પ્રકરણ ૧૨
‘હું તેઓને એક પ્રજા બનાવીશ’
ઝલક: યહોવાએ વચન આપ્યું હતું કે તે પોતાના લોકોને એક કરશે. બે લાકડીઓની ભવિષ્યવાણી
૧, ૨. (ક) શા માટે યહૂદીઓ ગભરાઈ જાય છે? (ખ) શાના લીધે લોકોના જીવમાં જીવ આવે છે? (ગ) આપણે કયા સવાલો જોઈશું?
હઝકિયેલે ગુલામીમાં ગયેલા યહૂદીઓને ઘણી ભવિષ્યવાણીઓ જણાવી. એ માટે તેમણે નિશાનીઓ વાપરી. એ બધું કરવા યહોવા હઝકિયેલને માર્ગદર્શન આપતા હતા. હઝકિયેલે પહેલી ભવિષ્યવાણી દૃશ્ય ભજવીને બતાવી હતી. એ ભવિષ્યવાણી યહૂદીઓને સજા આપવા વિશે હતી. હઝકિયેલે બીજી ભવિષ્યવાણી કરી, એમાં પણ એવું જ કીધું. ત્રીજી ભવિષ્યવાણીમાં પણ અને એ પછી જે ભવિષ્યવાણીઓ કરી એમાં પણ. હઝકિયેલે અનેક ભવિષ્યવાણીઓમાં વારંવાર બતાવ્યું કે લોકોને સજા થશે. (હઝકિ. ૩:૨૪-૨૬; ૪:૧-૭; ૫:૧; ૧૨:૩-૬) હઝકિયેલે જે પણ ભવિષ્યવાણીઓ દૃશ્ય ભજવીને બતાવી હતી, એ બધી ભવિષ્યવાણીઓ સજા વિશે હતી. એમાં તેમણે જણાવ્યું હતું કે યહૂદીઓને એટલી ભારે સજા થશે કે તેઓના હાલ બેહાલ થઈ જશે.
૨ જરા વિચારો, હઝકિયેલ ગુલામીમાં ગયેલા યહૂદીઓની આગળ ઊભા છે. તે ફરીથી દૃશ્ય ભજવીને કોઈ ભવિષ્યવાણી બતાવવાના છે. હઝકિયેલને જોઈને લોકોને પસીનો છૂટે છે. લોકો વિચારમાં પડી જાય છે કે ‘હવે તે કયો ભયંકર સંદેશો સંભળાવશે?’ પણ હઝકિયેલ બોલવાનું શરૂ કરે છે ત્યારે, લોકોને હાશ થાય છે. આ વખતે તે કોઈ સજાનો સંદેશો સંભળાવતા નથી. તે તો એક સોનેરી ભવિષ્ય વિશે જણાવે છે. (હઝકિ. ૩૭:૨૩) હઝકિયેલે લોકોને કઈ ભવિષ્યવાણી જણાવી? એ ભવિષ્યવાણીનો શું અર્થ થાય? આજે આપણા માટે એનો શું મતલબ થાય? ચાલો એ સવાલોના જવાબ જોઈએ.
“તેઓ મારા હાથમાં એક થશે”
૩. (ક) જે લાકડી પર “યહૂદા માટે” લખ્યું હતું, એ શાને રજૂ કરતી હતી? (ખ) “એફ્રાઈમની લાકડી” દસ કુળના રાજ્યને રજૂ કરતી હતી, એવું શાના પરથી કહી શકાય?
