પ્રકરણ ૧૮
“મારો ક્રોધ ભભૂકી ઊઠશે”
ઝલક: ગોગના હુમલાને લીધે યહોવાનો ક્રોધ ભભૂકી ઊઠશે. આર્માગેદન વખતે યહોવા પોતાના લોકોને બચાવશે
૧-૩. (ક) યહોવાનો “ક્રોધ” ભભૂકી ઊઠશે ત્યારે શું થશે? (શરૂઆતનું ચિત્ર જુઓ.) (ખ) આ પ્રકરણમાં આપણે શાના વિશે જોઈશું?
કલ્પના કરો કે અમુક ભાઈઓ, બહેનો અને બાળકો એક જગ્યાએ ભેગાં થયાં છે. તેઓ ગીત ગાય છે. પછી એક વડીલ પ્રાર્થના કરાવે છે. તે યહોવાને કાલાવાલા કરે છે, વિનંતી કરે છે કે બધાં સહીસલામત રહે. તેઓને પાકી ખાતરી છે કે યહોવા તેઓનું રક્ષણ કરશે. પણ તેઓ થોડા ગભરાઈ ગયાં છે. તેઓને ઘણી હિંમતની જરૂર છે. ચારે બાજુ લોકોની બૂમાબૂમ સંભળાય છે. લોકોમાં નાસભાગ મચી ગઈ છે. શું થઈ રહ્યું છે? આર્માગેદનની લડાઈ શરૂ થઈ ગઈ છે!—પ્રકટી. ૧૬:૧૪, ૧૬.
૨ ખરું કે યહોવાનો “ક્રોધ” આર્માગેદનમાં ભભૂકી ઊઠશે, પણ જેમતેમ નહિ. તે પોતાના ગુસ્સાને કાબૂમાં રાખીને વિનાશ લાવશે. (હઝકિયેલ ૩૮:૧૮ વાંચો.) એવું નથી કે કોઈ એક લશ્કર કે દેશ પર તેમનો ગુસ્સો ઊતરી આવશે. ના, તેમનો ગુસ્સો તો આખી દુનિયામાં રહેતા ઘણા બધા લોકો પર ઊતરી આવશે. એ દિવસે યહોવાથી કતલ થયેલા લોકોની લાશો “પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી” પડેલી હશે.—યર્મિ. ૨૫:૨૯, ૩૩.
૩ યહોવા પ્રેમના સાગર છે. તે “દયા અને કરુણા બતાવનાર” છે. તે “જલદી ગુસ્સે ન થનાર” ઈશ્વર છે. તો પછી તેમનો “ક્રોધ” કેમ ભભૂકી ઊઠશે? (નિર્ગ. ૩૪:૬; ૧ યોહા. ૪:૧૬) એ સવાલનો જવાબ જાણીને આપણને ઘણો દિલાસો મળશે. આપણને હિંમત મળશે. આપણે જોરશોરથી ખુશખબર ફેલાવી શકીશું. કઈ રીતે? ચાલો જોઈએ.
યહોવાનો “ક્રોધ” શાના લીધે ભભૂકી ઊઠશે?
૪, ૫. યહોવાનો ગુસ્સો અને માણસોનો ગુસ્સો કઈ રીતે અલગ છે?
