યહૂદાનો પત્ર
૧ હું યહૂદા, ઈસુ ખ્રિસ્તનો* સેવક અને યાકૂબનો ભાઈ છું.+ હું આ પત્ર એ ભાઈ-બહેનોને લખું છું, જેઓને ઈશ્વર આપણા પિતાએ પસંદ કર્યાં છે+ અને જેઓને તે પ્રેમ કરે છે, જેથી તેઓ ઈસુ ખ્રિસ્તની સાથે રહે.+
૨ ઈશ્વર તમને પુષ્કળ દયા, શાંતિ અને પ્રેમ બતાવે.
૩ વહાલા ભાઈઓ, મારી ઘણી ઇચ્છા હતી કે હું તમને આપણા બધાના ઉદ્ધાર વિશે લખું.+ પણ હમણાં મને એવું ઉત્તેજન આપવું વધારે જરૂરી લાગે છે કે તમે પૂરા દિલથી એ શ્રદ્ધા* માટે સખત લડત આપતા રહો,+ જે પવિત્ર લોકોને એક જ વાર અને હંમેશ માટે મળી છે. ૪ મારા લખવાનું કારણ એ છે કે અમુક લોકો તમારામાં છૂપી રીતે આવી ગયા છે, જેઓ માટે ઘણા સમય અગાઉથી શાસ્ત્રમાં સજા ઠરાવેલી છે. એ લોકો ઈશ્વરને માન આપતા નથી અને આપણા ઈશ્વરની અપાર કૃપાને* બેશરમ કામો*+ કરવાનું બહાનું બનાવે છે. તેઓ આપણા એકમાત્ર માલિક અને રાજા ઈસુ ખ્રિસ્તનો વિશ્વાસઘાત કરે છે.+
૫ તમે આ બધું પહેલેથી જાણો છો, તોપણ હું તમને અમુક વાતો યાદ અપાવવા માંગું છું. યહોવાએ* ઇજિપ્તમાંથી* પોતાના લોકોને છોડાવ્યા હતા,+ પણ પછીથી જેઓએ શ્રદ્ધા રાખી નહિ તેઓનો તેમણે નાશ કર્યો હતો.+ ૬ જે દૂતોએ* પોતાની પદવી ત્યજી દીધી અને પોતાનું રહેઠાણ છોડી દીધું,+ તેઓને ઈશ્વરે કાયમ માટેનાં બંધનથી બાંધીને ઘોર અંધકારમાં ફેંકી દીધા છે, જેથી ન્યાયનો મહાન દિવસ આવે ત્યારે તે તેઓને સજા કરે.+ ૭ એ દૂતોની જેમ સદોમ અને ગમોરાહ અને એની આજુબાજુનાં શહેરોના લોકો પણ અધમ વ્યભિચારમાં* ડૂબેલા હતા અને શરીરની ખોટી ઇચ્છાઓ સંતોષવામાં* મંડ્યા રહેતા હતા.+ તેઓ બધાનો ન્યાય થયો અને તેઓને હંમેશ માટેના વિનાશની* સજા મળી. આ બધા આપણા માટે ચેતવણી આપતા દાખલાઓ છે.+
૮ તેમ છતાં, તમારામાં છૂપી રીતે આવી ગયેલા લોકો ખોટા વિચારોમાં* ડૂબેલા રહે છે. તેઓ પોતાને અને બીજાઓને* ભ્રષ્ટ કરે છે, આગેવાનોને તુચ્છ ગણે છે અને એવા લોકોની નિંદા કરે છે જેઓને ઈશ્વર માન આપે છે.+ ૯ જ્યારે પ્રમુખ દૂત*+ મિખાયેલ+ અને શેતાન* વચ્ચે મૂસાના શબ વિશે મતભેદ અને વિવાદ ઊભો થયો,+ ત્યારે મિખાયેલે શેતાનને ધમકાવીને તેને દોષિત ઠરાવવાની હિંમત કરી નહિ.+ પણ તેણે એટલું જ કહ્યું, “યહોવા* તને ધમકાવે.”+ ૧૦ પણ આ લોકોને જે વાતો સમજાતી નથી એની તેઓ નિંદા કરે છે.+ તેઓ બધી બાબતોમાં અક્કલ વગરનાં પ્રાણીઓની જેમ વર્તે છે.+ તેઓ પ્રાણીઓની જેમ કુદરતી રીતે જે સમજે છે, એ પ્રમાણે કરીને પોતાને ભ્રષ્ટ કરતા રહે છે.
