સાચા ખ્રિસ્તીઓ શુભસંદેશ આપે છે
“યહોવાહની આગળ ગાઓ, તેના નામને સ્તુત્ય માનો; દિનપ્રતિદિન તેનું તારણ પ્રગટ કરો.”—ગીતશાસ્ત્ર ૯૬:૨.
આપણે આફતોથી ભરેલી દુનિયામાં જીવીએ છીએ. પરંતુ, બાઇબલ આપણને જણાવે છે કે યુદ્ધો, ગુનાઓ, ભૂખમરો અને જુલમનો જલદી જ અંત આવશે. આ કેટલો દિલાસો આપે છે! (ગીતશાસ્ત્ર ૪૬:૯; ૭૨:૩, ૭, ૮, ૧૨, ૧૬) શું એ એવો શુભસંદેશ નથી, જે બધાએ જાણવો જોઈએ? યહોવાહના સાક્ષીઓ એમ જ માને છે. બધી બાજુ એ જાણીતું છે કે તેઓ “કલ્યાણની વધામણી લાવે છે.” (યશાયાહ ૫૨:૭) એ ખરું છે કે યહોવાહના લોકોએ શુભસંદેશ જણાવવા ઘણી સતાવણી સહન કરી છે. તેમ છતાં, તેઓ લોકોનું ભલું જ ચાહે છે. ખરેખર, યહોવાહના સાક્ષીઓ લાંબા સમયથી શુભસંદેશો ફેલાવી રહ્યા છે!
૨ આજે યહોવાહના સાક્ષીઓનો ઉમંગ, પ્રથમ સદીના ખ્રિસ્તીઓના જેવો જ છે. તેઓ વિષે, એક જાણીતું ઇટાલિયન રોમન કૅથલિક છાપું સાચું જ જણાવે છે: “પહેલાંના ખ્રિસ્તીઓ બાપ્તિસ્મા પામ્યા પછી તરત જ, શુભસંદેશાનો પ્રચાર કરવાને પોતાની ફરજ સમજતા. તેઓએ શુભસંદેશો બધી વ્યક્તિઓને જણાવ્યો.” એ ખ્રિસ્તીઓની જેમ, યહોવાહના લોકો શા માટે આટલા ઉત્સાહી છે? પહેલું કારણ એ છે કે એ શુભસંદેશો ખુદ યહોવાહ પરમેશ્વર પાસેથી છે. ઉત્સાહી બનવા, એનાથી વધારે સારું કયું કારણ હોય શકે? તેઓ ગીતશાસ્ત્રના શબ્દો પ્રમાણે વર્તે છે: “યહોવાહની આગળ ગાઓ, તેના નામને સ્તુત્ય માનો; દિનપ્રતિદિન તેનું તારણ પ્રગટ કરો.”—ગીતશાસ્ત્ર ૯૬:૨.
૩ યહોવાહના ભક્તો ઉત્સાહી છે, એનું બીજું કારણ પણ એ જ કલમમાં મળી આવે છે. એ જણાવે છે કે તેઓનો સંદેશો આવી રહેલા વિનાશમાંથી બચી જવાનો છે. કેટલાક લોકો મેડિકલ કે નાણાકીય રીતે, અથવા સમાજ સેવા કરીને બીજાઓનું ભલું કરવા મહેનત કરે છે. એ સારું કહેવાય, પણ ભલે આપણે ગમે તે કરીએ, એ ‘પરમેશ્વરના તારણની’ સરખામણીમાં કંઈ જ નથી. ઈસુ ખ્રિસ્ત દ્વારા યહોવાહ, આજ્ઞાધીન લોકોને પાપ, બીમારી અને મરણમાંથી બચાવી લેશે. એ આશીર્વાદ પામનારા હંમેશ માટે જીવશે! (યોહાન ૩:૧૬, ૩૬; પ્રકટીકરણ ૨૧:૩, ૪) એવા “ચમત્કાર” વિષે પણ આજે સાચા ખ્રિસ્તીઓ જાહેર કરે છે. એમ કરીને તેઓ આ શબ્દો પાળે છે: “વિદેશીઓમાં તેનો [પરમેશ્વરનો] મહિમા, અને સર્વ લોકોમાં તેના ચમત્કાર, જાહેર કરો. કેમકે યહોવાહ મોટો અને બહુ સ્તુત્ય છે, સર્વ દેવો કરતાં તે ભયાવહ છે.”—ગીતશાસ્ત્ર ૯૬:૩, ૪.
