આજે કોણ ઈશ્વરનું નામ રોશન કરે છે?
“અમારા પ્રભુ તથા દેવ [યહોવાહ], મહિમા, માન તથા સામર્થ્ય પામવાને તું જ યોગ્ય છે.” —પ્રકટીકરણ ૪:૧૧.
વર્ષ ૧૯૪૦માં સ્વિટ્ઝર્લૅન્ડનો જોર્જ ડે મેસ્ટ્રલ નામનો એક એન્જિનિયર તેના કૂતરાને બહાર ફરવા લઈ ગયો હતો. તે પાછો ઘરે આવ્યો ત્યારે તેને બહુ જ નવાઈ લાગી કે તેના કૂતરા પર ઘણાં નાના બી ચોંટેલાં હતાં. અરે, તેના કપડાં પર પણ ચોંટેલાં હતાં. તે તરત જ માઈક્રોસ્કોપથી (બિલોરી કાચથી) આ બી જોવા લાગ્યો. તે જોઈ શક્યો કે બી ફરતે ઝીણા ઝીણા હુક હતા. એટલે જ બી કોઈ પણ કપડાંને ચોંટી રહેતું હતું. આ બીની ડિઝાઇન નકલ કરીને આ એન્જિનિયરે વેલક્રો નામનું કાપડ બનાવ્યું. બીજા અનેક લોકોએ પણ કુદરતી ચીજોની ડિઝાઇનનો અભ્યાસ કરીને નવી નવી વસ્તુઓ બનાવી છે. દાખલા તરીકે, અમેરિકાના વીલબર અને ઓરવીલ રાઈટનો વિચાર કરો. તેઓએ પંખીઓનો અભ્યાસ કરીને વિમાન બનાવ્યું. પછી ફ્રેંચ એન્જિનિયર એલેક્ષાંડ્રા ગુસ્તાફ એફિલનો વિચાર કરો. તેણે આપણા પગના હાડકાંનો અભ્યાસ કર્યો. એના પરથી તેણે એફિલ ટાવર બનાવ્યો.
૨ આ ઉદાહરણો શું બતાવે છે? એ જ કે વર્ષોથી વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો કુદરતી ચીજોની ડિઝાઇન નકલ કરીને નવી નવી વસ્તુઓ બનાવી રહ્યા છે.a પણ નવી ડિઝાઇન જોઈને લોકો કોની તારીફ કરે છે? ઈશ્વરની? ના, ઘણાને તો ખબર પણ નથી કે ઈશ્વર છે. આજે લોકો ઈશ્વરને બદલે માણસોની વાહ વાહ ગાય છે.
૩ આજે અમુક વિચારશે કે ‘ઈશ્વરની વાહ વાહ કરવાની શું જરૂર છે?’ પણ ઈશ્વર મહાન છે, એટલે જ આપણે તેમના વધુ વખાણ કરવા જોઈએ. ગુજરાતીમાં ‘વાહ વાહ,’ ‘વખાણ’ કે ‘મહિમા’ જેવા શબ્દો માટે બાઇબલ એક હેબ્રી શબ્દ વાપરે છે. એ શબ્દનો મૂળ અર્થ “ભાર” થાય છે. જેમ વ્યક્તિની જવાબદારી વધતી જાય કે ભારે થતી જાય, તેમ તેઓને વધુ વખાણ મળવા જોઈએ. ઈશ્વર પર તો સૌથી ભારે જવાબદારીઓ છે, એટલે તેમને તારીફ મળવાનો કોઈ પાર હોવો ન જોઈએ.
૪ પણ આજે ઘણા લોકો એ માનવા તૈયાર નથી. (ગીતશાસ્ત્ર ૧૦:૪; ૧૪:૧) ઘણા જાણીતા લોકો ભગવાનનું નામ લે છે, પણ સાથે સાથે તેમનું અપમાન પણ કરે છે. પછી સમાજમાં લાખો લોકો તેઓની જેમ જ કરે છે. આપણે આ લેખમાં એના વિષે જોઈશું.
