શું તમે યહોવાહની ચેતવણીને ધ્યાનમાં લો છો?
“માર્ગ આ છે, તે પર તમે ચાલો.”—યશા. ૩૦:૨૧.
૧, ૨. શેતાન શું કરવા માંગે છે? બાઇબલ આપણને કઈ રીતે મદદ કરે છે?
ધારો કે તમે મંજિલ તરફ જઈ રહ્યા છો. પણ રસ્તામાં આપેલી નિશાનીનું બોર્ડ ફેરવી નાખેલું છે, જેથી તમે મંજિલથી ફંટાઈ જાવ. પણ મિત્રએ તમને પહેલેથી ચેતવ્યા છે કે કોઈ ખરાબ વ્યક્તિએ બોર્ડ ફેરવી નાખ્યું છે. તમે ચોક્કસ મિત્રએ આપેલી ચેતવણી ધ્યાનમાં લેશો.
૨ ખરાબ વ્યક્તિની જેમ શેતાન આપણને સત્યના માર્ગથી ફંટાવા માગે છે. (પ્રકટી. ૧૨:૯) આગળના લેખમાં આપણે ત્રણ જોખમો વિષે જોઈ ગયા, જે આપણને યહોવાહના માર્ગથી દૂર લઈ જઈ શકે. એ જોખમોનો ઉપયોગ કરીને શેતાન આપણને હંમેશ માટેના જીવનના માર્ગથી ફંટાવા ઇચ્છે છે. (માથ. ૭:૧૩, ૧૪) વળી, એ પણ શીખ્યા કે આપણા મિત્ર યહોવાહ, શેતાનની ચાલાકીઓ વિષે જણાવે છે. હવે આપણે બીજી ત્રણ ચેતવણી જોઈશું જેનાથી શેતાન આપણને માર્ગથી ફંટાવા કોશિશ કરે છે. એ પણ જોઈશું કે બાઇબલ કઈ રીતે એ જોખમોથી દૂર રહેવા મદદ કરે છે. જ્યારે બાઇબલ વાંચતા હોઈએ ત્યારે કલ્પના કરી શકીએ કે યહોવાહ આપણી પાછળ ચાલી રહ્યા છે. તે જાણે કહે છે, “માર્ગ આ છે, તે પર તમે ચાલો.” (યશા. ૩૦:૨૧) આ જોખમો વિષે શીખવાથી આપણને યહોવાહનું કહ્યું કરવાની વધારે પ્રેરણા મળશે.
“ખોટા ઉપદેશકો” પાછળ ન જાવ
૩, ૪. (ક) ખોટા શિક્ષકો શા માટે સૂકાઈ ગયેલા કૂવા જેવા છે? (ખ) મોટા ભાગના ખોટા શિક્ષકો ક્યાંથી ઊભા થાય છે? તેઓનો મકસદ શું છે?
૩ ધારો કે તમે રણમાંથી પસાર થઈ રહ્યા છો. તમારું ગળું સૂકાય છે. થોડે દૂર તમને એક કૂવો દેખાય છે. પાણીની આશાએ તમે ત્યાં જાવ છો પણ કૂવો તો સાવ સૂકાઈ ગયો છે. તમે ઘણા નિરાશ થઈ જાવ છો! આપણે કહી શકીએ કે પાણી એ યહોવાહ પાસેથી આવેલું સત્ય છે. સૂકાઈ ગયેલો કૂવો એ ખોટા ગુરુઓ છે. જેઓ એવા ગુરુઓ પાસે સત્યનું પાણી પીવાની આશા રાખે છે, તેઓ તરસ્યા રહી જાય છે. યહોવાહે પાઊલ અને પીતર દ્વારા તેઓથી દૂર રહેવાની ચેતવણી આપી છે. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૯, ૩૦; ૨ પીતર ૨:૧-૩ વાંચો.) આ ખોટા શિક્ષકો કોણ છે? પાઊલ અને પીતરના લખાણમાંથી આપણે જાણી શકીએ છીએ કે તેઓ ક્યાંથી આવે છે, અને કેવી રીતે લોકોને ગેરમાર્ગે દોરે છે.
