પરમેશ્વરને ખુશ કરતાં બલિદાનો
“દરેક પ્રમુખયાજક અર્પણો તથા બલિદાનો આપવાને નીમેલો છે.”—હેબ્રી ૮:૩.
“પરમેશ્વરને બલિદાન ચઢાવવું, તેમને પ્રાર્થના કરવા જેટલું જ ‘સ્વાભાવિક’ છે; બલિદાન ચઢાવીને મનુષ્ય પોતાને હૃદયથી વ્યક્ત કરે છે. પ્રાર્થના કરીને તે પરમેશ્વર વિષે કેવું અનુભવે છે એ બતાવે છે.” બાઇબલના એક ઇતિહાસકાર, આલ્ફ્રેડ એડરશાઈમે આ મુજબ લખ્યું. જગતમાં પાપ આવ્યું ત્યારથી, મનુષ્ય પોતાને દોષિત, પરમેશ્વરથી દૂર થવાનું દુઃખ અને પોતે કંઈ કરી ન શકતો હોવાનું દુઃખ અનુભવતો આવ્યો છે. એટલે જ લોકોને કોઈ સહારો મળતો નથી ત્યારે, મદદ મેળવવા તેઓ પરમેશ્વર તરફ ફરે છે.—રૂમી ૫:૧૨.
૨ બાઇબલમાં જોવા મળે છે કે સૌથી પહેલાં અર્પણો કાઈન અને હાબેલે ચઢાવ્યાં હતાં. આપણે વાંચીએ છીએ: “આગળ જતાં એમ થયું, કે કાઈન યહોવાહને સારૂ ભૂમિનાં ફળમાંથી કંઇ અર્પણ લાવ્યો. અને હાબેલ પણ પોતાનાં ઘેટાંબકરાંમાંનાં પહેલાં જન્મેલાં તથા પુષ્ટ લાવ્યો.” (ઉત્પત્તિ ૪:૩, ૪) પછી, નુહના સમયમાં પરમેશ્વર યહોવાહે દુષ્ટ લોકોનો જળપ્રલયથી નાશ કર્યો, પણ નુહ તથા તેમના કુટુંબને એમાંથી બચાવી લીધા. તેથી નુહે યહોવાહને સારુ “વેદી પર હોમ કર્યો.” (ઉત્પત્તિ ૮:૨૦) ઈબ્રાહીમ પરમેશ્વર યહોવાહના વફાદાર સેવક અને મિત્ર હતા. ઘણા પ્રસંગોએ, તેમણે પરમેશ્વરનાં વચનો અને આશીર્વાદોથી પ્રેરાઈને “વેદી બાંધી, ને યહોવાહને નામે પ્રાર્થના કરી.” (ઉત્પત્તિ ૧૨:૮; ૧૩:૩, ૪, ૧૮) પછીથી, ઈબ્રાહીમને એક સૌથી મુશ્કેલ કસોટીનો સામનો કરવો પડ્યો. યહોવાહ પરમેશ્વરે ઈબ્રાહીમને તેમના પુત્ર ઇસ્હાકનું બલિદાન આપવા જણાવ્યું. (ઉત્પત્તિ ૨૨:૧-૧૪) આમ, આવા ટૂંકા અહેવાલો આપણને બલિદાન વિષે ઘણું જણાવે છે જે આપણે આગળ જોઈશું.
૩ આ અહેવાલો આપણને જણાવે છે કે યહોવાહે બલિદાન આપવાના ચોક્કસ નિયમો આપ્યા, એ અગાઉથી જ લોકો બલિદાનો ચઢાવતા હતા. એ તેઓની ભક્તિનો મુખ્ય ભાગ હતો. એ વિષે એક પુસ્તક કહે છે કે, “બલિદાન એક ધાર્મિક વિધિ છે જેમાં પરમેશ્વરને કંઈક અર્પણ કરવામાં આવે છે. જેથી મનુષ્ય તેમની સાથે સારો સંબંધ બાંધી શકે અને એને જાળવી શકે.” પરંતુ એનાથી કેટલાક મહત્ત્વના પ્રશ્નો ઊભા થાય છે, જે વિચારવા જેવા છે. જેમ કે, પરમેશ્વરની ભક્તિ કરવામાં બલિદાનની જરૂર કેમ પડે છે? પરમેશ્વરને કયાં બલિદાનો પસંદ છે? વળી, અગાઉનાં બલિદાનોનું આજે શું મહત્ત્વ છે?