૩ યહોવાએ હઝકિયેલને બે લાકડીઓ લેવાનું કીધું. તેમણે એના પર આવું લખવાનું કીધું: એક લાકડી પર “યહૂદા માટે” અને બીજી લાકડી પર ‘યૂસફ માટે, એફ્રાઈમની લાકડી.’ (હઝકિયેલ ૩૭:૧૫, ૧૬ વાંચો.) એ બે લાકડીઓ શાને રજૂ કરતી હતી? જે લાકડી પર “યહૂદા માટે” લખેલું હતું, એ યહૂદા અને બિન્યામીનનાં બે કુળના રાજ્યને રજૂ કરતી હતી. એ બે કુળ પર યહૂદાના વંશમાંથી આવતા રાજાઓએ રાજ કર્યું હતું. એ રાજાઓ અને યાજકો વચ્ચે સારો સંબંધ હતો, કેમ કે યાજકો યરૂશાલેમના મંદિરમાં સેવા આપતા હતા. (૨ કાળ. ૧૧:૧૩, ૧૪; ૩૪:૩૦) યહૂદા રાજ્યમાં દાઉદના વંશના રાજાઓ અને લેવી કુળના યાજકો રહેતા હતા. “એફ્રાઈમની લાકડી” દસ કુળના ઇઝરાયેલ રાજ્યને રજૂ કરતી હતી. એને કેમ એફ્રાઈમની લાકડી કીધી? એ દસ કુળનો પહેલો રાજા યરોબઆમ હતો. તે એફ્રાઈમ કુળનો હતો. સમય જતાં, એફ્રાઈમનું કુળ ઇઝરાયેલનું શક્તિશાળી કુળ બની ગયું. (પુન. ૩૩:૧૭; ૧ રાજા. ૧૧:૨૬) ધ્યાન આપો કે દસ કુળના ઇઝરાયેલ રાજ્યમાં ન તો દાઉદના વંશના કોઈ રાજા હતા કે ન તો લેવી કુળના કોઈ યાજક.
૪. હઝકિયેલ દૃશ્ય ભજવીને જે બતાવે છે, એ શાને રજૂ કરે છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
૪ યહોવાએ હઝકિયેલને કીધું કે બંને લાકડીઓને એકબીજાની પાસે લાવે, ‘જેથી તેઓ એક લાકડી બને.’ હઝકિયેલ જે કરે છે એ બધું યહૂદીઓ જુએ છે. તેઓ માથું ખંજવાળવા લાગે છે. તેઓ હઝકિયેલને પૂછે છે, “આ બધાનો મતલબ શું તું નહિ જણાવે?” કેમ નહિ, હઝકિયેલ તેઓને જણાવે છે કે આ દૃશ્ય તો ખુદ યહોવા જે કરવાના છે, એને બતાવે છે. યહોવા એ બે લાકડીઓ વિશે જણાવે છે: ‘હું તેઓને એક લાકડી બનાવીશ અને તેઓ મારા હાથમાં એક થશે.’—હઝકિ. ૩૭:૧૭-૧૯.
૫. હઝકિયેલે દૃશ્ય ભજવીને જે બતાવ્યું, એના વિશે યહોવાએ શું સમજાવ્યું? (“બે લાકડીઓને એક કરવામાં આવી” બૉક્સ જુઓ.)
૫ એ પછી યહોવા સમજાવે છે કે એ બે લાકડીઓને એક કરવાનો શું અર્થ થાય. (હઝકિયેલ ૩૭:૨૧, ૨૨ વાંચો.) બે કુળના યહૂદા રાજ્યના લોકોને ગુલામીમાંથી છોડાવવામાં આવશે. દસ કુળના ઇઝરાયેલ (અથવા એફ્રાઈમ) રાજ્યના લોકોને ગુલામીમાંથી છોડાવવામાં આવશે. એ બધાને ઇઝરાયેલ દેશમાં પાછા લાવવામાં આવશે. ત્યાં તેઓ “એક પ્રજા” બનશે.—યર્મિ. ૩૦:૧-૩; ૩૧:૨-૯; ૩૩:૭.
૬. હઝકિયેલ ૩૭ની કઈ બે ભવિષ્યવાણીઓ એકબીજા સાથે જોડાયેલી છે?
૬ હઝકિયેલના ૩૭મા અધ્યાયમાં બે ભવિષ્યવાણીઓ છે. એક ભવિષ્યવાણી સુકાઈ ગયેલાં હાડકાંની અને બીજી બે લાકડીઓની. એ બંને ભવિષ્યવાણીઓ એકબીજા સાથે જોડાયેલી છે. એ બતાવે છે કે ગુલામીમાં ગયેલા લોકો આઝાદ થશે. યહોવા એવા ભગવાન છે, જે પોતાના લોકોને ફરીથી જીવતા કરી શકે છે (કલમ ૧-૧૪). સાથે સાથે તે તેઓમાં સંપ લાવી શકે છે (કલમ ૧૫-૨૮). એ ભવિષ્યવાણીઓથી લોકોને કઈ કઈ ખુશખબર મળી? એક તો એ કે મરી ગયેલાને ફરી જીવતા કરવામાં આવશે. બીજી એ કે વિખેરાઈ ગયેલાને એક કરવામાં આવશે.
