અપાર કૃપાને લીધે પાપની ગુલામીમાંથી આઝાદી મળી
“તમે . . . અપાર કૃપાને આધીન છો, એટલે પાપને તમારા પર રાજ કરવા ન દો.”—રોમ. ૬:૧૪.
૧, ૨. રોમનો ૫:૧૨ આપણને કઈ રીતે મદદ કરે છે?
રોમનો ૫:૧૨ જણાવે છે: “એક માણસથી દુનિયામાં પાપ આવ્યું અને પાપથી મરણ અને બધા માણસોએ પાપ કર્યું હોવાથી તેઓમાં મરણ ફેલાયું.” બાઇબલની એ કલમ આપણે સારી રીતે જાણીએ છીએ અને લોકોને બાઇબલમાંથી શીખવતી વખતે એનો વારંવાર ઉપયોગ કરીએ છીએ.
૨ પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકમાં એ કલમનો ઘણી વાર ઉપયોગ થયો છે. બાળકો અથવા બીજાઓ સાથે એ પુસ્તકમાંથી અભ્યાસ કરીએ છીએ ત્યારે, આપણે રોમનો ૫:૧૨ વાંચતા હોઈશું, ખાસ કરીને પ્રકરણ ૩, ૫ અને ૬નો અભ્યાસ કરતી વખતે. એ કલમ દ્વારા આપણે તેઓને સમજાવીએ છીએ કે, ધરતી માટે ઈશ્વરનો હેતુ શો છે, આપણને ઈસુના બલિદાનની કેમ જરૂર છે અને આપણે શા માટે મરણ પામીએ છીએ. જોકે, એ કલમ આપણને યહોવા સાથેના સંબંધની કદર વધારવા મદદ કરે છે. તેમ જ, યહોવાને ખુશ કરવાના આપણા નિર્ણયમાં વધુ મક્કમ બનવા અને તેમનાં વચનો પર દૃઢ આશા રાખવા મદદ કરે છે.
૩. આપણે હંમેશાં શું યાદ રાખવું જોઈએ?
૩ આપણે હંમેશાં યાદ રાખવું જોઈએ કે, આપણે બધા પાપી છીએ અને દરરોજ ભૂલો કરીએ છીએ! પણ યહોવા ખૂબ દયાળુ છે. તે જાણે છે કે આપણે ધૂળના બનેલા છીએ, માટે તે દયા બતાવવા આતુર રહે છે. (ગીત. ૧૦૩:૧૩, ૧૪) ઈસુએ કહ્યું હતું કે, આપણે પ્રાર્થનામાં ઈશ્વર પાસે પાપોની માફી માંગવી જોઈએ. (લુક ૧૧:૨-૪) યહોવા એક વાર આપણી ભૂલો માફી કરી દે, પછી આપણે એ ભૂલોના વિચારોમાં ડૂબેલા રહેવાની જરૂર નથી. ચાલો જોઈએ કે, યહોવા શાને આધારે પાપોની માફી આપે છે.
યહોવા કઈ રીતે માફી આપે છે?
૪, ૫. (ક) રોમનો ૫:૧૨ સમજવા આપણને ક્યાંથી મદદ મળે છે? (ખ) “અપાર કૃપા” એટલે શું?
૪ રોમનો ૫:૧૨ના શબ્દોનો પૂરો અર્થ સમજવા એની આસપાસની કલમો આપણને મદદ કરે છે, ખાસ કરીને અધ્યાય ૬. એ કલમો પરથી આપણે સમજી શકીએ છીએ કે યહોવા કઈ રીતે માફી આપે છે. પાઊલે અધ્યાય ૩માં જણાવ્યું કે આપણે “બધાએ પાપ કર્યું છે . . . પણ ખ્રિસ્ત ઈસુએ ચૂકવેલી છુટકારાની કિંમતથી જે મુક્તિ મળે છે, એના આધારે ઈશ્વરે અપાર કૃપા બતાવીને તેઓને ન્યાયી ઠરાવ્યા છે; આ તો ઈશ્વરે આપેલી ભેટ છે.” (રોમ. ૩:૨૩, ૨૪) “અપાર કૃપા” શબ્દો દ્વારા પાઊલ શું કહેવા માંગતા હતા? તેમણે જે ગ્રીક શબ્દ વાપર્યો હતો એનો અર્થ થાય કે, કંઈ પણ પાછું મેળવવાના ઇરાદા વગર આપેલી ભેટ. એ ભેટ કમાણી તરીકે અને લાયકાતને આધારે આપવામાં આવતી નથી, પણ એ ફક્ત આપનારની ઉદારતા પર આધારિત છે.
