જાગતા રહેવા ઈસુને અનુસરો
“જાગતા રહો ને પ્રાર્થના કરો.”—માથ. ૨૬:૪૧.
તમે કેવો જવાબ આપશો?
પ્રાર્થનાથી કેવી રીતે બતાવી શકીએ કે આપણે સજાગ છીએ?
આપણે સજાગ છીએ એ પ્રચાર કામ દ્વારા કેવી રીતે બતાવી શકીએ?
કસોટીમાં સજાગ રહેવું કેમ મહત્ત્વનું છે અને એ કેવી રીતે કરી શકીએ?
૧, ૨. (ક) જાગતા રહેવા માટેના ઈસુના દાખલા વિષે કેવા સવાલો ઊભા થઈ શકે? (ખ) શું મનુષ્યો ઈસુના દાખલામાંથી કંઈ શીખી શકે? દાખલો આપી સમજાવો.
‘શું જાગતા રહેવા માટેના ઈસુના દાખલાને અનુસરવું શક્ય છે?’ તમને કદાચ આવો પ્રશ્ન થયો હશે. તમે કહેશો કે ‘ઈસુ તો બધી રીતે સંપૂર્ણ વ્યક્તિ હતા. તેમ જ, ભવિષ્યમાં હજારો વર્ષો પછી શું થશે એ પણ તે જાણી શકતા હતા. તો પછી, તેમને જાગતા રહેવાની શી જરૂર?’ (માથ. ૨૪:૩૭-૩૯; હિબ્રૂ ૪:૧૫) ચાલો, આપણે આ પ્રશ્નોની ચર્ચા કરીએ. એના પરથી સમજી શકીશું કે જાગતા રહેવું આપણા માટે કેમ મહત્ત્વનું છે.
૨ શું મનુષ્યો ઈસુના દાખલામાંથી કંઈ શીખી શકે? હા, જેમ એક વિદ્યાર્થી કોઈ સારા શિક્ષકના દાખલામાંથી શીખી શકે, તેમ આપણે પણ શીખી શકીએ. આ સમજવા ચાલો એક દાખલો લઈએ. એક માણસને તીર ચલાવતા શીખવું છે. શરૂશરૂમાં તે નિશાન પર તીર મારવાનું સાવ ચૂકી જાય છે. પણ જેમ તે વધુ ને વધુ શીખે છે અને વધારે પ્રયત્નો કરે છે, તેમ નિશાનની નજીક તીર તાકતો થાય છે. પણ વધારે કુશળ બનવા તેણે ગુરુ પાસેથી શીખવું પડશે. તે ધ્યાન આપશે કે ગુરુ કેવી રીતે ઊભા રહે છે. તીર ચલાવવા માટે હાથ અને આંગળીઓ કેવી રીતે વાળે છે. પછી, તે ગુરુની જેમ કરવા પ્રયત્ન કરે છે. હવે, તે જાતે પવનની ગતિ પારખતા શીખે છે. તેમ જ, ધનુષ્યની દોરી કેટલી ખેંચવી એ પણ શીખે છે. છેવટે, તે નિશાન પર તીર મારી શકે છે. એવી જ રીતે, આપણે ગુરુ ઈસુ પાસેથી શીખવું જોઈએ. તેમનું અનુકરણ કરવું જોઈએ. એમ કરવાથી આપણે બરાબર રીતે તેમને પગલે ચાલી શકીશું.
