યહોવાહ દિલ જુએ છે, દેખાવ નહિ!
“માણસ જેમ જુએ છે તેમ યહોવાહ જોતો નથી.”—૧ શમૂએલ ૧૬:૭.
લગભગ ૩,૦૦૦ વર્ષો પહેલાંની વાત છે. યહોવાહ પરમેશ્વરે, પોતાના ભક્ત શમૂએલને યિશાઈ નામના માણસને ઘરે મોકલ્યા. યહોવાહે શમૂએલને જણાવ્યું કે ‘યિશાઈના પુત્રોમાંથી એકને ઈસ્રાએલનો રાજા થવા પસંદ કર.’ શમૂએલે જ્યારે યિશાઈના મોટા દીકરા અલીઆબને જોયો, ત્યારે તેમને થયું કે નક્કી આ જ હોવો જોઈએ. પરંતુ, યહોવાહે કહ્યું: “તેના મોં તરફ તથા તેના શરીરની ઊંચાઈ તરફ ન જો; કેમકે મેં એને નાપસંદ કર્યો છે; કારણ કે માણસ જેમ જુએ છે તેમ યહોવાહ જોતો નથી; કેમકે માણસ બહારના દેખાવ તરફ જુએ છે, પણ યહોવાહ હૃદય તરફ જુએ છે.” (૧ શમૂએલ ૧૬:૬, ૭) હા, શમૂએલ જે જોઈ શકતા ન હતા, એ યહોવાહ જોઈ શકતા હતા.a
૨ મોટે ભાગે આપણે બીજાને ઓળખવામાં ભૂલ કરીએ છીએ. એક કહેવત છે, કે “હાથીના દાંત બતાવવાના જુદા અને ચાવવાના જુદા.” એમ ઘણા કપટી માણસો મીઠું મીઠું બોલીને આપણને છેતરી જાય છે. જ્યારે કે ઘણા સારા લોકો આપણને જરાય ગમતા નથી. એટલે જ કહેવાય છે કે ‘દિલકો દેખો, ચહેરા ના દેખો.’
૩ મોટા ભાગે આપણે અધીરા થઈને કોણ કેવું છે, એ જણાવવા બોલી ઊઠીએ છીએ: ‘મારું માનવું છે કે . . . .’ પછી ભલેને એ આપણા વહાલા ભાઈ-બહેનો, કે પાક્કા મિત્ર હોય. શક્ય છે કે એ રીતે તમે કોઈનું મનદુઃખ પણ કર્યું હોય. તમને ચોક્કસ જાણવું ગમશે કે કઈ રીતે એ મિત્રનું મન જીતી લઈ શકાય.
૪ તમે જરા તમારા એ જિગરી દોસ્તનો વિચાર કરો. તેના સુંદર ગુણોને ફૂલોની જેમ, તમારા મનની ફૂલદાનીમાં સજાવો. જરા વિચારો: ઈસુએ કહ્યું હતું કે ‘મારા બાપના ખેંચ્યા વિના કોઈ માણસ મારી પાસે આવી નથી શકતો.’ (યોહાન ૬:૪૪) તેથી, એ ભાઈ કે બહેનને યહોવાહે પસંદ કર્યા છે. તો પછી વિચારો કે તમારી દોસ્તી કઈ રીતે બંધાઈ હતી? તમને એ ભાઈ કે બહેનમાં શું ગમ્યું હતું? ખાસ કરીને જો લાંબા સમયથી મનમાં કડવાશ ભરી હોય, તો જલદીથી તેમના સદ્ગુણો ન પણ જોઈ શકીએ. પરંતુ, જો આપણે તેમનું મન જીતી લેવા ચાહતા હોઈએ, તો આ વિચારવું જ જોઈએ. કઈ રીતે આપણે બધા જ આ કરી શકીએ? આવો, આપણે ઈશ્વરભક્ત યૂના અને પ્રેષિત પીતરનો દાખલો લઈએ. તેઓએ શું ખોટું કર્યું એની ઘણી વાતો થઈ હશે. પરંતુ, ચાલો આજે તેઓના અનમોલ મોતી જેવા સુંદર ગુણોનો વિચાર કરીએ.
યૂનાનું દિલ કેવું હતું?
