હોશિયા
૨ “તમારા ભાઈઓને કહો, ‘મારા લોકો!’*+
તમારી બહેનોને કહો, ‘હે સ્ત્રી, તારા પર દયા બતાવવામાં આવી છે!’*+
૨ તમારી માતાને દોષિત ઠરાવો, હા, તેને દોષિત ઠરાવો,
કેમ કે તે મારી પત્ની નથી+ અને હું તેનો પતિ નથી.
તે વ્યભિચારનાં* કામો બંધ કરે
અને પોતાનાં સ્તનો વચ્ચેથી વ્યભિચાર દૂર કરે.
૩ નહિતર હું તેનાં કપડાં ઉતારી દઈશ,
તેને જન્મના દિવસે હતી એવી નગ્ન કરી દઈશ.
હું તેને વેરાન પ્રદેશ જેવી,
પાણી વગરની સૂકી જમીન જેવી બનાવી દઈશ,
હું તેને તરસે મરવા દઈશ.
૪ હું તેના દીકરાઓ પર દયા બતાવીશ નહિ,
કેમ કે તેઓ વ્યભિચારથી જન્મેલા છે.
૫ તેઓની માએ વ્યભિચાર કર્યો છે.+
તેઓએ જેની કૂખે જન્મ લીધો, એ માએ શરમજનક કામ કર્યું છે.+
તેણે કહ્યું, ‘હું તો મારા પ્રેમીઓની પાછળ જઈશ,+
જેઓ મને રોટલી અને પાણી આપે છે,
જેઓ મને ઊન અને શણનાં કીમતી કપડાં, તેલ અને દ્રાક્ષદારૂ આપે છે.’
૬ એટલે હું તેનો માર્ગ કાંટાની વાડથી રોકી દઈશ,
હું તેની આગળ પથ્થરની દીવાલ ઊભી કરીશ,
જેથી તેને રસ્તો સૂઝે નહિ.
૭ તે પોતાના પ્રેમીઓનો પીછો કરશે, પણ તેઓ સુધી પહોંચી શકશે નહિ,+
તે તેઓને શોધશે, પણ તેઓ તેને મળશે નહિ.
તે કહેશે, ‘હવે હું મારા પતિ* પાસે પાછી જઈશ,+
કેમ કે હમણાં કરતાં તો હું તેની સાથે હતી ત્યારે વધારે સુખી હતી.’+
૮ તેણે માન્યું નહિ કે તેને અનાજ,+ નવો દ્રાક્ષદારૂ અને તેલ આપનાર તો હું જ હતો,
મેં તેને પુષ્કળ સોનું-ચાંદી આપ્યું હતું,
જે તેણે બઆલની* ભક્તિમાં વાપર્યું.+
૯ ‘એટલે હું પાછો આવીશ અને કાપણીના સમયે મારું અનાજ ઝૂંટવી લઈશ.
દ્રાક્ષો ભેગી કરવાની મોસમમાં હું મારો નવો દ્રાક્ષદારૂ લઈ લઈશ,+
તેની નગ્નતા ઢાંકવા મેં જે ઊન અને શણનાં કપડાં આપ્યાં હતાં, એ હું છીનવી લઈશ.
૧૦ હું તેના પ્રેમીઓના દેખતાં તેને નગ્ન કરીશ,
મારા હાથમાંથી કોઈ તેને છોડાવી શકશે નહિ.+
૧૧ હું તેની બધી ખુશીઓનો અંત લાવીશ,
તેના તહેવારો+ અને તેની ચાંદરાતોનો* અંત લાવીશ,
તેના સાબ્બાથો* અને ઠરાવેલા સમયના ખાસ સંમેલનોનો* પણ અંત લાવીશ.
૧૨ જે દ્રાક્ષાવેલાઓ અને અંજીરીઓ વિશે તે કહેતી હતી:
“એ તો મારા પ્રેમીઓએ આપેલી ભેટ છે,”
એને હું ખેદાન-મેદાન કરી નાખીશ,
એને હું જંગલ બનાવી દઈશ
અને જંગલી જાનવરો એ બધું નષ્ટ કરી દેશે.
૧૩ હું તેની પાસેથી એ બધા દિવસોનો હિસાબ લઈશ,
જ્યારે તે બઆલની મૂર્તિઓને બલિદાનો ચઢાવતી હતી,+
જ્યારે કાનની કડીઓ* અને ઘરેણાંથી સજીધજીને તે તેના પ્રેમીઓ પાછળ જતી હતી
અને મને સાવ ભૂલી ગઈ હતી,’+ એવું યહોવા કહે છે.
૧૪ ‘એટલે હું તેને મનાવીને વેરાન પ્રદેશમાં લઈ જઈશ,
તેનું દિલ જીતી લેવા હું તેની સાથે પ્રેમથી વાત કરીશ.
૧૫ એ વખતે હું તેની દ્રાક્ષાવાડીઓ તેને પાછી આપીશ,+
આશાના દ્વાર તરીકે હું તેને આખોરની ખીણ*+ આપીશ,
ત્યાં તે મને જવાબ આપશે, જેમ તે પોતાની યુવાનીમાં,
હા, ઇજિપ્તમાંથી* નીકળી આવી એ દિવસે કરતી હતી.’+
૧૬ યહોવા કહે છે,
‘એ દિવસે તું મને “મારા પતિ” કહીને બોલાવીશ,
તું મને ફરી કદી “મારા માલિક”* કહીને નહિ બોલાવે.’
૧૭ ‘હું તેના હોઠ પરથી બઆલની મૂર્તિઓનાં નામ દૂર કરીશ,+
તેઓનાં નામ ફરી કદી યાદ કરવામાં નહિ આવે.+
૧૮ એ દિવસે હું મારા લોકોના ભલા માટે જંગલી જાનવરો સાથે,
આકાશનાં પક્ષીઓ સાથે અને પૃથ્વી પર પેટે ચાલનાર પ્રાણીઓ સાથે એક કરાર* કરીશ,+
હું દેશમાંથી ધનુષ્ય, તલવાર અને યુદ્ધને દૂર કરીશ,+
હું મારા લોકોને સલામતીમાં રાખીશ.+
૧૯ હું તારી સાથે સગાઈ કરીને તને સદા માટે મારી બનાવીશ.
હું તને વચન આપું છું,
હું તારી સાથે સચ્ચાઈ* અને ન્યાયથી વર્તીશ,
૨૦ હું વચન આપું છું કે તને વફાદાર રહીશ,
અને તું ચોક્કસ યહોવાને ઓળખશે.’+
૨૧ યહોવા કહે છે, ‘એ દિવસે હું જવાબ આપીશ,
હું આકાશોને જવાબ આપીશ,
આકાશો પૃથ્વીને જવાબ આપશે,+
૨૨ પૃથ્વી અનાજને, નવા દ્રાક્ષદારૂને અને તેલને જવાબ આપશે
અને તેઓ યિઝ્રએલને* જવાબ આપશે.+
૨૩ હું મારા લોકોને* ધરતીમાં બી તરીકે વાવીશ.+
જેઓ પર દયા બતાવવામાં આવી ન હતી,* તેઓ પર હું દયા બતાવીશ.
જેઓ મારા લોકો ન હતા,* તેઓને હું કહીશ: “તમે મારા લોકો છો”+
અને તેઓ મને કહેશે: “તમે અમારા ઈશ્વર છો.”’”+