બાઇબલનો ઉપયોગ કરીને પોતાને અને બીજાઓને મદદ કરો
‘તમારાં શાસનો પ્રમાણે હું મારી સર્વ વર્તણૂક યોગ્ય રાખું છું.’—ગીત. ૧૧૯:૧૨૮.
૧. બાઇબલ પર કેમ પૂરો ભરોસો હોવો જોઈએ?
બાઇબલ વિદ્યાર્થી પ્રચારમાં ભાગ લેવા તૈયાર છે કે નહિ એ નક્કી કરવા વડીલ વિચારશે કે, ‘શું તે વ્યક્તિ માને છે કે બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે?’a હકીકતમાં, દરેક ઈશ્વરભક્તે એમ માનવું જ જોઈએ. એની સાબિતી તેઓએ પોતાનાં કાર્યોથી આપવી જોઈએ. બાઇબલ પર ભરોસો રાખવાથી અને પ્રચારમાં એનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી બીજાઓને યહોવાનું જ્ઞાન આપવા મદદ મળે છે. તેમ જ, તેઓને તારણ મેળવવામાં પણ મદદ આપી શકીએ છીએ.
૨. આપણે કેમ “વાતો” એટલે કે સત્યો શીખતા રહેવાની જરૂર છે?
૨ તીમોથીને લખેલા પત્રમાં પ્રેરિત પાઊલે બાઇબલના મહત્ત્વ પર ભાર આપ્યો. તેમણે લખ્યું, ‘જે વાતો તું શીખ્યો અને જેના વિશે તને ખાતરી થઈ છે તેઓને વળગી રહે.’ પાઊલ અહીંયા “જે વાતો” કહીને બાઇબલનાં સત્યોને દર્શાવી રહ્યા હતા. એ સત્યોને લીધે ખુશખબરમાં તીમોથીની શ્રદ્ધા વધી હતી. આજે, એ સત્યો આપણી પણ શ્રદ્ધા વધારે છે. તેમ જ, ‘તારણને માટે જ્ઞાન’ આપે છે. (૨ તીમો. ૩:૧૪, ૧૫) બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે, એ બીજાઓને સમજાવવા આપણે ઘણી વાર બીજો તીમોથી ૩:૧૬ની કલમ વાપરીએ છીએ. (વાંચો.) પાઊલના એ શબ્દોથી આપણને પણ ઘણો લાભ થાય છે. ચાલો, એ કલમ વિશે વધારે માહિતી તપાસીએ. એમ કરવાથી, આપણો ભરોસો વધશે કે, યહોવાનું બધું જ શિક્ષણ “ખરું” છે.—ગીત. ૧૧૯:૧૨૮, NW.
‘બોધ આપવા ઉપયોગી’
૩-૫. (ક) પીતરના પ્રવચનથી લોકો પર કેવી અસર પડી અને શા માટે? (ખ) થેસ્સાલોનીકાના ઘણા લોકોએ કેમ સત્ય સ્વીકાર્યું? (ગ) આજે, પ્રચારમાં ઘણા લોકોને કઈ બાબત અસર કરે છે?
૩ ઈસુએ ઈસ્રાએલી પ્રજાને કહ્યું: “જુઓ, પ્રબોધકોને તથા જ્ઞાનીઓને તથા શાસ્ત્રીઓને [શિક્ષકોને] હું તમારી પાસે મોકલું છું.” (માથ. ૨૩:૩૪) અહીંયા, ઈસુ પોતાના શિષ્યોની વાત કરતા હતા. ઈસુએ તેઓને પ્રચારમાં શાસ્ત્રનો ઉપયોગ કરવાનું શીખવ્યું. તેઓમાંના એક ‘શિક્ષક’ પ્રેરિત પીતર હતા. પેન્તેકોસ્ત ૩૩ની સાલમાં, તેમણે યરૂશાલેમમાં એક મોટી ભીડને પ્રવચન આપ્યું. એમાં, તેમણે હિબ્રૂ શાસ્ત્રવચનોમાંથી ઘણા અહેવાલ ટાંક્યા. પીતરે જે રીતે કલમો સમજાવી એ સાંભળ્યા પછી ઘણા લોકોના “મન વીંધાઈ ગયાં.” એ પછી, તેઓએ પોતાનાં પાપ માટે પસ્તાવો કર્યો. એ દિવસે, ત્રણેક હજાર લોકો ઈશ્વરની કૃપા મેળવી શક્યા અને ખ્રિસ્તી બન્યા.—પ્રે.કૃ. ૨:૩૭-૪૧.