૪ આપણે જાણીએ છીએ કે યહોવાનો ક્રોધ આપણા જેવો નથી. આપણે તો પાપી માણસ છીએ. માણસનો ક્રોધ જ્યારે સળગી ઊઠે છે, ત્યારે તે જેમતેમ વર્તે છે. તેનાં વાણી-વર્તન પર કોઈ કાબૂ રહેતો નથી. એનું પરિણામ ભાગ્યે જ સારું હોય છે. મોટા ભાગે તે બીજાઓને નુકસાન જ કરતો હોય છે. દાખલા તરીકે, આદમના પહેલા દીકરા કાઈનનો વિચાર કરો. કાઈન અને તેના ભાઈએ યહોવાને અર્પણ ચઢાવ્યાં. યહોવાએ હાબેલનું અર્પણ સ્વીકાર્યું, પણ કાઈનનું નહિ. એ જોઈને કાઈન “ખૂબ ગુસ્સે ભરાયો.” પછી શું થયું? કાઈને પોતાના નેક દિલ ભાઈનું ખૂન કરી નાખ્યું. (ઉત. ૪:૩-૮; હિબ્રૂ. ૧૧:૪) દાઉદનો પણ વિચાર કરો. એ તો યહોવાનું દિલ ખુશ કરનારા હતા. (પ્રે.કા. ૧૩:૨૨) આટલા સારા માણસ હોવા છતાં તે એકવાર ગુસ્સાથી ભડકીને મોટી ભૂલ કરી બેસવાના હતા. નાબાલ નામે એક ધનવાન માણસ હતો. એકવાર તેણે દાઉદ અને તેમના માણસોનું બૂમબરાડા પાડીને સખત અપમાન કર્યું. એ સાંભળીને દાઉદ અને તેમના માણસોનો ગુસ્સો આસમાને ચઢી ગયો. તેઓએ “પોતપોતાની તલવાર કમરે બાંધી.” તેઓ ફક્ત નાબાલને જ નહિ, પણ તેના કુટુંબના દરેક માણસને ખતમ કરવા નીકળી પડ્યા. એ તો સારું થયું કે નાબાલની પત્ની અબીગાઈલ દાઉદને મળવા દોડી ગઈ. તેણે દાઉદ અને તેમના માણસોને મળીને કાલાવાલા કર્યા, સમજાવ્યા કે તેઓ વેર ન વાળે. (૧ શમુ. ૨૫:૯-૧૪, ૩૨, ૩૩) કેટલું સારું કે યહોવાએ યાકૂબ પાસે આમ લખાવી લીધું: “ગુસ્સો કરનાર માણસ ઈશ્વરની નજરે જે ખરું છે, એ કરતો નથી.”—યાકૂ. ૧:૨૦.
યહોવા હંમેશાં કોઈક યોગ્ય કારણને લીધે જ ગુસ્સો કરે છે અને એને કાબૂમાં રાખે છે
૫ પણ યહોવા પોતાના ગુસ્સાને હંમેશાં કાબૂમાં રાખે છે. જો તે ગુસ્સો પણ કરે, તો એનું યોગ્ય કારણ હોય છે. તેમનો ગુસ્સો સળગી ઊઠે ત્યારે પણ જે ખરું છે, એ જ તે કરે છે. યહોવા પોતાના દુશ્મનોનો નાશ કરે ત્યારે પણ, “દુષ્ટોની સાથે સાથે સારા લોકોનો” નાશ નથી કરતા. (ઉત. ૧૮:૨૨-૨૫) યહોવાના ગુસ્સા પાછળ હંમેશાં વાજબી કારણો હોય છે. ચાલો એવાં બે કારણોનો વિચાર કરીએ. આપણે જોઈશું કે એમાંથી શું શીખવા મળે છે.
૬. જ્યારે યહોવાનું નામ બદનામ થાય છે ત્યારે તે શું કરે છે?
૬ કારણ: જ્યારે યહોવાનું નામ બદનામ થાય. ઘણા લોકો યહોવાને ભજવાનો દાવો કરે છે. પણ તેઓ દુષ્ટ કામો કરીને તેમનું નામ બદનામ કરે છે. એ જોઈને તેમનો ક્રોધ ભડકી ઊઠે છે. (હઝકિ. ૩૬:૨૩) આ પુસ્તકનાં આગળનાં પ્રકરણોમાં જોઈ ગયા કે ઇઝરાયેલી લોકો યહોવાના લોકો હતા. તોપણ તેઓએ એવાં કામો કર્યાં, જેનાથી યહોવાનું નામ બદનામ થયું. એનાથી યહોવાનો કોપ સળગી ઊઠ્યો. તોપણ યહોવાના ગુસ્સાનો જ્વાળામુખી ફાટી નીકળ્યો નહિ. તેમણે પોતાના લોકોને શિક્ષા તો કરી, પણ જેટલી જરૂરી હતી એટલી જ કરી. (યર્મિ. ૩૦:૧૧) પછી તેમનો ગુસ્સો શાંત થઈ ગયો. ત્યાર બાદ તેમણે મનમાં કોઈ કડવાશ ભરી રાખી નહિ.—ગીત. ૧૦૩:૯.
૭, ૮. યહોવા ઇઝરાયેલી લોકો સાથે જે રીતે વર્ત્યા, એના પરથી શું શીખવા મળે છે?