“ઈશ્વર નથી” એમ કોઈ ન કહી શકે
૫ ઘણા વૈજ્ઞાનિકો ઈશ્વરમાં માનતા નથી. તેઓ કહે છે કે મનુષ્ય, પ્રાણીઓ, અરે આખી ધરતી અબજો વર્ષ દરમિયાન બસ ઓચિંતાની આવી પડી. (આ માન્યતાને ઉત્ક્રાંતિ કહેવાય છે.) પ્રોફેસર સ્ટીવન જે ગુલ્ડે લખ્યું: ‘અબજો વર્ષો પહેલાં, એક ખાસ માછલી હતી. તેના ધીરે ધીરે બે પગ ઊગ્યા. એમાંથી માણસો અને પશુઓ આવ્યા. પણ અમુક કહેશે કે “ના, ભગવાને બધું બનાવ્યું હતું.” હકીકત એ છે કે ભગવાન છે જ નહિ.’ રીચર્ડ લીકી અને રોજર લેવીને લખ્યું: ‘અબજો વર્ષ પહેલાં, જીવ-જંતુની દુનિયામાં એક મોટો અકસ્માત થયો. એમાંથી મનુષ્યો જન્મ્યા.’ આજે ઘણા વૈજ્ઞાનિકો કુદરતની સુંદરતા અને ડિઝાઇનની ‘વાહ વાહ’ કરતા હોય છે. પણ તેઓ માનવા તૈયાર નથી કે એ બધી ઈશ્વરના હાથની કમાલ છે.
૬ ભણેલા-ગણેલા લોકો કહે છે કે ‘ઉત્ક્રાંતિ હકીકત છે. પણ જેઓ ઉત્ક્રાંતિમાં માનતા નથી, તેઓ તો સાવ અભણ છે.’ અમુક વર્ષ પહેલાં, એક પ્રોફેસરે અનેક લોકોને ઇન્ટરવ્યૂમાં પૂછ્યું કે, ‘તમે શા માટે ઉત્ક્રાંતિમાં માનો છો?’ લોકોના જવાબ વિષે પ્રોફેસરે કહ્યું: ‘મોટા ભાગના લોકો ઉત્ક્રાંતિમાં માને છે, કેમ કે એનાથી તેઓ હોશિયાર દેખાય છે.’ આવા પ્રોફેસરો જ્યારે ઉત્ક્રાંતિનો પ્રચાર કરે છે, ત્યારે ધાર્મિક લોકો પણ ઈશ્વરને ભૂલી જાય છે.—નીતિવચનો ૧૪:૧૫, ૧૮.
૭ પણ શું વૈજ્ઞાનિકો પાસે સાબિતી છે કે વિશ્વ ઉત્ક્રાંતિથી આવ્યું? જરાય નહિ. હવે વિચાર કરો કે આપણી ફરતે કેટલા પુરાવા છે કે વિશ્વનો રચનાર ઈશ્વર છે. પ્રેષિત પાઊલે કહ્યું: “તેના [ઈશ્વરના] અદૃશ્ય ગુણો, એટલે તેનું સનાતન પરાક્રમ અને દેવત્વ, જગત ઉત્પન્ન થયું ત્યારથી સૃજેલી વસ્તુઓના નિરીક્ષણથી સ્પષ્ટ જણાય છે; તેથી તેઓ [નાસ્તિક લોકો] બ્હાનું કાઢી શકે એમ નથી.” (રૂમી ૧:૨૦) પાઊલનું કહેવું હતું: ‘આંખ ખોલો અને જુઓ! દુનિયાની દરેક ચીજ પર ઈશ્વરની છાપ છે.’ ચાલો આપણે એ છાપ વિષે વધુ જોઈએ.
૮ જેમ કે, આકાશમાંના અબજો તારાઓનો વિચાર કરો. તેઓ પોકારે છે કે ઈશ્વર આપણો સરજનહાર છે. ગીતશાસ્ત્ર ૧૯:૧ કહે છે: “આકાશો દેવનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે.” ચાંદ, સૂર્ય, તારાઓ બતાવે છે કે ઈશ્વરની બુદ્ધિ અને શક્તિની કોઈ સીમા નથી. રાતના ચમકતા તારાઓ અને ચાંદ જોઈને શું આપણા મોંમાંથી ‘વાહ! વાહ!’ નીકળી જતું નથી? આકાશગંગા એક ઘડિયાળના ઘણાં પૈડાંની માફક ચાલે છે. એમાંના બધા તારાઓ પોત-પોતાના કુદરતી નિયમ પ્રમાણે સતત ઘૂમ્યા કરે છે.b (યશાયાહ ૪૦:૨૬) શું આ બધું પોતાની મેળે આવ્યું હતું? ઘણા વૈજ્ઞાનિકો ‘હા’ કહે છે. તેઓ માને છે કે વિશ્વમાં એક મોટા અકસ્માતથી આ બધું થયું. આ વિષે એક પ્રોફેસરે કહ્યું: ‘જો કોઈએ વિશ્વને રચ્યું હોય, તો પ્રશ્ન ઊભો થાય છે કે કોની પાસે એવી શક્તિ છે? એમ કહેવા જતા નાસ્તિક લોકો વાંધો ઉઠાવશે. શાંતિ રાખવા માટે આપણે બસ એ જ કહી શકીએ કે વિશ્વ કાયમ હતું જ.’