શા માટે બલિદાન જરૂરી છે?
૪ પ્રથમ મનુષ્ય આદમે જાણીજોઈને પાપ કર્યું હતું. તેણે જાણીજોઈને ભલુંભૂંડું જાણવાના વૃક્ષ પરથી ફળ તોડીને ખાધું અને આજ્ઞા તોડી. એની સજા મરણ હતી, જેમ પરમેશ્વરે સ્પષ્ટ કહ્યું હતું: “જે દિવસે તું ખાશે તેજ દિવસે તું મરશે જ મરશે.” (ઉત્પત્તિ ૨:૧૭) છેવટે, આદમ અને હવાએ પાપનું ફળ ભોગવ્યું, એટલે કે તેઓ મરણ પામ્યા.—ઉત્પત્તિ ૩:૧૯; ૫:૩-૫.
૫ પરંતુ, આદમના વંશજો વિષે શું? આદમે વારસામાં આપેલા પાપ અને અપૂર્ણતાને કારણે, તેઓ પણ પ્રથમ યુગલ જેવાં જ ફળો ભોગવે છે. આદમ અને હવાની જેમ તેઓ પણ પરમેશ્વરથી દૂર છે અને કોઈ આશા વિના મરણ પામે છે. (રૂમી ૫:૧૪) છતાં, યહોવાહ ફક્ત ન્યાયી અને શક્તિશાળી જ નહિ પણ પ્રેમાળ પરમેશ્વર છે. (૧ યોહાન ૪:૮, ૧૬) માટે જ તેમણે આપણી હાલત સુધારવા પહેલ કરી. બાઇબલ કહે છે કે, “પાપનો મૂસારો મરણ છે; પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવનું કૃપાદાન અનંતજીવન છે.”—રૂમી ૬:૨૩.
૬ યહોવાહ પરમેશ્વરે એક એવી ભેટ આપી જેનાથી આદમે જે ગુમાવ્યું હતું, એ પાછું મેળવવામાં આવ્યું. હેબ્રીમાં કાફર શબ્દનો અર્થ, “ઢાંકવું” કે “સાવ કાઢી નાખવું થાય છે.” તેમ જ, એનું ભાષાંતર “પ્રાયશ્ચિત” પણ થાય છે.a બીજા શબ્દોમાં, આદમે પોતાનાં બાળકોને વારસામાં પાપ આપ્યું. પરંતુ, યહોવાહ પરમેશ્વરે એને ઢાંકી દીધું અને એના કારણે થયેલા નુકસાનને સાવ કાઢી નાખ્યું. એનાથી પરમેશ્વર જેઓને એ ભેટ માટે યોગ્ય ગણે, તેઓને પાપ અને મરણની ગુલામીથી મુક્તિ મળી શકે છે.—રૂમી ૮:૨૧.
૭ પ્રથમ યુગલે પાપ કર્યું, એ જ સમયે પાપ અને મરણની ગુલામીમાંથી છુટકારો મળવાની આશા વિષે જણાવી દેવામાં આવ્યું હતું. સર્પના રૂપમાં રજૂ થનાર શેતાનને સજા કરતા, યહોવાહ પરમેશ્વરે કહ્યું: “તારી ને સ્ત્રીની વચ્ચે, તથા તારાં સંતાનની ને તેનાં સંતાનની વચ્ચે હું વેર કરાવીશ; તે તારૂં માથું છૂંદશે, ને તું તેની એડી છૂંદશે.” (ઉત્પત્તિ ૩:૧૫) આ ભવિષ્યવાણીથી એ વચનમાં વિશ્વાસ કરનારા સર્વ માટે આશાનું કિરણ ફૂટી નીકળ્યું. છતાં, એ છુટકારા માટે કિંમત ચૂકવવાની હતી. વચનનું સંતાન આવીને તરત જ શેતાનનો નાશ કરશે, એવું ન હતું; પણ પહેલા સંતાનની એડી છૂંદાશે, એટલે કે થોડા સમય માટે પણ તેણે મરવું પડશે.
