પ્રકરણ ૧૧૩
તાલંતનું ઉદાહરણ—ખંતીલા બનવાનો બોધપાઠ
ઈસુ તાલંતનું ઉદાહરણ આપે છે
ઈસુ હજુ જૈતૂન પહાડ પર ચાર પ્રેરિતો સાથે હતા. તેમણે તેઓને બીજું એક ઉદાહરણ આપ્યું. થોડા દિવસો પહેલાં તે યરીખોમાં હતા ત્યારે, તેમણે ચાંદીના સિક્કાઓનું ઉદાહરણ આપીને જણાવ્યું હતું કે ઈશ્વરના રાજ્યને આવવામાં હજુ ઘણી વાર છે. તેમણે હવે તાલંતનું જે ઉદાહરણ આપ્યું, એ પણ અનેક રીતે એના જેવું જ હતું. શિષ્યોએ તેમની હાજરી અને દુનિયાના અંતના સમય વિશે સવાલ પૂછ્યો હતો. એના જવાબના એક ભાગ તરીકે તેમણે આ ઉદાહરણ આપ્યું. એ જણાવતું હતું કે ઈસુએ સોંપેલી જવાબદારી નિભાવવા શિષ્યોએ ખંતથી મંડ્યા રહેવાનું હતું.
ઈસુએ શરૂઆત કરી: “સ્વર્ગનું રાજ્ય એવા માણસ જેવું છે, જેણે પરદેશ જતી વખતે પોતાના ચાકરોને બોલાવીને પોતાની માલમિલકત તેઓને સાચવવા આપી.” (માથ્થી ૨૫:૧૪) અગાઉના ઉદાહરણમાં “રાજસત્તા” મેળવવા જનાર માણસ તરીકે ઈસુએ પોતાને રજૂ કર્યા હતા. એટલે, શિષ્યો સહેલાઈથી સમજી શક્યા કે આ ઉદાહરણમાં જણાવેલા “માણસ” ઈસુ છે.—લુક ૧૯:૧૨.
ઉદાહરણમાં માણસે પરદેશ જતાં પહેલાં, પોતાના ચાકરોને માલમિલકત સાચવવા આપી. ઈસુએ સાડા ત્રણ વર્ષના સેવાકાર્ય દરમિયાન, ઈશ્વરના રાજ્યની ખુશખબર ફેલાવવા પર ધ્યાન આપ્યું હતું. તેમણે પોતાના શિષ્યોને આ કામ માટે તાલીમ આપી હતી. હવે, તે તેઓથી દૂર જઈ રહ્યા હતા. તેમને ખાતરી હતી કે શિષ્યોને જે તાલીમ આપી હતી, એ પ્રમાણે તેઓ કરતા રહેશે.—માથ્થી ૧૦:૭; લુક ૧૦:૧, ૮, ૯; સરખાવો યોહાન ૪:૩૮; ૧૪:૧૨.
ઉદાહરણમાં માણસે પોતાની માલમિલકત કેવી રીતે વહેંચી આપી? ઈસુએ જણાવ્યું: “તેણે એકને પાંચ તાલંત, બીજાને બે તાલંત અને ત્રીજાને એક તાલંત, એમ દરેકને તેઓની આવડત પ્રમાણે આપ્યું અને તે પરદેશ ગયો.” (માથ્થી ૨૫:૧૫) ચાકરોને જે મળ્યું હતું, એનું તેઓએ શું કર્યું? શું તેઓએ એને ખંતથી વાપર્યું, જેથી માલિકને ફાયદો થાય? ઈસુએ પ્રેરિતોને કહ્યું:
“જેને પાંચ તાલંત મળ્યા હતા, તેણે તરત જઈને એનાથી વેપાર કર્યો અને બીજા પાંચ કમાયો. એ જ રીતે, જેને બે મળ્યા હતા એ બીજા બે કમાયો. પરંતુ, જે ચાકરને ફક્ત એક તાલંત મળ્યો હતો તે ગયો અને જમીનમાં ખાડો ખોદીને પોતાના માલિકના પૈસા સંતાડી દીધા.” (માથ્થી ૨૫:૧૬-૧૮) માલિક પાછો ફર્યો ત્યારે શું થયું?
