માથ્થી
૨૭ સવાર થઈ ત્યારે બધા મુખ્ય યાજકો અને લોકોના વડીલો ભેગા થયા. તેઓએ ઈસુને મારી નાખવા માટે તેમની વિરુદ્ધ સભા ભરી.+ ૨ તેઓ ઈસુને બાંધીને લઈ ગયા અને રાજ્યપાલ પિલાતને સોંપી દીધા.+
૩ ઈસુને દગો દેનાર યહૂદાએ જોયું કે તેમને મોતની સજા થઈ છે ત્યારે તેને અફસોસ થયો. તે મુખ્ય યાજકો અને વડીલો પાસે ચાંદીના ૩૦ સિક્કા પાછા લાવ્યો.+ ૪ તેણે કહ્યું: “એક નિર્દોષ માણસના લોહીનો સોદો કરીને મેં પાપ કર્યું છે.” તેઓએ કહ્યું: “એમાં અમારે શું? એ તું જાણે!” ૫ એટલે તેણે ચાંદીના સિક્કા મંદિરમાં ફેંકી દીધા અને ત્યાંથી નીકળી ગયો. પછી જઈને ગળે ફાંસો ખાધો.+ ૬ મુખ્ય યાજકોએ ચાંદીના સિક્કા લીધા અને કહ્યું: “નિયમ પ્રમાણે એને મંદિરના ભંડારમાં નાખવા યોગ્ય નથી, કેમ કે એ લોહીની કિંમત છે.” ૭ એકબીજા સાથે ચર્ચા કર્યા પછી, એ પૈસાથી તેઓએ અજાણ્યા લોકોને દાટવા માટે કુંભારનું ખેતર વેચાતું લીધું. ૮ આજ સુધી એ ખેતરને લોહીનું ખેતર કહેવામાં આવે છે.+ ૯ આ રીતે યર્મિયા* પ્રબોધકે જે કહ્યું હતું એ પૂરું થયું: “તેઓએ ચાંદીના ૩૦ સિક્કા લીધા, જે કિંમત ઇઝરાયેલના અમુક દીકરાઓએ એક માણસ માટે ઠરાવી હતી. ૧૦ એનાથી તેઓએ કુંભારનું ખેતર ખરીદી લીધું, જેમ યહોવાએ* મને આજ્ઞા આપી હતી.”+
૧૧ ઈસુ રાજ્યપાલ સામે ઊભા હતા. રાજ્યપાલે તેમને પૂછ્યું: “શું તું યહૂદીઓનો રાજા છે?” ઈસુએ કહ્યું: “તમે પોતે એ કહો છો.”+ ૧૨ પણ મુખ્ય યાજકો અને વડીલો તેમના પર આરોપ મૂકતા હતા ત્યારે, તેમણે કોઈ જવાબ આપ્યો નહિ.+ ૧૩ પિલાતે પૂછ્યું: “શું તું સાંભળતો નથી કે આ માણસો તારા પર કેવા આરોપ મૂકે છે?” ૧૪ પણ તેમણે કોઈ જવાબ આપ્યો નહિ. અરે, તે એક શબ્દ પણ બોલ્યા નહિ. એનાથી રાજ્યપાલને નવાઈ લાગી.
૧૫ આ તહેવાર દરમિયાન એવો રિવાજ હતો કે લોકો માંગે એ કેદીને રાજ્યપાલ છોડી મૂકે.+ ૧૬ એ સમયે ત્યાં કેદમાં બારાબાસ નામનો એક કુખ્યાત ગુનેગાર હતો. ૧૭ એટલે લોકો ભેગા થયા ત્યારે પિલાતે તેઓને પૂછ્યું: “હું તમારા માટે કોને છોડી દઉં, બારાબાસને કે ઈસુને, જે ખ્રિસ્ત કહેવાય છે?” ૧૮ પિલાત જાણતો હતો કે તેઓએ અદેખાઈને લીધે ઈસુને તેના હાથમાં સોંપી દીધા છે. ૧૯ તે ન્યાયાસન પર બેઠો હતો ત્યારે તેની પત્નીએ પણ સંદેશો મોકલ્યો: “એ નેક માણસને કંઈ કરતા નહિ, કેમ કે તેના લીધે આજે સપનામાં હું ઘણી દુઃખી થઈ હતી.” ૨૦ પણ મુખ્ય યાજકો અને વડીલોએ લોકોને સમજાવ્યું હતું કે બારાબાસ+ માટે આઝાદી અને ઈસુ માટે મોત માંગે.+ ૨૧ રાજ્યપાલે ફરીથી લોકોને પૂછ્યું: “બોલો આ બેમાંથી હું તમારા માટે કોને છોડી દઉં?” તેઓએ કહ્યું: “બારાબાસને!” ૨૨ પિલાતે પૂછ્યું: “તો પછી ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેનું હું શું કરું?” એ બધાએ કહ્યું: “તેને વધસ્તંભે ચઢાવો!”+ ૨૩ તેણે પૂછ્યું: “શા માટે? તેણે શું ગુનો કર્યો છે?” પણ તેઓ મોટેથી બૂમો પાડતા રહ્યા: “તેને વધસ્તંભે ચઢાવો!”+