ઈસુનું ઉદાહરણ
૪ યહોવાહના સાક્ષીઓ ઈસુ ખ્રિસ્તના પગલે ચાલે છે, એ તેઓના ઉત્સાહનું ત્રીજું કારણ છે. (૧ પીતર ૨:૨૧) ઈસુ પૂરા દિલથી “દીનજનોને શુભસંદેશનો ઉપદેશ કરવા” તૈયાર થયા. (યશાયાહ ૬૧:૧; લુક ૪:૧૭-૨૧, પ્રેમસંદેશ) આમ, તેમણે ગાલીલ અને યહુદાહમાં ચારે બાજુ યહોવાહના રાજ્યનો પ્રચાર કર્યો. (માત્થી ૪:૨૩) તે જાણતા હતા કે ઘણા શુભસંદેશો સાંભળશે. તેથી, તેમણે પોતાના શિષ્યોને કહ્યું: “ફસલ પુષ્કળ છે ખરી, પણ મજૂરો થોડા છે. એ માટે તમે ફસલના ધણીની પ્રાર્થના કરો, કે તે પોતાની ફસલને સારૂ મજૂરો મોકલે.”—માત્થી ૯:૩૭, ૩૮.
૫ એ જ પ્રમાણે, ઈસુએ બીજાઓને શુભસંદેશો જાહેર કરતા શીખવ્યું. અમુક સમય બાદ, તેમણે પોતાના શિષ્યોને મોકલીને જણાવ્યું કે “જાઓ, અને આ પ્રમાણે પ્રચાર કરો, ‘ઈશ્વરનું રાજ આવી પહોંચ્યું છે.’” પરંતુ, પ્રચાર કરવાને બદલે, તેઓ સમાજની સેવા કરવા લાગી ગયા હોત તો, શું સારું થાત? કે પછી ત્યારના ભ્રષ્ટાચાર સામે લડવા, નેતાઓ બન્યા હોત તો સારુ થાત? એ બંનેમાંથી એક પણ યોગ્ય ન હતું. એને બદલે, બધા સાચા ખ્રિસ્તીઓ માટે નમૂનો બેસાડતા, ઈસુએ શિષ્યોને જણાવ્યું: “જાઓ, અને આ પ્રમાણે પ્રચાર કરો.”—માત્થી ૧૦:૫-૭, પ્રેમસંદેશ.
૬ પછીથી, ઈસુએ બીજા શિષ્યોને પણ જાહેર કરવા મોકલ્યા કે, ‘દેવનું રાજ્ય પાસે આવ્યું છે.’ શિષ્યોએ એમ જ કર્યું. તેઓએ પાછા આવીને ઈસુને એ વિષે જણાવ્યું ત્યારે, તેમને ખૂબ આનંદ થયો. તેમણે યહોવાહને પ્રાર્થના કરી કે, “ઓ બાપ, આકાશ તથા પૃથ્વીના ધણી, હું તારી સ્તુતિ કરૂં છું, કે જ્ઞાનીઓથી તથા બુદ્ધિમાનોથી તેં એ વાત ગુપ્ત રાખીને બાળકોને પ્રગટ કરી છે.” (લુક ૧૦:૧, ૮, ૯, ૨૧) ઈસુના શિષ્યો પહેલાં માછીમારો હતા, ખેડૂતો હતા કે મજૂરી કરતા હતા. એ જમાનાના ભણેલા-ગણેલા ધર્મગુરુઓની સરખામણીમાં તો તેઓ અભણ હતા. પરંતુ, હવે તેઓને સૌથી સારા શુભસંદેશનો પ્રચાર કરવાનું શિક્ષણ મળી રહ્યું હતું.
