ઈસુના જીવન વિષે ઈશ્વરે પહેલેથી જણાવ્યું હતું
ઘણાં વરસો પહેલાં યશાયાહ અને બીજા પ્રબોધકોએ પવિત્ર શાસ્ત્રમાં ઈસુ વિષે ઘણી ભવિષ્યવાણીઓ લખી હતી. એટલા માટે પહેલી સદીના યહુદીઓ પવિત્ર શાસ્ત્ર વાંચીને ઈસુના આવવાની રાહ જોતા હતા. (લુક ૩:૧૫) પવિત્ર શાસ્ત્રમાં ઈસુના જીવન વિષે ઘણી ભવિષ્યવાણી આપવામાં આવી હતી. એમાંની એકે-એક ભવિષ્યવાણી પૂરી થઈ છે. એ આપણને ખાતરી આપે છે કે એ બધી ભવિષ્યવાણીઓ ઈશ્વર તરફથી જ હતી. ચાલો એમાંની અમુક ભવિષ્યવાણીઓ તપાસીએ.
ઈસુના જન્મની ભવિષ્યવાણી. પ્રબોધક યશાયાહે ભાખ્યું હતું કે ઈસુનો જન્મ કુંવારી સ્ત્રીથી થશે. અને એ ભવિષ્યવાણી પૂરી થઈ. એની સાબિતી ઈસુના એક શિષ્યએ આપી. તેમણે જણાવ્યું કે “પ્રભુએ પ્રબોધકની મારફતે જે કહાવ્યું હતું તે પૂરૂં થાય એટલે, જુઓ, કુંવારી ગર્ભવતી થશે, ને તેને દીકરો થશે.” (માત્થી ૧:૨૨, ૨૩; યશાયાહ ૭:૧૪) યશાયાહે એ પણ કહ્યું હતું કે રાજા દાઊદના વંશમાંથી ઈસુ આવશે. (માત્થી ૧:૬, ૧૬; લુક ૩:૨૩, ૩૧, ૩૨) જ્યારે એક દૂતે ઈસુની માને જણાવ્યું હતું કે “દેવ પ્રભુ તેને તેના પિતા દાઊદનું રાજ્યાસન આપશે,” ત્યારે એ ભવિષ્યવાણી પૂરી થઈ.— લુક ૧:૩૨, ૩૩; યશાયાહ ૧૧:૧-૫, ૧૦; રૂમી ૧૫:૧૨.
ઈસુના જીવનની ભવિષ્યવાણી. યશાયાહે જણાવ્યું હતું કે ઈસુ ઈશ્વરનો સંદેશ બીજાઓને જણાવશે. એ ભવિષ્યવાણી સાચી પડી જ્યારે ‘યશાયાહ પ્રબોધકનું પુસ્તક ઈસુને આપવામાં આવ્યું. તેમણે તે ઉઘાડીને, જ્યાં નીચે પ્રમાણે લખેલું છે તે જગા કાઢી, પ્રભુ મારી સાથે છે, કેમ કે દરિદ્રીઓ આગળ સુવાર્તા પ્રગટ કરવા સારૂ તેણે મારો અભિષેક કર્યો છે.’ ઈસુએ એ ભવિષ્યવાણી પોતાને લાગુ પાડતા કહ્યું કે “આજ આ ધર્મલેખ તમારા સાંભળતાં પૂરો થયો છે.” (લુક ૪:૧૭-૨૧; યશાયાહ ૬૧:૧, ૨) યશાયાહે એ પણ જણાવ્યું હતું કે ઈસુ બીમાર લોકોને સાજા કરશે. એનો પુરાવો આપતા એક શિષ્યએ કહ્યું કે “ઘણા લોક તેની [ઈસુની] પાછળ ગયા; અને બધાને સાજા કરીને તેણે [ઈસુએ] તેઓને સખત આજ્ઞા આપી, કે તમારે મને પ્રગટ નહિ કરવો. એ માટે કે યશાયાહ પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરૂં થાય.”—માત્થી ૮:૧૬, ૧૭; ૧૨:૧૦-૨૧; યશાયાહ ૪૨:૧-૪; ૫૩:૪, ૫.
લોકો ઈસુ સાથે કેવો વ્યવહાર કરશે. યશાયાહે કહ્યું હતું કે મોટે ભાગે યહુદીઓ ઈસુ પર વિશ્વાસ કરશે નહિ. અરે ઈસુ તેઓ માટે “ઠોકર ખવડાવનાર” બનશે. (૧ પીતર ૨:૬-૮; યશાયાહ ૮:૧૪, ૧૫) આવું કેવી રીતે બની શકે? ઈસુના ઘણા ચમત્કારો યહુદીઓએ જોયા હતાં છતાં “તેઓએ તેના પર વિશ્વાસ કર્યો નહિ.” અહીંયા ‘યશાયાહ પ્રબોધકનું વચન પૂરૂં થાય છે કે પ્રભુએ અમને જે કહ્યું છે તે કોણે માન્યું છે?’ (યોહાન ૧૨:૩૭, ૩૮; યશાયાહ ૫૩:૧) શા માટે યહુદીઓએ ઈસુમાં વિશ્વાસ કર્યો નહિ? કેમ કે યહુદીઓ માનતા હતા કે ઈસુ તેઓને રોમન સત્તામાંથી છોડાવશે, અને તેઓના રાજા બનશે. પણ જ્યારે ઈસુની સતાવણી કરીને મારી નાખ્યા, ત્યારે ઘણા યહુદીઓનો વિશ્વાસ ઈસુમાંથી ઊઠી ગયો.