૫ બાઇબલમાં જ્યારે ઈશ્વર અથવા ખ્રિસ્તની અપાર કૃપાની વાત થાય છે, ત્યારે એ શાને દર્શાવે છે? એક નિષ્ણાત પ્રમાણે, મોટા ભાગના કિસ્સામાં એ યહોવા અને ખ્રિસ્તે માણસજાતને પાપ અને મરણમાંથી છોડાવવા જે કર્યું છે, એને દર્શાવે છે. તેથી, નવી દુનિયા ભાષાંતર ગુજરાતીમાં એ ગ્રીક શબ્દનું ભાષાંતર “અપાર કૃપા” કરવામાં આવ્યું છે. ચાલો જોઈએ કે ઈશ્વરે આપણા માટે શું કર્યું છે અને તેમની અપાર કૃપાથી હાલમાં કઈ રીતે ફાયદો થાય છે અને ભાવિ માટે કઈ આશા મળે છે.
૬. યહોવાની અપાર કૃપાથી કોને ફાયદો થાય છે?
૬ આદમે પાપ કર્યું હોવાથી આજ સુધી થઈ ગયેલા બધા માનવીઓ પાપ અને મરણના ભોગ બન્યાં છે. એ વિશે બાઇબલ કહે છે કે, “એક માણસના પાપને લીધે મરણે રાજા તરીકે રાજ કર્યું.” પરંતુ, યહોવાએ પોતાની અપાર કૃપાથી પ્રેરાઈને “એક માણસ એટલે કે, ઈસુ ખ્રિસ્ત દ્વારા” આપણને મરણની ગુલામીમાંથી છોડાવવા એક માર્ગ ખોલ્યો છે. (રોમ. ૫:૧૨, ૧૫, ૧૭) હા, “એક માણસે [ઈસુએ] આજ્ઞા માની તેથી ઘણા લોકો નેક ગણાશે.” અને તેઓ “હંમેશ માટેના જીવન”ની આશા રાખી શકે છે.—રોમ. ૫:૧૯, ૨૧.
૭. શા માટે કહી શકાય કે, બલિદાનની ભેટ યહોવાની અપાર કૃપાનો પુરાવો છે?
૭ આનો વિચાર કરો: યહોવાને પોતાના દીકરાનું બલિદાન આપવાની કોઈ મજબૂરી ન હતી. પરંતુ, આપણને પાપ અને મરણમાંથી છોડાવવા તેમણે અપાર કૃપા બતાવી છે. યહોવા અને ઈસુએ આપણા માટે જે કર્યું છે, એને આપણે જરાય લાયક નથી. તેઓએ આપણા માટે પાપોની માફી મેળવવી અને હંમેશ માટેનું જીવન શક્ય બનાવ્યું છે. એ માટે તેઓનો લાખ લાખ અહેસાન માનવો જોઈએ! આપણાં વાણી-વર્તનથી બતાવી આપવું જોઈએ કે, આપણે યહોવાના કેટલા આભારી છીએ!
યહોવાની અપાર કૃપા માટે આભારી બનીએ
૮. કેવું વલણ આપણે ટાળવું જોઈએ?
