પરમેશ્વરના પ્રેમથી આપણને કોણ અલગ કરી શકે?
“આપણે પ્રેમ રાખીએ છીએ, કેમકે પ્રથમ તેણે આપણા પર પ્રેમ રાખ્યો.”—૧ યોહાન ૪:૧૯.
તમને કોઈ પ્રેમ કરે છે એ જાણવું કેટલું મહત્ત્વનું છે? બાળપણથી યુવાવસ્થા સુધી લોકો પ્રેમમાં ઊછરે છે. શું તમે કોઈ નાના બાળકને તેની માતાની ગોદમાં જોયું છે? ઘણી વાર, બાળકની આસપાસ ભલે કંઈ પણ થઈ રહ્યું હોય પરંતુ, તે પોતાની માતાના હસતા ચહેરાને જોતા જ પ્રફુલ્લિત થઈ જાય છે. તેની માતા તેને ઊંચકે છે ત્યારે તે શાંતિ અનુભવે છે. શું તમને તમારા તરુણાવસ્થાના મુશ્કેલ દિવસો કેવા હતા એ યાદ છે? (૧ થેસ્સાલોનીકી ૨:૭) અમુક સમયે, તમને શું જોઈતું હતું અથવા તમે કેવું અનુભવતા હતા એ તમે સમજી શકતા નહિ હોવ તોપણ, તમારા માબાપ તમને પ્રેમ કરે છે એ જાણવું કેટલું ઉત્તેજન આપનારું હતું! શું એ તમને જ્યારે મુશ્કેલી કે મૂંઝવણ હોય ત્યારે તેમની પાસે પહોંચી જવામાં મદદરૂપ થયું ન હતું? ખરેખર, સમગ્ર જીવન દરમિયાન પ્રેમ આપણી સૌથી મોટી જરૂરિયાત છે. આ પ્રકારનો પ્રેમ આપણને ખાતરી કરાવે છે કે આપણે ખરેખર મૂલ્યવાન છીએ.
૨ માબાપનો સતત પ્રેમ બાળકના યોગ્ય વિકાસ માટે મહત્ત્વનો ભાગ ભજવે છે. તોપણ, આપણા પિતા યહોવાહ આપણને પ્રેમ કરે છે એવો ભરોસો રાખવો, આપણી આત્મિકતા અને લાગણીમય સુખાકારી માટે ખૂબ મહત્ત્વનું છે. આ સામયિક વાંચી રહેલા એવા ઘણા લોકો હશે કે જેઓને પોતાના માબાપનો પ્રેમ મળ્યો નહિ હોય. જો તમારા કિસ્સામાં પણ એવું હોય તો, હિંમત રાખો. તમને માબાપનો પ્રેમ ન મળ્યો હોય અથવા પૂરતો પ્રેમ ન મળતો હોય તો, પરમેશ્વરનો પ્રેમ એ ઊણપ પૂરી કરી શકે છે.
૩ યહોવાહે પોતાના પ્રબોધક યશાયાહ દ્વારા કહ્યું કે માતા તેના ધાવણા બાળકને “વિસરી” જઈ શકે, પરંતુ તે કદી પોતાના લોકોને ભૂલી જશે નહિ. (યશાયાહ ૪૯:૧૫) એવી જ રીતે, દાઊદે ખાતરીપૂર્વક કહ્યું: “મારા બાપે તથા મારી માએ મને તજી દીધો છે, પણ યહોવાહ મને સંભાળશે.” (ગીતશાસ્ત્ર ૨૭:૧૦) કેટલું દિલાસો આપનારું! ભલે તમારા સંજોગો ગમે તેવા હોય, પરંતુ જો તમે યહોવાહ પરમેશ્વરને તમારું સમર્પણ કરીને તેમની સાથે સારો સંબંધ બાંધ્યો હોય તો, તમારે હંમેશા યાદ રાખવું જોઈએ કે તે બીજા કોઈ પણ માણસો કરતાં તમને વધારે પ્રેમ કરે છે!
