રોમનોને પત્ર
૧ હું પાઉલ, ખ્રિસ્ત* ઈસુનો સેવક તમને આ પત્ર લખું છું. હું પ્રેરિત* તરીકે પસંદ થયો છું અને ઈશ્વરની ખુશખબર જણાવવાનું કામ મને સોંપવામાં આવ્યું છે.*+ ૨ આ ખુશખબર વિશે ઈશ્વરે અગાઉથી તેમના પ્રબોધકો* દ્વારા પવિત્ર શાસ્ત્રમાં વચન આપ્યું હતું. ૩ આ ખુશખબર તેમના દીકરા વિશે છે, જે દાઉદના વંશજ હતા.+ ૪ ઈશ્વરે પવિત્ર શક્તિના* બળથી તેમને મરણમાંથી ઉઠાડ્યા.*+ એનાથી સાબિત થયું કે તે જ ઈશ્વરના દીકરા છે,+ તે જ આપણા માલિક ઈસુ ખ્રિસ્ત છે. ૫ તેમના દ્વારા ઈશ્વરે આપણા* પર અપાર કૃપા* બતાવી. ઈસુએ મને પ્રેરિત તરીકે પસંદ કર્યો,+ જેથી હું બધી પ્રજાઓને મદદ કરું કે તેઓ ઈસુના નામને મહિમા આપે, શ્રદ્ધા બતાવે અને તેમનું કહ્યું માને.+ ૬ એ પ્રજાઓમાં તમે પણ છો, જેઓને ઈસુ ખ્રિસ્તના પગલે ચાલવા બોલાવવામાં આવ્યા છે. ૭ રોમમાં રહેનારા એ સર્વને હું આ લખી રહ્યો છું, જેઓ ઈશ્વરને પ્રિય છે અને જેઓને તેમણે પવિત્ર લોકો થવા બોલાવ્યા છે:
ઈશ્વર આપણા પિતા પાસેથી અને માલિક ઈસુ ખ્રિસ્ત પાસેથી તમને અપાર કૃપા અને શાંતિ મળે.
૮ પહેલા તો હું તમારા બધા માટે ઈસુ ખ્રિસ્ત દ્વારા મારા ઈશ્વરનો ઉપકાર માનું છું, કેમ કે આખી દુનિયામાં તમારી શ્રદ્ધાની ચર્ચા થઈ રહી છે. ૯ ઈશ્વરના દીકરા વિશે ખુશખબર ફેલાવીને હું પૂરા દિલથી ઈશ્વરની પવિત્ર સેવા કરું છું. ઈશ્વર મારા સાક્ષી છે કે હું મારી પ્રાર્થનાઓમાં તમને હંમેશાં યાદ કરું છું.+ ૧૦ હું અરજ કરું છું કે જો ઈશ્વરની ઇચ્છા હોય અને શક્ય હોય, તો હવે હું કોઈ પણ રીતે તમારી પાસે આવું. ૧૧ હું તમને જોવા તલપી રહ્યો છું, હું તમને ઈશ્વર પાસેથી કોઈ આશીર્વાદ* આપવા માંગું છું, જેથી તમે દૃઢ થાઓ. ૧૨ બીજું કંઈ નહિ તો એકબીજાની શ્રદ્ધાથી આપણે અરસપરસ ઉત્તેજન મેળવી શકીએ.+
૧૩ ભાઈઓ, હું તમને જણાવવા માંગું છું કે તમારી પાસે આવવા મેં ઘણી વાર કોશિશ કરી. મેં બાકીની પ્રજાઓમાં અમારા પ્રચારનું સારું પરિણામ જોયું છે અને તમારામાં પણ એ જોવા માંગતો હતો. પણ આજ સુધી હું તમારી પાસે આવી શક્યો નથી. ૧૪ ગ્રીક અને પરદેશીઓનો,* સમજદાર અને મૂર્ખોનો હું દેવાદાર છું. ૧૫ એટલે રોમમાં રહેનારા તમને બધાને પણ ખુશખબર જણાવવા હું આતુર છું.+ ૧૬ ખુશખબર વિશે મને શરમ લાગતી નથી.+ એ ખુશખબર તો ઈશ્વરનું બળ છે, જેનાથી તે શ્રદ્ધા રાખનારા લોકોને બચાવે છે,+ પ્રથમ યહૂદીઓને,+ પછી ગ્રીકોને.+ ૧૭ એ ખુશખબરથી શ્રદ્ધા રાખનારા લોકો આગળ ઈશ્વર પોતાનો ખરો માર્ગ પ્રગટ કરે છે. એનાથી તેઓની શ્રદ્ધા મજબૂત થાય છે,+ જેમ લખેલું છે: “પણ ન્યાયી* માણસ પોતાની શ્રદ્ધાથી જીવશે.”+
