને એ બધી વાતો કહી રહ્યા પછી ઈસુ કાપરનાહુમમાં આવ્યા. ૨ એક લશ્કરી અધિકારીનો ચાકર બહુ બીમાર હતો અને મરવાની અણી પર હતો. અધિકારીને એ ચાકર બહુ વહાલો હતો.+ ૩ લશ્કરી અધિકારીએ ઈસુ વિશે સાંભળ્યું. તેણે યહૂદી વડીલોને તેમની પાસે મોકલ્યા અને વિનંતી કરી કે ઈસુ આવીને ચાકરને સાજો કરે. ૪ તેઓ ઈસુ પાસે આવ્યા અને વિનંતી કરવા લાગ્યા: “તમે તેને મદદ કરો, તે સારો માણસ છે. ૫ તે આપણી પ્રજા પર પ્રેમ રાખે છે અને તેણે આપણા માટે સભાસ્થાન બંધાવ્યું છે.” ૬ ઈસુ તેઓની સાથે ગયા. પણ તે ઘરથી બહુ દૂર ન હતા ત્યારે, લશ્કરી અધિકારીએ પોતાના મિત્રોને મોકલીને આ સંદેશો આપ્યો: “સાહેબ, તકલીફ ન લેશો. તમે મારા ઘરે આવો એને હું લાયક નથી.+ ૭ એ જ કારણે મેં તમારી પાસે આવવા પોતાને લાયક ન ગણ્યો. તમે બસ કહી દો, એટલે મારો ચાકર સાજો થઈ જશે. ૮ હું પણ કોઈના હાથ નીચે કામ કરું છું અને મારા હાથ નીચે પણ સૈનિકો છે. એમાંના એકને હું કહું, ‘જા!’ અને તે જાય છે. બીજાને કહું, ‘આવ!’ અને તે આવે છે. મારા દાસને કહું કે ‘આમ કર!’ અને તે એમ કરે છે.” ૯ આ બધું સાંભળીને ઈસુને ખૂબ નવાઈ લાગી. તેમણે પોતાની પાછળ આવતા ટોળા તરફ ફરીને કહ્યું: “હું તમને કહું છું કે આખા ઇઝરાયેલમાં પણ મેં આટલી શ્રદ્ધા જોઈ નથી.”+ ૧૦ જેઓને મોકલવામાં આવ્યા હતા, તેઓ ઘરે પાછા આવ્યા ત્યારે તેઓએ ચાકરને સાજો થયેલો જોયો.+
૧૧ એ પછી ઈસુ તરત નાઈન નામના શહેરમાં ગયા. તેમના શિષ્યો અને ઘણા લોકો તેમની સાથે ચાલતા હતા. ૧૨ તે શહેરના દરવાજા નજીક આવ્યા. જુઓ, ગુજરી ગયેલા એક માણસને લોકો લઈ જતા હતા. તે તેની માનો એકનો એક દીકરો હતો+ અને તે વિધવા હતી. તેની સાથે શહેરના ઘણા લોકો પણ હતા. ૧૩ માલિક ઈસુની નજર તેના પર પડી ત્યારે તેમનું હૈયું કરુણાથી ભરાઈ આવ્યું.+ તેમણે તેને કહ્યું: “રડીશ નહિ.”+ ૧૪ પછી તે ઠાઠડી* પાસે આવ્યા અને એને અડક્યા. એટલે ઠાઠડી ઊંચકનારાઓ ઊભા રહી ગયા. તેમણે કહ્યું: “ઓ યુવાન, હું તને કહું છું કે ઊભો થા!”+ ૧૫ એટલે મરી ગયેલો યુવાન બેઠો થયો અને બોલવા લાગ્યો. ઈસુએ તેને તેની માને સોંપ્યો.+ ૧૬ બધા લોકો પર ભય છવાઈ ગયો. તેઓએ ઈશ્વરને મહિમા આપતા કહ્યું: “ઈશ્વરે આપણી વચ્ચે મહાન પ્રબોધક ઊભા કર્યા છે”+ અને “તેમણે પોતાના લોકો તરફ ધ્યાન આપ્યું છે.”+ ૧૭ તેમના વિશેના આ સમાચાર આખા યહૂદિયા અને આસપાસના પ્રદેશમાં ફેલાઈ ગયા.