પરમેશ્વરના પ્રેમમાં રહો
૪ તમે સૌ પ્રથમ યહોવાહના પ્રેમ વિષે ક્યારે જાણ્યું? દેખીતી રીતે જ, તમને પણ પ્રથમ સદીના ખ્રિસ્તીઓ જેવો અનુભવ થયો હશે. રૂમીઓને પત્રમાં લખેલા પાંચમાં અધ્યાયમાં, પાઊલ ખૂબ સરસ રીતે વર્ણવે છે કે એક સમયે પરમેશ્વરથી દૂર થઈ ગયેલા પાપીઓ કઈ રીતે યહોવાહને પ્રેમ કરવા લાગ્યા. પાંચમી કલમમાં તે કહે છે: “આપણને આપેલા પવિત્ર આત્માથી આપણા અંતઃકરણમાં દેવનો પ્રેમ વહેવડાવવામાં આવેલો છે.” વળી, તે આઠમી કલમમાં ઉમેરે છે: “આપણે જ્યારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે સારૂ મરણ પામ્યો, એમ કરવામાં દેવ આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કરે છે.”
૫ એવી જ રીતે, બાઇબલમાંથી તમને સત્ય બતાવવામાં આવ્યું અને તમે વિશ્વાસ કરવાનું શરૂ કર્યું ત્યારે, યહોવાહના પવિત્ર આત્માએ તમારા હૃદયમાં કાર્ય કરવાનું શરૂ કર્યું. આ રીતે, તમને ધીરે ધીરે સમજણ પડવા લાગી કે યહોવાહે પોતાના વહાલા દીકરાને તમારા માટે મરણ પામવા મોકલીને કેવું મોટું બલિદાન આપ્યું છે. આમ, યહોવાહ પરમેશ્વરે તમને વાકેફ કર્યા કે તે માણસજાતને કેટલો પ્રેમ કરે છે. માણસજાત જન્મથી પાપી અને યહોવાહથી દૂર છે. પરંતુ, શું એ જાણીને તમારા હૃદયને આનંદ થયો ન હતો કે યહોવાહે માણસજાત માટે માર્ગ ખોલ્યો છે કે જેથી તેઓ ન્યાયી પુરવાર થઈને અનંતજીવન મેળવી શકે? શું તમે યહોવાહના પ્રેમનો અનુભવ કર્યો ન હતો?—રૂમી ૫:૧૦.
૬ તમારા પિતા, યહોવાહના પ્રેમથી ખેંચાઈને તેમને સ્વીકાર્ય બનવા, તમે તમારા જીવનમાં ફેરફારો લાવ્યા. પછી તમે તમારું જીવન તેમને સમર્પણ કર્યું. હવે, તમે યહોવાહ સાથે સારા સંબંધનો આનંદ માણો છો. તોપણ, શું અમુક સમયે તમને એવું લાગે છે કે યહોવાહ તમારાથી દૂર થઈ ગયા છે? એવું આપણામાંના કોઈને પણ થઈ શકે છે. પરંતુ, હંમેશા યાદ રાખો કે પરમેશ્વર કદી બદલાતા નથી. તેમનો પ્રેમ સૂર્ય જેવો સ્થિર છે અને એનાં કિરણોની જેમ, તે આપણા પર સતત પ્રેમ વરસાવતા રહે છે. (માલાખી ૩:૬; યાકૂબ ૧:૧૭) બીજી બાજુ, અમુક સમય માટે આપણે બદલાઈ જઈ શકીએ. પૃથ્વી ફરે છે ત્યારે એના અડધા ભાગ પર અંધકાર છવાય જાય છે તેમ, જો આપણે પણ અમુક સમય માટે પરમેશ્વરથી મોં ફેરવી લઈશું તો, આપણો પરમેશ્વર પ્રત્યેનો પ્રેમ ઠંડો પડી ગયો છે એવું અનુભવીશું. આવી પરિસ્થિતિ સુધારવા આપણે શું કરી શકીએ?
