વાચકો તરફથી પ્રશ્નો
• ઈશ્વરનો પવિત્ર આત્મા તો વ્યક્તિ નથી, તો પછી આપણે કઈ રીતે એને દુઃખી કરી શકીએ?
પ્રેષિત પાઊલે લખ્યું હતું: “દેવના પવિત્ર આત્માને તમે ખિન્ન ન કરો.” (એફેસી ૪:૩૦) કેટલાક લોકો આ કલમથી એવું સમજે છે કે પવિત્ર આત્મા પણ એક વ્યક્તિ છે. પરંતુ ‘વિશ્વાસુ તથા શાણા કારભારીએ’ બહાર પાડેલાં પ્રકાશનોમાં ઘણી વાર બાઇબલમાંથી અને ઇતિહાસથી સાબિતી આપી છે કે પહેલી સદીના ખ્રિસ્તીઓ પવિત્ર આત્માને એક વ્યક્તિ તરીકે ગણતા ન હતા. તેમ જ તેઓ પવિત્ર આત્માને પરાત્પર પરમેશ્વરની સમાન પણ ગણતા ન હતા, જેમ ઘણા આજે ત્રૈક્યમાં માને છે.a (લુક ૧૨:૪૨) એ જ રીતે પાઊલ પણ પરમેશ્વરના પવિત્ર આત્માનો વ્યક્તિ તરીકે ઉલ્લેખ કરતા ન હતા.
યહોવાહનો પવિત્ર આત્મા તેમની શક્તિ છે, જેને આપણે જોઈ શકતા નથી. (ઉત્પત્તિ ૧:૨) યોહાને અગાઉથી કહ્યું હતું કે જેમ તે પોતે પાણીથી બાપ્તિસ્મા પામ્યા તેમ, ઈસુ ખ્રિસ્તનું “પવિત્ર આત્માથી” બાપ્તિસ્મા થશે. (લુક ૩:૧૬) પહેલી સદીમાં પેન્તેકોસ્ત ૩૩ની સાલમાં શું થયું એનો વિચાર કરો. ત્યારે આશરે ૧૨૦ શિષ્યો “પવિત્ર આત્માથી ભરપૂર થયા.” તેઓ પર કંઈ કોઈ વ્યક્તિ આવીને બેઠી ન હતી. (પ્રેરિતોનાં કૃત્યો ૧:૫, ૮; ૨:૪, ૩૩) એનાથી આ અભિષિક્તોને સ્વર્ગની આશા મળી અને પરમેશ્વરના પવિત્ર આત્માએ તેઓને જીવનભર ખરા માર્ગ પર ચાલવા માર્ગદર્શન પણ આપ્યું. (રૂમી ૮:૧૪-૧૭; ૨ કોરીંથી ૧:૨૨) પવિત્ર આત્માની મદદથી તેઓ ઈશ્વર જેવા ગુણો કેળવી શક્યા. તેમ જ પાપ તરફ દોરી જતા અને ઈશ્વરને નાખુશ કરતા ‘દેહના કામથી’ દૂર રહેવા પણ પવિત્ર આત્માએ તેઓને મદદ કરી.—ગલાતી ૫:૧૯-૨૫.
જો આપણે પૃથ્વી પર જીવવાની આશા સાથે ઈશ્વરની ભક્તિ કરતા હોય તો, આપણે પવિત્ર આત્માથી અભિષિક્ત થયા નથી. પરંતુ આપણે પૂરી ખાતરી રાખી શકીએ કે પરમેશ્વર આપણા પર પણ જરૂર પવિત્ર આત્મા મોકલશે. પરંતુ, સાથે સાથે આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણે પવિત્ર આત્માને દુઃખ ન પહોંચાડીએ. પણ આપણે કઈ રીતે દુઃખ પહોંચાડી શકીએ?
પરમેશ્વરે પવિત્ર આત્મા મોકલીને તેમના અમુક ભક્તો પાસે બાઇબલ લખાવ્યું હતું. તેથી, જો આપણે બાઇબલની સલાહ અને આજ્ઞાઓને ન પાળીએ તો, એવું બની શકે કે આપણે જાણીજોઈને પવિત્ર આત્મા વિરુદ્ધ પાપ કરીશું. એનાથી તો આપણે યહોવાહની કૃપા ગુમાવી દઈશું. અને છેવટે આપણે પણ વિનાશને પાત્ર બનીશું. (માત્થી ૧૨:૩૧, ૩૨) આપણે કદાચ એટલું મોટું પાપ નહિ કર્યું હોય કે જેનાથી તરત જ યહોવાહનો પવિત્ર આત્મા દુઃખી થાય. પણ જો આપણે આપણા વિચારો કે વર્તનથી થોડા અંશે પણ ખોટા માર્ગે જતા હોઈશું તો, એ છેવટે આપણને પવિત્ર આત્માની વિરુદ્ધ લઈ જઈ શકે છે. આ રીતે પણ આપણે પવિત્ર આત્માને દુઃખી કરીએ છીએ.
