અમે અમારા ઈશ્વર યહોવાહના નામ પર શ્રદ્ધા રાખીને ચાલીશું
“અમે સદાસર્વકાળ અમારા દેવ યહોવાહના નામ પર શ્રદ્ધા રાખીને ચાલીશું.”—મીખાહ ૪:૫.
૧. નુહનો જમાનો કેવો હતો પણ તે કઈ રીતે બીજા લોકોથી અલગ રહ્યા?
બાઇબલ જણાવે છે કે માણસજાતમાંથી પ્રથમ હનોખ ઈશ્વર સાથે ચાલ્યા. તેમના પછી નુહ ઈશ્વર સાથે ચાલ્યા. ‘પોતાના જમાનામાં નુહ ન્યાયી તથા સીધા માણસ હતા; અને નુહ દેવની સાથે ચાલતા.’ (ઉત્પત્તિ ૬:૯) નુહના જમાના સુધી, માણસજાત સાચી ભક્તિથી ખૂબ દૂર ચાલી ગઈ હતી. અરે, અમુક દેવદૂતો ધરતી પર આવ્યા અને સ્ત્રીઓ સાથે જાતીય સંબંધ રાખ્યો ત્યાર પછી તો હાલત વધારે ખરાબ થતી ગઈ. કેમ કે, સ્ત્રીઓએ રાક્ષસ જેવા બાળકોને જન્મ આપ્યો. એ બાળકો નેફિલિમ કહેવાયા. તેઓ “પુરાતન કાળના બળવાનો, નામાંકિત પુરુષો હતા.” એટલા માટે દુનિયા ખૂબ હિંસાથી ભરાઈ ગઈ! (ઉત્પત્તિ ૬:૨, ૪, ૧૧) આવા સંજોગોમાં પણ, નુહ એક સીધા માણસ રહ્યા અને “ન્યાયીપણાના ઉપદેશક” બન્યા. (૨ પીતર ૨:૫) ઈશ્વરે નુહને હુકમ આપ્યો કે તારો જીવ બચાવવા માટે વહાણ બાંધ. “નુહે એમ જ કર્યું.” ઈશ્વરે ‘તેમને જે સર્વ આજ્ઞા આપી હતી, તે પ્રમાણે તેમણે કર્યું.’ (ઉત્પત્તિ ૬:૨૨) ખરેખર, નુહ ઈશ્વર સાથે ચાલ્યા.
૨, ૩. નુહે આપણા માટે કેવો સારો દાખલો બેસાડ્યો?
૨ પાઊલે ઈશ્વરભક્તો વિષે લખ્યું ત્યારે તેમણે નુહ વિષે કહ્યું: “નુહે જે વાત હજી સુધી તેના જોવામાં આવી નહોતી, તે વિષે ચેતવણી પામીને, અને ઈશ્વરનો ડર રાખીને વિશ્વાસથી પોતાના કુટુંબના તારણને સારૂ વહાણ તૈયાર કર્યું; તેથી તેણે જગતને દોષિત ઠરાવ્યું, અને વિશ્વાસથી જે ન્યાયીપણું મળે છે તેનો તે વારસ થયો.” (હેબ્રી ૧૧:૭) કેટલો સારો દાખલો! નુહને પાક્કી ખાતરી હતી કે યહોવાહે જે કહ્યું છે એ ચોક્કસ કરશે જ. નુહે તન, મન અને ધનથી યહોવાહની આજ્ઞા પાળી. આજે પણ ઘણા ભાઈ-બહેનો પૈસા કે નામના કમાવા પાછળ પડવાને બદલે, પોતાના તન, મન અને ધનથી યહોવાહની સેવા કરે છે. તેઓનો વિશ્વાસ ખરેખર જોવા જેવો છે. એ વિશ્વાસથી તેઓને અને બીજાઓને તારણ મળે છે.—લુક ૧૬:૯; ૧ તીમોથી ૪:૧૬.