૪ બીજા એક ‘શિક્ષક’ પ્રેરિત પાઊલ હતા. તેમણે યરૂશાલેમથી દૂર, ખુશખબરનો પ્રચાર કર્યો. દાખલા તરીકે, મકદોનિયામાં આવેલા થેસ્સાલોનીકા શહેરના સભાસ્થાનમાં ભક્તિ કરતા યહુદીઓ સાથે વાત કરી. ત્રણ વિશ્રામવાર સુધી, પાઊલે ‘ખુલાસો આપીને સાબિત કર્યું કે ખ્રિસ્તે સહેવું તથા મૂએલાંમાંથી પાછા ઊઠવું એ આવશ્યક હતું.’ એનું શું પરિણામ આવ્યું? ‘તેઓમાંના કેટલાકે તથા ધાર્મિક ગ્રીકમાંના ઘણા લોકોએ વાત માની.’—પ્રે.કૃ. ૧૭:૧-૪.
૫ આજે, ઈશ્વરભક્તો બાઇબલનો ઉપયોગ કરે છે ત્યારે, ઘણા લોકો પર એની અસર થાય છે. દાખલા તરીકે, સ્વિટ્ઝરલૅન્ડમાં એક ઘરમાલિકને આપણી બહેને બાઇબલમાંથી કલમ બતાવી. એ સાંભળીને તેણે પૂછ્યું, ‘તમે કયા પંથના છો?’ બહેને જવાબ આપ્યો, ‘હું અને મારા સાથી, યહોવાના સાક્ષીઓ છીએ.’ એ સાંભળી, ઘરમાલિકે કહ્યું: ‘મારે સમજી જવું જોઈતુંʼતું કે, યહોવાના સાક્ષીઓ સિવાય બીજું કોણ મારા ઘરે આવીને બાઇબલમાંથી બતાવે છે!’
૬, ૭. (ક) મંડળમાં શીખવતી વખતે કઈ રીતે બાઇબલનો સારો ઉપયોગ કરી શકાય? (ખ) અભ્યાસ ચલાવતી વખતે બાઇબલનો સારો ઉપયોગ કરવો કેમ મહત્ત્વનું છે?
૬ શીખવતી વખતે, બાઇબલનો કઈ રીતે સૌથી સારો ઉપયોગ કરી શકાય? તમારી પાસે મંડળમાં શીખવવાનો લહાવો હોય તો, શીખવતી વખતે યોગ્ય કલમો વાપરો. એ કલમનો સાર આપવાને બદલે અથવા પ્રિન્ટઆઉટ કે મોબાઇલ અને ટેબ્લેટ જેવાં સાધનોમાંથી વાંચી જવાને બદલે, બાઇબલમાંથી એ કલમ ખોલો અને વાંચો. ભાઈ-બહેનોને પણ એમ કરવા ઉત્તેજન આપો. સમજાવો કે કઈ રીતે યહોવા સાથે ગાઢ સંબંધ બાંધવા એ કલમ લાગુ પડે છે. અઘરાં ઉદાહરણ કે દાખલા વાપરવાને બદલે, કલમનો અર્થ સમજાવવા સમય આપો.
૭ બાઇબલ અભ્યાસ ચલાવતી વખતે, શું ધ્યાનમાં રાખવું જોઈએ? એ જ કે સાહિત્યમાં આપેલી જરૂરી કલમો વાંચવાનું ચૂકીએ નહિ. ટાંકેલી બધી કલમો વાંચવા આપણે વિદ્યાર્થીને ઉત્તેજન આપવું જોઈએ. તેમ જ, એ કલમનો અર્થ સમજવા મદદ કરવી જોઈએ. કઈ રીતે? લાંબી લાંબી સમજણ આપવાને બદલે, વિદ્યાર્થીને તેના વિચારો જણાવવાનું કહી શકાય. શું માનવું કે શું કરવું, એ જણાવવા કરતાં એવા સવાલો પૂછી શકાય જેનાથી બાઇબલ શિક્ષણને સમજવા અને લાગુ પાડવા, તેને મદદ મળે.b
‘ઠપકા માટે ઉપયોગી’
૮. પાઊલે કઈ બાબત સામે લડત આપી?