૯ એક કવિએ કહ્યું: “ઓ પ્રભુ, તમે કેવી વિવિધતાનું સર્જન કર્યું છે! તે સર્વને તમે બુદ્ધિપૂર્વક ઉત્પન્ન કર્યાં છે. પૃથ્વી તમારી સમૃદ્ધિથી ભરપૂર છે.” (ગીતશાસ્ત્ર ૧૦૪:૨૪, IBSI) ઈશ્વરે ‘સર્વ’ જાતની વનસ્પતિ અને જાનવરો બનાવ્યા છે. આજે ઘણા વૈજ્ઞાનિકો કુદરતી વસ્તુની ડિઝાઇન તપાસીને અનેક નવી ચીજો બનાવતા હોય છે. અમુક વૈજ્ઞાનિકો હરણના શિંગડાંનો અભ્યાસ કરી રહ્યા છે, જેથી તેઓ વધારે મજબૂત હેલ્મેટ બનાવી શકે. બીજાઓ એક જાતની માખીના કાન તપાસે છે. એના પરથી તેઓ બહેરા લોકો માટે મશીન (હિઅરિંગ એઈડ) બનાવવા માંગે છે. અમુક એન્જિનિયરો ઘુવડની પાંખ તપાસે છે, જેથી તેઓ એવા જાસૂસી પ્લેન બનાવી શકે જે રેડારમાં ન જોઈ શકાય. ભલે માણસો દરરોજ નવી ચીજો કે ડિઝાઇન બહાર પાડે છે, કુદરતી ચીજોની સરખામણીમાં એ કંઈ જ નથી. કુદરતમાંથી નકલ કરવી (અંગ્રેજી) પુસ્તક કહે છે: ‘માણસોએ બનાવેલી ચીજો ધરતીને બગાડે છે, એટલે થોડાં વર્ષોમાં પૃથ્વી ખલાસ થઈ જશે! પણ કુદરતી ચીજો ધરતીને બગાડતી નથી. આપણે એવી ચીજો બનાવવાના સપના જ જોતા રહીશું!’
૧૦ આપણે આસમાન કે ધરતી તરફ જોઈને બેશક કહી શકીએ કે, વિશ્વનો રચનાર ઈશ્વર છે. (યિર્મેયાહ ૧૦:૧૨) આપણે લાખો સ્વર્ગદૂત સાથે આ શબ્દો પોકારવા જોઈએ, “ઓ અમારા પ્રભુ તથા દેવ, મહિમા, માન તથા સામર્થ્ય પામવાને તું જ યોગ્ય છે; કેમ કે તેં સર્વેને ઉત્પન્ન કર્યાં, અને તારી ઇચ્છાથી તેઓ હતાં, ને ઉત્પન્ન થયાં.” (પ્રકટીકરણ ૪:૧૧) આજે હજારો વૈજ્ઞાનિકો કુદરતી ચીજો જોઈને ‘વાહ વાહ’ કહેતા હોય છે. પણ તેઓ માનવા તૈયાર નથી કે સર્વ કુદરતી વસ્તુની પાછળ ઈશ્વરનો હાથ છે. (એફેસી ૧:૧૮) કોઈ પણ સુંદર ચિત્ર જોઈને શું તમે કહેશો કે, ‘એ પોતાની મેળે આવ્યું!’ ના, આપણે તરત જ પૂછીશું કે ‘એ કોણે દોર્યું?’ પણ આજે ઘણા લોકો માને છે કે વિશ્વ પોતાની મેળે આવ્યું. પણ દુનિયાને અંતે યહોવાહ સર્વનો ન્યાય કરશે ત્યારે, કોઈ “બ્હાનું કાઢી” શકશે નહિ.