૩. (ક) ઈસુએ કઈ રીતે બતાવ્યું કે તેમને પણ સજાગ રહેવાની જરૂર હતી? (ખ) આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
૩ શું ઈસુને ખરેખર જાગતા રહેવાની જરૂર હતી? હા, તેમને જરૂર હતી. પૃથ્વી પરના જીવનની આખરી રાતે તેમણે શિષ્યોને કહ્યું કે “મારી સાથે જાગતા રહો. જાગતા રહો ને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન આવો.” (માથ. ૨૬:૩૮, ૪૧) ઈસુ જીવનની દરેક પળે ઈશ્વરભક્તિ કરવા માટે સજાગ હતાં. પરંતુ, ધરતી પરના છેલ્લા સમયમાં તે ખાસ રીતે સજાગ રહ્યા. તેમ જ, પોતાના પિતાની નજીક પણ રહ્યા. ઈસુ જાણતા હતા કે તેમના શિષ્યોએ પણ ભવિષ્યમાં એવી જ રીતે જાગતા રહેવું પડશે. તેથી, ચાલો હવે જોઈએ કે ઈસુ શા માટે ઇચ્છતા હતા કે આપણે જાગતા રહીએ. એ પછી, ત્રણ રીતો જોઈશું, જેમાં આપણે રોજબરોજના જીવનમાં ઈસુને અનુસરી શકીએ.
ઈસુ કેમ ચાહે છે કે આપણે જાગતા રહીએ
૪. આપણે શા માટે જાગતા રહેવાની જરૂર છે?
૪ ઈસુ ચાહે છે કે આપણે જાગતા રહીએ. કારણ કે, આપણે અમુક બાબત જાણીએ છીએ અને અમુક નથી જાણતા. ઈસુ ધરતી પર હતા ત્યારે શું તે ભાવિ વિષે બધું જ જાણતા હતા? ના, કેમ કે તેમણે જાતે કબૂલ્યું: ‘તે દિવસ તથા તે ઘડી સંબંધી પિતા વગર કોઈ પણ જાણતો નથી, આકાશના દૂતો નહિ તેમ જ દીકરો પણ નહિ.’ (માથ. ૨૪:૩૬) ઈશ્વરના ‘દીકરા’ ઈસુ એ સમયે જાણતા ન હતા કે દુષ્ટ દુનિયાનો અંત ક્યારે આવશે. આજે આપણા વિષે શું? શું આપણે ભાવિ વિષે બધું જ જાણીએ છીએ? ના. આપણે જાણતા નથી કે યહોવા ક્યારે પોતાના દીકરાને મોકલીને આ દુષ્ટ દુનિયાનો અંત લાવશે. જો આપણને ખબર હોય તો ચોક્કસ આપણે સજાગ રહીશું, ખરુંને! પરંતુ, ઈસુએ જણાવ્યું કે અંત અચાનક આવશે, આપણે ધાર્યું નહિ હોય એવા સમયે આવશે. તેથી, એ બહુ જરૂરી છે કે આપણે સદા સાવધ રહીએ.—માત્થી ૨૪:૪૩ વાંચો.
૫, ૬. (ક) ઈશ્વરના રાજ્યનો હેતુ જાણતા હોવાથી કેવી રીતે જાગતા રહેવા મદદ મળે છે? (ખ) શેતાન વિષે જાણીએ છીએ એનાથી જાગતા રહેવાનો આપણો નિર્ણય કઈ રીતે વધુ મક્કમ બને છે?
૫ જોકે, ઈસુને ભવિષ્યમાં થનારી ઘણી અદ્ભુત બાબતો વિષે ખબર હતી. પણ તેમના સમયના લોકોને એની ખબર ન હતી. ઈસુ જેટલું જાણતા હતા, એટલું આપણે જાણતા નથી. પણ, તેમનો આભાર માનવો જોઈએ કે ઈશ્વરના રાજ્ય વિષે આપણે ઘણું જાણી શક્યા છીએ. નજીકના ભાવિમાં તે શું કરવાના છે એ વિષે તેમણે જણાવ્યું છે. આપણી પાસે સત્યનો પ્રકાશ છે. પણ આસપાસ રહેતા લોકો, સાથે ભણનારાં, નોકરી કરનારા અને પ્રચાર વિસ્તારના લોકો જાણે અંધારામાં છે. સજાગ રહેવા માટેનું આ એક બીજું કારણ છે. ઈસુની જેમ આપણે સદા તૈયાર રહેવા માંગીએ છીએ. જ્યારે તક મળે ત્યારે લોકોને ઈશ્વરના રાજ્ય વિષે આપણે જણાવવા માંગીએ છીએ. એવી દરેક તક ખૂબ જ કીમતી છે. આપણે એને ગુમાવવા માંગતા નથી કેમ કે એમાં લોકોના જીવન-મરણનો સવાલ છે.—૧ તીમો. ૪:૧૬.
