લૂક
૧૮ પછી ઈસુએ શિષ્યોને એક ઉદાહરણ આપ્યું. તેમણે સમજાવ્યું કે તેઓએ કેમ હંમેશાં પ્રાર્થના કરવી જોઈએ અને હિંમત ન હારવી જોઈએ.+ ૨ તેમણે કહ્યું: “એક શહેરમાં એક ન્યાયાધીશ હતો. તેને ઈશ્વરનો ડર ન હતો અને કોઈ માણસ માટે આદર ન હતો. ૩ એ શહેરમાં એક વિધવા પણ હતી. તે વારંવાર તેની પાસે જઈને કહેતી, ‘મારા ફરિયાદી સામે મને ન્યાય અપાવજો.’ ૪ થોડો સમય તો તે મદદ કરવા તૈયાર ન હતો. પણ પછી તેણે વિચાર્યું: ‘હું ઈશ્વરથી ડરતો નથી કે કોઈ માણસનો આદર કરતો નથી. ૫ પણ આ વિધવાએ મને હેરાન-પરેશાન કરી નાખ્યો છે. એટલે હું તેને ન્યાય અપાવીશ, જેથી તે વારંવાર આવીને મારો જીવ ન ખાય.’”+ ૬ માલિક ઈસુએ જણાવ્યું: “ન્યાયાધીશ ખરાબ હોવા છતાં, તેણે જે કહ્યું એના પર ધ્યાન આપો! ૭ તો પછી શું ઈશ્વર પોતાના પસંદ કરેલાઓને ન્યાય નહિ અપાવે, જેઓ રાત-દિવસ તેમને કાલાવાલા કરે છે?+ તે તેઓ માટે ધીરજ રાખીને જરૂર એમ કરશે.+ ૮ હું તમને જણાવું છું, તે તેઓને જલદી જ ન્યાય અપાવશે. પણ માણસનો દીકરો આવશે ત્યારે, શું તેને પૃથ્વી પર આવી શ્રદ્ધા જોવા મળશે?”
૯ અમુક માનતા હતા કે પોતે નેક છે અને બાકીના કંઈ જ નથી. તેમણે તેઓને આ ઉદાહરણ આપ્યું: ૧૦ “બે માણસો મંદિરમાં પ્રાર્થના કરવા ગયા. એક ફરોશી હતો અને બીજો કર ઉઘરાવનાર. ૧૧ ફરોશી ઊભો રહીને મનમાં પ્રાર્થના કરવા લાગ્યો: ‘હે ઈશ્વર, હું તમારો આભાર માનું છું કે હું બીજા બધા જેવો નથી. હું જુલમથી પૈસા પડાવનાર, બેઈમાન કે વ્યભિચારી નથી. હું પેલા કર ઉઘરાવનાર જેવો પણ નથી. ૧૨ હું અઠવાડિયામાં બે વાર ઉપવાસ કરું છું. મને જે મળે છે એ બધી વસ્તુઓનો દસમો ભાગ આપું છું.’+ ૧૩ પણ કર ઉઘરાવનાર દૂર ઊભો હતો. તે આકાશ તરફ નજર ઊંચી કરવા પણ તૈયાર ન હતો. તે છાતી કૂટીને કહેતો હતો: ‘હે ઈશ્વર, મારા જેવા પાપી પર કૃપા* કરો.’+ ૧૪ હું તમને જણાવું છું, આ માણસ પેલા ફરોશી કરતાં વધારે નેક સાબિત થઈને પોતાના ઘરે ગયો.+ જે કોઈ પોતાને ઊંચો કરશે તે નીચો કરાશે અને જે કોઈ પોતાને નીચો કરશે તે ઊંચો કરાશે.”+
૧૫ પછી લોકો પોતાનાં નાનાં બાળકોને ઈસુની પાસે લાવ્યા, જેથી તે તેઓને આશીર્વાદ આપે.* પણ શિષ્યો તેઓને ધમકાવવા લાગ્યા.+ ૧૬ પણ ઈસુએ બાળકોને પાસે બોલાવીને કહ્યું: “બાળકોને મારી પાસે આવવા દો. તેઓને રોકશો નહિ, કેમ કે ઈશ્વરનું રાજ્ય આ બાળકો જેવા લોકોનું છે.+ ૧૭ હું તમને સાચે જ કહું છું કે જે કોઈ નાના બાળક જેવો બનીને ઈશ્વરના રાજ્યને સ્વીકારતો નથી, તે એમાં જશે નહિ.”+
