અભ્યાસ લેખ ૧૫
ઈસુના છેલ્લા શબ્દોમાંથી શીખીએ
“આ મારો વહાલો દીકરો છે, જેને મેં પસંદ કર્યો છે. તેનું સાંભળો.”—માથ. ૧૭:૫.
ગીત ૨૫ પ્રેમ છે ઈશ્વરની રીત
ઝલકa
૧-૨. ઈસુ સાથે જીવનની છેલ્લી ઘડીઓમાં શું થઈ રહ્યું હતું?
ઈસવીસન ૩૩, નીસાન ૧૪નો એ દિવસ છે. ઈસુ પર ખોટી રીતે મુકદમો ચલાવવામાં આવ્યો અને તેમને દોષી માનવામાં આવ્યા. એ પણ એવા ગુના માટે જે તેમણે કર્યો જ નથી. લોકો ઈસુની મજાક ઉડાવી રહ્યા છે, તેમને રિબાવી રહ્યા છે. તેમના હાથે-પગે ખીલા મારીને તેમને વધસ્તંભે લટકાવવામાં આવ્યા છે. તેમને એટલી પીડા થાય છે કે એક-એક શ્વાસ લેવો તેમના માટે અઘરું થઈ રહ્યું છે. એવામાં બોલવું તો શક્ય જ નથી. તોપણ તે ચૂપ નથી રહેતા કારણ કે તેમણે કંઈક મહત્ત્વનું કહેવું છે.
૨ ચાલો જોઈએ કે ઈસુએ જીવનની છેલ્લી ઘડીઓમાં શું કહ્યું હતું. બીજા શબ્દોમાં કહીએ તો ચાલો આપણે ‘તેમનું સાંભળીએ.’—માથ. ૧૭:૫.
“હે પિતા, તેઓને માફ કરો”
૩. ઈસુએ કોને માફ કરવાની વાત કરી?
૩ ઈસુએ શું કહ્યું? ઈસુ વધસ્તંભ પર હતા ત્યારે તેમણે પ્રાર્થના કરી: “હે પિતા, તેઓને માફ કરો.” ઈસુ કોને માફ કરવાની વાત કરી રહ્યા હતા? એ જાણવા આપણે જોઈએ કે તેમણે પછી શું કહ્યું હતું. તેમણે કહ્યું: “તેઓ જાણતા નથી કે પોતે શું કરી રહ્યા છે.” (લૂક ૨૩:૩૩, ૩૪) ઈસુ કદાચ રોમના સૈનિકો વિશે કહી રહ્યા હતા, જેઓએ તેમને વધસ્તંભે જડ્યા હતા. તેઓને ખબર ન હતી કે ઈસુ કોણ છે. તે એવા લોકો વિશે પણ વાત કરી રહ્યા હતા, જેઓએ ઈસુને વધસ્તંભે ચડાવવા બૂમો પાડી હતી. પછીથી એમાંનાં અમુક ઈસુ પર વિશ્વાસ કરવાના હતા. (પ્રે.કા. ૨:૩૬-૩૮) ઈસુએ તેઓના હાથે અન્યાય સહ્યો હતો. તેમ છતાં, તેમણે મનમાં ખાર ભરી રાખ્યો નહિ. (૧ પિત. ૨:૨૩) એના બદલે, તેમણે યહોવાને વિનંતિ કરી કે તેઓને માફ કરે.
૪. બીજાઓને માફ કરવા વિશે આપણે ઈસુ પાસેથી શું શીખી શકીએ?