૫ યોઆશનો પુત્ર યરોબઆમ ઈસ્રાએલમાં રાજ કરતો હતો ત્યારે, યૂના ઈશ્વરનો સંદેશો લોકોને જણાવતા હતા. (૨ રાજાઓ ૧૪:૨૩-૨૫) એક દિવસે યહોવાહે યૂનાને આજ્ઞા કરી કે તે આશ્શૂરના મહાનગર નીનવેહ જાય. યૂનાએ શા માટે ત્યાં જવાનું હતું? નીનવેહના લોકોને ચેતવણી આપવા કે તેઓના મહાનગરને માથે વિનાશ ઝઝૂમી રહ્યો છે. (યૂના ૧:૧, ૨) પરંતુ, યૂનાએ શું કર્યું? નીનવેહથી વિરુદ્ધ દિશામાં તાર્શીશ જતું વહાણ પકડીને, તે ત્યાંથી નાસી છૂટ્યા.—યૂના ૧:૩.
૬ હવે તમે યૂના વિષે શું વિચારી રહ્યા છો? શું આપણે તરત જ યૂનાનો વાંક શોધી કાઢીએ છીએ? કદાચ એમ બની શકે. પરંતુ, શું યહોવાહે યૂનાની નબળાઈ જોઈને પસંદ કર્યા હતા? ના! એના બદલે, યહોવાહે તો યૂનાના અનમોલ મોતી જેવા ગુણો જોયા હતા. ચાલો આપણે એમાંના થોડા જોઈએ.
૭ યૂના રાત-દહાડો એક કરીને, ઈસ્રાએલના લોકોને યહોવાહનો સંદેશો જણાવતા હતા. શું ઈસ્રાએલી લોકોએ તેમનું સાંભળ્યું? ના. બીજા એક ઈશ્વર-ભક્ત, આમોસ પણ યૂનાના જમાનામાં જ થઈ ગયા. તેમણે જણાવ્યું કે ઈસ્રાએલના લોકો તો બસ મોજ-શોખમાં જ ડૂબેલા રહેતા હતા.b દરેક પ્રકારના ખોટા કામ ચાલતા, છતાં ઈસ્રાએલીઓના પેટનું પાણીયે ન હાલતું. (આમોસ ૩:૧૩-૧૫; ૪:૪; ૬:૪-૬) પરંતુ, યૂના હિંમત હાર્યા વિના તેઓને યહોવાહનો સંદેશો જણાવતા રહ્યા. તમે પોતે જોયું હશે કે જે લોકો ધનદોલતમાં આળોટતા હોય અથવા પોતાની જ દુનિયામાં ખોવાયેલા હોય, તેઓને પ્રચાર કરવું કેટલું અઘરું હોય છે. ખરું કે યૂના નાસી છૂટ્યા એ સારું ન કહેવાય. પરંતુ, શું તેમની વફાદારી અને ધીરજ જેવા અનમોલ મોતીની, આપણે કદર કરવી ન જોઈએ?
૮ જો કે નીનવેહમાં પ્રચાર કરવો પણ કંઈ રમત વાત ન હતી. નીનવેહ લગભગ ૮૦૦ કિલોમીટર દૂર આવેલું હતું. યૂનાએ કંઈ સુપર-ફાસ્ટ ગાડી કે લક્ઝરી બસમાં નહિ, પણ ચાલીને જવાનું હતું. ત્યાં જતાં લગભગ એક મહિનો લાગી જાય. વળી, નીનવેહમાં શું તે કોઈના મહેમાન થઈને જવાના હતા? ના, પણ ત્યાં જઈને આશ્શૂરીઓને પ્રચાર કરવાનો હતો. આ એ જ આશ્શૂરીઓ હતા, જેઓ કસાઈની જેમ દુશ્મનનું અંગે-અંગ છૂટું પાડતા જરાય અચકાતા નહિ. તેઓ રીબાવી રીબાવીને લોકોને મારી નાખવાની બડાઈ મારતા. ખરેખર, નીનવેહ ‘ખૂની નગર’ હતું!—નાહૂમ ૩:૧, ૭.