૩ ગયા લેખમાં આપણે શીખ્યા કે હનોખને પોતાની શ્રદ્ધા જાળવી એ કંઈ સહેલું ન હતું. તેમ જ તેમના પૌત્ર નુહ અને તેમના કુટુંબ માટે પણ ખૂબ અઘરું હતું. હનોખના જમાનાની જેમ, નુહના દિવસોમાં પણ થોડાક જ ઈશ્વરભક્તો હતા. નુહના દિવસોમાં ફક્ત આઠ જણ જળપ્રલયમાંથી બચ્યા. નુહે પાપ અને હિંસા ભરેલી દુનિયામાં પ્રચાર કર્યો. વધુમાં, એ દિવસોમાં કોઈએ કદી પૂર જોયું ન હતું. તેમ છતાં, નુહ અને તેમના પરિવારે મહાન જળપ્રલયમાંથી બચવા માટે લાકડાનું એક મોટું વહાણ બાંધ્યું. એ જોઈને લોકોને લાગ્યું કે નુહ અને તેમનું કુટુંબ જાણે પાગલ થઈ ગયા છે.
૪. ઈસુએ નુહના જમાનાના લોકો વિષે શું કહ્યું?
૪ નુહના દિવસોમાં દુનિયા હિંસા, જૂઠા ધર્મો અને અનૈતિકતાથી ભરેલી હતી. પરંતુ, ઈસુએ નુહ વિષે વાત કરી ત્યારે આ બાબતો વિષે કંઈ કહ્યું નહિ. ઈસુએ એના પર જ ભાર મૂક્યો કે લોકોએ નુહની ચેતવણી સાંભળી નહિ. તેમણે કહ્યું, “જલપ્રલયની અગાઉ નુહ વહાણમાં ચઢી બેઠો ત્યાં સુધી તેઓ ખાતાપીતા, ને પરણતા પરણાવતા હતા.” શું ખાવું, પીવું અને લગ્ન કરવું એ ખોટું હતું? લોકો તો રોજિંદા જીવનની બાબતો જ કરતા હતા! પરંતુ, આવી રહેલા જળપ્રલય વિષે નુહ પ્રચાર કરતા હતા. નુહના શબ્દો અને વર્તન લોકો માટે એક ચેતવણી હતી. તોપણ “જલપ્રલય આવીને સહુને તાણી લઈ ગયો ત્યાં સુધી તેઓ ન સમજ્યા.”—માત્થી ૨૪:૩૮, ૩૯.
૫. નુહ અને તેમના કુટુંબને કેવા ગુણો બતાવવાની જરૂર હતી?
૫ એ દિવસો વિષે વિચાર કરવાથી આપણને જાણવા મળે છે કે નુહે સારો જીવન માર્ગ પસંદ કર્યો હતો. એ દિવસોમાં દુનિયાના લોકોથી અલગ રહેવું ખૂબ હિંમત માગી લેતું હતું. મોટું વહાણ બાંધીને એમાં જુદી જુદી જાતના પ્રાણીઓ ભેગા કરવા માટે નુહ અને તેમના કુટુંબને ઈશ્વરમાં અટલ શ્રદ્ધાની જરૂર હતી. એ સમયે નુહ કે તેના કુટુંબમાંથી કોઈને એવો વિચાર પણ આવ્યો હોય શકે કે ‘હું સામાન્ય જિંદગી જીવી શકું તો કેટલું સારું? લોકોની નજરમાં ન આવું તો કેટલું સારું?’ ભલે તેઓને આવા વિચારો આવ્યા હોય, પણ તેઓની શ્રદ્ધા ડગી નહિ. તારણ મેળવવા માટે આપણે કોઈએ પણ રાહ જોવી પડે એના કરતાં ઘણાં વર્ષો રાહ જોયા પછી, વિશ્વાસને લીધે નુહ અને તેમનું કુટુંબ પ્રલયમાંથી બચી ગયા. જેઓ એ દિવસોમાં રોજિંદા જીવનમાં ડૂબેલા રહ્યા અને દુનિયાની હાલત વિષે કંઈ ધ્યાન ન આપ્યું, તેઓ યહોવાહને હાથે માર્યા ગયા.