૪ આપણે શું શીખી શકીએ? આપણે બીજાઓને માફ કરવા જોઈએ. (કોલો. ૩:૧૩) બની શકે કે આપણાં સગા-વહાલાં જાણતા ન હોય કે આપણે શું માનીએ છીએ અને કેમ એવું માનીએ છીએ. એના લીધે તેઓ કદાચ આપણા વિશે જૂઠું બોલે, બીજાઓ સામે આપણને ઉતારી પાડે, આપણાં સાહિત્ય ફાડી નાંખે કે આપણી સાથે મારપીટ કરે. એવા સમયે ગુસ્સે થવાને બદલે આપણે પ્રાર્થના કરીએ કે તેઓ પણ સત્ય શીખે. (માથ. ૫:૪૪, ૪૫) પણ દર વખતે એમ કરવું સહેલું નહિ હોય, ખાસ તો તેઓએ આપણી સાથે ખરાબ વર્તન કર્યું હોય ત્યારે. જો તેઓ માટે મનમાં ખાર ભરી રાખીશું તો નુકસાન આપણને જ થશે. એક બહેન કહે છે: “માફ કરવાનો અર્થ એમ નથી કે વ્યક્તિની ખોટી બાબતો પ્રત્યે હું આંખ આડા કાન કરું છું કે તેને મારો ફાયદો ઉઠાવવા દઉં છું. પણ એનો અર્થ થાય છે કે હું તેઓથી નારાજ નથી રહેવા માંગતી અને એ વાત ભૂલી જવા માંગું છું.” (ગીત. ૩૭:૮) આપણે બીજાઓને માફ કરીએ છીએ ત્યારે એ વાત મનમાં ભરી રાખીને તેઓ માટે મનમાં કડવાશ નથી રાખતા.—એફે. ૪:૩૧, ૩૨.
“તું મારી સાથે જીવનના બાગમાં હોઈશ”
૫. ઈસુએ ગુનેગારને કયું વચન આપ્યું અને શા માટે?
૫ ઈસુએ શું કહ્યું? ઈસુની સાથે બે ગુનેગારોને પણ મરવા માટે લટકાવવામાં આવ્યા હતા. પહેલા તો બંનેએ ઈસુને ખરું-ખોટું સંભળાવ્યું. (માથ. ૨૭:૪૪) પછી એકનું મન બદલાયું અને તેણે કહ્યું કે ઈસુએ “કંઈ ખોટું કર્યું નથી.” (લૂક ૨૩:૪૦, ૪૧) તેણે એમ પણ માન્યું કે ઈસુને પાછા જીવતા કરવામાં આવશે અને એક દિવસ તે રાજા બનશે. તેણે કહ્યું: “ઈસુ, તમે તમારા રાજ્યમાં આવો ત્યારે મને યાદ કરજો.” (લૂક ૨૩:૪૨) કેવી જોરદાર શ્રદ્ધા! ધ્યાન આપો, ઈસુએ એ ગુનેગારને વચન આપ્યું કે “તું મારી સાથે જીવનના બાગમાં હોઈશ.” (લૂક ૨૩:૪૩)b ઈસુ એ વચન એટલે આપી શક્યા, કારણ કે તે જાણતા હતા કે તેમના પિતા યહોવા ખૂબ દયાળુ છે અને એ ગુનેગારને માફ કરી દેશે.—ગીત. ૧૦૩:૮.
૬. ઈસુએ ગુનેગારને જે કહ્યું એમાંથી આપણે શું શીખી શકીએ?
૬ આપણે શું શીખી શકીએ? ઈસુ પોતાના પિતા જેવા જ હતા. (હિબ્રૂ. ૧:૩) તેમના શબ્દોથી જાણવા મળે છે કે યહોવા દયાના સાગર છે. આપણને પાપનો પસ્તાવો હશે અને ઈસુના બલિદાનમાં શ્રદ્ધા હશે તો યહોવા આપણને માફ કરશે. (૧ યોહા. ૧:૭) અમુક ભાઈ-બહેનોને લાગે છે કે તેમણે અગાઉ જે પાપ કર્યા છે એના લીધે યહોવા તેઓને ક્યારેય માફ નહિ કરે. જરા વિચારો, જો ઈસુએ એ ગુનેગારને માફ કર્યો, જેણે હમણાં જ શ્રદ્ધા બતાવી હતી. તો પછી શું યહોવા પોતાના ઈશ્વરભક્તોને માફ નહિ કરે જે વર્ષોથી તેમની સેવા કરે છે અને તેમની આજ્ઞા પાળે છે?—ગીત. ૫૧:૧; ૧ યોહા. ૨:૧, ૨.
“હવેથી તે તારો દીકરો છે . . . તે હવેથી તારી મા છે”
૭. ઈસુએ મરિયમ અને યોહાનને શું કહ્યું અને શા માટે?