૮ એમાં કોઈ શંકા નથી કે આદમ અને હવાએ વચનનું સંતાન કોણ હશે એ જાણવા બહુ વિચાર કર્યો હશે. એટલે જ હવાને પહેલો દીકરો કાઈન થયો ત્યારે, તેણે કહ્યું કે, “યહોવાહની કૃપાથી મને પુત્ર મળ્યો છે.” (ઉત્પત્તિ ૪:૧) શું હવાએ એમ વિચાર્યું હોય શકે કે તેનો આ પુત્ર જ વચનનું સંતાન હશે? તેણે એમ વિચાર્યું હશે કે નહિ એ આપણે જાણતા નથી, પરંતુ કાઈન અને તેના બલિદાનોનો યહોવાહે સ્વીકાર કર્યો નહિ. જોકે તેના ભાઈ હાબેલે પરમેશ્વરના વચન પર પૂરો વિશ્વાસ મૂક્યો અને યહોવાહને પોતાના ઘેટાં-બકરાંમાંથી પહેલા જન્મેલાનું બલિદાન ચઢાવ્યું. આપણે વાંચીએ છીએ: “વિશ્વાસથી હાબેલે કાઈનના કરતાં વધારે સારૂં બલિદાન દેવને આપ્યું, તેથી તે ન્યાયી છે, એવી તેના સંબંધમાં સાક્ષી પૂરવામાં આવી.”—હેબ્રી ૧૧:૪.
૯ હાબેલમાં ફક્ત એ જ વિશ્વાસ ન હતો કે કોઈ એક પરમેશ્વર છે, કેમ કે એવો વિશ્વાસ તો કાઈનમાં પણ હતો. પરંતુ, હાબેલને પરમેશ્વરે આપેલા સંતાનના વચનમાં પૂરો વિશ્વાસ હતો કે એનાથી સર્વ વફાદાર મનુષ્યોનો જરૂર ઉદ્ધાર થશે. જો કે એ કઈ રીતે પૂરું થશે એની હાબેલને ખબર ન હતી. પરંતુ, પરમેશ્વરના વચનથી તેમને એ ખબર હતી કે કોઈની એડી છૂંદવામાં આવશે. એ વચન પર ખૂબ વિચાર કર્યા પછી તેમને ખબર પડી કે બલિદાન આપવામાં લોહી વહેવડાવવું જરૂરી હતું. તેથી, હાબેલે જીવન આપનાર પરમેશ્વરને એવું અર્પણ કર્યું, જેમાં જીવ અને લોહી હોય. એનાથી તે બતાવવા માંગતા હોય શકે કે પોતે યહોવાહના વચન પૂરાં થવાની કેટલી બધી ઇચ્છા રાખે છે! હાબેલના એવા વિશ્વાસને લીધે પરમેશ્વર યહોવાહ તેમના બલિદાનથી ખુશ થયા. કંઈક અંશે, એ બલિદાને જ બતાવ્યું કે કઈ રીતે પાપી મનુષ્યો પરમેશ્વરની કૃપા મેળવી શકે.—ઉત્પત્તિ ૪:૪; હેબ્રી ૧૧:૧, ૬.