૭ જો આપણને એવું લાગતું હોય કે આપણે પરમેશ્વરના પ્રેમથી દૂર થઈ ગયા છીએ તો, આપણે પોતાને પૂછવું જોઈએ: ‘શું હું પરમેશ્વરના પ્રેમને સામાન્ય ગણી રહ્યો છું? શું હું વિશ્વાસની ખામી બતાવીને ધીમે ધીમે જીવંત અને પ્રેમાળ પરમેશ્વરથી દૂર જઈ રહ્યો છું? શું હું “આત્મિક બાબતો” પર મન લગાડવાને બદલે “દૈહિક બાબતો” પર મન લગાડું છું?’ (રૂમી ૮:૫-૮; હેબ્રી ૩:૧૨) જો આપણે પોતાને યહોવાહથી અલગ કર્યા હોય તો, આપણે બાબતોને સુધારવા પગલાં લેવા જોઈએ. આપણે તેમના તરફ પાછા ફરીને તેમની સાથે ગાઢ સંબંધ બાંધવો જોઈએ. યાકૂબ આપણને વિનંતી કરે છે: “દેવની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે.” (યાકૂબ ૪:૮) યહુદાહે આપેલી સલાહને ધ્યાન આપો: “વહાલાઓ, તમારા પરમ પવિત્ર વિશ્વાસમાં વધતા જઈને, પવિત્ર આત્મામાં પ્રાર્થના કરીને, . . . દેવની પ્રીતિમાં પોતાને સ્થિર રાખો.”—યહુદા ૨૦, ૨૧.
બદલાયેલા સંજોગો પરમેશ્વરના પ્રેમને અસર કરતા નથી
૮ આજના જગતમાં આપણા જીવનમાં ઘણા ફેરફારો આવે છે. રાજા સુલેમાને અવલોક્યું કે, “પ્રસંગ તથા દૈવયોગની અસર [આપણ] સર્વને લાગુ પડે છે.” (સભાશિક્ષક ૯:૧૧) કોઈ વાર આપણા જીવનમાં રાતોરાત ફેરફારો આવી શકે. એક દિવસ આપણે તંદુરસ્ત હોઈએ તો બીજા જ દિવસે આપણે બીમાર પડી જઈ શકીએ. એક સમયે આપણી નોકરી સ્થાયી લાગી શકે પરંતુ બીજા જ દિવસે આપણે બેકાર બની જઈ શકીએ. અચાનક આપણાં પ્રિયજનનું મરણ થઈ શકે. અમુક દેશોમાં શાંતિપૂર્ણ પરિસ્થિતિનો આનંદ માણતા ખ્રિસ્તીઓએ અચાનક ફાટી નીકળતી હિંસક સતાવણીનો સામનો કરવો પડી શકે. આપણા પર જૂઠા આરોપ લગાવવામાં આવી શકે અને એના કારણે આપણે અન્યાય પણ સહન કરવો પડી શકે. હા, જીવન સ્થિર કે એકદમ સલામત નથી.—યાકૂબ ૪:૧૩-૧૫.
૯ આપણા જીવનમાં દુઃખદ ઘટનાઓ બને છે ત્યારે, આપણને એવું લાગે છે કે પરમેશ્વરે આપણને છોડી દીધા છે અને તે હવે આપણને પ્રેમ કરતા નથી. આપણા સર્વના જીવનમાં આવી બાબતો બનતી જ રહે છે આથી, આપણે રૂમીઓને પત્રના આઠમા અધ્યાયના પ્રેષિત પાઊલના ઉત્તેજન આપનારા શબ્દોને ધ્યાન આપવું જોઈએ. એ શબ્દો અભિષિક્ત ખ્રિસ્તીઓને કહેવામાં આવ્યા હતા. તોપણ, એ જ સિદ્ધાંત બીજા ઘેટાંને પણ લાગુ પડે છે કે જેઓને ઈબ્રાહીમની જેમ, પરમેશ્વરના મિત્ર તરીકે ન્યાયી જાહેર કરવામાં આવ્યા છે.—રૂમી ૪:૨૦-૨૨; યાકૂબ ૨:૨૧-૨૩.