૭ ઈસુએ શું કહ્યું? (યોહાન ૧૯:૨૬, ૨૭ વાંચો.) ઈસુને પોતાની મા, મરિયમની ખૂબ ચિંતા હતી. જે કદાચ એ સમયે વિધવા થઈ ગયા હતા. ઈસુનાં ભાઈ-બહેનો મરિયમનું ભરણપોષણ કરવાનાં હતાં. પણ તેઓ મરિયમને યહોવાની સેવા કરવામાં મદદ કરી શકવાનાં ન હતાં. કારણ કે એ સમય સુધી તેઓ ઈસુના શિષ્યો બન્યાં ન હતાં. એટલે ઈસુએ યોહાનનો વિચાર કર્યો, જે તેમના પાકા દોસ્ત અને વફાદાર શિષ્ય હતા. જેઓ યહોવાની સેવા કરે છે તેઓને ઈસુ પોતાનું કુટુંબ માનતા હતા. (માથ. ૧૨:૪૬-૫૦) તેમને ખાતરી હતી કે યોહાન મરિયમને યહોવાની ભક્તિ કરવામાં મદદ કરશે. આમ પોતાની મા મરિયમની જવાબદારી યોહાનને સોંપી. એટલે તેમણે પોતાની મા મરિયમને કહ્યું: “હવેથી તે તારો દીકરો છે.” પછી તેમણે યોહાનને કહ્યું: “તે હવેથી તારી મા છે.” એ સમયથી યોહાન મરિયમને પોતાની મા જેવા ગણવા લાગ્યા. ઈસુને જન્મ આપનાર અને તેમના મરણના સમય હાજર રહેનાર મરિયમ માટે ઈસુને કેટલો બધો પ્રેમ હતો!
૮. ઈસુએ મરિયમ અને યોહાનને જે કહ્યું એમાંથી આપણે શું શીખી શકીએ?
૮ આપણે શું શીખી શકીએ? મંડળનાં ભાઈ-બહેનો સાથે આપણો સંબંધ એટલો મજબૂત હોય છે, જેટલો કુટુંબના સભ્યો સાથે પણ હોતો નથી. કદાચ કુટુંબના સભ્યો આપણો વિરોધ કરે કે આપણને કાઢી મૂકે ત્યારે, યહોવાની નજીક રહીએ અને તેમના સંગઠન સાથે જોડાયેલા રહીએ. એવું કરીશું તો ઈસુએ વચન આપ્યું છે કે આપણે જે ગુમાવ્યું છે એના કરતાં “સો ગણાં વધારે” પાછા મેળવીશું. એનો અર્થ થાય કે મંડળમાં આપણને ઘણાં બધાં દીકરા-દીકરીઓ અને માતા-પિતા મળશે. (માર્ક ૧૦:૨૯, ૩૦) આપણે એવા કુટુંબનો ભાગ હોઈશું જેઓ યહોવાની ભક્તિ કરતા હશે. તેઓ યહોવાને અને એકબીજાને પ્રેમ કરતા હશે. એવા કુટુંબનો ભાગ બનવાનો આપણને કેટલો સરસ લહાવો મળ્યો છે!—કોલો. ૩:૧૪; ૧ પિત. ૨:૧૭.
“હે મારા ઈશ્વર, તમે મને કેમ છોડી દીધો છે?”
૯. માથ્થી ૨૭:૪૬માં ઈસુએ કહેલા શબ્દોથી શું ખબર પડે છે?
૯ ઈસુએ શું કહ્યું? ઈસુએ જીવન છેલ્લી ઘડીઓમાં કહ્યું: “હે મારા ઈશ્વર, હે મારા ઈશ્વર, તમે મને કેમ છોડી દીધો છે?” (માથ. ૨૭:૪૬) બાઇબલ જણાવતું નથી કે ઈસુએ એ શબ્દો કેમ કહ્યા. પણ એનાથી આપણને અમુક વાતો જાણવા મળે છે. પહેલી, એ શબ્દો કહીને ઈસુ ગીતશાસ્ત્ર ૨૨:૧માં લખેલી ભવિષ્યવાણી પૂરી રહ્યા હતા.c બીજી, યહોવાએ પોતાના દીકરાની “આસપાસ સુરક્ષાની વાડ બાંધી” ન હતી. (અયૂ. ૧:૧૦) ઈસુ જાણતા હતા કે યહોવાએ દુશ્મનોને ઈસુના વિશ્વાસની કસોટી કરવાની છૂટ આપી છે. જે હદે તેમની કસોટી થઈ એવી આજ સુધી કોઈ માણસની થઈ નથી. વધુમાં ઈસુના શબ્દોથી ખબર પડે છે કે તેમણે એવો કોઈ ગૂનો કર્યો ન હતો, જેના લીધે તેમને મોતની સજા મળે.