૪ એફેસસના વડીલોને પાઊલે લખ્યું કે ‘તમારા પોતાનામાંથી પણ કેટલાક માણસો ઊભા થશે અને અવળી વાતો બોલશે.’ પીતરે અનેક મંડળને જણાવ્યું કે ‘તમારામાંથી પણ ખોટા ઉપદેશકો ઊભા થશે.’ કદાચ એ ખોટા શિક્ષકો મંડળમાંથી ઊભા થશે. એ ખોટા શિક્ષકો એવી વ્યક્તિઓ છે, જેઓ યહોવાહની ભક્તિ વિરુદ્ધ જાય છે. આવી વ્યક્તિઓ શું કરશે? પાઊલ જણાવે છે કે તેઓ મંડળ છોડી દેશે અને બીજા ‘શિષ્યોને પોતાની પાછળ ખેંચી જવા’ પ્રયત્ન કરશે. અહીં પાઊલ, જે શિષ્યોની વાત કરે છે એ મંડળના ભાઈ-બહેનોની વાત કરતા હતા. ખોટા શિક્ષકો મંડળના ભાઈ-બહેનોને જ શિકાર બનાવે છે. ઈસુએ ખોટા શિક્ષકોને વરુઓ સાથે સરખાવ્યા જેઓ ઘેટાંનો શિકાર કરે છે. તેઓનો મકસદ, મંડળના ભાઈ-બહેનોની શ્રદ્ધા તોડવાનો અને સત્યથી દૂર લઈ જવાનો છે.—માથ. ૭:૧૫; ૨ તીમો. ૨:૧૮.
૫. ખોટા શિક્ષકો લોકોને છેતરવા શું કરે છે?
૫ ખોટા શિક્ષકો લોકોને છેતરવા શું કરે છે? જેમ દાણચોર ચોરીછૂપીથી વસ્તુ દેશમાં ઘૂસાડે, એવી રીતે ખોટા શિક્ષકો “ગુપ્ત રીતે” મંડળમાં ખોટા વિચારો ઘૂસાડે છે. જેમ ગુનેગારો ખોટા કાગળિયાં ઊભા કરે, એમ ખોટા શિક્ષકો “કપટી વાતો”ને સત્ય તરીકે રજૂ કરે છે. તેઓ લોકોને છેતરીને પોતાનું શિક્ષણ સ્વીકારવા પ્રયત્ન કરે છે. પીતરે કહ્યું હતું કે તેઓ પોતાના વિચારો મનાવવા શાસ્ત્રનો ‘મારીમચડીને અવળો અર્થ’ કાઢશે. (૨ પીત. ૨:૧, ૩; ૩:૧૬) ખોટા શિક્ષકોને આપણી કંઈ પડી નથી. જો આપણે તેઓને અનુસરીશું તો હંમેશ માટેના જીવનના માર્ગથી ભટકી જઈશું.
૬. ખોટા શિક્ષકો વિરુદ્ધ બાઇબલ કેવી ચેતવણી આપે છે?
૬ આપણે ખોટા શિક્ષકોથી કઈ રીતે બચી શકીએ? બાઇબલ એનો જવાબ આપે છે. (રૂમી ૧૬:૧૭; ૨ યોહાન ૯-૧૧ વાંચો.) એમાં સ્પષ્ટ જણાવ્યું છે કે ‘તેઓથી દૂર રહો.’ માની લો કે ડૉક્ટર તમને સલાહ આપે છે કે જીવલેણ ચેપી રોગના દર્દીથી દૂર રહો. તમે જરૂર ડૉક્ટરની એ ચેતવણી ધ્યાનમાં લેશો. ખોટા શિક્ષકો પાસે “દલીલબાજીની બીમારી” છે, જે જીવલેણ છે. તેઓ એનો ચેપ બીજાને લગાવવા પ્રયત્ન કરે છે. (૧ તિમો. ૬:૩, ૪, ઈઝી-ટુ-રીડ વર્ઝન) યહોવાહ એક સારા ડૉક્ટરની જેમ આપણને ચેતવે છે કે ચેપ લગાડનાર ખરાબ શિક્ષકોથી દૂર રહીએ. આપણે હંમેશાં તેમની ચેતવણી ધ્યાનમાં લેવી જોઈએ.
૭, ૮. (ક) ખોટા શિક્ષકોથી દૂર રહેવા શું કરવું જોઈએ? (ખ) તમે કેમ ખોટા શિક્ષકોથી દૂર રહેવા મક્કમ પગલાં લો છો?