૬ ઈસુ બીજી એક વાતથી પણ પરિચિત હતા, જેનાથી તે સજાગ રહી શક્યા. ઈસુને ખબર હતી કે શેતાન તેમના પર લાલચો અને સતાવણી લાવવા માંગતો હતો. તેમ જ, ઈસુ યહોવાને વફાદાર ન રહે એવું શેતાન ચાહતો હતો. ઈસુની સતાવણી કરવાનો ‘કોઈ યોગ્ય સમય’ મળે એ માટે શેતાન રાહ જોતો હતો. (લુક ૪:૧૩) તેથી, ઈસુ કદી પણ બેફિકર બનીને ન રહ્યા. તે કોઈ પણ પરીક્ષણ, લાલચ, વિરોધનો સામનો કરવા સદા તૈયાર હતા. શું આપણે પણ તેમના જેવા જ સંજોગોમાં નથી? આપણે જાણીએ છીએ કે શેતાન હજી પણ ‘ગાજનાર સિંહની જેમ, જે કોઈ મળે તેને ગળી જવા’ માંગે છે. એટલે જ બાઇબલ અરજ કરે છે, “સાવચેત થાઓ, જાગતા રહો.” (૧ પીત. ૫:૮) એમ કેવી રીતે કરી શકીએ?
પ્રાર્થના કરવાની બાબતમાં સજાગ રહો
૭, ૮. પ્રાર્થના વિષે ઈસુએ શું સલાહ આપી? તેમણે કેવો દાખલો બેસાડ્યો?
૭ બાઇબલમાં જોવા મળે છે કે ઈશ્વરભક્તિમાં સજાગ રહેવા અને પ્રાર્થના વચ્ચે ગાઢ સંબંધ છે. (કોલો. ૪:૨; ૧ પીત. ૪:૭) પોતાના શિષ્યોને જાગતા રહેવા વિષે જણાવ્યા પછી ઈસુએ કહ્યું કે, “જાગતા રહો ને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન આવો.” (માથ. ૨૬:૪૧) શું મુશ્કેલ સંજોગો વખતે જ આ સલાહ પાળવા તેમણે કહ્યું હતું? ના, તેમની સલાહ તો આપણે જીવનમાં દરરોજ લાગુ પાળવાની છે.
૮ પ્રાર્થના કરવામાં પણ ઈસુએ ઉત્તમ દાખલો બેસાડ્યો છે. એક વાર તેમણે પૂરી રાત પ્રાર્થનામાં વિતાવી હતી એ તમને યાદ હશે. ચાલો એનો વિચાર કરીએ. (લુક ૬:૧૨, ૧૩ વાંચો.) કદાચ વસંતઋતુ ચાલી રહી છે. ઈસુ કાપરનાહુમ નજીક ક્યાંક રોકાયા છે. સાંજ ઢળી રહી છે ને તે કોઈ પહાડ પર ચઢવાનું શરૂ કરે છે. ઉપર પહોંચતા પહોંચતા અંધારું થઈ ગયું છે. ટોચ ઉપરથી ગાલીલ સમુદ્ર દેખાય છે. તે નીચે નજર કરે છે તો કાપરનાહુમ અને એની નજીકના ગામડાઓમાં દીવાઓનો પ્રકાશ ઝબૂકી રહ્યો છે. પરંતુ, ઈસુ જ્યારે યહોવાને પ્રાર્થના કરે છે, ત્યારે પૂરા ધ્યાન કરે છે. ધીમે ધીમે કલાકો વીતે છે. દૂર ગામડાઓમાં પેલા દીવાઓ એક પછી એક હોલવાતા જાય છે. પણ ઈસુ એના પર ધ્યાન આપતા નથી. ચંદ્ર એકથી બીજી દિશા તરફ જઈ રહ્યો છે. તેમ જ, રાતના પ્રાણીઓ અવાજો કરી રહ્યાં છે. પણ ઈસુનું ધ્યાન ફંટાતું નથી. એક મહત્ત્વના નિર્ણય વિષે તે પ્રાર્થનામાં યહોવાને જણાવી રહ્યા છે. એ નિર્ણય છે ૧૨ પ્રેરિતોની પસંદગી. આપણે કલ્પી શકીએ છીએ કે યહોવાને પ્રાર્થનામાં શિષ્યો વિષે પોતાના વિચારો અને ચિંતાઓ તેમણે જણાવ્યા હશે. ચોક્કસ સારો નિર્ણય લેવા તેમણે યહોવા પાસે જ્ઞાન અને સમજણ પણ માંગ્યા હશે.
