અંજીર ઝાડની ખૂબી
મધ્ય પૂર્વના દેશોમાં ઉનાળા વખતે છાંયડો ઘણો જ જરૂરી હોય છે. ધગધગતા તાપમાં, કોઈ પણ ઝાડ છાંયડો આપે તો કેટલી તાજગી મળે છે! વળી, ઘરની નજીક કોઈ એવું ઝાડ હોય તો પછી જોઈએ જ શું! એમાંય અંજીરના ઝાડની તો વાત જ કંઈ ઓર છે. એનાં મોટા અને જાડા પાંદડાનો તો વિચાર કરો. તેમ જ, આખા ઝાડમાં ફેલાયેલી એની ડાળીઓ કેટલો ઠંડો છાંયડો આપે છે! તેથી, અંજીરનું ઝાડ આ દેશના બીજા કોઈ પણ ઝાડ કરતાં સૌથી સરસ છાંયડો આપે છે.
બાઇબલમાં જણાવેલાં વૃક્ષો વિષે એક પુસ્તકમાં સુંદર સમજણ આપવામાં આવી છે. એ પુસ્તક કહે છે, “[અંજીરના ઝાડનો] છાંયડો, એક તંબુ કરતાં પણ વધારે ઠંડો અને તાજગી આપનારો હોય છે.” પ્રાચીન ઈસ્રાએલમાં દ્રાક્ષવાડીને કિનારે અંજીર વૃક્ષો થતા હતા. એ વૃક્ષો નીચે, કામથી થાકેલા મજૂરો બે ઘડી આરામ લેતા હતા.
ગરમીના દિવસોમાં, ઘણા લોકો પોતાના અંજીર ઝાડ નીચે, કુટુંબ સાથે બેસતા અને આનંદ કરતા. એ ઉપરાંત, અંજીર ઝાડ પોતાના માલિકને પુષ્કળ પૌષ્ટિક ફળો પણ આપતા હતા. રાજા સુલેમાનના સમયમાં, પોતાના અંજીર ઝાડ નીચે બેસવાનો અર્થ થતો કે, લોકો ખાધે-પીધે સુખી હતા અને સુખ-ચેનથી જીવતા હતા.—૧ રાજાઓ ૪:૨૪, ૨૫.
લગભગ ૪૦૦થી વધારે વર્ષ પહેલાં, પ્રબોધક મુસાએ વચનના દેશને ‘અંજીરીઓનો દેશ’ કહ્યો હતો. (પુનર્નિયમ ૮:૮) બાર જાસૂસોએ પણ ઈસ્રાએલ પાછા ફરતા, અંજીરો અને બીજા ફળ લાવીને બતાવ્યું કે એ દેશ કેટલો ફળદ્રુપ છે. (ગણના ૧૩:૨૧-૨૩) એક મુસાફરે, લગભગ ૧૦૦થી વધુ વર્ષ પહેલાં બાઇબલમાં જણાવેલા દેશોની મુલાકાત લીધી. તેણે નોંધ્યું કે ત્યાં ઠેરઠેર અંજીરના ઝાડ છે. એટલે જ તો બાઇબલ ઘણી વખતે અંજીર અને અંજીરના વૃક્ષોનું દૃષ્ટાંત વાપરે છે!
વર્ષમાં બે વખતે ફળ આવવા
અંજીરનું ઝાડ કોઈ પણ પ્રકારની માટીમાં સહેલાઈથી ઊગે છે. વળી મધ્ય પૂર્વના દેશોમાં, ઉનાળા વખતે સખત ગરમી હોય છે અને જમીન પણ સૂકાઈ જાય છે. તેમ છતાં એનાં લાંબા મૂળ, આવી જમીનમાં પણ ટકી રહે છે. આ ઝાડ બીજા કોઈ પણ ઝાડ કરતાં અલગ છે. એનું કારણ, એને બે વખતે ફળ આવે છે. એક જૂન મહિનામાં અને બીજો ખરો પાક ઑગસ્ટમાં. (યશાયાહ ૨૮:૪) ઈસ્રાએલી લોકો જૂન મહિનામાં થતા ફળોને ખાતાં પણ ઑગસ્ટના ફળોને સૂકવી દેતા જેથી આખું વર્ષ એનો ઉપયોગ થઈ શકે. એ સૂકા અંજીરનો કેક બનાવવામાં ઉપયોગ થતો. કોઈક વખતે એની સાથે બદામ પણ નાખવામાં આવતી. આ અંજીર કેક ખાવામાં ઘણો જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે.
