માથ્થી
૨૪ ઈસુ મંદિરમાંથી નીકળીને જતા હતા ત્યારે, શિષ્યો તેમની પાસે આવ્યા. તેઓ તેમને મંદિરની ઇમારતો બતાવવા લાગ્યા. ૨ તેમણે કહ્યું: “શું તમે આ બધું જુઓ છો? હું તમને સાચે જ કહું છું કે અહીં એકેય પથ્થર બીજા પથ્થર પર રહેશે નહિ. એ બધા પથ્થર પાડી નાખવામાં આવશે.”+
૩ ઈસુ જૈતૂન પર્વત પર બેઠા હતા ત્યારે, શિષ્યો એકાંતમાં તેમની પાસે આવ્યા. તેઓએ પૂછ્યું: “અમને જણાવો કે એ બધું ક્યારે બનશે? તમારી હાજરીની*+ અને દુનિયાના અંતના સમયની નિશાની શું હશે?”+
૪ ઈસુએ જવાબમાં કહ્યું કે “જોજો, કોઈ તમને ભમાવે નહિ.+ ૫ ઘણા મારા નામે આવીને કહેશે કે ‘હું ખ્રિસ્ત છું’ અને ઘણાને ભમાવશે.+ ૬ તમે યુદ્ધોનો ઘોંઘાટ અને યુદ્ધોની ખબરો સાંભળશો. જોજો, તમે ચોંકી ન જતા. આ બધું થાય એ જરૂરી છે, પણ એટલેથી અંત નહિ આવે.+
૭ “એક દેશ બીજા દેશ સામે થશે અને એક રાજ્ય બીજા રાજ્ય સામે થશે.+ એક પછી એક ઘણી જગ્યાએ ખોરાકની અછત પડશે+ અને ધરતીકંપો થશે.+ ૮ આ બધું તો દુઃખોની* શરૂઆત જ છે.
૯ “પછી લોકો તમારી સતાવણી કરશે+ અને તમને મારી નાખશે.+ તમે મારા શિષ્યો છો એટલે* બધી પ્રજાઓ તમારો ધિક્કાર કરશે.+ ૧૦ ઘણા ઠોકર ખાશે, એકબીજાને દગો કરશે અને એકબીજાને ધિક્કારશે. ૧૧ ઘણા જૂઠા પ્રબોધકો ઊભા થશે અને ઘણાને ખોટા માર્ગે દોરશે.+ ૧૨ દુષ્ટતા વધી જવાથી, ઘણા લોકોનો પ્રેમ ઠંડો પડી જશે. ૧૩ પણ જેણે અંત સુધી ધીરજ રાખીને સહન કર્યું છે* તેનો જ ઉદ્ધાર થશે.+ ૧૪ રાજ્યની આ ખુશખબર આખી દુનિયામાં જણાવવામાં આવશે, જેથી બધી પ્રજાઓને સાક્ષી મળે+ અને પછી જ અંત આવશે.
૧૫ “પ્રબોધક દાનિયેલના જણાવ્યા પ્રમાણે, તમે વિનાશ લાવનારી ધિક્કારપાત્ર વસ્તુને પવિત્ર જગ્યાએ ઊભેલી જોશો+ (વાચકે સમજવા ધ્યાન આપવું). ૧૬ એ દેખાય ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓએ પહાડો પર નાસી જવું.+ ૧૭ જે માણસ ધાબા પર હોય, તેણે ઘરમાંથી સામાન લેવા નીચે ન ઊતરવું. ૧૮ જે માણસ ખેતરમાં હોય તેણે પોતાનો ઝભ્ભો લેવા પાછા ન જવું. ૧૯ એ દિવસો ગર્ભવતી સ્ત્રીઓ અને ધવડાવનારી સ્ત્રીઓ માટે કેટલા મુશ્કેલ હશે! ૨૦ પ્રાર્થના કરતા રહો કે તમારે શિયાળામાં અથવા સાબ્બાથના દિવસે નાસવું ન પડે. ૨૧ એ સમયે એવી મોટી વિપત્તિ* આવશે,+ જે દુનિયાની શરૂઆતથી હમણાં સુધી થઈ નથી અને ફરી કદી થશે પણ નહિ.+ ૨૨ જો એ દિવસો ઓછા કરવામાં ન આવે તો કોઈ જ બચશે નહિ. પણ ઈશ્વરના પસંદ કરાયેલા લોકોને લીધે એ દિવસો ઓછા કરવામાં આવશે.+
૨૩ “જો કોઈ તમને કહે કે ‘જુઓ! ખ્રિસ્ત અહીં છે’+ અથવા ‘ત્યાં છે,’ તો એ માનતા નહિ.+ ૨૪ જૂઠા ખ્રિસ્ત અને જૂઠા પ્રબોધકો+ ઊભા થશે. તેઓ મોટાં મોટાં ચમત્કારો અને કરામતો દેખાડશે. અરે, શક્ય હોય તો ઈશ્વરે પસંદ કરેલાઓને પણ તેઓ ભમાવવાની કોશિશ કરશે!+ ૨૫ જુઓ! મેં તમને પહેલેથી ચેતવી દીધા છે. ૨૬ જો લોકો તમને કહે કે ‘જુઓ! તે વેરાન પ્રદેશમાં છે,’ તો જતા નહિ. ‘જુઓ! તે અંદરના ઓરડામાં છે,’ તો માનતા નહિ.+ ૨૭ જેમ વીજળી પૂર્વથી નીકળીને પશ્ચિમ સુધી ચમકે છે, એમ માણસના દીકરાની હાજરીના* સમયે થશે.+ ૨૮ જ્યાં મડદું હોય છે, ત્યાં ગરુડો* ભેગા થશે.+