તો પછી, આપણે શું કરવું જોઈએ, જેથી પરમેશ્વરના આત્માને દુઃખી ન કરીએ? એ માટે આપણે આપણા વિચારો અને કામો પર પૂરો કાબૂ રાખવો જોઈએ. પાઊલે એફેસીઓને લખેલા પત્રમાં શું સલાહ આપી એનો વિચાર કરો. અધ્યાય ચારમાં પાઊલ સલાહ આપે છે કે આપણે અરસપરસ જૂઠું ન બોલીએ, ગુસ્સાને મનમાં ભરી ન રાખતા બીજાઓને માફ કરીએ, આળસુ ન બનીએ, પણ મહેનત કરીએ, તેમ જ આપણે અપશબ્દો પણ ન બોલીએ. જો આપણે “નવો સ્વભાવ” પહેરી લેવા મહેનત કરતા હોય, પણ આપણી પહેલાની ખરાબ આદતો તરફ હજી આપણું મન ઢળેલું હોય તો, એનો શું અર્થ? એનાથી તો આપણે પવિત્ર આત્માની પ્રેરણાથી લખાયેલા બાઇબલની સલાહ વિરુદ્ધ જઈશું. એમ કરીને પણ આપણે પવિત્ર આત્માને દુઃખી કરીએ છીએ.
એફેસીના પાંચમા અધ્યાયમાં પાઊલ આપણને વ્યભિચાર, શરમજનક વર્તન કે ગંદી વાતોથી દૂર રહેવાની સલાહ આપે છે. જો આપણે પવિત્ર આત્માને દુઃખી કરવા ન માંગતા હોય તો, મોજમજા માટે કંઈ પણ પસંદગી કરતા પહેલાં પાઊલની આ સલાહ યાદ રાખીશું. તેમ જ પાઊલે મના કરી એ વસ્તુઓ વિષે આપણે વાત પણ નહીં કરીએ. અરે, એ વિષે કંઈ વાંચવાથી, ટીવી, ફિલ્મો કે ઈન્ટરનેટ પર જોવાથી પણ એકદમ દૂર રહીશું.
આપણી બીજી ઘણી રીતોએ પવિત્ર આત્માને દુઃખ થઈ શકે. યહોવાહનો પવિત્ર આત્મા મંડળમાં શાંતિ રાખવા મહત્ત્વનો ભાગ ભજવે છે. તો પછી, જો આપણે બીજાઓ વિષે મંડળમાં કૂથલી ફેલાવતા હોઈએ, કે પોતાનું અલગ જૂથ બનાવતા હોઈએ, તો શું પવિત્ર આત્માને દુઃખી નથી કરતા? એનાથી તો આપણે મંડળમાં એકતા બનાવી રાખતા પવિત્ર આત્માની વિરુદ્ધ જઈશું. પહેલી સદીમાં પણ કોરીંથ મંડળમાં અમુકે ભાગલા પાડીને પવિત્ર આત્માને દુઃખી કર્યો હતો. શું આપણે પણ એવું તો નથી કરી રહ્યા ને? (૧ કોરીંથી ૧:૧૦; ૩:૧-૪, ૧૬, ૧૭) તેમ જ જો આપણે પવિત્ર આત્માથી પસંદ થયેલા મંડળના જવાબદાર ભાઈઓ વિરુદ્ધ બોલીશું, તેઓને જાણીજોઈને આદર નહિ આપીએ તો, પવિત્ર આત્માને દુઃખી કરીશું.—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૮; યહુદા ૮.
