લગ્ન—એની શરૂઆત અને હેતુ
“યહોવા ઈશ્વરે કહ્યું કે, માણસ એકલો રહે તે સારું નથી; હું તેને યોગ્ય એવી એક સહાયકારી સૃજાવીશ.”—ઉત. ૨:૧૮.
૧, ૨. (ક) લગ્નની શરૂઆત કઈ રીતે થઈ? (ખ) પ્રથમ સ્ત્રી અને પુરુષે લગ્ન વિશે શું મહેસૂસ કર્યું હશે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
લગ્ન તો આપણા જીવનનો એક ભાગ છે. પણ, સવાલ થાય કે એની શરૂઆત કઈ રીતે થઈ અને એનો હેતુ શો છે. એ સવાલોના જવાબ મેળવવાથી આપણને લગ્ન અને એનાથી મળતા આશીર્વાદો પ્રત્યે યોગ્ય વલણ રાખવા મદદ મળશે. પ્રથમ માણસ આદમને બનાવ્યા પછી ઈશ્વર બધા પ્રાણીઓને તેની સમક્ષ લાવ્યા, જેથી તે તેઓનાં નામ પાડી શકે. આદમે જોયું કે દરેક પ્રાણીને એક સાથી છે, પણ તેને ‘યોગ્ય એવી કોઈ સહાયકારી’ ન હતી. તેથી, ઈશ્વરે આદમને ભરઊંઘમાં નાખ્યો અને તેની એક પાંસળી લઈને એમાંથી સ્ત્રી બનાવી. યહોવા એ સ્ત્રીને આદમ પાસે લાવ્યા અને એ સ્ત્રીને પત્ની તરીકે આદમને આપી. (ઉત્પત્તિ ૨:૨૦-૨૪ વાંચો.) આમ, લગ્ન એ યહોવા તરફથી એક ભેટ છે.
૨ યહોવાએ એદન બાગમાં જે શબ્દો કહ્યા હતા, વર્ષો પછી ઈસુએ એનું પુનરાવર્તન કરતા કહ્યું: “માણસ પોતાનાં માબાપને મૂકીને પોતાની સ્ત્રીને વળગી રહેશે; અને બંને એક દેહ થશે.” (માથ. ૧૯:૪, ૫) પ્રથમ સ્ત્રીને બનાવવા યહોવાએ આદમની પાંસળીનો ઉપયોગ કર્યો હતો. એનાથી પ્રથમ યુગલે મહેસૂસ કર્યું હશે કે, તેઓએ હંમેશાં એકબીજાની સાથે રહેવાનું છે. એ સમયે છુટાછેડા કે એક કરતાં વધુ લગ્નસાથીની કોઈ ગોઠવણ ન હતી.
લગ્ન—યહોવાના હેતુનો મહત્ત્વનો ભાગ
૩. લગ્નનો એક મહત્ત્વનો હેતુ કયો હતો?
૩ આદમ પોતાની વહાલી પત્નીને જોઈને ઘણો જ ખુશ થયો. તેણે તેનું નામ હવા પાડ્યું. તે આદમ માટે સહાયકારી હતી. પતિ-પત્ની તરીકેની પોતાની ભૂમિકા નિભાવીને આદમ અને હવાનું જીવન ખુશીઓથી ભરાઈ ગયું. (ઉત. ૨:૧૮) લગ્નનો એક મહત્ત્વનો હેતુ પૃથ્વીને માણસોથી ભરપૂર કરવાનો હતો. (ઉત. ૧:૨૮) ખરું કે, બાળકોએ પોતાનાં માબાપને પ્રેમ કરવાનો હતો. પરંતુ, તેઓ જ્યારે સંસાર માંડે ત્યારે માબાપથી અલગ થઈને પોતાનું કુટુંબ વસાવવાનું હતું. આમ, માણસોએ આખી પૃથ્વીને ભરપૂર કરવાની હતી અને બાગ જેવી સુંદર બનાવવાની હતી.
૪. પ્રથમ લગ્નજીવનનું શું થયું?