૧૦ રૂમીઓને પત્ર ૮:૩૧-૩૪ વાંચો. પાઊલ પૂછે છે: “જો દેવ આપણા પક્ષનો છે તો આપણી સામો કોણ?” હા, શેતાન અને તેનું દુષ્ટ જગત આપણી વિરુદ્ધ છે. દુશ્મનો આપણા પર જૂઠા આરોપો મૂકીને અદાલતમાં પણ લઈ જઈ શકે. કેટલાક માબાપ પર પોતાનાં બાળકોને ધિક્કારતા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, કેમ કે તેઓ પોતાનાં બાળકોને પરમેશ્વરના નિયમનું ઉલ્લંઘન થતું હોય એવી તબીબી સારવાર કે વિધર્મી ઉજવણીઓમાં ભાગ લેવા દેતા નથી. (પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૮, ૨૯; ૨ કોરીંથી ૬:૧૪-૧૬) બીજા ભાઈબહેનો પર બંડખોરના જૂઠા આરોપ મૂકવામાં આવ્યા છે કારણ કે તેઓ યુદ્ધમાં પોતાના સાથી માનવીઓને મારી નાખતા નથી કે રાજકીય પ્રવૃત્તિઓમાં જોડાતા નથી. (યોહાન ૧૭:૧૬) કેટલાક વિરોધીઓએ વિવિધ માધ્યમો દ્વારા ખોટી વાતો ફેલાવી છે, અરે, તેઓએ યહોવાહના સાક્ષીઓ પર ખતરનાક પંથનો પણ આરોપ મૂક્યો છે.
૧૧ પરંતુ, આપણે ભૂલી જવું જોઈએ નહિ કે પ્રેષિતોના સમયમાં એવું જ કહેવામાં આવ્યું હતું: “આ પંથની વિરૂદ્ધ લોકો સર્વ સ્થળે બોલે છે એવું અમે જાણીએ છીએ.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૮:૨૨) શું ખોટા આરોપો ખરેખર મહત્ત્વના છે? ખ્રિસ્તીઓએ ઈસુ ખ્રિસ્તના બલિદાનમાં જે ભરોસો મૂક્યો છે એના આધારે યહોવાહ તેઓને ન્યાયી જાહેર કરે છે. શા માટે યહોવાહ પોતાના ઉપાસકોને સૌથી મૂલ્યવાન ભેટ, તેમના વહાલા પુત્રને આપ્યા પછી તેઓને પ્રેમ ન કરે? (૧ યોહાન ૪:૧૦) હવે ઈસુ મરણમાંથી સજીવન થયા છે અને પરમેશ્વરને જમણે હાથે બેઠા છે. તે સાચા ખ્રિસ્તીઓ માટે વિનંતી કરે છે. ઈસુએ પોતાના અનુયાયીઓ માટે કરેલા સમર્થનનું કોણ ખંડન કરી શકે અથવા પરમેશ્વર પોતાના વિશ્વાસુ સેવકોને મૂલ્યવાન સમજે છે એનો કોણ વિરોધ કરી શકે? કોઈ પણ નહિ!—યશાયાહ ૫૦:૮, ૯; હેબ્રી ૪:૧૫, ૧૬.
૧૨ રૂમીઓને પત્ર ૮:૩૫-૩૭ વાંચો. શું કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ આપણને યહોવાહ અને તેમના પુત્ર, ઈસુ ખ્રિસ્તના પ્રેમથી અલગ પાડી શકે? સાચા ખ્રિસ્તીઓને સતાવવા માટે શેતાન પૃથ્વી પરના પોતાના એજન્ટોનો ઉપયોગ કરી શકે. વીસમી સદી દરમિયાન, ઘણા દેશોમાં આપણા ખ્રિસ્તી ભાઈબહેનોએ ક્રૂર સતાવણીનો સામનો કર્યો છે. આજે કેટલાક દેશોમાં, આપણા ભાઈઓ દરરોજ આર્થિક તંગીનો સામનો કરે છે. કેટલાક અતિશય ભૂખમરાનો કે કપડાંની તંગીનો સામનો કરે છે. આવી ક્રૂર પરિસ્થિતિ લાવવા પાછળ શેતાનનો હેતુ શું છે? દેખીતી રીતે જ, તે યહોવાહના સાચા ઉપાસકોને નિરુત્સાહ કરવા ઇચ્છે છે. આપણા માટે પરમેશ્વરનો પ્રેમ ઠંડો પડી ગયો છે એવું આપણે વિચારીએ એમ શેતાન ઇચ્છે છે. પરંતુ, હકીકત શું છે?