૧૦ યહોવાહ પરમેશ્વરે ઈબ્રાહીમને પોતાના પુત્ર ઇસ્હાકનું અર્પણ કરવાની આજ્ઞા આપી ત્યારે, બલિદાનનો અર્થ સ્પષ્ટ કરવામાં આવ્યો. જોકે એ બલિદાન આપવાની પછી જરૂર પડી નહિ છતાં, એણે એ ચિત્રિત કર્યું કે ભાવિમાં યહોવાહ પરમેશ્વર પોતાના એકના એક પુત્રનું મહાન બલિદાન આપવાના હતા. જેથી મનુષ્યો માટેની તેમની ઇચ્છા પૂરી થાય. (યોહાન ૩:૧૬) યહોવાહે મુસાના નિયમોમાં બલિદાનો અને અર્પણો ચઢાવવા માટે નિયમો આપીને પોતાના પસંદ કરેલા લોકોના ભાવિ માટે એક રીત નક્કી કરી. જેથી એ પ્રમાણે કરીને તેઓ શીખે કે પોતાના પાપોની માફી અને ઉદ્ધાર મેળવવા શું કરવું જોઈએ. એનાથી આપણે શું શીખી શકીએ?
યહોવાહને ગમતાં બલિદાનો
૧૧ પ્રેષિત પાઊલ કહે છે, “દરેક પ્રમુખયાજક . . . ભેટો અને બલિદાનો લાવવા માટે નીમાયેલો હોય છે.” (હેબ્રી ૮:૩, IBSI.) નોંધ કરો કે પ્રાચીન ઈસ્રાએલના પ્રમુખયાજક જે બલિદાનો ચઢાવતા, એને પાઊલ બે વર્ગમાં વહેંચે છે. એ “ભેટો” અને “બલિદાનો” અથવા ‘પાપને માટે બલિદાનો’ હતા. (હેબ્રી ૫:૧, IBSI.) લોકો પ્રેમ અને કદર બતાવવા તથા મિત્રતા કે સારા સંબંધ બાંધવા, કે પછી કંઈ કામ કરાવવા ભેટો આપે છે. (ઉત્પત્તિ ૩૨:૨૦; નીતિવચન ૧૮:૧૬) એ જ રીતે, નિયમશાસ્ત્રનાં ઘણાં અર્પણો પરમેશ્વરની કૃપા મેળવવા અને ગાઢ સંબંધ બાંધવા માટે હતા, જેને “ભેટો” ગણી શકાય.b નિયમશાસ્ત્રનો ભંગ કરવામાં આવે તો, એ ‘પાપોને સારૂ બલિદાનો’ આપવાં પડતાં. બાઇબલનાં પ્રથમ પાંચ પુસ્તકો, ખાસ કરીને નિર્ગમન, લેવીય અને ગણનાનાં પુસ્તકો જુદાં જુદાં બલિદાનો અને અર્પણો વિષે વિગતવાર જણાવે છે. જોકે એ બધી માહિતી યાદ રાખવી સહેલી નથી છતાં, એ બલિદાનોના અમુક મુખ્ય મુદ્દાઓ ધ્યાનમાં રાખવાથી આપણને ખરેખર લાભ થશે.
૧૨ લેવીય પુસ્તકના એકથી સાત અધ્યાયો મુખ્ય પાંચ પ્રકારનાં બલિદાનો વિષે જણાવે છે, જેમાંના અમુક એક સાથે આપવામાં આવતાં હતાં. એ છે, દહન કરેલું અર્પણ, અન્નનું અર્પણ, શાંતિનું અર્પણ, પાપ માટેનું અર્પણ અને દોષ માટેનું અર્પણ. તેમ જ, એ અધ્યાયોમાં આ અર્પણોનું વર્ણન બે વખત અલગ અલગ હેતુથી કરવામાં આવ્યું. એક વાર લેવીય ૧:૨–૬:૭માં વેદી પર શું અર્પણ કરવું એની વિગતો મળી આવે છે. બીજી વાર, લેવીય ૬:૮–૭:૩૬ બતાવે છે કે અર્પણોનો અમુક ભાગ યાજકો માટે અને અમુક ભાગ અર્પણ કરનાર માટે અલગ રાખવો. પછી, ગણના અધ્યાય ૨૮ અને ૨૯ જણાવે છે કે કયાં બલિદાનો દરરોજ, દર અઠવાડિયે, દર મહિને અને દર વર્ષે ઉત્સવો વખતે ચઢાવવા જોઈએ.