૮ મોટા ભાગે, આપણે એમ સમજતા હોઈએ છીએ કે “ઠપકો” આપવાનું કામ વડીલોનું છે. એ સાચું છે, કેમ કે ‘પાપ કરનારને ઠપકો’ આપવાની જવાબદારી વડીલોની છે. (૧ તીમો. ૫:૨૦; તીત. ૧:૧૩) પરંતુ, પોતાને ઠપકો આપવો પણ મહત્ત્વનું છે. પાઊલ પાસે શુદ્ધ અંતઃકરણ હોવાથી, તેમણે આપણી માટે સારો દાખલો બેસાડ્યો. (૨ તીમો. ૧:૩) તોય તેમણે લખ્યું: “હું મારા અવયવોમાં એક જુદો નિયમ જોઉં છું, તે મારા મનના નિયમની સામે લડે છે, અને મારા અવયવોમાં રહેલા પાપના નિયમ બંધનમાં મને લાવે છે.” એ અહેવાલ પર ચર્ચા કરીને આપણે સારી રીતે સમજી શકીશું કે, પાઊલે પોતાનાં પાપી વલણ સામે લડત આપવા શું કરવાની જરૂર હતી.—રોમનો ૭:૨૧-૨૫ વાંચો.
૯, ૧૦. (ક) પાઊલને કદાચ કઈ નબળાઈ હતી? (ખ) પાઊલે કઈ રીતે પાપ સામે લડત આપી હોઈ શકે?
૯ પાઊલ કઈ નબળાઈને આંબવાનો પ્રયત્ન કરી રહ્યા હતા? તેમણે એ વિશે કંઈ ખાસ જણાવ્યું નથી. પણ, તેમણે તીમોથીને લખ્યું કે, પોતે “જુલમી” વ્યક્તિ હતા. (૧ તીમો. ૧:૧૩) ખ્રિસ્તી બન્યા પહેલાં પાઊલ, ખ્રિસ્તીઓ પર ઘણો જુલમ કરતા હતા. એ સમયે, ખ્રિસ્તના અનુયાયીઓ પ્રત્યે પોતાની લાગણીઓ જણાવતા તે કહે છે કે, ‘હું તેઓ પર અત્યંત ક્રોધાયમાન થતો.’ (પ્રે.કૃ. ૨૬:૧૧) પાઊલ ગુસ્સા પર કાબૂ રાખવાનું શીખ્યા. તોપણ, અમુક વાર પોતાના ગુસ્સા અને શબ્દો પર કાબૂ રાખવો તેમની માટે અઘરું હશે. (પ્રે.કૃ. ૧૫:૩૬-૩૯) તેમને શામાંથી મદદ મળી?
૧૦ કોરીંથના ખ્રિસ્તીઓને લખતી વખતે પાઊલે જણાવ્યું કે તે કઈ રીતે પોતાને ઠપકો આપતા હતા. (૧ કોરીંથી ૯:૨૬, ૨૭ વાંચો.) પોતાની નબળાઈઓ સામે તેમણે કડક પગલાં ભર્યાં. સલાહ માટે તેમણે શાસ્ત્રની મદદ લીધી, એ સલાહ લાગુ પાડવા યહોવાને પ્રાર્થના કરી અને સુધારો કરવા મહેનત કરી.c તેમના અનુભવમાંથી ઘણું શીખી શકીએ છીએ કેમ કે, આપણે પણ પાપી ઇચ્છાઓ સામે લડત આપી રહ્યા છીએ.
૧૧. સત્યના માર્ગ પર ચાલી રહ્યા છીએ, એ જાણવા પોતાની પરીક્ષા કઈ રીતે કરી શકીએ?
૧૧ નબળાઈઓ સામે લડત આપવાનું કદી બંધ ન કરવું જોઈએ. એને બદલે, પોતાની “પરીક્ષા” કરતા રહેવાની જરૂર છે. (૨ કોરીં. ૧૩:૫) આમ કરવાથી, ખાતરી કરી શકીશું કે સત્યના માર્ગ પર આપણે ચાલી રહ્યા છીએ. કોલોસી ૩:૫-૧૦ જેવી કલમો વાંચ્યા પછી, વિચાર કરીએ કે: “શું હું પાપી ઇચ્છાઓને મારી નાખવા ખંતથી પ્રયત્ન કરું છું? કે પછી, ખરાબ કામ કરવા તરફ લલચાઈ જઉં છું? ઇન્ટરનેટ વાપરતી વખતે ગંદી સાઇટ સામે આવે તો, શું એને તરત બંધ કરું છું? કે પછી, એવી સાઇટ જોવા લાગી જઉં છું?” આવી બાબતોમાં ઈશ્વરની સલાહ લાગુ પાડવાથી ‘જાગતા રહેવા અને સાવધ રહેવા’ મદદ મળે છે.—૧ થેસ્સા. ૫:૬-૮.