૨૪ પિલાતે જોયું કે તેઓને કહેવાનો કોઈ ફાયદો નથી, પણ ધમાલ વધી રહી છે. એટલે તેણે પાણી લીધું અને લોકો સામે પોતાના હાથ ધોઈને કહ્યું: “આ માણસના લોહી વિશે હું નિર્દોષ છું. એની જવાબદારી તમારે માથે.” ૨૫ બધા લોકોએ કહ્યું: “તેનું લોહી અમારાં માથે અને અમારાં બાળકોને માથે.”+ ૨૬ પછી તેણે તેઓ માટે બારાબાસને છોડી મૂક્યો. તેણે ઈસુને કોરડા મરાવ્યા+ અને તેમને વધસ્તંભ પર મારી નાખવા સૈનિકોના હાથમાં સોંપી દીધા.+
૨૭ રાજ્યપાલના સૈનિકો ઈસુને રાજ્યપાલના ઘરે લઈ ગયા. તેઓએ તેમની પાસે બધા સૈનિકોને ભેગા કર્યા.+ ૨૮ તેઓએ ઈસુનાં કપડાં ઉતારીને તેમને ઘેરા લાલ રંગનો ઝભ્ભો પહેરાવ્યો.+ ૨૯ તેઓએ કાંટાનો મુગટ ગૂંથીને તેમના માથા પર મૂક્યો અને તેમના જમણા હાથમાં સોટી પકડાવી. પછી તેમની આગળ ઘૂંટણિયે પડીને તેઓએ મજાક ઉડાવી: “હે યહૂદીઓના રાજા, સલામ!”* ૩૦ તેઓ તેમના પર થૂંક્યા+ અને સોટી લઈને તેમના માથા પર મારવા લાગ્યા. ૩૧ તેઓની મજાક પૂરી થઈ ત્યારે તેઓએ ઝભ્ભો કાઢી લીધો અને તેમનાં કપડાં પાછાં પહેરાવ્યાં. પછી તેઓ તેમને વધસ્તંભે ખીલાથી જડી દેવા લઈ ગયા.+
૩૨ તેઓ બહાર જતા હતા ત્યારે, તેઓને કુરેની શહેરનો સિમોન નામનો માણસ મળ્યો. તેઓએ તેને ઈસુનો વધસ્તંભ ઊંચકવા બળજબરી કરી.+ ૩૩ તેઓ ગલગથા નામની જગ્યાએ, એટલે કે ખોપરીની જગ્યાએ પહોંચ્યા.+ ૩૪ તેઓએ ત્યાં તેમને કડવો રસ* ભેળવેલો દ્રાક્ષદારૂ પીવા આપ્યો.+ પણ એ ચાખ્યા પછી તેમણે પીવાની ના પાડી. ૩૫ તેઓએ તેમને વધસ્તંભે ખીલાથી જડી દીધા અને ચિઠ્ઠીઓ* નાખીને તેમનાં કપડાં વહેંચી લીધાં.+ ૩૬ પછી તેઓ ત્યાં તેમની ચોકી કરવા બેઠા. ૩૭ તેઓએ તેમના માથાની ઉપર, વધસ્તંભ પર એક તકતી લગાડી. એમાં તેમના પર મુકાયેલો આરોપ લખેલો હતો: “આ યહૂદીઓનો રાજા ઈસુ છે.”+
૩૮ તેમની આસપાસ બે લુટારાને પણ વધસ્તંભે જડવામાં આવ્યા. એકને તેમની જમણી બાજુ અને બીજાને તેમની ડાબી બાજુ.+ ૩૯ ત્યાંથી પસાર થનારાઓએ માથું હલાવીને તેમની મશ્કરી કરી:+ ૪૦ “અરે, તું તો મંદિરને પાડી નાખીને ત્રણ દિવસમાં બાંધવાનો હતો.+ હવે તું પોતાને બચાવ! જો તું ઈશ્વરનો દીકરો હોય તો વધસ્તંભ પરથી નીચે ઊતરી આવ!”+ ૪૧ શાસ્ત્રીઓ અને વડીલો સાથે મુખ્ય યાજકો પણ તેમની મજાક ઉડાવવા લાગ્યા. તેઓ કહેવા લાગ્યા:+ ૪૨ “તેણે બીજાઓને બચાવ્યા, પણ તે પોતાને બચાવી શકતો નથી! તે ઇઝરાયેલનો રાજા છે.+ તે હમણાં વધસ્તંભ પરથી નીચે આવે તો અમે તેના પર શ્રદ્ધા મૂકીએ. ૪૩ તેણે ઈશ્વરમાં ભરોસો મૂક્યો છે. જો ઈશ્વર તેને ચાહતા હોય તો તેને બચાવે,+ કેમ કે તે કહેતો હતો, ‘હું ઈશ્વરનો દીકરો છું.’”+ ૪૪ જે લુટારાઓને તેમની સાથે વધસ્તંભે જડવામાં આવ્યા હતા, તેઓ પણ તેમનું અપમાન કરવા લાગ્યા.+