૧૩ પરમેશ્વરની કૃપા મેળવવા સ્વેચ્છાએ ભેટ તરીકે અપાતાં અર્પણોમાં દહન કરેલાં અર્પણ, અન્નનાં અર્પણ અને શાંતિનાં અર્પણો હતાં. કેટલાક પંડિતો માને છે કે “દહન કરેલાં અર્પણ” માટેના હેબ્રી શબ્દનો અર્થ, “ઉપર ચડાવવાનું અર્પણ” અથવા “ઉપર ચડતું અર્પણ” થાય છે. એ અર્થ પ્રમાણે બરાબર છે કારણ કે દહન કરેલાં અર્પણમાં અપાતા પ્રાણીને વેદી પર બાળવામાં આવતાં હતાં. એની મીઠી સુગંધ ઉપર સ્વર્ગ તરફ પરમેશ્વર પાસે જતી હતી. દહન કરેલાં અર્પણનું ખાસ પાસું એ હતું કે પ્રાણીનું લોહી વેદીની આસપાસ છાંટીને, સમગ્ર પ્રાણીનું બલિદાન પરમેશ્વરને અપાતું હતું. યાજકો “વેદી પર તે સઘળાંનું દહન કરે, તે યહોવાહને સારૂ સુવાસિત દહનીયાર્પણ એટલે હોમયજ્ઞ છે.”—લેવીય ૧:૩, ૪, ૯; ઉત્પત્તિ ૮:૨૧.
૧૪ અન્નના અર્પણ વિષે લેવીયનો બીજો અધ્યાય જણાવે છે. એ અર્પણ ભેટ હતું, જેમાં તેલમાં મોહેલો મેંદો અને લોબાન પણ હતા. યાજક “તેમાંથી એક મુઠ્ઠીભર મેંદો તથા તેલ ને તે પરનો સઘળો લોબાન લે; અને યાજક યાદગીરીને માટે યહોવાહને સારૂ સુવાસિત હોમયજ્ઞ તરીકે વેદી પર તેનું દહન કરે.” (લેવીય ૨:૨) મંડપ અને મંદિરમાં ધૂપવેદી પર બાળવામાં આવતા પવિત્ર ધૂપમાં લોબાન પણ હતું. (નિર્ગમન ૩૦:૩૪-૩૬) એ વિષે દાઊદ રાજાએ આમ કહ્યું: “મારી પ્રાર્થના તારી સંમુખ ધૂપ જેવી થાઓ, અને મારા હાથોનું ઊંચું થવું તે સંધ્યાકાળના યજ્ઞ જેવું થાઓ.”—ગીતશાસ્ત્ર ૧૪૧:૨.
૧૫ લેવીયનો ત્રીજો અધ્યાય બીજા એક સ્વેચ્છાએ કરેલાં અર્પણ, એટલે કે “શાંતિનાં અર્પણ” વિષે જણાવે છે. હેબ્રીમાં “શાંતિ” શબ્દનો અર્થ, ફક્ત યુદ્ધ અને ઝઘડા ન હોવાથી પણ વધારે છે. મુસાના નિયમશાસ્ત્રનો અભ્યાસ (અંગ્રેજી) પુસ્તક કહે છે: “બાઇબલમાં એનો અર્થ, યુદ્ધ અને ઝઘડા ન હોવા, પરમેશ્વર સાથે શાંતિ હોવી તથા સુખી અને આનંદી હોવું” થાય છે. આમ, શાંતિનાં અર્પણો પરમેશ્વરની કૃપા મેળવવા જ નહિ, પણ તેમની કદર બતાવવા અપાતાં હતાં. એ પરમેશ્વરના ભક્તો જે આશીર્વાદો અને શાંતિનો આનંદ માણે છે, એની ઉજવણી કરવા માટે હતાં. લોહી અને ચરબી યહોવાહને અર્પણ કર્યા પછી, યાજકો અને અર્પણ કરનાર એ બલિદાન ખાતા. (લેવીય ૩:૧૭; ૭:૧૬-૨૧; ૧૯:૫-૮) આ સાંકેતિક છતાં સુંદર રીતે અર્પણ કરનાર, યાજકો અને યહોવાહ પરમેશ્વર સાથે ભોજન કરતા હતા, જે તેઓ વચ્ચે શાંતિપૂર્ણ સંબંધ બતાવતું હતું.