૧૦. ઈસુએ પોતાના પિતાને જે કહ્યું એમાંથી શું શીખી શકીએ?
૧૦ આપણે શું શીખી શકીએ? એક, યહોવા આપણને દરેક કસોટીમાંથી નહિ બચાવે. જેમ ઈસુની કસોટી થઈ એવી આપણી પણ થશે. અરે, આપણે મોતનો પણ સામનો કરવો પડે. (માથ. ૧૬:૨૪, ૨૫) પણ ભરોસો રાખીએ કે આપણે સહી ન શકીએ એવી કસોટી યહોવા આવવા નહિ દે. (૧ કોરીં. ૧૦:૧૩) બીજું, આપણી સાથે પણ અન્યાય થઈ શકે છે. (૧ પિત. ૨:૧૯, ૨૦) આપણે કંઈ ખોટું કર્યું છે એટલે આપણને સતાવવામાં નથી આવતા. પણ આપણે આ દુનિયાનો ભાગ નથી અને સત્ય વિશે સાક્ષી આપીએ છીએ એટલે સતાવવામાં આવે છે. (યોહા. ૧૭:૧૪; ૧ પિત. ૪:૧૫, ૧૬) ઈસુ જાણતા હતા કે યહોવાએ કેમ તેમને એ તકલીફો સહેવા દીધી. જ્યારે અમુક ઈશ્વરભક્તો પર તકલીફો આવી, ત્યારે તેઓ સમજી ન શક્યા કે યહોવાએ તેઓ સાથે કેમ એવું થવા દીધું. (હબા. ૧:૩) યહોવા જાણતા હતા કે તેઓની શ્રદ્ધા નબળી ન હતી, પણ તેઓને ફક્ત દિલાસાની જરૂર હતી. એટલે યહોવા તેઓ સાથે ધીરજથી વર્ત્યા.—૨ કોરીં. ૧:૩, ૪.
“મને તરસ લાગી છે”
૧૧. યોહાન ૧૯:૨૮માં લખેલા શબ્દો ઈસુએ કેમ કહ્યા?
૧૧ ઈસુએ શું કહ્યું? (યોહાન ૧૯:૨૮ વાંચો.) ઈસુએ કેમ કહ્યું કે, “મને તરસ લાગી છે”? જેથી “શાસ્ત્રવચન પૂરું થાય.” એટલે કે ગીતશાસ્ત્ર ૨૨:૧૫માં લખેલી ભવિષ્યવાણી પૂરી થાય, જ્યાં લખ્યું છે: “મારી શક્તિ સુકાઈને ઠીકરા જેવી થઈ ગઈ છે. મારી જીભ તાળવે ચોંટી ગઈ છે.” ઈસુને સાચે જ તરસ લાગી હતી, કારણ કે તેમણે બહુ તકલીફો સહી હતી. તે વધસ્તંભ પર વેદનાથી તડપી રહ્યા હતા. એટલે તેમને પોતાની તરસ છિપાવવા મદદની જરૂર હતી.
૧૨. ઈસુએ જે કહ્યું એમાંથી આપણે શું શીખી શકીએ?
૧૨ આપણે શું શીખી શકીએ? ઈસુએ જ્યારે બીજાઓ પાસે મદદ માંગી, ત્યારે એવું ન વિચાર્યું કે લોકો તેમને કમજોર સમજશે. આપણે પણ એવું ન વિચારીએ કે લોકો આપણને કમજોર સમજશે. બની શકે કે આપણને બીજાઓની મદદ લેવાનું ન ગમતું હોય. પણ ખરેખર મદદની જરૂર હોય ત્યારે બીજાઓ પાસે મદદ માંગતા અચકાવું ન જોઈએ. જેમ કે, આપણે મોટી ઉંમરના હોઈએ કે આપણને કોઈ બીમારી થઈ હોય ત્યારે ડોક્ટર પાસે જવા કે સામાન ખરીદવા દોસ્તોની મદદ લઈએ. આપણે કદાચ નિરાશ થઈ જઈએ ત્યારે વડીલો કે દોસ્તોની મદદ લઈએ. આપણે તેઓને કહી શકીએ કે તેઓ આપણી વાત સાંભળે અને ‘ઉત્તેજન આપતા શબ્દો’ કહે. (નીતિ. ૧૨:૨૫) ભૂલીએ નહિ, ભાઈ-બહેનો આપણને પ્રેમ કરે છે અને “મુસીબતના સમયે” મદદ કરવા માંગે છે. (નીતિ. ૧૭:૧૭) પણ જ્યાં સુધી આપણે તેઓને કહીશું નહિ, ત્યાં સુધી તેઓ આપણને મદદ કરી શકશે નહિ.