૭ ખોટા શિક્ષકોથી દૂર રહેવા શું કરવું જોઈએ? તેઓની સાથે વાત ન કરો, ઘરે ન બોલાવો, તેઓના પુસ્તકો ન વાંચો. ટી.વી.માં તેઓ વિષેના પ્રોગ્રામ ન જુઓ. તેઓની વેબસાઈટ ન જુઓ કે એમાં કોઈ કોમેન્ટ ન લખો. આપણે કેમ આવી બાબતોથી દૂર રહેવું જ જોઈએ? પહેલું કારણ એ છે કે આપણે ‘સત્યના ઈશ્વર’ યહોવાહને ચાહીએ છીએ. એ માટે આપણે બાઇબલ સત્યની વિરુદ્ધનું શિક્ષણ સાંભળવા માગતા નથી. (ગીત. ૩૧:૫; યોહા. ૧૭:૧૭) બીજું કારણ એ છે કે સત્ય શીખવવા યહોવાહ જે સંસ્થાનો ઉપયોગ કરે છે, એને આપણે ચાહીએ છીએ. વિચાર કરો કે એ સંસ્થાએ તમને કેવી બાબતો શીખવી છે: યહોવાહનું નામ અને એનો અર્થ; પૃથ્વી માટેનો તેમનો હેતુ; મરણ પછી શું થાય છે; સજીવન થવાની આશા, વગેરે વગેરે. જ્યારે પહેલી વાર તમે બાઇબલ સત્ય શીખ્યા ત્યારે કેટલા ખુશ હતા! ધ્યાન રાખો કે ખોટા શિક્ષકોના જૂઠને સાચું માની ન લો. નહિતર તમે યહોવાહની સંસ્થા વિરુદ્ધ ચાલ્યા જશો.—યોહા. ૬:૬૬-૬૯.
૮ ખોટા શિક્ષકો ગમે તે કહે આપણે તેમની પાછળ દોરાવું ન જોઈએ. સૂકાઈ ગયેલા કૂવા જેવા ખોટા શિક્ષકો પાછળ જનારા જરૂર નિરાશ થશે. પણ આપણે યહોવાહ અને તેમની સંસ્થાને વળગી રહેવું જોઈએ, જે આપણને ક્યારેય નિરાશ નહિ કરે. એ હંમેશાં આપણને બાઇબલમાંથી સત્યનું શુદ્ધ પાણી ભરપૂર રીતે આપતી રહે છે.—યશા. ૫૫:૧-૩; માથ. ૨૪:૪૫-૪૭.
“કલ્પિત વાતો” ન સાંભળો
૯, ૧૦. પાઊલે તીમોથીને કલ્પિત વાતો વિષે કેવી ચેતવણી આપી? પાઊલ કેવી વાર્તાઓ વિષે વાત કરતા હતા? (ફૂટનોટ જુઓ.)
૯ રસ્તા પરનું બોર્ડ ફેરવીને કોઈ આપણને મંજિલથી ફંટાવી શકે. કેટલીક વાર આપણે પારખી શકીએ કે બોર્ડ ખોટી દિશા બતાવે છે, પણ કોઈ વાર એ સહેલું નથી. શેતાનનું જૂઠ પણ એવું જ છે. જો આપણે સાવચેત નહિ રહીએ તો કેટલુંક જૂઠ આપણને ભમાવી શકે. પાઊલ આ જૂઠને “કલ્પિત વાતો” તરીકે ઓળખાવે છે. (૧ તીમોથી ૧:૩, ૪ વાંચો.) આ કલ્પિત વાતો શું છે? આપણે કઈ રીતે એને ટાળી શકીએ? આ સવાલોના જવાબ ધ્યાનમાં રાખવાની જરૂર છે, જેથી આપણે જીવનના માર્ગથી ફંટાઈ ન જઈએ.