૧૬ પાપોની માફી કે નિયમશાસ્ત્ર વિરુદ્ધ જવાનો પસ્તાવો કરવા માટે બલિદાનો ચઢાવવામાં આવતા હતાં. એમાં પાપ માટેનાં અર્પણ અને દોષ માટેનાં અર્પણનો પણ સમાવેશ થાય છે. આ બલિદાનો વેદી પર બાળવામાં આવતાં હતાં, છતાં એ દહન કરેલાં અર્પણથી અલગ હતાં. એમાં સમગ્ર પ્રાણી નહિ, પણ ચરબી અને અમુક ભાગો પરમેશ્વરને ચઢાવવામાં આવતા હતા. બાકીના ભાગોનો છાવણીની બહાર નિકાલ થતો કે અમુક કિસ્સામાં એ યાજકો ખાતા હતા. આ તફાવત નોંધપાત્ર છે. દહન કરેલાં અર્પણ પરમેશ્વર પાસે જવા માટે ભેટ તરીકે અપાતાં હતાં, એટલે કે એ સમગ્ર પ્રાણી પરમેશ્વરને ચઢાવાતાં હતાં. વળી, પાપ માટેનાં અર્પણ કે દોષ માટેનાં અર્પણ ચડાવ્યા પછી જ દહન કરેલાં અર્પણ અપાતાં હતાં. એ સૂચવે છે કે પાપી વ્યક્તિની ભેટ યહોવાહ સ્વીકારે એ પહેલાં પાપોની માફી જરૂરી હતી.—લેવીય ૮:૧૪, ૧૮; ૯:૨, ૩; ૧૬:૩, ૫.
૧૭ કોઈ નબળાઈને કારણે મુસાના નિયમ વિરુદ્ધ અજાણતા પાપ કર્યું હોય તો જ પાપ માટેનાં અર્પણનો સ્વીકાર થતો. “જે કૃત્યો કરવાની યહોવાહે મના કરી છે, તેઓમાંના કોઈ વિષે કોઈ જન અજાણે પાપમાં પડીને તેઓમાંનું કાંઈ કૃત્ય કરે” તો, પાપ કરનારે સમાજમાં પોતાના મોભા અને શક્તિ અનુસાર પાપ માટેનું અર્પણ ચઢાવવું. (લેવીય ૪:૨, ૩, ૨૨, ૨૭) પરંતુ, પસ્તાવો નહિ કરનારા પાપીને મારી નાખવામાં આવતો; તેને માટે કોઈ બલિદાન ન હતું.—નિર્ગમન ૨૧:૧૨-૧૫; લેવીય ૧૭:૧૦; ૨૦:૨, ૬, ૧૦; ગણના ૧૫:૩૦; હેબ્રી ૨:૨.
૧૮ લેવીયના પાંચમા અને છઠ્ઠા અધ્યાયમાં દોષ માટેનાં અર્પણનો અર્થ અને એના હેતુની સમજણ મળી આવે છે. ધારો કે કોઈ અજાણતા પાપ કરે તોપણ તે પોતાના સાથી અથવા યહોવાહ પરમેશ્વરનો દોષી છે. એટલે તેણે એ દોષનું નુકસાન ભરપાઈ કરી આપવું જ જોઈએ. આ અધ્યાયોમાં જુદા જુદા પ્રકારનાં પાપ જણાવવામાં આવ્યા છે. એમાં કેટલાંક અજાણતા કરેલાં પાપ છે. (લેવીય ૫:૨-૬) કેટલાંક “યહોવાહની પવિત્ર વસ્તુઓ” વિરુદ્ધનાં પાપ છે. (લેવીય ૫:૧૪-૧૬) વળી, કેટલાંક પાપ અજાણતા ન કર્યાં હોય, પણ ખોટી ઇચ્છા કે નબળાઈથી કર્યાં હોય એવા પાપ છે. (લેવીય ૬:૧-૩) આવા પાપ કરનારે એનો સ્વીકાર કરીને, જરૂરી વળતર ચૂકવવું પડતું. એ પછી, તે યહોવાહ પરમેશ્વરને દોષ માટેનું અર્પણ ચઢાવતો હતો.—લેવીય ૬:૪-૭.
