ઈશ્વરે કરેલી ભવિષ્યવાણીઓ પૂરી થઈ રહી છે
બાઇબલ જણાવે છે કે ભાવિમાં ઈશ્વર તેમના રાજ્ય દ્વારા પૃથ્વી પર કાયમ માટે સુખ-શાંતિ લાવશે. (દાનીયેલ ૨:૪૪) એ રાજ્ય વિષે ઈસુએ શિષ્યોને પ્રાર્થનામાં શીખવ્યું. તેમણે કહ્યું કે “તારું [ઈશ્વરનું] રાજ્ય આવો; જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઇચ્છા પૂરી થાઓ.” (માત્થી ૬:૧૦) એટલે શિષ્યોએ ઈસુને પૂછ્યું કે ઈશ્વરનું રાજ્ય ક્યારે આવશે. જવાબમાં તેમણે શિષ્યોને જણાવ્યું કે પૃથ્વી પર અમુક બનાવો બનશે. ત્યાર પછી ઈશ્વરનું રાજ્ય પૃથ્વી પર જલદી જ શરૂ થશે. ચાલો જોઈએ કે ઈસુએ કેવા બનાવો વિષે વાત કરી હતી. એ જાણવાથી આપણને ખબર પડશે કે ઈશ્વરનું રાજ્ય ક્યારે શરૂ થશે.
આખી પૃથ્વી પર લડાઈઓ થશે. ઈસુએ ભવિષ્યવાણી કરી હતી કે “પ્રજા પ્રજાની વિરૂદ્ધ, તથા રાજ્ય રાજ્યની વિરૂદ્ધ ઊઠશે.” (માત્થી ૨૪:૭) એ ભવિષ્યવાણી આપણા સમયમાં પૂરી થઈ રહી છે. જેમ કે પહેલું વિશ્વયુદ્ધ. એ માનવ ઇતિહાસનું સૌથી ભયંકર યુદ્ધ હતું. એમાં મોટા ભાગના દેશો લડ્યા હતા. એ યુદ્ધમાં એવા હથિયારો બનાવ્યા જેના લીધે આખાને આખા ગામો કે શહેરો ખતમ થઈ જાય. દાખલા તરીકે લોકોએ યુદ્ધના સાધનો બનાવવાની ફૅક્ટરીઓ શરૂ કરી. એ ઉપરાંત તેઓ વિમાનનો ઉપયોગ લોકોના ભલા માટે નહિ, પણ લોકો પર બૉમ્બ ફેંકવા માટે કરવા લાગ્યા. એટલે આ વિશ્વયુદ્ધમાં લગભગ ત્રણ કરોડ ત્રીસ લાખ સૈનિકો માર્યા ગયા અથવા ઘાયલ થયા. એના લગભગ વીસેક વર્ષ પછી બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. એના વિષે એક ઇતિહાસકારે કહ્યું કે ‘આ યુદ્ધમાં એટલા બધા લોકો માર્યા ગયા હતા કે એ ગણવા શક્ય જ ન હતું.’ એ બે યુદ્ધો પછી આજે પણ નાની-મોટી લડાઈઓ ચાલુ જ છે.
ભૂખમરો. ઈસુએ ભવિષ્યવાણી કરી હતી કે ‘દુકાળો પડશે.’ (માત્થી ૨૪:૭) એ ભવિષ્યવાણી આજે પૂરી થઈ રહી છે. ૨૦૦૫નું સાયન્સ મૅગેઝિન જણાવે છે કે ‘આજે લગભગ ૮૫ કરોડ લોકોને ભૂખ્યા સૂવું પડે છે.’ યુનાઈટેડ નેશન્સનો ૨૦૦૭નો અહેવાલ જણાવે છે કે તેત્રીસ દેશોમાં અનાજની તંગી છે. જોકે દુનિયાભરમાં વધારે અનાજ પેદા થઈ રહ્યું છે, તો પણ શા માટે અનાજની તંગી ઊભી થઈ છે? એનું મુખ્ય કારણ એ છે કે આજકાલ ખેડૂતો અનાજમાંથી બળતણ (ઈથેનોલ) બનાવે છે. એના વિષે દક્ષિણ આફ્રિકાનું ધ વિટ્નેસ ન્યૂઝ પેપર જણાવે છે કે ‘આજે લોકો મોટી ગાડીઓમાં ઇથેનોલ જેવું બળતણ વાપરે છે. તમને ખબર છે કે એક વખત ગાડીમાં ઇથેનોલ ભરવા કેટલું અનાજ જોઈએ? એક વ્યક્તિને આખું વરસ ચાલે એટલું અનાજ જોઈએ.’ અનાજની તકલીફ તો છે જ, સાથે સાથે ખાવાની વસ્તુઓનો ભાવ પણ આસમાને ચઢી ગયો છે. અરે અમુક દેશોમાં લોકોએ વિચારવું પડે છે કે પૈસાથી દવા લે કે ખાવાનું!