૯. ઈસુએ આખી રાત પ્રાર્થના કરી એમાંથી આપણે શું શીખી શકીએ?
૯ ઈસુના દાખલામાંથી શું શીખી શકાય? શું પ્રાર્થનામાં કલાકો વિતાવવા જોઈએ? ના, તેમણે પોતાના શિષ્યો વિષે નમ્રતાથી કહ્યું હતું: તેઓની ઇચ્છા સારી છે, પણ “શરીર અબળ છે.” (માથ. ૨૬:૪૧) જોકે, આપણે ઈસુને અનુસરી શકીએ છીએ. જેમ કે, આપણે એવા અમુક નિર્ણયો લેવા પડે છે, જેનાથી કુટુંબ અને મંડળના ભાઈ-બહેનોને અસર થાય છે. એવા નિર્ણયો લેતા પહેલાં શું આપણે યહોવાની મદદ માંગીએ છીએ? શું ભાઈ-બહેનોની મુશ્કેલીઓ વિષે પ્રાર્થનામાં યહોવાને જણાવીએ છીએ? શબ્દોનું રટણ કરવાને બદલે, શું આપણે દિલથી પ્રાર્થના કરીએ છીએ? તમે ધ્યાન આપ્યું હશે કે ઈસુએ ખાનગીમાં પોતાના ઈશ્વરપિતાને પ્રાર્થના કરી હતી. ખરું કે પહેલાંના કરતાં આજનું જીવન ઘણું વ્યસ્ત અને ચિંતાવાળું છે. કદાચ આપણે જીવનની ભાગ-દોડમાં એટલા ખોવાઈ જઈએ કે મહત્ત્વની બાબત ભૂલી જઈએ. પણ, સમય કાઢીને વ્યક્તિગત પ્રાર્થનામાં યહોવાને બધું જણાવીશું તો, ચોક્કસ ભક્તિમાં સજાગ રહી શકીશું. (માથ. ૬:૬, ૭) એનાથી યહોવાની વધુ નજીક જઈશું અને તેમની સાથે આપણો સંબંધ ગાઢ બનશે. તેમ જ, એ સંબંધમાં તીરાડ પાડતા કોઈ પણ કામોથી દૂર રહીશું.—ગીત. ૨૫:૧૪.
પ્રચાર કામમાં કઈ રીતે સજાગ રહી શકીએ?
૧૦. કયો બનાવ બતાવે છે કે લોકોને સાક્ષી આપવાની દરેક તક ઝડપી લેવા ઈસુ સજાગ હતા?