૧૮ સ્વર્ગમાંથી ઈશ્વરનો ક્રોધ+ દુષ્ટ અને ખરાબ કામો કરનાર માણસો પર પ્રગટ થઈ રહ્યો છે. તેઓ સત્યનો પ્રકાશ ફેલાવા દેતા નથી.+ ૧૯ ઈશ્વર વિશે જે કંઈ જાણી શકાય એ બધું તેઓ આગળ ખુલ્લું છે. ઈશ્વરે પોતે તેઓને એ જાહેર કર્યું છે.+ ૨૦ ઈશ્વરે જે રીતે દુનિયાને રચી છે, એનો વિચાર કરવાથી આપણે તેમના અદૃશ્ય ગુણો સમજી શકીએ છીએ. તેમણે બનાવેલી વસ્તુઓ પરથી જોઈ શકાય છે કે તે કેવા ઈશ્વર છે.+ એ સાબિતી આપે છે કે તેમની શક્તિનો કોઈ પાર નથી+ અને તે જ ઈશ્વર છે.+ હવે તેઓ પાસે ઈશ્વરમાં ન માનવાનું કોઈ બહાનું નથી. ૨૧ તેઓ જાણતા હતા કે તે જ ઈશ્વર છે, તોપણ તેમને મહિમા આપ્યો નહિ કે તેમનો આભાર માન્યો નહિ. તેઓ નકામી દલીલો કરવા લાગ્યા અને તેઓનાં મૂર્ખ હૃદયો પર અંધકાર છવાઈ ગયો.+ ૨૨ ભલે તેઓ સમજદાર હોવાનો દાવો કરતા હતા, પણ તેઓ મૂર્ખ સાબિત થયા. ૨૩ અવિનાશી ઈશ્વરને મહિમા આપવાને બદલે, તેઓએ વિનાશી મનુષ્ય, પક્ષીઓ, ચોપગાં પ્રાણીઓ અને પેટે ચાલનારાં પ્રાણીઓની મૂર્તિને મહિમા આપ્યો.+
૨૪ તેથી ઈશ્વરે તેઓનાં હૃદયની લાલસા પ્રમાણે તેઓને અશુદ્ધ કામો કરવા દીધાં. એટલે તેઓ પોતાનાં શરીરોને ભ્રષ્ટ કરે છે. ૨૫ તેઓએ ઈશ્વરના સત્યને બદલે અસત્ય સ્વીકાર્યું. સૃષ્ટિના રચનારને બદલે રચેલી સૃષ્ટિની પૂજા અને ભક્તિ કરી. સૃષ્ટિના રચનારની કાયમ સ્તુતિ થવી જોઈએ. આમેન.* ૨૬ એટલે ઈશ્વરે તેઓને છોડી દીધા, જેથી તેઓ બેશરમ બનીને પોતાની વાસના પૂરી કરે.+ સ્ત્રીઓ પુરુષો સાથે જાતીય સંબંધ બાંધવાને બદલે, કુદરત વિરુદ્ધ જાતીય સંબંધ બાંધવા લાગી.+ ૨૭ એ જ રીતે, પુરુષોએ સ્ત્રીઓ સાથે જાતીય સંબંધ બાંધવાનું છોડી દીધું અને બીજા પુરુષો માટે વાસનાની આગમાં બળવા લાગ્યા. પુરુષો બીજા પુરુષો સાથે+ અશ્લીલ કામો કરવા લાગ્યા. તેઓએ એ ખોટાં કામોની પૂરેપૂરી સજા ભોગવવી પડશે.+
૨૮ તેઓ* ઈશ્વરને ઓળખવા માંગતા ન હતા. એટલે ઈશ્વરે પણ તેઓને અયોગ્ય કામો કરવા તેઓની ભ્રષ્ટ બુદ્ધિને સોંપી દીધા.+ ૨૯ તેઓ સર્વ પ્રકારનાં પાપ,+ દુષ્ટતા, લોભ+ અને બૂરાઈથી ભરેલાં છે. તેઓ અદેખાઈ,+ હત્યા,+ ઝઘડા અને કપટથી+ ભરપૂર છે. તેઓ બીજાઓનું ખરાબ ચાહે છે.+ તેઓ નિંદાખોર,* ૩૦ ચાડી કરનારા,*+ ઈશ્વરને ધિક્કારનારા, ઉદ્ધત, ઘમંડી, બડાઈખોર અને કાવતરાં ઘડનારા છે. તેઓ માબાપનું કહેવું ન માનનારા,+ ૩૧ સમજણ વિનાના,+ વચન ન પાળનારા, પ્રેમભાવ અને દયા વગરના છે. ૩૨ આ લોકો ઈશ્વરનો નિયમ સારી રીતે જાણે છે કે એવાં કામોમાં ડૂબેલા લોકોને મરણની સજા થશે.+ તોપણ તેઓ એવાં કામોમાં મંડ્યા રહે છે. એટલું જ નહિ, એવાં કામો કરતા લોકોની પીઠ પણ થાબડે છે.