૭ ઈસુ સ્વર્ગમાં ગયા પછી પણ, તેમના શિષ્યોએ જીવનનો સંદેશો ફેલાવવાનું ચાલુ જ રાખ્યું. (પ્રેરિતોનાં કૃત્યો ૨:૨૧, ૩૮-૪૦) તેઓએ પહેલાં કોને પ્રચાર કર્યો? શું તેઓએ એવા લોકોને પહેલા પ્રચાર કર્યો, જેઓ યહોવાહને જાણતા ન હતા? ના, તેઓ પહેલાં ઈસ્રાએલીઓ પાસે ગયા, જેઓ ૧,૫૦૦ વર્ષોથી યહોવાહને જાણતા હતા. પરંતુ, તેઓને પ્રચાર કરવાનો કોઈ ફાયદો હતો? હા. ઈસુએ તેઓને જણાવ્યું હતું કે, “યરૂશાલેમમાં, આખા યહુદાહમાં, સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો.” (પ્રેરિતોનાં કૃત્યો ૧:૮) બીજા લોકોની જેમ જ, ઈસ્રાએલીઓએ પણ એ સંદેશ જાણવાની જરૂર હતી.
૮ એ જ રીતે, આજે યહોવાહના સાક્ષીઓ આખી દુનિયામાં પ્રચાર કરે છે. તેઓને એમ કરવા એક સ્વર્ગ દૂતની મદદ મળે છે. તેની પાસે “પૃથ્વી પર રહેનારાંઓમાં, એટલે સર્વ રાજ્ય, જાતિ, ભાષા તથા પ્રજામાં પ્રગટ કરવાને, . . . સનાતન સુવાર્તા” છે. (પ્રકટીકરણ ૧૪:૬) ગયા વર્ષે, કંઈક ૨૩૫ દેશોમાં તેઓએ પ્રચાર કર્યો, જેમાંના અમુક દેશો મોટે ભાગે ચર્ચનો ધર્મ પાળે છે. યહોવાહના સાક્ષીઓ ચર્ચોના લોકોને પ્રચાર કરે એમાં કંઈ ખોટું છે? અમુક માને છે કે ચર્ચના સભ્યોને છીનવી લેવામાં આવે છે. પરંતુ, યહોવાહના લોકો ઈસુના પગલે ચાલે છે. ભલે યહુદીઓને પોતાનો ધર્મ હતો, છતાં ઈસુએ તેઓને શુભસંદેશ જણાવ્યો. હા, “લોકોનાં ટોળાં જોતાં જ તેમનું હૃદય ભરાઈ આવ્યું. કારણ, લોકો કચડાયેલા, નિરાધાર અને પાળક વગરનાં ઘેટાં જેવા હતા.” (માત્થી ૯:૩૬, પ્રેમસંદેશ) યહોવાહ વિષે જાણતા ન હોય એવા લોકો મળે તો, શું તેઓને શુભસંદેશ જણાવવો ન જોઈએ? શું એમ માનીને બેસી રહેવું જોઈએ કે તેઓની પાસે પોતાનો ધર્મ છે? ઈસુના શિષ્યોનો દાખલો જોઈએ તો, જવાબ છે, ના. કોઈ પણ ભેદભાવ વિના શુભસંદેશો “સર્વ દેશોમાં” પ્રગટ થવો જ જોઈએ.—માર્ક ૧૩:૧૦.
શું બધાએ પ્રચાર કર્યો હતો?