૯ તેથી, યહોવાહની વાત માનવાને બદલે, યૂના વહાણમાં એકદમ વિરુદ્ધ દિશાએ નાસી છૂટ્યા. હવે યહોવાહે શું એમ વિચાર્યું, કે ‘એને જવા દે. એના જેવા તો બીજા ઘણા મને મળશે’? ના. એના બદલે, યહોવાહે એક પ્રેમાળ પિતા તરીકે યૂનાને પાઠ ભણાવ્યો. પહેલા તો તેમણે દરિયામાં તોફાન મોકલ્યું. તેથી, યૂના જેમાં હતા એ વહાણ દરિયામાં આમથી તેમ થવા લાગ્યું. યૂનાને લીધે, વહાણમાંના બધા લોકોના જીવ ખતરામાં હતા! (યૂના ૧:૪) યૂનાએ શું કર્યું? તેમણે લોકોને કહ્યું, કે “મને ઊંચકીને સમુદ્રમાં ફેંકી દો; એટલે સમુદ્ર તમારે માટે શાંત થશે.” (યૂના ૧:૧૨) આખરે, લોકોએ યૂનાને ઊંચકીને દરિયામાં નાખી દીધા. (યૂના ૧:૧૫) હવે યૂનાને એવી પણ આશા ન હતી કે યહોવાહ તેમને બચાવશે. તેમ છતાં, લોકો માર્યા જાય એના કરતાં, યૂના પોતે મરવા તૈયાર હતા. શું એમાં યૂનાનો પ્રેમ, હિંમત અને નમ્રતા નથી દેખાઈ આવતા?
૧૦ જો કે યહોવાહે યૂનાને બચાવી લીધા. પરંતુ, શું યહોવાહે યૂનાને એમ કહ્યું કે ‘હવેથી હું તને કદી કોઈ કામ નહિ સોંપું?’ ના, યહોવાહે પ્રેમથી સમજાવીને યૂનાને ફરીથી નીનવેહ પ્રચાર કરવા જવાનું કામ સોંપ્યું. આ વખતે યૂના સીધા નીનવેહ ચાલી નીકળ્યા. ત્યાં લોકોને ચેતવણી આપી કે ૪૦ દિવસમાં નગરનો નાશ થશે, કેમ કે યહોવાહની નજરે બહુ ભૂંડા કામ તેઓએ કર્યા હતા. (યૂના ૧:૨; ૩:૪) યૂનાનો સંદેશો લોકોના દિલમાં ઊતરી ગયો. તેઓએ દિલથી પસ્તાવો કર્યો, એટલે યહોવાહે એ નગરનો નાશ કર્યો નહિ.
૧૧ જો કે યૂનાને ફરીથી ગુસ્સો આવ્યો. આ વખતે યહોવાહે એક વેલા દ્વારા યૂનાને સમજણ આપી, કે યહોવાહ દેખાવ નહિ પણ દિલ જુએ છે. (યૂના ૪:૫-૧૧) યૂનાએ યહોવાહનું કહેવું માન્યું, કેમ કે તેમણે જ એ વિષેનો આખો અહેવાલ લખ્યો. આપણી ભૂલો વિષે કોઈને કહેતા પણ આપણને શરમ આવે છે. વળી, પોતાની ભૂલોનો સ્વીકાર કરવામાં પણ હિંમત જોઈએ. યૂનાએ ફક્ત પોતાની ભૂલો સ્વીકારી જ નહિ, પણ એ લખી. શું એ જ બતાવતું નથી કે તે બહુ જ નમ્ર હતા?
૧૨ યહોવાહની જેમ જ, ઈસુએ પણ યૂનાનું દિલ જોયું. સદીઓ પછી, ઈસુ ખ્રિસ્તે યૂના વિષે કહ્યું: “જેમ યૂના ત્રણ રાતદહાડા મોટા માછલાના પેટમાં રહ્યો હતો, તેમ માણસનો દીકરો પણ ત્રણ રાતદહાડા પૃથ્વીના પેટમાં રહેશે.” (માત્થી ૧૨:૪૦) યહોવાહના રાજમાં યૂનાને સજીવન કરવામાં આવશે ત્યારે, તે જાણશે કે ઈસુએ કઈ રીતે પોતાની સાથે સરખામણી કરી હતી. ખરેખર, યહોવાહ અને ઈસુ આપણા સાચા મિત્રો છે. વળી, “જેમ બાપ પોતાનાં છોકરાં પર દયાળુ છે, તેમ યહોવાહ પોતાના ભક્તો પર દયાળુ છે. કેમકે તે આપણું બંધારણ જાણે છે; આપણે ધૂળનાં છીએ એવું તે સંભારે છે.” (ગીતશાસ્ત્ર ૧૦૩:૧૩, ૧૪) યહોવાહ આપણો સાથ છોડી દેતા નથી, પણ તે આપણને શક્તિમાન કરી મહાન કાર્યો પાર પાડે છે!
