યોહાન
૪ ઈસુને* જાણ થઈ કે ફરોશીઓએ આ વાત સાંભળી છે: યોહાન કરતાં ઈસુ વધારે શિષ્યો બનાવે છે અને બાપ્તિસ્મા આપે છે.+ ૨ (ખરું કે ઈસુ પોતે નહિ, પણ તેમના શિષ્યો બાપ્તિસ્મા આપતા હતા.) ૩ એટલે તે યહૂદિયા છોડીને પાછા ગાલીલ જવા નીકળી ગયા. ૪ તેમના માટે જરૂરી હતું કે તે સમરૂન થઈને જાય. ૫ તેથી તે સમરૂનમાં સૂખાર નામના શહેર પહોંચ્યા. આ શહેર યાકૂબે પોતાના દીકરા યૂસફને+ આપેલા ખેતર પાસે હતું. ૬ ત્યાં યાકૂબનો કૂવો હતો.+ ઈસુ મુસાફરી કરીને એટલા થાકી ગયા હતા કે કૂવા* પાસે આવીને બેઠા. એ વખતે બપોરના આશરે ૧૨ વાગ્યા હતા.*
૭ એક સમરૂની* સ્ત્રી ત્યાં પાણી ભરવા આવી. ઈસુએ તેને કહ્યું: “મને પાણી આપ.” ૮ (તેમના શિષ્યો ખાવાનું વેચાતું લેવા શહેરમાં ગયા હતા.) ૯ સમરૂની સ્ત્રીએ તેમને પૂછ્યું: “હું તો સમરૂની છું, તો પછી તમે યહૂદી થઈને મારી પાસે પાણી કેમ માંગો છો?” (સમરૂનીઓ સાથે યહૂદીઓ કોઈ વહેવાર રાખતા ન હતા.)+ ૧૦ ઈસુએ તેને કહ્યું: “ઈશ્વરની ભેટ+ શું છે અને ‘મને પાણી આપ’ એવું કહેનાર કોણ છે, એ તું જાણતી નથી. જો તું જાણતી હોત, તો તેની પાસેથી તેં પાણી માંગ્યું હોત અને તેણે તને જીવનનું* પાણી આપ્યું હોત.”+ ૧૧ સ્ત્રીએ કહ્યું: “સાહેબ, તમારી પાસે પાણી કાઢવાનું કોઈ વાસણ નથી અને કૂવો ઘણો ઊંડો છે. તો પછી તમારી પાસે જીવનનું પાણી ક્યાંથી આવ્યું? ૧૨ અમારા પૂર્વજ યાકૂબે અમને આ કૂવો આપ્યો. તેમણે, તેમના દીકરાઓએ અને તેમનાં ઢોરઢાંકે આમાંથી પાણી પીધું. શું તમે અમારા એ પૂર્વજ કરતાં પણ મહાન છો?” ૧૩ ઈસુએ કહ્યું: “આ પાણી જે પીએ છે, તેને ફરીથી તરસ લાગશે. ૧૪ પણ હું જે પાણી આપીશ, એ પીનારને ફરી કદી તરસ લાગશે નહિ.+ હું જે પાણી આપીશ, એ તેનામાં ઝરણાની જેમ વહેતું રહેશે. એ પાણી હંમેશ માટેનું જીવન આપે છે.”+ ૧૫ સ્ત્રીએ કહ્યું: “સાહેબ, મને એ પાણી આપો, જેથી મને તરસ ન લાગે. મારે વારંવાર આ જગ્યાએ પાણી ભરવા આવવું ન પડે.”