દુનિયા ફરી હિંસાથી ભરાઈ ગઈ
૬. પ્રલય બાદ, દુનિયામાં ફરી કેવી હાલત ઊભી થઈ?
૬ પ્રલયના પાણી ઓસરી ગયા બાદ, માનવ પરિવારે એક નવી શરૂઆત કરી. જોકે, એ સમયે મનુષ્યો હજુ પાપી જ હતા. ‘માણસના મનની કલ્પના તેના બાળપણથી ભૂંડી હતી.’ (ઉત્પત્તિ ૮:૨૧) ભલે ખરાબ સ્વર્ગદૂતો ફરી માનવ દેહ લઈ શકતા ન હતા, તેઓ હજી માણસોને ખૂબ અસર કરી રહ્યા હતા. અધર્મી માણસજાતે જલદી જ બતાવી આપ્યું કે તેઓ “દુષ્ટની સત્તામાં રહે છે.” જેમ આજે આપણે શેતાન સામે ઝઝૂમવું પડે છે તેમ, ત્યારે પણ ઈશ્વરભક્તોએ “શેતાનની કુયુક્તિઓની સામે” લડવું પડતું હતું.—૧ યોહાન ૫:૧૯; એફેસી ૬:૧૧, ૧૨.
૭. પ્રલય પછી દુનિયામાં હિંસા કઈ રીતે વધી?
૭ જળપ્રલય પછી નિમ્રોદ આવ્યો અને તેના સમયથી આ ધરતી પર ફરીથી દુષ્ટતા વધતી જ ગઈ. વસ્તી વધી અને લોકોએ ટૅક્નૉલૉજીમાં વધુ પ્રગતિ કરી, તેમ હિંસા વધતી ગઈ. પહેલાં તો માનવ તલવાર અને ભાલો, તીર-કામઠું અને રથોનો ઉપયોગ કરતો. પરંતુ, છેલ્લાં સોએક વર્ષમાં માણસોએ પ્રગતિ કરી તેમ, બંદૂક, રાઇફલ અને મોટી મોટી તોપો વાપરવા લાગ્યા. પહેલા વિશ્વયુદ્ધમાં તો માનવીઓએ વિમાનો, રણગાડીઓ કે ટેન્ક, સબમરીન અને ઝેરી ગેસ જેવા ખતરનાક સાધનો બનાવ્યા. એ યુદ્ધમાં એવાં સાધનોથી લાખોનો જીવ લેવાયો. શું આ કોઈ અણધાર્યું પરિણામ હતું? ના.
૮. પ્રકટીકરણ ૬:૧-૪ની ભવિષ્યવાણી કઈ રીતે સાચી પડી છે?
૮ વર્ષ ૧૯૧૪માં ઈશ્વરના રાજ્યમાં ઈસુ રાજા બન્યા. ત્યારથી ‘પ્રભુના દહાડા’ શરૂ થયા. (પ્રકટીકરણ ૧:૧૦) પ્રકટીકરણનું પુસ્તક, ઈસુને રાજા બતાવે છે. તે સફેદ ઘોડા પર સવારી કરે છે. તેમની પાછળ પાછળ બીજા ઘોડેસવારો નીકળે છે. એ ઘોડેસવારો માનવ પર જુદા આફતો લાવે છે. તેઓમાં એક લાલ રંગનો ઘોડો છે. “તેના પર જે બેઠેલો હતો તેને પૃથ્વી પરથી શાંતિ લઈ લેવાની સત્તા આપવામાં આવી, જેથી તેઓ એકબીજાને મારી નાખે; વળી તેને એક મોટી તરવાર આપવામાં આવી.” (પ્રકટીકરણ ૬:૧-૪) એ ઘોડો અને એનો સવાર, લડાઈઓને રજૂ કરે છે. મોટી તલવાર બતાવે છે કે કેટલા મોટા પ્રમાણમાં મનુષ્યોની કતલ થશે અને એ અત્યંત કાતિલ હથિયારોને પણ રજૂ કરે છે. એ સાધનોમાં એવા અણુબૉંબ છે જે લાખો ને લાખો લોકોને મારી નાખી શકે છે. એ બૉંબ એવા રોકેટોમાં મૂકવામાં આવે છે જે હજારો કિલોમીટર દૂર ઊડીને ધારેલા નિશાન પર ફૂટી શકે છે. વળી, રાસાયણિક અને બાયોલોજિકલ હથિયારો પણ છે જે સામૂહિક જનસંહાર માટે વપરાય છે.