પીતર કેવા હતા?
૧૩ ચાલો હવે આપણે પ્રેષિત પીતરના જીવનમાં જરા ડોકિયું કરીએ. શું તમારા મનમાં એવા માણસનું ચિત્ર આવે છે, જે ઉતાવળા, અવિચારી, કે વધારે પડતું બોલ બોલ કરતા હોય? પીતર એવા હતા. પરંતુ, શું ઈસુએ બાર શિષ્યોમાં પીતરને એવા સ્વભાવને લીધે પસંદ કર્યા હતા? (લુક ૬:૧૨-૧૪) ના! ઈસુએ પીતરની નબળાઈ નહિ, પણ કોમળ ફૂલો જેવા સુંદર ગુણો જોયા.
૧૪ ઘણી વાર બધા પ્રેષિતો ચૂપ રહેતા, પણ પીતર બોલી ઊઠતા. કોઈકને લાગે કે ‘જાણે બધું પોતાને જ ખબર હોય, એમ બીજાને ચાન્સ પણ આપતા ન હતા.’ પરંતુ, શા માટે પીતર એમ કરતા હતા? એવું માનવામાં આવે છે કે પ્રેષિતોમાં પીતર મોટી ઉંમરના હતા. તે કદાચ ઈસુ કરતાં પણ મોટા હતા. (માત્થી ૧૬:૨૨) જો કે બીજું મહત્ત્વનું કારણ પણ છે. પીતર એવા હતા, જેમને યહોવાહના જ્ઞાનની હંમેશાં તરસ હતી. એટલે જ તે વાત-વાતમાં પ્રશ્નો પૂછતા. ખરું જોતાં, એનો લાભ આજે આપણને પણ મળે છે, કેમ કે ઈસુએ આપેલા જવાબો બાઇબલમાં મળી આવે છે. દાખલા તરીકે, પીતરના એક પ્રશ્નનો જવાબ આપતા, ઈસુએ ‘વિશ્વાસુ કારભારી’ વિષે જણાવ્યું. (લુક ૧૨:૪૧-૪૪) વળી, આ પ્રશ્નનો વિચાર કરો: “જો, અમે બધું મૂકીને તારી પાછળ આવ્યા છીએ, તો અમને શું મળશે?” એના જવાબમાં, ઈસુએ આ વચન આપ્યું: “જે કોઈએ ઘરોને, કે ભાઈઓને, કે બહેનોને, કે બાપને, કે માને, કે છોકરાંને, કે ખેતરોને, મારા નામને લીધે મૂકી દીધાં છે, તે સોગણાં પામશે, ને અનંતજીવનનો વારસો પામશે.”—માત્થી ૧૫:૧૫; ૧૮:૨૧, ૨૨; ૧૯:૨૭-૨૯.
૧૫ પીતરના બીજા એક સુંદર ગુણનો વિચાર કરો. અમુક વાતો ન સમજી શકવાને કારણે, ઘણા શિષ્યો ઈસુને છોડી ગયા. પરંતુ, પીતરે તરત જ બાર પ્રેષિતો માટે બોલતા કહ્યું: “પ્રભુ, અમે કોની પાસે જઈએ? અનંતજીવનની વાતો તો તારી પાસે છે.” (યોહાન ૬:૬૬-૬૮) ઈસુનું દિલ કેવું ખુશીથી છલકાઈ ગયું હશે! પછીથી, જ્યારે પોતાના ગુરુને પકડી જવા લોકો આવ્યા, ત્યારે મોટા ભાગના પ્રેષિતો નાસી છૂટ્યા. પરંતુ, પીતર છેક પ્રમુખ યાજકના ઘર સુધી પાછળ પાછળ ગયા. શું તે બીકણ હતા? ના, પણ હિંમતવાન હતા. ઈસુની પૂછપરછ થતી હતી ત્યારે, પીતર બહાર લોકો સાથે ઊભા રહ્યા. પ્રમુખ યાજકના એક ચાકરે તેમને ઓળખી કાઢ્યા કે તે ઈસુ સાથે હતા. હા, પીતરે પોતાના ગુરુને જાણતા હોવાની ત્રણ વાર ના પાડી. પરંતુ, શું આપણે એ વિચારીએ છીએ કે શા માટે તે આ સંજોગમાં આવી પડ્યા? પીતરે જે જોખમ માથે લીધું, એ શું બતાવે છે? એ જ કે તે પોતાના ગુરુને દિલોજાનથી ચાહતા હતા અને તેમની ચિંતા પીતરને કોરી ખાતી હતી.—યોહાન ૧૮:૧૫-૨૭.