૧૮ યહૂદી આગેવાનોમાંના એકે તેમને પૂછ્યું: “ઉત્તમ શિક્ષક, હંમેશ માટેના જીવનનો વારસો મેળવવા મારે શું કરવું જોઈએ?”+ ૧૯ ઈસુએ કહ્યું: “તું મને શા માટે ઉત્તમ કહે છે? ઈશ્વર સિવાય બીજું કોઈ ઉત્તમ નથી.+ ૨૦ તું આજ્ઞાઓ જાણે છે: ‘વ્યભિચાર ન કરો,+ ખૂન ન કરો,+ ચોરી ન કરો,+ ખોટી સાક્ષી ન પૂરો+ અને તમારાં માતા-પિતાને માન આપો.’”+ ૨૧ તેણે કહ્યું: “આ બધું તો હું બાળપણથી પાળતો આવ્યો છું.” ૨૨ એ સાંભળીને ઈસુએ તેને કહ્યું, “હજુ પણ તારામાં એક વાત ખૂટે છે: તારી પાસે જે કંઈ છે એ વેચી દે અને એ રકમ ગરીબોને આપી દે. તને સ્વર્ગમાં ખજાનો મળશે. આવ, મારો શિષ્ય બન.”+ ૨૩ એ સાંભળીને તે ખૂબ દુઃખી થયો, કેમ કે તે ઘણો ધનવાન હતો.+
૨૪ ઈસુએ તેની તરફ જોયું અને કહ્યું: “પૈસાદાર લોકો માટે ઈશ્વરના રાજ્યમાં જવું કેટલું અઘરું થઈ પડશે!+ ૨૫ ઊંટને સોયના નાકામાંથી પસાર થવું સહેલું છે, પણ ધનવાનને ઈશ્વરના રાજ્યમાં જવું અઘરું છે.”+ ૨૬ એ સાંભળીને લોકોએ કહ્યું: “તો પછી કોઈ બચી શકે ખરું?”+ ૨૭ તેમણે કહ્યું: “માણસો માટે જે અશક્ય છે, એ ઈશ્વર માટે શક્ય છે.”+ ૨૮ પિતરે કહ્યું: “જુઓ! અમારું જે હતું એ છોડીને અમે તમારી પાછળ આવ્યા છીએ.”+ ૨૯ તેમણે તેઓને કહ્યું: “હું તમને સાચે જ કહું છું, જે કોઈએ ઈશ્વરના રાજ્યને લીધે ઘર કે પત્ની કે ભાઈઓ કે માબાપ કે બાળકોને છોડી દીધાં છે,+ ૩૦ તેને હમણાં અનેક ગણું વધારે મળશે અને આવનાર દુનિયામાં તેને હંમેશ માટેનું જીવન મળશે.”+
૩૧ પછી તે બાર શિષ્યોને એક બાજુ લઈ ગયા અને કહ્યું: “જુઓ! આપણે યરૂશાલેમ જઈ રહ્યા છીએ. ત્યાં માણસના દીકરા વિશે પ્રબોધકોએ લખેલી બધી વાતો પૂરી થશે.+ ૩૨ દાખલા તરીકે, તેને બીજી પ્રજાઓના હાથમાં સોંપી દેવામાં આવશે.+ તેઓ તેની મશ્કરી કરશે,+ તેનું અપમાન કરશે અને તેના પર થૂંકશે.+ ૩૩ તેઓ તેને કોરડા મારશે અને તેને મારી નાખશે,+ પણ ત્રીજા દિવસે તે જીવતો કરાશે.”+ ૩૪ પ્રેરિતો આ વાતો સમજી ન શક્યા, કારણ કે આ વાતોનો અર્થ તેઓથી ગુપ્ત રાખવામાં આવ્યો હતો.
૩૫ ઈસુ યરીખો નજીક આવી પહોંચ્યા ત્યારે, એક આંધળો માણસ રસ્તાની બાજુએ બેસીને ભીખ માંગતો હતો.+ ૩૬ ટોળું પસાર થવાનો અવાજ સાંભળીને તે પૂછવા લાગ્યો કે શું થઈ રહ્યું છે. ૩૭ તેઓએ જણાવ્યું: “નાઝરેથના ઈસુ પસાર થાય છે!” ૩૮ તે પોકારી ઊઠ્યો: “ઓ ઈસુ, દાઉદના દીકરા, મારા પર દયા કરો!” ૩૯ જેઓ આગળ જતા હતા તેઓએ તેને ધમકાવીને ચૂપ રહેવા કહ્યું. પણ તે હજુ વધારે મોટા અવાજે પોકારવા લાગ્યો: “ઓ દાઉદના દીકરા, મારા પર દયા કરો!” ૪૦ ઈસુ ઊભા રહ્યા અને એ માણસને પોતાની પાસે લઈ આવવા આજ્ઞા કરી. તે આવ્યો ત્યારે ઈસુએ પૂછ્યું: ૪૧ “તું શું ચાહે છે, હું તારા માટે શું કરું?” તેણે કહ્યું: “માલિક, મને દેખતો કરો.” ૪૨ ઈસુએ કહ્યું: “દેખતો થા. તારી શ્રદ્ધાએ તને સાજો કર્યો છે.”+ ૪૩ તરત જ તે દેખતો થયો અને ઈશ્વરને મહિમા આપતો તેમની પાછળ ચાલવા લાગ્યો.+ આ જોઈને બધા લોકોએ પણ ઈશ્વરને મહિમા આપ્યો.+