૧૩ ગીતશાસ્ત્ર ૪૪:૨૨નો ઉલ્લેખ કરનારા પાઊલની જેમ, આપણે બાઇબલનો અભ્યાસ કર્યો છે. આપણને સમજણ પડી છે કે યહોવાહના નામની ખાતર આપણને, એટલે કે તેમના ‘ઘેટાંને’ આવાં પરીક્ષણો થાય છે. યહોવાહના નામને પવિત્ર મનાવવું અને તેમની વિશ્વ સર્વોપરિતાને દોષમુક્ત કરવી, આ બાબત સાથે સંકળાયેલા છે. આ મહત્ત્વના વાદવિષયને લીધે યહોવાહે સતાવણીને ચાલવા દીધી છે, એટલા માટે નહિ કે તે હવે આપણને પ્રેમ કરતા નથી. ગમે તેવા ખરાબ સંજોગો આવે છતાં, આપણે ખાતરી રાખી શકીએ કે પરમેશ્વરનો પ્રેમ તેમના સેવકો માટે ઓછો થયો નથી. જો આપણે આપણી પ્રામાણિકતા જાળવી રાખીશું તો, યહોવાહ આપણી હારને પણ વિજયમાં ફેરવી નાખશે. આમ, પરમેશ્વરના દૃઢ પ્રેમની ખાતરીથી આપણે મક્કમ થઈએ છીએ.
૧૪ રૂમી ૮:૩૮, ૩૯ વાંચો. પાઊલને શાનાથી ખાતરી થઈ કે ખ્રિસ્તીઓને પરમેશ્વરના પ્રેમથી કંઈ પણ બાબત અલગ કરી શકે નહિ? નિઃશંક, પાઊલના પ્રચાર કાર્યના અનુભવે તેમના વિશ્વાસને દૃઢ કર્યો કે મુશ્કેલીઓથી પરમેશ્વરના આપણા માટેના પ્રેમને કંઈ અસર થશે નહિ. (૨ કોરીંથી ૧૧:૨૩-૨૭; ફિલિપી ૪:૧૩) વળી, પાઊલ યહોવાહના અનંત હેતુ વિષે તેમ જ તેમણે પોતાના લોકો સાથે ભૂતકાળમાં કરેલા વ્યવહાર વિષે જાણતા હતા. યહોવાહની વફાદારીથી સેવા કરતા લોકો માટે શું મરણ પરમેશ્વરનો પ્રેમ ઓછો કરી શકે? ના, જરાય નહિ! આવી વિશ્વાસુ વ્યક્તિઓ મરી જાય તોપણ, પરમેશ્વર તેઓને ભૂલશે નહિ અને તે તેઓને નિયુક્ત સમયે સજીવન કરશે.—લુક ૨૦:૩૭, ૩૮; ૧ કોરીંથી ૧૫:૨૨-૨૬.