ઈસુએ કહ્યું, “લાંબા સમય પછી, એ ચાકરોનો માલિક આવ્યો અને તેઓ પાસે હિસાબ માંગ્યો.” (માથ્થી ૨૫:૧૯) પહેલા બે ચાકરોએ પોતાની “આવડત પ્રમાણે” શક્ય હોય એટલા બધા પ્રયાસો કર્યા હતા. બંને ચાકરો ખંતીલા, મહેનતુ અને મળેલી જવાબદારીને સફળતાથી પાર પાડનારા હતા. જેઓને પાંચ તાલંત અને બે તાલંત મળ્યા હતા, એ બંનેએ એના બમણા કરી નાખ્યા હતા. (એ સમયમાં, મજૂરને એક તાલંત જેટલું કમાતા ૧૯ વર્ષ લાગતા હતા.) માલિકે તેઓ બંનેના એકસરખા વખાણ કર્યા: “શાબાશ, સારા અને વિશ્વાસુ ચાકર! તું થોડામાં વિશ્વાસુ થયો. હું તને ઘણી બાબતોની જવાબદારી સોંપીશ. તારા માલિક સાથે આનંદ કર.”—માથ્થી ૨૫:૨૧.
પરંતુ, જે ચાકરને એક તાલંત મળ્યો હતો, તેણે કંઈ અલગ જ કર્યું. તેણે કહ્યું: “માલિક, મને ખબર હતી કે તમે કડક માણસ છો; જ્યાં તમે નથી વાવ્યું ત્યાંથી લણનાર અને જ્યાં તમે મહેનત નથી કરી ત્યાંથી પાક ભેગો કરનાર છો. એ માટે મને બીક લાગી અને મેં જઈને તમારો તાલંત જમીનમાં સંતાડી દીધો. લો, તમારું છે એ તમે લઈ લો.” (માથ્થી ૨૫:૨૪, ૨૫) તેણે એ પૈસા શાહુકાર પાસે મૂકવાની તસ્દી પણ લીધી ન હતી, એમ કર્યું હોત તો તેના માલિકને થોડુંઘણું વ્યાજ મળત. તેણે તો માલિકને ફાયદો ન થાય એવું કામ કર્યું હતું.
એટલે, માલિકે તેને “દુષ્ટ અને આળસુ ચાકર” કહ્યો, એ યોગ્ય જ હતું. તેની પાસે જે હતું એ લઈ લેવામાં આવ્યું અને મહેનત કરવા તૈયાર હતો, એવા ચાકરને આપવામાં આવ્યું. માલિકે કહ્યું: “જેની પાસે છે તે દરેકને વધારે આપવામાં આવશે અને તેની પાસે પુષ્કળ થશે. પરંતુ, જેની પાસે નથી તેની પાસેથી જે કંઈ છે એ પણ લઈ લેવાશે.”—માથ્થી ૨૫:૨૬, ૨૯.
ઈસુના શિષ્યોએ આ ઉદાહરણ વિશે પણ ઘણો વિચાર કરવાનો હતો. તેઓ જોઈ શકતા હતા કે શિષ્યો બનાવવાની જે મોટી જવાબદારી ઈસુએ તેઓને આપી છે, એ ઘણી કીમતી છે. આ જવાબદારી ઉઠાવવા તેઓ ખંતથી મહેનત કરે એવું ઈસુ ચાહતા હતા. તે એવું વિચારતા ન હતા કે, શિષ્યોને સોંપેલા પ્રચારકાર્યમાં તેઓ બધાએ એકસરખી મહેનત કરવી જોઈએ. ઉદાહરણમાં જણાવ્યા પ્રમાણે, દરેકે પોતાની “આવડત પ્રમાણે” બનતા બધા પ્રયાસો કરવાના હતા. એનો અર્થ એ નથી કે જો કોઈ “આળસુ” બને અને ઈસુએ સોંપેલી જવાબદારી નિભાવવામાં પૂરી મહેનત ન કરે, તો એનાથી ઈસુ ખુશ થશે.
પ્રેરિતોને આ ખાતરી મળી હતી: “જેની પાસે છે તે દરેકને વધારે આપવામાં આવશે.” એનાથી તેઓ કેટલા ખુશ થયા હશે!