ગુરુઓ લોકોને ઈશ્વરથી દૂર લઈ જાય છે
૧૧ આજે દુનિયામાં એવા લોકો પણ છે, જે ઈશ્વરમાં માને છે. પણ તેઓ સાચા ઈશ્વર યહોવાહને ભજવાને બદલે, જૂઠા દેવ-દેવીઓને ભજે છે. (રૂમી ૧૦:૨, ૩) તેઓ ધાર્મિક તો છે, પણ તેઓના ધર્મો યહોવાહનું નામ બદનામ કરે છે. એ સમજવા માટે ચાલો આપણે બે રીત જોઈએ.
૧૨ પ્રથમ રીત એ છે કે તેઓ ઈશ્વર વિષે સત્ય શીખવવાને બદલે જૂઠાણું શીખવે છે. દાખલા તરીકે, ઘણા ધર્મો નસીબમાં માને છે. તેઓ શીખવે છે કે ઈશ્વરે આપણું નસીબ જન્મથી જ નક્કી કર્યું છે. તેઓનું કહેવું છે કે આપણા જીવનમાં દુઃખ આવે, એ પણ ઈશ્વરની મરજી છે. પણ એ સાચું નથી. આપણને આ જગતમાં દુઃખ-તકલીફો આવે છે, કેમ કે શેતાન આ “જગતનો અધિકારી” છે.—યોહાન ૧૪:૩૦; ૧ યોહાન ૫:૧૯.
૧૩ ઈશ્વરમાં એટલી શક્તિ છે કે જો તે ચાહે તો ભાવિ વિષે બધું જાણી શકે છે. પણ એનો અર્થ એ નથી કે તે બસ બેસીને એ જ જોયા કરે. (યશાયાહ ૪૬:૯, ૧૦) કલ્પના કરો કે તમે એક જોરદાર પહેલવાન છો. શું તમે ઘરે કે રસ્તા પર હોવ, દરેક ભારે ચીજ ઉપાડ્યા જ કરશો? ના. એ જ રીતે, ઈશ્વર દરેકનું ભાવિ જોઈ શકે છે, પણ એ શક્તિનો ઉપયોગ ફક્ત જરૂર પડે ત્યારે જ કરે છે.c ખરેખર, નસીબ જેવી માન્યતા શીખવતા ધર્મો ઈશ્વરને બદનામ કરે છે.
૧૪ ધર્મો બીજી કઈ રીતે યહોવાહનું ઘોર અપમાન કરે છે? એના ભક્તો યહોવાહના શિક્ષણ પ્રમાણે ચાલતા નથી. દાખલા તરીકે, સર્વ ખ્રિસ્તીઓએ ઈસુને પગલે ચાલવું જોઈએ. તેઓએ ‘એકબીજા પર પ્રેમ રાખવો’ જોઈએ અને ‘જગતના’ લોકો જેવા ન બનવું જોઈએ. (યોહાન ૧૫:૧૨; ૧૭:૧૪-૧૬) પણ પાદરીઓ અને મોટા ભાગના ખ્રિસ્તીઓ એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાખે છે. તેઓ જાણીજોઈને એ આજ્ઞાઓ તોડે છે. કઈ રીતે?
૧૫ ઘણા દેશોમાં કતલ જોઈને પણ પાદરીઓ છાના-માના બેસી રહે છે. અરે, અમુક તો પ્રાર્થના કરે છે કે તેઓના લશ્કરો લડાઈમાં જીતે. તેઓ પોકારે છે, ‘ઈશ્વર અમારી સાથે છે.’ પણ આ પાદરીઓને ભાન નથી કે દુશ્મનોના પાદરીઓ પણ એમ જ કહે છે. કેવી મૂર્ખાઈ! (“ઈશ્વર કોનો પક્ષ લે છે?” બૉક્સ જુઓ.) ઈશ્વરના નામે કતલ કરવી, ખરેખર ઘોર અપમાન કહેવાય! તેમ જ બીજા ઘણા પાદરીઓ કહે છે કે ‘બાઇબલ જૂનું થઈ ગયું છે.’ તેઓ કોઈ પણ લાજ-શરમ વગરનાં કામ ચલાવી લે છે. તેઓ આ બધાથી ઈશ્વરની આબરૂના કાંકરા કરે છે. ઈસુએ કહ્યું કે આવા ગુરુઓ, “ભૂંડું કરનારાઓ” અને “આંધળા દોરનારા” છે! (માત્થી ૭:૧૫-૨૩; ૧૫:૧૪) પાદરીઓના પાપ અને જૂઠાં શિક્ષણથી લાખો લોકોએ ઈશ્વરને છોડી દીધા છે.—માત્થી ૨૪:૧૨.