૧૦ કલ્પિત વાતો વિષેની ચેતવણી પાઊલે લખેલા તીમોથીના પહેલા પત્રમાં જોવા મળે છે. તીમોથી એક વડીલ હતા, એટલે પાઊલે તેમને ઉત્તેજન આપ્યું કે મંડળને શુદ્ધ રાખે. ઉપરાંત યહોવાહને વફાદાર રહેવા ભાઈ-બહેનોને મદદ કરે. (૧ તીમો. ૧:૧૮, ૧૯) “કલ્પિત વાતો” માટે પાઊલે વાપરેલા ગ્રીક શબ્દનો અર્થ થાય “જૂઠ” કે “બનાવેલી વાર્તા.” બનાવેલી વાર્તા વિષે એક પુસ્તક જણાવે છે કે એ ધાર્મિક દંતકથાઓ છે, જેને સત્ય સાથે દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી. (ધ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બાઇબલ એન્સાઇક્લોપીડિયા) કદાચ પાઊલ અહીં એવી ધાર્મિક વાર્તાઓની વાત કરતા હતા જે લોકોને સાંભળવી ગમે.a પાઊલ જણાવે છે કે આવી વાર્તાઓ ખતરનાક છે, કારણ કે એનાથી “ખાલી વાદવિવાદો” ઊભા થાય છે. જે લોકો આવી વાતો તરફ ધ્યાન આપે છે, તેઓને કેવી અસર થાય છે? તેઓના મનમાં અનેક સવાલો ઊભા થાય છે, જેના જવાબો શોધવામાં ઘણો સમય વેડફાઈ જાય છે. શેતાન આવી વાર્તાઓ અને દંતકથાઓ લોકોના મનમાં ઠસાવવા પ્રયત્ન કરે છે, જેથી તેઓ અગત્યની બાબતો બાજુએ મૂકી દે. એટલે પાઊલે ચોખ્ખા શબ્દોમાં જણાવ્યું હતું: કલ્પિત વાતોથી દૂર રહો!
૧૧. જૂઠા ધર્મો દ્વારા શેતાન કઈ રીતે લોકોને છેતરે છે? આપણે કઈ ચેતવણી ધ્યાનમાં લેવી જોઈએ?
૧૧ ખોટી વાર્તાઓમાં શું આવી જાય છે? એવી કોઈ પણ વાત જે ‘સત્ય તરફ આડા કાન કરાવે.’ (૨ તીમો. ૪:૩, ૪) બાઇબલ કહે છે કે “શેતાન પોતે પ્રકાશના દૂતનો વેશ લે છે.” (૨ કોરીં. ૧૧:૧૪) તે માણસોએ બનાવેલા ધર્મોનો ઉપયોગ કરીને લોકોને છેતરે છે. જેમ કે, ચર્ચમાં શીખવે છે કે ઈસુની પાછળ ચાલો, પણ તેઓ નરક અને ત્રૈક્ય જેવી ખોટી માન્યતા શીખવે છે. મરણ પછી આપણામાં કંઈક બાકી રહે છે એવું પણ શીખવે છે. ઘણાને લાગે છે કે નાતાલ અને ઈસ્ટરથી ઈશ્વર ખુશ થાય છે, પણ એ તહેવારો તો જૂઠા ધર્મોમાંથી આવ્યા છે. ખોટી વાતોમાં આવી ન જઈએ એ માટે શું કરવું જોઈએ? જૂઠા ધર્મોથી દૂર રહેવાની પરમેશ્વરની ચેતવણી ધ્યાનમાં લઈએ અને ‘મલિન વસ્તુને અડકીએ નહિ.’—૨ કોરીં. ૬:૧૪-૧૭.
૧૨, ૧૩. (ક) શેતાનના ત્રણ જૂઠ કયાં છે? પણ હકીકત શું છે? (ખ) શેતાનની ખોટી વાતોમાં ફસાઈએ નહિ એ માટે શું કરવું જોઈએ?
