પાઠ ૫૫
તમારા મંડળને સાથ-સહકાર આપો
આખી દુનિયાના યહોવાના ભક્તો પોતાના મંડળમાં ભેગા મળે છે અને ખુશીથી યહોવાની ભક્તિ કરે છે. મંડળમાં મળતાં માર્ગદર્શન અને સલાહ માટે તેઓ દિલથી આભારી છે. તેઓ અલગ અલગ રીતે મંડળને ટેકો આપે છે. તમારા વિશે શું? શું તમે પણ કોઈ રીતે મંડળને સાથ-સહકાર આપવા ચાહો છો? ચાલો એ વિશે જોઈએ.
૧. મંડળને સાથ-સહકાર આપવા આપણે કઈ રીતે સમય અને શક્તિ વાપરી શકીએ?
આપણે બધા કોઈ ને કોઈ રીતે મંડળને મદદ કરી શકીએ. દાખલા તરીકે, મંડળમાં કોઈ વૃદ્ધ, અપંગ કે બીમાર ભાઈ-બહેન હોય, તો તેમને સભાઓમાં લાવવા મદદ કરી શકીએ. મદદ કરવાની બીજી પણ અમુક રીતો છે. જેમ કે, તેઓ માટે સામાન ખરીદવો અથવા તેઓનાં ઘરની સાફ-સફાઈ કરવી. (યાકૂબ ૧:૨૭ વાંચો.) આપણે પ્રાર્થનાઘરની સાફ-સફાઈમાં અને એની સારસંભાળમાં પણ મદદ કરી શકીએ. એ બધાં કામો કરવા કોઈ આપણને બળજબરી કરતું નથી. પણ આપણે એ “ખુશીથી” કરીએ છીએ, કેમ કે આપણે યહોવાને અને ભાઈ-બહેનોને ખૂબ જ પ્રેમ કરીએ છીએ.—ગીતશાસ્ત્ર ૧૧૦:૩.
જેઓએ બાપ્તિસ્મા લીધું છે, તેઓ બીજી અમુક રીતોએ મંડળને સહકાર આપી શકે. જેમ કે, જે ભાઈઓ બાઇબલમાં આપેલી લાયકાતો પ્રમાણે યોગ્ય ઠરે છે, તેઓ સહાયક સેવક અથવા વડીલો તરીકે મદદ કરવા આગળ આવી શકે. અમુક ભાઈ-બહેનો પાયોનિયર બનીને, તો બીજાઓ ભક્તિસ્થળોના બાંધકામમાં મદદ કરી શકે. બીજાં અમુક એવાં મંડળમાં જઈને સેવા આપી શકે, જ્યાં મદદની વધારે જરૂર છે.
૨. મંડળને ટેકો આપવા આપણે કઈ રીતે પૈસા અને માલ-મિલકતનો ઉપયોગ કરી શકીએ?
આપણે પોતાની ‘કીમતી વસ્તુઓથી યહોવાનું સન્માન’ કરી શકીએ. (નીતિવચનો ૩:૯) મંડળને અને આખી દુનિયાના પ્રચારકામને ટેકો આપવા આપણે પૈસા કે માલ-મિલકત દાન કરી શકીએ. એ તો એક લહાવો છે! (૨ કોરીંથીઓ ૯:૭ વાંચો.) આપણાં દાનોથી એવાં ભાઈ-બહેનોને મદદ મળે છે, જેઓ કુદરતી આફતોના ભોગ બન્યાં છે. ઘણાં ભાઈ-બહેનો નિયમિત રીતે દાન આપવા “કંઈક બાજુ પર રાખી” મૂકે છે. (૧ કોરીંથીઓ ૧૬:૨ વાંચો.) આપણાં ભક્તિસ્થળોએ મૂકેલી દાન-પેટીમાં દાન નાખી શકીએ અથવા donate.jw.org વેબસાઈટ પર જઈને દાન આપી શકીએ. આમ, પૈસેટકે મદદ કરીને બતાવીએ છીએ કે આપણે યહોવાને ખૂબ પ્રેમ કરીએ છીએ.
વધારે જાણો
મંડળને સાથ-સહકાર આપવાની અમુક રીતો કઈ છે? ચાલો જોઈએ.
૩. આપણે દાનમાં પૈસા અને માલ-મિલકત આપી શકીએ
જેઓ રાજીખુશીથી દાન આપે છે, તેઓને યહોવા અને ઈસુ ખૂબ પ્રેમ કરે છે. એકવાર ઈસુએ એક ગરીબ વિધવાના વખાણ કર્યા. એ વિધવા પાસે બહુ ઓછા પૈસા હતા, તેમ છતાં તેણે યહોવા માટે દાન આપ્યું. લૂક ૨૧:૧-૪ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
શું એવું છે કે દાનમાં બહુ બધા પૈસા આપીશું તો જ યહોવા ખુશ થશે?