યહોવાએ કઈ રીતે ‘તેઓને ભેગા કર્યા’?
૭. પહેલો કાળવૃત્તાંત ૯:૨, ૩ કઈ રીતે સાબિત કરે છે કે “ઈશ્વર માટે બધું જ શક્ય છે”?
૭ માણસોની નજરે જોઈએ તો યહૂદીઓને ગુલામીમાંથી છોડાવવા અને તેઓને એક કરવા સાવ અશક્ય હતું.a પણ “ઈશ્વર માટે બધું જ શક્ય છે.” (માથ. ૧૯:૨૬) યહોવાએ જે ભવિષ્યવાણી કરી હતી એવું જ થયું. ઈ.સ. પૂર્વે ૫૩૭માં યહૂદીઓ બાબેલોનની ગુલામીમાંથી છૂટ્યા. એ પછી બંને રાજ્યોમાંથી અમુક લોકો યરૂશાલેમ આવ્યા. તેઓએ યહોવાની ભક્તિ ફરી શરૂ કરવામાં મદદ કરી. બાઇબલ એની સાબિતી આપે છે: “યહૂદા, બિન્યામીન, એફ્રાઈમ અને મનાશ્શાના અમુક વંશજો યરૂશાલેમમાં વસ્યા.” (૧ કાળ. ૯:૨, ૩; એઝ. ૬:૧૭) દસ કુળના ઇઝરાયેલ રાજ્યના અમુક લોકો અને બે કુળના યહૂદા રાજ્યના અમુક લોકો એક થયા. યહોવાએ જેવું કીધું હતું એવું જ થયું.
૮. (ક) યશાયાએ કઈ ભવિષ્યવાણી કરી હતી? (ખ) હઝકિયેલ ૩૭:૨૧માંથી કઈ બે ખાસ વાત જાણવા મળે છે?
૮ એ બનાવના આશરે ૨૦૦ વર્ષ પહેલાં, યશાયા પ્રબોધકે ભવિષ્યવાણી કરી હતી. એમાં તેમણે કીધું હતું કે ઇઝરાયેલના લોકો અને યહૂદાના લોકો ગુલામીમાંથી છૂટશે પછી શું થશે. તેમણે જણાવ્યું હતું કે યહોવા “ઇઝરાયેલના વિખેરાઈ ગયેલા લોકોને” અને “યહૂદાના વેરવિખેર થયેલા લોકોને ધરતીના ચારે ખૂણેથી” ભેગા કરશે. એમાં ‘આશ્શૂર’ પણ આવી જાય છે. (યશા. ૧૧:૧૨, ૧૩, ૧૬) યહોવાએ વચન આપ્યું હતું તેમ, તે “બીજી પ્રજાઓમાં ગયેલા ઇઝરાયેલીઓને” પાછા લઈ આવ્યા. (હઝકિ. ૩૭:૨૧) આ કલમમાંથી બે ખાસ વાત જાણવા મળે છે. એક એ કે અહીંયા યહોવા “યહૂદા” અને ‘એફ્રાઈમ’ એવું નથી કહેતા. પણ તે ‘ઇઝરાયેલીઓ’ કહે છે, જે એક થયેલા ટોળાને બતાવે છે. બીજી એ કે ઇઝરાયેલીઓ ફક્ત બાબેલોનમાંથી જ નહિ, બીજા બધા દેશોમાંથી પણ આવે છે. અરે, તેઓ “ચારેય દિશાઓમાંથી” આવે છે.
૯. ગુલામીમાંથી પાછા આવેલા લોકો વચ્ચે યહોવા કઈ રીતે સંપ લાવ્યા?