કોણ ઈશ્વરનું નામ રોશન કરે છે?
૧૬ આપણે જોઈ ગયા તેમ, ઘણા ભણેલા-ગણેલા લોકોને ઈશ્વર વિષે કંઈ પડી નથી. ધર્મગુરુઓ પણ ઈશ્વરનું અપમાન કરે છે. તો શું એવું કોઈ છે જે ઈશ્વરનું નામ રોશન કરતું હોય? હા, એક ધર્મ છે જે રાત દિવસ ઈશ્વરનો જયજયકાર કરે છે. તેઓ બાઇબલ પ્રમાણે જ જીવે છે. કેમ કે બાઇબલ બતાવે છે કે ઈશ્વરને કઈ રીતે ભજવા જોઈએ. (યશાયાહ ૪૨:૮) એ કયો ધર્મ છે? કઈ ત્રણ મહત્ત્વની રીતોથી તેઓ ઈશ્વરની તારીફ કરે છે?
૧૭ ઈસુએ પ્રાર્થનામાં કહ્યું: “હે બાપ, તારા નામનો મહિમા પ્રગટ કર.” યહોવાહે કહ્યું: “મેં તેનો મહિમા પ્રગટ કર્યો છે, અને ફરી કરીશ.” (યોહાન ૧૨:૨૮) યહોવાહ પોતે પોતાનું નામ મોટું મનાવે છે. તે ચાહે છે કે આપણે બધા એમ જ કરીએ. એટલે સાચો ધર્મ સૌ પ્રથમ તો, યહોવાહનું નામ રોશન કરતો હોવો જોઈએ. તો આજે કોણ યહોવાહનું નામ રોશન કરે છે? ફક્ત યહોવાહના સાક્ષીઓ! તેઓ ૨૩૫ દેશોમાં ઈશ્વરના નામના ગુણગાન ગાય છે.—ગીતશાસ્ત્ર ૮૬:૧૧, ૧૨.
૧૮ એ ધર્મ બીજી કઈ રીતે ઓળખાશે? એ ધર્મ ઈશ્વર કે બાઇબલ વિરુદ્ધ કંઈ નહિ શીખવે, ફક્ત સત્ય જ શીખવશે. ઈસુએ કહ્યું: ‘સત્યતાથી ઈશ્વરનું ભજન કર.’ (યોહાન ૪:૨૪) તો એ ધર્મ શું શીખવે છે? એક તો યહોવાહ એકલા જ પરમાત્મા છે. (ગીતશાસ્ત્ર ૮૩:૧૮) બીજું કે યહોવાહનો પુત્ર ઈસુ સ્વર્ગના રાજ્યનો રાજા છે. (૧ કોરીંથી ૧૫:૨૭, ૨૮) ત્રીજું કે ઈશ્વરનું રાજ્ય હંમેશ માટે તેમનું નામ રોશન કરશે અને આપણા પર આશીર્વાદો લાવશે. (માત્થી ૬:૯, ૧૦) અને ચોથું કે એ ધર્મ ઈશ્વરના રાજ્યની ખુશખબરી આખી ધરતી પર ફેલાવશે. (માત્થી ૨૪:૧૪) આજે, કયો ધર્મ આ બધું કરે છે? ફક્ત યહોવાહના સાક્ષીઓ!