૭ શું શીખ્યા? યહોવા ઇઝરાયેલીઓ સાથે જે રીતે વર્ત્યા, એનાથી આપણને એક કડક ચેતવણી મળે છે. ઇઝરાયેલીઓની જેમ આપણને પણ એક અજોડ આશીર્વાદ મળ્યો છે. આપણે યહોવાના નામથી ઓળખાઈએ છીએ. આપણે યહોવાના સાક્ષીઓ છીએ. (યશા. ૪૩:૧૦) એટલે આપણાં વાણી-વર્તનથી ક્યાં તો યહોવાના નામનો જયજયકાર થશે, ક્યાં તો તેમના નામની બદનામી. આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જાણીજોઈને કોઈ ખોટું કામ ન કરીએ. એનાથી યહોવાનું નામ બદનામ થઈ શકે છે. આપણે એક બાજુ યહોવાને ભજવાનો દાવો કરતા હોઈએ અને બીજી બાજુ ખોટાં કામ કરતા હોઈએ તો શું થશે? યહોવાનો ક્રોધ જરૂર ભભૂકી ઊઠશે. યહોવા પોતાના નામની બદનામી નહિ થવા દે. આજે નહિ તો કાલે, તે જરૂર પગલાં ભરશે.—હિબ્રૂ. ૩:૧૩, ૧૫; ૨ પિત. ૨:૧, ૨.
૮ આપણે જોઈ ગયા કે કોઈ વાર યહોવાનો “ક્રોધ” ભભૂકી ઊઠે છે. શું એ આપણને યહોવા સાથે પાકી દોસ્તી બાંધતા અટકાવે છે? ના. આપણે જાણીએ છીએ કે યહોવા બહુ ધીરજ રાખે છે અને તે દિલથી માફ કરે છે. (યશા. ૫૫:૭; રોમ. ૨:૪) આપણે એ પણ જાણીએ છીએ કે યહોવા કંઈ લાગણીના પૂરમાં તણાઈ જતા નથી. આપણને જરૂર પડે ત્યારે તે સજા પણ કરે છે. આપણને ખબર છે કે જે કોઈ જાણીજોઈને નીચ અને અધમ કામો કરતા રહે છે, તેઓ પર યહોવાનો ગુસ્સો ભડકી ઊઠશે. તે એવા લોકોને પોતાના ભક્તોમાં રહેવા નહિ દે. એટલે આપણે યહોવાને દિલથી માન-સન્માન આપીએ છીએ. (૧ કોરીં. ૫:૧૧-૧૩) યહોવાએ આપણને સાફ સાફ જણાવ્યું છે કે શાનાથી તેમનો ગુસ્સો ભડકી ઊઠે છે. હવે એ આપણા પર છે કે આપણે સમજદાર બનીએ. યહોવાનો કોપ સળગી ઊઠે એવું કંઈ જ ન કરીએ.—યોહા. ૩:૩૬; રોમ. ૧:૨૬-૩૨; યાકૂ. ૪:૮.
૯, ૧૦. (ક) જ્યારે યહોવાના વફાદાર લોકો પર જોખમ આવી પડે ત્યારે તે શું કરે છે? (ખ) એના દાખલા આપો.
૯ કારણ: જ્યારે યહોવાના લોકો પર જોખમ આવી પડ્યું હોય. દુશ્મનો યહોવાના લોકો પર હુમલો કરે ત્યારે પણ યહોવાનો ક્રોધ ભભૂકી ઊઠે છે. જેઓ તેમની છાયામાં આશરો લે છે, તેઓને યહોવા બચાવવા માંગે છે. યાદ કરો, ઇઝરાયેલીઓ ઇજિપ્તમાંથી નીકળ્યા પછી લાલ સમુદ્ર પાસે અટકી ગયા. ઇજિપ્તનો રાજા અને તેનું શક્તિશાળી લશ્કર તેઓની પાછળ પડ્યું. તેઓને લાગ્યું કે ‘હવે ઇઝરાયેલીઓ છટકીને ક્યાં જવાના! તેઓને અમારા હાથમાંથી કોણ બચાવવાનું! તેઓનો સફાયો કરતા અમને કોઈ રોકી નહિ શકે.’ પણ સમુદ્રના બે ભાગ થઈ ગયા. ઇઝરાયેલીઓ એની સૂકી જમીન પર ચાલીને સમુદ્ર પાર કરવા લાગ્યા. ઇજિપ્તનો રાજા અને તેનું લશ્કર પણ તેઓનો પીછો કરવા લાગ્યા. યહોવાએ તેઓના રથોનાં પૈડાં કાઢી નાખ્યાં અને એ લોકોને સમુદ્રમાં ડુબાડી દીધા. “તેઓમાંથી કોઈ બચ્યું નહિ.” (નિર્ગ. ૧૪:૨૫-૨૮) યહોવા ઇઝરાયેલીઓને બહુ પ્રેમ કરતા હતા. પોતાના લોકો પરના “અતૂટ પ્રેમને” લીધે ઇજિપ્તના લોકો પર તેમનો ગુસ્સો સળગી ઊઠ્યો.—નિર્ગમન ૧૫:૯-૧૩ વાંચો.