યહોવાહની ચેતવણી સાંભળો
૯. પ્રલય પહેલાંની અને આજની દુનિયા કઈ રીતે સરખી છે?
૯ નુહના જમાનામાં યહોવાહ આ ધરતી પર પ્રલય લઈ આવ્યા, કેમ કે નેફિલિમ અને બીજા દુષ્ટ મનુષ્યોએ લોકોનું જીવવું હરામ કરી નાખ્યું હતું. શું આજે નુહના જમાના કરતાં ઓછી હિંસા છે? ના! જેમ નુહના દિવસોમાં લોકો બસ રોજિંદા જીવનમાં ડૂબેલા હતા અને ચેતવણી સાંભળી નહિ, તેમ આજે લોકો એમ જ કરે છે. (લુક ૧૭:૨૬, ૨૭) તો શું આપણને કોઈ શંકા હોવી જોઈએ કે યહોવાહ ફરીથી મનુષ્યોનો નાશ કરશે કે કેમ? ના, જરાય નહિ.
૧૦. (ક) બાઇબલ ભવિષ્યવાણીમાં કઈ ચેતવણી વારંવાર આપવામાં આવી છે? (ખ) આજે સૌથી સારો માર્ગ કયો છે?
૧૦ પ્રલયના સેંકડો વર્ષો અગાઉ હનોખે જણાવ્યું હતું કે દુનિયાનો નાશ આપણા દિવસોમાં થશે. (યહૂદા ૧૪, ૧૫) ઈસુએ પણ “મોટી વિપત્તિ” વિષે વાત કરી. (માત્થી ૨૪:૨૧) બીજા પ્રબોધકોએ પણ એ સમય વિષે ચેતવણી આપી. (હઝકીએલ ૩૮:૧૮-૨૩; દાનીયેલ ૧૨:૧; યોએલ ૨:૩૧, ૩૨) પ્રકટીકરણનું પુસ્તક સાફ સાફ જણાવે છે કે વિનાશના વખતે શું થશે. (પ્રકટીકરણ ૧૯:૧૧-૨૧) આપણે દરેક નુહને અનુસરીને પ્રચાર કરતા રહીએ છીએ. આપણે યહોવાહની ચેતવણી સાંભળીને બીજાઓને એ સંદેશો પહોંચાડીએ છીએ. નુહની જેમ આપણે ઈશ્વર સાથે ચાલીએ છીએ. જેઓને સદા માટે જીવવું છે, તેઓ ઈશ્વર સાથે ચાલતા રહે એ બહુ મહત્ત્વનું છે. કેમ કે, આપણા પર રોજ દબાણો આવે છે, તો આપણે કઈ રીતે ઈશ્વર સાથે ચાલતા રહી શકીએ? આપણે પૂરો વિશ્વાસ રાખવો જોઈએ કે યહોવાહનાં સર્વ વચનો સાચા પડશે.—હેબ્રી ૧૧:૬.
મુશ્કેલીના દિવસોમાં ઈશ્વર સાથે ચાલતા રહો
૧૧. આપણે કઈ રીતે પ્રથમ સદીના ખ્રિસ્તીઓને અનુસરવું જોઈએ?
૧૧ પહેલી સદીમાં સ્વર્ગમાં જવા પસંદ થયેલા ભાઈ-બહેનો ‘એ માર્ગના,’ એટલે ખ્રિસ્તીના માર્ગના લોકો તરીકે ઓળખાતા. (પ્રેરિતોનાં કૃત્યો ૯:૨) તેઓનો વિશ્વાસ યહોવાહ અને ઈસુ ખ્રિસ્ત પર હતો. એના પર જ તેઓનું આખું જીવન નભતું. તેઓ તો બસ ઈસુના માર્ગમાં જ ચાલતા રહ્યા. આજે યહોવાહના સેવકો પણ એમ જ કરે છે.