કંઈક વધારે સારું
૧૯ આ અર્પણો અને બલિદાનો જણાવતું મુસાનું નિયમશાસ્ત્ર કેમ આપવામાં આવ્યું હતું? વચનનું સંતાન આવે ત્યાં સુધી, ઈસ્રાએલીઓ પરમેશ્વર પાસે જઈને તેમની કૃપા અને આશીર્વાદ મેળવી શકે એ માટે નિયમશાસ્ત્ર આપવામાં આવ્યું હતું. યહુદી પ્રેષિત પાઊલ કહે છે: “આપણે વિશ્વાસથી ન્યાયી ઠરીએ, માટે એ રીતે આપણને ખ્રિસ્તની પાસે લાવવા સારૂ નિયમશાસ્ત્ર આપણો બાળશિક્ષક હતું.” (ગલાતી ૩:૨૪) પરંતુ, દુઃખની વાત છે કે એક રાષ્ટ્ર તરીકે ઈસ્રાએલે એની કદર ન કરી અને એ લહાવો જતો કર્યો. તેથી, તેઓએ કરેલાં ઘણાં બલિદાનોથી યહોવાહ પરમેશ્વર નાખુશ થયા. તેમણે કહ્યું: “હું ઘેટાનાં દહનીયાર્પણથી તથા માતેલાં જાનવરોના મેદથી ધરાઇ ગયો છું; અને ગોધા, હલવાન તથા બકરાનું રક્ત મને ભાવતું નથી.”—યશાયાહ ૧:૧૧.
૨૦ યહુદી સમાજ અને એનું મંદિર તથા યાજકોનો ૭૦ની સાલમાં અંત આવ્યો. એ પછી, નિયમશાસ્ત્ર પ્રમાણે બલિદાનો ચઢાવવાં અશક્ય હતાં. પરંતુ, બલિદાનો તો નિયમશાસ્ત્રનો મુખ્ય ભાગ હતો. શું એનો અર્થ એમ થાય કે આજે યહોવાહ પરમેશ્વરના ભક્તો માટે એનો કોઈ જ અર્થ નથી? હવે પછીના લેખમાં એની ચર્ચા કરવામાં આવશે.
[ફુટનોટ્સ]
a વૉચટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી દ્વારા પ્રકાશિત પુસ્તક, ઈન્સાઇટ ઓન ધ સ્ક્રિપ્ચર્સ સમજાવે છે: “બાઇબલ પ્રમાણે, મૂળ ભાષામાં ‘પ્રાયશ્ચિત’ શબ્દનો અર્થ, ‘ઢાંકવું’ કે ‘બદલવું’ થાય છે. વસ્તુના બદલામાં કે ‘ઢાંકવા’ માટે જે આપવામાં આવે, એ પહેલાના જેવું જ હોવું જોઈએ. . . . આદમે જે ગુમાવ્યું એની બરાબર પ્રાયશ્ચિત કરવા માટે સંપૂર્ણ માનવ જીવનનું બલિદાન જરૂરી હતું.”
b ઘણી વાર “અર્પણ” ભાષાંતર થતો હેબ્રી શબ્દ કુરબાન છે. યહોવાહનો ભય ન રાખનારા શાસ્ત્રીઓ તથા ફરોશીઓને ઈસુએ ખુલ્લા પાડ્યા એ વિષે માર્કે લખ્યું ત્યારે, તેમણે “કુરબાન”નું પરમેશ્વરને “અર્પિતદાન” તરીકે વર્ણન કર્યું હતું.—માર્ક ૭:૧૧.
શું તમે સમજાવી શકો?
• યહોવાહને બલિદાન ચઢાવવાની પ્રેરણા પ્રાચીન વફાદાર ભક્તોને ક્યાંથી મળી?
