હિબ્રૂઓને પત્ર
૪ ઈશ્વરના વચન પ્રમાણે તેમના આરામમાં પ્રવેશવું હજી પણ શક્ય છે. એટલે આપણે સાવધ રહીએ,* જેથી આપણે તેમના આરામમાં પ્રવેશવા માટે અયોગ્ય ન ગણાઈએ.+ ૨ આપણા બાપદાદાઓની જેમ આપણે ખુશખબર સાંભળી છે.+ પણ તેઓ એ પ્રમાણે ચાલ્યા નહિ એટલે તેઓને કંઈ ફાયદો થયો નહિ. કેમ કે તેઓએ સાંભળ્યું તો ખરું, પણ તેઓમાં ખુશખબર પ્રમાણે ચાલનાર લોકો જેવી મક્કમ શ્રદ્ધા ન હતી. ૩ જોકે, આપણે શ્રદ્ધા બતાવીએ છીએ અને આરામમાં પ્રવેશીએ છીએ. પણ તેઓ માટે તેમણે કહ્યું હતું: “એટલે મેં ગુસ્સે ભરાઈને સોગંદ લીધા: ‘તેઓ મારા આરામમાં પ્રવેશ કરશે નહિ,’”+ જ્યારે કે દુનિયાનો પાયો નંખાયો* ત્યારથી પોતાનું કામ પૂરું કરીને તે આરામ લઈ રહ્યા છે.+ ૪ કેમ કે સાતમા દિવસ વિશે શાસ્ત્રમાં એક જગ્યાએ તેમણે કહ્યું છે: “ઈશ્વરે સાતમા દિવસે પોતાનાં બધાં કામથી આરામ લીધો.”+ ૫ તે ફરી કહે છે: “તેઓ મારા આરામમાં પ્રવેશ કરશે નહિ.”+
૬ જેઓને સૌથી પહેલા ખુશખબર જણાવવામાં આવી હતી, તેઓએ ઈશ્વરની વાત માની નહિ, એટલે તેઓ આરામમાં પ્રવેશી શક્યા નહિ.+ પણ અમુક લોકો માટે પ્રવેશવું હજી શક્ય છે. ૭ એટલે, લાંબા સમય પછી દાઉદના ગીતમાં તે બીજા એક દિવસને* “આજ” કહે છે, જેમ મેં આ પત્રમાં અગાઉ જણાવ્યું હતું: “આજે જો તમે તેમનું સાંભળો, તો તમારું દિલ કઠણ ન કરતા.”+ ૮ કેમ કે જો યહોશુઆ+ તેઓને આરામમાં લઈ ગયા હોત, તો ઈશ્વરે પછીથી બીજા દિવસ વિશે જણાવ્યું ન હોત. ૯ એટલે ઈશ્વરના લોકો માટે સાબ્બાથનો* આરામ હજી બાકી છે.+ ૧૦ જેમ ઈશ્વરે પોતાનાં કામથી આરામ લીધો હતો,+ તેમ જેણે ઈશ્વરના આરામમાં પ્રવેશ કર્યો છે, તેણે પણ પોતાનાં કામથી આરામ લીધો છે.
૧૧ એ માટે ચાલો, આપણે આરામમાં પ્રવેશવા પૂરેપૂરો પ્રયત્ન કરીએ, જેથી કોઈને એ લોકોની જેમ આજ્ઞા તોડવાની ટેવ ન પડી જાય.+ ૧૨ ઈશ્વરનો સંદેશો જીવંત, શક્તિશાળી+ અને બેધારી તલવાર કરતાં પણ વધારે ધારદાર છે.+ એ સાંધા અને મજ્જાને ઊંડે સુધી વીંધે છે. એ માણસને એટલી હદે વીંધે છે કે તે બહારથી* અને અંદરથી* કેવો છે એ દેખાઈ આવે છે. એ દિલના વિચારો અને ઇરાદાઓને પારખી શકે છે. ૧૩ સૃષ્ટિમાં એવું કંઈ નથી, જે ઈશ્વરની નજરથી છુપાયેલું હોય.+ આપણે એ ઈશ્વરને હિસાબ આપવાનો છે, જેમની આગળ બધું ખુલ્લું છે અને જેમની નજરથી કંઈ સંતાયેલું નથી.+
૧૪ આપણી પાસે મહાન પ્રમુખ યાજક, એટલે કે ઈશ્વરના દીકરા ઈસુ છે,+ જેમણે સ્વર્ગમાં પ્રવેશ કર્યો છે. ચાલો આપણે ઈસુ પરની આપણી શ્રદ્ધાને જાહેર કરતા રહીએ.+ ૧૫ કેમ કે આપણા પ્રમુખ યાજક એવા નથી, જે આપણી નબળાઈઓ સમજી ન શકે.+ આપણા પ્રમુખ યાજક તો એવા છે, જે આપણી જેમ દરેક પ્રકારનાં દુઃખો અને કસોટીઓમાંથી પસાર થયા, પણ તેમણે પાપ કર્યું નહિ.+ ૧૬ તો ચાલો આપણે અપાર કૃપાની રાજગાદી આગળ કોઈ પણ સંકોચ વગર પ્રાર્થના કરીએ,+ જેથી મદદની જરૂર હોય ત્યારે આપણે દયા અને અપાર કૃપા મેળવી શકીએ.