તેમ જ અબીગાઈલે, રાજા દાઊદને અંજીરનાં ૨૦૦ ચકતાં બનાવીને ભેટ તરીકે આપ્યાં. (૧ શમૂએલ ૨૫:૧૮, ૨૭) વળી, અંજીર દવા તરીકે પણ કામ આવતું હતું. જેમ કે, રાજા હિઝકીયાહ ગૂમડાંના દરદથી હેરાન પરેશાન હતા. પણ અંજીરનું ચકતું એ ગૂમડાં પર લગાવવાથી, તે તરત જ સાજા થઈ ગયા. જો કે હિઝકીયાહની બીમારી દૂર કરવામાં તો ખાસ યહોવાહનો હાથ હતો.a—૨ રાજાઓ ૨૦:૪-૭.
પ્રાચીન સમયમાં, ભૂમધ્ય પ્રદેશમાં સૂકા અંજીરનો ઘણો જ ઉપયોગ થતો હતો. રોમના મુખ્ય અધિકારી કેટોએ અંજીર બતાવીને, સેનેટને કાર્થેજ સામે ત્રીજું યુદ્ધ કરવા જણાવ્યું. રોમમાં સૌથી સ્વાદિષ્ટ સૂકા અંજીર એશિયા માઈનોરના કેરીયા પ્રદેશથી આવે છે. આમ, સૂકા અંજીર માટે લૅટિન નામ કેરીકા પડ્યું. આજે પણ એ પ્રદેશ તુર્કીમાં છે જ્યાં સૌથી સારા સૂકા અંજીર મળે છે.
ઈસ્રાએલી ખેડૂતો, દ્રાક્ષવાડીમાં ઘણી વખતે અંજીરના વૃક્ષો રોપતા હતા. પણ જે ઝાડ ફળ ન આપતું, એને તેઓ કાપી નાખતા હતા. એનું કારણ તેઓ સારી જમીન નકામા ઝાડ માટે રોકી રાખતા ન હતા. વળી, ઈસુના સમયમાં દરેક ઝાડ પર કર ભરવો પડતો. તેથી જો કોઈ ઝાડ ફળ ન આપે તો, તે ખેડૂત માટે ઘણું જ મોંઘું પડી જતું. એટલા માટે, ઈસુએ અંજીરના નકામા ઝાડનું ઉદાહરણ આપ્યું કે, એક ખેડૂતે દ્રાક્ષવાડીના માળીને કહ્યું: “આ અંજીરી કાપી નાખ, તે નકામી જગા રોકે છે. ત્રણ ત્રણ વરસ સુધી મેં ધીરજ રાખી પણ તેના પરથી મને એકે ફળ મળ્યું નથી.”—લૂક ૧૩:૬, ૭, IBSI.
અંજીર ઈસ્રાએલીઓના ખોરાકમાં પણ મુખ્ય હતું. વળી, જો ઝાડને અંજીર ન આવે તો, એ યહોવાહ તરફથી આવેલી આફત છે એમ તેઓ માનતા હતા. (હોશીઆ ૨:૧૨; આમોસ ૪:૯) પ્રબોધક હબાક્કૂકે કહ્યું: “જોકે અંજીરીને મોર ન આવે, ને દ્રાક્ષાવેલાઓને દ્રાક્ષા ન લાગે; જૈતુનની પેદાશ ન થાય, ખેતરોમાં કંઈ અન્ન પાકે નહિ; . . . તોપણ હું યહોવાહમાં હર્ષ પામીશ, હું મારા મોક્ષદાતા દેવમાં આનંદ કરીશ.”—હબાક્કૂક ૩:૧૭, ૧૮.