૧૬ ખરું કે યૂના અને પીતરમાં નબળાઈઓ હતી. પરંતુ, તેઓના અનમોલ મોતી જેવા ગુણો વધારે કિંમતી હતા. ચાલો આપણા વહાલા ભાઈ-બહેનોના ફૂલો જેવા ગુણો વીણી વીણીને આપણા દિલની ફૂલદાનીમાં સજાવીએ. આ રીતે આપણે એક સુખી કુટુંબ બનીશું. પરંતુ, હમણાં એમ કરવાની શા માટે ખાસ જરૂર છે?
તમે શું શીખ્યા?
૧૭ આજે યહોવાહના ભક્તો દુનિયાના ચારેય ખૂણામાં છે, અને જાણે મેઘ-ધનુષના સાતેય રંગોની જેમ અતિ સુંદર દેખાય છે! (પ્રકટીકરણ ૭:૯, ૧૦) ભલે આપણે જુદા જુદા સ્વભાવના છીએ, છતાં ભેગા રહીને યહોવાહની સેવા કરવાનો પ્રયત્ન કરીએ છીએ. કોઈ વાર આપણી નબળાઈ દેખાઈ આવે, અને જરા ગરમા-ગરમી પણ થઈ જાય.—રૂમીઓને પત્ર ૧૨:૧૦; ફિલિપી ૨:૩.
૧૮ ખરું કે આપણે એકબીજાની ભૂલો જરૂર જોઈશું. તેમ છતાં ચાલો આપણે બીજાને યહોવાહની નજરે જોઈએ: “હે યાહ, જો તું દુષ્ટ કામો ધ્યાનમાં રાખે, તો, હે પ્રભુ, તારી આગળ કોણ ઊભો રહી શકે?” (ગીતશાસ્ત્ર ૧૩૦:૩) તેથી, આપણી એકતા કોરી ખાતી નબળાઈઓ પર ધ્યાન ન આપીએ. એને બદલે ‘જે શાંતિકારક છે, તથા જે વડે એકબીજામાં સુધારો-વધારો કરી શકીએ, એવી બાબતોની પાછળ આપણે લાગુ રહીએ.’ (રૂમીઓને પત્ર ૧૪:૧૯) હા, આપણે ‘એકબીજાનું સહન કરીએ.’ ચાલો, આપણે એકબીજાને યહોવાહની નજરે જોઈએ, એટલે કે દિલ જોઈએ દેખાવ નહિ!—કોલોસી ૩:૧૩.
૧૯ પરંતુ, જો એવું કંઈક બને જેનાથી આપણી ઊંઘ હરામ થઈ જાય તો શું? (ગીતશાસ્ત્ર ૪:૪) શું એ તમારી અને મંડળના કોઈ ભાઈ-બહેન વચ્ચે બન્યું છે? કેમ નહિ કે બને એટલી જલદી ફરીથી સારા સંબંધો બાંધવા પ્રયત્ન કરીએ? (ઉત્પત્તિ ૩૨:૧૩-૧૫) સૌ પ્રથમ, આપણા યહોવાહ પિતાને વિનંતી કરો કે કોઈ રસ્તો સૂઝાડે. પછી, એ ભાઈ કે બહેનના સુંદર ગુણો તમારી નજર આગળ રાખીને તેમને મળો, અને “જ્ઞાનથી આવેલી નમ્રતા વડે” વાતચીત કરો. (યાકૂબ ૩:૧૩) ખુલ્લા મને જણાવો કે તમારે તેમની સાથેની દોસ્તી તોડવી નથી. આવા સમયે બાઇબલની આ સલાહ ખાસ લાગુ પાડો: ‘સાંભળવામાં ચપળ, બોલવામાં ધીમા, તથા ક્રોધમાં ધીરા થાઓ.’ (યાકૂબ ૧:૧૯) ‘ક્રોધમાં ધીરા થવું’ એટલે શું? એનો અર્થ એ કે સામેની વ્યક્તિ ગુસ્સામાં આવી કંઈ એવું કહે કે કરે, જેનાથી બળતામાં ઘી ઉમેરાય. એમ થાય તો, મનમાં જ યહોવાહને પ્રાર્થના કરો કે તમે શાંત રહી શકો. (ગલાતી ૫:૨૨, ૨૩) આપણા ભાઈ કે બહેનને પોતાના દિલનો ઊભરો ઠાલવી લેવા દો, અને તમે ધ્યાનથી સાંભળો. ભલે તમે એ માની ન શકતા હોવ, છતાં તેમને બોલી લેવા દો. ભલે તે ખોટા હોય, તેમ છતાં હમણાં તેમને એવું જ લાગે છે. એ સહેલું ન હોય, છતાં તમે તેમની નજરે જોવાનો પ્રયત્ન કરો.—નીતિવચનો ૧૮:૧૭.
