લેવીય
૪ યહોવાએ મૂસાને આગળ કહ્યું: ૨ “ઇઝરાયેલીઓને કહે કે, ‘જો કોઈ માણસ અજાણતાં યહોવાની આજ્ઞા તોડીને પાપ કરે,+ તો આમ થવું જોઈએ:
૩ “‘જો અભિષિક્ત* યાજક*+ પાપ+ કરે અને લોકો પર દોષ લાવે, તો પોતાના પાપ માટે તે ખોડખાંપણ વગરનો આખલો પાપ-અર્પણ* તરીકે યહોવાને ચઢાવે.+ ૪ તે આખલાને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ યહોવા સામે લાવે.+ તે આખલાના માથા પર પોતાનો હાથ મૂકે અને યહોવા આગળ એને કાપે.+ ૫ પછી અભિષિક્ત યાજક+ આખલાનું થોડું લોહી લઈને મુલાકાતમંડપની અંદર જાય. ૬ ત્યાર બાદ, યાજક પોતાની આંગળી લોહીમાં બોળે+ અને એને પવિત્ર સ્થાનના* પડદા સામે યહોવા આગળ સાત વાર છાંટે.+ ૭ યાજક થોડું લોહી ધૂપવેદીનાં* શિંગડાં* પર પણ લગાવે,+ જે મુલાકાતમંડપની અંદર યહોવા આગળ છે. તે બાકી રહેલું લોહી અગ્નિ-અર્પણની વેદીના તળિયે રેડી દે,+ જે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે છે.
૮ “‘પછી યાજક પાપ-અર્પણના આખલાની આ બધી ચરબી કાઢે: આંતરડાં પરની ચરબી, આંતરડાં ફરતેની ચરબી, ૯ કમર પાસેનાં બે મૂત્રપિંડ અને એની ઉપરની ચરબી. બંને મૂત્રપિંડ સાથે કલેજા ઉપરની ચરબી પણ કાઢે.+ ૧૦ જેમ યાજક શાંતિ-અર્પણના આખલાની ચરબી કાઢે છે,+ તેમ આ આખલાની પણ ચરબી કાઢે. પછી યાજક અગ્નિ-અર્પણની વેદી પર એને આગમાં ચઢાવે.
૧૧ “‘પણ આખલાનું ચામડું, એનું માંસ, એનું માથું, એના પગ, એનાં આંતરડાં અને એનું છાણ,+ ૧૨ એટલે કે આખલાના બાકી રહેલા ભાગોને યાજક છાવણીની બહાર સાફ જગ્યાએ લઈ જાય, જ્યાં રાખ* ફેંકી દેવામાં આવે છે. એ જગ્યાએ યાજક એને લાકડાં પર અગ્નિથી બાળે.+ જ્યાં રાખ ફેંકવામાં આવે છે, ત્યાં જ એને બાળવામાં આવે.
૧૩ “‘હવે જો બધા ઇઝરાયેલીઓ અજાણતાં પાપ કરીને દોષિત ઠરે,+ પણ મંડળ* જાણતું ન હોય કે તેઓએ યહોવાની આજ્ઞા તોડી છે+ ૧૪ અને જો પછીથી પાપની જાણ થાય, તો મંડળ પાપ-અર્પણ તરીકે એક આખલો ચઢાવે. તેઓ એને મુલાકાતમંડપ આગળ લાવે ૧૫ અને યહોવા આગળ ઇઝરાયેલના વડીલો આખલાના માથા પર પોતાનો હાથ મૂકે. પછી આખલાને યહોવા આગળ કાપે.