૪ યહોવાની આજ્ઞા તોડીને આદમ અને હવાએ પસંદગી કરવાના હકનો દુરુપયોગ કર્યો. આમ, તેઓએ પોતાના પગ પર કુહાડો માર્યો અને પોતાના લગ્નજીવનમાં દુઃખોને આમંત્રણ આપ્યું. ‘જૂના સર્પ’ એટલે કે, શેતાને હવાને છેતરી. તેણે હવાને કહ્યું કે, ‘ભલુંભૂંડું જાણવાના વૃક્ષનું’ ફળ ખાવાથી તેને ખાસ પ્રકારનું જ્ઞાન મળશે. શેતાને દાવો કર્યો કે, જો તે એ વૃક્ષનું ફળ ખાશે, તો તે પોતે નક્કી કરી કરશે કે સારું શું છે અને ખરાબ શું છે. હવાએ આદમને પૂછવાની પણ તસ્દી ન લીધી અને ફળ ખાવાનો નિર્ણય લીધો. આમ, આદમને કુટુંબના શિર તરીકે માન ન આપ્યું. અને આદમે પણ યહોવાનું માનવાને બદલે પોતાની પત્નીની વાત માની અને તેણે આપેલું ફળ ખાધું.—પ્રકટી. ૧૨:૯; ઉત. ૨:૯, ૧૬, ૧૭; ૩:૧-૬.
૫. આદમ અને હવાએ યહોવાને જે જવાબ આપ્યો, એમાંથી આપણે શું શીખી શકીએ?
૫ એ વિશે યહોવાએ તેઓને પૂછ્યું ત્યારે, આદમે દોષનો ટોપલો પોતાની પત્ની પર નાખ્યો. તેણે કહ્યું: ‘મારી સાથે રહેવા જે સ્ત્રી તમે મને આપી છે તેણે મને તે વૃક્ષનું ફળ આપ્યું, ને મેં ખાધું.’ હવાએ દોષનો ટોપલો સર્પ પર નાખ્યો અને કહ્યું કે સર્પે મને છેતરી. (ઉત. ૩:૧૨, ૧૩) એ બધાં ખોખલાં બહાનાં હતાં. આજ્ઞા ન પાળવાને કારણે યહોવાએ એ બંડખોરોનો ન્યાય કર્યો. તેઓનો દાખલો આપણને ચેતવણી આપે છે! લગ્નજીવનને સફળ બનાવવા પતિ-પત્નીએ યહોવાની આજ્ઞાઓ પાળવાની જરૂર છે. તેમ જ, પોતે જે કંઈ કરે એની જવાબદારી લેવા તૈયાર રહેવાની જરૂર છે.
૬. ઉત્પત્તિ ૩:૧૫ સમજાવો.
૬ શેતાને છેતરામણી ચાલ ચાલી, છતાં યહોવાએ ખાતરી કરી કે માનવજાતને ભવિષ્ય માટેની સારી આશા મળે. એ આશા બાઇબલની પહેલી ભવિષ્યવાણીમાં જોવા મળે છે. (ઉત્પત્તિ ૩:૧૫ વાંચો.) એ ભવિષ્યવાણી બતાવે છે કે, ‘સ્ત્રીનું સંતાન’ શેતાનને છૂંદી નાંખશે. સ્વર્ગમાં લાખો વફાદાર દૂતો યહોવાની ભક્તિ કરે છે અને તેઓનો યહોવા સાથે ગાઢ સંબંધ છે. દૂતોથી બનેલું એ સંગઠન જાણે યહોવાની પત્ની છે. શેતાનને ‘છૂંદી’ નાંખવા માટે યહોવા એ દૂતોમાંથી જ એક દૂતને પૃથ્વી પર મોકલવાના હતા. એ ગોઠવણથી વફાદાર માણસજાત માટે એ આશીર્વાદો શક્ય બન્યા, જે પ્રથમ યુગલે ગુમાવ્યા હતા. મનુષ્યો માટે યહોવાએ જે હેતુ રાખ્યો હતો, એ મુજબ વફાદાર મનુષ્યોને આ પૃથ્વી પર હંમેશ માટે જીવવાની તક મળશે.—યોહા. ૩:૧૬.
૭. (ક) આદમ અને હવાના બંડ પછી લગ્નજીવન પર કેવી અસર થઈ? (ખ) પતિ અને પત્ની પાસેથી યહોવા શું ચાહે છે?