૪૫ બપોરના બારેક વાગ્યાથી* ત્રણેક વાગ્યા* સુધી આખા દેશમાં અંધારું છવાઈ ગયું.+ ૪૬ બપોરના ત્રણેક વાગ્યે ઈસુએ મોટા અવાજે બૂમ પાડી: “એલી, એલી, લામા સાબાખ્થાની?” એટલે કે “હે મારા ઈશ્વર, હે મારા ઈશ્વર, તમે મને કેમ છોડી દીધો છે?”+ ૪૭ એ સાંભળીને ત્યાં ઊભેલા અમુક લોકો કહેવા લાગ્યા: “આ માણસ એલિયાને બોલાવે છે.”+ ૪૮ તરત જ તેઓમાંનો એક દોડ્યો અને વાદળી* લઈને ખાટા દ્રાક્ષદારૂમાં બોળી. એ તેણે લાકડી પર મૂકી અને તેમને ચૂસવા માટે આપી.+ ૪૯ પણ બાકીના લોકોએ કહ્યું: “ચાલો જોઈએ કે એલિયા તેને બચાવવા આવે છે કે નહિ.” ૫૦ ફરીથી ઈસુએ મોટા અવાજે બૂમ પાડી અને મરણ પામ્યા.*+
૫૧ જુઓ! મંદિરનો પડદો+ ઉપરથી નીચે સુધી ફાટીને+ બે ભાગ થઈ ગયો.+ ધરતી ધ્રૂજી ઊઠી અને ખડકો ફાટી ગયા. ૫૨ કબરો ખૂલી ગઈ અને મરણની ઊંઘમાં હતા એવા ઘણા પવિત્ર લોકોનાં શબ બહાર ફેંકાઈ ગયાં. ૫૩ ઘણા લોકોને એ શબ દેખાયાં. (ઈસુને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા પછી, જે લોકો કબરો પાસે ગયા હતા તેઓ પવિત્ર શહેરમાં આવ્યા.)* ૫૪ લશ્કરી અધિકારી અને તેની સાથે જેઓ ઈસુની ચોકી કરતા હતા, તેઓએ ધરતીકંપ અને એ બનાવો જોયા. તેઓ ઘણા ડરી ગયા અને કહ્યું: “ખરેખર આ ઈશ્વરનો દીકરો હતો!”+
૫૫ ત્યાં ઘણી સ્ત્રીઓ હતી, જેઓ દૂરથી જોઈ રહી હતી. તેઓ ઈસુ સાથે ગાલીલથી આવી હતી અને તેમની સેવા કરતી હતી.+ ૫૬ તેઓમાં મરિયમ માગદાલેણ, યાકૂબની ને યોસેની મા મરિયમ અને ઝબદીના દીકરાઓની મા હતી.+
૫૭ મોડી બપોર થઈ ત્યારે યૂસફ નામે અરિમથાઈનો એક ધનવાન માણસ આવ્યો, જે ઈસુનો શિષ્ય હતો.+ ૫૮ તે પિલાત પાસે ગયો અને તેણે ઈસુનું શબ માંગ્યું.+ પિલાતે એ આપવાનો આદેશ કર્યો.+ ૫૯ યૂસફે શબ લીધું અને ચોખ્ખા, બારીક શણના કાપડમાં વીંટાળ્યું.+ ૬૦ તેણે એ શબ પોતાની નવી કબરમાં મૂક્યું,+ જે ખડકમાં ખોદવામાં આવી હતી. કબરના મુખ પર મોટો પથ્થર ગબડાવીને તે ચાલ્યો ગયો. ૬૧ પણ મરિયમ માગદાલેણ અને બીજી મરિયમ ત્યાં કબરની સામે બેસી રહી.+
૬૨ આ બધું સાબ્બાથની તૈયારીના દિવસે+ બન્યું. એ પછીના દિવસે મુખ્ય યાજકો અને ફરોશીઓ પિલાત આગળ ભેગા થયા. ૬૩ તેઓએ કહ્યું: “સાહેબ, અમને યાદ છે કે એ ઠગ જીવતો હતો ત્યારે કહેતો હતો, ‘ત્રણ દિવસ પછી મને મરણમાંથી ઉઠાડવામાં આવશે.’+ ૬૪ તેથી હુકમ કરો કે ત્રીજા દિવસ સુધી કબર પર પહેરો રાખવામાં આવે, જેથી તેના શિષ્યો આવીને એને ચોરી ન જાય.+ તેઓ લોકોને એમ ન કહે, ‘તેને મરણમાંથી ઉઠાડવામાં આવ્યો છે!’ તેનું આ છેલ્લું જૂઠાણું પહેલાના કરતાં વધારે ખરાબ થશે.” ૬૫ પિલાતે તેઓને કહ્યું: “તમે ચોકીદારો લઈ જાઓ. તમારાથી થાય એટલો કડક પહેરો રાખો.” ૬૬ એટલે તેઓએ કબરના મુખ પરના પથ્થરને મહોર* કરી અને કબર પર પહેરો રાખવા ચોકીદારો મૂક્યા.