૧૯ સાચો ધર્મ ઓળખવાની ત્રીજી રીત કઈ છે? એ ઈશ્વરને ગમતા સંસ્કારો શીખવતો હોવો જોઈએ. પ્રેષિત પીતરે કહ્યું: “વિદેશી લોકોમાં તમે તમારાં આચરણ સારાં રાખો; જેથી તેઓ તમને દુષ્ટ સમજીને તમારી વિરૂદ્ધ બોલે ત્યારે તેઓ તમારાં રૂડાં કામ જોઈને ન્યાયકરણને દિવસે દેવની સ્તુતિ કરે.” (૧ પીતર ૨:૧૨) પીતરની વાત સો ટકા સાચી છે. સારા વાણી-વર્તન જોઈને લોકો કહેશે કે ‘આ ભગવાનનો માણસ છે.’
૨૦ આજે કયો ધર્મ એવા સંસ્કાર પાળે છે? ફક્ત યહોવાહના સાક્ષીઓ જ! અનેક સરકારો સાક્ષીઓના વખાણ કરે છે. યહોવાહના બધા સાક્ષીઓ દેશના નિયમો પાળે છે અને કર ભરે છે. (રૂમી ૧૩:૧, ૩, ૬, ૭) વળી, સાક્ષીઓ વચ્ચે નાત-જાતનો કોઈ ભેદભાવ નથી. તેઓ સર્વ એક રાગથી ઈશ્વરના ગુણગાન ગાય છે. (ગીતશાસ્ત્ર ૧૩૩:૧; પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪, ૩૫) આખી ધરતીમાં ફક્ત સાક્ષીઓ જ લોકોને બાઇબલના સંસ્કાર અને પ્રેમ રાખવાનું શીખવે છે.
શું તમે ઈશ્વરના વખાણ કરો છો?
૨૧ ગીતશાસ્ત્ર ૧૪૮ કહે છે કે સ્વર્ગમાં દેવદૂતો, વિશ્વમાં તારા, સૂરજ, ચંદ્ર અને ધરતી પર પશુ-પંખીઓ, બધા જ ઈશ્વરનું ગૌરવ પોકારે છે. (૧-૧૦ કલમો) પણ અફસોસની વાત છે કે લોકો ઈશ્વરને ભૂલતા જાય છે. તમારા વિષે શું? શું તમે ઈશ્વરના ગુણગાન ગાવ છો? જો તમે ગાતા હોય તો, વિશ્વની સાથે યહોવાહના નામનો જયજય પોકારશો. (૧૧-૧૩ કલમો) આના જેવું જીવનમાં બીજું શું હોય શકે?
૨૨ ઈશ્વરનું નામ રોશન કરવાથી આપણને આશીર્વાદો પર આશીર્વાદ મળશે. ચાલો આપણે ઈસુની કુરબાની પર પૂરો વિશ્વાસ રાખીએ. આમ આપણે યહોવાહની કૃપા મેળવીશું. (રૂમી ૫:૧૦) જો આપણે દરેક સંજોગમાં ઈશ્વરનો જયજય પોકારીશું, તો આપણે ખરું સુખ મેળવીશું. (યિર્મેયાહ ૩૧:૧૨) પછી આપણે બીજાઓને પણ એ સુખ મેળવવા મદદ કરી શકીશું. આ રીતે સુખનો સૂરજ હંમેશાં આપણા પર રહેશે. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫) ચાલો આપણે હમણાં, અરે, સદા માટે યહોવાહના ગુણગાન ગાતા રહીએ!
[ફુટનોટ્સ]
a આ વિજ્ઞાનની રીતને “બાયોમિમેટીક્સ” કહેવાય છે. આ ગ્રીક શબ્દોનો અર્થ થાય, ‘કુદરતની નકલ કરવી.’
b આકાશગંગા ઈશ્વરની બુદ્ધિ અને શક્તિ વિષે જણાવે છે. વધુ માહિતી મેળવવા માટે ડ્રૉ ક્લોઝ ટુ જેહોવાહ પુસ્તકમાં પાંચમું અને સત્તરમું પ્રકરણ જુઓ. આ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.
c વધુ માહિતી માટે યહોવાહના સાક્ષીઓએ બહાર પાડેલા ઇન્સાઈટ ઓન ધ સ્ક્રીપ્ચર્સનો પહેલો ગ્રંથ પાન ૮૫૩ જુઓ.
તમને યાદ છે?
• શું બતાવે છે કે વૈજ્ઞાનિકો આપણને ઈશ્વરના વખાણ કરવાનું શીખવતા નથી?
• આજે ધર્મો કઈ બે રીતોએ લોકોને ઈશ્વરથી દૂર લઈ જાય છે?