આપણે રાજીખુશીથી દાન આપીએ છીએ ત્યારે, યહોવા અને ઈસુને કેવું લાગે છે?
આપણાં દાનનો અલગ અલગ રીતે ઉપયોગ કરવામાં આવે છે. કઈ રીતે? વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલની ચર્ચા કરો.
આખી દુનિયાનાં મંડળોને મદદ મળે એ માટે આપણાં દાનનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે?
૪. આપણે બીજી રીતોએ પણ મદદ કરી શકીએ
બાઇબલ સમયના ઈશ્વરભક્તોનો વિચાર કરો. તેઓએ ભક્તિ માટેની જગ્યાને સારી હાલતમાં રાખવા પૂરા ઉત્સાહથી કામ કર્યું હતું. તેઓએ પૈસા ઉપરાંત બીજી ઘણી રીતોએ મદદ કરી હતી. ૨ કાળવૃત્તાંત ૩૪:૯-૧૧ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
યહોવાના મંદિર કે ભક્તિસ્થળની સારસંભાળ રાખવામાં દરેક ઇઝરાયેલીએ કઈ રીતે મદદ કરી?
ચાલો જોઈએ કે ઇઝરાયેલીઓની જેમ આજે યહોવાના સાક્ષીઓ શું કરે છે. વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલોની ચર્ચા કરો.
પ્રાર્થનાઘરને ચોખ્ખું અને સારી હાલતમાં રાખવું કેમ જરૂરી છે?
એ કામમાં તમે કઈ રીતે મદદ કરી શકો?
૫. મંડળમાં વધારે જવાબદારીઓ ઉપાડવા ભાઈઓ મહેનત કરી શકે
બાઇબલ ભાઈઓને ઉત્તેજન આપે છે કે તેઓ મંડળની મદદ કરવા બનતું બધું કરે. તેઓ શું કરી શકે? વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલની ચર્ચા કરો.
મંડળને વધારે મદદ કરવા રાયનભાઈએ શું કર્યું?
જે ભાઈઓ સહાયક સેવક અથવા વડીલ તરીકે સેવા આપવા માંગે છે, તેઓ માટે બાઇબલમાં લાયકાતો જણાવી છે. ૧ તિમોથી ૩:૧-૧૩ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
જો કોઈ પૂછે: “યહોવાના સાક્ષીઓનાં કામ માટે પૈસા ક્યાંથી આવે છે?”
તમે કેવો જવાબ આપશો?
આપણે શીખી ગયા
જ્યારે આપણે મંડળને ટેકો આપવા સમય, શક્તિ, પૈસા અને માલ-મિલકત આપીએ છીએ, ત્યારે યહોવા એની ખૂબ કદર કરે છે.
તમે શું કહેશો?
મંડળને સાથ-સહકાર આપવા આપણે કઈ રીતે સમય અને શક્તિ વાપરી શકીએ?
મંડળને ટેકો આપવા આપણે કઈ રીતે પૈસા અને માલ-મિલકતનો ઉપયોગ કરી શકીએ?
તમે કઈ રીતોએ મંડળને સાથ-સહકાર આપી શકો?
વધારે માહિતી
શું ઈશ્વર ચાહે છે કે તેમના ભક્તો પોતાની કમાણીનો દસમો ભાગ દાનમાં આપે? ચાલો જોઈએ.
“પોતાની કમાણીનો દસમો ભાગ આપવા વિશે બાઇબલ શું કહે છે?” (jw.org/gu પર આપેલો લેખ)
જાણો કે ‘મંડળની દેખરેખ રાખનાર બનવું’ એટલે શું.
“શું તમે ‘અધ્યક્ષ બનવાની ઇચ્છા’ રાખો છો?” (ચોકીબુરજ, સપ્ટેમ્બર ૧૫, ૨૦૧૪)
ચાલો અમુક ભાઈઓને મળીએ, જેઓ મુશ્કેલીઓથી ડરતા નથી અને હિંમતથી ભાઈ-બહેનોને સાહિત્ય પહોંચાડે છે.
આપણાં કામ માટે પૈસા ક્યાંથી આવે છે? એ બીજાં ધાર્મિક સંગઠનો કરતાં કઈ રીતે અલગ છે? આ લેખમાં વાંચો.
“યહોવાના સાક્ષીઓનાં કાર્ય માટે પૈસા ક્યાંથી આવે છે?” (jw.org/gu પર આપેલો લેખ)