‘સુધારા માટે ઉપયોગી’
૧૨, ૧૩. (ક) બાબતો સુધારવા આપણે કેવા પ્રયત્નો કરવા જોઈએ? એમ કરવા, ઈસુનું ઉદાહરણ કઈ રીતે મદદ કરે છે? (ખ) બીજાઓ સાથે સંબંધ સુધારવા કેવું વલણ ટાળવું જોઈએ?
૧૨ બાઇબલમાં વપરાયેલા, ‘સુધારા’ માટેના મૂળ ગ્રીક શબ્દના અર્થ “સારું બનાવવું,” “સારું કરવું” કે “સરખું કરવું” થઈ શકે. અમુક વાર આપણાં વાણી-વર્તનથી ગેરસમજ થાય ત્યારે, બીજાઓ સાથે સંબંધ સુધારવા આપણે પગલાં ભરવાં પડે. દાખલા તરીકે, યહુદી ધર્મ ગુરુઓએ ફરિયાદ કરી કે, ‘દાણીઓ તથા પાપીઓ’ પ્રત્યે ઈસુ દયા રાખે છે. જવાબમાં ઈસુએ કહ્યું: “જેઓ સાજા છે તેઓને વૈદની અગત્ય નથી, પણ જેઓ માંદા છે તેઓને છે. પણ, યજ્ઞ કરતાં હું દયા ચાહું છું, એનો શો અર્થ છે, તે જઈને શીખો.” (માથ. ૯:૧૧-૧૩) ઈસુએ ધીરજ અને નમ્રતાથી ઈશ્વરનાં વચનો સર્વને જણાવ્યાં. એટલે જ, નમ્ર લોકો સમજી શક્યા કે, “યહોવા, દયાળુ તથા કૃપાળુ ઈશ્વર, મંદરોષી, અને અનુગ્રહ તથા સત્યથી ભરપૂર” છે. (નિર્ગ. ૩૪:૬) ઈશ્વરના દીકરાએ બાબતો સુધારવાના પ્રયત્નો કર્યા. એનાથી, ઘણા લોકો ખુશખબર પર વિશ્વાસ કરી શક્યા.
૧૩ બીજાઓને મદદ કઈ રીતે કરવી એ ઈસુનું ઉદાહરણ શીખવે છે. કદાચ કોઈ ગુસ્સામાં તોછડાઈથી કહે કે, “મારે તારી સાથે સંબંધ સુધારવા છે.” એવું વલણ, બીજો તીમોથી ૩:૧૬ની સલાહના સુમેળમાં નથી. એ રીતે વર્તવાની સલાહ “શાસ્ત્ર” આપતું નથી. એવા કઠોર શબ્દો જરાય ઉપયોગી નથી. અરે, એ તો ‘તલવારના ઘા’ જેવા છે, જે ઘણું દુઃખ પહોંચાડે છે!—નીતિ. ૧૨:૧૮.
૧૪-૧૬. (ક) સંબંધ સુધારવા વડીલ કઈ રીતે મદદ કરી શકે? (ખ) બાળકોને ભક્તિમાં સુધારો કરવા બાઇબલ પ્રમાણે મદદ કરવી કેમ જરૂરી છે?
૧૪ તો પછી, સંબંધ સુધારવા આપણે કઈ રીતે ધીરજ અને નમ્રતાના ગુણો બતાવી શકીએ? માની લો કે, એક યુગલ વારંવાર વાદવિવાદ કરે છે. એ અટકાવવા તેઓ વડીલની મદદ માગે છે. વડીલ શું કરશે? કોઈનો પક્ષ લીધા વગર તેઓને બાઇબલ સિદ્ધાંતો જણાવશે. કદાચ, કૌટુંબિક સુખનું રહસ્ય પુસ્તકના પ્રકરણ ૩ની સલાહ પર ચર્ચા કરશે. વડીલના માર્ગદર્શન પ્રમાણે, તેઓ વિચારશે કે પોતે કઈ રીતે એ લાગુ પાડશે. અમુક સમય પછી, વડીલ જાણવા માગશે કે તેઓ હવે કેવું કરી રહ્યાં છે. તેઓને વધારે મદદની જરૂર હોય તો વડીલ પૂરી પાડશે.