૯ ગુલામીમાં ગયેલા લોકોને યહોવા ઇઝરાયેલમાં પાછા લઈ આવ્યા. યહોવાએ લોકોને મદદ કરી, જેથી તેઓ એક થઈને રહે. તેમણે એમ કઈ રીતે કર્યું? તેમણે લોકો માટે એવા આગેવાનો પસંદ કર્યા, જેઓ યહોવાની દિલથી ભક્તિ કરતા હતા. જેમ કે, ઝરૂબ્બાબેલ, પ્રમુખ યાજક યહોશુઆ, એઝરા અને નહેમ્યા. યહોવાએ લોકો પાસે પ્રબોધકો પણ મોકલ્યા. જેમ કે, હાગ્ગાય, ઝખાર્યા અને માલાખી. આ બધા ઈશ્વરભક્તોએ લોકોને ઘણું ઉત્તેજન આપ્યું. તેઓએ લોકોને મદદ કરી, જેથી યહોવાના માર્ગદર્શન પ્રમાણે જીવે. (નહે. ૮:૨, ૩) પણ દુશ્મનો ઇઝરાયેલી લોકો સામે કાવતરાં ઘડતા હતા. યહોવાએ પોતાના લોકોને એમાંથી પણ બચાવી લીધા.—એસ્તે. ૯:૨૪, ૨૫; ઝખા. ૪:૬.
૧૦. શેતાન શું કરવામાં સફળ થયો?
૧૦ યહોવાએ ઇઝરાયેલી લોકો માટે કેટલું બધું કર્યું હતું! પણ તેઓએ તો તેમની ભક્તિ છોડી દીધી. તેઓ ખરાબ કામો કરવા લાગ્યા. એ વિશે યહોવાએ બાઇબલમાં લખાવી લીધું. ઇઝરાયેલીઓ ગુલામીમાંથી વતનમાં પાછા આવ્યા, એ પછી જે પુસ્તકો લખાયાં એમાં એ જોવા મળે છે. (એઝ. ૯:૧-૩; નહે. ૧૩:૧, ૨, ૧૫) ઇઝરાયેલીઓ ગુલામીમાંથી પાછા આવ્યા, એને ૧૦૦ વર્ષ પણ થયા ન હતા. એવામાં તો તેઓ યહોવાની ભક્તિમાં ભેળસેળ કરવા લાગ્યા. તેઓ યહોવાથી દૂર ને દૂર ચાલ્યા ગયા. એટલે યહોવાએ તેઓને કહેવું પડ્યું: “તમે મારી પાસે પાછા આવો.” (માલા. ૩:૭) ઈસુ પૃથ્વી પર આવ્યા ત્યાં સુધીમાં તો યહૂદી ધર્મમાં ભાગલા પડી ગયા હતા. એનું કારણ તેઓના આગેવાનો હતા, જેઓ ભક્તિનો ઢોંગ કરતા હતા. (માથ. ૧૬:૬; માર્ક ૭:૫-૮) શેતાન ઘણો ખુશ થતો હશે. તે કહેતો હશે, ‘જોયું, મેં કેવા ભાગલા પાડી દીધા!’ પણ તે યહોવાને ક્યાં ઓળખે છે! યહોવા પોતાનું વચન ચોક્કસ પૂરું કરશે. તે પોતાના લોકોમાં એકતા લાવીને જ રહેશે. કઈ રીતે?
“મારો સેવક દાઉદ તેઓનો રાજા બનશે”
૧૧. (ક) યહોવાએ પોતાના લોકોને એક કરવાની ભવિષ્યવાણી કરી હતી, એના વિશે તેમણે શું કહ્યું? (ખ) શેતાનને સ્વર્ગમાંથી નીચે ફેંકી દેવાયા પછી તેણે ફરીથી શું કરવાની કોશિશ કરી?
