માલાખી
૨ “હે યાજકો, આ આજ્ઞા તમારા માટે છે.+ ૨ જો તમે નહિ સાંભળો અને મારા નામને મહિમા આપવામાં મન નહિ લગાવો,* તો હું તમારા પર શ્રાપ લાવીશ.+ હું તમારા આશીર્વાદોને શ્રાપમાં ફેરવી નાખીશ.+ હા, મેં આશીર્વાદોને શ્રાપમાં ફેરવી દીધા છે, કેમ કે તમે એ આજ્ઞા પર મન લગાવ્યું નથી,”* એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે.
૩ “જુઓ! તમે જે બીજ વાવ્યાં છે, એનો હું તમારા લીધે નાશ કરીશ.*+ હું તમારા મોઢા પર છાણ ચોપડીશ, હા, તમે તહેવારોમાં ચઢાવેલાં પ્રાણીઓનું છાણ ચોપડીશ. તમને ઊંચકીને ત્યાં* ફેંકી દેવામાં આવશે. ૪ ત્યારે તમે જાણશો કે એ આજ્ઞા મેં તમને આપી છે, જેથી લેવી સાથે કરેલો મારો કરાર* ચાલુ રહે,”+ એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે.
૫ “મેં લેવી સાથે જે કરાર કર્યો, એના લીધે તેને જીવન મળ્યું, તેને શાંતિ મળી. મેં તેને એ આશીર્વાદ આપ્યો જેથી તે મારો ડર* રાખે. તેણે મારો ડર રાખ્યો અને મારા નામનો આદર પણ કર્યો. ૬ તેના મોંમાં સત્યનું શિક્ષણ હતું.*+ તેના હોઠે બૂરાઈ ન હતી. તે મારી સાથે શાંતિ અને સચ્ચાઈથી ચાલ્યો.+ તેણે ઘણા લોકોને ખોટા માર્ગેથી પાછા વાળ્યા. ૭ યાજકના હોઠે તો જ્ઞાનની વાતો હોવી જોઈએ. લોકોએ તેની પાસેથી નિયમ શીખવો* જોઈએ,+ કેમ કે તે સૈન્યોના ઈશ્વર યહોવાનો સંદેશવાહક છે.
૮ “પણ હે યાજકો, તમે સાચા રસ્તેથી ભટકી ગયા છો. તમારા લીધે ઘણા લોકોએ નિયમ વિશે* ઠોકર ખાધી છે.+ તમે લેવી સાથે કરેલો કરાર તોડ્યો છે,”+ એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે. ૯ “એટલે બધા લોકો આગળ હું તમને તુચ્છ ગણીશ અને નીચા પાડીશ, કેમ કે તમે મારા માર્ગોથી ભટકી ગયા છો. તમે નિયમને મન ફાવે એ રીતે લાગુ પાડ્યો છે અને ન્યાય કરવામાં પક્ષપાત કર્યો છે.”+
૧૦ “શું આપણા બધાના એક જ પિતા નથી?+ શું આપણને બધાને એક જ ઈશ્વરે બનાવ્યા નથી? તો પછી આપણે કેમ એકબીજા સાથે કપટથી વર્તીએ છીએ?+ કેમ આપણા બાપદાદાઓના કરારનું અપમાન કરીએ છીએ? ૧૧ યહૂદા કપટથી વર્ત્યો છે. ઇઝરાયેલ અને યરૂશાલેમમાં એવાં કામો થયાં છે, જેને ઈશ્વર ધિક્કારે છે. યહૂદાએ પારકા દેવને ભજતી સ્ત્રી* સાથે લગ્ન કર્યું છે.+ તેણે યહોવાની પવિત્રતાનું* અપમાન કર્યું છે,+ જે તેમને ખૂબ વહાલી છે. ૧૨ જે માણસ* એવું કામ કરે છે, તેનો યાકૂબના તંબુઓમાંથી યહોવા નાશ કરશે. પછી ભલેને તે સૈન્યોના ઈશ્વર યહોવાને ભેટ-અર્પણ ચઢાવતો હોય.”+
૧૩ “તમે એવું પણ કંઈક કરો છો, જેના લીધે લોકો રડે છે અને વિલાપ કરે છે. તેઓનાં આંસુઓથી યહોવાની વેદી છલકાઈ જાય છે. એટલે તે તમારું ભેટ-અર્પણ સ્વીકારતા નથી અને તમે આપેલી વસ્તુથી ખુશ થતા નથી.+ ૧૪ તમે કહો છો, ‘એવું તો અમે શું કર્યું છે?’ તમે યુવાનીની તમારી પત્ની સાથે કપટથી વર્ત્યા છો અને યહોવા એ વાતની સાક્ષી આપે છે. તે તો તમારી જીવનસાથી છે, તમારી પત્ની છે જેની સાથે તમે કરાર કર્યો છે.*+ ૧૫ જોકે તમારામાંથી અમુક લોકો હજી પણ ઈશ્વરની પવિત્ર શક્તિ* પ્રમાણે ચાલે છે. તેઓએ પાકો નિર્ણય કર્યો છે કે તેઓ કપટથી નહિ વર્તે. તેઓ એવાં બાળકો ચાહે છે, જેઓ ઈશ્વરના લોકો* હોય. તમે પણ તમારાં દિલની તપાસ કરો અને યોગ્ય વલણ કેળવો. મનમાં ગાંઠ વાળો કે તમે તમારી યુવાનીની પત્ની સાથે કપટથી નહિ વર્તો. ૧૬ કેમ કે હું* છૂટાછેડાને ધિક્કારું છું,”+ એવું ઇઝરાયેલના ઈશ્વર યહોવા કહે છે. “હિંસા કરનારને* પણ હું ધિક્કારું છું,” એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે. “તમે તમારાં દિલની તપાસ કરો અને યોગ્ય વલણ કેળવો. મનમાં ગાંઠ વાળો કે તમે કપટથી નહિ વર્તો.+
૧૭ “તમે તમારી વાતોથી યહોવાને થકવી નાખ્યા છે.+ પણ તમે કહો છો, ‘અમે કઈ રીતે તેમને થકવી નાખ્યા છે?’ એવું કહીને કે ‘ખરાબ કામ કરનાર માણસ તો યહોવાની નજરમાં સારો છે, ઈશ્વર તેનાથી ખુશ થાય છે,’+ અને એવું કહીને કે ‘ક્યાં છે ન્યાયના ઈશ્વર?’”