૮ આપણે જાણીએ છીએ કે આપણાં પાપોને માફ કરવા ઈશ્વર આતુર રહે છે, ગંભીર પાપોને પણ. પરંતુ, યહોવાની એ અપાર કૃપાનો દુરુપયોગ કરીને ખોટાં કામો કરવાં ન જોઈએ. એમ વિચારવું ન જોઈએ કે “યહોવા તો મને માફ કરી જ દેશે ને!” પહેલી સદીમાં અમુક પ્રેરિતો હજી તો જીવતા હતા તોપણ, અમુક ખ્રિસ્તીઓએ એવું વલણ બતાવ્યું હતું. (યહુદા ૪ વાંચો.) આજે, આપણે પણ ધ્યાન રાખવાની જરૂર છે કે, બીજાઓનું ખરાબ વલણ ધીરે ધીરે આપણામાં આવી ન જાય અને આપણે તેઓના રંગે રંગાઈ ન જઈએ.
૯, ૧૦. પાઊલ અને બીજા ઈશ્વરભક્તો કઈ રીતે પાપ અને મરણમાંથી મુક્ત થયા?
૯ પાઊલે ખ્રિસ્તીઓને જણાવ્યું હતું કે, એમ વિચારવું ખોટું છે કે તેઓ પાપ કરતા રહેશે અને ઈશ્વર તેઓને માફ કરતા રહેશે. પાઊલે તેઓને એવા વિચારોથી દૂર રહેવાનું જણાવ્યું. કારણ કે, તેઓ ‘પાપને લીધે મરણ પામ્યા’ હતા. (રોમનો ૬:૧, ૨ વાંચો.) એ શબ્દો દ્વારા પાઊલ શું કહેવા માંગતા હતા?
૧૦ ઈસુના બલિદાનને આધારે, યહોવાએ પાઊલ અને પહેલી સદીના બીજા લોકોના પાપ માફ કર્યાં. યહોવાએ તેઓને પવિત્ર શક્તિથી અભિષિક્ત કર્યા અને પોતાના પુત્રો બનાવ્યા. જો તેઓ વફાદાર રહેશે તો તેઓ ઈસુ સાથે સ્વર્ગમાંથી રાજ કરશે. જોકે, તેઓ પૃથ્વી પર છે ત્યારે, કઈ રીતે ‘પાપને લીધે મરણ પામ્યા’ કહેવાય? પાઊલ એવું કહેવા માંગતા હતા કે તેઓએ પૂરેપૂરી રીતે પોતાનું જીવન બદલી નાંખ્યું છે. તેમણે કહ્યું કે ઈસુને મરણ પામ્યા પછી, અવિનાશી જીવન માટે સજીવન કરવામાં આવ્યા. એટલે, “મરણનો તેમના પર કોઈ અધિકાર નથી.” એવી જ રીતે, ખ્રિસ્તીઓ પણ જાણે મરણ પામ્યા હતા. તેઓનું જીવન સાવ બદલાઈ ગયું હતું. કારણ કે હવે તેઓ પાપની ગુલામીમાંથી આઝાદ હતા. એ સમયથી, યહોવાને ખુશ કરવા તેઓએ બનતો પ્રયત્ન કર્યો હતો. તેઓ ‘પાપ માટે મરેલા હતા, પણ ઈશ્વર માટે ખ્રિસ્ત ઈસુ દ્વારા તેઓને જીવતા’ કરવામાં આવ્યા.—રોમ. ૬:૯, ૧૧.
૧૧. કાયમી જીવનની આશા રાખતા લોકો કઈ રીતે ‘પાપને લીધે મરણ પામ્યા’ છે?
૧૧ આપણા વિશે શું? કઈ રીતે “પાપને લીધે આપણે મરણ પામ્યા” છીએ? અગાઉ, આપણે ઘણાં પાપ કર્યાં હશે. પણ એ વખતે આપણે યહોવાના નિયમોથી અજાણ હતા. આપણે તો જાણે ‘અશુદ્ધતા અને દુષ્ટતાના દાસ’ એટલે કે “પાપના દાસ હતા.” (રોમ. ૬:૧૯, ૨૦) પરંતુ, બાઇબલમાંથી યહોવાના માર્ગો વિશે શીખ્યા ત્યારે, આપણે જીવનમાં ફેરફાર કર્યો અને સમર્પણ કરીને બાપ્તિસ્મા લીધું. યહોવાની આજ્ઞાઓ પાળવાની અને તેમની ઇચ્છા મુજબ જીવવાની આપણને દિલથી તમન્ના હતી. આમ, આપણે “પાપથી મુક્ત કરાયા હોવાથી સદાચારના દાસ બન્યા.”—રોમ. ૬:૧૭, ૧૮.
