હઝકિયેલ
૩૮ ફરીથી યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: ૨ “હે માણસના દીકરા, માગોગ દેશના ગોગ+ તરફ તારું મોં ફેરવ, જે મેશેખ અને તુબાલનો+ મુખ્ય આગેવાન છે. તેની વિરુદ્ધ ભવિષ્યવાણી કરીને જણાવ,+ ૩ ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “ઓ ગોગ! મેશેખ અને તુબાલના મુખ્ય આગેવાન, હું તારી વિરુદ્ધ છું. ૪ હું તારાં જડબાંમાં કડીઓ ભેરવીને તને પાછો ફેરવીશ અને બહાર લઈ આવીશ.+ તારી સાથે તારા આખા લશ્કરને, ઘોડાઓને અને ઘોડેસવારોને પણ બહાર લઈ આવીશ.+ તેઓ બધાએ ભપકાદાર કપડાં પહેરેલાં છે. એ મોટા ટોળા પાસે મોટી ઢાલો અને નાની ઢાલો* છે. તેઓ બધા તલવારો વીંઝે છે. ૫ ઈરાન, ઇથિયોપિયા અને પૂટ+ તેઓની સાથે છે. તેઓ પાસે નાની ઢાલ અને ટોપ છે. ૬ ગોમેર અને એનું આખું લશ્કર, ઉત્તરની દૂર દૂરની જગ્યાઓથી તોગાર્માહના વંશજો+ અને તેઓનું આખું લશ્કર પણ તારી સાથે છે. તારી સાથે ઘણા બધા લોકો છે.+
૭ “‘“તૈયારી કર, તું અને તારી સાથે ભેગાં થયેલાં બધાં લશ્કરો તૈયાર થાઓ. તું તેઓનો સેનાપતિ* થઈશ.
૮ “‘“ઘણા સમય પછી તારી ખબર લેવામાં* આવશે. આખરે ઘણાં વર્ષો પછી, તું એવા દેશ પર હુમલો કરીશ, જેના લોકોને તલવારના મોંમાંથી છોડાવીને ઠરીઠામ કરવામાં આવ્યા છે. તેઓને બીજી પ્રજાઓમાંથી બહાર કાઢીને ઇઝરાયેલના પર્વતો પર વસાવવામાં આવ્યા છે, જે લાંબા સમયથી ઉજ્જડ પડી રહેલા હતા. આ દેશના લોકોને બીજી પ્રજાઓમાંથી પાછા લાવવામાં આવ્યા છે અને તેઓ બધા શાંતિ અને સલામતીમાં રહે છે.+ ૯ વાવાઝોડાની જેમ તું તેઓ પર તૂટી પડશે. તું દેશ પર વાદળની જેમ છવાઈ જશે. તારી સાથે તારાં બધાં લશ્કરો અને ઘણા લોકો પણ આવશે.”’
૧૦ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘એ દિવસે તારા દિલમાં વિચારો આવશે અને તું ખતરનાક કાવતરું ઘડીશ. ૧૧ તું કહીશ: “કોટ વગરનાં ગામડાઓ* પર હું હુમલો કરીશ.+ જે લોકો સલામતીમાં જીવે છે અને જેઓને કંઈ ચિંતા નથી, તેઓ પર હું ચઢાઈ કરીશ. તેઓ એવાં ગામડાઓમાં રહે છે, જેને નથી દીવાલો, ભૂંગળો કે દરવાજા.” ૧૨ તારો ઇરાદો તો દેશ પર હુમલો કરીને એને લૂંટી લેવાનો છે. એ દેશ અગાઉ ખંડેર થઈ ગયો હતો, પણ હવે એમાં ઘણી પ્રજાઓમાંથી આવેલા લોકો રહે છે.+ તેઓએ ઘણી ધનદોલત અને માલ-મિલકત ભેગી કરી છે+ અને દુનિયાની વચ્ચે રહે છે.