પ્રબોધક યશાયાહે પહેલેથી જણાવ્યું હતું કે ઈસુની સતાવણી થશે. તેમણે ઈસુ વિષે લખ્યું કે ‘મેં એટલે કે ઈસુએ મારનારની આગળ મારી પીઠ ધરી અને અપમાન કરનારા તથા થૂંકનારાથી મેં મારું મુખ ઢાંકી દીધું નહિ.’ આ ભવિષ્યવાણી સાચી પડી જ્યારે રૂમીઓએ ‘ઈસુના મોં પર થૂંકીને મુક્કીઓ મારી; અને બીજાઓએ તેમને થબડાકો મારી.’ (યશાયાહ ૫૦:૬; માત્થી ૨૬:૬૭) યશાયાહે એ પણ લખ્યું કે ઈસુનો ન્યાય કરવામાં આવશે ત્યારે ‘તે નમ્ર થઈને પોતાનું મોં ઉઘાડશે નહિ.’ જ્યારે રોમન અધિકારીઓએ ઈસુનો ન્યાય કર્યો ત્યારે ‘તે એક પણ શબ્દ બોલ્યા નહિ.’—યશાયાહ ૫૩:૭; માત્થી ૨૭:૧૨-૧૪; પ્રેરિતોનાં કૃત્યો ૮:૨૮, ૩૨-૩૫.
ઈસુના મરણની ભવિષ્યવાણી. યશાયાહે પહેલેથી કહ્યું હતું કે ‘તેની કબર દુષ્ટોની ભેગી નક્કી કરેલી હતી, પણ તેની મરણાવસ્થામાં તે ધનવાનની સંઘાતે હતો.’ (યશાયા ૫૩:૯, કોમન લેંગ્વેજ) આ કલમ સાચી પડી જ્યારે ઈસુને બે લૂંટારા સાથે વધસ્તંભ પર જડવામાં આવ્યા. અને મરી ગયા ત્યારે એક ધનવાન વ્યક્તિએ પોતાના પરિવાર માટે બનાવેલી નવી કબરમાં તેમને મૂક્યા. (માત્થી ૨૭:૫૭-૬૦) યશાયાહે કહ્યું હતું કે ઈસુ “ઘણાઓને ન્યાયી ઠરાવશે; અને તેઓના અપરાધો તે પોતાને માથે લેશે.” જ્યારે ઈસુએ બલિદાન આપ્યું ત્યારે ન્યાયી લોકોના પાપ પોતાના માથે લીધા.—માત્થી ૨૭:૩૮; યશાયાહ ૫૩:૮, ૧૧; રૂમી ૪:૨૫
ભવિષ્યવાણી ચોક્કસ પૂરી થશે
ઈસુ ઈશ્વરના રાજ્યમાં રાજા થશે એ પુરાવો આપવા માટે તેમણે અને તેમના શિષ્યોએ શું કર્યું? તેઓએ અનેક વાર લોકોને યશાયાહના વીંટામાંથી ભવિષ્યવાણીઓ બતાવી. અને સમજાવ્યું કે ઈસુ વિષેની અમુક ભવિષ્યવાણીઓ પૂરી થઈ છે અને બાકીની પૂરી થશે. બીજા પ્રબોધકોએ પણ ઈસુ વિષે ભવિષ્યવાણી કરી હતી. એમાં લખ્યું હતું કે ઈસુ રાજા બનશે, અને પૃથ્વી પર બહુ જ સારા ફેરફારો લાવશે.a (પ્રેરિતોનાં કૃત્યો ૨૮:૨૩; પ્રકટીકરણ ૧૯:૧૦) આપણે એ ભવિષ્યવાણીઓમાં વિશ્વાસ રાખવો જોઈએ, કેમ કે બાઇબલમાં ઈસુએ જણાવ્યું છે કે ‘હું નિયમશાસ્ત્ર અથવા પ્રબોધકોની વાતોનો નાશ કરવાને નહિ, પણ પૂર્ણ કરવાને આવ્યો છું. હું તમને ખચીત કહું છું, કે આકાશ તથા પૃથ્વી જતાં રહે ત્યાં સુધી સઘળાં પૂરાં થયા વગર નિયમશાસ્ત્રમાંથી એક કાનો અથવા એક માત્રા જતી રહેશે નહિ.’—માત્થી ૫:૧૭, ૧૮.
ભાવિમાં ઈસુ બીજી ભવિષ્યવાણીઓ પૂરી કરવાના છે. (દાનીયેલ ૯:૨૭; માત્થી ૧૫:૭-૯; ૨૪:૧૫) પહેલી સદીમાં ઈસુ અને તેમના શિષ્યોએ પણ અમુક ભવિષ્યવાણીઓ ભાખી હતી. એમાંની અમુક આજે પૂરી થઈ રહી છે. પછીના લેખમાં એ વિષે વધારે માહિતી જોઈશું. (w08 10/1)
[Footnotes]
a બીજી ભવિષ્યવાણીઓ જે ઈસુમાં પૂરી થઈ છે એ વિષે વધારે જાણવું હોય તો યહોવાહના સાક્ષીઓએ બહાર પાડેલું પવિત્ર બાઇબલ શું શીખવે છે પુસ્તકના પાન ૨૦૦ પર જુઓ.
[Picture on page 4]
“કુંવારી ગર્ભવતી થશે, ને તેને દીકરો થશે”
[Picture on page 5]
‘અપમાન કરવા છતાં મેં મારૂં મુખ ઢાંકી દીધું નહિ’