૭ યહોવા વિરુદ્ધ બંડ પોકારીને આદમ અને હવાએ પોતાના અને ત્યાર પછીના બધા લગ્નજીવનમાં દુઃખ નોતર્યું. દાખલા તરીકે, હવાએ પ્રસૂતિનું અસહ્ય દુઃખ સહન કરવું પડ્યું અને ત્યાર પછીની બધી સ્ત્રીઓ પર એ દુઃખ આવી પડ્યું છે. પત્ની પોતાના પતિના હૂંફ માટે તલપે છે, પણ પતિ તેના પર ધણીપણું કરે છે. અરે, ઘણી વાર તો પતિ પોતાની પત્ની સાથે બહુ ક્રૂર રીતે વર્તે છે. (ઉત. ૩:૧૬) એ હકીકત આપણી આંખો સામે છે. જોકે, યહોવા તો ચાહે છે કે પતિ કુટુંબના પ્રેમાળ શિર બને અને પત્ની પોતાના પતિને આધીન રહે. (એફે. ૫:૩૩) જ્યારે પતિ-પત્ની એકબીજાને સાથ-સહકાર આપે છે, ત્યારે ઘણી બધી મુશ્કેલીઓ ટાળી શકાય છે.
લગ્ન—આદમથી જળપ્રલય સુધી
૮. આદમથી લઈને જળપ્રલય સુધીના લગ્નોનો ઇતિહાસ જણાવો.
૮ આદમ અને હવા મરણ પામ્યાં એ પહેલાં તેઓને દીકરા-દીકરીઓ થયાં. (ઉત. ૫:૪) તેઓના પ્રથમ દીકરા કાઈને સમય જતાં પોતાના જ કુટુંબની કોઈ સ્ત્રી જોડે લગ્ન કર્યું હતું. બાઇબલમાં જણાવ્યા પ્રમાણે કાઈનનો વંશજ લામેખ પહેલો એવો માણસ હતો, જેણે બે પત્નીઓ કરી હતી. (ઉત. ૪:૧૭, ૧૯) આદમના સમયથી લઈને નુહના સમય સુધીમાં બહુ જ થોડા લોકો યહોવાના ભક્ત હતા. એ વફાદાર ભક્તોમાં હાબેલ, હનોખ, નુહ અને તેનું કુટુંબ હતાં. બાઇબલ જણાવે છે કે, નુહના સમયમાં “ઈશ્વરના દીકરાઓએ માણસોની દીકરીઓને જોઈ કે, તેઓ સુંદર છે; અને જે સર્વને તેઓએ પસંદ કરી તેઓમાંથી તેઓએ પત્નીઓ કરી.” પરંતુ, એ કાર્ય સૃષ્ટિ વિરુદ્ધનું હતું. એ દૂતો અને સ્ત્રીઓથી જે બાળકો થયાં, તેઓ કદાવર અને હિંસક હતાં. તેઓ નેફિલિમ તરીકે ઓળખાતા. એ સમયમાં “માણસની ભૂંડાઈ પૃથ્વીમાં ઘણી થઈ, ને તેઓનાં હૃદયના વિચારની હરેક કલ્પના નિરંતર ભૂંડી જ” હતી.—ઉત. ૬:૧-૫.
૯. યહોવાએ નુહના સમયના દુષ્ટોનું શું કર્યું હતું? એમાંથી આપણને શું શીખવા મળે છે?
૯ યહોવાએ કહ્યું હતું કે, એ સમયના દુષ્ટોનો નાશ કરવા તે પૃથ્વી પર જળપ્રલય લાવશે. એ ભયંકર વિનાશ વિશે ‘ન્યાયીપણાના ઉપદેશક નુહે’ લોકોને ચેતવણી આપી હતી. (૨ પીત. ૨:૫) પણ, એ લોકોએ નુહની ચેતવણી તરફ આંખ આડા કાન કર્યા. કારણ કે, તેઓ પરણવા-પરણાવવામાં અને બીજા રોજિંદા કામોમાં સાવ ડૂબી ગયા હતા. ઈસુએ નુહના સમયને આપણા સમય સાથે સરખાવ્યો હતો. (માથ્થી ૨૪:૩૭-૩૯ વાંચો.) આજે, આપણે પણ દુષ્ટ દુનિયાના નાશ વિશે લોકોને જણાવીએ છીએ. પણ, મોટા ભાગના લોકો રાજ્યની એ ખુશખબરને કાન ધરતા નથી. જળપ્રલય વખતે જે બન્યું એમાંથી આપણે શું શીખી શકીએ? એ જ કે, લગ્ન અને બાળકો મહત્ત્વનાં તો છે, પણ એમાં એટલા ડૂબી ન જઈએ કે યહોવાનો દિવસ નજીક છે, એ વાત સાવ ભૂલી જઈએ.