૧૨. આપણે કઈ પસંદગી કરવાની છે?
૧૨ પાઊલે કહ્યું હતું: “પાપને તમારા નાશવંત શરીરોમાં રાજા તરીકે રાજ કરવા ન દો, નહિ તો તમે શરીરની ઇચ્છાના ગુલામ બની જશો.” (રોમ. ૬:૧૨) આપણે પસંદગી કરવાની છે કે શું આપણે પાપી વિચારો અને ઇચ્છાઓને તાબે થઈ જઈશું કે એને કાબૂમાં રાખીશું. આ સવાલો પર વિચાર કરો: “શું ખોટી ઇચ્છાઓ એટલી પ્રબળ બની જાય છે કે હું ખોટું કામ કરી બેસું છું? કે પછી, તરત જ એને મનમાંથી કાઢી નાખું છું?” જો ઈશ્વરની અપાર કૃપાની દિલથી કદર કરતા હોઈશું, તો તેમને ખુશ કરવા બનતું બધું કરીશું.
તમે પાપ સામે લડી શકો છો
૧૩. આપણને શા માટે ખાતરી હોવી જોઈએ કે જે ખરું છે, એ આપણે કરી શકીએ છીએ?
૧૩ પ્રથમ સદીમાં, કોરીંથના અમુક લોકો સજાતીય સંબંધ બાંધનાર, લગ્ન બહાર જાતીય સંબંધ રાખનાર, ચોર, મૂર્તિપૂજક અને દારૂડિયા હતા. પરંતુ, જ્યારે તેઓએ યહોવા વિશે જાણ્યું અને તેમને પ્રેમ કરવા લાગ્યા, ત્યારે તેઓએ જીવનમાં બદલાણ કર્યું. તેઓને અગાઉનાં કામો પર શરમ આવતી હતી. (રોમ. ૬:૨૧; ૧ કોરીં. ૬:૯-૧૧) રોમન ખ્રિસ્તીઓએ પણ એવા ફેરફારો કરવાની જરૂર હતી. પાઊલે તેઓને કહ્યું: “પોતાના શરીરોને દુષ્ટતાનાં હથિયારો તરીકે પાપને ન સોંપો, પણ મરણમાંથી ઉઠાડવામાં આવેલા લોકોના જેવા પોતાને ઈશ્વર આગળ રજૂ કરો; વળી, તમારા શરીરોને પણ ઈશ્વર આગળ સદાચારનાં હથિયારો તરીકે રજૂ કરો.” (રોમ. ૬:૧૩) પાઊલને ભરોસો હતો કે એ ભાઈ-બહેનો જે ખરું છે એ કરશે અને યહોવાની અપાર કૃપાથી ફાયદો મેળવતા રહેશે.
૧૪, ૧૫. આપણે કયા સવાલો પર વિચાર કરવો જોઈએ?
૧૪ આપણા સમયનાં અમુક ભાઈ-બહેનો કોરીંથના લોકો જેવા હતા. પરંતુ, યહોવા વિશે જાણ્યા પછી, તેઓએ બદલાણ કર્યું અને પોતાને “ધોઈને શુદ્ધ” કર્યાં. યહોવાને ખુશ કરવા આપણે બધાએ જીવનમાં ફેરફાર કર્યા છે. આપણે આજે પણ યહોવાની અપાર કૃપા બદલ કદર બતાવવા ચાહીએ છીએ. તેથી, ખોટી ઇચ્છાઓ સામે લડવા અને આપણું જીવન યહોવાની સેવામાં અર્પી દેવા આપણે મક્કમ છીએ.
૧૫ કોરીંથના અમુક લોકોએ જે ગંભીર પાપ કર્યાં હતાં, એવાં પાપોથી આપણે દૂર રહેવું જોઈએ. આપણે એવી આશા ન રાખવી જોઈએ કે, એવાં ગંભીર પાપો કરીશું તોપણ યહોવા આપણા પર અપાર કૃપા બતાવશે અને માફ કરી દેશે. પણ, એવા પાપો વિશે શું જેને અમુક લોકો બહુ ગંભીર નથી માનતા? શું આપણે યહોવાને દરેક રીતે વફાદાર રહેવા પ્રયત્ન કરીએ છીએ?—રોમ. ૬:૧૪, ૧૭.