૧૫ આજે જીવનમાં અકસ્માત, પ્રાણઘાતક બીમારી કે આર્થિક તંગી જેવી ગમે તેવી મુશ્કેલીઓ આવે, તોપણ એ પરમેશ્વરના તેમના લોકો માટેના પ્રેમને ઓછો કરી શકશે નહિ. અનાજ્ઞાધિન દૂત, કે જે શેતાન બન્યો, એના જેવા શક્તિશાળી દૂતો પણ પરમેશ્વરને પોતાના સમર્પિત લોકોને પ્રેમ કરતા અટકાવી શકશે નહિ. (અયૂબ ૨:૩) સરકાર યહોવાહના સેવકો પર પ્રતિબંધ મૂકી શકે, જેલમાં પૂરી શકે, તેઓ સાથે ખરાબ વ્યવહાર કરી શકે અથવા તેઓને “પરસોના નોન ગ્રાટા” (અનિચ્છનીય લોકો) તરીકેનું લેબલ આપી શકે. (૧ કોરીંથી ૪:૧૩) રાષ્ટ્રોના આવા અન્યાયી ધિક્કારને કારણે લોકો આપણી વિરુદ્ધ દબાણ લાવે તોપણ, એ આપણા સર્વોપરી યહોવાહના નિર્ણયને ડગાવી શકશે નહિ.
૧૬ આપણે દુષ્ટ જગતના બનાવો, પરિસ્થિતિ અને સંજોગોથી ડરી જવું જોઈએ નહિ જેને પ્રેષિત પાઊલ “વર્તમાન” કહે છે તેમ જ, ‘ભવિષ્યમાં’ આવનાર બાબતો પણ યહોવાહના પોતાના લોકો માટેના પ્રેમને તોડી શકશે નહિ. સરકારો કે દુષ્ટ આત્માઓ આપણી વિરુદ્ધ યુદ્ધ કરી શકે, પરંતુ યહોવાહનો પ્રેમ આપણને ટકાવી રાખે છે. પાઊલે બતાવ્યું તેમ, “ઊંચાણ કે ઊંડાણ” યહોવાહના પ્રેમને અટકાવી શકશે નહિ. હા, પરમેશ્વરના પ્રેમથી આપણને અલગ કરી શકે એવી કંઈ પણ બાબત આપણને નિરુત્સાહ કરી શકશે નહિ કે આપણા પર અસર કરી શકશે નહિ. કોઈ પણ સૃષ્ટ કરેલી વસ્તુ ઉત્પન્નકર્તા સાથેના તેમના વિશ્વાસુ સેવકોના સંબંધને તોડી શકશે નહિ. યહોવાહનો પ્રેમ કદી નિષ્ફળ નહિ જાય; એ હંમેશા રહેશે.—૧ કોરીંથી ૧૩:૮.
પરમેશ્વરની કૃપાનો આનંદ માણવો
૧૭ યહોવાહનો પ્રેમ તમારા માટે કેટલો મહત્ત્વનો છે? શું તમે દાઊદ રાજા જેવું અનુભવો છો? તેમણે લખ્યું: “કેમકે તારી કૃપા જીવન કરતાં ઉત્તમ છે; મારા હોઠો તારી સ્તુતિ કરશે. હું આવી રીતે મરણ પર્યંત તને ધન્યવાદ આપીશ. હું તારે નામે મારા હાથ જોડીને ઊંચા કરીશ.” (ગીતશાસ્ત્ર ૬૩:૩, ૪) સાચે જ, શું આ જગતમાંથી મળતી કોઈ પણ બાબત પરમેશ્વરના પ્રેમ અને ગાઢ મિત્રતાની બરોબરી કરી શકે? દાખલા તરીકે, શું સારા પગારની દુન્યવી કારકિર્દી પરમેશ્વર સાથે ગાઢ સંબંધ બાંધવાથી મળતી મનની શાંતિ અને સુખ કરતા સારી હોય શકે? (લુક ૧૨:૧૫) કેટલાક ભાઈબહેનોએ એવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે કે જેમાં તેઓએ પરમેશ્વરનો નકાર કે મરણને પસંદ કરવાનું હતું. આ બાબત બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, ઘણા યહોવાહના સાક્ષીઓ સાથે નાઝી જુલમી છાવણીમાં બની હતી. પરંતુ, આપણા ભાઈબહેનોએ યહોવાહના પ્રેમને વફાદાર રહેવાનું પસંદ કર્યું અને જરૂરી હતું ત્યારે સ્વેચ્છાએ મરણ પસંદ કર્યું. યહોવાહને વફાદાર રહેનારાઓ ખાતરી રાખી શકે કે પરમેશ્વર તેમને અનંતકાળનું ભાવિ આપશે કે જે આ જગત આપી શકતું નથી. (માર્ક ૮:૩૪-૩૬) પરંતુ, અનંતજીવન કરતાં પણ વધારે બાબતો સમાયેલી છે.