૯ પ્રથમ સદીમાં કોણે પ્રચાર કર્યો? હકીકતો બતાવે છે કે સર્વ ખ્રિસ્તીઓએ એમાં ભાગ લીધો હતો. લંડનના એક લેખક વિલિયમ્સ નોંધે છે: “સાબિતી બતાવે છે કે શરૂઆતના બધા જ ખ્રિસ્તીઓએ શુભસંદેશો જણાવ્યો હતો.” બાઇબલ આપણને ૩૩ની સાલના પેન્તેકોસ્તના દિવસ વિષે અહેવાલ આપે છે કે, “તેઓ સર્વે [સ્ત્રીઓ અને પુરુષો] પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને આત્માએ જેમ તેઓને બોલવાની શક્તિ આપી તેઓ અન્ય ભાષાઓમાં બોલવા લાગ્યા.” શુભસંદેશાનો પ્રચાર કરનારાઓમાં કોઈ ભેદ ન હતો, ભલે પછી તેઓ સ્ત્રી કે પુરુષ, નાના કે મોટા, દાસ કે શેઠ હોય. (પ્રેરિતોનાં કૃત્યો ૧:૧૪; ૨:૧, ૪, ૧૭, ૧૮; યોએલ ૨:૨૮, ૨૯; ગલાતી ૩:૨૮) ઘણા ખ્રિસ્તીઓને સતાવણીના કારણે યરૂશાલેમથી નાસી જવું પડ્યું ત્યારે, “જેઓ વિખેરાઈ ગયા હતા તેઓ સુવાર્તા પ્રગટ કરતા ચારેગમ ફર્યા.” (પ્રેરિતોનાં કૃત્યો ૮:૪) ફક્ત અમુક જણે જ નહિ, પણ “જેઓ વિખેરાઈ ગયા હતા” એ બધાએ શુભસંદેશો ફેલાવ્યો.
૧૦ પહેલી સદીમાં ઈસુના આ શબ્દો પણ પૂરા થયા: “સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારૂ રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે; અને ત્યારે જ અંત આવશે.” (માત્થી ૨૪:૧૪) રૂમી લશ્કરોએ આવીને યહુદી ધાર્મિક અને રાજકીય વ્યવસ્થાનો નાશ કર્યો એ પહેલાં, શુભસંદેશાનો સારી રીતે પ્રચાર થયો હતો. (કોલોસી ૧:૨૩) તેમ જ, ઈસુના સર્વ શિષ્યોએ તેમની આ આજ્ઞા માની હતી: “એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો; બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ; મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ.” (માત્થી ૨૮:૧૯, ૨૦) ઘણા કરે છે તેમ, શરૂઆતના શિષ્યોએ નમ્ર લોકોને ખ્રિસ્તીઓ બનાવીને છોડી મૂક્યા ન હતા. એને બદલે તેઓએ લોકોને ઈસુના શિષ્યો બનતા શીખવ્યું, મંડળોની ગોઠવણ કરી અને તેઓને તાલીમ આપી. જેથી, તેઓ પોતે શુભસંદેશાનો પ્રચાર કરી અને બીજાઓને શિષ્યો બનાવી શકે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૨૧-૨૩) આજે, યહોવાહના સાક્ષીઓ એમ જ કરે છે.
૧૧ યહોવાહના અમુક સેવકો પાઊલ, બાર્નાબાસ અને બીજાઓની જેમ અનેક દેશોમાં મિશનરીઓ છે. તેઓ રાજકારણમાં ભાગ લેતા નથી કે પછી બીજી કોઈ બાબતોમાં માથું મારતા નથી. તેઓનો ધ્યેય તો ફક્ત ઈસુની આજ્ઞા પાળવાનો છે કે ‘જાઓ, અને પ્રચાર કરો.’ તેથી, તેઓના કાર્યથી લોકોનું ભલું થયું છે. જો કે બધા જ યહોવાહના સાક્ષીઓ કંઈ મિશનરીઓ નથી. કેટલાક નોકરી કરે છે, શાળાએ જાય છે અને કેટલાક કુટુંબની જવાબદારી ઉપાડે છે. તેમ છતાં, એ બધા જ શુભસંદેશો ફેલાવે છે. તેઓ પૂરા દિલથી કોઈ પણ સંજોગોમાં બાઇબલની આ આજ્ઞા પાળે છે: “તું સુવાર્તા પ્રગટ કર.” (૨ તીમોથી ૪:૨) પ્રથમ સદીના શિષ્યોની જેમ, તેઓ ‘ઈસુ ખ્રિસ્તના શુભસંદેશનું શિક્ષણ અને તેનો પ્રચાર ચાલુ રાખે છે.’ (પ્રેરિતોનાં કૃત્યો ૫:૪૨, પ્રેમસંદેશ) તેઓ જગતના દુઃખોનો સૌથી સારો ઇલાજ જણાવી રહ્યા છે.