૧૨. ઈસુએ ચમત્કાર કરીને લોકોને જમાડ્યા પછી શું થયું?
૧૨ વિશ્વાસ કેટલો મહત્ત્વનો છે? એ આપણને ઈસુના સેવાકાર્ય દરમિયાન બનેલા એક બનાવમાંથી જોવા મળે છે. આ પ્રસંગે ઈસુએ ચમત્કાર કરીને પાંચ હજારથી વધારે લોકોને જમાડ્યા. લોકો તો જોતા જ રહી ગયા અને સાથે સાથે ખુશ પણ થયા. પણ પછી શું બન્યું? બાઇબલ કહે છે: ‘તે લોકોએ ઈસુએ કરેલો એ ચમત્કાર જોઈને કહ્યું, કે જે પ્રબોધક જગતમાં આવનાર છે, તે નિશ્ચે આ જ છે. લોક આવીને મને રાજા કરવા સારૂ જબરદસ્તીથી પકડવાના છે, એ જાણીને ઈસુ બીજી વાર પહાડ પર એકલા ચાલ્યા ગયા.’ (યોહાન ૬:૧૦-૧૫) એ સાંજે ઈસુ બીજી કોઈ જગ્યાએ ચાલ્યા ગયા. ઈસુ રાજા ન બન્યા, એ જોઈને ઘણા લોકો નિરાશ થયા હશે. લોકોની નજરમાં ઈસુ હોશિયાર હતા, તેઓની જરૂરિયાતો પૂરી કરી શકતા હતા. યહોવાહે ઈસુને રાજા બનાવવાનો સમય નક્કી કર્યો હતો. પણ એ સમય હજુ આવ્યો ન હતો. વળી, ઈસુ પૃથ્વી પર નહિ, પણ સ્વર્ગમાં રાજ કરવાના હતા.
૧૩, ૧૪. લોકોના દિલમાં ખરેખર શું હતું અને તેઓના વિશ્વાસની પરીક્ષા કઈ રીતે થઈ?
૧૩ તોપણ, લોકો ઈસુને શોધવા નીકળી પડ્યા. યોહાન કહે છે તેમ, “સમુદ્રને પેલે પાર” તેઓએ ઈસુને શોધી કાઢ્યા. ઈસુને રાજા બનવું ન હતું તોપણ, કેમ લોકો તેમની પાછળ પાછળ ગયા? તેઓ જાણે ઈસુને કહેતા હતા કે, મુસાના દિવસમાં યહોવાહે ચમત્કારથી ખાવાનું આપ્યું હતું, તો તમે પણ અમારા માટે કોઈ ચમત્કાર કરીને ખોરાક આપો. તેઓના વિચારો સ્વાર્થી હતા. ઈસુ પારખી શક્યા કે તેઓની ઇચ્છા ખોટી છે. આથી, તે તેઓને સુધારવા સત્ય શીખવવા લાગ્યા. (યોહાન ૬:૧૭, ૨૪, ૨૫, ૩૦, ૩૧, ૩૫-૪૦) પણ, તેમનો બોધ સાંભળીને અમુક કચકચ કરવા લાગ્યા. એમાંય ઈસુએ આ દૃષ્ટાંત આપ્યું ત્યારે તો તેઓની કચકચ એકદમ જ વધી ગઈ: “હું તમને ખચીત ખચીત કહું છું, કે જો તમે માણસના દીકરાનું માંસ ન ખાઓ, અને તેનું લોહી ન પીઓ, તો તમારામાં જીવન નથી. જે કોઈ મારૂં માંસ ખાય છે અને મારૂં લોહી પીએ છે, તેને અનંતજીવન છે; અને છેલ્લે દહાડે હું તેને પાછો ઉઠાડીશ.”—યોહાન ૬:૫૩, ૫૪.