અવિશ્વાસી યહુદીઓ
ઘણી વખતે, બાઇબલ અંજીરો અને એના વૃક્ષોનો ઉપયોગ ચિહ્ન તરીકે કરે છે. દાખલા તરીકે, યિર્મેયાહે યહુદાહના વિશ્વાસુ બંદીવાનોને ટોપલીના સૌથી સારા અંજીરો સાથે સરખાવ્યા. એ જૂન મહિનાના અંજીર છે, જે તાજા જ ખાઈ શકાય છે. પરંતુ, અવિશ્વાસી બંદીવાનોને ટોપલીના બગડી ગયેલાં અંજીર સાથે સરખાવે છે, જે ખાઈ શકાતા નથી અને ફેંકી દેવામાં આવે છે.—યિર્મેયાહ ૨૪:૨, ૫, ૮, ૧૦.
ઈસુએ જે નકામા અંજીર ઝાડનું દૃષ્ટાંત આપ્યું એમાં, યહુદાહ લોકો માટે યહોવાહ કેટલી ધીરજ બતાવે છે એ તેમણે જણાવ્યું. આગળ જોઈ ગયા એ પ્રમાણે, ઈસુએ એક માણસની વાત કરી જેની દ્રાક્ષવાડીમાં એક અંજીરનું ઝાડ હતું. એ ઝાડ એક પણ ફળ આપતું ન હતું તેથી એનો માલિક એને કાપી નાખવા કહે છે. પરંતુ, માળી કહે છે: “આટલું એક વર્ષ તેને રહેવા દો. હું પોતે તેની ખાસ માવજત કરીશ અને પુષ્કળ ખાતર નાખીશ. આમ કરવા છતાં પણ જો તે ફળ નહિ આપે તો પછી હું તેને કાપી નાખીશ.”—લુક ૧૩:૮, ૯, IBSI.
ઈસુએ આ દૃષ્ટાંત આપ્યું ત્યારે, તે ત્રણ વરસથી યહુદી લોકોને પ્રચાર કરી જ રહ્યા હતા. ઈસુ ઇચ્છતા હતા કે તેઓ વિશ્વાસ કરે. તેથી તેમણે તનતોડ મહેનત કરી, તેઓને મોકો આપ્યો અથવા બીજા શબ્દોમાં કહીએ તો, અંજીર ઝાડ “ફળદ્રુપ” બની શકે માટે ઈસુએ સખત મહેનત કરી. પરંતુ, ઈસુ મરણ પામ્યા એ અઠવાડિયા પહેલાં જ આ યહુદી લોકોએ તેમનો નકાર કર્યો.—માત્થી ૨૩:૩૭, ૩૮.
તેથી, ફરી એક વાર ઈસુ યહુદાહની સ્થિતિ જણાવવા અંજીર ઝાડનું દૃષ્ટાંત આપે છે. તે મરણ પામ્યા એના ચાર દિવસ પહેલા, ઈસુ બેથાનીઆથી યરૂશાલેમ મુસાફરી કરી રહ્યા હતા. તેમણે રસ્તામાં એક અંજીર ઝાડ જોયું જેને પુષ્કળ પાન હતા પણ એકેય ફળ ન હતું. જો કે જૂન મહિનામાં, પાંદડાની સાથે સાથે જ ફળ આવે છે. ઘણી વખતે તો પાંદડાં પહેલાં જ ફળ આવી જાય છે. પરંતુ ઝાડ પર એકેય ફળ ન હતું એ જ બતાવે છે કે એ નકામું બની ગયું હતું.—માર્ક ૧૧:૧૩, ૧૪.b
આ ઝાડ હતું તો લીલુંછમ પણ એના પર એકેય ફળ ન હતું. એ જ રીતે, યહુદીઓ પણ બહારથી તો વિશ્વાસુ લાગતા હતા પણ અંદરથી તેઓ અવિશ્વાસુ હતા. તેઓમાં યહોવાહને પસંદ પડે એવા કોઈ ગુણ ન હતા. તેથી જ તો તેઓએ ઈસુ ખ્રિસ્ત યહોવાહના પુત્ર છે એમ માનવાનો નકાર કર્યો. ઈસુએ આ નકામા ઝાડને શાપ આપ્યો એના બીજા જ દિવસે એ અંજીરી સૂકાઈ ગઈ. આ સૂકાઈ ગયેલી અંજીરી બતાવે છે કે, યહોવાહ આ યહુદીઓને પોતાની પસંદ કરેલી પ્રજા નહિ બનાવે.—માર્ક ૧૧:૨૦, ૨૧.