૧૨ શેતાન બીજા પણ અનેક જૂઠાણાં ફેલાવે છે. ચાલો એમાંના ત્રણ જોઈએ. પહેલું જૂઠ: મન ફાવે એમ કરો. ખરું-ખોટું જાતે નક્કી કરો. આ જૂઠ ટીવી, મૅગેઝિન, છાપાં અને ઇન્ટરનેટ પર વારંવાર જોવા મળે છે. એટલે આપણે ખ્યાલ રાખવો જોઈએ, નહિતર આપણે અનૈતિક કામોમાં ફસાઈ જઈશું. પણ હકીકત એ છે કે આપણા ભલા માટે સૌથી સારું માર્ગદર્શન ફક્ત ઈશ્વર જ આપી શકે છે. (યિર્મે. ૧૦:૨૩) બીજું જૂઠ: ઈશ્વર પૃથ્વી પર કંઈ બદલાવ લાવવાના નથી. આ જૂઠથી લોકો ફક્ત આજનો જ વિચાર કરે છે. તેઓને ભવિષ્યની કે ઈશ્વરને ખુશ કરવાની કંઈ પડી નથી. આપણે કદાચ આવા લોકો જેવું વિચારી શકીએ અને ઈશ્વરની ભક્તિમાં “આળસુ તથા નિષ્ફળ” બની શકીએ. (૨ પીત. ૧:૮) હકીકત એ છે કે યહોવાહ જલદી જ પૃથ્વી પર મોટો ફેરફાર લાવવાના છે. તેથી આપણા જીવનથી બતાવી આપવું જોઈએ કે આપણને તેમનામાં પૂરો ભરોસો છે. (માથ. ૨૪:૪૪) ત્રીજું જૂઠ: ઈશ્વરને તમારી પડી નથી. શેતાન લોકોના મનમાં એવું ઠસાવવા માગે છે કે મનુષ્યમાં ખામીઓ છે, એટલે ઈશ્વર કદીયે તેઓને પ્રેમ નહિ કરે. જો આપણે આ જૂઠ માની લઈશું, તો કદાચ આપણે યહોવાહની ભક્તિ છોડી દઈશું. હકીકત તો એ છે કે યહોવાહ તેમના બધા ભક્તોને બહુ ચાહે છે. દરેકે દરેક તેમની નજરમાં કીમતી છે.—માથ. ૧૦:૨૯-૩૧.
૧૩ આપણે દુનિયાના લોકો જેવું ના વિચારીએ એ માટે સાવધ રહેવાની જરૂર છે. કોઈ વાર આપણને તેઓની માન્યતા અને વાતો ખરી લાગે. પણ યાદ રાખો કે શેતાનનો હેતુ આપણને છેતરવાનો છે, અને એમાં તે માહિર છે. શેતાનની ખોટી વાતોમાં ફસાઈએ નહિ એ માટે શું કરવું જોઈએ? બાઇબલની ચેતવણી ધ્યાનમાં લેવી જોઈએ.—૨ પીત. ૧:૧૬.
શેતાન પાછળ ન ચાલો
૧૪. કેટલીક યુવાન વિધવાઓને પાઊલે કઈ ચેતવણી આપી? દરેકે શા માટે એ ચેતવણીને ધ્યાનમાં લેવી જોઈએ?
૧૪ કલ્પના કરો કે રસ્તા પર બોર્ડ છે: ‘શેતાનનો માર્ગ.’ ચોક્કસ આપણે એ રસ્તે ફરકીશું પણ નહિ. પણ જો સાવધ નહિ રહીએ તો શેતાન પાછળ દોરવાઈ જઈશું. પાઊલે આપણને એ વિષે ચેતવણી આપી છે. (૧ તીમોથી ૫:૧૧-૧૫ વાંચો.) પાઊલ ખાસ કરીને એ સમયની કેટલીક યુવાન વિધવાઓ વિષે જણાવી રહ્યા હતા, પણ તેમનું લખેલું આપણને પણ લાગુ પડે છે. એ વિધવાઓને લાગતું ન હતું કે શેતાન પાછળ ચાલી રહી છે, પણ તેઓના કામ અને વાતોથી એ દેખાઈ આવતું હતું. આપણે પણ અજાણતા શેતાન પાછળ દોરવાઈ ન જઈએ એ માટે શું કરવું જોઈએ? કૂથલી ન કરવા વિષેની પાઊલની ચેતવણી ધ્યાનમાં લેવી જોઈએ.
૧૫. શેતાન શું ઇચ્છે છે? પાઊલે શેતાનની કઈ ચાલાકીઓ ખુલ્લી પાડી?