તો પછી, આપણે હંમેશાં આપણા વર્તન અને કાર્યો પર ધ્યાન રાખીએ એ ખૂબ અગત્યનું છે. એ માટે આપણે બાઇબલ અને મંડળ તરફથી જે સલાહ-સૂચના મળે છે એને હંમેશાં ધ્યાનથી સાંભળીએ. કેમ કે એની પાછળ પવિત્ર આત્માનો હાથ છે. તેમ જ આપણે ‘પવિત્ર આત્મા માટે પ્રાર્થના’ કરતા રહીએ, અને આપણા જીવનમાં એની અસર પડવા દઈએ. બાઇબલ જે કહે છે એ પ્રમાણે હંમેશાં ચાલીએ. (યહુદા ૨૦) ચાલો, આપણે પવિત્ર આત્માને ક્યારેય દુઃખી નહિ કરવાનો નિશ્ચય કરીએ. પણ આપણે હંમેશાં પવિત્ર આત્માના માર્ગદર્શન પ્રમાણે ચાલીને યહોવાહના પવિત્ર નામને મહિમા આપીએ.
• ઈસુએ કહ્યું હતું કે ‘ધનવાન ઈશ્વરના રાજ્યમાં પ્રવેશે એના કરતાં ઊંટ સોયના નાકામાં થઈને જાય એ સહેલું છે.’ શું ઈસુ અહીંયા ખરેખરું ઊંટ અને સોયની વાત કરતા હતા?
આ વિષે બાઇબલમાં ત્રણ વાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એમાંથી બે વાર ઈસુએ જે કહ્યું એ એકબીજાને મળતું આવે છે. માત્થીના અહેવાલ પ્રમાણે, ઈસુએ કહ્યું: “દ્રવ્યવાનને દેવના રાજ્યમાં પેસવા કરતાં સોયના નાકામાં થઈને ઊંટને જવું સહેલ છે.” (માત્થી ૧૯:૨૪) એ જ રીતે માર્ક ૧૦:૨૫ જણાવે છે: “દોલતવાનને દેવના રાજ્યમાં પેસવા કરતાં ઊંટને સોયના નાકામાં થઈને જવું સહેલ છે.”
આ વિષે અમુક પુસ્તકો સૂચવે છે કે ‘સોયનું નાકું’ યરૂશાલેમના મોટા મોટા દરવાજાના નાના બારણાને બતાવે છે. રાતે જ્યારે મોટો દરવાજો બંધ કરી દેવામાં આવે ત્યારે, એમાં જડેલું નાનું બારણું ખૂલ્લું રાખવામાં આવતું. એમ માનવામાં આવતું કે એ બારણામાં થઈને ઊંટ પસાર થઈ શકતું. શું ઈસુ પણ એ ધ્યાનમાં રાખીને કહી રહ્યા હતા?
જરાય નહિ. ઈસુ તો કપડાં સીવવાની સોયનો જ ઉલ્લેખ કરી રહ્યા હતા. ઈસુના સમયમાં એ સોય હાડકાંની અને ધાતુની બનતી હતી, અને એ વિસ્તારમાંથી એવી ઘણી સોય પણ મળી આવી છે. એમ લાગે છે કે એ જમાનામાં લોકો આવી સોયથી ખૂબ જાણીતા હતા અને એનાથી કપડાં પણ સીવતા હતા. વળી, આપણે શરૂઆતમાં જોયું તેમ, બાઇબલમાં ત્રીજી વાર આ કલમ લુક ૧૮:૨૫માં જોવા મળે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે એ કલમથી ઈસુ શું કહેવા માંગતા હતા: “કેમકે શ્રીમંતને દેવના રાજ્યમાં પેસવું, તે કરતાં ઊંટને સોયના નાકામાં થઇને જવું સહેલ છે.” આ કલમમાં મૂળ ગ્રીકમાં ‘કપડાં સીવવાની સોયનો’ ઉલ્લેખ કરેલો છે. એનાથી જોવા મળે છે કે ઈસુ ખરેખર મૂળ સોયની જ વાત કરતા હતા.
ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન (અંગ્રેજી)માં લુક ૧૮:૨૫નો ગ્રીકમાંથી ખરો અનુવાદ કર્યો છે, જેમ કે, ‘સીવવાની સોય.’ સોય માટે માત્થી ૧૯:૨૪ અને માર્ક ૧૦:૨૫માં ઉલ્લેખ કરેલો મૂળ ગ્રીક શબ્દ ( rha·phisʹ) ક્રિયાપદ “સીવવું” માંથી લેવામાં આવ્યો છે. અને લુક ૧૮:૨૫માં જે ગ્રીક શબ્દ (be·loʹne) વાપરવામાં આવ્યો છે, એ સીવવાની સોયને બતાવવા ઉપયોગ થયો છે. વાઈનની એક્સ્પઝીટરી ડીક્ષનરી ઑફ ઓલ્ડ ઍન્ડ ન્યુ ટેસ્ટામેન્ટ વડ્ર્સ કહે છે: ‘સોયના નાકાની નાના બારણા સાથે કરેલી સરખામણી આજકાલમાં થઈ હોય એમ લાગે છે. કેમ કે પ્રાચીન સમયમાં એવો કોઈ પુરાવો નથી કે કોઈએ એવી સરખામણી કરી હોય. ઈસુ ખાસ સોયનો ઉલ્લેખ કરીને સાફ બતાવવા ચાહતા હતા કે ધનવાનો માટે રાજ્યમાં પ્રવેશવું કેટલું અશક્ય છે. અને તેઓ માટે એ સહેલું બનાવવા સોયને બીજી કોઈ વસ્તુ સાથે સરખાવવાની કોઈ જરૂર નથી.’—૧૯૮૧, ગ્રંથ ૩, પાન ૧૦૬.