“અંજીરી પરથી બોધપાઠ શીખો”
તે ઉપરાંત, ઈસુએ અંજીરીના ઝાડના દૃષ્ટાંતનો પોતાના આગમન માટે પણ ઉપયોગ કર્યો. તેમણે કહ્યું: “અંજીરી પરથી બોધપાઠ લો. જ્યારે તેની ડાળી કુમળી હોય છે અને પાંદડાં ફૂટવા લાગે છે ત્યારે તમે સમજી શકો છો કે ઉનાળો પાસે આવ્યો છે. તે જ પ્રમાણે, જ્યારે તમે આ બધા બનાવો બનતા જુઓ ત્યારે તમારે જાણી લેવું કે મારું આગમન તદ્દન નજીક છે; અરે, છેક બારણા પાસે જ છે.” (માત્થી ૨૪:૩૨, ૩૩, IBSI) અંજીરના પાંદડાં એકદમ ચકચકતાં, લીલાછમ અને આકર્ષિત હોય છે. એનાથી આપણને તરત જ ખબર પડી જાય છે કે ઉનાળો નજીક છે. એ જ રીતે, માત્થી ૨૪, માર્ક ૧૩ અને લુકના ૨૧માં અધ્યાયમાં જોવા મળતી ઈસુની ભવિષ્યવાણી સ્પષ્ટ બતાવે છે કે, તે અત્યારે સ્વર્ગમાં રાજ કરી રહ્યા છે.—લુક ૨૧:૨૯-૩૧.
ખરેખર, આજે આપણે ઇતિહાસના સૌથી ખરાબ દિવસોમાં જીવી રહ્યા છે. એવા સમયે, અંજીર ઝાડના દૃષ્ટાંત પરથી આપણે ઘણું શીખી શકીએ છીએ. જો આપણે એ દૃષ્ટાંત ધ્યાનમાં રાખીશું અને યહોવાહની સેવાને જ પ્રથમ રાખીશું તો, ચોક્કસ યહોવાહે આપેલું વચન આપણે જોઈ શકીશું: “પણ તેઓ સર્વ પોતપોતાના દ્રાક્ષાવેલા તળે તથા પોતપોતાની અંજીરી તળે બેસશે; અને કોઈ તેમને બીવડાવશે નહિ; કેમકે સૈન્યોના યહોવાહના મુખમાંથી એ વચન નીકળ્યું છે.”—મીખાહ ૪:૪.
[ફુટનોટ્સ]
a કુદરતનો અભ્યાસ કરનાર એચ. બી. ટ્રીસ્ટ્રામે ૧૯મી સદીની મધ્યમાં, બાઇબલમાં બતાવેલા દેશોની મુલાકાત લીધી હતી. એ સમયમાં તેમણે જોયું કે, લોકો હજુ પણ ગૂમડાં પર અંજીરના ચકતાં લગાવતા હતા.
b આ બનાવ બેથફાગે ગામની નજીક બન્યો હતો. બેથફાગેનો અર્થ થાય છે કે, “જૂન મહિનાના અંજીરનું કોઠાર.” એ જ બતાવે છે કે અહીંયાં જૂન મહિનાના અંજીર ખૂબ જ થતા હતા. તેથી, આ જગ્યા બહુ જાણીતી હતી.