૧૦ એવી જ રીતે, હિઝકિયા રાજાના સમયમાં થયું. એ સમયે પણ યહોવાએ બતાવી આપ્યું કે તે પોતાના લોકોને કેટલો પ્રેમ કરે છે. તેઓના દુશ્મનો આશ્શૂરીઓ હતા. તેઓ તો ખતરનાક અને પથ્થર-દિલ હતા. તેઓ યરૂશાલેમ શહેર પર ચઢાઈ કરવા આવી પહોંચ્યા હતા. યહોવાના ભક્તોનાં માથે મોતની તલવાર લટકતી હતી. જો દુશ્મનો શહેર ફરતે ઘેરો નાખે, તો લોકો પાસે કોઈ જ ઉપાય ન રહે. તેઓ બસ ધીમે ધીમે મોતના મોંમાં ચાલ્યા જાય. (૨ રાજા. ૧૮:૨૭) પણ યહોવાએ પોતાનો એક જ દૂત મોકલ્યો. તેણે એક રાતમાં દુશ્મનના ૧,૮૫,૦૦૦ સૈનિકોને ખતમ કરી નાખ્યા. (૨ રાજા. ૧૯:૩૪, ૩૫) વહેલી સવારે આશ્શૂરીઓની છાવણીની દશા કેવી થઈ હશે, એની કલ્પના કરો. તેઓનાં ભાલા, તલવાર અને ઢાલ એમ ને એમ પડી રહ્યાં છે. સૈનિકોને જગાડવા માટે રણશિંગડાં વગાડવામાં આવ્યાં નહિ. લશ્કરને કૂચ કરાવવા કોઈ હુકમ સંભળાયો નહિ. આખી છાવણીમાં ડરામણી શાંતિ છવાઈ ગઈ છે. જ્યાં જુઓ ત્યાં લાશો પડેલી છે.
૧૧. અગાઉના સમયના દાખલાઓ પરથી આપણને કેવી હિંમત અને કેવો દિલાસો મળે છે?
૧૧ શું શીખ્યા? એ દાખલાઓમાંથી શીખવા મળે છે કે યહોવાના લોકો પર જોખમ આવી પડે ત્યારે તે તેઓને કઈ રીતે બચાવે છે. આપણા દુશ્મનો માટે એ એક કડક ચેતવણી છે કે જો તેઓ યહોવાનો ગુસ્સો ભડકાવશે, તો તેઓના કેવા હાલ થશે. “જીવંત ઈશ્વરના હાથે સજા થાય એ કેટલું ભયંકર છે!” (હિબ્રૂ. ૧૦:૩૧) એ દાખલાઓમાંથી આપણને ઘણી હિંમત મળે છે. આપણને દિલાસો મળે છે કે આપણો જાની દુશ્મન શેતાન ક્યારેય જીતી નહિ શકે. આ દુનિયામાં તેનું રાજ “થોડો જ સમય” ચાલશે. જલદી જ એ રાજનો અંત આવશે. (પ્રકટી. ૧૨:૧૨) એ સમય આવે ત્યાં સુધી હિંમતથી યહોવાની ભક્તિ કરતા રહીએ. આપણે પૂરો ભરોસો રાખીએ કે કોઈ પણ માણસ, સંગઠન કે સરકાર આપણને યહોવાની ઇચ્છા પૂરી કરતા રોકી શકશે નહિ. (ગીતશાસ્ત્ર ૧૧૮:૬-૯ વાંચો.) પ્રેરિત પાઉલને પણ એવી જ પાકી ખાતરી હતી. તેમણે ઈશ્વરના માર્ગદર્શનથી લખ્યું: “જો ઈશ્વર આપણી સાથે હોય, તો આપણી સામે કોણ થઈ શકે?”—રોમ. ૮:૩૧.