૧૫ બાળકો ભક્તિમાં “સુધારો” કરે માટે માબાપ શું કરી શકે? કલ્પના કરો કે, તમારી એક યુવાન દીકરી છે. તમે ચાહો છો કે તે ખોટી સંગતમાં ન પડે. સૌથી પહેલા તો તમારે બધી હકીકતો જાણવી જોઈએ. એ પછી જો ચિંતા કરવાનું કારણ જણાય, તો તેની સાથે વાત કરો. કદાચ, તમે તેની સાથે “યુવાન લોકો પૂછે છે” લેખોમાંથી ચર્ચા કરી શકો. એ પછી, તેની સાથે વધુ સમય પસાર કરો. તે પ્રચારમાં હોય કે કુટુંબ સાથે હોય ત્યારે, તેનાં વલણ પર ધ્યાન આપો. ધીરજ અને નમ્રતા બતાવશો તો, તમારી દીકરી જોઈ શકશે કે તેનામાં તમે પ્રેમથી રસ લઈ રહ્યા છો. આમ, તે કદાચ તમારી સલાહ માનવા તૈયાર થાય અને ખોટા નિર્ણય લેવાનું ટાળે.
૧૬ તબિયતની ચિંતા કરતા હોય, નોકરી છૂટી જવાથી દુઃખી હોય કે બાઇબલનું અમુક શિક્ષણ સ્વીકારવું અઘરું લાગતું હોય, એવા લોકોને ઉત્તેજન આપવા ધીરજ અને નમ્રતા બતાવો. બાઇબલનો ઉપયોગ “સુધારા” માટે કરવાથી યહોવાના ભક્તોને ઘણા ફાયદા થયા છે.
‘ન્યાયીપણાનાં શિક્ષણ માટે ઉપયોગી’
૧૭. આપણે કેમ કદર સાથે શિસ્ત સ્વીકારવી જોઈએ?
૧૭ ‘કોઈ પણ શિક્ષા તરત આનંદકારક લાગતી નથી, પણ ખેદકારક લાગે છે. જોકે, પછીથી તો એ કસાએલાઓને ન્યાયીપણાનાં શાંતિદાયક ફળ આપે છે.’ (હિબ્રૂ ૧૨:૧૧) ઘણા સ્વીકારે છે કે ખ્રિસ્તી માબાપથી મળેલી શિસ્ત જીવનમાં ઘણી ઉપયોગી થઈ. વડીલો દ્વારા યહોવા આપણને શિસ્ત આપે છે. એને સ્વીકારવાથી આપણને જીવનના માર્ગ પર રહેવા મદદ મળે છે.—નીતિ. ૪:૧૩.
૧૮, ૧૯. (ક) “ન્યાયીપણા”થી શિસ્ત આપવા વિશે નીતિવચનો ૧૮:૧૩ની સલાહ કેમ મહત્ત્વની છે? (ખ) પાપ કરનારને વડીલ નમ્રતા અને પ્રેમ બતાવે છે તો શું પરિણામ આવે છે?
૧૮ યોગ્ય રીતે શિસ્ત આપવી એક કળા છે. યહોવાએ જણાવ્યું છે કે આપણે “ન્યાયીપણા”થી શિસ્ત આપીએ. (૨ તીમો. ૩:૧૬) એટલે, આપણે બાઇબલ સિદ્ધાંતોના આધારે સલાહ આપવી જોઈએ. એવો એક સિદ્ધાંત નીતિવચનો ૧૮:૧૩માં જોવા મળે છે. એ જણાવે છે: “હકીકતો જાણ્યા વિના નિર્ણય લેવો - કેટલું શરમજનક, હા, કેટલું મૂર્ખાઈભર્યું!” (IBSI) ધારો કે, કોઈ વ્યક્તિ પર ગંભીર પાપ કરવાનો આરોપ છે. તેની સાથે વાત કરતા પહેલા, વડીલોએ કાળજીપૂર્વક બધી હકીકતો તપાસવી જોઈએ. (પુન. ૧૩:૧૪) એ પછી જ, તેઓ “ન્યાયીપણા”થી શિસ્ત આપી શકશે.