૧૩ “‘તાર્શીશના વેપારીઓ,+ એટલે કે શેબા+ અને દદાન+ તથા તેઓના બધા લડવૈયાઓ તને કહેશે: “શું તું ઘણી લૂંટ મેળવવા હુમલો કરે છે? શું તેં તારાં લશ્કરોને એ માટે ભેગાં કર્યાં છે કે ચાંદી અને સોનું લૂંટી લે, ધનદોલત અને માલ-મિલકત પડાવી લે અને મોટી લૂંટ ચલાવે?”’
૧૪ “હે માણસના દીકરા, ભવિષ્યવાણી કર અને ગોગને કહે, ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “મારા ઇઝરાયેલી લોકો સલામતીમાં રહેતા હશે ત્યારે, શું તને એની જાણ નહિ થાય?+ ૧૫ તું ઉત્તરના દૂર દૂરના ભાગોમાંથી, તારી જગ્યાએથી આવીશ.+ તું અને તારી સાથે ઘણા લોકો આવશે. તેઓ બધા તો ઘોડાઓ પર સવાર હશે, તેઓનું મોટું ટોળું, મોટું લશ્કર આવશે.+ ૧૬ ઓ ગોગ, જેમ ધરતી પર વાદળ છવાઈ જાય છે, તેમ તું મારા ઇઝરાયેલી લોકો પર ચઢી આવીશ. છેલ્લા દિવસોમાં હું તને મારા દેશ વિરુદ્ધ લઈ આવીશ.+ હું પવિત્ર છું એ બતાવવા તારા જે હાલ કરીશ, એ જોઈને બીજી પ્રજાઓ જાણશે કે હું કોણ છું.”’+
૧૭ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘શું તું એ જ નથી જેના વિશે મેં ઇઝરાયેલના પ્રબોધકો, મારા ભક્તો દ્વારા અગાઉના દિવસોમાં જણાવ્યું હતું? શું તેઓએ ઘણાં વર્ષો સુધી ભવિષ્યવાણી કરી ન હતી કે તને ઇઝરાયેલીઓ વિરુદ્ધ લાવવામાં આવશે?’
૧૮ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘ઇઝરાયેલ દેશ પર ગોગ ચઢી આવશે એ દિવસે મારો ક્રોધ ભભૂકી ઊઠશે.+ ૧૯ હું રોષે ભરાઈશ, મારો કોપ સળગી ઊઠશે અને હું બોલી ઊઠીશ. એ દિવસે ઇઝરાયેલ દેશમાં મોટો ધરતીકંપ થશે. ૨૦ મારા લીધે દરિયાની માછલીઓ, આકાશનાં પક્ષીઓ, જંગલનાં જાનવરો, પેટે ચાલનાર બધાં પ્રાણીઓ અને પૃથ્વી પરના બધા લોકો થરથર કાંપશે. પર્વતો તૂટી પડશે,+ ખડકો પડી જશે અને દરેક દીવાલ ભોંયભેગી થઈ જશે.’
૨૧ “વિશ્વના માલિક યહોવા કહે છે: ‘મારા બધા પર્વતો પર હું ગોગ સામે તલવાર લાવીશ. લશ્કરનો દરેક માણસ પોતાની તલવારથી એકબીજાનો સંહાર કરશે.+ ૨૨ હું તેના પર ન્યાયચુકાદો લાવીશ. હું તેના પર અને તેના લશ્કર પર રોગચાળો લાવીશ.+ તેના લોકોનું લોહી વહેશે. હું તેના પર, તેના લશ્કર પર અને તેની સાથે આવેલા ઘણા લોકો પર+ ધોધમાર વરસાદ, કરા,+ આગ+ અને ગંધક+ વરસાવીશ. ૨૩ હું પોતાને ચોક્કસ મોટો મનાવીશ અને પોતાને પવિત્ર મનાવીશ. ઘણી પ્રજાઓની નજર આગળ હું મારી ઓળખ આપીશ. પછી તેઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું.’