૧૮ યોહાનના શિષ્યોએ આવીને તેને આ બધી વાતો જણાવી.+ ૧૯ યોહાને પોતાના બે શિષ્યોને બોલાવ્યા અને માલિકને આમ પૂછવા મોકલ્યા: “જે આવનાર છે તે તમે છો+ કે અમે બીજા કોઈની રાહ જોઈએ?” ૨૦ તેઓએ ઈસુ પાસે આવીને કહ્યું: “બાપ્તિસ્મા આપનાર યોહાને અમને તમારી પાસે મોકલ્યા છે. તેમણે પૂછ્યું છે, ‘જે આવનાર છે તે તમે છો કે અમે બીજા કોઈની રાહ જોઈએ?’” ૨૧ એ વખતે ઈસુએ ઘણા લોકોને રોગ+ અને મોટી મોટી બીમારીઓથી સાજા કર્યા. તેમણે દુષ્ટ દૂતોને કાઢ્યા અને અનેક આંધળા લોકોને દેખતા કર્યા. ૨૨ ઈસુએ યોહાનના શિષ્યોને કહ્યું કે “જાઓ, તમે જે જોયું છે અને સાંભળ્યું છે એ વિશે યોહાનને જણાવો: આંધળા જુએ છે,+ લંગડા ચાલે છે, રક્તપિત્તિયા* લોકો શુદ્ધ કરાય છે, બહેરા સાંભળે છે,+ ગુજરી ગયેલા જીવતા કરાય છે અને ગરીબોને ખુશખબર જણાવાય છે.+ ૨૩ જેઓએ મારા લીધે ઠોકર ખાધી નથી, તેઓ સુખી છે.”+
૨૪ યોહાનનો સંદેશો લાવનારાઓ જતા રહ્યા. પછી ઈસુ ટોળાંને યોહાન વિશે કહેવા લાગ્યા: “તમે ઉજ્જડ પ્રદેશમાં શું જોવા ગયા હતા? પવનથી ડોલતા બરુને?*+ ૨૫ તમે શું જોવા ગયા હતા? શું રેશમી* કપડાં પહેરેલા માણસને?+ જેઓ ભપકાદાર કપડાં પહેરે છે અને એશઆરામથી જીવે છે, તેઓ તો મહેલોમાં રહે છે. ૨૬ તમે શું જોવા ગયા હતા? પ્રબોધકને? હા, હું તમને કહું છું કે પ્રબોધકથી પણ જે મહાન છે તેને જોવા.+ ૨૭ આ એ જ છે, જેના વિશે લખવામાં આવ્યું છે: ‘જો! હું તારી આગળ મારો સંદેશવાહક મોકલું છું, જે તારી આગળ તારો રસ્તો તૈયાર કરશે!’+ ૨૮ હું તમને કહું છું કે સ્ત્રીઓથી જન્મેલા બધામાં યોહાન કરતાં મહાન બીજું કોઈ નથી. પણ ઈશ્વરના રાજ્યમાં જે સૌથી નાનો છે, તે યોહાન કરતાં મહાન છે.”+ ૨૯ (બધા લોકોએ અને કર ઉઘરાવનારાઓએ એ સાંભળ્યું. તેઓએ જાહેર કર્યું કે ઈશ્વર ન્યાયી છે, કેમ કે તેઓએ યોહાનથી બાપ્તિસ્મા લીધું હતું.+ ૩૦ પણ ફરોશીઓએ અને નિયમશાસ્ત્રના જાણકારોએ ઈશ્વરની ઇચ્છા પૂરી કરી નહિ,+ કેમ કે તેઓએ યોહાનથી બાપ્તિસ્મા લીધું ન હતું.)