૧૬ તેમણે કહ્યું: “જા, તારા પતિને અહીં બોલાવી લાવ.” ૧૭ સ્ત્રીએ કહ્યું: “મારો પતિ નથી.” ઈસુએ કહ્યું, “તું સાચું કહે છે કે ‘મારો પતિ નથી.’ ૧૮ તારા પાંચ પતિ હતા અને જે માણસ સાથે તું હમણાં રહે છે, એ તારો પતિ નથી. તું આ વિશે સાચું બોલી છે.” ૧૯ સ્ત્રીએ કહ્યું: “સાહેબ, મને લાગે છે કે તમે પ્રબોધક છો.+ ૨૦ અમારા બાપદાદાઓ આ પહાડ પર ભક્તિ કરતા હતા, પણ તમે યહૂદીઓ કહો છો કે લોકોએ યરૂશાલેમમાં જ ભક્તિ કરવી જોઈએ.”+ ૨૧ ઈસુએ કહ્યું: “બહેન, મારું કહેવું માન. એવો સમય આવે છે જ્યારે તમે પિતાની ભક્તિ આ પહાડ પર કે યરૂશાલેમમાં નહિ કરો. ૨૨ તમે જ્ઞાન વગર ભક્તિ કરો છો.+ અમે જ્ઞાન સાથે ભક્તિ કરીએ છીએ, કારણ કે ઉદ્ધારનું જ્ઞાન યહૂદીઓને પ્રથમ મળ્યું હતું.+ ૨૩ એવો સમય આવે છે અને હમણાં આવ્યો છે કે જ્યારે સાચા ભક્તો પિતાની ભક્તિ પવિત્ર શક્તિથી* અને સચ્ચાઈથી કરશે. ખરેખર, પિતા એવા જ ભક્તો શોધે છે.+ ૨૪ ઈશ્વર અદૃશ્ય છે+ અને તેમની ભક્તિ કરનારા લોકોએ પવિત્ર શક્તિથી* અને સચ્ચાઈથી ભક્તિ કરવી જોઈએ.”+ ૨૫ સ્ત્રીએ કહ્યું: “હું જાણું છું કે મસીહ* આવનાર છે, જે ખ્રિસ્ત કહેવાય છે. તે જ્યારે આવશે ત્યારે અમને બધી વાતો સારી રીતે જણાવશે.” ૨૬ ઈસુએ તેને કહ્યું: “હું એ જ છું.”+
૨૭ એવામાં તેમના શિષ્યો પાછા આવ્યા. ઈસુને એક સ્ત્રી સાથે વાત કરતા જોઈને તેઓને નવાઈ લાગી. તોપણ કોઈએ પૂછ્યું નહિ કે “શું થયું?” અથવા “તમે કેમ એ સ્ત્રી સાથે વાત કરો છો?” ૨૮ પેલી સ્ત્રી પાણી ભરવાનો ઘડો મૂકીને શહેરમાં ગઈ અને લોકોને જણાવ્યું: ૨૯ “આવો અને એ માણસને મળો, જેમણે મારાં બધાં કામો વિશે મને જણાવ્યું છે. શું તે ખ્રિસ્ત તો નથી ને?” ૩૦ તેઓ શહેરમાંથી નીકળીને તેમની પાસે આવવા લાગ્યા.
૩૧ એ સમય દરમિયાન શિષ્યો તેમને અરજ કરતા હતા: “ગુરુજી,*+ ખાઈ લો.” ૩૨ ઈસુએ તેઓને કહ્યું: “મારી પાસે ખાવાનું છે, જેના વિશે તમે નથી જાણતા.” ૩૩ એટલે શિષ્યો એકબીજાને કહેવા લાગ્યા: “તેમના માટે કોણ ખાવાનું લાવ્યું હશે?” ૩૪ ઈસુએ કહ્યું: “મને મોકલનારની ઇચ્છા પૂરી કરવી+ અને તેમનું કામ પૂરું કરવું,+ એ જ મારો ખોરાક છે. ૩૫ શું તમે એમ નથી કહેતા કે કાપણીના સમયને તો હજુ ચાર મહિના બાકી છે? હું તમને કહું છું કે તમારી નજર ઉઠાવીને ખેતરો જુઓ. એ ખેતરો કાપણી માટે તૈયાર છે!+ ૩૬ કાપનાર પોતાની મજૂરી મેળવે છે અને હંમેશ માટેના જીવનનાં ફળ ભેગાં કરે છે, જેથી વાવનાર અને કાપનાર બંને ભેગા મળીને ખુશી મનાવે.+ ૩૭ એ રીતે આ કહેવત સાચી પડે છે: વાવે કોઈ અને લણે કોઈ. ૩૮ તમે જેના માટે મહેનત કરી નથી એની કાપણી કરવા મેં તમને મોકલ્યા છે. બીજાઓએ સખત મહેનત કરી છે અને તેઓની મહેનતનાં ફળ તમે મેળવો છો.”