૨૯ “એ દિવસોની વિપત્તિ પછી તરત જ સૂર્ય અંધકારમય બની જશે+ અને ચંદ્ર પોતાનો પ્રકાશ નહિ આપે. આકાશમાંથી તારાઓ ખરશે અને આકાશોમાંની શક્તિઓ હલી ઊઠશે.+ ૩૦ પછી આકાશમાં માણસના દીકરાની નિશાની દેખાશે. પૃથ્વી પરનાં બધાં કુળો શોકમાં છાતી કૂટશે.+ તેઓ માણસના દીકરાને+ શક્તિ અને મહાન ગૌરવ સાથે આકાશનાં વાદળો પર આવતો જોશે.+ ૩૧ તે પોતાના દૂતોને રણશિંગડાના* મોટા અવાજ સાથે મોકલશે. તેઓ આકાશોના એક છેડાથી તે બીજા છેડા સુધી, ચારેય દિશામાંથી ઈશ્વરના પસંદ કરાયેલાને ભેગા કરશે.+
૩૨ “હવે અંજીરના ઝાડના ઉદાહરણમાંથી આ શીખો: એની કુમળી ડાળી ઊગે અને એનાં પાંદડાં ફૂટે કે તરત જ તમને ખબર પડે છે કે ઉનાળો નજીક છે.+ ૩૩ એ જ રીતે, તમે આ બધું થતું જુઓ ત્યારે જાણજો કે માણસનો દીકરો બારણા પાસે જ છે.+ ૩૪ હું તમને સાચે જ કહું છું કે એ બધું બનશે નહિ ત્યાં સુધી આ પેઢી* જતી રહેશે નહિ. ૩૫ આકાશ અને પૃથ્વી નાશ પામશે, પણ મારા શબ્દો કાયમ ટકશે.+
૩૬ “એ દિવસ અને ઘડી વિશે પિતા સિવાય કોઈ જાણતું નથી,+ સ્વર્ગના દૂતો નહિ કે દીકરો નહિ.+ ૩૭ જેવું નૂહના દિવસોમાં થયું હતું,+ એવું જ માણસના દીકરાની હાજરીના* સમયે થશે.+ ૩૮ પૂર આવ્યું એ પહેલાં લોકો ખાતાં-પીતાં અને પરણતાં-પરણાવતાં હતા. નૂહ વહાણની* અંદર ગયા ત્યાં સુધી તેઓ એવું કરતા હતા.+ ૩૯ પૂર આવ્યું અને એ બધાને ખેંચી લઈ ગયું ત્યાં સુધી તેઓએ ધ્યાન આપ્યું નહિ.+ એવું જ માણસના દીકરાની હાજરીના* સમયે પણ થશે. ૪૦ એ સમયે બે માણસો ખેતરમાં હશે. એક લેવાશે અને બીજો પડતો મુકાશે. ૪૧ બે સ્ત્રીઓ ઘંટીએ દળતી હશે. એક લેવાશે અને બીજી પડતી મુકાશે.+ ૪૨ એટલે જાગતા રહો, કારણ કે તમે જાણતા નથી કે તમારો માલિક કયા દિવસે આવે છે.+
૪૩ “પણ તમે જાણો છો કે જો ઘરમાલિકને ખબર હોત કે ચોર કઈ ઘડીએ* આવશે,+ તો તે જાગતો રહ્યો હોત. તેણે પોતાના ઘરમાં ચોરી થવા દીધી ન હોત.+ ૪૪ તમે પણ તૈયાર રહો,+ કારણ કે તમે જે ઘડીએ ધારતા નથી એ ઘડીએ માણસનો દીકરો આવે છે.
૪૫ “વિશ્વાસુ અને સમજુ* ચાકર કોણ છે, જેને તેના માલિકે ઘરના સેવકોની જવાબદારી સોંપી છે, જેથી તે તેઓને યોગ્ય સમયે ખોરાક આપે?+ ૪૬ એ ચાકરને ધન્ય છે, જેનો માલિક આવીને તેને એમ કરતો જુએ!+ ૪૭ હું તમને સાચે જ કહું છું, માલિક પોતાની બધી માલ-મિલકતની જવાબદારી તેને સોંપશે.
૪૮ “પણ ધારો કે એ ચાકર દુષ્ટ કામો કરવા લાગે અને મનમાં વિચારે, ‘મારા માલિકને આવતા મોડું થાય છે.’+ ૪૯ તે બીજા ચાકરોને મારવા લાગે અને દારૂડિયાઓ સાથે ખાવા-પીવા લાગે. ૫૦ એ ચાકર ધારતો નથી એ દિવસે અને તે જાણતો નથી એ ઘડીએ તેનો માલિક આવી પહોંચશે.+ ૫૧ તે તેને કડકમાં કડક સજા કરશે અને ઢોંગીઓ જેવા તેના હાલ કરશે. ત્યાં તેનું રડવું ને દાંત પીસવું થશે.+