લગ્ન—જળપ્રલયથી ઈસુના સમય સુધી
૧૦. (ક) અમુક સમાજમાં કયા રિવાજો જીવનનો ભાગ હતા? (ખ) ઈબ્રાહીમ અને સારાહે પોતાના લગ્નજીવનથી કેવો સારો દાખલો બેસાડ્યો છે?
૧૦ નુહ અને તેમના ત્રણ દીકરાઓને એક-એક જ પત્ની હતી. જોકે, જળપ્રલય પછી ઘણા માણસોએ એક કરતાં વધુ પત્નીઓ કરી. ઘણા સમાજમાં જાતીય અનૈતિકતા સામાન્ય હતી. અરે, અમુક સમાજમાં તો એ ધાર્મિક રિવાજનો ભાગ બની ગઈ હતી. ઈબ્રાહીમ અને સારાહ કનાન દેશમાં રહેવા ગયાં ત્યારે, તેઓ અનૈતિક લોકોથી ઘેરાયેલા હતા. તે લોકોને લગ્નની ગોઠવણ માટે જરાય માન ન હતું. સદોમ અને ગમોરાહ દેશ જાતીય અનૈતિકતાથી ભરેલો હતો, એટલે યહોવાએ એનો નાશ કર્યો. એ બધા અનૈતિક લોકો કરતાં ઈબ્રાહીમ સાવ અલગ હતા. તે કુટુંબના સારા શિર હતા અને સારાહે પોતાના પતિને આધીન રહીને સારો દાખલો બેસાડ્યો. (૧ પીતર ૩:૩-૬ વાંચો.) ઈબ્રાહીમે ખાતરી કરી કે તેમનો દીકરો ઈસ્હાક પણ યહોવાની ભક્તિ કરતી સ્ત્રી સાથે જ લગ્ન કરે. ઈસ્હાકે પણ પોતાના દીકરા યાકૂબ માટે એવું જ કર્યું. પછીથી, યાકૂબના દીકરાઓ ઈસ્રાએલના ૧૨ કુળના પૂર્વજો બન્યા.
૧૧. નિયમકરારથી ઈસ્રાએલીઓને કઈ રીતે રક્ષણ મળ્યું?
૧૧ સમય જતાં, યહોવાએ ઈસ્રાએલ રાષ્ટ્ર સાથે મુસા દ્વારા એક કરાર કર્યો, જે નિયમકરાર તરીકે ઓળખાય છે. એમાં લગ્નને લઈને અમુક નિયમો હતા. જેમ કે, એકથી વધુ પત્ની હોય એવા કિસ્સા માટે નિયમો હતા. તેમ જ, ઈસ્રાએલીઓ જૂઠા ઉપાસકો સાથે લગ્ન કરી શકતા ન હતા. આમ, એ બધા નિયમોથી પતિ-પત્નીને યહોવાની સેવામાં લાગુ રહેવા રક્ષણ મળતું હતું. (પુનર્નિયમ ૭:૩, ૪ વાંચો.) લગ્નજીવનમાં ગંભીર સમસ્યાઓ ઊભી થાય ત્યારે, તેઓ વડીલોની મદદ મેળવી શકતા હતા. બેવફાઈ, ઈર્ષા અને શંકા જેવા કિસ્સાઓ માટે પણ અમુક નિયમો હતા. છુટાછેડાની ગોઠવણ હતી, પરંતુ એ માટે પણ નિયમો હતા. દાખલા તરીકે, જો પતિને પોતાની પત્નીમાં “કંઈ શરમજનક” માલૂમ પડે, તો તે તેને છુટાછેડા આપી શકતો હતો. (પુન. ૨૪:૧, ઈઝી-ટુ-રીડ વર્ઝન) ખરું કે, “શરમજનક” બાબતમાં શાનો સમાવેશ થતો એ વિશે બાઇબલ કંઈ જણાવતું નથી. પણ, એટલું ચોક્કસ હતું કે, પતિ પોતાની પત્નીની નાની-સૂની તકરારોને છુટાછેડા આપવાનું કારણ બનાવી શકતો ન હતો.—લેવી. ૧૯:૧૮.