“બધું પૂરું થયું છે!”
૧૩. જીવનની છેલ્લી ઘડી સુધી વફાદાર રહીને ઈસુએ શું સાબિત કર્યું?
૧૩ ઈસુએ શું કહ્યું? નીસાન ૧૪ની બપોરે આશરે ત્રણ વાગે ઈસુએ મોટેથી બૂમ પાડી: “બધું પૂરું થયું છે!” (યોહા. ૧૯:૩૦) એ પછી તે મરણ પામ્યા. જીવનની છેલ્લી ઘડી સુધી તેમણે એ બધું કર્યું, જે યહોવા ચાહતા હતા. પહેલું, તેમણે શેતાનને જૂઠો સાબિત કર્યો. કઈ રીતે? તે મરણ સુધી યહોવાને વફાદાર રહ્યા અને બતાવી આપ્યું કે માણસો યહોવાને પૂરેપૂરી રીતે વફાદાર રહી શકે છે. બીજું, ઈસુએ બધા માણસો માટે પોતાનું જીવન આપી દીધું. એના લીધે આપણે બધા યહોવા સાથે સારો સંબંધ કેળવી શકીએ છીએ અને ભાવિમાં હંમેશ માટેનું જીવન મેળવી શકીએ છીએ. ત્રીજું, ઈસુએ સાબિત કર્યું કે ફક્ત યહોવાને આખા વિશ્વ પર રાજ કરવાનો હક છે. એટલું જ નહિ, ઈસુએ યહોવાના નામ પર લાગેલું કલંક પણ દૂર કર્યું.
૧૪. આપણે દરરોજ કઈ રીતે જીવવું જોઈએ?
૧૪ આપણે શું શીખી શકીએ? આપણે દરરોજ યહોવાને વફાદાર રહેવું જોઈએ. ગિલયડ શાળાના એક શિક્ષક મેક્સવેલ ફ્રેન્ડે આંતરરાષ્ટ્રીય સંમેલનમાં વફાદારી વિશે પ્રવચન આપ્યું હતું. તેમણે કહ્યું, “કોઈ કામ કાલ પર ન ટાળો, કારણ કે તમે જાણતા નથી કે કાલે તમે જીવતા હશો કે નહિ. એટલે દરરોજ યહોવાને વફાદાર રહો અને એ રીતે જીવો કે તમને હંમેશ માટેનું જીવન મળે.” ભાઈએ કેટલું સાચું કહ્યું! આપણે પણ, આજે જીવનનો છેલ્લો દિવસ છે એમ માનીને દરરોજ યહોવાને વફાદાર રહેવું જોઈએ. પછી ભલે કાલે મરી જઈએ પણ આપણે યહોવાને કહી શકીશું, “હું તમને વફાદાર રહ્યો છું. મેં શેતાનને જૂઠો સાબિત કર્યો છે. તમારા નામને અને રાજ કરવાના હકને મેં મહિમા આપ્યો છે.”
“હે પિતા, મારું જીવન હું તમારા હાથમાં સોંપું છું”
૧૫. લૂક ૨૩:૪૬ પ્રમાણે ઈસુને કઈ વાતની ખાતરી હતી?
૧૫ ઈસુએ શું કહ્યું? (લૂક ૨૩:૪૬ વાંચો.) તેમણે પૂરા ભરોસા સાથે કહ્યું, “હે પિતા, મારું જીવન હું તમારા હાથમાં સોંપું છું.” ઈસુ જાણતા હતા કે તેમનું ભાવિ યહોવાના હાથમાં છે. તેમના મર્યા પછી તે પાછા ઊઠશે કે નહિ, એ યહોવા નક્કી કરશે. પણ તેમને પૂરી ખાતરી હતી કે યહોવા તેમને જરૂર યાદ રાખશે.
૧૬. જોશુઆના દાખલામાંથી આપણે શું શીખી શકીએ?