૧૧ હઝકિયેલ ૩૭:૨૪ વાંચો. યહોવાએ કહ્યું કે પોતાના લોકોને એક કરવાની ભવિષ્યવાણી મોટા પાયે ક્યારે પૂરી થશે. યહોવાએ કીધું કે તેમનો “સેવક દાઉદ,” એટલે કે ઈસુ ખ્રિસ્ત રાજા બનશે, એના પછી જ આ ભવિષ્યવાણી મોટા પાયે પૂરી થશે. ઈસુ ૧૯૧૪માં રાજા બન્યા.b (૨ શમુ. ૭:૧૬; લૂક ૧:૩૨) એ સમય સુધીમાં યહોવાએ ઇઝરાયેલના લોકોને તરછોડી દીધા હતા. તેમણે ઈશ્વરના ઇઝરાયેલ, એટલે કે અભિષિક્ત લોકોને પસંદ કરી લીધા હતા. (યર્મિ. ૩૧:૩૩; ગલા. ૩:૨૯) શેતાનને સ્વર્ગમાંથી નીચે ફેંકી દેવામાં આવ્યો, એ પછી તેણે ઘણા ધમપછાડા કર્યા. તેણે ફરીથી યહોવાના લોકોની એકતા તોડવાની ઘણી કોશિશ કરી. (પ્રકટી. ૧૨:૭-૧૦) દાખલા તરીકે, ૧૯૧૬માં ભાઈ રસેલનું મરણ થયું ત્યારે, શેતાને એનો ફાયદો ઉઠાવ્યો. તેણે ઈશ્વર-વિરોધી લોકો દ્વારા અભિષિક્તો વચ્ચે ભાગલા પાડવાની કોશિશ કરી. પણ થોડા સમય પછી એ ઈશ્વર-વિરોધી લોકો સંગઠન છોડી ગયા. શેતાને સંગઠનમાં આગેવાની લેતા ભાઈઓને જેલમાં પણ પુરાવી દીધા. તેણે લાખ કોશિશ કરી, પણ તે યહોવાના લોકોનું નામનિશાન મિટાવી ન શક્યો. જે અભિષિક્તો યહોવાને વળગી રહ્યા, તેઓએ પોતાની વચ્ચેનો સંપ તૂટવા ન દીધો.
૧૨. અભિષિક્ત લોકોમાં ભાગલા પાડવાની શેતાનની ચાલ કેમ નકામી ગઈ?
૧૨ યહોવાના લોકોમાં ભાગલા પાડવાની એકેય તક શેતાને જવા ન દીધી. ઇઝરાયેલી લોકો તેની જાળમાં ફસાઈ ગયા. પણ ઈશ્વરના ઇઝરાયેલ, એટલે કે અભિષિક્ત લોકોએ શેતાનની આગળ જરાય નમતું ન જોખ્યું. એનું કારણ શું હતું? એ જ કે તેઓએ દરેક રીતે યહોવાનાં ધોરણો પાળવા તેમનો હાથ પકડી રાખ્યો. એટલે તેઓના શક્તિશાળી રાજા ઈસુએ તેઓનું પૂરેપૂરું રક્ષણ કર્યું. ઈસુ અને શેતાનની આમને-સામને લડાઈ ચાલુ જ છે. પણ એમાં દરેક રીતે જીત તો રાજા ઈસુની જ થઈ રહી છે.—પ્રકટી. ૬:૨.
યહોવા પોતાના ભક્તોને ‘એક કરશે’
૧૩. બે લાકડીઓની ભવિષ્યવાણીથી કઈ મહત્ત્વની વાત જાણવા મળે છે?
૧૩ બે લાકડીઓને એક કરવાની ભવિષ્યવાણી આપણને શું શીખવે છે? એ બતાવે છે કે બે ટોળાંને કઈ રીતે એક કરવામાં આવશે. એ ભવિષ્યવાણીથી ખબર પડે છે કે તેઓને એક કરનાર બીજું કોઈ નહિ, ખુદ યહોવા છે. એનાથી આપણને તેમની ભક્તિ વિશે આ મહત્ત્વની વાત જાણવા મળે છે: ખુદ યહોવા પોતાના ભક્તોને ‘એક કરશે!’—હઝકિ. ૩૭:૧૯.
૧૪. બે લાકડીઓની ભવિષ્યવાણી ૧૯૧૯થી કઈ રીતે મોટા પાયે પૂરી થવા લાગી?
૧૪ ઈશ્વરભક્તોને ૧૯૧૯માં શુદ્ધ કરવામાં આવ્યા. યહોવા ચાહે એ રીતે તેઓ ભક્તિ કરવા લાગ્યા. એ સમયથી બે લાકડીઓને એક કરવા વિશેની ભવિષ્યવાણી મોટા પાયે પૂરી થવા લાગી. ઈશ્વરભક્તોને એકતાના બંધનમાં બાંધવામાં આવ્યા. એમાંના મોટા ભાગના લોકોને આશા હતી કે તેઓ સ્વર્ગમાં રાજા બનશે અને યાજકો તરીકે સેવા આપશે. (પ્રકટી. ૨૦:૬) આ અભિષિક્ત લોકો ‘યહૂદાની’ લાકડી જેવા હતા. એનો અર્થ એ કે તેઓમાં દાઉદના વંશના રાજાઓ અને લેવી કુળના યાજકો હતા. જેમ જેમ સમય વીતતો ગયો, તેમ તેમ એ અભિષિક્ત લોકો સાથે બીજા લોકો પણ જોડાવા લાગ્યા. તેઓને પૃથ્વી પર રહેવાની આશા હતી. તેઓ “એફ્રાઈમની લાકડી” જેવા હતા. એનો અર્થ એ કે તેઓમાં દાઉદના વંશના કોઈ રાજા કે લેવી કુળના કોઈ યાજક ન હતા. એ બંને ટોળાના રાજા એક જ છે, ઈસુ ખ્રિસ્ત! તેઓ ઈસુની આજ્ઞાઓ પાળે છે. તેઓ હળી-મળીને યહોવાની ભક્તિ કરે છે.—હઝકિ. ૩૭:૨૪.