૧૫ શેતાનનો મકસદ એ છે કે આપણે લોકોને ખુશખબર ના જણાવીએ. (પ્રકટી. ૧૨:૧૭) તે ઇચ્છે છે કે આપણામાં ફૂટ પડે અથવા નકામી બાબતોમાં સમય વિતાવીએ. એ માટે શેતાન શું કરે છે એના વિષે પાઊલે આપણને જણાવ્યું છે. પાઊલના સમયમાં વિધવાઓ “આળસુ” બનતી હતી. તેઓ મોટા ભાગનો સમય “ઘેરઘેર ભટકીને” મિત્રો સાથે ગપ્પાં મારવામાં વેડફતી હતી. આપણે તેઓની જેમ ન કરીએ એનું ખાસ ધ્યાન રાખવાનું છે. ઉદાહરણ તરીકે, બિનજરૂરી અને કોઈક વાર ખોટી માહિતી રજૂ કરતા ઇ-મેલની આપ-લે કરીને બીજાનો સમય વેડફી શકીએ. તેમ જ મોબાઇલ પર નકામા મૅસેજ મોકલીને કે કામ વગરની વાતો કરીને પોતાનો અને બીજાનો સમય બગાડી શકીએ. પાઊલે એ પણ કહ્યું કે એ વિધવાઓ ‘કૂથલી’ કરતી હતી. કૂથલી કરવાથી બીજાની નિંદા પણ થઈ શકે. ઘણી વાર એ ઝઘડાનું કારણ બને છે. (નીતિ. ૨૬:૨૦) જેઓ બીજાઓ વિષે ખોટી વાત કરે છે, તેઓને ખબર પણ નથી પડતી કે શેતાન જેવા બની રહ્યા છે.b પછી, પાઊલે જણાવ્યું કે વિધવાઓ ‘બીજાઓના કામમાં માથાં મારતી હતી.’ કોઈને બીજાના કામમાં માથું મારવાનો હક નથી. આ ત્રણ બાબતોમાં ફસાઈશું તો આપણે યહોવાહે સોંપેલા અગત્યના કામ પર વિચાર નહિ કરીએ. જો પ્રચાર કરવાનું બંધ કરીએ તો શેતાન પાછળ ચાલીએ છીએ. જો શેતાન પાછળ ચાલીએ તો યહોવાહના વિરોધી કહેવાઈએ. હવે આપણા હાથમાં છે કે કોના પક્ષે રહીએ!—માત્થી ૧૨:૩૦.
૧૬. જો શેતાન પાછળ જવા ન માંગતા હોઈએ તો શું કરીશું?
૧૬ બાઇબલની ચેતવણીને ધ્યાન આપીશું તો શેતાન પાછળ ચાલીશું નહિ. એ માટે પાઊલે સરસ સલાહ આપી છે કે ‘પ્રભુના કામમાં સદા મચ્યા’ રહો. (૧ કોરીં. ૧૫:૫૮) જો યહોવાહના કામમાં મચ્યા રહીશું તો નકામી અને ખોટી વાતો માટે સમય નહિ હોય. (માથ. ૬:૩૩) પાઊલે બીજી બાબત જણાવી કે ‘ઉન્નતિ થાય’ એવું બોલીએ. (એફે. ૪:૨૯) કૂથલી કરશો નહિ, અને સાંભળશો પણ નહિ. (“હવામાં ઊડી ગયેલાં પીંછાં” બૉક્સ જુઓ.) આપણા ભાઈ-બહેનો પર વિશ્વાસ રાખો અને માન આપો. જો એમ કરશો તો તેઓના વિષે હંમેશાં સારી બાબતો નીકળશે. પાઊલે એ પણ જણાવ્યું કે ‘પોતપોતાનાં જ કામ કરવા’ પર ધ્યાન આપીએ. (૧ થેસ્સા. ૪:૧૧) આનો અર્થ એ નથી કે બીજાઓની ચિંતા ના કરવી જોઈએ. આપણે બીજાની સંભાળ રાખી શકીએ પણ માનથી એ કરીએ. વાતચીતમાં શું ધ્યાન રાખવું જોઈએ? કોઈ વાર ભાઈ-બહેનોને અંગત બાબતો વિષે વાત કરવી ન હોય, અથવા એ વિષે કોઈને ખબર પડે એવું ન ચાહતા હોય તો તેઓના કામમાં માથું ના મારીએ. તેઓ માટે આપણે નિર્ણય ના લઈએ.—ગલા. ૬:૫.
૧૭. (ક) યહોવાહ શા માટે આપણને ચેતવણી આપે છે? (ખ) આપણો નિર્ણય શું હોવો જોઈએ?