૧૪ ઘણી વખત ઈસુએ આપેલાં દૃષ્ટાંતો બતાવી આપતા કે લોકો ખરેખર ઈશ્વર સાથે ચાલવા માગે છે કે કેમ. માંસ વિષેનું દૃષ્ટાંત કામ કરી ગયું. લોકોમાં ધમાલ મચી ગઈ. પછી શું થયું એ જણાવતા બાઇબલ કહે છે: “એ માટે તેના શિષ્યોમાંના ઘણાએ એ સાંભળીને કહ્યું, કે આ કઠણ વાત છે, એ કોણ સાંભળી શકે?” ઈસુએ કહ્યું કે તેઓએ એનો ખરો અર્થ સમજવાની જરૂર છે. એટલે તેમણે કહ્યું: “જે જીવાડે છે તે આત્મા છે; માંસથી કંઈ લાભ થતો નથી. જે વાતો મેં તમને કહી છે, તે આત્મા તથા જીવન છે.” પણ એ કચકચ કરનારા સાંભળવા તૈયાર જ ન હતા. અહેવાલ કહે છે: ‘આ સાંભળીને તેના શિષ્યોમાંના ઘણા ત્યાર પછી તેની સાથે ચાલ્યા નહિ.’—યોહાન ૬:૬૦, ૬૩, ૬૬.
૧૫. ઈસુના અમુક શિષ્યોએ કેવું સારું વલણ બતાવ્યું?
૧૫ પરંતુ, ઈસુના સર્વ શિષ્યો એ પ્રમાણે ન વર્ત્યા. ખરું કે, ઈસુના વિશ્વાસુ શિષ્યો તેમની વાત પૂરી સમજ્યા ન હતા. તેમ છતાં, તેઓને ઈસુમાં પૂરેપૂરો ભરોસો હતો. ઈસુના શિષ્યોમાંથી પીતરે બધા વતી બોલતા કહ્યું: “પ્રભુ, અમે કોની પાસે જઈએ? અનંતજીવનની વાતો તો તારી પાસે છે.” (યોહાન ૬:૬૮) પીતરે કેવું સરસ વલણ બતાવ્યું. તેમણે કેવો સારો દાખલો બેસાડ્યો!
૧૬. આપણી કસોટી કઈ રીતે થઈ શકે અને આપણે શું વિચારવું જોઈએ?
૧૬ ઈસુના શિષ્યોની જેમ જ આપણી શ્રદ્ધાની પણ કસોટી થઈ શકે છે. આપણે કદાચ નિરાશ થઈ શકીએ કે ધાર્યા મુજબ યહોવાહનાં વચનો હજુ પૂરાં થયા નથી. અથવા આપણને થાય કે બાઇબલ વિષે સમજણ આપતા આપણાં પુસ્તકો સમજવા બહુ અઘરાં છે. કે પછી આપણે બીજા ખ્રિસ્તીઓના વાણી-વર્તનથી નિરાશ થઈ શકીએ. એ કે એના જેવાં બીજાં કારણોને લીધે શું આપણે યહોવાહને માર્ગે ચાલવાનું બંધ કરી દઈશું? જરાય નહિ! જે શિષ્યોએ ઈસુને છોડી દીધા તેઓએ બતાવી આપ્યું કે તેઓના વિચારો ખોટા હતા. આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણે તેઓની જેમ ન વર્તીએ.
‘આપણે પાછા હઠી’ જનારા નથી
૧૭. ઈશ્વર સાથે ચાલતા રહેવા માટે આપણને ક્યાંથી મદદ મળે છે?
૧૭ ઈશ્વરભક્ત પાઊલે કહ્યું: “દરેક શાસ્ત્ર ઈશ્વરપ્રેરિત છે.” (૨ તીમોથી ૩:૧૬) બાઇબલ દ્વારા યહોવાહ આપણને જણાવે છે: “માર્ગ આ છે, તે પર તમે ચાલો.” (યશાયાહ ૩૦:૨૧) યહોવાહનું કહેવું માનીને આપણે “કાળજીપૂર્વક સંભાળ” રાખીને ચાલી શકીએ. (એફેસી ૫:૧૫) બાઇબલનું જ્ઞાન લેવાથી અને જે શીખીએ એના પર મનન કરવાથી આપણે ‘સત્યમાં ચાલી’ શકીશું. (૩ યોહાન ૩) ઈસુએ જે કહ્યું એ સાચું કે “જે જીવાડે છે તે આત્મા છે; માંસથી કંઈ લાભ થતો નથી.” ફક્ત યહોવાહના માર્ગદર્શનથી જ આપણે તેમના માર્ગ પર ચાલી શકીએ છીએ. આ માર્ગદર્શન આપણને બાઇબલ, તેમના પવિત્ર આત્મા અને સંગઠન દ્વારા મળે છે.