• આપણે કઈ રીતે ઈશ્વરનું નામ રોશન કરી શકીએ?
• આપણે શાના પર વિચાર કરવો જોઈએ?
[અભ્યાસ પ્રશ્નો]
૧, ૨. (ક) કઈ ચીજો કુદરતી ડિઝાઇન પરથી આવી છે? (ખ) કયો પ્રશ્ન ઊભો થાય છે પણ દુઃખની વાત કઈ છે?
૩, ૪. ‘મહિમા’ અને ‘વખાણ’ જેવા શબ્દો માટેના મૂળ હેબ્રી શબ્દનો શું અર્થ થાય છે? એ ઈશ્વર વિષે શું બતાવે છે?
૫. ઘણા વૈજ્ઞાનિકો ધરતી અને મનુષ્યની શરૂઆત વિષે શું કહે છે?
૬. ઈશ્વરના વખાણ કરવાને બદલે શા માટે ઘણા લોકો તેમને ભૂલી જાય છે?
૭. રૂમી ૧:૨૦ પ્રમાણે આપણને શું જોવા મળે છે?
૮. (ક) આકાશગંગા ઈશ્વર વિષે શું શીખવે છે? (ખ) શું બતાવે છે કે વિશ્વ ઈશ્વરે જ રચ્યું હોય શકે?
૯. યહોવાહની અપાર બુદ્ધિ કઈ રીતે કુદરતી ચીજોમાંથી જોવા મળે છે?
૧૦. વિશ્વને ઈશ્વરે રચ્યું એની સાબિતી શું છે?
૧૧, ૧૨. આપણા જીવન વિષે ઘણા ધર્મો શું શીખવે છે? આ જૂઠું શિક્ષણ કઈ રીતે ઈશ્વરને બદનામ કરે છે?
૧૩. શું ઈશ્વર સર્વનું ભાવિ જાણે છે? ઉદાહરણ આપો.
૧૪. ઈશ્વરની બદનામી બીજી કઈ રીતે થાય છે?
૧૫. (ક) લડાઈ વખતે ઘણા પાદરીઓ શું કરે છે? (ખ) પાદરીઓના લીધે લાખો લોકોએ શું કર્યું છે?
૧૬. બાઇબલ આપણને શું જણાવે છે?
૧૭. યહોવાહે પોતાના નામ વિષે શું કહ્યું? આજે કોણ ઈશ્વરનું નામ મોટું મનાવે છે?
૧૮. સાચો ધર્મ શું શીખવતો હોવો જોઈએ? કયો ધર્મ એમ કરી રહ્યો છે?
૧૯, ૨૦. (ક) આપણે સારા વાણી-વર્તન રાખીશું તો શું થશે? (ખ) કયો ધર્મ સારા સંસ્કાર શીખવે છે?
૨૧. આપણે શાના પર વિચાર કરવો જોઈએ?
૨૨. ઈશ્વરના ગુણગાન ગાવાથી આપણને કેવા આશીર્વાદો મળે છે? આપણી તમન્ના શું હોવી જોઈએ?
[પાન ૧૨ પર બોક્સ]
“ઈશ્વર કોનો પક્ષ લે છે?”
એક ભાઈ યહોવાહનો સાક્ષી બન્યા પહેલાં જર્મન એરફોર્સમાં હતો. તે બીજા વિશ્વયુદ્ધમાં લડ્યો હતો. એ દિવસો વિષે તે કહે છે:
‘યુદ્ધમાં મારું મન બહુ જ ડંખતું. દેશમાં સર્વ પાદરીઓ અમને આશીર્વાદ દેતા હતા કે અમારા બૉંબ દુશ્મનોને મારી નાખે. હું વિચારતો કે “ઈશ્વર કોનો પક્ષ લેશે?”
‘અમારા પટ્ટા પર એક બક્કલ હતું. એના પર લખેલું હતું કે, ઈશ્વર આપણી સાથે છે! પણ મને થતું કે “અમારા દુશ્મનો પણ ખ્રિસ્તીઓ છે. તેઓ પણ જીતવા ઈશ્વરને જ પ્રાર્થના કરતા હતા.”’
[પાન ૧૦ પર ચિત્ર]
આખી પૃથ્વી પર યહોવાહના સાક્ષીઓ ઈશ્વરની તારીફ પોકારે છે