યોહાન્ના નામની સ્ત્રી પાસેથી શું શીખી શકીએ?
ઘણા લોકો જાણે છે કે ઈસુના ૧૨ શિષ્યો હતા. પણ તેઓ કદાચ એ નહિ જાણતા હોય કે ઈસુના અનુયાયીઓમાં સ્ત્રીઓ પણ હતી, જેઓ તેમની સાથે રહીને સેવા કરતી. એ સ્ત્રીઓમાં યોહાન્ના પણ હતાં.—માથ. ૨૭:૫૫; લુક ૮:૩.
ઈસુને સેવાકાર્યમાં મદદ કરવા યોહાન્નાએ કેવો ભાગ ભજવ્યો? તેમનાં દાખલા પરથી આપણે શું શીખી શકીએ?
યોહાન્ના કોણ હતાં?
યોહાન્ના ‘હેરોદના કારભારી ખૂઝાનાં પત્ની’ હતાં. ખૂઝા કદાચ રાજા હેરોદ આંતીપાસને ત્યાં રોજબરોજના કામકાજની દેખરેખ રાખતો હતો. યોહાન્ના એ લોકોમાંના એક હતાં જેઓને ઈસુએ સાજા કર્યા હતા. ઈસુ અને તેમના પ્રેરિતો સાથે મુસાફરી કરતી સ્ત્રીઓમાં યોહાન્ના પણ હતાં.—લુક ૮:૧-૩.
યહુદી ધર્મગુરુઓ શીખવતા કે સ્ત્રીઓએ પોતાનાં સગાં-વહાલાં સિવાયના બીજા પુરુષો સાથે હળવું-મળવું નહિ. તેઓ સાથે મુસાફરી કરવાની વાત તો દૂર રહી! ખરું કે, યહુદી પુરુષો તો સ્ત્રીઓ જોડે બહુ વાતચીત ન કરતા. પણ ઈસુ એવા રિવાજોમાં ફસાયા નહિ. તેમણે યોહાન્ના અને શ્રદ્ધા રાખનારી બીજી સ્ત્રીઓને પોતાની સાથે જોડાવા દીધી.
યોહાન્નાએ સમાજમાં નિંદા થશે એવી પરવા કર્યા વગર ઈસુ અને તેમના શિષ્યોની સંગત રાખી. ઈસુ સાથે જનાર અનુયાયીઓએ રોજબરોજના જીવનમાં ફેરબદલ કરવા તૈયાર રહેવાનું હતું. એવા શિષ્યો વિશે ઈસુએ કહ્યું, “જેઓ ઈશ્વરની વાત સાંભળે છે, તથા પાળે છે તેઓ મારી મા તથા મારા ભાઈઓ છે.” (લુક ૮:૧૯-૨૧; ૧૮:૨૮-૩૦) ઈસુને પગલે ચાલવા જેઓ ત્યાગ આપે છે, તેઓ માટે ઈસુને ખાસ લાગણી છે. એ જાણીને આપણને કેટલું ઉત્તેજન મળે છે!
સેવા કરવા તેમણે પોતાની સંપત્તિ વાપરી
યોહાન્ના અને બીજી ઘણી સ્ત્રીઓએ ઈસુ અને ૧૨ શિષ્યોની સેવામાં “પોતાની પૂંજીમાંથી” આપ્યું હતું. (લુક ૮:૩) એ અહેવાલ વિશે એક ઇતિહાસકાર જણાવે છે, ‘લુક અહીં પોતાના વાચકોને એવું કહી રહ્યા ન હતા કે એ સ્ત્રીઓ રાંધવાનું, વાસણો ઘસવાનું કે કપડાં સાંધવાનું કામ કરતી. કદાચ એ સ્ત્રીઓએ એવાં કામ કર્યાં હોય શકે, પણ લુકનો મુદ્દો એવો ન હતો.’ તેથી, કદાચ એ સ્ત્રીઓએ પોતાના પૈસા, વસ્તુઓ કે સંપત્તિ વાપરીને, પોતાની સાથે સેવા કરનારાઓની જરૂરિયાતો પૂરી કરી હશે.
ઈસુ અને તેમના શિષ્યોએ ખુશખબર ફેલાવવા માટે ઘણી મુસાફરીઓ કરી હતી. તેઓ બધા થઈને કદાચ ૨૦ લોકો હતા. મુસાફરી દરમિયાન તેઓએ પૈસા કમાવવા કોઈ વેપાર-ધંધો કર્યો નહિ. તેથી, તેઓ ખોરાક અને બીજી જરૂરિયાતોનો ખર્ચો ઉપાડી શકતા ન હતા. ઘણા લોકો તેઓને પોતાના ઘરે રહેવા અને ખાવા-પીવા આવકારતા. છતાં, તેઓ ફક્ત એના પર નિર્ભર ન રહેતા. એમ શાના પરથી કહી શકાય? કારણ કે ઈસુ અને તેમના શિષ્યો પ્રદાનો માટે સાથે “થેલી” રાખતા. (યોહા. ૧૨:૬; ૧૩:૨૮, ૨૯) બની શકે કે યોહાન્ના અને બીજી સ્ત્રીઓએ ખર્ચો ઉપાડવા પ્રદાનો આપ્યાં હશે.
ઘણા લોકો સહમત નથી કે યહુદી સ્ત્રીઓ પાસે પૈસા કે સંપત્તિ હોય શકે. જોકે, તે સમયનાં લખાણો જણાવે છે કે અલગ અલગ રીતોએ સ્ત્રીઓને ધનસંપત્તિ મળી શકતી. જેમ કે, (૧) પિતાને દીકરો ન હોય ને પિતાનું મૃત્યુ થાય, (૨) તેને મિલકત આપવામાં આવી હોય, (૩) છુટાછેડા થાય તો લગ્નના કરારમાં નક્કી કરેલી રકમ મળતી, (૪) ગુજરી ગયેલા પતિની મિલકતમાંથી પત્નીના ભરણપોષણની રકમ તરીકે, અથવા (૫) સ્ત્રીની પોતાની કમાણી.