ધર્મની પસંદગી
૧૨ કેટલાકનું કહેવું છે કે બળજબરીથી કોઈનો ધર્મ બદલાવવો ખોટું છે. અરે, જગતના ચર્ચોનું એક લખાણ તો એમ પણ કહે છે કે, “દબાણથી બીજાનો ધર્મ બદલાવવો પાપ” છે. શા માટે? કૅથલિક જગત અહેવાલ (અંગ્રેજી) જણાવે છે: “ચર્ચોની ફરિયાદો પ્રમાણે, હવે મારી-મચકોડીને લોકોને બીજા ધર્મમાં ખેંચી જવામાં આવે છે.”
૧૩ શું લોકોને ધર્મ બદલવા દબાણ કરવું ખોટું છે? હા. દાખલા તરીકે, ઈસુએ કહ્યું કે યહુદી ધર્મગુરુઓ જબરજસ્તીથી બનાવેલા શિષ્યોને ખોટે માર્ગે લઈ ગયા. (માત્થી ૨૩:૧૫) એ બતાવે છે કે “મારી-મચકોડીને લોકોને બીજા ધર્મમાં ખેંચી જવું” ખોટું છે. ઇતિહાસકાર જોસેફસ પ્રમાણે, મક્કાબી કુળના સરદાર, જોન હાયરકેનસે જ્યારે ઈડ્યુમીઅનો પર જીત મેળવી, ત્યારે તેણે “એ લોકોને દેશમાં એ શરતે રહેવા દીધા કે તેઓ સુનત કરાવીને યહુદી નિયમો પાળે.” ઇતિહાસકારો જણાવે છે કે લગભગ તેરસો વર્ષ પહેલાં, રાજા શાર્લામેને યુરોપની સેક્સન નામની પ્રજાને જીતી લીધી. તેણે ક્રૂરતાથી તેઓનો ધર્મ બદલાવ્યો.a દેખીતું છે કે આ પ્રજાઓએ દિલથી ધર્મ બદલ્યો ન હતો. દાખલા તરીકે ઈડ્યુમીઅન રાજા હેરોદે, નામ પૂરતો જ ધર્મ બદલ્યો હતો. તે બાળ ઈસુને મારી નાખવા ઉતાવળો થયો હતો, તો પછી કઈ રીતે તે મુસાનો નિયમ પાળતો હોય શકે.—માત્થી ૨:૧-૧૮.
૧૪ શું આજે બળજબરીથી ધર્મ બદલાવવામાં આવે છે? હા. અહેવાલ મુજબ, અમુક ચર્ચો સભ્યો ખેંચવા તેઓને પરદેશમાં ભણવાની લાંચ આપે છે. અથવા ગરીબ લોકોએ ખોરાક માટે પાદરીનું ભાષણ સાંભળવું પડે છે. વર્ષ ૧૯૯૨ના ચર્ચના ધર્મગુરુઓની એક સભા પ્રમાણે, “કેટલીક વખત લાલચ આપીને કે હિંસાથી લોકોનો ધર્મ બદલાવવામાં આવે છે.”
૧૫ ધર્મ બદલાવવા કોઈને પણ દબાણ કરવું ખોટું છે. યહોવાહના સાક્ષીઓ એમ કરતા નથી.b એને બદલે, પ્રથમ સદીના ખ્રિસ્તીઓની માફક તેઓ દરેકને શુભસંદેશો જણાવે છે. જો કોઈ પોતે વધારે જ્ઞાન લેવા ચાહે, તો તેમને બાઇબલમાંથી શીખવવામાં આવે છે. આમ, તેઓ ખરું શિક્ષણ લઈને, યહોવાહ અને તેમના હેતુઓમાં વિશ્વાસ મૂકે છે. એ રીતે, જીવન પામવા તેઓ પોતે પરમેશ્વર યહોવાહમાં માનશે. (રૂમી ૧૦:૧૩, ૧૪, ૧૭) તેઓ પર કોઈ બળજબરી કરવામાં આવતી નથી. તેઓ આ બધું પોતાની મરજીથી કરે છે. તેઓની ભક્તિ ખરા દિલથી ન હોય તો, એ અર્થ વિનાની છે. એવી ભક્તિથી યહોવાહ રાજી નથી.—પુનર્નિયમ ૬:૪, ૫; ૧૦:૧૨.