૧૮ યહોવાહ વગર હંમેશ માટે જીવવું શક્ય નથી. તેમ છતાં, કલ્પના કરો કે તેમના વગર હંમેશનું જીવન કેવું હશે. એ ખાલી ખાલી હશે, જીવનમાં કોઈ હેતુ નહિ હોય. યહોવાહે પોતાના લોકોને આ છેલ્લા દિવસોમાં સંતોષપ્રદ કાર્ય આપ્યું છે. તેથી, આપણે ભરોસો રાખી શકીએ કે યહોવાહ, તેમના હેતુ અનુસાર અનંતજીવન આપશે ત્યારે, આપણને અદ્ભુત અને યોગ્ય બાબતો શીખવા તેમ જ કરવા માટે આપશે. (સભાશિક્ષક ૩:૧૧) આપણે હજાર વર્ષમાં ગમે તેટલું શીખીશું તોપણ, આપણે ક્યારેય “દેવની બુદ્ધિની તથા જ્ઞાનની સંપત્તિ” વિષે પૂરેપૂરી સમજણ મેળવી શકીશું નહિ.—રૂમી ૧૧:૩૩.
યહોવાહ તમને પ્રેમ કરે છે
૧૯ નિશાન ૧૪, ૩૩ સી.ઈ.ના રોજ, ઈસુ પોતાના ૧૧ વિશ્વાસુ પ્રેષિતો સાથે છેલ્લું સાંજનું ભોજન લઈ રહ્યા હતા ત્યારે, તેમણે આગળ રહેલી બાબતો વિષે તેઓને દૃઢ કરતી ઘણી બાબતો કહી. તેઓ સર્વ ઈસુની સતાવણી દરમિયાન તેમની સાથે રહ્યા હતા અને તેમના પ્રેમને વ્યક્તિગત રીતે અનુભવ્યો હતો. (લુક ૨૨:૨૮, ૩૦; યોહાન ૧:૧૬; ૧૩:૧) ત્યાર પછી, ઈસુએ તેઓને ફરીથી ખાતરી અપાવી: “બાપ પોતે તમારા પર પ્રેમ રાખે છે.” (યોહાન ૧૬:૨૭) એ શબ્દોએ શિષ્યોને એ સમજવા કેવી મદદ કરી હશે કે યહોવાહ તેઓને પ્રેમ કરે છે!
૨૦ હમણાં જીવી રહેલા ઘણા લોકો યહોવાહની દાયકાઓથી વિશ્વાસુપણે સેવા કરી રહ્યા છે. નિઃશંક, આ દુષ્ટ વસ્તુવ્યવસ્થાનો અંત આવે એ પહેલાં, આપણે બીજી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આવી મુશ્કેલીઓને કારણે આપણે કદી પણ યહોવાહને આપણા માટે પ્રેમ છે કે નહિ એવી શંકા કરવી જોઈએ નહિ. હા, યહોવાહ તમને પ્રેમ કરે છે એમાં જરાય શક નથી. (યાકૂબ ૫:૧૧) આપણે દરેકે યહોવાહની આજ્ઞા પાળવા આપણાથી બનતું બધું કરવું જોઈએ. (યોહાન ૧૫:૮-૧૦) આપણે દરેક તકને ઝડપી લઈને તેમના નામની સ્તુતિ કરવી જોઈએ. આપણે પ્રાર્થનામાં અને બાઇબલનો અભ્યાસ કરીને યહોવાહની વધારે નજીક રહેવાના નિર્ણયને દૃઢ કરવો જોઈએ. આવતી કાલ ગમે તેવી હોય શકે, પરંતુ જો આપણે યહોવાહને ખુશ કરીશું તો, આપણે શાંતિમાં રહીશું અને પૂરેપૂરો વિશ્વાસ રાખીશું કે યહોવાહ હંમેશા આપણને પ્રેમ કરે છે.—૨ પીતર ૩:૧૪.