૧૦ યહોવાએ સોંપેલા કામને પૂરું કરવા ઈસુ સજાગ રહ્યાં. આપણા જીવનમાં એવાં અમુક કામો હોય છે, જેમાં બહુ ધ્યાન ન આપીએ તો કંઈ નુકસાન ન થાય. પરંતુ, એવાં ઘણાં કામ છે, જેમાં સાવધાની રાખવી બહુ જરૂરી હોય છે. એમાંનું એક પ્રચાર કામ છે. ઈસુ પોતાના સેવાકાર્ય માટે સજાગ રહેતા, તેમ જ ખુશખબર આપવાની તક શોધતા. દાખલા તરીકે, ઈસુ અને શિષ્યો લાંબી મુસાફરી કરીને સૈખાર નામે એક શહેર પાસે આવ્યા. ઈસુ ત્યાં એક કૂવા પાસે આરામ કરવા બેઠા અને શિષ્યો જમવાનું લેવા ગયા. પરંતુ, ઈસુ આરામ કરતી વખતે પણ સજાગ રહ્યા અને સંદેશો જણાવવાની તક ચૂક્યા નહિ. કૂવા પાસે એક સમરૂની સ્ત્રી આવી ત્યારે ઈસુ ચૂપચાપ બેસી શક્યા હોત. તેની સાથે વાત નહિ કરવાના કારણો વિચારી શક્યા હોત. જોકે, તેમણે એમ કર્યું નહિ અને સ્ત્રી સાથે વાત કરી. તેમણે તે સ્ત્રીને જોરદાર સાક્ષી આપી. એના લીધે શહેરમાં રહેતા બીજા ઘણા લોકોના જીવનને અસર થઈ. (યોહા. ૪:૪-૨૬, ૩૯-૪૨) સજાગ રહેવા માટેના ઈસુના દાખલાને શું આપણે સારી રીતે અનુસરી શકીએ? એ માટે ચાલો આપણે હર સમયે સજાગ રહીએ અને રોજિંદા જીવનમાં તક ઝડપીને લોકોને ખુશખબર જણાવીએ.
૧૧, ૧૨. (ક) ઈસુનું ધ્યાન ફંટાવવા માંગતા લોકોને તેમણે શું કહ્યું? (ખ) શું ઈસુ પ્રચાર કામમાં જ ડૂબેલા રહ્યા હતા? સમજાવો.
૧૧ અમુક વાર ઈસુનું ભલું ચાહતા લોકોએ તેમનું ધ્યાન ફંટાવા પણ ચાહ્યું. ઈસુએ કાપરનાહુમના લોકોને ચમત્કારથી સાજા કર્યા, ત્યારે ઘણા લોકો લાગણીવશ થઈ ગયા. તેઓ ઈસુને એ જ ગામમાં રાખવા માગતા હતા. તેઓનું એમ વિચારવું સ્વાભાવિક હતું. પણ, ઈસુએ એક જ શહેરમાં રહીને પ્રચાર કરવાનો ન હતો. તેમણે તો આખા “ઈસ્રાએલના ઘરનાં ખોવાએલાં ઘેટાં” શોધવાના હતા. (માથ. ૧૫:૨૪) એટલે, તેમણે લોકોને કહ્યું: “મારે બીજાં શહેરોમાં પણ ઈશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવી જોઈએ, કેમ કે એ સારૂ મને મોકલવામાં આવ્યો છે.” (લુક ૪:૪૦-૪૪) અહીંથી સાફ ખબર પડે છે કે ઈસુએ પ્રચાર કામને જીવનમાં પ્રથમ રાખ્યું હતું. બીજી કોઈ પણ બાબત તેમનું ધ્યાન ફંટાવી શકી નહિ.
૧૨ શું ઈસુ સેવાકાર્યમાં ડૂબી ગયા અને સાધુ જેવું જીવન જીવ્યા? શું તે પ્રચારમાં બહુ વ્યસ્ત હતા કે લોકોની જરૂરિયાતો પર જરાય ધ્યાન ન આપ્યું? ના, ઈસુએ બધી બાબતો યોગ્ય પ્રમાણમાં કરી. તેમણે જીવનનો આનંદ માણ્યો અને મિત્રો સાથે પણ સારો સમય વિતાવ્યો. તેમણે લોકોને હમદર્દી બતાવી. તેઓની જરૂરિયાતો અને મુશ્કેલીઓ પર ધ્યાન આપ્યું. તેમણે બાળકોને પણ ઘણો વહાલ કર્યો.—માર્ક ૧૦:૧૩-૧૬ વાંચો.
૧૩. ઈસુની જેમ આપણે કેવી રીતે બધી બાબતો યોગ્ય પ્રમાણમાં કરવા માંગીએ છીએ?