૧૬ આપણે શું શીખી શકીએ? આપણે દરેક સંજોગોમાં યહોવાને વફાદાર રહેવા માંગીએ છીએ. પછી ભલેને આપણું જીવન જોખમમાં કેમ ના હોય. એવું ત્યારે જ શક્ય બનશે જ્યારે આપણે “પૂરા દિલથી યહોવા પર ભરોસો” રાખીશું. (નીતિ. ૩:૫) ચાલો ૧૫ વર્ષના જોશુઆના દાખલા પર ધ્યાન આપીએ. તેને એક ગંભીર બીમારી થઈ હતી. તેણે એવી સારવાર કરાવવાની ના પાડી જેમાં ઈશ્વરનો નિયમ તૂટતો હોય. પોતાના જીવનની છેલ્લી ઘડીમાં તેણે મમ્મીને કહ્યું, “હું યહોવાના હાથમાં છું, તે મને પાછો ઉઠાડશે. તેમણે મારું દિલ જોયું છે, તે જાણે છે કે હું તેમને કેટલો પ્રેમ કરું છું.”d આપણે પોતાને પૂછી શકીએ: ‘મારી શ્રદ્ધાની કસોટી થાય કે જીવન-મરણનો સવાલ હોય ત્યારે શું યહોવાને વફાદાર રહીશ? શું મને ખાતરી છે કે યહોવા મને યાદ રાખશે?’
૧૭-૧૮. આપણને ઈસુના છેલ્લા શબ્દોમાંથી શું શીખવા મળ્યું? (‘ઈસુના છેલ્લા શબ્દોમાંથી શું શીખી શકીએ?’ બૉક્સ જુઓ.)
૧૭ આપણે ઈસુના છેલ્લા શબ્દોમાંથી ઘણું શીખ્યા છીએ. આપણે બીજાઓને માફ કરવા જોઈએ અને ખાતરી રાખવી જોઈએ કે યહોવા પણ આપણને માફ કરશે. મંડળનાં ભાઈ-બહેનો આપણી મદદ કરવા માંગે છે. પણ તેઓ ત્યારે જ મદદ કરી શકશે, જ્યારે આપણે તેઓ પાસે મદદ માંગીશું. આપણે એ પણ શીખ્યા કે મુશ્કેલીઓમાં યહોવા આપણી મદદ કરશે. આપણે દરરોજ યહોવાને વફાદાર રહીએ અને એ રીતે જીવીએ કે જાણે આજે છેલ્લો દિવસ છે. પછી ભલે આપણે મરી જઈએ તોપણ તે આપણને પાછા ઉઠાડશે.
૧૮ સાચે જ, ઈસુના શબ્દોમાંથી આપણને ઘણું શીખવા મળ્યું છે. આપણે જે શીખ્યા એને લાગુ પાડીશું તો આપણે યહોવાની આ આજ્ઞા પાળીએ છીએ: “તેનું સાંભળો.”—માથ. ૧૭:૫.
ગીત ૪૩ જાગતા રહીએ
a માથ્થી ૧૭:૫માં જણાવ્યા પ્રમાણે યહોવા ચાહે છે કે આપણે તેમના દીકરાનું સાંભળીએ. ઈસુ વધસ્તંભ પર હતા અને જીવનની છેલ્લી ઘડીઓ ગણી રહ્યા હતા ત્યારે તેમણે કંઈક કહ્યું હતું. એમાંથી આપણે શું શીખી શકીએ એ વિશે આ લેખમાં ચર્ચા કરીશું.
b ઈસુ એમ કહી રહ્યા ન હતા કે એ ગુનેગાર સ્વર્ગમાં જશે, પણ તે કહી રહ્યા હતા કે તેને બાગ જેવી ધરતી પર ફરી જીવતો કરવામાં આવશે.
c ઈસુએ ગીતશાસ્ત્ર ૨૨:૧માંથી કેમ શબ્દો કહ્યા એ વિશેનાં શક્ય કારણો જાણવા આ અંકમાં આપેલો લેખ જુઓ: “વાચકો તરફથી પ્રશ્નો.”
d જોશુઆ વિશે વધુ જાણવા જાન્યુઆરી ૨૨, ૧૯૯૫, સજાગ બનો! (અંગ્રેજી), પાન ૧૧-૧૫ જુઓ.