૧૬. શા માટે કહી શકીએ કે આપણે એવાં પાપોથી પણ દૂર રહેવાનું છે, જેનો ઉલ્લેખ પહેલો કોરીંથીઓ ૬:૯-૧૧માં નથી થયો?
૧૬ પ્રેરિત પાઊલનો વિચાર કરો. તેમણે લખ્યું હતું: “હું પાપી છું અને પાપને વેચાયેલો છું. હું સમજતો નથી કે હું શું કરી રહ્યો છું. કેમ કે હું જે ચાહું છું એ કરતો નથી, પણ જે ધિક્કારું છું એ કરું છું.” (રોમ. ૭:૧૪, ૧૫) ખરું કે, પહેલો કોરીંથીઓ ૬:૯-૧૧માં જણાવેલાં કામો તે કરતા ન હતા, પણ તેમણે કબૂલ્યું કે તેમણે પાપ કર્યું છે. તે યહોવાને ખુશ કરવા ચાહતા હતા, માટે પાપી ઇચ્છાઓ સામે લડત આપતા રહ્યા. (રોમનો ૭:૨૧-૨૩ વાંચો.) આપણે પાઊલનું અનુકરણ કરીએ અને યહોવાની આજ્ઞા પાળવા બનતું બધું જ કરીએ.
૧૭. તમે શા માટે પ્રમાણિક રહેવા ચાહો છો?
૧૭ દાખલા તરીકે, જો યહોવાની સેવા કરવી હોય, તો આપણે પ્રમાણિક હોવા જ જોઈએ. (નીતિવચનો ૧૪:૫; એફેસીઓ ૪:૨૫ વાંચો.) આપણે શેતાન જેવા બનવા માંગતા નથી, જે “જૂઠાનો બાપ છે.” બાઇબલ જણાવે છે કે, અનાન્યા અને સાફીરાએ જૂઠું બોલવાને લીધે જીવ ગુમાવ્યો હતો. (યોહા. ૮:૪૪; પ્રે.કા. ૫:૧-૧૧) એટલે, આપણે જૂઠું બોલતા નથી. પરંતુ, પ્રમાણિક હોવામાં જૂઠું ન બોલવા ઉપરાંત પણ ઘણું સમાયેલું છે. જો આપણે યહોવાની અપાર કૃપા માટે ખરેખર આભારી હોઈશું, તો આપણે બધી રીતે પ્રમાણિકતા જાળવીશું.
૧૮, ૧૯. પ્રમાણિક હોવાનો શો અર્થ થાય?
૧૮ કોઈ વ્યક્તિ જૂઠું બોલ્યા વગર પણ બેઈમાન બની શકે છે. યહોવાએ ઇઝરાયેલીઓને કહ્યું હતું: “તમે ચોરી ન કરો; તેમ જ તમે દગો ન કરો, ને એકબીજાની આગળ જૂઠું ન બોલો.” તેઓએ એમ શા માટે કરવાનું હતું? યહોવાએ એનું કારણ જણાવ્યું: “તમે પવિત્ર થાઓ; કેમ કે હું યહોવા તમારો ઈશ્વર પવિત્ર છું.” (લેવી. ૧૯:૨, ૧૧) ખરું કે આપણે જૂઠું બોલતા નથી. પરંતુ, જો આપણે બીજાઓને એવું કંઈક માનવા તરફ દોરી જઈએ જે સાચું નથી, તો આપણે બેઈમાની કરીએ છીએ.