૧૭ શાનાથી દૂર રહેવું એ વિષે યહોવાહે સ્પષ્ટ ચેતવણી આપી છે. એ માટે આપણે તેમના કેટલા આભારી છીએ. યહોવાહ આપણને ખૂબ જ ચાહે છે એટલે આપણને ચેતવણી આપે છે. આપણે શેતાનથી છેતરાઈને હેરાન થઈએ એવું તે ચાહતા નથી. તેમણે જે રસ્તો બતાવ્યો છે એના પર ચાલવું અઘરું છે, પણ ફક્ત એ જ રસ્તો હંમેશ માટેના જીવનમાં લઈ જશે. (માથ. ૭:૧૪) માટે, હંમેશાં યહોવાહના આ શબ્દો પર ધ્યાન આપીએ: “માર્ગ આ છે, તે પર તમે ચાલો.”—યશા. ૩૦:૨૧. (w11-E 07/15)
[ફુટનોટ્સ]
a પાઊલના સમયમાં જે ખોટી વાર્તાઓ પ્રચલિત હતી એમાંનો એક દાખલો ટોબિત કે ટોબાયસનું પુસ્તક છે. ઘણાં લોકો એને બાઇબલનો એક ભાગ ગણતા હતા. હકીકતમાં એ ઈસુ ખ્રિસ્તના જન્મથી આશરે ૩૦૦ વર્ષ પહેલાં લખવામાં આવ્યું હતું. આ પુસ્તક અનેક ખોટી માન્યતા અને જાદુની વાતોથી ભરેલું છે. એ પુસ્તક, અશક્ય બનાવોને એક હકીકત તરીકે રજૂ કરે છે.—ઇન્સાઈટ ઓન ધ સ્ક્રીપ્ચર્સ, ગ્રંથ ૧, પાન ૧૨૨ જુઓ.
b મૂળ લખાણોમાં શેતાનને બીજો એક ખિતાબ આપવામાં આવે છે, જેનો અર્થ થાય ‘નિંદા કરનાર.’ એનું કારણ એ છે કે તે સૌથી પહેલું જૂઠ બોલ્યો હતો. જૂઠું બોલવાની શરૂઆત તેણે કરી હતી.—યોહા. ૮:૪૪; પ્રકટી. ૧૨:૯, ૧૦.
તમે શું કહેશો?
તમે કઈ રીતે બતાવી શકો કે નીચે આપેલી કલમોને ધ્યાનમાં લો છો?
[પાન ૧૯ પર બૉક્સ/ચિત્રો]
હવામાં ઊડી ગયેલાં પીંછાં
કૂથલી કેટલી નુકસાનકારક છે એ દર્શાવતી આ એક યહુદી વાર્તા છે.
એક વ્યક્તિ ગામના સૌથી ડાહ્યા માણસ વિષે જૂઠી વાત ફેલાવે છે. થોડા સમય પછી, જૂઠ ફેલાવનાર વ્યક્તિ ડાહ્યા માણસની માફી માંગે છે. તે કહે છે: ‘ભૂલનો મને પસ્તાવો થયો છે એ હું તમને કેવી રીતે બતાવું?’ ડાહ્યો માણસ જણાવે છે, ‘એક કામ કર, પીંછાંવાળું એક ઓશીકું લે. તેને ફાડ અને બધા પીંછાં હવામાં ઉડાડી દે.’ એ વ્યક્તિને સમજણ ન પડી પણ તેણે એ પ્રમાણે કર્યું.
પછી ડાહ્યા માણસ પાસે જઈને પૂછ્યું, ‘હવે તો તમે મને માફ કરશો ને?’
ડાહ્યો માણસ કહે છે, ‘પહેલા જઈને બધા પીંછાં ભેગાં કર.’
પેલી વ્યક્તિ કહે છે, ‘પણ આ તો શક્ય જ નથી, કેમ કે પવનથી બધા પીંછાં વિખેરાઈ ગયા છે.’
ડાહ્યા માણસે કહ્યું: ‘પીંછાંની જેમ તારું જૂઠ પણ બધે પ્રસરી ગયું છે. જેમ પીંછાં ભેગાં કરવા શક્ય નથી, તેમ લોકોના મનમાંથી મારા વિષેનું જૂઠ કાઢવું શક્ય નથી.’
બોધપાઠ એકદમ સ્પષ્ટ છે: બોલેલું બદલી શકાતું નથી. કેટલીક વાર એના લીધે આવતા ખરાબ પરિણામ પણ બદલી શકાતા નથી. માટે, કોઈના વિષે ખરાબ કહેતા પહેલાં વિચારજો કે આપણા શબ્દો હવામાં ઊડી ગયેલાં પીંછાં જેવા તો નથી ને!
[પાન ૧૬ પર ચિત્ર]
અમુક ભાઈ-બહેનો કઈ રીતે ખોટા શિક્ષકોને ઘરમાં બોલાવી શકે?