૩૯ એ શહેરના ઘણા સમરૂનીઓએ ઈસુમાં શ્રદ્ધા મૂકી, કારણ કે પેલી સ્ત્રીએ સાક્ષી આપી હતી: “તેમણે મારાં બધાં કામો વિશે મને જણાવ્યું છે.”+ ૪૦ એટલે સમરૂનીઓ ઈસુની પાસે આવ્યા અને તેમને પોતાની સાથે રહેવા વિનંતી કરી. તે ત્યાં બે દિવસ રોકાયા. ૪૧ તેમની વાતો સાંભળીને બીજા ઘણાએ શ્રદ્ધા મૂકી. ૪૨ તેઓએ સ્ત્રીને કહ્યું: “અમે ફક્ત તારા કહેવાથી જ માનતા નથી, કેમ કે અમે પોતે સાંભળ્યું છે. હવે અમને ખાતરી થઈ છે કે આ માણસ સાચે જ દુનિયાનો ઉદ્ધાર કરનાર છે.”+
૪૩ બે દિવસ પછી તે ત્યાંથી ગાલીલ જવા નીકળી ગયા. ૪૪ ઈસુએ પોતે સાક્ષી આપી હતી કે પ્રબોધકને પોતાના વતનમાં માન મળતું નથી.+ ૪૫ તે ગાલીલ આવ્યા ત્યારે ગાલીલના લોકોએ તેમનો આવકાર કર્યો, કારણ કે તેઓ યરૂશાલેમના તહેવારમાં+ ગયા હોવાથી ઈસુના બધા ચમત્કારો જોયા હતા.+
૪૬ તે ગાલીલના કાના ગામમાં ફરીથી આવ્યા, જ્યાં તેમણે પાણીને દ્રાક્ષદારૂમાં બદલી નાખ્યું હતું.+ ત્યાં રાજાનો એક અધિકારી હતો, જેનો દીકરો કાપરનાહુમમાં બીમાર હતો. ૪૭ જ્યારે એ અધિકારીએ સાંભળ્યું કે ઈસુ યહૂદિયાથી ગાલીલ આવ્યા છે, ત્યારે તે તેમની પાસે ગયો. તેણે ઈસુને વિનંતી કરી કે તેની સાથે જઈને તેના દીકરાને સાજો કરે, કેમ કે તેનો દીકરો મરવાની અણીએ હતો. ૪૮ પણ ઈસુએ તેને કહ્યું: “તમે લોકો નિશાનીઓ અને ચમત્કારો જુઓ નહિ ત્યાં સુધી માનવાના નથી.”+ ૪૯ રાજાના અધિકારીએ તેમને કહ્યું: “માલિક, મારું બાળક મરણ પામે એ પહેલાં મારી સાથે ચાલો.” ૫૦ ઈસુએ કહ્યું: “તું તારા માર્ગે જા, તારો દીકરો જીવે છે.”+ એ માણસે ઈસુની વાત પર ભરોસો મૂક્યો અને ચાલ્યો ગયો. ૫૧ તે હજુ રસ્તામાં હતો ત્યારે તેના ચાકરોએ સામે મળીને કહ્યું કે તેનો દીકરો જીવે છે.* ૫૨ તેણે પૂછ્યું કે તે ક્યારે સાજો થયો. તેઓએ કહ્યું: “ગઈ કાલે બપોરે આશરે એક વાગ્યે* તેનો તાવ ઊતરી ગયો.” ૫૩ એટલે પિતાને ખબર પડી કે આ એ જ ઘડીએ બન્યું, જ્યારે ઈસુએ કહ્યું હતું: “તારો દીકરો જીવે છે.”+ તેણે અને તેના ઘરના બધાએ ઈસુમાં શ્રદ્ધા મૂકી. ૫૪ યહૂદિયાથી ગાલીલ આવીને ઈસુએ કરેલો આ બીજો ચમત્કાર હતો.+