ધરતીકંપ વધશે. ઈસુએ ભવિષ્યવાણી કરી હતી કે “મોટા મોટા ધરતીકંપો થશે.” (લુક ૨૧:૧૧) એ ભવિષ્યવાણી આજે પૂરી થઈ રહી છે. મોટે ભાગે બધા માને છે કે પહેલાંના કરતાં આજે વધારે ધરતીકંપો થઈ રહ્યા છે. ભારતના વિજ્ઞાની આર. કે. ચઢ્ઢાએ કહ્યું કે ‘આજકાલ દુનિયાભરમાં ધરતીકંપો વધી રહ્યા છે. પણ એનું કારણ કોઈને ખબર નથી.’ અમુક શહેરો એવી જગ્યાએ છે જ્યાં ધરતીકંપ થવાની શક્યતા વધારે છે. આજકાલ શહેરોની વસ્તી વધી રહી છે, એટલે જ્યારે ધરતીકંપ થાય છે ત્યારે વધારે લોકો એનો ભોગ બને છે. જેમ કે ૨૦૦૪માં હિન્દ મહાસાગરમાં ધરતીકંપને લીધે સુનામી આવી. એણે સેંકડો લોકોનો ભોગ લીધો. અમેરિકાના એક સાયન્ટિસ્ટના સર્વે મુજબ “છેલ્લા પાંચસો વર્ષમાં આ ભૂકંપે સૌથી વધારે લોકોની ખુવારી કરી.”
બીમારીઓ. ઈસુએ ભવિષ્યવાણી કરી હતી કે ‘મરકીઓ ચાલશે.’ (લુક ૨૧:૧૧) એ ભવિષ્યવાણી આજે પૂરી થઈ રહી છે. આખી દુનિયામાં ઘણા લોકો ઇલાજ ના હોય એવા રોગોના ભોગ બન્યા છે. જેમ કે વર્ષોથી ડૉક્ટરો આખી દુનિયામાંથી મૅલેરિયા નાબૂદ કરવા મથી રહ્યા છે. પણ તેઓને હજુ સુધી સફળતા મળી નથી. એઈડ્સ, ટીબી અને બીજી બીમારીઓએ લાખો લોકોનો ભોગ લીધો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા જણાવે છે કે “દુનિયાની વસ્તીના ૩૩ ટકા લોકોમાં ટીબીના બૅક્ટેરિયા છે.” આ સંસ્થા એ પણ જણાવે છે કે ઘણા લોકોને એચ.આઇ.વી.નો ચેપ લાગ્યો છે. એ ચેપના લીધે દર સેકન્ડે એક વ્યક્તિ ટીબીનો ભોગ બને છે. એવા તો અલગ-અલગ જાતના ટીબી છે, જેનો ઇલાજ હજુ સુધી શોધાયો નથી. ન્યૂ સાયન્ટિસ્ટ મૅગેઝિન જણાવે છે કે ‘યુરોપના એક દેશમાં કોઈ વ્યક્તિને જુદી જાતનો ટીબી થયો હતો. પણ ડૉકટરો પાસે એની કોઈ દવા ન હતી.’
લોકોને સંસ્કારોની કઈ પડી નથી. ઈસુએ ભવિષ્યવાણી કરી હતી કે “અન્યાય વધી જવાના કારણથી ઘણાખરાનો પ્રેમ ઠંડો થઈ જશે.” (માત્થી ૨૪:૧૨) એ ભવિષ્યવાણી આજે પૂરી થઈ રહી છે. આજે મોટે ભાગે લોકોને બીજાની કઈ પડી નથી. એના વિષે બાઇબલમાં જણાવ્યું હતું કે ‘છેલ્લા સમયમાં સંકટના વખતો આવશે, એ વાત ધ્યાનમાં રાખ. કેમ કે માણસો સ્વાર્થી, પૈસાના લોભી, આપવડાઈ કરનારા, ગર્વિષ્ઠ, નિંદક, માબાપનું સન્માન નહિ રાખનારા, અધર્મી, પ્રેમરહિત, ક્રૂર, દોષ મૂકનારા, સંયમ ન કરનારા, નિર્દય, વિશ્વાસઘાતી, ઉદ્ધત, દેવ પર નહિ પણ વિલાસ પર પ્રીતિ રાખનારા; ભક્તિભાવનું ડોળ દેખાડીને તેના સામર્થ્યનો સ્વીકાર નહિ કરનારા થશે.’ (૨ તીમોથી ૩:૧-૫) આ વાંચીને તમને લાગતું નથી કે મોટે ભાગે લોકો આવા જ છે!
ઈસુએ ભાખેલી પાંચ ભવિષ્યવાણીઓ આજે પૂરી થઈ રહી છે. એનાથી આપણને ખબર પડે છે કે ઈશ્વરનું રાજ્ય પૃથ્વી પર જલદી જ આવશે. એ રાજ્ય દ્વારા ઈશ્વર પૃથ્વી પર કેવા કેવા ફેરફારો કરશે? એ જાણવા માટે પછીનો લેખ વાંચો. (w08 10/1)
[Picture on page 6]
“રાજ્ય રાજ્યની વિરૂદ્ધ ઊઠશે”
[Credit Line]
© WHO/P. Virot
[Picture on page 7]
‘મરકીઓ ચાલશે’