૧૧ તેઓને અફસોસ! તેઓ કાઈનના+ રસ્તે ચાલી નીકળ્યા છે. તેઓ બલામની+ જેમ ઇનામની લાલચમાં ખોટા માર્ગે ધસી ગયા છે. તેઓ કોરાહની+ જેમ બંડખોર વાતો કરીને નાશ પામ્યા છે.+ ૧૨ તેઓ તમારી સાથે મિજબાનીઓમાં* ખાય-પીએ છે, પણ પાણી નીચે રહેલા જોખમી ખડકો* જેવા છે.+ તેઓ પોતાનું જ પેટ ભરતા બેશરમ ઘેટાંપાળકો જેવા છે.+ તેઓ પવનથી આમતેમ ખેંચાઈ જતાં પાણી વગરનાં વાદળાં જેવાં છે.+ તેઓ એવાં વૃક્ષો જેવા છે, જેઓ પોતાની મોસમમાં* ફળ આપતાં નથી, પૂરી રીતે* મરી ચૂક્યાં છે અને જડમૂળથી ઉખેડી નાખવામાં આવ્યાં છે. ૧૩ તેઓ દરિયાનાં તોફાની મોજાં જેવા છે. જેમ તોફાની મોજાં ગંદું ફીણ ઉછાળે છે,+ તેમ તેઓ પોતાનાં બેશરમ કામોનું ફીણ ઉછાળે છે. તેઓ ભટકતા તારા જેવા છે, જેઓ કાયમ માટે ઘોર અંધકારમાં રહેશે.+
૧૪ હા, આદમની સાતમી પેઢીમાં થઈ ગયેલા હનોખે+ પણ એવા લોકો વિશે ભવિષ્યવાણી કરી હતી: “જુઓ! યહોવા* તેમના હજારોહજાર* પવિત્ર દૂતો સાથે આવ્યા છે.+ ૧૫ તે સર્વ લોકોનો ન્યાય કરશે,+ પાપી લોકોએ ઈશ્વરનું અપમાન કરવા જે દુષ્ટ કામો કર્યાં હતાં અને તેમની વિરુદ્ધ જે ઉદ્ધત વાતો કરી હતી, એ માટે તેઓને દોષિત ઠરાવશે.”+
૧૬ આ લોકો કચકચ કરે છે,+ પોતાની હાલત વિશે ફરિયાદ કરે છે, મનમાની કરે છે,+ મોટી મોટી બડાઈઓ હાંકે છે અને પોતાના સ્વાર્થ માટે બીજાઓની ખુશામત* કરે છે.+
૧૭ વહાલા ભાઈઓ, આપણા માલિક ઈસુ ખ્રિસ્તના પ્રેરિતોએ* અગાઉ કહેલી* વાતો યાદ કરો. ૧૮ તેઓ તમને વારંવાર કહેતા: “છેલ્લા સમયમાં મશ્કરી કરનાર લોકો ઊભા થશે અને પોતાની દુષ્ટ ઇચ્છાઓ પૂરી કરવામાં ડૂબેલા રહેશે.”+ ૧૯ આ એ જ લોકો છે જેઓ ભાગલા પાડે છે,+ જાનવરની જેમ વર્તે છે અને ઈશ્વરની* દોરવણી પ્રમાણે ચાલતા નથી. ૨૦ પણ વહાલાઓ, તમે તમારી પરમ પવિત્ર શ્રદ્ધામાં પોતાને દૃઢ કરતા જાઓ અને પવિત્ર શક્તિ* પ્રમાણે પ્રાર્થના કરો,+ ૨૧ જેથી આપણા માલિક ઈસુ ખ્રિસ્ત* દયા બતાવીને હંમેશ માટેનું જીવન આપે+ ત્યાં સુધી તમે રાહ જુઓ અને ઈશ્વરના પ્રેમમાં કાયમ રહો.+ ૨૨ જેઓમાં વિશ્વાસની ખામી છે,+ તેઓને દયા બતાવતા રહો.+ ૨૩ તેઓને વિનાશની આગમાંથી ખેંચી કાઢીને બચાવો.+ તેઓનાં પાપી કામોને લીધે તેઓનાં કપડાં પર ડાઘ લાગ્યો છે. તેઓને દયા બતાવો ત્યારે તેઓનાં પાપને ધિક્કારો અને સાવધ રહો કે તેઓનાં પાપનો ડાઘ તમને ન લાગે.*+
૨૪ ઈશ્વર તમને ઠોકર ખાવાથી બચાવી શકે છે અને તે પોતાના ગૌરવ આગળ* તમને નિર્દોષ રજૂ કરી શકે છે,+ એના લીધે તમે આનંદથી ભરપૂર થશો. ૨૫ તે એકમાત્ર ઈશ્વર છે અને આપણા માલિક ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણો ઉદ્ધાર કરનાર છે. ઈશ્વરને યુગોના યુગોથી, હમણાં પણ અને હંમેશ માટે ગૌરવ, મહિમા, શક્તિ અને અધિકાર મળે. આમેન.*