પ્રચાર કાર્યનાં ફળ
૧૬ યહોવાહના રાજ્યનો સંદેશો જણાવીને, તેમના સાક્ષીઓ માત્થી ૨૪:૧૪ પૂરેપૂરી રીતે પાળી રહ્યા છે. એ કાર્યમાં તેઓ મોટા ભાગે ચોકીબુરજ મેગેઝિનનો ઉપયોગ કરે છે.c ચોકીબુરજનો પહેલો અંક ૧૮૭૯માં બહાર પડ્યો ત્યારે, ફક્ત એક ભાષામાં એની લગભગ ૬,૦૦૦ નકલ વહેંચાઈ હતી. આજે ૧૨૨ કરતાં વધારે વર્ષ પછી, ૨૦૦૧ની સાલમાં ૧૪૧ ભાષાઓમાં ૨,૩૦,૪૨,૦૦૦ નકલો બહાર પડે છે. એની સાથે યહોવાહના સાક્ષીઓના પ્રચાર કાર્યમાં પણ વધારો થયો છે. ઓગણીસમી સદીમાં દર વર્ષે ફક્ત થોડા હજાર કલાકો પ્રચાર થયો હતો. પરંતુ, એની સરખામણીમાં ગયા વર્ષે ૧,૧૬,૯૦,૮૨,૨૨૫ કલાકો પ્રચાર થયો હતો. એ જ વર્ષે સરેરાશ દર મહિને ૪૯,૨૧,૭૦૨ વિનામૂલ્યે બાઇબલ અભ્યાસ હાથ ધરવામાં આવ્યા. એ કંઈ નાનું-સૂનું કામ નથી! એ કામ ૬૧,૧૭,૬૬૬ યહોવાહના સાક્ષીઓએ કર્યું છે.
૧૭ ગીતશાસ્ત્રમાં લખેલું છે કે, “લોકોના સર્વ દેવો મૂર્તિઓ જ છે; પણ યહોવાહે આકાશોને ઉત્પન્ન કર્યાં.” (ગીતશાસ્ત્ર ૯૬:૫) આજે લોકો દેશપ્રેમી છે. તેઓ નેતાઓ, ફિલ્મી હીરો કે ધનદોલતને દેવ માને છે. (માત્થી ૬:૨૪; એફેસી ૫:૫; કોલોસી ૩:૫) મોહનદાસ ગાંધીએ કહ્યું: “હું માનું છું કે . . . આજે યુરોપ ફક્ત નામનું જ ખ્રિસ્તી છે. ખરું જોતા તો પૈસો જ તેઓનો પરમેશ્વર છે.” તેથી, શુભસંદેશો બધી બાજુ પ્રચાર થવો જ જોઈએ. ભલે લોકો કોઈ પણ દેશ કે સમાજના હોય, અથવા ગમે એ ભાષા બોલતા હોય, તેઓએ યહોવાહના હેતુઓ વિષે જાણવું જ જોઈએ. અમે ખરેખર ચાહીએ છીએ કે બધા જ યહોવાહને ‘જે ગૌરવ ઘટે છે તે તેમને આપે. . . . અર્પણો લઈને તેમની આરાધના કરવા આવે’! (ગીતશાસ્ત્ર ૯૬:૭, ૮, IBSI) યહોવાહને ગૌરવ આપવા તેમના સાક્ષીઓ લોકોને શીખવે છે. આમ, જેઓ સાંભળશે, તેઓ આશીર્વાદો પામશે. પરંતુ કયા આશીર્વાદો? હવે પછીનો લેખ એ બતાવશે.