૧૮. (ક) અમુક લોકો કેવાં ખોટાં પગલાં લે છે? (ખ) આપણે કેવો વિશ્વાસ કેળવવો જોઈએ?
૧૮ આજે સત્યમાં જ્યારે મનની ઇચ્છા પૂરી થતી નથી, ત્યારે અમુક યહોવાહનો માર્ગ છોડીને દુનિયામાં ચાલ્યા જાય છે. તેઓ ભૂલી જાય છે કે આપણે કેવા દિવસોમાં જીવી રહ્યા છીએ. ‘જાગતા રહેવા’ અને યહોવાહની સેવા કરવાને બદલે તેઓ સ્વાર્થી બનીને દુનિયા પાછળ દોડે છે. (માત્થી ૨૪:૪૨) પણ એવી રીતે ચાલવું સારું નથી. પાઊલે કહ્યું: “આપણે પાછા હઠીને નાશ પામનારા નથી, પણ જીવના ઉદ્ધારને અર્થે વિશ્વાસ કરનારા છીએ.” (હેબ્રી ૧૦:૩૯) હનોખ અને નુહની જેમ, આપણે પણ મુશ્કેલીઓના સમયમાં જીવીએ છીએ. છતાંયે તેઓની જેમ આપણે યહોવાહ સાથે ચાલી શકીએ છીએ. એમ કરીશું તો આપણને પાક્કી ખાતરી હશે કે યહોવાહનાં દરેક વચનો સાચા પડશે, જેમ કે દુષ્ટોનો નાશ થશે અને એક સુંદર નવી દુનિયા આવશે. કેટલી સુંદર આશા!
૧૯. મીખાહ યહોવાહના સાચા ભક્તોના નિર્ણય વિષે શું કહે છે?
૧૯ પ્રબોધક મીખાહે કહ્યું કે દુનિયાના લોકો “પોતપોતાના દેવના નામ પર શ્રદ્ધા રાખીને ચાલે છે.” પણ પોતાના વિષે અને યહોવાહના બીજા ભક્તો વિષે તેમણે કહ્યું: “અમે સદાસર્વકાળ અમારા દેવ યહોવાહના નામ પર શ્રદ્ધા રાખીને ચાલીશું.” (મીખાહ ૪:૫) જો તમે મીખાહની જેમ જ કરવા ચાહતા હોવ તો, ભલે ગમે એટલી મુશ્કેલીઓ આવે, યહોવાહ સાથે ચાલતા જ રહો. (યાકૂબ ૪:૮) ચાલો આપણે ઈશ્વર સાથે કાયમ માટે, હા કાયમ માટે ચાલતા રહેવાની તમન્ના રાખીએ!
તમે કેવો જવાબ આપશો?
• નુહના દિવસો અને આપણા દિવસો કઈ રીતે સરખા છે?
• નુહ અને તેમના પરિવારે કયો માર્ગ પસંદ કર્યો અને આપણે કઈ રીતે તેઓને અનુસરી શકીએ?
• ઈસુના અમુક શિષ્યોના દિલમાં કેવા ખોટા વિચારો ભરેલા હતા?
• ખરા ખ્રિસ્તીઓ શું કરવા ચાહે છે?
[પાન ૨૦ પર ચિત્ર]
નુહના દિવસોની જેમ જ લોકો આજે રોજબરોજની બાબતોમાં ડૂબેલા હોય છે
[પાન ૨૧ પર ચિત્ર]
રાજ્યના પ્રચારકો તરીકે ‘આપણે પાછા હઠી’ જનારા નથી