તમે કેવો જવાબ આપશો?
• આત્મિક અને લાગણીમય રીતે સમતોલપણું જાળવી રાખવા, આપણને ખાસ કરીને કોના પ્રેમની જરૂર છે?
• કઈ બાબતો યહોવાહને પોતાના સેવકોને પ્રેમ કરતા અટકાવી શકશે નહિ?
• શા માટે યહોવાહનો પ્રેમ “જીવન કરતાં ઉત્તમ છે”?
[અભ્યાસ પ્રશ્નો]
૧, ૨. (ક) કોઈ આપણને પ્રેમ કરે છે એ જાણવું શા માટે મહત્ત્વનું છે? (ખ) આપણને કોના પ્રેમની ખાસ જરૂર છે?
૩. યહોવાહ પોતાના લોકોને કઈ રીતે દિલાસો આપે છે?
૪. પ્રથમ સદીના ખ્રિસ્તીઓને કઈ રીતે પરમેશ્વરના પ્રેમમાંથી દિલાસો મળ્યો?
૫. કઈ બાબતે તમને પરમેશ્વરના પ્રેમને સમજવા અને એની કદર કરવા મદદ કરી?
૬. શા માટે અમુક સમયે આપણે યહોવાહથી દૂર થઈ ગયા હોય એવું અનુભવીએ છીએ?
૭. પરમેશ્વરના પ્રેમમાં સ્થિર રહેવા આપણે પોતાને કયા પ્રશ્નો પૂછી શકીએ?
૮. આપણા જીવનમાં અચાનક કયા ફેરફારો આવી શકે?
૯. આપણે શા માટે રૂમીઓને પત્રના આઠમા અધ્યાયના અમુક ભાગ પર ધ્યાન આપવું જોઈએ?
૧૦, ૧૧. (ક) યહોવાહના લોકો વિરુદ્ધ અમુક સમયે કયા આરોપો મૂકવામાં આવે છે? (ખ) શા માટે આ આરોપ ખ્રિસ્તીઓ માટે મહત્ત્વના નથી?
૧૨, ૧૩. (ક) કઈ પરિસ્થિતિ કે સંજોગો આપણને પરમેશ્વરના પ્રેમથી અલગ કરી શકશે નહિ? (ખ) આપણા પર પરીક્ષણો લાવવાનો શેતાનનો હેતુ શું છે? (ગ) શા માટે ખ્રિસ્તીઓ પૂરેપૂરા વિજયી થાય છે?
૧૪. ખ્રિસ્તીઓએ મુશ્કેલીઓનો સામનો કરવો પડે તોપણ, પાઊલ પરમેશ્વરના પ્રેમની કઈ રીતે ખાતરી કરાવે છે?
૧૫, ૧૬. એવી કેટલીક બાબતો બતાવો કે જે કદી પણ યહોવાહને પોતાના લોકોને પ્રેમ કરતા અટકાવશે નહિ.
૧૭. (ક) શા માટે યહોવાહનો પ્રેમ “જીવન કરતાં ઉત્તમ છે”? (ખ) આપણે યહોવાહની કૃપાનો આનંદ માણીએ છીએ એવું કઈ રીતે બતાવી શકીએ?
૧૮. શા માટે અનંતજીવનની ઇચ્છા રાખવી જોઈએ?
૧૯. ઈસુએ પોતાના શિષ્યોને કઈ ખાતરી આપી?
૨૦. તમે શું કરવાનો નિર્ણય લીધો છે અને તમે કેવો ભરોસો રાખી શકો?
[પાન ૧૩ પર ચિત્રો]
આપણે યહોવાહના પ્રેમથી અલગ થઈ ગયા છીએ એવું અનુભવીએ તો, બાબતો સુધારવા તરત જ પગલાં લેવા જોઈએ
[પાન ૧૫ પર ચિત્ર]
પાઊલ જાણતા હતા કે શા માટે તેમની સતાવણી થઈ રહી છે