૨૦ તમે બોલો ત્યારે, મધુર વાણી અને માનથી બોલો. (કોલોસી ૪:૬) તેમની સાથે મન મૂકીને વાત કરો. જો મુશ્કેલી ઊભી કરવામાં તમારો વાંક હોય, તો કબૂલ કરી માફી માંગો. આખરે, જો તમારા બંનેમાં શાંતિ થઈ જાય, તો યહોવાહને પ્રાર્થના કરી દિલથી આભાર માનો. પરંતુ, જો ન થાય તો યહોવાહને કાલાવાલા કરતા રહો કે કંઈક બીજો રસ્તો સૂઝાડે. પછી, એ માટે આંખ અને કાન બંને ખુલ્લા રાખો.—રૂમીઓને પત્ર ૧૨:૧૮.
૨૧ યહોવાહ આપણને ખૂબ જ ચાહે છે. આપણામાં ખોટ હોવા છતાં, તે આપણી ભક્તિ સ્વીકારે છે. યહોવાહ આપણું દિલ જુએ છે, દેખાવ નહિ. તેથી, આપણે પણ એમ જ કરતા શીખીએ. જો આપણા ભાઈ-બહેન કે મિત્રનું મનદુઃખ કર્યું હોય, તો ફરીથી તેમનું મન જીતી લઈ શકીએ છીએ. ખરેખર, આપણે બીજામાં સુંદર ગુણો જોઈશું ત્યારે, આપણા દિલમાં પણ ખુશીઓની મોસમ આવી જશે! તેથી, ચાલો આપણે યહોવાહની જેમ દિલ જોઈએ, દેખાવ નહિ.
[ફુટનોટ્સ]
a અલીઆબ દેખાવડો જરૂર હતો. પરંતુ, ઈસ્રાએલના રાજાને શોભે એવા ગુણ તેનામાં ન હતા. પલિસ્તી રાક્ષસ ગોલ્યાથે જ્યારે ઈસ્રાએલી લોકોને મેદાનમાં આવી જવા ચેલેંજ ફેંકી, ત્યારે બીજા બધાની સાથે સાથે અલીઆબને પણ પસીનો છૂટી ગયો.—૧ શમૂએલ ૧૭:૧૧, ૨૮-૩૦.
b ઉત્તર ઈસ્રાએલમાં યરોબઆમ બીજો રાજ કરતો હતો ત્યારે ઘણી ધન-દોલત હતી. એનું કારણ એ હોય શકે કે તેઓ મોટી મોટી લડાઈઓ જીત્યા હતા. અગાઉ હારી ગયેલા દેશો પણ પાછા જીતી લીધા હતા. વળી, એ કારણે બીજા દેશોના રાજાઓ ઈસ્રાએલને કર ભરતા હતા.—૨ શમૂએલ ૮:૬; ૨ રાજાઓ ૧૪:૨૩-૨૮; ૨ કાળવૃત્તાંત ૮:૩, ૪; આમોસ ૬:૨.
તમે શું કહેશો?
• યહોવાહને પોતાના સેવકોએ કરેલી ભૂલો વિષે કેવું લાગે છે?
• યૂના અને પીતરના અનમોલ મોતી જેવા કયા ગુણો તમને ગમ્યા?
• હવે તમે ભાઈ-બહેનોમાં શું જોવાનો નિર્ણય કર્યો છે?