૧૨. મોટી વિપત્તિના સમયે શાના લીધે યહોવાનો ક્રોધ સળગી ઊઠશે?
૧૨ યહોવાએ ઇજિપ્તના પંજામાં ફસાયેલા પોતાના લોકોને છોડાવી લીધા. ખતરનાક આશ્શૂરીઓએ ગોઠવેલા ઘેરામાંથી તેમણે પોતાના લોકોને બચાવી લીધા. એવી જ રીતે, આવનાર મોટી વિપત્તિમાંથી યહોવા આપણને પણ બચાવી લેશે. દુશ્મનો તો આપણને મોતના મોંમાં ધકેલવાની લાખ કોશિશ કરશે. પણ યહોવા આપણને દિલોજાનથી ચાહે છે. એટલે તેમના રોષની જ્વાળા સળગી ઊઠશે. જેઓ આપણા પર હુમલો કરશે, તેઓ મોટી મૂર્ખામી કરશે. એમ કરીને તેઓ જાણે યહોવાની આંખની કીકીને અડકશે. યહોવા એક પળની પણ રાહ નહિ જુએ. તે તરત જ તેઓને ખતમ કરી નાખશે. (ઝખા. ૨:૮, ૯) એ સમયે એવી ભારે કતલ થશે કે જેવી કદીયે થઈ નથી. યહોવાના કોપનો જ્વાળામુખી દુશ્મનોને ભસ્મ કરી નાખશે. તેઓને એનાથી નવાઈ લાગવી ન જોઈએ. કેમ નહિ?
યહોવાએ કઈ કઈ ચેતવણી આપી છે?
૧૩. યહોવાએ કઈ કઈ ચેતવણી આપી છે?
૧૩ લોકો યહોવાનો વિરોધ કરે છે અને તેમના ભક્તોનું નામનિશાન મિટાવવાની કોશિશ કરે છે. યહોવા એ લોકોને વારંવાર ચેતવણી આપે છે કે તે તેઓનો નાશ કરી નાખશે. તે ચેતવણી આપે છે, કેમ કે તે “જલદી ગુસ્સે ન થનાર” ઈશ્વર છે. (નિર્ગ. ૩૪:૬, ૭) યહોવાએ દુશ્મનોને પોતાના ભક્તો દ્વારા આવનાર મોટા યુદ્ધની ચેતવણી આપી છે. જેમ કે, પ્રબોધકો યર્મિયા, હઝકિયેલ, દાનિયેલ અને ખ્રિસ્ત ઈસુ. પ્રેરિતો પિતર, પાઉલ અને યોહાન.—“યહોવા આવનાર મોટી લડાઈ વિશે ચેતવણી આપે છે” બૉક્સ જુઓ.
૧૪, ૧૫. યહોવા કયાં કામો કરાવે છે અને શા માટે?
૧૪ યહોવાએ એ ચેતવણીઓ બાઇબલમાં લખાવી લીધી છે. તેમણે ખાતરી કરી કે ઘણી ભાષાઓમાં બાઇબલનું ભાષાંતર થાય અને વધારેમાં વધારે લોકો સુધી એ પહોંચે. આજે આખી દુનિયામાં યહોવાના ભક્તો રાજીખુશીથી લોકોને મદદ કરે છે, જેથી તેઓ યહોવા સાથે દોસ્તી કરે. તેઓ ‘યહોવાના મહાન દિવસ’ વિશે ચેતવણી પણ આપે છે. (સફા. ૧:૧૪; ગીત. ૨:૧૦-૧૨; ૧૧૦:૩) યહોવાએ પોતાના લોકોનાં દિલમાં એ કામ કરવાની ઇચ્છા જગાડી છે. તેઓ ઘણા સાહિત્યનું સેંકડો ભાષાઓમાં ભાષાંતર કરે છે. એમાં બાઇબલની સમજણ આપવામાં આવે છે. તેઓ લોકોને યહોવાનાં વચનો વિશે જણાવવામાં અને આવનાર અંતની ચેતવણી આપવામાં દર વર્ષે લાખો કલાકો વિતાવે છે.