૧૯ વધુમાં, વડીલોને બાઇબલ “નમ્રતાથી” શિસ્ત આપવા સલાહ આપે છે. (૨ તીમોથી ૨:૨૪-૨૬ વાંચો.) ખરું કે, વ્યક્તિએ કરેલા પાપથી કદાચ યહોવાના નામને કલંક લાગે અને નિર્દોષ વ્યક્તિને દુઃખ પહોંચે. તોપણ, જો વડીલ ગુસ્સાથી સલાહ આપશે, તો વ્યક્તિને મદદ નહિ મળે. પણ, જ્યારે ઈશ્વર જેવી “સહનશીલતા” વડીલ બતાવે છે, ત્યારે તે પાપ કરનારને પસ્તાવો કરવા મદદ કરે છે.—રોમ. ૨:૪.
૨૦. બાળકોને શિસ્ત આપતી વખતે માબાપે કયા સિદ્ધાંતો લાગુ પાડવા જોઈએ?
૨૦ બાળકોને ‘પ્રભુનાં શિક્ષણમાં તથા બોધમાં ઉછેરવાં’ માબાપે બાઇબલ સિદ્ધાંતો લાગુ પાડવા જોઈએ. (એફે. ૬:૪) પિતાએ કદી પણ એકતરફી અહેવાલ સાંભળી બાળકને શિક્ષા કરવી ન જોઈએ. હિંસક ગુસ્સાને ખ્રિસ્તી કુટુંબમાં કોઈ સ્થાન નથી. ‘યહોવા ઘણા દયાળુ તથા કૃપાળુ છે.’ (યાકૂ. ૫:૧૧) તેથી, બાળકોને શિસ્ત આપતી વખતે માબાપે એવા પ્રેમાળ ગુણો બતાવવા જોઈએ.
યહોવાની અમૂલ્ય ભેટ
૨૧, ૨૨. ગીતશાસ્ત્ર ૧૧૯:૯૭-૧૦૪ વાંચો ત્યારે, એમાંની કઈ લાગણી તમે બાઇબલ માટે અનુભવો છો?
૨૧ ઈશ્વરના એક ભક્તે જણાવ્યું કે તેમને કેમ યહોવાના નિયમો માટે પ્રેમ છે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૯૭-૧૦૪ વાંચો.) શાસ્ત્રનો અભ્યાસ કરીને, તે જ્ઞાન અને ઊંડી સમજણ મેળવી શક્યા. એની સલાહ માનીને તે એવી ભૂલો કરતા બચી ગયા, જેમાં ઘણા ફસાયા હતા. તેમને એના અભ્યાસથી આનંદ અને સંતોષ મળતા. ઈશ્વરની સલાહ પાળવાથી તેમને જીવનમાં ઘણા ફાયદા થયા. તેથી, ઈશ્વરને આધીન રહેવાનો તેમણે પાક્કો નિર્ણય કર્યો.
૨૨ શું તમે “શાસ્ત્ર”ની કદર કરો છો? એમ કરશો તો, ઈશ્વર તેમનો હેતુ પૂરો કરશે એવી તમારી શ્રદ્ધા વધશે. એમાં આપેલી યહોવાની સલાહ તમને ગંભીર પાપ કરવાથી બચાવશે. બીજાઓને સમજાવવા એનો સારો ઉપયોગ કરો. એનાથી તેઓને જીવનના માર્ગ પર ચાલવા અને ટકી રહેવા મદદ આપી શકશો. ખૂબ જ પ્રેમાળ અને બુદ્ધિશાળી ઈશ્વર યહોવાની ભક્તિ કરીએ ત્યારે, ચાલો બાઇબલનો પૂરો ઉપયોગ કરતા રહીએ.
a ઓર્ગેનાઈઝ્ડ ટુ ડુ જેહોવાઝ વીલ પુસ્તકનું પાન ૭૯ જુઓ.
b શીખવતી વખતે, ઈસુ ઘણી વાર પૂછતા: “તમે શું ધારો છો?” પછી તે જવાબની રાહ જોતા.—માથ. ૧૮:૧૨; ૨૧:૨૮; ૨૨:૪૨.
c પાપી ઇચ્છાઓ સામે લડત આપવા, પાઊલના પત્રોમાંથી ઘણું ઉત્તેજન મળે છે. (રોમ. ૬:૧૨; ગલા. ૫:૧૬-૧૮) તેમણે જે સલાહ આપી હતી એ ચોક્કસ પોતે પણ પાળી હશે.—રોમ. ૨:૨૧.