૧૯ આ સંજોગનો વિચાર કરો. એક વ્યક્તિને નોકરી પરથી વહેલા જવાની મંજૂરી અથવા આખા દિવસની રજા જોઈએ છે. તે પોતાના બોસને અથવા સાથે કામ કરનારને કહે છે તેણે “ડૉક્ટરને મળવા” જવાનું છે. હકીકતમાં, વહેલા જવાનું મુખ્ય કારણ બીજું કંઈક છે. તેને ક્યાંક ફરવા જવાનું છે અને એટલે તે જલદી નીકળવા માંગે છે. ડૉક્ટરની મુલાકાત તો એક બહાનું છે; તેણે તો બસ કોઈ દવા લેવાની છે કે પછી ડૉક્ટરનું બીલ ચૂકવવાનું છે. તમને શું લાગે છે, એ વ્યક્તિ પ્રમાણિક છે કે પછી બીજાને છેતરી રહી છે? એ વ્યક્તિ લોકોને એવું કંઈક માનવા તરફ દોરી રહી છે, જે હકીકત નથી. અમુક વાર, લોકો કંઈક મેળવવા કે સજાથી બચવા લોકોને છેતરતા હોય છે. પણ, આપણે તો યહોવાની આજ્ઞા માનીએ છીએ. તેમણે કહ્યું હતું: “તમે દગો ન કરો.” યહોવાની નજરે જે ખરું અને પવિત્ર છે એ કરવા આપણે ચાહીશું, ખરું ને?
૨૦, ૨૧. જો આપણે ઈશ્વરની અપાર કૃપાના આભારી હોઈશું, તો કેવાં કામો ટાળીશું?
૨૦ આપણે વ્યભિચાર, દારૂડિયાપણું અને બીજા ગંભીર પાપોથી દૂર રહીએ છીએ. પરંતુ, આપણે એવા દરેક કામથી પણ દૂર રહેવાનું છે, જેનાથી યહોવા નારાજ થાય છે. દાખલા તરીકે, આપણે વ્યભિચારથી દૂર રહીએ છીએ, એટલું જ નહિ આપણે અનૈતિક મનોરંજન પણ ટાળીએ છીએ. આપણે દારૂના નશામાં ચકચૂર થઈ જતા નથી. અરે, એ હદ સુધી પણ દારૂ પીવાનું ટાળીએ છીએ, જ્યાં પોતાના પરથી કાબૂ ગુમાવવા લાગીએ. એવી લાલચોનો સામનો કરવા આપણે કદાચ સખત મહેનત કરવી પડે. એ મુશ્કેલ છે, પણ અશક્ય નથી.
૨૧ આપણે પાઊલના શબ્દો પ્રમાણે કરવાનો ધ્યેય બાંધવો જોઈએ. તેમણે કહ્યું હતું: “પાપને તમારા નાશવંત શરીરોમાં રાજા તરીકે રાજ કરવા ન દો, નહિ તો તમે શરીરની ઇચ્છાના ગુલામ બની જશો.” (રોમ. ૬:૧૨; ૭:૧૮-૨૦) ખરું કે, આપણે દરેક પ્રકારના પાપને ટાળી શકતા નથી. પરંતુ, દરેક પ્રકારના પાપની વિરુદ્ધ લડીને આપણે સાબિત કરીએ છીએ કે, યહોવા અને ઈસુની અપાર કૃપાના આપણે આભારી છીએ.
૨૨. યહોવાની અપાર કૃપાના આભારી હોઈશું તો, આપણને કયું ઇનામ મળશે?
૨૨ યહોવાએ આપણાં પાપ માફ કર્યાં છે અને ભાવિમાં પણ એમ કરતા રહેશે. તેમની અપાર કૃપા માટે તેમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. તેથી, ચાલો એવી દરેક બાબતથી દૂર રહેવા સખત મહેનત કરીએ, જે યહોવાને નારાજ કરે છે. ભલેને દુનિયાના લોકો એને પાપ ગણતા ન હોય, તોપણ એનાથી દૂર રહીએ. એમ કરીશું તો, આપણને કયું ઇનામ મળશે? પાઊલે કહ્યું: “હવે તમે પાપથી મુક્ત થયા છો અને ઈશ્વરના દાસ બન્યા છો. એટલે તમે પવિત્રતા પ્રમાણે ફળ ઉત્પન્ન કરો છો અને એનું પરિણામ હંમેશ માટેનું જીવન છે.”—રોમ. ૬:૨૨.