લગ્નસાથી જોડે ક્યારેય બેવફાઈ ન કરો
૧૨, ૧૩. (ક) માલાખીના સમયમાં અમુક પુરુષો પોતાની પત્નીઓ જોડે કઈ રીતે વર્તતા હતા? (ખ) આજે કોઈ બાપ્તિસ્મા પામેલી વ્યક્તિ બીજાના લગ્નસાથી જોડે ભાગી જાય તો, એનું કેવું પરિણામ આવી શકે?
૧૨ પ્રબોધક માલાખીના સમયમાં ઘણા યહુદીઓએ પોતાની પત્નીને છુટાછેડા આપવા અનેક પ્રકારના બહાનાં ઉપજાવી કાઢ્યાં હતાં. યુવાન સ્ત્રીઓ અથવા યહોવાને ભજતી ન હોય એવી સ્ત્રીઓ જોડે લગ્ન કરવા તેઓએ પોતાની પત્નીઓને છુટાછેડા આપ્યા હતા. ઈસુના સમયમાં પણ યહુદી માણસો “હરેક કારણને લીધે” પોતાની પત્નીઓને છુટાછેડા આપતા હતા. (માથ. ૧૯:૩) નિયમ વિરુદ્ધના એવા છુટાછેડાને યહોવા ધિક્કારતા હતા.—માલાખી ૨:૧૩-૧૬ વાંચો.
૧૩ આજે, યહોવાનો કોઈ ભક્ત પોતાના લગ્નસાથી જોડે બેવફાઈ કરે તો, એ જરાય ચલાવી લેવામાં આવતું નથી. ખરું કે, એવા બહુ ઓછા કિસ્સાઓ બનતા હોય છે. છતાં, જો કોઈ બાપ્તિસ્મા પામેલી વ્યક્તિ વ્યભિચાર કરે અને બીજા કોઈકને પરણવા પોતાના લગ્નસાથીને છુટાછેડા આપે, તો શું? જો એ વ્યક્તિ પસ્તાવો ન કરે, તો મંડળની શુદ્ધતા અને પવિત્રતા જાળવવા એને મંડળમાંથી બહિષ્કૃત કરવામાં આવે છે. (૧ કોરીં. ૫:૧૧-૧૩) એવી વ્યક્તિને મંડળમાં પાછી લેવામાં આવે એ પહેલાં તેણે “પસ્તાવો કરનારને શોભે એવાં ફળ” ઉપજાવવા જોઈએ. (લુક ૩:૮; ૨ કોરીં. ૨:૫-૧૦) વ્યક્તિને મંડળમાં પાછી લેવામાં આવે એ પહેલાં કેટલો સમય પસાર થવો જોઈએ? એવો કોઈ ચોક્કસ સમય નથી. પાપ કરનારે દિલથી પસ્તાવો કર્યો છે એની સાબિતી આપવા એક વર્ષ કે એથી પણ વધુ સમય લાગી શકે. એ સમય પછી, જો તેને મંડળમાં પાછી લેવામાં આવે, તોપણ તેણે “ઈશ્વરના ન્યાયાસનની આગળ” ઊભા રહેવું પડશે.—રોમ. ૧૪:૧૦-૧૨; જુલાઈ ૧, ૧૯૮૧ ચોકીબુરજ, પાન ૨૨-૨૩ જુઓ.
લગ્ન—પ્રથમ સદી અને ત્યાર બાદ
૧૪. નિયમકરારથી કયો હેતુ પાર પડ્યો?
૧૪ ઈસ્રાએલીઓ ૧૫૦૦થી વધુ વર્ષો સુધી નિયમકરાર હેઠળ હતા. એના દ્વારા યહોવાના લોકોને અનેક રીતે મદદ મળી હતી. દાખલા તરીકે, એમાં અમુક સિદ્ધાંતો હતા, જેનાથી ઈસ્રાએલીઓને કૌટુંબિક સમસ્યાઓને થાળે પાડવા મદદ મળતી. ઉપરાંત, એ તેઓને આવનાર મસીહ તરફ દોરી ગયો. (ગલા. ૩:૨૩, ૨૪) ઈસુ મરણ પામ્યા ત્યારે, એ નિયમકરાર રદ થયો અને યહોવાએ એક નવી ગોઠવણ કરી. (હિબ્રૂ ૮:૬) નિયમકરારમાં અમુક બાબતો માટે પરવાનગી આપવામાં આવી હતી, પણ નવી ગોઠવણમાં એ પરવાનગી રદ કરવામાં આવી.
