લેવીય
૧૭ યહોવાએ મૂસાને આગળ કહ્યું: ૨ “હારુન, તેના દીકરાઓ અને બધા ઇઝરાયેલીઓને જણાવ કે, ‘યહોવાએ આ આજ્ઞા આપી છે:
૩ “‘“કોઈ પણ ઇઝરાયેલી માણસ અર્પણ માટેનો આખલો કે ઘેટો કે બકરી છાવણીની અંદર અથવા બહાર ન કાપે. ૪ એના બદલે તે એ પ્રાણીને યહોવાના મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ લાવીને યહોવાને અર્પણ તરીકે રજૂ કરે. જો તે માણસ પ્રાણીને છાવણીની અંદર અથવા બહાર કાપે, તો તેના માથે લોહીનો દોષ લાગશે. તેણે લોહી વહેવડાવ્યું છે માટે તેને મારી નાખવો. ૫ એ નિયમ આપવાનું કારણ એ છે કે, ઇઝરાયેલીઓ હવેથી અર્પણનાં પ્રાણીઓને મેદાનમાં ન કાપે. પણ એ પ્રાણીઓને યહોવા પાસે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ યાજક પાસે લાવે. ઇઝરાયેલીઓ એ અર્પણ યહોવાને શાંતિ-અર્પણ તરીકે ચઢાવે.+ ૬ યાજક એ પ્રાણીનું લોહી યહોવાની વેદી પર છાંટે, જે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ છે. પછી યાજક એ પ્રાણીની ચરબી આગમાં ચઢાવે. એની સુવાસથી યહોવા ખુશ* થાય છે.+ ૭ હવેથી તેઓ એ દુષ્ટ દૂતોને* અર્પણો ન ચઢાવે,+ જેઓની ભક્તિ કરીને* તેઓ મને બેવફા બન્યા છે.+ પેઢી દર પેઢી એ નિયમ હંમેશ માટે છે.”’
૮ “તું તેઓને જણાવ કે, ‘કોઈ પણ ઇઝરાયેલી અથવા તમારી વચ્ચે રહેતો કોઈ પણ પરદેશી મન ફાવે એ જગ્યાએ અગ્નિ-અર્પણ કે બલિદાન ન ચઢાવે. ૯ એના બદલે એ અર્પણ તે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ લાવીને યહોવાને રજૂ કરે. જે કોઈ એવું ન કરે, તેને મારી નાખવો.+
૧૦ “‘જો કોઈ ઇઝરાયેલી અથવા કોઈ પરદેશી જરા પણ લોહી ખાય,+ તો હું મારું મોં તેનાથી ચોક્કસ ફેરવી લઈશ અને તેને મારી નાખીશ. ૧૧ દરેક પ્રાણીનો જીવ* તેના લોહીમાં છે.+ મેં પોતે તમને એ લોહી આપ્યું છે, જેથી તમે વેદી પર+ પોતાનાં પાપનું પ્રાયશ્ચિત્ત કરી શકો. લોહીમાં જીવ* હોવાથી એના દ્વારા પાપોનું પ્રાયશ્ચિત્ત થાય છે.+ ૧૨ એટલે જ મેં ઇઝરાયેલીઓને કહ્યું છે: “તમારામાંથી કોઈએ લોહી ખાવું નહિ. અરે, તમારી વચ્ચે રહેતા પરદેશીએ+ પણ લોહી ખાવું નહિ.”+
૧૩ “‘જો કોઈ ઇઝરાયેલી અથવા કોઈ પરદેશી શિકાર કરે અને એવા જંગલી જાનવર કે પક્ષીને પકડે, જેનું માંસ ખાવાની છૂટ છે, તો તે એનું લોહી જમીન પર રેડીને+ એને માટીથી ઢાંકી દે. ૧૪ દરેક પ્રકારના પ્રાણીનો જીવ તેના લોહીમાં છે, કેમ કે લોહીમાં જીવ છે. તેથી મેં ઇઝરાયેલીઓને કહ્યું છે: “તમે કોઈ પણ પ્રાણીનું લોહી ન ખાઓ, કેમ કે લોહીમાં જીવ છે. જે કોઈ લોહી ખાશે તેને મારી નાખવામાં આવશે.”+ ૧૫ જો કોઈ ઇઝરાયેલી અથવા પરદેશી એવા પ્રાણીનું માંસ ખાય, જે તેને મરેલું મળ્યું હોય અથવા જંગલી જાનવરે ફાડી ખાધું હોય,+ તો તે પોતાનાં કપડાં ધૂએ અને સ્નાન કરે. તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.+ પછી તે શુદ્ધ ગણાય. ૧૬ પણ જો તે કપડાં ન ધૂએ અને સ્નાન ન કરે, તો તેણે પોતાના અપરાધની સજા ભોગવવી પડશે.’”+