૧૫ યહોવા આ બધું કરાવે છે, “કેમ કે તે ચાહે છે કે કોઈનો નાશ ન થાય, પણ બધાને પસ્તાવો કરવાની તક મળે.” (૨ પિત. ૩:૯) યહોવા તો પ્રેમના સાગર છે. તે બહુ ધીરજ રાખે છે. તેમના તરફથી લોકોને સંદેશો આપીને મદદ કરવી, એ આપણા માટે કેટલી મોટી વાત છે! એ સંદેશો સાંભળીને જેઓ કંઈ નહિ કરે, તેઓ માટે બહુ સમય બાકી નથી.
યહોવાનો ક્રોધ ક્યારે “ભભૂકી ઊઠશે”?
૧૬, ૧૭. શું યહોવાએ આર્માગેદનનો દિવસ નક્કી કરી લીધો છે? સમજાવો.
૧૬ યહોવાએ નક્કી કરી લીધું છે કે આર્માગેદનનું યુદ્ધ ક્યારે થશે. તે પહેલેથી જાણે છે કે દુશ્મનો તેમના લોકો પર ક્યારે હુમલો કરશે. (માથ. ૨૪:૩૬) એ યહોવાને કેવી રીતે ખબર?
૧૭ આગળના પ્રકરણમાં આપણે જોયું કે યહોવાએ ગોગને કીધું, ‘હું તારાં જડબાંમાં કડીઓ ભેરવીશ.’ યહોવા એવું કંઈ કરશે, જેનાથી એક પછી એક એવા બનાવો બનશે કે દુનિયાના દેશો તેમના ભક્તો પર હુમલો કરશે. એના પછી આર્માગેદનની લડાઈ શરૂ થશે. (હઝકિ. ૩૮:૪) એનો અર્થ એ નથી કે યહોવા તેઓને હુમલો કરવા ઉશ્કેરશે કે પછી તેઓને જબરજસ્તી કરશે. આપણને એ તો ખબર છે કે યહોવા જાણે છે કે દુશ્મનોનાં મનમાં શું ચાલે છે. એ સંજોગોમાં તેઓ શું કરશે, એ પણ યહોવાને ખબર છે.—ગીત. ૯૪:૧૧; યશા. ૪૬:૯, ૧૦; યર્મિ. ૧૭:૧૦.
૧૮. લોકો શું કામ વિશ્વના માલિક સામે લડવા જશે?
૧૮ આપણે જોઈ ગયા કે યહોવા દેશોને લડાઈ કરવા નહિ ઉશ્કેરે. તે તેઓને એમ કરવા બળજબરી પણ નહિ કરે. તો પછી તેઓ શું કામ વિશ્વના માલિક સાથે લડાઈ કરવાનો વિચાર પણ કરે? મોટા ભાગે એ સમય સુધીમાં તેઓ માનવા લાગ્યા હશે કે ઈશ્વર છે જ નહિ. તેઓ માનતા હશે કે જો ઈશ્વર હોય તોપણ તેમને લોકોની કંઈ પડી નથી. તેઓ કેમ એવું માનવા લાગ્યા હશે? એ સમય સુધીમાં તેઓએ દુનિયાના બધા ધર્મોનો સફાયો કરી નાખ્યો હશે. તેઓ વિચારતા હશે કે જો ભગવાન હોત તો તેમને ભજનારા લોકોનો બચાવ તો કરત ને! તેઓને ક્યાં ખબર છે કે એમ કરવાનો વિચાર તો ખુદ ઈશ્વરે તેઓનાં મનમાં મૂક્યો હતો. એ બધા ધર્મો તેમને ભજવાનો દાવો કરતા હતા. હકીકતમાં તો તેઓ તેમનું નામ બદનામ કરતા હતા.—પ્રકટી. ૧૭:૧૬, ૧૭.
૧૯. દુનિયાના ધર્મોના નાશ પછી શું થશે?