૧૫. (ક) ખ્રિસ્તીઓએ લગ્નનાં કયાં ધોરણો પાળવાનાં છે? (ખ) છુટાછેડા આપતા પહેલાં એક વ્યક્તિએ કયાં પાસાઓનો વિચાર કરવો જોઈએ?
૧૫ ફરોશીઓએ લગ્નના વિષય પર એક સવાલ ઉઠાવ્યો. એના જવાબમાં ઈસુએ કહ્યું કે નિયમકરાર હેઠળ યહોવાએ ઈસ્રાએલીઓને છુટાછેડા આપવાની પરવાનગી આપી હતી, પણ “આરંભથી એવું ન હતું.” (માથ. ૧૯:૬-૮) ઈસુના એ જવાબથી સ્પષ્ટ થયું કે, યહોવાએ શરૂઆતમાં લગ્ન માટે જે ધોરણો બનાવ્યાં હતાં, એ હવે ખ્રિસ્તી મંડળ પર લાગુ થવાના હતા. (૧ તીમો. ૩:૨, ૧૨) “એક દેહ” તરીકે પતિ-પત્નીએ હંમેશાં એકબીજાને વળગી રહેવાનું હતું. આમ, પોતાનું બંધન વધુ ગાઢ બનાવવા તેઓએ યહોવા અને એકબીજાને પ્રેમ કરતા રહેવાનું હતું. વ્યભિચારના કારણ સિવાય જો કોઈ છુટાછેડા આપે, તો તે બીજા લગ્ન કરી શકે નહિ. (માથ. ૧૯:૯) વ્યભિચાર કરનાર લગ્નસાથી જો પસ્તાવો કરે, તો નિર્દોષ સાથી કદાચ તેને માફ કરવાનું પસંદ કરે. પ્રબોધક હોશીઆના કિસ્સામાં એવું જ બન્યું હતું. તેમણે પોતાની વ્યભિચારી પત્નીને માફ કરી હતી. એવી જ રીતે, યહોવાએ પણ પસ્તાવો કરનાર ઈસ્રાએલીઓને માફ કર્યા હતા. (હોશી. ૩:૧-૫) જો વ્યક્તિ જાણતી હોય કે તેના લગ્નસાથીએ વ્યભિચાર કર્યો છે, છતાં તેની જોડે જાતીય સંબંધ બાંધવાનો નિર્ણય લે છે, તો એ બતાવે છે કે તેણે પોતાના લગ્નસાથીને માફી આપી છે. હવે, છુટાછેડા આપવા માટે કોઈ શાસ્ત્રીય આધાર નથી.
૧૬. ઈસુએ કુંવારા રહેવા વિશે શું જણાવ્યું હતું?
૧૬ ઈસુએ જણાવ્યું હતું કે સાચા ખ્રિસ્તીઓ માટે છુટાછેડા આપવાનું એકમાત્ર કારણ વ્યભિચાર છે. એ પછી, તેમણે એવા લોકો વિશે વાત કરી જેઓને કુંવારાપણું ભેટ તરીકે આપેલું છે. ઈસુએ કહ્યું: “જે પાળી શકે તે પાળે.” (માથ. ૧૯:૧૦-૧૨) ઘણા લોકો કુંવારા રહેવાનો નિર્ણય લે છે. કારણ કે, તેઓ ધ્યાન ફંટાવ્યા વગર યહોવાની સેવા કરવા ઇચ્છે છે. તેઓના એ નિર્ણયની આપણે પ્રશંસા કરવી જોઈએ.
૧૭. લગ્ન કરવું કે નહિ એ નિર્ણય લેવા વ્યક્તિને શામાંથી મદદ મળી શકે?