કેટલાક સૂચવે છે કે આ કલમોમાં ‘ઊંટની’ જગ્યાએ “દોરડું” કરવું જોઈએ. ઊંટ અને દોરડાં માટેનો મૂળ ગ્રીક શબ્દ લગભગ એકબીજાને મળતો આવે છે. પરંતુ, માત્થીની સુવાર્તાની સૌથી જૂની નકલોમાં માત્થી ૧૯:૨૪માં “ઊંટ” માટેનો મૂળ ગ્રીક શબ્દ જોવા મળે છે, નહિ કે દોરડાં માટેનો શબ્દ (ધ સીનાઈટીક, ધ વેટીકન નં. ૧૨૦૯, ઍન્ડ ધ એલેક્ષાંડ્રિન). એવું લાગે છે કે માત્થીએ તેમની સુવાર્તા મૂળ હેબ્રૂમાં લખી હતી, પછી તેમણે જાતે એનો ગ્રીકમાં અનુવાદ કર્યો હતો. તે જાણતા હતા કે ઈસુ ખરેખર શું કહેવા માંગતા હતા અને એ મુજબ તેમણે બરાબર શબ્દો વાપર્યા.
આમ, ઈસુ અહીંયા ખરેખર સોય અને ઊંટનો ઉલ્લેખ કરી રહ્યા હતા. એનાથી તે ભાર મૂકવા ચાહતા હતા કે અમુક વસ્તુ અશક્ય હોય છે. પણ શું ઈસુનો કહેવાનો મતલબ એમ હતો કે કોઈ પણ ધનવાન ઈશ્વરના રાજ્યમાં પ્રવેશી નહિ શકે? ના, ઈસુએ જે કહ્યું એનો શાબ્દિક અર્થ નીકળતો નથી. ઈસુ અહીંયા ઉદાહરણથી સમજાવવા માંગતા હતા કે, જેમ ઊંટ સોયના નાકામાંથી નીકળી ન શકે તેમ, જો કોઈ ધનવાન પૈસાનો જ ગુલામ હોય, અને તે જીવનમાં યહોવાહને પ્રથમ ન મૂકતો હોય તો, તેના માટે પણ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવું અશક્ય છે.—લુક ૧૩:૨૪; ૧ તીમોથી ૬:૧૭-૧૯.
એક ધનવાન અધિકારીએ ઈસુના શિષ્ય બનવાના મોટા લહાવાનો નકાર કરી દીધો. એ પછી તરત ઈસુએ આ સોયનું ઉદાહરણ આપ્યું હતું. (લુક ૧૮:૧૮-૨૪) જો કોઈ ધનવાન માટે તેની ધનસંપત્તિ જ સર્વસ્વ હોય અને ઈશ્વરની સેવાને છેક પાછળ મૂકતો હોય તો, તે ઈશ્વરના રાજમાં અનંતજીવન મેળવવાની આશા રાખી ન શકે. જોકે, અમુક ધનવાનો ઈસુના શિષ્યો જરૂર બન્યા હતા. (માત્થી ૨૭:૫૭; લુક ૧૯:૨, ૯) તો પછી, ભલે કોઈ ધનવાન હોય, પણ જો તે ઈશ્વરની ભક્તિ વિષે સજાગ હોય, અને મદદ માટે હંમેશાં તેમના તરફ જોતો હોય તો, તે ઈશ્વર તરફથી તારણ મેળવી શકે છે.—માત્થી ૫:૩; ૧૯:૧૬-૨૬.
[ફુટનોટ]
a યહોવાહના સાક્ષીઓએ બહાર પાડેલું બ્રોશર, શું તમારે ત્રૈક્યમાં માનવું જોઇએ? જુઓ.