૧૯ એ ધર્મોના નાશ પછી શું થશે? યહોવા કદાચ પોતાના ભક્તોને કહેશે કે લોકોને ખતરનાક સંદેશો જણાવે. પ્રકટીકરણમાં જણાવ્યું છે એ સંદેશો તો એવો હશે કે જાણે સ્વર્ગમાંથી મોટા મોટા કરા પડતા હોય. દરેક કરાનું વજન આશરે ૨૦ કિલો હશે. (પ્રકટી. ૧૬:૨૧, ફૂટનોટ) કદાચ એવું જાહેર કરવામાં આવે કે રાજકારણ અને વેપારી જગતનું નામનિશાન મિટાવી દેવામાં આવશે. એ સંદેશો દુશ્મનોને એટલો ભારે લાગશે કે તેઓ ઈશ્વર વિશે મન ફાવે એમ બોલવા લાગશે. કદાચ આ સંદેશાથી દેશો ભડકી ઊઠશે. તેઓ ચારે બાજુથી યહોવાના લોકો પર હુમલો કરશે. તેઓ કાયમ માટે આપણું મોં બંધ કરી દેવાની કોશિશ કરશે. તેઓને લાગશે કે આપણે લાચાર છીએ. આપણને બચાવવા માટે કોઈ નથી. એટલે તેઓને થશે કે તેઓ આપણને એક પળમાં ખતમ કરી નાખી શકે. કેટલી મોટી ભૂલ!
યહોવાનો ગુસ્સો કઈ રીતે ભભૂકી ઊઠશે?
૨૦, ૨૧. ગોગ કોણ છે અને એનું શું થશે?
૨૦ પ્રકરણ ૧૭માં આપણે જોઈ ગયા કે હઝકિયેલ ‘માગોગના ગોગ’ વિશે વાત કરે છે. એ તો દેશોના સમૂહને બતાવે છે. તેઓ આપણા પર હુમલો કરશે. (હઝકિ. ૩૮:૨) પણ એ સમૂહમાં જે એકતા દેખાય છે, એ નામ પૂરતી છે. તેઓ એકબીજાથી ચઢિયાતા દેખાવા માંગે છે. તેઓમાં બહુ ઘમંડ છે. તેઓ પોતાના દેશની જ વાહ વાહ કરતા હોય છે. યહોવા એકદમ આસાનીથી એવું કંઈક કરશે, જેથી તેઓ પોતાની તલવારથી “એકબીજાનો” સંહાર કરી નાખશે. (હઝકિ. ૩૮:૨૧) પણ દેશોનો નાશ કોઈ માણસના હાથે નહિ થાય.
૨૧ આપણા દુશ્મનોનો નાશ થશે એ પહેલાં તેઓને માણસના દીકરાની નિશાની દેખાશે. (માથ. ૨૪:૩૦) એ નિશાની કદાચ યહોવા અને ઈસુની શક્તિનો એક જોરદાર પરચો હશે. એનાથી દુશ્મનોના હાંજા ગગડી જશે. ઈસુએ કીધું હતું તેમ, “પૃથ્વી પર જે આવી પડવાનું છે, એનાં ભય અને ચિંતાથી લોકોના હોશ ઊડી જશે.” (લૂક ૨૧:૨૫-૨૭) એ વખતે તેઓની અક્કલ ઠેકાણે આવશે. તેઓને ભાન થશે કે યહોવાના લોકો પર હુમલો કરીને તેઓએ કેટલી મોટી મૂર્ખામી કરી છે! તેઓએ માનવું પડશે કે યહોવા જ આખી સૃષ્ટિના માલિક છે. તે સૈન્યોના ઈશ્વર છે. તેમના હાથ નીચે સ્વર્ગનું આખું સૈન્ય છે. (ગીત. ૪૬:૬-૧૧; હઝકિ. ૩૮:૨૩) બેશક, યહોવા સ્વર્ગની સેના અને કુદરતી વસ્તુઓનો ચાહે એ રીતે ઉપયોગ કરી શકે છે. એનો ઉપયોગ કરીને તે પોતાના લોકોને બચાવશે અને દુશ્મનોનો નાશ કરી નાખશે.—૨ પિતર ૨:૯ વાંચો.
૨૨, ૨૩. (ક) કોણ યહોવાના લોકોનું રક્ષણ કરશે? (ખ) જેઓને એ કામ સોંપવામાં આવશે તેઓને કેવું લાગશે?
યહોવાના દિવસ વિશે જાણ્યા પછી આપણે શું કરવું જોઈએ?