[અભ્યાસ પ્રશ્નો]
૧, ૨. અલીઆબને ઓળખવામાં યહોવાહ અને શમૂએલમાં કયો ફરક હતો? આપણે એમાંથી શું શીખીએ છીએ?
૩, ૪. (ક) કોઈ મુશ્કેલી ઊભી થાય ત્યારે આપણને શું જાણવું ગમે છે? (ખ) કોઈની સાથે મનદુઃખ થાય તો, કયા પ્રશ્નો પર વિચાર કરવો જોઈએ?
૫. યહોવાહે યૂનાને કયું કામ સોંપ્યું અને યૂનાએ શું કર્યું?
૬. યહોવાહે શા માટે યૂનાને નીનવેહ જવા પસંદ કર્યા?
૭. ઈશ્વરભક્ત યૂનાના જમાનામાં ઈસ્રાએલીઓ કેવા હતા? એનાથી આપણા મન પર યૂના વિષે કેવી છાપ પડે છે?
૮. શું નીનવેહમાં પ્રચાર કરવાનું કામ સહેલું હતું?
૯. વહાણમાંના લોકોના જીવ જોખમમાં હતા ત્યારે, યૂનાએ શું કર્યું?
૧૦. યહોવાહે યૂનાને ફરીથી નીનવેહ મોકલ્યા પછી શું થયું?
૧૧. યૂના પોતાના અનુભવોમાંથી શું શીખ્યા?
૧૨. (ક) કઈ રીતે ઈસુ પણ યહોવાહની જેમ જ લોકોને જુએ છે? (ખ) પ્રચાર કરતી વખતે, આપણે લોકો વિષે શું વિચારવું જોઈએ? (પાન ૧૮ પરનું બોક્ષ જુઓ.)
૧૩. પહેલી નજરે આપણને પીતર કેવા લાગી શકે? પરંતુ ઈસુએ તેમને શા માટે પસંદ કર્યા હતા?
૧૪. (ક) શા માટે પીતર વધારે બોલતા હોય શકે? (ખ) પીતરના સ્વભાવથી આજે આપણને કયો લાભ થાય છે?
૧૫. પીતરે કઈ રીતે પોતાની દોસ્તી નીભાવી?
૧૬. યૂના અને પીતર વિષે આપણે શા માટે વિચાર કરવો જોઈએ?
૧૭, ૧૮. (ક) શા માટે કોઈ વાર આપણી વચ્ચે ગરમા-ગરમી થઈ શકે છે? (ખ) બાઇબલની કઈ સલાહ આપણને મદદ કરી શકે છે?
૧૯. ભાઈ-બહેન સાથે મુશ્કેલી ઊભી થાય તો તમે શું કરશો?
૨૦. કોઈ મુશ્કેલીનો ઉકેલ લાવવા, શા માટે પહેલા સામેની વ્યક્તિનું ધ્યાનથી સાંભળવું જોઈએ?
૨૧. આ લેખમાંથી તમને યહોવાહની નજરે જોવા કઈ રીતે મદદ મળી છે?
[પાન ૧૮ પર બોક્સ]
યહોવાહની નજરે
યૂના વિષે જે શીખ્યા, એ પરથી તમને નથી લાગતું કે આપણે પ્રચાર કરીએ છીએ, એ લોકોને યહોવાહની નજરે જોવા જોઈએ? ઈસ્રાએલી લોકોની જેમ તેઓ પણ ધનવાન હોય, એશ-આરામથી જીવતા હોય અથવા યહોવાહના સંદેશો જાણવા જ માંગતા ન હોય. પરંતુ, યહોવાહને તેઓ વિષે શું લાગે છે? યૂનાના સમયમાં નીનવેહના રાજાએ દિલથી પસ્તાવો કર્યો. એ જ રીતે, આજે પણ આ જગતના મોટા માણસો બદલાઈ શકે છે, અને યહોવાહના ભક્તો બની શકે છે.—યૂના ૩:૬, ૭.
[પાન ૧૫ પર ચિત્રનું મથાળું]
તમે દિલ જુઓ છો કે દેખાવ?
[પાન ૧૬, ૧૭ પર ચિત્રનું મથાળું]
ઈસુએ યૂનાનો માછલીનો અનુભવ પોતાને લાગુ પાડ્યો