એમાં કોઈ શંકા નથી કે ઈસુના અનુયાયીઓએ તેઓથી બની શકે એટલું દાન આપ્યું હશે. તેમની જોડે મુસાફરી કરનારાઓમાં અમુક પૈસાદાર સ્ત્રીઓ પણ હોય શકે. અમુક લોકોનું માનવું છે કે યોહાન્ના પૈસાદાર સ્ત્રી હતાં, કેમ કે તે હેરોદ રાજાના કારભારીનાં પત્ની હતાં. શક્ય છે કે સાંધા વગરનો જે મોંઘો ઝભ્ભો ઈસુ પહેરતા હતા, એ યોહાન્ના જેવી જ કોઈ સ્ત્રીએ આપ્યો હશે. (યોહા. ૧૯:૨૩, ૨૪) એક ઇતિહાસકારના જણાવ્યા પ્રમાણે એવો ઝભ્ભો ખરીદવો “કોઈ માછીમારની પત્ની માટે શક્ય ન હતું.”
યોહાન્નાએ દાનમાં પૈસા આપ્યા હોય એવું શાસ્ત્રમાં સીધેસીધું જણાવ્યું નથી. જોકે, તેમણે પોતાનાથી બનતું બધું જ કર્યું. એ પરથી આપણે શું શીખી શકીએ? રાજ્યનું કામ આગળ વધારવા કંઈ આપવું કે ન આપવું એની પસંદગી આપણા હાથમાં છે. ઈશ્વર માટે સૌથી મહત્ત્વનું તો એ છે કે આપણાથી જે કંઈ થઈ શકે એ રાજીખુશીથી કરીએ.—માથ. ૬:૩૩; માર્ક ૧૪:૮; ૨ કોરીં. ૯:૭.
ઈસુના મરણ વખતે અને એ પછીના સમયમાં
ઈસુ ‘ગાલીલમાં હતા ત્યારે તેમની પાછળ ચાલીને સેવા કરતી સ્ત્રીઓ’ ઈસુના મરણ વખતે હાજર હતી. તેમજ, ‘તેમની સાથે યરુશાલેમમાં આવેલી બીજી ઘણી સ્ત્રીઓ’ પણ ત્યારે હાજર હતી. એ સ્ત્રીઓમાં યોહાન્ના પણ હોય શકે. (માર્ક ૧૫:૪૧) ઈસુના શબને દફનાવવા માટે વધસ્તંભ પરથી ઉતારવામાં આવ્યું એ સમયે, ‘જે સ્ત્રીઓ તેમની સાથે ગાલીલથી આવી હતી, તેઓ પણ કબર જોવા ગઈ. અને ઈસુનું શબ કઈ રીતે મૂક્યું હતું એ જોયું. તેઓએ પાછી આવીને સુગંધી તથા અત્તર તૈયાર કર્યાં.’ સાબ્બાથ પછી એ સ્ત્રીઓ કબરે પાછી આવી. ત્યારે તેઓએ સ્વર્ગદૂતોને જોયા, જેઓએ કહ્યું કે ઈસુ સજીવન થયા છે. લુક પ્રમાણે એ સ્ત્રીઓમાં ‘મરિયમ માગદાલેણ, યોહાન્ના અને યાકૂબની મા મરિયમ’ હતી.—લુક ૨૩:૫૫–૨૪:૧૦.
યરુશાલેમમાં સાલ ૩૩ પેન્તેકોસ્તના દિવસે ભરાયેલી સભામાં ઈસુના શિષ્યો સાથે તેમની માતા અને ભાઈઓ પણ હાજર હતા. બની શકે કે એ સભામાં યોહાન્ના પણ હાજર હતાં. (પ્રે.કૃ. ૧:૧૨-૧૪) અમુક લોકોનું માનવું છે કે હેરોદ આંતીપાસ વિશેની અંગત જાણકારી લુકને યોહાન્ના દ્વારા મળી હોય શકે. કારણ કે યોહાન્નાનો પતિ, રાજા હેરોદ માટે કામ કરતો હતો. તેથી, સમજી શકાય કે શા માટે બાઇબલના લેખકોમાંથી ફક્ત લુકે યોહાન્નાનો ઉલ્લેખ કર્યો છે.—લુક ૮:૩; ૯:૭-૯; ૨૩:૮-૧૨; ૨૪:૧૦.
યોહાન્નાના અહેવાલ પરથી આપણે મહત્ત્વનો બોધપાઠ શીખી શકીએ. તેમણે ઈસુની સેવામાં બનતું બધું જ કર્યું. તેમણે આપેલાં પ્રદાનોથી ઈસુને, તેમના ૧૨ શિષ્યોને અને તેમની જોડે મુસાફરી કરતા બીજા લોકોને સાક્ષીકામમાં મદદ મળી. એનાથી યોહાન્નાને ચોક્કસ ખુશી થઈ હશે. યોહાન્નાએ વફાદારીથી ઈસુની સેવા કરી. ઈસુ તેમજ અનુયાયીઓ પર આવેલી કસોટીઓ દરમિયાન યહોન્ના વફાદાર રહ્યાં. એ કેટલી સારી વાત છે કે આજે આપણી બહેનો પણ યોહાન્નાએ બતાવેલા સારા ગુણોને અનુસરે છે!