૧૩ આપણે ઈસુની જેમ સજાગ રહેવા પ્રયાસ કરીએ છીએ. તેમની જેમ આપણે પણ બધી બાબતો યોગ્ય પ્રમાણમાં કરવા માંગીએ છીએ. દુનિયાના લોકો આપણું ધ્યાન ફંટાવી દે એવું આપણે ચાહતા નથી. કદાચ આપણું ભલું ચાહતા સગાં અને મિત્રો પ્રચારમાં ઓછું કરવા અરજ કરે. અથવા તેઓના જેવું જીવન જીવવા કહે. પરંતુ, ઈસુને અનુસરતા હોઈશું, તો પ્રચાર કાર્યને ખોરાક જેવું ગણીશું. (યોહા. ૪:૩૪) પ્રચાર કાર્યથી આપણને ભક્તિમાં લાગુ રહેવા તાજગી અને આનંદ મળે છે. આપણે સાધુ જેવું જીવન જીવવા માંગતા નથી. તેમ જ, એવું પણ બતાવવા નથી માંગતા કે આપણે જ સૌથી ધાર્મિક છીએ. ઈસુની જેમ આપણે પણ બધી બાબતો યોગ્ય પ્રમાણમાં કરીને જીવનનો આનંદ માણવા માંગીએ છીએ, કારણ કે આપણા ઈશ્વર આનંદી છે.
કસોટીઓમાં સજાગ રહીએ
૧૪. કસોટીમાં શું કરવું ન જોઈએ અને શા માટે?
૧૪ ઈસુ જ્યારે આકરી કસોટીમાં હતા, ત્યારે તેમના શિષ્યોને જાગતા રહેવા ઘણી અરજ કરી. (માર્ક ૧૪:૩૭ વાંચો.) કસોટીઓમાં હોઈએ ત્યારે આપણે ઈસુનું વધારે અનુકરણ કરવું જોઈએ. કસોટીના દબાણ નીચે ઘણા લોકો એક હકીકત ભૂલી જાય છે. નીતિવચનોના પુસ્તકમાં એ મહત્ત્વની હકીકતનો બે વાર ઉલ્લેખ થયો છે: “એક એવો માર્ગ છે કે જે માણસને અદલ લાગે છે ખરો, પણ પરિણામે તે મોતનો જ માર્ગ છે.” (નીતિ. ૧૪:૧૨; ૧૬:૨૫) ખાસ કરીને મુશ્કેલ સંજોગોમાં પોતાની સમજણ પર આધાર રાખીશું, તો ખુદને અને પ્રિયજનોને જોખમમાં મૂકીશું.
૧૫. કુટુંબની સંભાળ રાખવામાં શિર ઉપર કેવી લાલચ આવી શકે?
૧૫ “પોતાના કુટુંબની સંભાળ” રાખવાની જવાબદારી શિરની હોય છે. (૧ તીમો. ૫:૮) જોકે, એ જવાબદારી અદા કરવા ઘણું દબાણ આવી શકે. દાખલા તરીકે, એવી નોકરી કરવા તે લલચાઈ શકે, જેનાથી સભાઓ અને પ્રચાર ચૂકી જવાય અથવા નિયમિત રીતે કુટુંબ સાથે ભક્તિ ન કરી શકાય. અમુક કહેશે કે ‘કુટુંબની સંભાળ રાખવા એવી નોકરી તો લેવી પડે.’ પરંતુ, એવી નોકરી શિરને કદાચ ભક્તિમાં ધીમા પાડી દેશે. અરે, કદાચ તે ભક્તિ કરવાનું છોડી પણ દે. તેથી, નીતિવચનો ૩:૫, ૬માં આપેલી સલાહ પાળવી કેટલી જરૂરી છે. એમાં રાજા સુલેમાને કહ્યું હતું: ‘તારા ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ, અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગોમાં તેમની સલાહ સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ પાધરા કરશે.’
૧૬. (ક) પોતાની સમજણ પર આધાર રાખવાને બદલે ઈસુએ શું કર્યું? (ખ) કસોટીઓમાં ઘણા કુટુંબના શિર કઈ રીતે ઈસુના દાખલાને અનુસરે છે?