“તેઓ મારા લોકો થશે”
૧૫. હઝકિયેલ ૩૭:૨૬, ૨૭ના શબ્દો આજે કઈ રીતે પૂરા થાય છે?
૧૫ હઝકિયેલની ભવિષ્યવાણી બતાવે છે કે અભિષિક્ત લોકો સાથે યહોવાની ભક્તિ કરવા ઘણા લોકો આવશે. યહોવાએ પોતાના લોકો વિશે કહ્યું હતું: ‘હું તેઓની સંખ્યા વધારીશ’ અને “મારો મંડપ તેઓની ઉપર રહેશે.” (હઝકિ. ૩૭:૨૬, ૨૭, ફૂટનોટ) એ શબ્દો શાની યાદ અપાવે છે? પ્રેરિત યોહાનને જે ભવિષ્યવાણી જણાવવામાં આવી હતી, એની યાદ અપાવે છે. હઝકિયેલના સમયથી લગભગ ૭૦૦ વર્ષ પછી એમાં કીધું હતું કે “રાજ્યાસન પર જે બેઠા છે” તે ‘મોટા ટોળા’ પર “પોતાનો તંબુ ફેલાવશે.” (પ્રકટી. ૭:૯, ૧૫, ફૂટનોટ) આજે એવું જ જોવા મળે છે. અભિષિક્ત લોકો અને મોટું ટોળું હળી-મળીને રહે છે. તેઓ જાણે કે એક જ પ્રજા છે. તેઓ બધા યહોવાના મંડપ નીચે સલામત છે.
૧૬. અભિષિક્ત લોકો અને મોટા ટોળા વચ્ચેના સંપ વિશે ઝખાર્યાએ કઈ ભવિષ્યવાણી કરી હતી?
૧૬ ઝખાર્યા પણ બીજા યહૂદીઓની સાથે ગુલામીમાંથી વતનમાં પાછા આવ્યા હતા. તેમણે ભવિષ્યવાણી કરી હતી કે યહોવાના લોકોમાં સંપ હશે. એનો અર્થ થાય કે અભિષિક્ત લોકો અને મોટા ટોળાને એક કરવામાં આવશે. ઝખાર્યાએ કીધું હતું કે ‘બધી પ્રજાઓમાંથી દસ માણસો આવશે અને એક યહૂદી માણસનો ઝભ્ભો પકડી લેશે. તેઓ કહેશે, “અમે તમારી સાથે આવવા માંગીએ છીએ, કેમ કે અમે સાંભળ્યું છે કે ઈશ્વર તમારી સાથે છે.”’ (ઝખા. ૮:૨૩) ધ્યાન આપો, કલમમાં એવું નથી કીધું કે “તારી સાથે,” પણ એવું કીધું છે કે “તમારી સાથે.” આનાથી જોવા મળે છે કે ‘એક યહૂદી માણસ’ કોઈ એક વ્યક્તિને નહિ, પણ એક ટોળાને રજૂ કરે છે. એ ટોળું પૃથ્વી પર બાકી રહેલા અભિષિક્ત લોકોને રજૂ કરે છે. (રોમ. ૨:૨૮, ૨૯) “દસ માણસો” કોણ છે? એ એવા લોકો છે, જેઓને પૃથ્વી પર જીવવાની આશા છે. તેઓ જાણે અભિષિક્ત લોકોનો ‘ઝભ્ભો પકડે છે’ અને તેઓ “સાથે” ચાલે છે. (યશા. ૨:૨, ૩; માથ. ૨૫:૪૦) કલમમાં આવા શબ્દો છે: “પકડી લેશે” અને “તમારી સાથે આવવા માંગીએ છીએ.” એ શબ્દો બતાવે છે કે આ બંને ટોળાં વચ્ચે અજોડ સંપ છે.