૨૨ જરા વિચારો કે રાજા ઈસુ યહોવાની સેનાની કેટલી ખુશીથી આગેવાની લેશે! તે તો ક્યારના રાહ જોઈને બેઠા છે. તે દુશ્મનોનો ભૂકો બોલાવી દેવા અને યહોવાના લોકોને બચાવી લેવા તૈયાર જ છે. સ્વર્ગમાં જનારા અભિષિક્ત લોકોમાંથી જેઓ હજુ પૃથ્વી પર છે, તેઓ પણ કેટલા જોશમાં આવી જશે! તેઓ આર્માગેદનનું યુદ્ધ શરૂ થાય એના પહેલાં કોઈ સમયે સ્વર્ગનું જીવન મેળવશે. પછી બધા ૧,૪૪,૦૦૦ અભિષિક્ત લોકો આર્માગેદનનું યુદ્ધ લડવા જોડાશે. (પ્રકટી. ૧૭:૧૨-૧૪) ધરતી પર હતા ત્યારે ઘણા અભિષિક્ત લોકોએ બીજાં ઘેટાંનાં ભાઈ-બહેનો સાથે પાકી દોસ્તી બાંધી હશે. છેલ્લા દિવસોમાં તેઓએ ખભેખભા મિલાવીને યહોવાની ભક્તિ કરી હશે. બીજાં ઘેટાંનાં આ ભાઈ-બહેનોએ તેઓને કસોટીઓમાં પૂરો સાથ આપ્યો હશે. હવે અભિષિક્ત લોકો પાસે તેઓને બચાવવા માટે અધિકાર હશે અને તાકાત પણ હશે.—માથ. ૨૫:૩૧-૪૦.
૨૩ ઈસુની સેનામાં દૂતો પણ હશે. (૨ થેસ્સા. ૧:૭; પ્રકટી. ૧૯:૧૪) તેઓએ શેતાન અને તેના દૂતોને સ્વર્ગમાંથી નીચે ફેંકી દેવા ઈસુને અગાઉ મદદ કરી જ છે. (પ્રકટી. ૧૨:૭-૯) પૃથ્વીના જે લોકો યહોવાની ભક્તિ કરવા માંગે છે, તેઓને ભેગા કરવામાં પણ દૂતોએ મદદ કરી છે. (પ્રકટી. ૧૪:૬, ૭) તો એ દેખીતું છે કે યહોવા પોતાના લોકોનું રક્ષણ કરવા દૂતોને છૂટ આપશે. યહોવાની આખી સેના દુશ્મનોનો નાશ કરશે, યહોવાનું નામ રોશન કરશે અને પવિત્ર કરશે. આ સરસ મોકો મળ્યો હોવાથી તેઓને કેટલો ગર્વ થશે!—માથ. ૬:૯, ૧૦.
૨૪. મોટા ટોળાના લોકોને કેવું લાગશે?
૨૪ કેવી જોરદાર સેના! જ્યારે તેઓ આપણું રક્ષણ કરવાના છે, તો પછી ડર શાનો? એ સમયે મોટા ટોળાના લોકો ‘માથાં ઊંચાં કરીને સીધા ઊભા રહેશે, કેમ કે તેઓનો ઉદ્ધાર નજીક આવ્યો હશે.’ (લૂક ૨૧:૨૮) એટલે યહોવાનો દિવસ આવે એ પહેલાં, હમણાં જ સમય છે કે આપણે જેટલા બને એટલા વધારે લોકોને મદદ કરીએ. તેઓ પણ યહોવા આપણા ઈશ્વરને ઓળખે અને તેમની સાથે દોસ્તી બાંધે. યહોવા તો દયાના સાગર છે. તે રક્ષણ કરનાર છે.—સફાન્યા ૨:૨, ૩ વાંચો.
૨૫. હવે પછીના પ્રકરણમાં શાના વિશે વાત કરીશું?
૨૫ માણસો જ્યારે યુદ્ધ કરે છે ત્યારે ચારે બાજુ દુઃખનો માહોલ છવાઈ જાય છે અને ઊથલ-પાથલ મચી જાય છે. પણ આર્માગેદનના યુદ્ધ પછી, બધે જ સારી વ્યવસ્થા અને ખુશીનું વાતાવરણ હશે. યહોવાનો ક્રોધ શાંત થઈ જશે. તેમની સેના પોતાની તલવારો પાછી મ્યાનમાં મૂકી દેશે. આર્માગેદનના મહાયુદ્ધનો ઘોંઘાટ શાંત થઈ જશે. એ વખતે દુનિયા કેવી હશે? હવે પછીના પ્રકરણમાં એ સોનેરી ભાવિ વિશે વાત કરીશું.