૧૭ લગ્ન કરવું કે કુંવારા રહેવું એ નિર્ણય લેવા વ્યક્તિને શામાંથી મદદ મળી શકે? એ માટે વ્યક્તિએ વિચારવાની જરૂર છે કે, શું તે કુંવારાપણાની ભેટની હંમેશાં કદર કરી શકશે કે કેમ. પ્રેરિત પાઊલે કુંવારા રહેવાની ભલામણ કરી હતી. પરંતુ, તેમણે આમ પણ કહ્યું હતું: “વ્યભિચારનું જોખમ હોવાથી દરેક પુરુષને પોતાની પત્ની હોવી જોઈએ અને દરેક સ્ત્રીને તેનો પતિ હોવો જોઈએ.” પછી તેમણે જણાવ્યું: “પણ જો તમે તમારી ઇચ્છાઓને કાબૂમાં રાખી શકતા ન હો તો લગ્ન કરો. કારણ, વાસનામાં બળવા કરતાં લગ્ન કરવું સારું છે.” ખરું કે, જો વ્યક્તિ લગ્ન કરે, તો તેને જાતીય વાસનાથી દૂર રહેવા મદદ મળી શકે. તે હસ્તમૈથુન કે અનૈતિક કામોને ટાળી શકે છે. જોકે, કુંવારા લોકોએ વિચારવું જોઈએ કે, શું તેઓની ઉંમર ખરેખર લગ્ન કરવાને યોગ્ય થઈ ગઈ છે. એ વિશે પાઊલે કહ્યું હતું: “કોઈને એમ લાગે કે કુંવારી અવસ્થામાં રહેવાથી તે પોતાની જાત પ્રત્યે યોગ્ય રીતે વર્તતો નથી અને તેની લગ્ન કરવાની ઉંમર ક્યારનીય થઈ ચૂકી હોવાથી તેણે લગ્ન કરી લેવું જોઈએ તો એમ કરવામાં કંઈ પાપ નથી. આવા લોકો ભલે લગ્ન કરે.” (૧ કોરીં. ૭:૨, ૯, ૩૬, કોમન લેંગ્વેજ; ૧ તીમો. ૪:૧-૩) યુવાનીમાં જાતીય આવેગો ખૂબ પ્રબળ હોય છે. જોકે, એ કારણને લીધે કોઈ યુવાન વ્યક્તિને લગ્ન કરવાનું ઉત્તેજન આપવું ન જોઈએ. બની શકે કે, એ વ્યક્તિ હજી લગ્નની જવાબદારીઓ ઉપાડવા પરિપક્વ થઈ નથી.
૧૮, ૧૯. (ક) લગ્નની સૌથી સારી શરૂઆત કોને કહેવાય? (ખ) આવતા લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
૧૮ લગ્નની સૌથી સારી શરૂઆત કોને કહેવાય? એવી શરૂઆત, જેમાં સ્ત્રી અને પુરુષે પોતાનું જીવન યહોવાને સમર્પણ કર્યું હોય અને તેઓ યહોવાને પૂરા દિલથી પ્રેમ કરતા હોય. ઉપરાંત, તેઓ એકબીજાને પણ એટલો બધો પ્રેમ કરતા હોય કે, આખું જીવન એકબીજાને વળગી રહેવા દિલથી ચાહતા હોય. એવા લગ્નજીવનને યહોવા આશીર્વાદ આપશે, કારણ કે તેઓએ “કેવળ પ્રભુમાં” લગ્ન કરવાની સલાહ પાળી છે. (૧ કોરીં. ૭:૩૯) જો તેઓ યહોવાની બધી સલાહો પાળવાનું ચાલુ રાખશે, તો તેઓનું લગ્નજીવન સફળ થશે.
૧૯ આજે આપણે આ દુષ્ટ દુનિયાના “છેલ્લા સમયમાં” જીવી રહ્યા છીએ અને ઘણા લોકોમાં એ ગુણોનો અભાવ છે, જે લગ્નને સફળ બનાવવા માટે જરૂરી છે. (૨ તીમો. ૩:૧-૫) આવતા લેખમાં આપણે બાઇબલના અનમોલ સિદ્ધાંતોની ચર્ચા કરીશું, જે પતિ-પત્નીને લગ્નજીવનમાં મદદ કરશે. મુશ્કેલીઓથી ઘેરાયેલા હોવા છતાં, એ સિદ્ધાંતો તેઓને પોતાનું લગ્નજીવન સફળ બનાવવા અને સુખી લગ્નજીવનનો આનંદ માણવા મદદ કરશે. તેમ જ, એ સિદ્ધાંતોની મદદથી તેઓ હંમેશ માટેના જીવનના માર્ગ પર ચાલતા રહી શકશે.—માથ. ૭:૧૩, ૧૪.