૧૬ ઈસુએ નક્કી કર્યું હતું કે કસોટી વખતે પોતાની સમજ પ્રમાણે નહિ કરે. ઈસુ ધરતી પર જીવી ગયેલા સૌથી સમજદાર માણસ હતા. છતાં, તેમણે પોતાની સમજણ પર આધાર રાખ્યો નહિ. શેતાન જ્યારે તેમના પર લાલચો લાવ્યો, ત્યારે જવાબમાં ઈસુએ વારંવાર કહ્યું કે “એમ લખેલું છે.” (માથ. ૪:૪, ૭, ૧૦) લાલચનો સામનો કરવા તેમણે પિતાની સમજણ ઉપર જ આધાર રાખ્યો. આમ, તેમણે નમ્રતા બતાવી, જે શેતાનમાં જરાય અંશે ન હતી. શું આપણે ઈસુને અનુસરીએ છીએ? કુટુંબના શિર ખાસ કરીને કસોટીમાં હોય, ત્યારે ઈસુની જેમ સજાગ રહીને બાઇબલ પર આધાર રાખે છે. દુનિયા ફરતે હજારો કુટુંબોના શિર એમ જ કરી રહ્યા છે. તેઓ ઈશ્વરના રાજ્યને અને સાચી ભક્તિને જીવનમાં પહેલા રાખે છે અને જીવન-જરૂરી ચીજોને બીજા સ્થાને રાખે છે. આમ, તેઓ કુટુંબની સૌથી સારી સંભાળ રાખે છે. યહોવાએ જેમ વચન આપ્યું હતું, તેમ તે કુટુંબની સંભાળ રાખવાનો પ્રયાસ કરી રહેલાઓને મદદ કરે છે.—માથ. ૬:૩૩.
૧૭. શા માટે તમે ઈસુની જેમ સજાગ રહેવા માંગો છો?
૧૭ એમાં કોઈ જ શંકા નથી કે સજાગ રહેવામાં ઈસુએ ઉત્તમ દાખલો બેસાડ્યો છે. એ રોજિંદા જીવનમાં લાગુ કરી શકાય એવો છે. એ આપણા ભલા માટે છે અને આપણો જીવ બચાવી શકે છે. શેતાન ઘણા પ્રયાસો કરે છે, જેથી આપણે ભક્તિમાં ધીમા પડી જઈએ અને ઊંઘી જઈએ. તે આપણો વિશ્વાસ તોડવા માંગે છે. તેથી આપણે હંમેશા જાગતા રહેવાની જરૂર છે. (૧ થેસ્સા. ૫:૬) તેને સફળ થવા દઈએ નહિ! ચાલો ઈસુની જેમ પ્રાર્થનામાં, પ્રચારમાં અને કસોટીઓમાં સજાગ રહીએ. ઈસુને અનુસરવાથી તમે આ દુષ્ટ દુનિયામાં પણ સુખી અને સંતોષભર્યા જીવનનો આનંદ માણી શકશો. સજાગ રહેવાના બીજા પણ ફાયદા છે. ઈસુ આ દુષ્ટ જગતનો નાશ કરવા આવશે, ત્યારે તે જોશે કે તમે ઈશ્વરની ઇચ્છા પૂરી કરવામાં લાગુ રહ્યા છો. તમારો વિશ્વાસ જોઈને યહોવા ઘણાં જ ખુશ થશે અને ચોક્કસ અઢળક આશીર્વાદો આપશે!—પ્રકટી. ૧૬:૧૫. (w12-E 02/15)
[પાન ૧૪ પર ચિત્ર]
ઈસુએ કૂવા પાસે સ્ત્રીને સંદેશો જણાવ્યો. દરરોજ ખુશખબર જણાવવા માટે તમે શું કરો છો?
[પાન ૧૫ પર ચિત્ર]
યહોવાની ભક્તિ કરવા કુટુંબને મદદ કરવાથી સજાગ રહી શકાય છે