૧૭. આપણી વચ્ચે જે એકતા છે, એના વિશે ઈસુએ શું કહ્યું?
૧૭ હઝકિયેલે એકતા વિશે ભવિષ્યવાણી કરી હતી. જ્યારે ઈસુએ પોતાની સરખામણી ઘેટાંપાળક સાથે કરી, ત્યારે તેમને કદાચ એ ભવિષ્યવાણી યાદ આવી હશે. ઈસુ જણાવે છે કે તેમનાં ઘેટાં (અભિષિક્ત લોકો) અને “બીજાં ઘેટાં” (ધરતી પર જીવવાની આશા રાખતા લોકો) “એક ટોળું” બનશે. ઈસુ પોતે તેઓની દેખરેખ રાખશે. (યોહા. ૧૦:૧૬; હઝકિ. ૩૪:૨૩; ૩૭:૨૪, ૨૫) ઈસુ અને અગાઉના પ્રબોધકોના શબ્દો એકદમ સાચા છે, ખરું ને! આપણી આશા સ્વર્ગમાં જીવવાની હોય કે પૃથ્વી પર જીવવાની, આપણે બધા એકતાનો આનંદ માણીએ છીએ. બીજા બધા ધર્મોમાં કંઈ કેટલાયે પંથો છે, જ્યારે કે આપણી વચ્ચે અજોડ સંપ છે.
“મારું મંદિર તેઓ વચ્ચે હંમેશ માટે રહેશે”
૧૮. હઝકિયેલ ૩૭:૨૮માં બતાવ્યા પ્રમાણે ઈશ્વરના લોકો કેમ “દુનિયાના નથી”?
૧૮ યહોવાના લોકોમાં જે સંપ હશે, એના વિશે હઝકિયેલે ભવિષ્યવાણી કરી હતી. એના અંતમાં તેમણે શું કીધું? તેમણે ખાતરી આપી કે આપણી એકતાનું બંધન કદીયે નહિ તૂટે. (હઝકિયેલ ૩૭:૨૮ વાંચો.) યહોવાના લોકો આટલી સરસ રીતે હળી-મળીને રહે છે, એનું કારણ શું? એ જ કે “તેઓ વચ્ચે” યહોવાનું મંદિર છે. એનો મતલબ કે તેઓ બધા એક થઈને યહોવાની ભક્તિ કરે છે. યહોવાનું મંદિર તેઓ વચ્ચે ક્યાં સુધી રહેશે? તેઓ પોતાને શેતાનની દુનિયાથી અલગ રાખે, એટલે કે પોતાને પવિત્ર કે શુદ્ધ રાખે ત્યાં સુધી. (૧ કોરીં. ૬:૧૧; પ્રકટી. ૭:૧૪) ઈસુએ બતાવ્યું કે આ દુનિયામાં રહેવા છતાં પોતાને શુદ્ધ રાખવું કેટલું મહત્ત્વનું છે. તેમણે યહોવાને પોતાના શિષ્યો માટે દિલથી પ્રાર્થના કરી. એમાં તેમણે કીધું: ‘હે પવિત્ર પિતા, તેઓનું ધ્યાન રાખજો. એ માટે કે તેઓ એક થાય.’ ‘તેઓ દુનિયાના નથી. સત્યથી તેઓને પવિત્ર કરો.’ (યોહા. ૧૭:૧૧, ૧૬, ૧૭) તમે જોયું કે ઈસુએ પોતાના શિષ્યો વિશે શું કીધું? એ જ કે તેઓ “એક” થાય. તેમણે એવું પણ કીધું કે ‘તેઓ દુનિયાના નથી.’
૧૯. (ક) આપણે કઈ રીતે “ઈશ્વરનું અનુકરણ” કરી શકીએ? (ખ) ઈસુએ પોતાના જીવનની છેલ્લી રાતે સંપ વિશે કઈ મહત્ત્વની વાત કહી?