૧૬ “‘અભિષિક્ત યાજક આખલાનું થોડું લોહી લઈને મુલાકાતમંડપની અંદર જાય. ૧૭ ત્યાર બાદ, યાજક પોતાની આંગળી લોહીમાં બોળે અને એને પડદા+ સામે યહોવા આગળ સાત વાર છાંટે. ૧૮ તે થોડું લોહી વેદીનાં+ શિંગડાં પર પણ લગાવે, જે મુલાકાતમંડપની અંદર યહોવા આગળ છે. પછી યાજક બાકી રહેલું લોહી અગ્નિ-અર્પણની વેદીના તળિયે રેડી દે, જે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર+ પાસે છે. ૧૯ તે બધી ચરબી કાઢે અને વેદી પર આગમાં ચઢાવે.+ ૨૦ પાપ-અર્પણ માટે ચઢાવેલા આખલાની જેમ જ તે આ આખલાને પણ બાળે. એ વિધિ પ્રમાણે જ તે બધું કરે. આ રીતે, યાજક લોકો માટે પ્રાયશ્ચિત્ત કરશે+ અને તેઓનાં પાપ માફ કરવામાં આવશે. ૨૧ પહેલા આખલાની+ જેમ જ યાજક આ આખલાને પણ છાવણીની બહાર લઈ જઈને બાળે. એ મંડળ માટે પાપ-અર્પણ છે.+
૨૨ “‘હવે જો મુખી+ અજાણતાં યહોવાની આજ્ઞા તોડીને પાપ કરે અને દોષિત ઠરે ૨૩ અથવા જો પછીથી તેને જાણ થાય કે તેણે આજ્ઞા તોડીને પાપ કર્યું છે, તો તે અર્પણ તરીકે ખોડખાંપણ વગરનો એક બકરો ચઢાવે. ૨૪ તે બકરાના માથા પર પોતાનો હાથ મૂકે. અગ્નિ-અર્પણ માટે જ્યાં પ્રાણી કાપવામાં આવે છે, ત્યાં તે એને યહોવા આગળ કાપે.+ એ પાપ-અર્પણ છે. ૨૫ યાજક પાપ-અર્પણનું થોડું લોહી આંગળીથી લે અને અગ્નિ-અર્પણની વેદીનાં શિંગડાં પર લગાવે.+ બાકી રહેલું લોહી તે અગ્નિ-અર્પણની વેદીના તળિયે રેડી દે.+ ૨૬ શાંતિ-અર્પણની જેમ યાજક આ અર્પણની ચરબી પણ વેદી પર આગમાં ચઢાવે.+ આ રીતે, તે મુખીના પાપ માટે પ્રાયશ્ચિત્ત કરશે અને તેનું પાપ માફ કરવામાં આવશે.
૨૭ “‘હવે જો દેશનો કોઈ રહેવાસી અજાણતાં યહોવાની આજ્ઞા તોડીને પાપ કરે અને દોષિત ઠરે+ ૨૮ અથવા જો પછીથી તેને જાણ થાય કે તેણે પાપ કર્યું છે, તો પોતાના પાપ માટે તે ખોડખાંપણ વગરની એક બકરી અર્પણ તરીકે ચઢાવે. ૨૯ તે પાપ-અર્પણ માટેની બકરીના માથા પર પોતાનો હાથ મૂકે. અગ્નિ-અર્પણ માટે જ્યાં પ્રાણી કાપવામાં આવે છે, ત્યાં તે એને કાપે.+ ૩૦ યાજક એનું થોડું લોહી આંગળીથી લે અને અગ્નિ-અર્પણની વેદીનાં શિંગડાં પર લગાવે. તે બાકી રહેલું લોહી વેદીના તળિયે રેડી દે.+ ૩૧ શાંતિ-અર્પણની+ જેમ યાજક આ બકરીની પણ ચરબી કાઢે.+ પછી યાજક વેદી પર એને આગમાં ચઢાવે. એની સુવાસથી યહોવા ખુશ* થાય છે. આ રીતે, યાજક તે રહેવાસી માટે પ્રાયશ્ચિત્ત કરશે અને તેનું પાપ માફ કરવામાં આવશે.
૩૨ “‘પણ જો તે રહેવાસી પાપ-અર્પણ માટે ઘેટાનું બચ્ચું ચઢાવે, તો એ ખોડખાંપણ વગરનું માદા બચ્ચું હોય. ૩૩ તે પાપ-અર્પણ માટેના બચ્ચાના માથા પર પોતાનો હાથ મૂકે. અગ્નિ-અર્પણ માટે જ્યાં પ્રાણી કાપવામાં આવે છે,+ ત્યાં તે એને કાપે. ૩૪ યાજક પાપ-અર્પણનું થોડું લોહી આંગળીથી લે અને અગ્નિ-અર્પણની વેદીનાં શિંગડાં પર લગાવે.+ તે બાકી રહેલું લોહી વેદીના તળિયે રેડી દે. ૩૫ જેમ યાજક શાંતિ-અર્પણના નર ઘેટાની ચરબી કાઢે છે, એમ આ બચ્ચાની પણ બધી ચરબી કાઢે. પછી યહોવા માટે આગમાં ચઢાવવાના અર્પણ ઉપર યાજક એને વેદી પર ચઢાવે.+ આ રીતે, યાજક તે રહેવાસીના પાપ માટે પ્રાયશ્ચિત્ત કરશે અને તેનું પાપ માફ કરવામાં આવશે.+