[ફુટનોટ્સ]
a કૅથલિક વિશ્વકોશ (અંગ્રેજી) પ્રમાણે, ૧૬મી સદીમાં ચર્ચો લોકોનો ધર્મ બળજબરીથી બદલાવતા હતા. એ બનાવોનું વર્ણન એક લૅટિન સૂત્રથી થયું: “રાજાનો ધર્મ એ પ્રજાનો ધર્મ.”
b નવેમ્બર ૧૬, ૨૦૦૦ના રોજ, અમેરિકામાં ધાર્મિક સ્વતંત્રતા માટેની સભા ભરાઈ હતી. એના એક સભ્યએ કહ્યું કે અમુક લોકો દબાણથી બીજાનો ધર્મ બદલાવે છે, પણ યહોવાહના સાક્ષીઓ એમ કરતા નથી. યહોવાહના સાક્ષીઓ એવી રીતે પ્રચાર કરે છે કે લોકો પોતાની મરજી પ્રમાણે નક્કી કરે કે સાંભળવું કે નહિ.
c મેગેઝિનનું આખું નામ છે, ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે.
આપણે શું શીખ્યા?
• યહોવાહના સેવકો શા માટે ઉમંગથી શુભસંદેશો જણાવે છે?
• ચર્ચોના લોકોને પણ શા માટે પ્રચાર કરવો જોઈએ?
• શું બતાવે છે કે સાક્ષીઓ બળજબરીથી કોઈનો ધર્મ બદલાવતા નથી?
• આજે યહોવાહના સેવકોના કાર્યનું શું પરિણામ આવ્યું છે?
[Questions]
૧. લોકોએ કયો સંદેશો જાણવાની જરૂર છે અને કઈ રીતે યહોવાહના સાક્ષીઓ એ જણાવી રહ્યા છે?
૨. યહોવાહના લોકો ઉત્સાહી છે, એનું પહેલું કારણ શું છે?
૩. (ક) યહોવાહના ભક્તોના ઉત્સાહનું બીજું કારણ શું છે? (ખ) ‘પરમેશ્વરના તારણમાં’ શું સમાયેલું છે?
૪-૬. (ક) યહોવાહના સાક્ષીઓના ઉત્સાહનું ત્રીજું કારણ શું છે? (ખ) ઈસુએ શુભસંદેશો જણાવવામાં કેવો ઉત્સાહ બતાવ્યો?
૭. ઈસુ સ્વર્ગમાં ગયા પછી, તેમના શિષ્યોએ પ્રથમ કોને શુભસંદેશ જણાવ્યો?
૮. ઈસુના પ્રથમ સદીના શિષ્યોને યહોવાહના સેવકો કઈ રીતે અનુસરે છે?
૯. પ્રથમ સદીના ખ્રિસ્તીઓમાંથી કોણે પ્રચાર કર્યો?
૧૦. યહુદી વ્યવસ્થાનો વિનાશ થયો એ પહેલાં, કયા બે કાર્યો પૂરા થયા હતા?
૧૧. જગતના દુઃખોનો ઇલાજ કોણ જણાવી રહ્યું છે?
૧૨. ઘણા લોકો ધર્મની પસંદગી વિષે શું નોંધે છે?
૧૩. દબાણથી ધર્મ બદલાવવો ખોટું છે, એ બતાવો.
૧૪. ચર્ચો લોકોનો ધર્મ બદલવા કેવું દબાણ લાવે છે?
૧૫. શું બતાવે છે કે યહોવાહના સાક્ષીઓ બળજબરીથી કોઈનો ધર્મ બદલાવતા નથી?
૧૬. આજે યહોવાહના સાક્ષીઓના કાર્યનું શું પરિણામ આવ્યું છે?
૧૭. (ક) આજે કોને ભજવામાં આવે છે? (ખ) બધા જ લોકોએ શું જાણવાની જરૂર છે?
[પાન ૯ પર ચિત્ર]
ઈસુએ પ્રચાર કર્યો અને શિષ્યોને પણ એની તાલીમ આપી
[પાન ૧૦ પર ચિત્ર]
પહેલી સદીના મંડળના બધાએ પ્રચાર કર્યો
[પાન ૧૧ પર ચિત્ર]
લોકોને મારી-મચકોડીને ધર્મ બદલાવવો ખોટું છે