૩૧ “એટલે હું આ પેઢીના લોકોને કોની સાથે સરખાવું? તેઓ કોના જેવા છે?+ ૩૨ તેઓ બજારમાં બેઠેલાં બાળકો જેવા છે, જેઓ એકબીજાને બૂમ પાડીને કહે છે: ‘અમે તમારાં માટે વાંસળી વગાડી પણ તમે નાચ્યાં નહિ. અમે વિલાપ કર્યો પણ તમે રડ્યાં નહિ.’ ૩૩ એ જ રીતે, બાપ્તિસ્મા આપનાર યોહાન રોટલી ખાતો કે દ્રાક્ષદારૂ પીતો આવ્યો નથી,+ તોપણ તમે કહો છો: ‘તેનામાં દુષ્ટ દૂત છે.’ ૩૪ માણસનો દીકરો ખાતો-પીતો આવ્યો, તોપણ તમે કહો છો: ‘જુઓ! ખાઉધરો અને દારૂડિયો માણસ, કર ઉઘરાવનારાઓ અને પાપીઓનો મિત્ર!’+ ૩૫ પણ જ્ઞાન પોતાનાં કાર્યોથી* ખરું સાબિત થાય છે.”+
૩૬ હવે એક ફરોશી ઈસુને જમવા આવવાની વારંવાર વિનંતી કરતો હતો. એટલે તે ફરોશીના ઘરે ગયા અને જમવા બેઠા. ૩૭ એ શહેરમાં પાપી તરીકે જાણીતી એક સ્ત્રી હતી. તેને ખબર પડી કે ફરોશીના ઘરે ઈસુ જમવા બેઠા છે. તે સંગેમરમરની શીશીમાં સુગંધી તેલ લઈને ત્યાં આવી.+ ૩૮ તે તેમની પાછળ આવીને તેમના પગ પાસે ઘૂંટણિયે પડી. તે રડતાં રડતાં પોતાનાં આંસુઓથી તેમના પગ પલાળવા લાગી. પછી પોતાના માથાના વાળથી તેમના પગ લૂછ્યા. તે તેમના પગને ચુંબન કરવા લાગી. તેણે એના પર સુગંધી તેલ લગાડ્યું. ૩૯ એ જોઈને જે ફરોશીએ તેમને બોલાવ્યા હતા, તેણે મનમાં કહ્યું: “જો આ માણસ ખરેખર પ્રબોધક હોત, તો તે જાણતો હોત કે તેમને અડકનાર સ્ત્રી કોણ છે અને કેવી છે, એટલે કે તે પાપી છે.”+ ૪૦ તેના વિચારો જાણીને ઈસુએ કહ્યું: “સિમોન, મારે તને કંઈક કહેવું છે.” તેણે કહ્યું: “ઉપદેશક, કહો!”
૪૧ “એક લેણદારના બે દેવાદાર હતા. એકનું દેવું ૫૦૦ દીનારનું* હતું અને બીજાનું ૫૦ દીનારનું. ૪૨ તેઓ પાસે લેણદારને ચૂકવવા કંઈ ન હતું, તેથી તેણે ઉદારતાથી તેઓનું દેવું માફ કર્યું. તેઓમાંથી કોણ લેણદારને વધારે પ્રેમ કરશે?” ૪૩ સિમોને કહ્યું: “મને લાગે છે કે જેનું વધારે દેવું માફ થયું તે.” તેમણે જણાવ્યું: “તેં ખરું કહ્યું.” ૪૪ એ પછી તેમણે સ્ત્રી તરફ ફરીને સિમોનને કહ્યું: “તું આ સ્ત્રીને જુએ છે? હું તારા ઘરે આવ્યો ત્યારે પગ ધોવા તેં મને પાણી ન આપ્યું. પણ આ સ્ત્રીએ તેનાં આંસુથી મારા પગ ધોયા અને પોતાના વાળથી લૂછ્યા. ૪૫ તેં મને આવકાર આપવા ચુંબન ન કર્યું, પણ હું આવ્યો ત્યારથી આ સ્ત્રીએ મારા પગને ચૂમવાનું બંધ કર્યું નથી. ૪૬ તેં મારા માથા પર તેલ ન લગાડ્યું, પણ આ સ્ત્રીએ મારા પગ પર સુગંધી તેલ લગાડ્યું છે. ૪૭ એટલે હું તને કહું છું કે ભલે તેનાં પાપ ઘણાં* છે, છતાં એ માફ કરાયાં છે,+ કેમ કે તેણે વધારે પ્રેમ બતાવ્યો છે. પણ જેનાં થોડાં પાપ માફ કરાયાં છે તે થોડો પ્રેમ બતાવે છે.” ૪૮ પછી તેમણે એ સ્ત્રીને કહ્યું: “તારાં પાપ માફ કરાયાં છે.”+ ૪૯ જેઓ તેમની સાથે જમવા બેઠા હતા, તેઓ અંદરોઅંદર વાત કરવા લાગ્યા: “આ માણસ કોણ છે, જે પાપ પણ માફ કરે છે?”+ ૫૦ પણ ઈસુએ સ્ત્રીને કહ્યું: “તારી શ્રદ્ધાએ તને બચાવી છે,+ શાંતિથી જા.”