૧૯ આખા બાઇબલમાં આ એક જ એવી કલમ છે, જેમાં ઈસુએ યહોવાને “પવિત્ર પિતા” કીધા છે. યહોવા બધી જ રીતે પવિત્ર અને સાચા છે. તેમણે ઇઝરાયેલીઓને આજ્ઞા આપી હતી કે “તમે પવિત્ર થાઓ, કેમ કે હું પવિત્ર છું.” (લેવી. ૧૧:૪૫) આપણે “ઈશ્વરનું અનુકરણ” કરવા ચાહીએ છીએ. એટલે આપણે બધી રીતે પવિત્ર રહેવા માંગીએ છીએ. એ આપણાં વાણી-વર્તનમાં દેખાય આવવું જોઈએ. (એફે. ૫:૧; ૧ પિત. ૧:૧૪, ૧૫) આપણને બાઇબલમાં “પવિત્ર” શબ્દ ઘણી વાર જોવા મળે છે. એ શબ્દ માણસો માટે વપરાય છે ત્યારે, એનો અર્થ થાય “અલગ કરવું.” ઈસુએ પોતાના જીવનની છેલ્લી રાતે યહોવાને પ્રાર્થના કરી હતી. એમાં તેમણે કીધું હતું કે જ્યાં સુધી તેમના શિષ્યો દુનિયામાં રહીને પણ શુદ્ધ રહેશે, ત્યાં સુધી તેઓમાં સંપ હશે. દુનિયાના લોકોની જેમ તેઓમાં ભાગલા નહિ પડે.
‘શેતાનથી તેઓનું રક્ષણ કરો’
૨૦, ૨૧. (ક) આપણને કેમ ખાતરી છે કે યહોવા આપણું રક્ષણ કરશે? (ખ) આપણે શું કરવાનો પાકો નિર્ણય લઈએ છીએ?
૨૦ ઈસુએ યહોવાને પ્રાર્થનામાં કીધું કે ‘શેતાનથી તેઓનું રક્ષણ કરો.’ (યોહાન ૧૭:૧૪, ૧૫ વાંચો.) આજે આખી દુનિયામાં યહોવાના લોકો વચ્ચે જે એકતા જોવા મળે છે, એ તો ઈસુની પ્રાર્થનાનો જવાબ છે. શેતાનની લાખ કોશિશો છતાં, તે આપણી વચ્ચેની એકતા તોડી શક્યો નથી અને તોડી શકશે પણ નહિ. એનાથી ખાતરી મળે છે કે યહોવા હંમેશાં આપણું રક્ષણ કરશે. હઝકિયેલની ભવિષ્યવાણીમાં યહોવાએ કીધું કે બે લાકડીઓ તેમના હાથમાં એક થઈ જશે. તેમના કારણે જ આપણી વચ્ચે અજોડ સંપ છે. તેમના મજબૂત હાથોમાં આપણે એકદમ સલામત છીએ. શેતાન આપણો વાળ પણ વાંકો નહિ કરી શકે.
૨૧ આ બધું શીખી ગયા પછી, આપણે શું કરવાનો પાકો નિર્ણય લઈએ છીએ? યહોવાના લોકો તરીકે આપણે એક જોરદાર સંપનો આનંદ માણીએ છીએ. એવો સંપ તો લાખ કોશિશ કરવા છતાં બીજે ક્યાંય નહિ મળે. આપણે એ સંપ, એ એકતા તૂટવા ન દઈએ. એની આડે કશાને પણ આવવા ન દઈએ. એમ કરવાની એક મહત્ત્વની રીત કઈ છે? આપણે યહોવાના મંદિરમાં તેમની ભક્તિ કરીએ, એટલે કે તેમણે કરેલી ગોઠવણને પૂરો સાથ-સહકાર આપીએ. તેમની ભક્તિ કરવામાં જરાય ધીમા ન પડીએ. એ માટે આપણે શું કરવાની જરૂર છે? ચાલો હવે પછીનાં પ્રકરણોમાં જોઈએ.
a આશ્શૂરીઓ દસ કુળના રાજ્યના (“એફ્રાઈમની લાકડી”) લોકોને ગુલામ બનાવીને લઈ ગયા. એના લગભગ ૨૦૦ વર્ષ પછી, યહોવાએ હઝકિયેલને આ ભવિષ્યવાણી જણાવી.—૨ રાજા. ૧૭:૨૩.
b આ ભવિષ્યવાણી વિશે આ પુસ્તકના આઠમા પ્રકરણમાં વધારે જણાવ્યું છે.