• શા માટે બલિદાનો જરૂરી હતાં?
• નિયમશાસ્ત્રમાં મુખ્ય બલિદાનો અને એના હેતુ જણાવો.
• પાઊલના જણાવ્યા પ્રમાણે, નિયમશાસ્ત્ર અને એના બલિદાનોનો શું હેતુ હતો?
[અભ્યાસ પ્રશ્નો]
૧. શા માટે લોકો પરમેશ્વર તરફ ફરે છે?
૨. બાઇબલ પરમેશ્વરના કયા ભક્તો વિષે જણાવે છે, જેઓ બલિદાન ચઢાવતાં હતાં?
૩. પરમેશ્વરની ભક્તિમાં બલિદાન કયો ભાગ ભજવે છે?
૪. આદમ અને હવાએ કરેલા પાપનું શું પરિણામ આવ્યું?
૫. શા માટે યહોવાહે આદમના વંશજો માટે પહેલ કરી અને તેમણે તેઓ માટે શું કર્યું?
૬. આદમના પાપથી થયેલા નુકસાનને ભરપાઈ કરવા યહોવાહે શું કર્યું?
૭. (ક) પરમેશ્વરે શેતાનને ફરમાવેલી સજામાં, કયું આશાનું કિરણ ફૂટી નીકળ્યું? (ખ) મનુષ્યોને પાપ અને મરણમાંથી છોડાવવા કઈ કિંમત ચૂકવવાની હતી?
૮. (ક) શા માટે યહોવાહે કાઈન અને તેના બલિદાનનો નકાર કર્યો? (ખ) પરમેશ્વરે શા માટે હાબેલનું બલિદાન સ્વીકાર્યું?
૯. (ક) હાબેલે શામાં વિશ્વાસ મૂક્યો અને એ કઈ રીતે જોવા મળે છે? (ખ) હાબેલના અર્પણે શું સિદ્ધ કર્યું?
૧૦. ઈબ્રાહીમને ઇસ્હાકનું અર્પણ કરવાનું કહીને યહોવાહે કઈ રીતે બલિદાનનો અર્થ સ્પષ્ટ કર્યો?
૧૧. ઈસ્રાએલના પ્રમુખ યાજક કયાં બે પ્રકારનાં અર્પણો ચઢાવતાં હતાં, અને શા માટે?
૧૨. બાઇબલમાં નિયમશાસ્ત્રમાંના બલિદાનો કે અર્પણોનું વર્ણન ક્યાં જોવા મળે છે?
૧૩. પરમેશ્વરને ભેટ તરીકે અપાતાં અર્પણોનું વર્ણન કરો.
૧૪. અન્નનું અર્પણ કઈ રીતે ચઢાવવામાં આવતું હતું?
૧૫. શાંતિનાં અર્પણો શા માટે ચઢાવવામાં આવતાં હતાં?
૧૬. (ક) પાપ માટેનાં અર્પણ અને દોષ માટેનાં અર્પણ શા માટે ચઢાવવામાં આવતાં હતાં? (ખ) એ દહન કરેલાં અર્પણથી કઈ રીતે અલગ હતાં?
૧૭, ૧૮. શા માટે પાપ માટેનાં અર્પણ ચઢાવવામાં આવતાં હતાં અને દોષ માટેનાં અર્પણનો હેતુ શું હતો?
૧૯. નિયમશાસ્ત્ર મુજબ બલિદાનો ચઢાવતાં હોવા છતાં, ઈસ્રાએલીઓ કેમ પરમેશ્વરની કૃપા પામ્યા નહિ?
૨૦. નિયમશાસ્ત્ર અને બલિદાનોનું ૭૦ની સાલમાં શું થયું?
[પાન ૧૪ પર ચિત્ર]
હાબેલનું બલિદાન માન્ય થયું કેમ કે તેમણે યહોવાહના વચનમાં પૂરેપૂરો ભરોસો બતાવ્યો
[પાન ૧૫ પર ચિત્ર]
શું તમે આ પ્રસંગના મહત્ત્વની કદર કરો છો?